“હું એકલી આખા જગતને બદલી ન શકું, પણ પાણીમાં એક નાનો પથ્થર નાખીને અસંખ્ય વમળ પેદા કરી શકું।”
— મધર ટેરેસા
“હૃદયને તાલીમ આપ્યા વિના માત્ર બુદ્ધિને શિક્ષણ આપવું તે ખરી કેળવણી નથી.”
— એરિસ્ટોટલ
આ બે અવતરણો તોરણની માફક શ્રોતાઓનું સ્વાગત કરતા, એક સભાખંડના પ્રવેશદ્વારે બે બાજુ નમ્રતાથી ઊભા હતા, એવા એક કાર્યક્રમમાં હજાર રહેવાની મને તાજેતરમાં તક મળી.
માન્ચેસ્ટર સ્થિત મીરિયાડ ફાઉન્ડેશન અને હ્યુમન અપીલના સંયુક્ત ઉપક્રમે, Community Champion Award – સામાજિક કાર્યકરોના વિજેતાઓ માટેનો શિરપાવ આપવા, એક કાર્યક્રમ યોજાયેલો. પહેલાં મીરિયાડ ફાઉન્ડેશન શું કાર્ય કરે છે તે જાણીએ. દુનિયામાં ઠેકઠેકાણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં થતા અત્યાચારો અને આંતરિક તેમ જ બાહ્ય સંઘર્ષોના પ્રતિસાદ રૂપે આ નાનકડું સંગઠન આકાર પામ્યું. તેમનો હેતુ સમાજમાં હકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનો મહત્ત્વનું પ્રદાન કરે એવાં કાર્યો કરવાનો છે. મૂળે કેટલાક મુસ્લિમ ભાઈબહેનોએ સાથે મળીને ઇસ્લામના ઉસૂલો મુજબ બૃહદ્દ સમાજના સભ્યોની જરૂરિયાતો પ્રમાણે તેમને સહાય રૂપ થવા વિવિધ પ્રવૃત્તિઓ શરુ કરી, જેમ કે સૂપ વિથ સ્માઈલ (જેમાં ઘરબાર વિહોણાંઓને સૂપ અને બ્રેડ વહેંચવાનું કામ થાય છે), રક્તદાન કરવું, હોસ્પીસમાં દાખલ કરાયેલ દરદી સાથે દોસ્તી કરી તેમને માનસિક ટેકો આપવો, ગરીબીની રેખા નીચે જીવતાં લોકોને મસ્જિદ દ્વારા એકઠો કરાયેલ ખોરાક પૂરો પાડવો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મિત્ર ગણી ભોજન આપવું, વગેરે સત્કાર્યો થાય છે. આ પ્રવૃત્તિમાં હવે મુસ્લિમ સિવાયની વિવિધ કોમના યુવકો-યુવતીઓ જોડાયાં છે.
મીરિયાડ ફાઉન્ડેશને આ વર્ષે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની આસપાસના સમાજ માટે જે કાર્યો કરે છે તેને બિરદાવવા Community Champion Award એનાયત કરવાનું ઠરાવ્યું. મીરિયાડ ફાઉન્ડેશન માને છે કે શિક્ષણ શાળાની દીવાલોમાં સીમિત ન રહેવું જોઈએ. કેટલીક શાળાઓ આ સિદ્ધાંતને અનુસરીને અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરે જ છે, તેમને પ્રકાશમાં લાવવાનું આયોજન થયું. વિદ્યાર્થીઓ નિ:સ્વાર્થ સેવાનાં કાર્યો કરે તેમને પ્રોત્સાહન આપીને અને બિરદાવીને આપણે વિદ્યાર્થીઓને સર્વતોમુખી પ્રતિભા કેળવવામાં અને સમાજમાં કોમી એખલાસ વધારવામાં ફાળો આપી શકીએ છીએ. તેથી જ તેઓ સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવા પ્રતિબદ્ધ થયેલ વિદ્યાર્થી આલમનો વાંસો થાબડવા કટિબદ્ધ થયા.
બૃહદ્દ માન્ચેસ્ટરમાંથી બારેક શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓની સેવાર્થી પ્રવૃત્તિઓના અહેવાલો મોકલી આપીને ભાગ લીધેલો, જેમાંથી ચાર શાળાઓને પસંદ કરી, તેમની વચ્ચે આખરી હરીફાઈ યોજાઈ. એ ચારે ય શાળાઓ વિવિધ પ્રકારની અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા પોતાના સ્થાનિક સમાજ, દેશના અને વિદેશના સમૂહોને મદદરૂપ થાય છે. એ પ્રવૃત્તિઓની યાદી ઘણી લાંબી હતી, પરંતુ દ્રષ્ટાંત આપું તો શાળાની આસપાસના વિસ્તારોની સફાઈ કરવી, વિદ્યાર્થીઓનાં માતા-પિતા કે દાદા-દાદી, નાના-નાનીને કમ્પ્યુટર વાપરતાં શીખવવું, જેલના કેદીઓની મુલાકાત લેવી, હસ્તકળાની વસ્તુઓ બનાવી, વેંચીને ઊભા કરેલ ફાળામાંથી આ દેશના અપંગ બાળકોને માટે સુવિધાઓ ઊભી કરવી, કેનિયા જેવા દેશના ખૂણાનાં ગામડાંમાં આવેલ શાળા માટે મકાન બાંધવા અને શિક્ષકોના પગાર માટે ફાળો એકઠો કરવો, વિદ્યાર્થીઓ અને શાળાની આસપાસ રહેનારા નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે જાગૃતિ કેળવાય તે માટે દોડ અને રમત-ગમતનું આયોજન કરવું, પ્રવાસ પર્યટનો દ્વારા પર્યાવરણની જાળવણી માટે સક્રિય થવું વગેરે અસંખ્ય પ્રવૃત્તિઓ થતી જાણવામાં આવી. આ હરીફાઈને અંતે ગેટલીની કિંગ્સ વે હાઇ સ્કૂલને વિજેતા જાહેર કરવામાં આવી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સતત વિચાર આવતો રહ્યો કે જો આ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાઓમાં પાસ થવા માટે જ ભણવાનું કહેવામાં આવતું હોત, તો તેઓ આમાનું કંઈ પણ કરી શકે ખરા? શાળામાં અભ્યાસ પાછળ સમય આપ્યા બાદ એમની પાસે સમય કેવી રીતે બચતો હશે કે જેથી આવી પ્રવૃત્તિઓ કરી શકે? તેની પાછળ તેમનાં માતા-પિતાનો સંપૂર્ણ ટેકો હશે, શિક્ષકો પણ પૂરતું માર્ગદર્શન અને પોતાનો ઘણો સમય અને આયોજન શક્તિ આપતા હશે, તે વિના આવી સિદ્ધિ ન મળી શકે. હવે વિચાર કરો કે આ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ તો ઉચ્ચ ગુણ સાથે પાસ કરશે જ પરંતુ તેમને તેમના પોતાના જ સમાજના આબાલ વૃદ્ધ, યુવાનો, દેશના અને વિદેશના લોકો કે જેઓ તેમના જેટલા નસીબદાર ન હોય, જેઓ કોઈ ને કોઈ શારીરિક કે આર્થિક મુશ્કેલીને કારણે માનવ અધિકારોથી વંચિત રહ્યા હોય તેમના વિષે ન માત્ર જાગૃતિ આવી હોય પણ તેમને કેવી રીતે સહાયભૂત થવું તેની પણ તાલીમ મેળવીને ઉમદા નાગરિક બની શકે તેવી તકો તેમને મળી. આવા યુવાનો બીજા માટે નિસ્બત ધરાવનારા બને એ નિ:શંક છે.
અહીં નોંધ એ વાતની લેવાની રહે છે કે સાંપ્રત સમયમાં એક કોમ વિષે વિશેષે કરીને નકારાત્મક વલણોનો પ્રવાહ જોર પકડતો જાય છે, તેના જવાબ રૂપે કેવી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી?! ઈબ્ન રશીદે કહ્યું છે, “અજ્ઞાનતા ભયને જન્મ આપે છે, ભયથી નફરત પેદા થાય છે અને નફરત હિંસા તરફ દોરી જાય છે.” મીરિયાડ ફાઉન્ડેશન અને આ શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની આસપાસ અને દૂર-સુદૂરના તમામ લોકો માટે જે નિ:સ્વાર્થ અને નિ:શુલ્ક સેવા આપે છે તેનાથી અજ્ઞાન, ભય, નફરત અને પરિણામે થતી હિંસા અટકાવી શકાય; નહીં કે સુપર પાવર ગણાતા દેશોના નેતાઓની મોંઘી દાટ સમીટમાં કર્મ વિનાના માત્ર ભાષણોથી અટકી જાય. કોમી વિખવાદ અને પરિણામે ફેલાતા દાવાનાળ સળગી ઊઠે ત્યારે સામાન્ય નાગરિકો અને શિક્ષિત ગણાતા લોકો ‘આપણાથી શું થઈ શકે? એ તો સરકારની જવાબદારી છે, આ બધો વિનાશ થતો રોકવાની’ તેમ કહી હાથ પર હાથ મૂકીને મૌન બેસી રહે છે. આવા જ બનાવોના સંદર્ભમાં માર્ટીન લ્યુથર કિંગ જુનિયરે કહેલું, “આખર આપણને આપણા દુ:શ્મનોના શબ્દો યાદ નહીં રહે પણ આપણા મિત્રોએ તે વખતે સેવેલું મૌન યાદ રહેશે.”
આવી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનો મધર ટેરેસાના વિધાનને અનુસરીને પોતે દુનિયા આખી બદલી ન શકે એ જાણતા હોવાથી જળમાં એક નાની અમથી કાંકરી રૂપ આવા સેવામય કાર્યો હાથ ધરીને દયા અને કરુણાના વમળો પેદા કરવાનો પુરુષાર્થ કરે છે. એટલે જ્યારે જ્યારે કોઈ પણ સમાજનું કોમી પોત પાતળું પડતું જણાય, ત્યારે ત્યારે શાળાઓના સંચાલકો અને શિક્ષકો આવી પ્રવૃત્તિઓ હાથ ધરે અને અન્ય સંગઠનો તેને પ્રોત્સાહન તથા બિરદાવવા આગળ આવે તે ખૂબ અગત્યનું છે.
જો કે હું તો માનું છું કે માત્ર સંકટ સમયના પ્રતિસાદ રૂપે જ નહીં, પણ શિક્ષણ અને સમાજના સહિયારા સાહસ રૂપે આ પ્રકારના પ્રકલ્પો કાયમ માટે ચાલુ રહે તો વિદ્યાર્થીઓ ઉત્તમ નાગરિકો બને અને સમાજને સુદ્રઢ અને એકસૂત્રે બંધાઈ રહેવાનો માર્ગ મળે. અભ્યાસક્રમમાં નક્કી કર્યા પ્રમાણે પાઠ્યપુસ્તકિયા ભણતર ઉપરાંત આવી પ્રવૃત્તિઓ કરવાથી જ એરિસ્ટોટલે કહ્યું છે તેમ બુદ્ધિ ઉપરાંત હૃદયને તાલીમ મળે અને ભાવિ નાગરિકો માત્ર શિક્ષણ નહીં પણ ઉત્તમ કેળવણી મેળવીને સમાજને નિભાવી શકે, આગળ વધારી શકે એવા પ્રબળ યુવાનો બનશે. વિચારો કે શું વધુ ખરાબ છે, નફરત ફેલાવવી કે ગુનાઓમાં ફસાવું કે તે માટે કંઈ પણ કરવા માટેની નિષ્ફળતા? યાદ રહે કે સમાજના એકે એક ઘટકને માટે જેમ નફરત અને ગુનાખોરીથી દૂર રહેવું એક પવિત્ર ફરજ છે, તેમ જ એ માટેનાં બીજ ન રોપાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું અને તે માટે આવી રચનાત્મક અને સકારાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવી એ હજાર દરજ્જે સારું છે. કોઈ દેશની કોઈ સરકાર આ માટે પહેલ નહીં કરે કે સુવિધા નહીં આપે, માટે દરેક નાગરિક, શિક્ષણ સંસ્થા અને સ્વૈચ્છિક સંગઠન એકમેકની સાંકળ રચીને આવાં કાર્યોમાં સંલગ્ન થાય તો સમાજમાં એખલાસ અને સુમેળનું વાતાવરણ પેદા થશે અને જળવાશે.
e.mail : 71abuch@gmail.com