ટિપિકલ ઇન્દિરા ગાંધી. એ જ લક્ષણ અને એ જ ભાષા. જાણે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે, અસંતોષની શરૂઆત યુનિવર્સિટીઓના કૅમ્પસમાં થઈ હતી. ૧૯૭૩ના ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું અને એ પછી બિહારમાં એનાથી પણ મોટું આંદોલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. ૧૯૭૪ના અંત સુધીમાં ઇન્દિરા ગાંધીની પ્રતિષ્ઠા ઝાંખી પડી ગઈ હતી અને ઇન્દિરા ગાંધીના પતનમાં વિદ્યાર્થીઓનો મોટો હાથ હતો. નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના કૅમ્પસથી વધારે સાવધાન રહેવાની જરૂર છે
સાવચેત રહેવાની જરૂર : ગુજરાતના નવનિર્માણ આંદોલન વખતે આંદોલનના સમર્થનમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સભાને સંબોધતા ૨૪ વર્ષના નરેન્દ્ર મોદી. જે નરેન્દ્ર મોદી વિદ્યાર્થી આંદોલનના પ્રોડક્ટ હતા એ આજે ટાર્ગેટ બની રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઓડિશામાં એક રૅલીને સંબોધતાં કહ્યું હતું કે તેમને અને તેમની સરકારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીની ભાષામાં તેઓ મારી સરકારને અસ્થિર કરવા માગે છે અને એમાં વિદેશી પૈસા લેતાં સ્વયંસેવી સંગઠનોનો હાથ છે, પરંતુ દેશસેવા કરવામાં હું કટિબદ્ધ છું. ટિપિકલ ઇન્દિરા ગાંધી. એ જ લક્ષણ અને એ જ ભાષા. જાણે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
૧૯૭૧ના ફેબ્રુઆરીમાં લોકસભાની વચગાળાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસને લોકસભાની એ સમયની કુલ ૫૧૮ બેઠકોમાંથી ૩૫૨ બેઠકો મળી હતી. ૩૫૨ બેઠકો એટલે બે-તૃતીયાંશ કરતાં વધુ બેઠકો થઈ. પૉપ્યુલર વોટની વાત કરીએ તો એ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસને ૪૩.૬૮ ટકા મત મળ્યા હતા. ૧૯૬૯માં કૉન્ગ્રેસના વિભાજન પછી ઇન્દિરા ગાંધીએ ભારતીય સામ્યવાદી પક્ષના ટેકા સાથે લઘુમતી સરકાર ચલાવી હતી. ૧૯૭૦ના અંતમાં લોકસભાનું વિસર્જન કરીને નવી ચૂંટણી જાહેર કરી હતી. ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી તેઓ ગૂંગી ગુડિયામાંથી વિરાટ પ્રતિભા ધરાવતા નેતા બની ગયાં હતાં.
૧૯૭૧ની ચૂંટણીની તુલના ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સાથે કરવામાં આવે તો સંજોગો જોતાં નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ ઇન્દિરા ગાંધી જેવડી જ મોટી કહેવાય. ૧૯૮૯ પછી પહેલી વાર નરેન્દ્ર મોદીએ પોતાની તાકાત પર ૨૮૨ બેઠકો સાથે BJPને બહુમતી અપાવી હતી. કૉન્ગ્રેસ જેવા અખિલ ભારતીય અને સર્વસમાવેશક પક્ષને જ્યાં બહુમતી નથી મળતી ત્યાં BJP જેવા પૂર્વ અને દક્ષિણ ભારતમાં ખાસ કોઈ હાજરી ન ધરાવતા અને લઘુમતી વિરોધી પક્ષને બહુમતી અપાવવી એ ઘણી મોટી વાત છે.
૧૯૭૧ની ચૂંટણી ઇન્દિરા ગાંધીએ વડીલોને હાંસિયામાં ધકેલીને એકલા હાથે લડી હતી અને ચૂંટણીમાં તેમનો મુખ્ય મુદ્દો ગરીબી ખતમ કરવાનો હતો જે રીતે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો મુખ્ય મુદ્દો વિકાસનો હતો. વિરોધ પક્ષોએ મહાજોડાણ કર્યું હતું અને તેમના ચૂંટણીપ્રચારનો કેન્દ્રવર્તી મુદ્દો ઇન્દિરા હટાવનો હતો. ઇન્દિરા ગાંધીએ આની સામે ગરીબી હટાવનો નારો આપ્યો હતો, જેના પર લોકોએ શ્રદ્ધા મૂકી હતી. ૧૯૭૧ના ડિસેમ્બરમાં બંગલા દેશના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનનાં ઊભાં ફાડિયાં કરી નાખ્યાં હતાં અને ૯૦ હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતને શરણે થવું પડ્યું હતું. એ યુદ્ધ પછી ઇન્દિરા ગાંધી વિરાટ નેતામાંથી સાક્ષાત્ દુર્ગા બની ગયાં હતાં.
કોઈને નહોતું લાગતું કે બીજાં દસ વર્ષ સુધી કોઈ ઇન્દિરા ગાંધીનો વાળ પણ વાંકો કરી શકે. કોઈ શું ઇન્દિરા ગાંધી પણ આમ માનતાં થઈ ગયાં હતાં અને એટલે જ કદાચ કલ્પના બહાર ઝડપથી સમય બદલાવા લાગ્યો હતો. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ BJPનો વિજય જોઈને એમ લાગતું હતું કે કમસે કમ બે મુદત નરેન્દ્ર મોદીની નિશ્ચિત છે. બીજા તો ઠીક, નરેન્દ્ર મોદી પણ ઇન્દિરા ગાંધીની જેમ આમ માનતા હતા અને લોકસભાના પહેલા સત્રની પહેલી બેઠકમાં તેમણે આવો ઇશારો પણ કર્યો હતો.
૧૯૭૧ની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી અને એના કરતાં ય બંગલા દેશના યુદ્ધમાં એનાથી પણ મોટો વિજય મેળવ્યા પછી તુમાખીનો દોર શરૂ થયો હતો અને જોતજોતામાં સમય પ્રતિકૂળ થવા લાગ્યો હતો. સમય જાણે કે હાથમાંથી સરકવા લાગ્યો હતો, જે રીતે આજે નરેન્દ્ર મોદીના હાથમાંથી સમય સરકી રહ્યો છે. જેઓ લોકપ્રતિનિધિત્વ કરવાનો બંધારણીય અધિકાર ધરાવતા નહોતા એવા બંધારણબાહ્ય મહત્ત્વાકાંક્ષી ચાંપલૂસોની બ્રિગેડે કૉન્ગ્રેસના પીઢ નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા હતા. અકબર અહમદ ડમ્પી જેવા છોકરાઓ યશવંતરાવ ચવાણ જેવા દિગ્ગજ નેતાનું અપમાન કરતા થઈ ગયા હતા. અત્યારના ડમ્પીઓ ચડ્ડીધારી છે જેની સામે પ્રધાનો લાચાર છે.
સમાનતા અહીં પૂરી થતી નથી. હજી વધારે રસપ્રદ સમાનતા અહીં છે. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીને સૌથી વધુ મત સ્ત્રીઓના અને યુવાનોના મળ્યા હતા. બીજા લોકો ઇન્દિરા હટાવની વાત કરતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી ગરીબી હટાવની વાત કરતા હતા. યુવાનોને એમ લાગ્યું હતું કે મૅડમ વિકાસલક્ષી નવો અભિગમ ધરાવે છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને પણ સૌથી વધુ મત યુવાનોના મળ્યા હતા. નરેન્દ્ર મોદીના વિકાસના પ્રચારમાં તેમને સપનાંઓ સાકાર કરનારું ઍસ્પિરેશનલ પૉલિટિક્સ નજરે પડતું હતું.
ઇન્દિરા ગાંધીની તુમાખીને કારણે અને બંધારણબાહ્ય પરિબળો સત્તા હાઇજૅક કરવા લાગ્યાં એને કારણે ૧૯૭૧માં જે પ્રચંડ અનુકૂળતા હતી એ માત્ર બે જ વર્ષમાં પ્રતિકૂળતામાં ફેરવાવા લાગી હતી. અસંતોષની શરૂઆત યુનિવર્સિટીઓના કૅમ્પસમાં થઈ હતી. ૧૯૭૩ના ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું અને એ પછી બિહારમાં એનાથી પણ મોટું આંદોલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. ૧૯૭૪ના અંત સુધીમાં ઇન્દિરા ગાંધીની પ્રતિષ્ઠા ઝાંખી પડી ગઈ હતી અને તેમના પતનમાં વિદ્યાર્થીઓનો મોટો હાથ હતો.
૧૯૭૩ પછીથી ઇન્દિરા ગાંધીને સર્વત્ર કાવતરાં નજરે પડવા લાગ્યાં હતાં. નરેન્દ્ર મોદી તો તેમની સરકારને અસ્થિર કરવામાં વિદેશી નાણાં લેનારાં ફ્ઞ્બ્નો હાથ જોઈ રહ્યા છે, પરંતુ ઇન્દિરા ગાંધી ગોકીરો કરવામાં વધારે પાવરધાં હતાં. તેમણે પોતાને દેશ સાથે સરખાવીને કહ્યું હતું કે દેશને અસ્થિર કરવા માટે વિદેશી કાવતરાં થઈ રહ્યાં છે. ઇન્દિરા ગાંધી CIA અને જમણેરીઓને કાવતરાખોર કહેતાં હતાં તો નરેન્દ્ર મોદી ડાબેરીઓને કાવતરાખોર તરીકે બ્રૅન્ડ કરી રહ્યા છે. ઇન્દિરા ગાંધીની વિદેશી હાથની થિયરી મજાકનો વિષય બની ગઈ હતી.
આ તુલના અહીં અટકી જાય તો સારું, કારણ કે એ પછી ઇમર્જન્સી આવે છે જે દેશ માટે કલંકરૂપ હતી. એના કરતાં પણ નરેન્દ્ર મોદી કાવતરાનો ફોબિયા ફગાવી દઈને વડા પ્રધાન તરીકેનો રાજધર્મ નિભાવે તો વધારે સારું. ખાસ કરીને યુનિવર્સિટીના કૅમ્પસથી વધારે સાવધાન રહેવાની જરૂર છે. યુવાન લોહી છે, વીફરે ત્યારે ભારે પડી જાય છે એનો ઇન્દિરા ગાંધીને અનુભવ થયો હતો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 ફેબ્રુઆરી 2016
http://www.gujaratimidday.com/features/columns/repetition-of-history-2