જેમનું પેટ ભરેલું છે અને જેમને સરકાર પાસેથી કંઈ જોઈતું નથી એવા લોકો સવાયા રાષ્ટ્રવાદી છે. તેમને મનરેગા સફળ થાય કે ન થાય, છેલ્લા માણસનું પેટ ભરાય કે ન ભરાય, બાળમરણ અને ભૂખમરો દૂર થાય કે ન થાય, દલિતોને ન્યાય મળે કે ન મળે, ગ્રામીણ સ્ત્રીઓને પીવાનું પાણી ભરવા ગમે એટલું દૂર જવું પડે, ટૉઇલેટના અભાવમાં બહેનોએ રાતના અંધારામાં ટૉઇલેટ જવું પડે, અદાલતોમાં ન્યાય મોંઘો મળે કે સસ્તો મળે અથવા ટાણે મળે કે મોડો પડે ખાસ કોઈ ફરક પડતો નથી.
આકાર પટેલે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંની તેમની રવિવારની કૉલમમાં એક સરસ વાત કરી છે. દાયકા પહેલાં આકાર પટેલની ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપદે નિયુક્તિ થઈ હતી. તેમણે તેમના પુરોગામી શ્રવણ ગર્ગ પાસેથી તંત્રીપદનો ચાર્જ લીધો અને મૂળ મધ્ય પ્રદેશના વતની શ્રવણ ગર્ગે ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે આકાર પટેલે તેમને પૂછ્યું હતું કે તમને અમારામાં ગુજરાતીઓમાં કઈ અનોખી ચીજ જોવા મળી હતી અને ગુજરાત નરેન્દ્ર મોદી પાછળ ઘેલું હોવાનો તમારો શું ખુલાસો છે? શ્રવણ ગર્ગે જે જવાબ આપ્યો હતો એ વિચારવા જેવો છે અને આજે રાષ્ટ્રીય સ્તરે જે બની રહ્યું છે એ જોતાં વધારે વિચારણીય છે. ‘દિવ્ય ભાસ્કર’ના ભૂતપૂર્વ તંત્રીએ કહ્યું હતું કે શહેરી ગુજરાતીઓની સરકાર પરની નિર્ભરતા નહીંવત્ છે એટલે શહેરી ગુજરાતીઓ સરકાર પાસેથી માત્ર પોતાની સલામતીની અપેક્ષા રાખે છે.
વાત આમ છે. જેમનું પેટ ભરેલું છે અને જેમને સરકાર પાસેથી કંઈ જોઈતું નથી એવા લોકો સવાયા રાષ્ટ્રવાદી છે. તેમને મનરેગા સફળ થાય કે ન થાય, છેલ્લા માણસનું પેટ ભરાય કે ન ભરાય, બાળમરણ અને ભૂખમરો દૂર થાય કે ન થાય, દલિતોને ન્યાય મળે કે ન મળે, ગ્રામીણ સ્ત્રીઓને પીવાનું પાણી ભરવા ગમે એટલું દૂર જવું પડે, ટૉઇલેટના અભાવમાં બહેનોએ રાતના અંધારામાં ટૉઇલેટ જવું પડે, અદાલતોમાં ન્યાય મોંઘો મળે કે સસ્તો મળે અથવા ટાણે મળે કે મોડો પડે ખાસ કોઈ ફરક નથી પડતો. નરેન્દ્ર મોદી ૫૬ ઈંચની છાતી બતાવીને સલામતીની ખાતરી આપતા હોય, મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપતા હોય, આ લખનાર જેવા ન્યાય-સમાનતા અને કાયદાના રાજ માટે આગ્રહ ધરાવનારા લોકોને ગાળો ભાંડતા હોય, તેમને હાંસિયામાં ધકેલી દેતા હોય તો બીજું જોઈએ શું?
આ ગુજરાત મૉડલ હતું જે હવે રાષ્ટ્રીય મૉડલ બની રહ્યું છે. છેલ્લા દોઢ દાયકામાં દેશભરમાં શહેરી મધ્યમવર્ગ વિસ્તર્યો છે અને તેમણે ગુજરાતીઓની માનસિકતા અપનાવી લીધી છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર જે લોકો ઍક્ટિવ છે તેઓ આવી માનસિકતા ધરાવે છે અને દિવસમાં બે-ચાર કલાક સોશ્યલ મીડિયા પર વિતાવવાની તેમની પાસે ફુરસદ છે. પેટ ભરેલું છે અને ઉપરથી સરકારનો ઉપયોગ કરતાં તેમને આવડે છે. તેમની નિસ્બત માત્ર એક જ વાતની છે. અંગત એટલે કે શહેરી મધ્યમવર્ગની સલામતી, જેને તેઓ દેશની સલામતી અને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવે છે. એટલે તો દિલ્હીમાં નિર્ભયાની ઘટના બને ત્યારે તેઓ મીણબત્તી લઈને રસ્તા પર ઊતરી આવે છે, પરંતુ ગામડાંમાં ઉજળિયાતના પ્રેમમાં પડેલી દલિત કન્યાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવે ત્યારે તેમનો અંતરાત્મા જાગતો નથી. વધુમાં વધુ તેમની નિસ્બત વિસ્તરીને ભ્રષ્ટાચાર સુધી પહોંચે છે, એનાથી આગળ પહોંચતી નથી. ભ્રષ્ટાચાર તેમની નિસ્બતનો વિષય એટલા માટે છે કે ભ્રષ્ટાચારને કારણે સરકારનો પૂરેપૂરો, ઝડપથી અને નિર્વિઘ્ને ઉપયોગ થઈ શકતો નથી. મનરેગામાં ભ્રષ્ટાચાર હોય એનાથી તેમને કોઈ ફરક પડતો નથી, મેટ્રો અને મહામાર્ગોના બાંધકામમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ.
તો દાયકા પહેલાં જે ગુજરાત મૉડલ હતું એ આજે રાષ્ટ્રીય મૉડલ બની રહ્યું છે અને એ ચિંતાનો વિષય છે. ફુરસદવાળા લોકો અપપ્રચાર કરીને પોતાના વર્ગીય હિતમાં દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે એનું તેમને ભાન નથી અને જો ભાન છે તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેમનાં સંતાનો અમેરિકા, કૅનેડા કે ઑસ્ટ્રેલિયા વસવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યાં તેઓ ભારતીય શહેરી મધ્યમવર્ગ કરતાં પણ સવાયા રાષ્ટ્રવાદી બનવાના છે. આપણા કરતાં અનિવાસી ભારતીયો વધારે આકરા રાષ્ટ્રવાદી છે, કારણ કે તેમને તો સરકાર પાસેથી સલામતી સુધ્ધાંની અપેક્ષા નથી. બસ, અમારી પાછળ છૂટી ગયેલી ભૂમિ આબાદ રહે. અમારો ધર્મ, અમારી ભાષા, અમારા સંસ્કાર, અમારી પરંપરા આબાદ રહે. કયા સંસ્કાર અને કઈ પરંપરા? એ જ જે અમે પાછળ મૂકીને આવ્યા છીએ એમાં તસુભાર પણ ફરક ન પડવો જોઈએ. એટલે તો કન્યાની શોધમાં નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ ભારત આવે છે. સંસ્કાર અને પરંપરા બચાવવાની જવાબદારી પણ એ લોકો ભારતથી આયાત કરેલી સ્ત્રી પર લાદે છે એવા આ ધકધકતા રાષ્ટ્રવાદીઓ છે. વાસ્તવમાં આ કાયર રાષ્ટ્રવાદીઓ છે જેને જાણીતા સમાજશાસ્ત્રી બેનેડિક્ટ ઍન્ડરસને ઇમેજિન્ડ કમ્યુિનટીઝ તરીકે ઓળખાવી છે. તેમને મુંબઈ મૅનહટન જેવું જોઈએ છે, પરંતુ મૂલ્યો? નહીં, મૂલ્યો તો જૂનાં જ જળવાવાં જોઈએ.
જેમની સરકાર પાસેથી પોતાની સલામતી (જેને તેઓ દેશની સલામતી તરીકે ઓળખાવે છે) સિવાય કોઈ અપેક્ષા નથી એવા લોકો આજે રાષ્ટ્રીય ચર્ચાને હાઇજૅક કરી ગયા છે. આવો બળાપો દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ કાઢ્યો છે જેને બહુ ઓછાં અખબારોએ પહેલા પાનાને લાયક સમાચાર ગણ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે કહ્યું છે કે હવે સરકારના કામકાજનું સોશ્યલ ઑડિટિંગ કરવું પડે એવો સમય આવી ગયો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ પ્રશ્ન કર્યો છે કે દેશમાં પેન્ડિંગ કેસોનો ભરાવો થઈ રહ્યો હોય, કાચા કેદીઓ વગર સજાએ જેલમાં સબડી રહ્યા હોય, ન્યાય જેવી અમૂલ્ય ચીજ દેશના અદના નાગરિકને સુલભ ન થતી હોય ત્યારે દેશની વડી અદાલતોમાં (વડી અદાલતોમાં, નીચલી અદાલતોની વાત તો જવા દો) ન્યાયમૂર્તિઓની અડધી જગ્યાઓ ખાલી પડી હોય એ ગંભીર બાબત નથી? મુખ્ય ન્યાયમૂર્તિએ બળાપો કાઢ્યો છે કે મહિનાઓથી નિમણૂકની ભલામણો સરકાર પાસે પડી છે, પરંતુ સરકાર નિમણૂકો કરતી જ નથી.
આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જાણીબૂજીને નિમણૂકો કરવામાં નથી આવતી. જો નિમણૂકો કરવામાં આવે તો કન્હૈયાને વગર ગુને જેલમાં ન રાખી શકાય અને નકલી રાષ્ટ્રવાદનું રાજકારણ ન કરી શકાય. જો નિમણૂકો કરીને ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવે તો બૅન્કોને સવા લાખ કરોડ રૂપિયાનો ચૂનો લગાડનારા લોકોને કદાચ સજા થાય અને તેમની સંપત્તિ જપ્ત થાય. જો ન્યાયતંત્રને સજ્જ કરવામાં આવે તો રાજકીય પક્ષોએ આવકનો હિસાબ આપવો પડે. ટૂંકમાં ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવે તો દેશના આમ આદમીની મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય, પણ બીજી બાજુ શાસકવર્ગ માટે અને ખાસ આદમી માટે સમસ્યા શરૂ થાય. રાષ્ટ્રવાદનું રાજકારણ કરનારાઓ આ વાત જાણે છે, પરંતુ ઘેલા રાષ્ટ્રવાદીઓ આ જાણતા નથી અથવા જાણે છે તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. અધૂરિયાઓ અને સ્વાર્થીઓ સોશ્યલ મીડિયા દ્વારા આજે નૅશનલ ડિસકોર્સ હાઇજૅક કરી ગયા છે જેનો શાસકો લાભ લે છે. એટલે મુખ્ય ન્યાયમૂર્તિએ કહેવું પડ્યું છે કે હવે સરકારના કામકાજનું સોશ્યલ ઑડિટિંગ થવું જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 ફેબ્રુઆરી 2016