Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો ઇન્સાન બનાવીએ

આશા બૂચ|Opinion - Opinion|28 February 2016

થોડા દિવસ પહેલાં દિલ ધડકાવનાર સમાચાર મળ્યા કે Ligoએ Black Holeમાં ચુંબકીય મોજાંની શોધ કરી. આ એક અસાધારણ સિદ્ધિ માનવ જાતને ચોપડે લખાઈ. એવું જ ઇબોલા તથા Zika જેવા જીવલેણ કીટાણું સામે પણ દુનિયા આખી એક થઈને સામનો કરે છે; અને વૈજ્ઞાનિકો દેશ, જાત પાત કે ધર્મના ભેદ વિના સહુને તેમાંથી ઉગારવા કટિબદ્ધ થઇ રહ્યા છે. ખરેખર આવા અનેક શુભ સમાચારો થકી મનુષ્યની શક્તિ માટે માન ઉપજે અને જીવન જીવવાલાયક લાગે એ હકીકત છે.

તો બીજી બાજુ સમાચાર માધ્યમો સતત સીરિયામાં ચાલતા આંતર વિગ્રહને પરિણામે લાખો લોકો બેઘર બન્યા, વિસ્થાપિત થયા, પોતાનો દેશ છોડીને ચાલી નીકળ્યા અને નિરાશ્રિત બનીને શરણાર્થીનું બિરુદ મેળવી જિંદગી જીવવા પાંચ પાંચ વર્ષથી મથામણ કરી રહ્યાના દુ:ખદ સમાચારો રેલાવતા રહે છે. જાણે કે હાલમાં એક પણ દેશ આંતરિક કે આંતર દેશીય અશાંતિનો અનુભવ કરવામાંથી બાકાત રહ્યો હોય તેવું નથી લાગતું. જુઓને બે વિશ્વયુદ્ધો ખેલાયાં પછી યુનાઈટેડ નેશન્સની સ્થાપના થઈ અને એવી આશા બંધાયેલી કે આવા બબ્બે મોટા સંહારમાંથી માનવ જાતે પાઠ લીધો અને હવે અંદરો અંદર અને પરસ્પર સમજુતીથી રહેશે અને સંઘર્ષનો નિવેડો શાંતિથી લાવશે. પણ ના, હોલોકોસ્ટ પછી તો વિયેટનામ, રુવાન્ડા અને બોસ્નિયાના સામૂહિક હત્યાકાંડ થયા, ત્યારે એમ થાય કે આપણે ભૂતકાળની ભૂલોમાંથી કશું ન શીખ્યા? સંઘર્ષ અને લડાઈનાં કારણો માત્ર જુદા જુદા ધર્મ વચ્ચેના મતભેદો જ છે? એમ તો જેનોસાઈડ – સામૂહિક હત્યા કયા કયા કારણે થાય છે, એ તપાસીએ તો ધર્મ, જાતિ, દેખાવ, શારીરિક કે માનસિક અપંગાવસ્થા, જુદી જીવન પદ્ધતિ અને બાપ દાદાના જમાનાથી ચાલતા આવેલ વેર જેવાં અનેક કારણો જોવા મળશે. આવા હત્યાકાંડ ખેલાય તે આજકાલની વાત નથી, પરાપૂર્વથી ચાલ્યું આવે છે. પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરેલી, એ કિંવદંતી હોય તો પણ એ શું બતાવે છે?

આવે સમયે માદરે વતનના 21મી સદીમાં શા હાલચાલ છે, એ તપાસ્યા વિના ચેન ન પડે. ભારત બી.જે.પી.ના શાસન હેઠળ પ્રગતિની હરણફાળ ભરી રહ્યાના સમાચારોની શાહી સુકાઈ નથી, ત્યાં વાણી સ્વાતંત્ર્ય અને અન્ય મૂળભૂત માનવ અધિકારોનાં ખંડનને પરિણામે થતા અન્યાયો, જાનહાનિ અને હિંસક બનાવોનો ધોધમાર વરસી રહ્યો છે. કોઈ યુવાનની પ્રેમ ચેષ્ટાને અવગણવા બદલ કે તેના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવવા બદલ થતો એસીડ એટેક હો કે નક્સલવાદી સમૂહોનાં હિંસક પગલાં હો, ભારત દેશમાં એક યા બીજા મુદ્દે, વ્યક્તિગતથી માંડીને સમૂહગત હિંસા જાણે હઠવાનું નામ નથી લેતી.

તેવામાં મનને શાતા વળે એટલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે બે ચાર જૂનાં ગીતોની વીડિયો ક્લીપ જોવામાં આવી, અને થયું, કાશ, તે ગીતોમાં વ્યક્ત થયેલી ભાવનાઓ સાકાર પામી હોત! કેટલાક વાચકોને ‘ગંગા જમના’ ફિલ્મનું ‘ઇન્સાફ કી ડગરપે બચ્ચો સીખાઓ ચલકે, એ દેશ હૈ તુમ્હારા નેતા તુમ હી હો કલ કે’ એ ગીત સાંભળ્યાંનું યાદ હશે. એવું જ દિલને વિચાર કરતા કરી મુકે એવું ‘ધૂલકા ફૂલ’નું ગીત ‘તુ ન હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ એ પણ સાંભળ્યું હશે. એ ફિલ્મ જોઈ અને ગીતો ગાતાં ત્યારે મનમાં ખરેખર એક આશા બંધાયેલી કે ભારતમાં એવા સુવર્ણ મઢ્યા દિવસો જરૂર આવશે. આજે સાડા છ દાયકે જરા નજર માંડીને હાલની પ્રજાનું બદલતું જીવન, તેના ઘસાતાં મૂલ્યો અને વધતી જતી અશાંતિનાં કારણો શોધતાં વિચાર આવે કે સ્વતંત્ર થયા પછી આપણે આપણી નવી પેઢીને એ સ્વપ્નો સાકાર કરવા આપણે યોગ્ય જમીન પૂરી પાડેલી? શિક્ષણ અને સંસ્કારોરૂપી જળ સિંચન કરેલું? સાચું બિયારણ વાવેલું કે આકડાનાં બીજમાંથી આંબાની અપેક્ષા રાખેલી?

સ્વતંત્ર દેશનાં બાળકો આવતી કાલના નાગરિક અને નેતા બને એ માટે તેમને સચ્ચાઈના માર્ગે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવાના એટલે કે શુદ્ધ સાધનો દ્વારા મંઝીલ સુધી પહોંચવાના રસ્તા બતાવ્યા હોત, તો રગેરગમાં વ્યાપી ગયેલ ભ્રષ્ટાચાર અને અસત્યાચરણ જીવનના દરેકે દરેક પાસાને કોરી ન ખાતા હોત. અપેક્ષા હતી ભારતીય યુવા પેઢી દુનિયાને ઉન્નત બનાવે તે રીતે બદલી નાખશે, તેને બદલે ઘેટાંની માફક ભૌતિક સુખો પાછળ આંધળુકિયા કરી દોડનાર પ્રજા બની. જો કે તેમાં અપવાદ રૂપ અનેક વૈજ્ઞાનિકો, વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરનારાઓ અને સાહસિકો પાક્યા છે, જેમની ગણના સાદર કરવી રહી. ભ્રષ્ટાચાર અને અસત્યાચરણના પરિણામ સ્વરૂપ કે કારણભૂત જોવા મળતી એક પરિસ્થિતિ તે ભારતની કાયદા અને ન્યાયની નબળી વ્યવસ્થા. કયા ધર્મ, વર્ગ કે પ્રાંતમાં જન્મ્યા છો એ પરથી ન્યાય તમારી તરફેણમાં મળે કે વિરુદ્ધમાં એવી હાલત કાયમ રહી છે જે અત્યંત ખેદ જનક છે. આર્થિક, સામાજિક અને રાજકીય અસમાનતા આપણને સ્વતંત્ર થયા ત્યારે વારસામાં મળેલી અને તેને દૂર કરવા હિમાલય જેવી અડગ નિર્ણય શક્તિ, સાગર જેવડી ઉદારતા અને નર્મદાની ખીણ જેટલી ઊંડી સમજની જરૂર હતી. સમાજના દરેક સ્તરના લોકોને પાયાની જરૂરિયાતો મળી રહે અને સહિયારો વિકાસ થાય એ માર્ગ ખૂબ કઠીન હોય છે. 1940-50ના દાયકામાં જન્મેલાં બાળકોને એ હિંમત, આત્મવિશ્વાસ અને કુશળતા કેળવવાની તાલીમ આપવામાં આપણે ક્યાંક થાપ ખાઈ ગયા હોઈશું કે જેથી કરીને એ કપરાં ચઢાણ જોઈને તેને હામ ભીડી, પાર કરવાને બદલે આસાન માર્ગે થઈ પોતાના એકલાના પેટ ભરવાના સાધનો મેળવી સંતોષ માનીને બેસી રહેનાર પ્રજા બની રહી.

છેલ્લાં કેટલાંક વર્ષોથી માનવતા જાણે પાછળ પગલાં ભરી રહી છે. ધર્મ, રંગ, જાત-પાત અને લિંગના ભેદોને કોરાણે મૂકી પરસ્પર સમજણ કેળવી એખલાસભર્યું જીવન જીવવાનાં મંડાણ થયેલાં. પરંતુ હમણાં જાણે તેમાં ઓટ આવી છે. વિશ્વયુદ્ધો અને શીત યુદ્ધના ઓછાયા ઓસર્યા ત્યાં આંતરિક કલેશ, જાતિ અને ધર્મ આધારિત ભેદને નામે આતંકવાદ વકરી પડ્યો છે. ભારત ગૌરવ લઈ શકે તેમ છે કે દુનિયા આખીમાં જેટલી પ્રાકૃતિક, માનવ સ્રોતોનું, ધર્મોનું, ભાષાનું, ખોરાક અને પોશાકનું, અને સંસ્કૃિતનું વૈવિધ્ય છે, એ તમામ ભારતમાં જોવા મળશે. તો સાથે સાથે તેણે એ પણ કબૂલ કરવું પડશે કે દુનિયા આખીમાં જે પ્રશ્નો છે, એ તમામ ભારતમાં પણ વધતે ઓછે અંશે જોવા મળશે. તેમાં ય છેલ્લા બે-ત્રણ દાયકાઓથી ભારત પણ સતત આતંકવાદનો ભોગ બન્યું છે. અહીં કેટલાક લોકો એ માટે અન્ય દેશ, લઘુમતી કોમ અને લોકશાહી સિવાયની વિચારધારાને દોષિત ઠરાવશે. પરંતુ માનો કે સ્વતંત્રતા બાદ ભારતનો નવજન્મ થયો માનીએ તો દરેકે દરેક બાળકને જન્મતાંની સાથે તું અમુક જ્ઞાતિ કે ધર્મનો છો, માટે તું અમુક કરી શક, બીજાને અમુક અધિકારો ન આપી શકાય તેવું શિક્ષણ આપવાને બદલે એ માત્ર માનવ બાળ છે અને બીજા જેટલા જ અધિકારો તેને છે અને બીજાને પણ તેની બરોબરી કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે તેમ આપણે શીખવેલું? તો આજે ‘અનામત’ની હોળી સળગી છે એ ન બન્યું હોત. પેલા ગીતમાં કહ્યું છે એ તદ્દન સાચું છે કે કુદરત કહો કે ઈશ્વર, તેણે તો માત્ર ઇન્સાન બનાવ્યો, આપણે તેને હિંદુ-મુસલમાન, બ્રાહ્મણ, અંત્યજ બનાવ્યો. કુદરતે જળ, જમીન અને જંગલ બનાવ્યાં, આપણે તેના પર લકીર ખેંચીને દેશ બનાવ્યા, તે શું લડાઈ ઝઘડા કરવા માટે જ ને? બેશક મંદિર-મસ્જિદ તોડો, બુલ્લે શાહ યહ કહતા; પર કિસીકા દિલ ન તોડો, ઉસમેં ખુદા હૈ રહતા. આવી શાણપણ ભરી શીખ અનેક સૂફી સંતો અને હિંદુ મહાત્માઓ આપી ગયા, તે આપણે ન તો શીખ્યા, ન આપણી નવી પેઢીને શીખવાડી.

મારે અનેક ધર્મના અને વિવિધ સંસ્કૃિતક તરાહના લોકોને મળવાનું બને છે અને એ તમામને મોઢે સંભાળું છું કે એક પણ ધર્મ, ધર્મગુરુ કે ધાર્મિક પુસ્તક પોતાના કે અન્યના ધર્મના લોકોને નફરત નથી શીખવતો, એક પણ મઝહબ બીજાને પોતાના પગ નીચે કચડવાનો બોધ નથી આપતો. તો પછી મંદિરમાં જનાર તોરા વાંચે અને સમજે અને ચર્ચમાં જનારાઓ ગુરુ ગ્રન્થ સાહિબ વાંચે અને સમજે તો દુનિયામાં અમ્ન-શાંતિ સુલેહનું રાજ્ય હોત ! દરેક સામાન્ય નાગરિકને કહેતો સંભાળ્યો છે કે આજની વિષમ પરિસ્થિતિ માટે આ રાજકારણીઓ જ જવાબદાર છે. અરે ભાઈ, લોકશાહી દેશોમાં તો તમે જ એમને ચૂંટીને મોકલો છો, તો શું તમે એમાં ભાગીદાર ન કહેવાઓ? વળી આપખુદ કે તાનાશાહી રાજ્ય વ્યવસ્થામાં પણ પ્રજા ધારે તો તેના શાસકને જરૂર પાઠ ભણાવી શકે. માત્ર શરત એટલી કે ન્યાય અને શાંતિ સ્થાપવાનું ધ્યેય શસ્ત્રો ઉપાડવાથી સિદ્ધ નહોતું થયું, નથી થતું કે નહીં થાય એ જેટલું જલદી સમજીને સ્વીકારીશું એટલું જલદી તેનો વિકલ્પ પણ શોધીશું.

માનવ જાતે અગણિત સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે વૈજ્ઞાનિકો, શિક્ષકો, ખગોળશાસ્ત્રીઓ, વકીલો, અવકાશયાત્રીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા અસંખ્ય ક્ષેત્રોમાં અત્યંત કુશળ વ્યાવસાયિકો બનાવ્યા. પણ લાગે છે કે હજુ આપણે ઇન્સાન નથી બનાવ્યા. ડોક્ટર કે વકીલ પોતાની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપે, શિક્ષક પોતાના જ વિદ્યાર્થીનું જાતીય શોષણ કરે, વેપારી ગ્રાહકોને છેતરીને લૂંટે, રાજકારણીઓ પોતાની પ્રજાને વિના કારણે મોતના મુખમાં ધકેલે, ત્યારે તેઓમાં માનવની ગેરહાજરી મહેસૂસ થાય. માણસનો જન્મ તેના માતા-પિતાને ઘેર થાય, તેનું ભરણપોષણ અને પાયાના સંસ્કારનું સિંચન તેઓ અને કુટુંબીઓ કરે, વિધિવત શિક્ષણ અને ઇન્દ્રિયોની સર્વાંગી કેળવણી શાળા-કોલેજમાં પ્રાપ્ત થાય, સમાજ અને બૃહદ્દ સમૂહો તેનું ઘડતર કરે, રાજકારણીઓ તેમને ઇંધણ પૂરું પાડે અને ધર્મ તથા સમાજના નેતાઓ તેમને દિશા સૂચવે. અને આથી જ તો એ બધાએ સાથે મળીને હવે માનવીને માનવ બનાવવા એક સાથે મળીને કટિબદ્ધ બનવું પડે એવા પડાવ પર આવી ગયાં છીએ. કોઈ જજ ન બને તો વાંધો નહીં, કોઈ સ્ત્રી મોટી કંપનીની માલિકણ ન બને તો ફિકર નહીં, પણ તે બંન્ને અન્યના વિચારો, માન્યતાઓ, લાગણીઓ અને જરૂરિયાતો સમજી, પોતાની ફરજો સંપૂર્ણપણે બજાવનારા માનવ બને એવો ઉછેર અને તાલીમ આપવાની તાતી જરૂર ઊભી થઇ છે.

આ લેખ લખવા જે બે ગીતોએ મનને ધક્કો માર્યો તે અહીં વાચકો માટે જોડું છું.

https://youtu.be/3DUoUULuWNM

https://youtu.be/jqcyUkUFzrc

e.mail : 71abuch@gmail.com

Loading

28 February 2016 આશા બૂચ
← Different Shades of Diaspora — My Lived Experiences from East Africa
શાસકોનો સ્વાર્થવાદ અને અધૂરિયાઓનો રાષ્ટ્રવાદ →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved