(સોનલ પરીખ ગાંધીજીના પ્રદોહિત્ર પ્રબોધભાઈ પારેખનાં દીકરી છે. તેમણે “નવનીત સમર્પણ”માં તંત્રી વિભાગમાં કામ કર્યું છે. તેમ જ ‘મુંબઈ સર્વોદય મંડળ’, ‘મણિભવન’ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. હાલ ‘જન્મભૂમિ’માં તંત્રી વિભાગમાં કાર્યરત છે. અંગ્રેજી પુસ્તક ‘BELOVED BAPU – The Gandhi-Mirabehn Correspondence’માં વર્ણવેલી ગાંધીજી અને મીરાંબહેનની અનન્ય મૈત્રીની વાત તેઓ આ લેખમાળામાં આપે છે. આ લેખમાળા "ભૂમિપુત્ર"માં ય પ્રગટ થઈ છે. “પ્રબુદ્ધ જીવન”ના સૌજન્યથી આ લેખમાળા રજૂ કરીએ છીએ.)
BELOVED BAPU The Gandhi-Mirabehn Correspondence : Edited and Introduced by Tridip Suhurd and Thomas Weber : પ્રકાશક : Orient Blackswan Private Limited, 1/24 Asaf Ali Road, New Delhi – 110 002 : e.mail : delhi@orientalblackswan.com : પ્રથમ આવૃત્તિ – 2014, પૃષ્ઠ 535. કિંમત રૂ. 950.
− 1 −
આગમન :
વાત કરવી હતી ત્રિદીપ સુહૃદ અને થોમસ વેબરના સંપાદન ‘બિલવેડ બાપુ’ની. આખું નામ ‘બિલવેડ બાપુ : ધ ગાંધી-મીરાંબહેન કોરસપોન્ડન્સ.’ મહાત્મા ગાંધીનાં યુરોપીય અનુયાયીઓમાં મિસ મેડલિન સ્લૅડ જેમને ગાંધીજીએ ‘મીરાં’ નામ આપેલું તે સૌથી વધુ જાણીતાં અને અને બીજાં બધાંથી જુદાં છે. તેઓ બાપુ સાથે બે દાયકાથી પણ વધુ સમય રહ્યાં છે. તેમની અંગત પરિચર્યા કરી છે અને તેમના નિકટના સાથીઓમાંનાં એક બન્યાં છે. બ્રિટિશ નૌકાદળના એડમિલરની આ પુત્રીએ બ્રિટિશ શાસન સામે લડતા એક ભારતીય સત્યાગ્રહીના ચરણે જે રીતે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, તે એક અદ્દભુત, આશ્ચર્યજનક અને અનેક આછાઘેરા રંગો ધરાવતી ઘટના છે.
મહાત્મા ગાંધી અને મીરાંબહેને એકમેકને લખેલા પત્રો એ ઉપરોક્ત પુસ્તકનો વર્ણ્યવિષય છે. સેંકડો પત્રો, 535 પાનાં, આઠ પ્રકરણ અને તબક્કાવાર નાની માર્ગદર્શક સમજૂતી એ આ પુસ્તકનો કુલ અસબાબ છે. મીરાંબહેને ભારત આવવાનો સંકલ્પ કર્યો ત્યારથી માંડીને મહાત્મા ગાંધીની હત્યા થઈ તેના થોડા દિવસ અગાઉ સુધીના સુદીર્ઘ સમય દરમ્યાન લખાયેલા આ પત્રોમાં અંગત લાગણીઓ સાથે દેશદુનિયાના ઝડપભેર પલટાતા પ્રવાહોનો પણ આલેખ જોવા મળે. સાથે મીરાં-મહાત્માના બદલાતા જતા સંબંધો-સંજોગોનો રસપ્રદ ચિતાર પણ મળે. મહાત્માની હત્યા પછી પણ મીરાંબહેન અગિયાર વર્ષ ભારતમાં રહી ગાંધીકામ કરતાં હતાં. ત્યાર પછી યુરોપમાં બાવીસેક વર્ષનો એકાંતવાસ ગાળી તેમણે ચિરવિદાય લીધી. એનું પણ એક પ્રકરણ આ પુસ્તકમાં છે.
આ પત્રોમાંથી પસાર થતાં મહાત્મા અને મીરાંના બાવીસ વર્ષના સહવાસના અનેક રંગ સામે આવ્યા. અત્યંત સરળ છતાં અત્યંત જટિલ વ્યક્તિત્વ ધરાવતી અને વિરાટ કાર્યોમાં ગૂંથાયેલી રહેલી આ બે અજબ હસ્તીઓના અજબ અનુબંધનાં અંગત, માનવીય, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પરિમાણોએ મારા મનોવિશ્વને એવી રીતે કબજામાં લીધું કે પુસ્તકને અને પત્રોને સમજતાં સમજતાં હું ક્યારે પાત્રો સાથે એકાકાર થઈ ગઈ તેની મને જ ખબર ન રહી. પછી વાત વળાંક લઈ ગઈ. મેં મીરાંબહેનની આત્મકથા ‘અ સ્પિરિટ્સ પિલ્ગ્રીમેજ’, તેનો વનમાળા દેસાઈએ કરેલો ગુજરાતી અનુવાદ ‘એક સાધિકાની જીવનયાત્રા’ અને સુધીર કાકરનું ‘મીરાં એન્ડ ધ મહાત્મા’ વાંચ્યાં, થોડા બીજા સંદર્ભો મેળવ્યા. મીરાંબહેનની આત્મકથા 1960માં પ્રગટ થઈ હતી. તેનો અનુવાદ 1969માં પ્રગટ થયો (નવજીવન પ્રકાશન). સુધીર કાકરનું પુસ્તક (પૅગ્વિન પ્રકાશન) 2004માં અને ‘બિલવેડ બાપુ’ (ઓરિએન્ટ બ્લેકસ્વાન પ્રકાશન) 2014માં પ્રગટ થયાં છે.
નવાઈ લાગે એવી વાત એ છે કે પત્રોમાંથી ઉપસતાં મીરાં-મહાત્મા જુદાં છે, આત્મકથામાં જુદાં અને સુધીર કાકરના પુસ્તકમાં જુદાં.
આવું કેમ ? જોઈએ.
મીરાંબહેન જાહેર છતાં અંતર્મુખ વ્યક્તિ હતાં. પ્રાઈવસીનો યુરોપિયન કન્સેપ્ટ પણ ખરો. આત્મકથામાં પણ તેમણે પોતાને પૂરેપૂરા વ્યક્ત થવા દીધાં નથી અને પોતાના અને બાપુના પત્રોનું એક સંપાદન જે એમણે કર્યું છે તેમાં ચૂંટેલાં પત્રો જ મૂક્યા છે. અમુક બાબતો માણસ પોતાનાથી પણ છુપાવવા માગે તેમ બને. એટલે આ બધામાં વ્યક્ત થયેલાં મીરાંબહેન એ છે, જે એ પોતે બતાવવા માગે છે.
પણ તેમનું સમગ્ર પત્રલેખન જોઈએ તો તેમાં મીરાબહેન પૂર્ણપણે, મુક્તપણે વ્યક્ત થયાં છે. બાપુએ તો કદી કશું છુપાવ્યું છે જ નહીં. આત્મકથાનાં મીરાંબહેન એક શિસ્તબદ્ધ સાધિકા છે, ‘બિલવેડ બાપુ’માં ધબકે છે તેમનું સ્ત્રીહૃદય; એક માનવી તરીકેનાં તેમનાં સંઘર્ષો, પીડાઓ, પ્રાપ્તિઓ, પોતાના શ્રદ્ધેય ‘બાપુ’ને પામવા, તેમના આદર્શોને અનુસરવા, તેમનાં સેવાકાર્યોમાં એકરૂપ થવું, તેમની કસોટીઓમાંથી પાર ઊતરવું એ મીરાંબહેનનું ધ્યેય હતું; પણ એ એટલું સહેલું તો ન હતું. બાપુ એટલે જીવંત અગ્નિ. તેમની નજીક જનારને તેનું તેજ તો મળે, પણ દાઝવું પણ પડે, મીરાંબહેનની આ બધી મથામણ તેમના પત્રોમાં જીવંત થઈ છે. સુધીર કાકરના પુસ્તકમાં થોડો કલ્પનાનો રંગ છે, થોડું એમનું પોતાનું અર્થઘટન છે, તેથી એમાં મીરાંબહેનના વ્યક્તિત્વની અમુક રેખાઓ બદલાઈ છે.
આ બધાં વાચન પછી મારા મનમાં મીરાંબહેન અને મહાત્મા ગાંધીની અનન્ય મૈત્રીની જે છાપ ઉપસી છે, તેને હું આ પૃષ્ઠો પર મૂકવા માગું છું એટલે પુસ્તકને બદલે પાત્રો કેન્દ્રમાં આવ્યાં છે.
યુરોપની સ્વતંત્ર આબોહવામાં ઉછરેલી, એડમિરલની પુત્રી મેડેલિન કઈ રીતે મહાત્મા ગાંધીની પુત્રી-શિષ્યા-સાથી-મિત્ર બની, અને ત્યાર પછી શું થયું એ આખી કથા અત્યંત રસપૂર્ણ અને માનવીય સંવેદનોથી ભરપૂર છે.
* * *
6 નવેમ્બર, 1925
પી.એન.ઓ. કંપનીની સ્ટીમર અરબી સમુદ્રના તરંગો પર હિલોળા લેતી ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહી હતી. 33 વર્ષની મેડલિન સ્લેડ તૂતક પર ઊભી ઊભી ક્ષિતિજ પર ધૂંધળી રેખા જેવી દેખાતી ભારતભૂમિની કિનાર જોઈ રહી હતી. તેની છ ફૂટ ઊંચી મજબૂત કાયા, ખડતલ કૃષિકન્યાનાં સૌંદર્યને વ્યક્ત કરતી હતી. ગૌર ગુલાબી ચહેરાનાં જડબાં સખત અને દૃઢ હતાં, નાક તીણું અને આંખો ભૂખરી અને ઊંડી હતી. સોનેરી છૂટા વાળ ખુલ્લા પવનમાં ઊડતા હતા. તેના શરીર પર ખાદીનું સફેદ ફ્રોક હતું.
ભારતની ભૂમિ પર એક અજાણ ભવિષ્ય મેડલિનની રાહ જોઈ રહ્યું હતું. જેને છોડીને આવી હતી તે ભૂતકાળની મધુર સ્મૃિતઓ હજી હૃદયમાં તાજી હતી. વર્તમાનની ક્ષણ, બિલકુલ આ સ્ટીમરની જેમ અફાટ સમુદ્રનાં ગાઢાં નીલાં જળ પર સવારના કૂણા તડકામાં હાલકડોલક થઈ રહી હતી. જેને કદી જોયા ન હતાં, છતાં એવું લાગતું હતું કે પોતે તેમને સમર્પિત થવા માટે જ જન્મી છે એ મહાત્મા ગાંધીને ચરણે જવા મેડલિન પોતાના સર્વસ્વને છોડી ભારતમાં આવી રહી હતી.
* * *
મેડલિનનો જન્મ 1892માં. 19મી સદી વિદાય લેવાની તૈયારીમાં હતી. પિતા નૌકાદળમાં એડમિરલ હતા. મહિનાઓ સુધી ઘરથી દૂર રહેતા. મા એવે સમયે મેડલિન અને ર઼હોના આ બે દીકરીઓને લઈ પોતાના પિતાને ત્યાં મિલ્ટન હીથની વિશાળ જાગીર પર ચાલી જતી. ત્યાં મેડેલિન અને ર઼હોનાને એલેકમામા મળતા. આ બહેનોથી એલેક માત્ર ત્રણ વર્ષ મોટો એટલે ત્રણ બાળકો સાથે જ ઊછરતાં.
મિલ્ટન હીથ ઇંગ્લેન્ડના ગ્રામવિસ્તારમાં આવેલું હતું. ખૂબ મોટું મકાન, આસપાસ વિશાળ બગીચા, ઢોરને માટે કોઢ, ઘોડા માટે તબેલો, જબરાં ઊંચાં વૃક્ષો, એક તરફ જંગવિસ્તાર, બીજી તરફ હરિયાળી વચ્ચે શોભતાં છૂટાછવાયાં ઘર. મોટરો ત્યારે હતી નહીં. લોકો ઘોડા પર કે બગીમાં બેસી અવરજવર કરતા અને શિકારે નીકળતા. નાનાને ત્યાં સવારી માટેના, બગીમાં જોડવાના ને શિકાર માટેના જુદા જુદા ઘોડા હતા. સાઈસ લોકો તેમની બરદાસ્ત કરતા રહેતા. મરઘાંનું છાપરું હતું અને ડુક્કરનો વાડો પણ હતો. જંગલ તરફના છેડે આછી વનશ્રી ધીરે ધીરે ગાઢ જંગલમાં ફેરવાતી અને તેની પાછળ ટેકરીઓની હારમાળા દેખાતી. ઉપર બાળકોને રમવાનો ઓરડો હતો. તેને જોડેલી અગાશીમાંથી સુંદર દૃશ્ય દેખાતું.
મેડલિન ઉંમરમાં સૌથી નાની, પણ બાળસુલભ ચંચળતા તેનામાં ઘણી ઓછી. એકલા રહેવાનું તેને વધારે ગમે. ઢીંગલી, રમકડાં, મિત્રો, તોફાનમસ્તીનું આકર્ષણ નહીં. નાનાને ત્યાં દરેક કામનો ચોક્કસ સમય, ઊઠવાનો, રમવાનો, જમવાનો, ફરવા જવાનો, નાના-નાની સાથે વાત કરવાનો પણ નક્કી સમય. બગીચાનાં ફૂલો તોડવાની મનાઈ. એક ખાસ છોડ હતો, માત્ર તેના જ ફૂલ તોડવાનાં. નાનાના 90 વર્ષના પિતા સાથે મેડલિનને દોસ્તી. બાકીનો વખત ઘોડા કે બીજાં પ્રાણીઓની માવજત થતી જુએ, પિતા શોખથી કરતા તે સુથારી કામ પર હાથ અજમાવે. નાનાના દાદા એક જિપ્સી કન્યાને પરણેલા. મેડેલિનની મા કહેતી, ’હું અને મેડલિન અમારી જિપ્સી દાદી જેવાં છીએ.’ મેડેલિનના પિતાના પિતા પાદરી હતા અને તેમના દાદા લશ્કરમાં હતા. 80 વર્ષની ઉંમરે તેમને ત્યાં પુત્રી આવી હતી એ પુત્રી ગર્ટુડ અપરિણીત હતાં અને એ જમાનામાં આખા યુરોપમાં એકલા ફર્યા હતાં. બધાં ખેતી અને બાગકામના શોખીન હતાં.
લંડનમાં ત્યારે મોટર ન હતી. સ્ત્રીવર્ગ ખરીદી કરવા જાય ત્યારે બે ઘોડાની પરદાવાળી ગાડીમાં જાય. કોચમેનની બાજુમાં બેસી બધું જોવાનું મેડલિનને ગમે. ઘણાં લોકો ભેગા થાય તેવી જગ્યાએ મેડલિન અકળાય. ગૂંગળામણ, ઉશ્કેરાટને લીધે માંદી પણ પડી જાય. આવું એક-બે વાર બન્યું પછી ઘરના લોકો તેને એકલી રહેવા દેતાં.
આત્મકથામાં મીરાંબહેને લંડનમાં મોટરનું આગમન, શરૂઆતની એ મોટરોનો દેખાવ, ટેલિફોનનું આગમન, ‘રાઈટ્સ બંધુઓએ વિમાન ઉડાડવાની કરેલી શરૂઆત અને ઝડપી જામી ગયેલા યંત્રયુગનાં સુંદર વર્ણનો કર્યાં છે. ‘ત્યારનાં છાપાં રાઈટ્સ બંધુઓની સફળતા-નિષ્ફળતાના સમાચારોથી ભરેલાં રહેતાં. તેઓ નિષ્ફળ જતા તો મને છૂપો આનંદ પણ થતો – જો કે હું જાણતી હતી કે તેઓ સફળ થવાના જ છે. એમ જ થયું. વિમાનો પણ વધવા માંડ્યાં. મને થયું – આ તે શું, દુનિયામાં ક્યાં ય એકાંત રહેશે જ નહીં?'
કિશોરાવસ્થામાં પ્રવેશેલી મેડલિન ખૂબ સુંદર દેખાતી. એક ગંભીર રહસ્યમતાની આભા એ સૌંદર્યને વીંટળાયેલી રહેલી. યુવાનો તેની મૈત્રી કરવા આતુર રહેતા. મેડલિન તેમની સાથે વિવેકથી વર્તતી. આમ તો આ બધું સરસ હતું, પણ જાણે કંઈક ખૂટતું હતું. કોઈ અજાણી બેચેની તેના મનને ઘેરીને રહેતી છતાં જેમાં રસ પડતો તેમાં તે ઉત્સાહથી ઝંપલાવતી. વહાણો, ઘોડા, ચિત્રકળા, શિલ્પ – આ બધાં તો રસના વિષયો હતાં. મોટરગાડીઓ રસ્તાઓ પર 15-20 માઈલની ‘ભયંકર’ ઝડપે દોડતી. તેનાથી અકળાયેલા વૃદ્ધો ઇંગ્લેન્ડનાં ગામડાઓના શાંત મનોહર સૌંદર્યના ભવિષ્યની ચિંતા કરતા. મેડેલિન જાણે અજાણે પોતાને દોરે તેવી કોઈ અજ્ઞાત શક્તિની શોધમાં હતી. બાળપણથી મનમોજી એવો તેનો સ્વભાવ હવે સ્વતંત્ર બન્યો હતો. માએ કદી તેને કોઈ અણગમતું કામ કરવા ફરજ પાડી ન હતી. મેડલિન માની ખૂબ નિકટ હતી. મા પાતળી, ચંચળ અને ઘર સજાવવામાં પાવરધી હતી. પિતા પડછંદ, કદાવર, કડક અને ઓછાબોલા પણ પ્રેમાળ હતા. મિલ્ટન હીથમાં મેડેલિન નાના સાથે શિકાર પર જતી. ગાય દોહતા પણ શીખી હતી.
ઘરમાં પિયાનો હતો. બધા જુદા જુદા સંગીતકારોની તરજ પર હાથ અજમાવતા રહેતા. મેડેલિન એક વાર બિથોવનની એક તરજ સાંભળી અને મુગ્ધ થઈ. ત્યાર પછી તે પુસ્તકાલયમાંથી લાવી બિથોવનના સોનાટા વગાડતી. તેના મુગ્ધ મનમાં સંગીતનું, સ્વરોનું, સ્વરોની પારનું એક વિશ્વ ઊઘડતું આવ્યું – જાણે પોતે બિથોવનના આત્માને સ્પર્શી રહી છે – પણ બિથોવન તો એક સદી પહેલાનો સંગીતકાર – ઓરડાના એકાંતમાં ઘૂંટણિયે પડી મેડેલિને પોતાની વ્યથા ઠાલવી : ઓ પ્રભુ, તેં મને બિથોવનનો સાક્ષાત્કાર કરાવ્યો તો અમારી વચ્ચે એક સદીનું અંતર શા માટે મૂક્યું ?
દરમ્યાન પિતા હિંદુસ્તાનના ઈસ્ટ ઈન્ડિઝ સ્ટેશનના વડા સેનાપતિ નિમાયા. પરિવાર બે વર્ષ માટે ભારત આવ્યો. આવતાની સાથે સમારંભો, સામાજિક મેળાવડાઓ શરૂ થયા. અંગ્રેજ અધિકારીઓ ફક્ત અંગ્રેજોને જ મળતા. ભારતના બહુ થોડા પૂંજીપતિઓ અને પારસીઓ તેમના સમારંભોમાં આવવા પામતા. આ બધી ઔપચારિકતામાં મેડલિનને બહુ મજા ન આવતી, પણ વહેલી સવારે બેકબેની ખુલ્લી જગ્યામાં ડેલ્ટા નામની ઓસ્ટ્રેલિયન ઘોડી પર સવાર થઈ તે ઘણું ફરતી. એક જર્સી ગાય રાખી હતી, તેને દોહતી. આ બે વર્ષ દરમિયાન પરિવાર સિલોન અને પર્શિયન અખાતનાં રાષ્ટ્રોમાં ગયો. રાજસી ઠાઠમાઠ, શેખો સાથે મંત્રણા અને દબદબાપૂર્વક ફરવાનું. પિતાએ ગલ્ફમાં થતી હથિયારોની દાણચોરીનો પ્રશ્ન ઉકેલ્યો તેથી તેમની ભારત ખાતેની મુદત વધારી આપવામાં આવી. મેડલિન અને તેની બહેન મા સાથે ફરી ઇંગ્લેન્ડમાં આવ્યાં. મીરાંબહેન લખે છે, 'અસલી હિન્દુસ્તાન, જે મને પછી પોતાના તરફ ખેંચવાનું હતું, તે આ બે વર્ષ દરમ્યાન જોવા મળ્યું નહીં. ઇંગ્લેન્ડ આવીને ફરી હું વાચન, સંગીત અને ઘોડેસવારીની દુનિયામાં મશગૂલ થઈ ગઈ.’
સંગીતના શાસ્ત્રને મેડલિન સમજતી નહીં, પણ બિથોવનના સંગીતથી પોતાના મનમાં એક જાતનો પવિત્ર ઉજાસ પ્રસરતો અનુભવતી. તેણે ઇંગ્લેન્ડમાં બિથોવનના કાર્યક્રમો ગોઠવવા માંડ્યાં. લેલન્ડ નામનો એક કલાકાર બિથોવનની તરજો ખૂબ સુંદર રીતે વગાડતો. તેની સાથે મેડલિનને સારી મૈત્રી હતી.
1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. ઇંગ્લેન્ડે પણ તેમાં ઝંપલાવ્યું. અણુયુગ પહેલાંનો એ સમય હતો. ધીરે ધીરે યુદ્ધ જામે, ખુવારી પણ ઓછી થાય. હવાઈ હુમલા થતા, પણ તેમાં હુમલો કરનાર બલૂનો જ વધારે નાશ પામતાં. લડાઈ કપરી બનતી ગઈ તેમ વેરભાવ, ધિક્કાર, માનસિક તાણ વધતાં ગયાં. મેડલિને પાટાપિંડી વગેરે સેવા આપવાનો પ્રયત્ન કર્યો, પણ મઝા ન આવી. 'મને તો ગમતાં હતાં શાંત ગામડાં, લહેરાતાં ખેતરો, પ્રેમાળ પ્રાણીઓ.’
1919માં લડાઈ પૂરી થતાં ફરી સંગીત, કાર્યક્રમો શરૂ થયાં. મેડલિન જર્મન ભાષા શીખી બિથોવનનું ઘર જોવા બોન ગઈ. બિથોવનની આંગળીઓના સ્પર્શથી જેની ચાવીઓ ઘસાઈ ગઈ હતી તે પિયાનોના અને વિયેનામાં બિથોવનની કબરનાં દર્શન કર્યાં. બિથોવનની જીવનકથા રોમાં રોલાં નામના ફ્રેન્ચ લેખકે લખી છે તે જાણી મેડલિન તેમને મળવા ગઈ. રોમાં રોલાં સ્વિટ્ઝરલેન્ડ હતા. વાતોવાતોમાં રોમાં રોલાંએ કહ્યું, ‘મેં મહાત્મા ગાંધી પર એક ચોપડી લખી છે, છપાય છે.’
‘એ કોણ છે?’ મેડલિને પૂછ્યું.
‘જાણે બીજા ઈસુ ખ્રિસ્ત.’
રોમ, નેપલ્સ અને ઈજિપ્ત ફરી મેડલિન ફરી સ્વિટ્ઝરલેન્ડ આવી ત્યારે એ ચોપડી છપાઈને પ્રગટ થઈ ગઈ હતી. મેડેલિને તે મેળવી અને એક જ દિવસમાં પૂરી વાંચી લીધી. જેના તેને ભણકારા વાગતા હતા, જે તેના જીવનમાં ખૂટતું હતું, તે શું હતું તે તેને હવે સમજાયું. ગાંધીજી ભારતની કચડાયેલી જનતાની ને તે નિમિત્તે માનવજાતની સત્ય, અહિંસા ને નિર્ભયતાના માર્ગે સેવા કરી રહ્યા હતા. મેડલિનને થયું, ‘મારે તેમની પાસે જવાનું છે. ભારતની ભૂમિ મને પોકારી રહી છે.’
ઘેર જઈ તેમણે માતાપિતાને વાત કરી. ભારત આવતા વહાણની ટિકિટ બુક કરાવી નાખી. પણ પછી થયું કે આટલી ઉતાવળ ઠીક નથી. આ પગલાં માટે થોડીક તૈયારી જરૂરી હતી.
અને મેડલિન પોતાની જાતને તાલીમ આપવી શરૂ કરી. કાંતણ, વણાટ, પીંજણ, પલોઠી વાળીને બેસવાનું, જમીન પર સૂવાનું, ખાદીનાં કપડાં, દારૂ-માંસનો ત્યાંગ. “યંગ ઈન્ડિયા” સાપ્તાહિક મંગાવવા માંડ્યું. ગાંધી વિશે, ભારત વિશે મળ્યું તેટલું વાંચી કાઢ્યું. ગીતા અને ઋગ્વેદ વાંચવા શરૂ કર્યાં. આ પરિવર્તનની રોમાં રોલાંને જાણ કરી.
છ મહિના થયા હશે ત્યાં ગાંધીજીએ કોમી એકતા માટે એકવીસ દિવસના ઉપવાસ કર્યા છે તેવા સમાચાર આવ્યા. ઉપવાસ પૂરા થતા મેડલિને ગાંધીજીને પત્ર લખ્યો. તેના કામ માટે એકવીસ પાઉન્ડનું દાન મોકલ્યું અને પોતાની ઇચ્છાની, તાલીમની વાત જણાવી.
થોડાં દિવસમાં ગાંધીજીનું પોસ્ટકાર્ડ આવ્યું :
પ્રિય મિત્ર,
વહેલો જવાબ ન લખ્યો તે માટે માફી ચાહું છું. હું મુસાફરીમાં હતો. તમે મોકલેલા પાઉન્ડ રેંટિયાના પ્રચારમાં વાપરીશ.
અહીં આવવાના પહેલાં આવેશને વશ થવાને બદલે તમે અહીંના જીવનમાં ગોઠવાવા થોડો વખત થોભી જવાનું નક્કી કર્યું તેથી હું ઘણો રાજી થયો છું. એક વરસની કસોટી પછી પણ જો તમારો આત્મા અહીં આવવા દબાણ કરે તો તમે ભારત આવજો.
તમારો સ્નેહાધીન,
મો. ક. ગાંધી
ટ્રેનમાંથી, તા. 31-12-1924.
થોડા વખત પછી મેડલિને આશ્રમમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. પોતાની કાંતેલી ઊનના નમૂના પણ મોકલ્યા. જવાબમાં ગાંધીજીએ લખ્યું, ‘તમે ઇચ્છો ત્યારે અહીં આવી શકો છો. પણ આશ્રમનું જીવન કઠણ છે. આ દેશની આબોહવા જુદી છે. તમને ડરાવવા નહીં, પણ ચેતવવા આ લખું છું.’
આ પત્ર જુલાઈ મહિનામાં આવ્યો હતો. મેડલિને ઑક્ટોબરમાં ઉપડતી સ્ટીમરમાં ટિકિટ બુક કરાવી. સ્વિટ્ઝરલેન્ડના ખેડૂતો સાથે કામ કરવા માંડ્યું જેથી શરીર મજબૂત થાય. ચોપડીઓ અને થોડું ઘરેણું રાખી બાકીની બધી ચીજો વહેંચી દીધી. ભારતથી ખાદી મંગાવી તેના ફ્રોક કરાવ્યાં અને શાંતિથી, પ્રેમથી વિદાય લીધી. અંગ્રેજ સલ્તનતના ઊંચા હોદ્દેદાર માટે પુત્રીને સલ્તનત સામે બળવો પોકારનાર પાસે જવા દેવાનું સહેલું નહીં હોય, પણ તેમણે પણ શાંતિથી વિદાય આપી. ફરી મળવાનું નહીં બને તે સૌ જાણતા હતાં છતાં સ્વસ્થ રહ્યાં. જતાં પહેલાં મેડલિન રોમાં રોલાંને મળી. એ ભવ્ય વૃદ્ધે કહ્યું, ‘તુ નસીબદાર છે.’
* * *
હાલકડોલક થતી સ્ટીમરે મુંબઈના બારા પર લંગર નાખ્યું. બીજા દિવસે મેડલિને અમદાવાદ જતી ટ્રેન પકડી. એક બેગ પુસ્તકોની અને એક કપડાંની – આટલો તેનો અસબાબ હતો.
અમદાવાદ સ્ટેશને ટ્રેન ઊભી રહી અને એક હસમુખો સૌમ્ય ચહેરો બારીમાંથી ડોકાયો. 'મિસ સ્લેડ? આઈ એમ મહાદેવ દેસાઈ ફ્રોમ સાબરમતી આશ્રમ.’ પ્લેટફોર્મ પર બીજી બે વ્યક્તિઓ પણ ઊભી હતી. એક માયાળુ – આનંદી ચહેરાવાળા સજ્જનની ઓળખાણ કરાવતા મહાદેવભાઈ બોલ્યા, ‘આ સ્વામી આનંદ.’ બીજા જરા સત્તાવાહી છતાં વિનોદી અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા પુરુષ તરફ હાથ કરી મહાદેવભાઈએ કહ્યું, ’આ વલ્લભભાઈ પટેલ.’ મીરાંબહેનને લેવા મોટર આવી હતી. થોડી મિનિટોમાં શહેર બહાર નીકળી, પુલ ઓળંગી ઝાડપાનથી ઘેરાયેલાં થોડા મકાનો પાસે મોટર ઊભી રહી. ‘આ જ આશ્રમ’ વલ્લભભાઈ કહ્યું.
ઈંટના સાંકડા રસ્તા પર તેઓ ચાલ્યા. બંને બાજુ પપૈયાનાં ઝાડ હતાં. નાનું ફાટક ખોલી, આંગણું વટાવી ત્રણચાર પગથિયાં ચડી બંને ઓસરીમાં આવ્યાં. વલ્લભભાઈએ એક દરવાજો બતાવી કહ્યું, ‘બાપુ ત્યાં છે. તમારી રાહ જુએ છે.’
એ ઓરડામાં ધબકતા ચિત્તે મેડલિન દાખલ થઈ. ત્યાં એક દૂબળીપાતળી ઘઉંવર્ણી આકૃતિ ઊઠીને સામે આવી. ચારે બાજુ પ્રકાશનો પુંજ જાણે છવાઈ ગયો. મેડલિન દુનિયાનું ભાન ભૂલી ગઈ. ઘૂંટણિયે પડી ગઈ. બે હાથે તેને પ્રેમથી પકડી અને ઊભી કરી.
‘તું મારી દીકરી થઈને રહીશ.’ ધીરે ધીરે ચહેરો સ્પષ્ટ થયો. માયાળુ, વિનોદથી ચમકતો, પ્રસન્ન, પ્રેમાળ આંખોવાળો ચહેરો.
એ મહાત્મા ગાંધી હતા.
[અૉક્ટોબર, 2015]
* * *
− 2 −
મહાત્માની મીરાં
આશ્રમના એક ખૂણે મિસ સ્લેડ માટે એક ઝૂંપડી તૈયાર કરવામાં આવી હતી. એક ઓરડો, વરંડો, બાથરૂમ. ઓરડામાં ખુરશી-ટેબલ અને પલંગ. ‘આ બધાની જરૂર નથી.’ મિસ સ્લેડે કહ્યું, ‘,મેં જમીન પર સૂવાબેસવાની ટેવ પાડી છે.’
ખુરશી-ટેબલ વગેરે પાછું મોકલાવી દીધું. એક ઢાળિયું, બે ચટાઈ અને એક ગાદલું આટલું રાખ્યું. બાપુએ તકલી અને પૂણી આપ્યાં હતાં. ‘કાંતતા શીખી જજે.’ તેને માટે અને હિન્દી શીખવા માટે શિક્ષકો રખાયા. છેલ્લે પાયખાના સફાઈ શીખવવા માટે શાંતિ નામના યુવાનને સૂચના આપી. ઊઠવાનો, પ્રાર્થનાનો, કામનો, સૂવાનો સમય સમજાવ્યો.
પહેલે દિવસે ચાર વાગ્યે નિત્યક્રમ શરૂ થયો. પ્રાર્થના પતાવીને ઊઠ્યાં ત્યાં શાંતિ આવ્યો, ‘ચાલો બહેન.’ પહેલા પહોંચેલી ટુકડી જાજરૂના ડબ્બા એક ખાડામાં ખાલી કરી માટી વાળતી હતી. મેડલિન અને શાંતિએ સાવરણાથી જમીન ધોઈ નાખી.
સવારથી રાત સુધી કામ ચાલ્યા કરતું. મેડલિન ઉત્સાહથી બધું શીખતી, કરતી; પણ મન ઝંખતું બાપુના સાન્નિધ્ય માટે. એવો સમય ઓછો જ મળતો. રાત્રે બાપુ આંગણામાં ખુલ્લા આકાશ નીચે પોતાના ખાટલામાં આડા પડે, બા માથે તેલ ઘસી આપતાં હોય ત્યારે મેડલિન તેમની બાજુમાં જમીન પર બેસે. મૌન સાન્નિધ્યમાં મેડલિનનો દિવસભરનો થાક ઓગળતો જાય.
આમ મેડલિન ગોઠવાવા લાગી. થોડા દિવસ થયા ત્યાં ખબર આવ્યા કે લંડનના “સન્ડે ક્રોનિકલ્સ”માં તેના વિશે ઘસાતું છપાયું છે. આ જ લેખ ફરી પાછો “ઇન્ડિયન ડેઈલી મેલ”માં પણ છપાયો ત્યારે મેડલિન જાહેર નિવેદન કર્યું: ‘મારા પર મિત્રો, સગાંસંબંધીઓ કે ધર્મ છોડવાનું કોઈ દબાણ થયું નથી. આ નિર્ણય મારો પોતાનો છે. મેં સ્વેચ્છાએ પુસ્તકો સિવાયની મિલકત છોડી છે. ગાંધીજીએ મને ભારતમાં આવવાનું આમંત્રણ કે ઉત્તેજન આપ્યું નથી. તેમણે તો મને ઉતાવળ ન કરવા અને રાહ જોવા કહ્યું હતું. નિર્ણય લીધા પછી મને કોઈ સોગંદથી બાંધવામાં આવી નથી. મારો આત્મા અહીં શાંતિ પામે છે માટે હું અહીં છું.’
બે અઠવાડિયા થયાં. સાબરમતી આશ્રમમાંથી રોમાં રોલાં પર બે પત્રો ગયા. એક મેડલિનનો હતો: ‘બાપુ દેવદૂત સમા છે. તેમની શિષ્યા થવા જેવું કોઈ સુખ નથી.’ બીજો મહાત્મા ગાંધીએ લખ્યો હતો: ‘મેડલિનના રૂપમાં તમે મને બહુ મોટી ભેટ આપી છે. એ છોકરીએ મારામાં પિતૃત્વ જગાડ્યું છે.’
* * *
આશ્રમજીવન ધાર્યા કરતા જુદું હતું, અઘરું હતું. જાતજાતના જિદ્દી વૈરાગીઓથી માંડી સંસારી કુટુંબો આશ્રમમાં રહેતાં. સ્ત્રીઓ મોટે ભાગે પતિની પાછળ આવેલી હતી. પુરુષો ગાંધીજીથી જુદાં જુદાં કારણોથી આકર્ષાયા હતા. આશ્રમ એટલે દુનિયાના રોજિંદા ખેલનો જાણે નાનો નમૂનો. આ તખતા પર ગાંધીજીના વિચારોના અખતરા ચાલતા. કડક નિયમો હતા. નૈતિક ધોરણનું મોટું મહત્ત્વ હતું. હાથે કાંતેલી ને વણેલી ખાદી જ પહેરવાની. ખાવાપીવાની ખૂબ સાદાઈ. આ બધાને લીધે વાતાવરણ તંગ રહેતું. માત્ર બાપુ શાંત રહેતા. થોડાં જ અઠવાડિયામાં મેડલિનને જાતજાતના અનુભવ થયા. ભાષા અને આચારવિચારની મુશ્કેલીને લીધે મેડલિન ખાસ હળતીભળતી નહીં. આમ પણ સવારની પ્રાર્થનાથી માંડી સાંજની પ્રાર્થના વચ્ચેનો સમય પૂણીઓ બનાવવી, કાંતવું, હિંદી શીખવું, અંગ્રેજી શીખવવું, પાયખાના સફાઈ, દર્દી હોય તો તેની સારવાર ઉપરાંત પોતાનું રાંધવું, સફાઈ, કપડાં ધોવાં, ખાવું – આ બધામાં ઝડપથી સમય ચાલ્યો જતો. સાંજે થોડી મિનિટો બાપુ પાસે વીતતી. બધું આકરું લાગતું, પણ બાપુ પ્રત્યેની ભક્તિને કારણે સહી શકાતું. મેડલિન મનને કહેતી, ’બધું સારું છે. મને ગમે છે.’ મન માનતું નહીં. આબોહવા પણ સદતી ન હતી. થોડા થોડા દિવસે મેડલિન બિમાર પડી જતી.
મેડલિન ઇંગ્લેન્ડથી સિવડાવીને લઈ આવેલી તે ખાદીનાં વસ્ત્રો પહેરતી. અનસૂયા સારાભાઈએ તેને સાડી પહેરતાં શીખવ્યું. મેડલિન ઉત્સાહથી કોરવાળી ખાદીની સાડી પહેરી બાપુ પાસે ગઈ. બાપુનો પ્રતિભાવ ઠંડો હતો. ‘બહુ મન થતું હોય તો ખાદીની સાડી પહેરવી. પણ કોરવાળી નહીં, સફેદ પહેરવી.’ વિલાયતી પહેરવેશ છોડવાની અધીરાઈ બાપુને ગમી ન હતી. કોઈ પણ ઊતાવળું પગલું તેમને ગમતું નહીં. મેડલિન ત્યાર પછી ઓઢણીની જેમ ખાદીનું વસ્ત્ર પહેરવા માંડ્યું. વાળ કાપવા અને બ્રહ્મચર્યવ્રત લેવા હવે મેડલિન ઉત્સુક બની. બાપુએ થોડો વખત રોકાવાનું કહ્યું ને સમજાવ્યું કે બ્રહ્મચર્યવ્રતમાં દરેક જાતના સંયમનો સમાવેશ થતો હતો. મેડલિને બધું સાંભળ્યું. તે પછી પણ તેનો આગ્રહ જોઈ ગાંધીજીએ સંમતિ આપી. મેડલિને વ્રત લીધું. ગાંધીજીએ પોતે તેના વાળ કાપી આપ્યા. કહ્યું, ’આજથી તારું નામ મીરાં. મીરાં રાજસ્થાનની સંત કવયિત્રી અને રાજરાણીનું નામ છે.’
1926માં મીરાંબહેને ગાંધીજીના એક સાથીને કહેલું, ‘બાપુ બહુ સખત છે. કઠોર પણ છે. તેમનો ચરખો સંભાળવા સિવાય બીજું કોઈ અંગત કામ કરવા દેતા નથી. તેમનો હુકમ છે કે સોંપાયેલાં કામ પૂરા કરી મારે હિન્દી, રસોઈ, કાંતવાનું શીખવું, ને આ બધું ન આવડે ત્યાં સુધી તેમની સેવા ન કરવી.’
આશ્રમના વિદ્યાર્થીઓની ગેરવર્તણૂંક બદલ ગાંધીજીએ અઠવાડિયાના ઉપવાસ પર ઊતરવાનું નક્કી કર્યું ત્યારે મીરાંબહેન અકળાયાં, કચવાયાં. બાપુ એ સમજતા હતા. તેમણે કહ્યું, ‘મીરાં, તને આઘાત લાગ્યો છે તે હું સમજું છું. પણ તારે શાંત રહીને રોજનું કામ કરવાનું છે.’ રોજ તેઓ કોઈ સંદેશ, કોઈ ચિઠ્ઠી મીરાંબહેન પર લખતા અને ધીરજ આપતા, સૂચનો કરતા. આ પત્યું કે તરત તેઓ વર્ધા ગયા. આ બીજો આઘાત હતો. બાપુ વિનાનો આશ્રમ મીરાંબહેન કલ્પી પણ નહોતા શકતાં. આશ્રમના લોકો સાથે મીરાંબહેન ખાસ હળતાંભળતાં નહીં. દિવસભર પરિશ્રમ કરતાં અને બાપુને પત્રો લખી હૈયું ઠાલવતાં. બાપુ પણ ઉષ્મભર્યા પ્રત્યુત્તર આપતા. વચ્ચે વચ્ચે વર્ધા લઈ જતા. વર્ધાનો આશ્રમ વિનોબાની દેખરેખ નીચે ખૂબ વ્યવસ્થિત ચાલતો. આદર્શોનું સારું પાલન થતું. મીરાંબહેન કહે, ’આપણા સાબરમતી આશ્રમમાં આવું ન થાય?’ બાપુ કહે, ‘ના. ઉત્તમને વીણી લેવા ને નબળાને બાજુ પર મૂકવા તેમ ન ચાલે.’ મીરાંબહેનને સમજાયું કે વિશ્વકલ્યાણના સિદ્ધાંતને અમલમાં મૂકવા તમામ પ્રકારના માણસોને સાથે લેવા જોઈએ.
મુસાફરીઓમાં મીરાંબહેનને બાપુના પ્રભાવનો પૂરો ખ્યાલ આવતો. સ્ટેશને સ્ટેશને લોકોનાં ટોળા ઊમટે, ‘મહાત્મા ગાંધીની જય’ના ઘોષ થાય. લોકોને માટે બાપુ તારણહાર હતા, તેમની આશાઓના આધારસ્તંભ હતા. બાપુ હાથ જોડી શાંત, પણ જરા કડક ચહેરા સાથે બે હાથ જોડી નમ્રતાથી અભિવાદન સ્વીકારતા. આ બધું જોઈ મીરાંબહેન અભિભૂત થતાં.
પણ આવું તો ક્યારેક થાય. બાપુ વારંવાર પ્રવાસે જાય ત્યારે મીરાંબહેનને ઘણું વસમું લાગે. ભર્યા આશ્રમમાં એકલતા લાગે. તેઓ આ ખાલીપણા સામે ટક્કર ઝીલે, પણ સહન કરી ન શકે. પત્રોમાં આ બધું ઠલવાય. બાપુ લખે, ‘આ આસક્તિ છે. વિયોગ તો એક મોકો છે મોટા વિયોગ – મૃત્યુ માટે તૈયાર થવાનો.’ અનાસક્તિની તાલીમ મીરાંબહેનને ખૂબ ભારે પડે. બાપુ આશ્રમમાં હોય ત્યારે પણ મીરાંબહેને પહેલાં પોતાનું કામ પતાવવું ને તે પછી જ, રજા લઈને જ આવવું તેવો નિયમ રાખે. મીરાંબહેનને આ નિયમ પણ બહુ આકરો લાગે.
* * *
મીરાંબહેન અને બાપુ બંને પત્રલેખનકળામાં કુશળ હતા. તેમના પત્રો, પત્રસાહિત્યની દૃષ્ટિએ પણ મૂલ્યવાન, માણવા જેવા છે. બાપુએ લખ્યું છે, ‘જો તારાથી ન રહેવાય તો મારી પરવાનગીની પરવા કર્યા વિના ચાલી આવવું.’ પછીના જ પત્રમાં ‘મારે તને તું જે નથી, તે નથી બનાવવી. હું તને તારે જે થવું જોઈએ તે બનાવવા માગું છું.’ મીરાંબહેનના પત્રો બાપુ આશ્રમની બહેનોને વંચાવતા. કહેતા, ‘મીરાં આદર્શ સેવિકા છે.’
ગાંધીજીની વાતને મીરાંબહેનની બુદ્ધિ સમજતી, હૃદય ન સ્વીકારતું. પોતાના સ્વભાવમાં રહેલાં સ્વાતંત્ર્યને કચડીને મીરાંબહેને પોતાનાં સુખદુઃખ બાપુના હાથમાં સોંપી દીધા હતાં. જિંદગીમાં કદી તેમણે આવું કર્યું ન હોત, પણ બાપુ પ્રત્યેનો ભક્તિપૂર્ણ પ્રેમ તેમની પાસે આવું કરાવતો, છતાં તેનાથી તેમના મનમાં એક તાણ પણ ઊભી થતી. બાપુ લખે છે, ‘તારા સુખદુ:ખને મારા પર ન ટિંગાડ. અલિપ્ત થવાની કોશિશ કર.’ દરેક પત્રમાં બાપુ આ જ વાત કહેતા. એક વાર બાપુ બીમાર હતા ત્યારે મીરાંબહેને લખ્યું, ‘મને પત્ર લખવાનો શ્રમ ન લેશો. ફક્ત કોઈ દ્વારા ખબર મોકલશો.’ ત્યારે ગાંધીજીએ લખ્યું, ‘તને પ્રેમભર્યા પત્રો લખવાના આનંદથી હું વંચિત રહેવા નથી માગતો.’
* * *
મીરાંબહેન એટલું સમજી ગયાં હતાં કે બાપુની નિકટ રહેવું હોય, તેમને વધુ મદદરૂપ થવું હો તો હિન્દુસ્તાની ભાષા શીખવી પડશે. આનો અર્થ એ હતો કે બાપુ પોતાને સાબરમતીના ગુજરાતીભાષી વાતાવરણથી દૂર, દિલ્હીના દરિયાગંજના કન્યા ગુરુકુળમાં મોકલવા માગતા હતા, ત્યાં જવા તૈયાર થવું. બાપુએ તે વખતે એક વર્ષ માટે આશ્રમમાં રહેવાનું ઠરાવ્યું હતું. સમૂહ રસોડું શરૂ થયું હતું. ખોરાકના પ્રયોગો ચાલતા હતા.
આશ્રમમાં આવ્યાને એક વર્ષ પૂરું થયું ત્યાં મીરાંબહેનના પિતાજીના મૃત્યુના સમાચાર આવ્યા. બીજું વર્ષ ચાલું થયું હતું ત્યાં બાપુએ તેમને દિલ્હીના કન્યાગુરુકુળમાં મોકલી આપ્યાં. હિન્દી શીખવાનું અને કાંતણપીંજણ શીખવવાનું. ત્યાંથી તેઓ હરદ્વારના કાંગડી ગુરુકુળમાં ને પછી રેવારીના ભગવદ્ભક્તિ આશ્રમમાં ગયાં.
વિયોગ વસમો હતો. ખૂબ વસમો. આ તરફ આશ્રમોમાં ગેરવહીવટ, કલાવિમુખતા, શુષ્કતા અને મીરાંબહેનની પ્રકૃતિને અનુકૂળ ન આવે તેવું ઘણુંબધું હતું. તેઓ તેમાં સુધારો કરવા ઇચ્છતા હતાં. ગાંધીજીએ લખ્યું, ‘તું સાચી છે, પણ અત્યારે તારે તારાં કર્તવ્યો પર ભાર મૂકવાનો છે. તું ત્યાં હિન્દી શીખવા, નિરીક્ષણ કરવા અને અનુભવ લેવા ગઈ છે – તેમને સુધારવા કે શીખવવા નથી ગઈ. તેમને પ્રત્યક્ષ ઉપદેશ દેવા કરતાં આચરણ એવું રાખવું કે જેથી તેમને સુધરવાની પ્રેરણા મળે.’
ગાંધીજી અનાસક્તિ વિશે લંબાણથી લખતા. સાથે લખતા, ‘આમ તો સ્વેચ્છાએ સ્વીકારેલો કોઈ પણ કાર્યક્રમ અધૂરો છોડવો ન જોઈએ. પણ જો તું લાગણીની ભીંસ અનુભવે અને તારું મન તાણગ્રસ્ત થાય તો તું કાર્યક્રમ અધૂરો મૂકીને પાછી આવી શકે.’ કેમ કે ‘તારી તંદુરસ્તી અભ્યાસ કરતાં ઘણી વધારે જરૂરી છે’ પોતાની ઇચ્છાઓ અને તંદુરસ્તી બાબત મન પર પથ્થર મૂકી શકતાં મીરાંબહેન બાપુની બીમારીની ખબર આવે ત્યારે વિહવળ થઈ જતાં. મન બેકાબૂ બની બાપુની પરિચર્યા કરવા ઝંખતું. તેઓ જાણતાં કે બાપુ એવું ઇચ્છતા નથી, છતાં તેવી ઇચ્છા વ્યક્ત કરતાં. દોડી પણ જતાં. ગાંધીજી ઠપકો આપતા. મીરાંબહેનનું હૃદય તૂટી જતું. કહેતાં કશું નહીં; લખતાં, ‘બાપુ, મારા પ્રિય બાપુ, હું પોતાની સાથે દલીલ અને તર્ક કરું છું. છતાં એવો તબક્કો આવે છે જ્યારે પ્રેમ પોતાનો માર્ગ શોધે છે – તત્ત્વજ્ઞાન પાસે ઝુકવા રાજી થતો નથી.’
1929ના એક પત્રમાં બાપુએ મીરાંબહેનની આ આસક્તિને ‘રોગ’ કહી ધુત્કારી: ‘તું મૂર્તિપૂજક થઈ ગઈ છે. મારી હાજરીની આટલી શી ઘેલછા ? શા માટે આવી અસહાય શરણાગતિ ? શા માટે મને ખુશ કરવાના આટલા પ્રયત્નો ? શા માટે સ્વતંત્ર અસ્તિત્વ નહીં’ ‘તારા રોગના લક્ષણોને તું દબાવ્યા કરે છે. તેના મૂળમાં જઈ ઈલાજ કરતી જ નથી.’
એક વાર લાંબા વિયોગ પછી બાપુને જોઈ મીરાંબહેન રડી પડ્યાં. બાપુએ ગુસ્સે થઈ તેમને રેવારી મોકલી આપ્યાં. પછી પત્ર લખ્યો, ‘તારાથી જુદા પડવું મુશ્કેલ હતું કેમ કે મેં તને દુઃખી કરી હતી. પણ એ અનિવાર્ય હતું. તું પૂર્ણ સ્ત્રી બને તેમ હું ઇચ્છું છું. સાબમરતી આશ્રમ તારું ઘર છે પણ તું જ્યાં રહે તે તારું ઘર બનવું જોઈએ. તારી લાગણીવશતા ફેંકી દે. હું ફક્ત આ શરીરમાં જ હોઉં તેમ ન વર્ત. મારો આત્મા તારી સાથે જ છે. તેની હાજરીનો અનુભવ તને ત્યારે જ થશે જ્યારે તું અનાસક્ત થશે. હું તારી જગ્યાએ હોઉં તો એ માર્ગે જાઉં. તારા વ્યક્તિત્વને સલામત રાખ.’
મીરાંબહેનને થતું, એક તરફ મારું વ્યક્તિત્વ સલામત રાખવાનો આગ્રહ છે અને બીજી તરફ જો હું મારા વ્યક્તિત્વ મુજબ વર્તું છું તો નારાજગી પણ છે. તેઓ ગૂંચવાતાં, ભૂલો કરી બેસતાં. સંબંધોની પ્રારંભિક મીઠાશ ફિક્કી પડવા લાગી, સ્પષ્ટ દેખાયું કે બંનેની એકબીજા માટેની અપેક્ષા જુદી જુદી હતી. આ ગાળામાં મીરાંબહેનને વારંવાર ગાંધીજીથી જુદા રહેવાનું આવ્યું. તેઓ પત્રોમાં પોતાનું હૃદય ઠાલવતાં રહ્યાં. સાત મહિનાના ગાળામાં તેમણે બાપુને ત્રેપન લાંબા પત્રો લખ્યા હતા ! બાપુ દરેકનો જવાબ આપતા. જો કે પત્રો, પ્રત્યક્ષ મુલાકાતનો વિકલ્પ ન બની શકતા. ઉપરથી સ્વીકાર અને અંદરથી ઇન્કારની તાણ અંતે મીરાંબહેનને બીમાર પાડતી. ત્યારે પછી બાપુ તેમને બોલાવી લેતા.
મીરાંબહેન દૂર હોય ત્યારે ગાંધીજી “યંગ ઈન્ડિયા”માં હપ્તાવાર છપાતી પોતાની આત્મકથાના અંગ્રેજી પ્રૂફ મીરાંબહેનને સુધારવા માટે મોકલતા, મીરાંબહેનની દૃષ્ટિ અને ભાષા પર બાપુનો એટલો ભરોસો હતો. ઉપરાંત ‘ખાવાનું પચે છે ? શું ખાય છે ? શું કામ કરે છે ? કયા સમયે જમે છે ? ચાલવા જાય છે ? મચ્છર છે ? આવું ઘણું બધું પૂછતા. મીરાંબહેન જ્યાં હોય ત્યાં “નવજીવન” અને “યંગ ઈન્ડિયા” પહોંચાડતા. ‘ખર્ચની વધુ પડતી ચિંતા કે તે માટે માફી માગવી એવું ન કર. સેવા કરનારે શરીરને સ્વસ્થ રાખવું જોઈએ અને તે માટે ફળ ખાવાં જરૂરી છે.’ ‘માનવતાનાં તારાં કાર્યો મને ગમે છે. ચાલુ રાખજે.’ તું પોતા પ્રત્યે ઘણી કડક છે અને તારે માટે અજાણ્યા એવા વાતાવરણમાં છે, તેથી મને તારી ચિંતા રહે છે. તારે સંતુલન ગુમાવવાનું નથી.’ ‘પ્રતિજ્ઞા લંગર જેવી છે. જીવનનું નિયમન કરે છે. તેના વિના જીવન અરાજક, દિશાહીન બને છે. પણ જ્યાં સુધી અંદરથી આદેશ ન આવે, ત્યાં સુધી પ્રતિજ્ઞા લેવી નહીં.’ હિન્દી શીખવું અને ચરખો શીખવવો એ બે એક સાથે મુશ્કેલ થાય છે, તે હું જોઉં છું.’ બાપુના પત્રોમાં કાળજી ટપકતી.
મીરાંબહેને બાપુને બિથોવન વિશે લખ્યું, પોતે રોમાં રોલાંના પુસ્તકનું ભાષાંતર કરવા ઇચ્છે છે તે પણ જાણાવ્યું. બાપુએ લખ્યું, ‘બિથોવનનું સંગીત તારા માટે સારું આધ્યાત્મિક પોષણ છે. તું તેને ભૂલી ન જતી. તને મારા તરફ લઈ આવનાર, અને તું જેની આટલી આદરભક્તિ કરે છે તે બિથોવનના સંગીતને તું ભૂલી જાય તો તે પોતાની સાથે અન્યાય કરવા જેવું થશે.’ ‘રોમાં રોલાંના પુસ્તકનું ભાષાંતર જરૂર કર, પણ શાંતિમાં સ્થિર થવું સૌથી વધુ અગત્યનું છે. રેવારી છોડે તે પહેલાં તું તારી ઊંચાઈને પ્રાપ્ત કર તેમ હું ઇચ્છું છું.’
એક વાર ગાંધીજીની તબિયત બગડી ત્યારે મીરાંબહેને તાર કર્યો. ’બાપુ, વહાલા બાપુ, તમે મારા માતાપિતા, મારું સર્વસ્વ છો. મારી નિર્બળતાઓ માટે મને ગમે તેટલી શરમ આવે, મારે મારું હૃદય તમારી સામે ખોલવાનું જ છે. હું તમારામાં જ જીવું છું. તમારામાંથી જ પ્રેરણા મેળવું છું, તમને જ નિ:સીમપણે ચાહું છું.’
બાપુ, ‘ચિ. મીરાં’ એવું સંબોધન કરતા, નીચે લખતા ‘યોર્સ, બાપુ.’ મીરાંબહેન ‘બિલવેડ બાપુ’ સંબોધન કરતાં અને ‘યોર એવર ડિવોટેડ ડૉટર, મીરાં’ એવી સહી કરતાં.
રેવારી આશ્રમમાં મીરાંબહેન અને તેમની એક સાથીને બળજબરીથી ભાંગ પાવાનો પ્રયત્ન થયો હતો. મીરાંબહેને તેનો સામનો કર્યો. બાપુ ખુશ થયા. સાથે દુઃખી પણ થયા કે આશ્રમ જેવી જગ્યાએ આવું બન્યું. હિન્દી ભાષા પર ભાર હતો જ. મીરાંબહેન હિન્દીમાં પત્ર લખે તે બાપુને ઘણું ગમતું. તેઓ આનંદ વ્યક્ત કરે, સુધારી પણ આપે. માસિક અટકાવ દરમ્યાન અલગ રહેવાનું આશ્રમનું ધોરણ મીરાંબહેનને બિલકુલ પસંદ ન હતું. તેની ચર્ચા પણ બાપુ સાથે થતી – મીરાંબહેનનું ઔપચારિક શિક્ષણ ઓછું હતું તેની પણ અને દેશની રાજકીય પરિસ્થિતિની પણ. સાયમન કમિશન આવ્યું હતું. પરિસ્થિતિ તંગ હતી. આશ્રમમાંથી બહાર નીકળી ગામડાંમાં કામ કરવાનો વખત આવી ગયો હતો તેવું મીરાંબહેનને લાગતું હતું. બાપુની સંમતિથી તેઓ બિહારમાં રાજેન્દ્રબાબુના હાથ નીચે ખાદી કાર્યકરોને તૈયાર કરવા લાગ્યાં. લોકોને કાંતતાં-પીંજતાં શીખવતાં. ભારતનાં ગામડાઓની દારુણ ગરીબી જોઈ મીરાંબહેનને બાપુનું દુઃખ સમજાયું. ખાદી-પશુપાલન-ગ્રામોદ્યોગની અહીં કેટલી જરૂર હતી તે પણ ખ્યાલ અવ્યો.
એ ઊનાળામાં બાપુએ ખાદીકામની યાત્રા આરંભી. મીરાંબહેન તેમની સાથે હતાં. બાપુની અંગત જરૂરિયાતો તેઓ સાચવતાં. તેમનું રહેવાનું, સફાઈ, ખોરાકનો જે પ્રયોગ ચાલતો હોય તે મુજબ ચીજો મેળવવાની અને રાંધવાનું, બકરીનાં દૂધની વ્યવસ્થા, કપડાં ધોવાનાં – મીરાંબહેન એટલાં વ્યસ્ત રહેતાં કે બાપુની સભાઓમાં હાજરી આપી ન શકતાં. ભાષણ પૂરું થાય પછી ફાળો ભેગો કરવા ક્યારેક જતાં. લોકો ખૂબ આવતા. પહેરેલો દાગીનો ઉતારીને ઝોળીમાં મૂકી દેતા. ગરીબો વધારે આપતા. તેમનો ભાવ જોઈ મીરાંબહેનનું મન ભરાઈ આવતું. બાપુ એક એક પૈસાનો ચીવટપૂર્વક હિસાબ રાખતા. સાચવીને વાપરતા. સેવા કરનારે સ્વૈચ્છિક ગરીબી અપનાવવી જોઈએ તેવો બાપુનો આગ્રહ પણ મીરાંબહેનને સમજાયો. જો એવો આગ્રહ ન હોય તો જનતાના પૈસાનો દુરુપયોગ થાય. પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો એ લાહોર કોંગ્રેસમાં પણ બાપુ સાથે મીરાંબહેન હતાં. ભારત આવ્યાને પાંચ વર્ષ થવાં આવ્યાં હતાં. બાપુ સાથેના, બાપુના વિયોગના, બાપુની કસોટીના આ પહેલા તબક્કાએ મીરાંબહેનનું વિશ્વ પલટી નાખ્યું હતું. પણ સંઘર્ષનો, પીડાનો તબક્કો હવે શરૂ થવાનો હતો.
[નવેમ્બર 2015]
* * *
− 3 −
સંઘર્ષ : દિલનો પણ, દેશનો પણ :
ભારતનાં ઘણાં ગામડાંઓમાં સ્વચ્છતા કાંતણ અને પીંજણ શીખવવા માટે મીરાંબહેનને મોકલવામાં આવ્યાં હતાં, એટલે મીરાંબહેન આશ્રમ બહાર હોય તેવું ઘણી વાર બનતું. પણ 1930માં દાંડીકૂચ થઈ ત્યારે મીરાંબહેન સાબરમતી આશ્રમમાં હતાં. બાપુ મીઠાનો કાયદો તોડવાના હતા અને અસહકારની મોટી ચળવળ ઉપાડવાના હતા. આશ્રમને આ મોટા બનાવ માટે તેઓ તૈયાર કરી રહ્યા હતા. તેમનો ઉત્સાહ અને શક્તિ પરાકાષ્ઠાએ હતાં. સવારસાંજની પ્રાર્થનામાં બાપુ ખૂબ પ્રેરણાદાયક વાતો કરતા.
મીરાંબહેનને દાંડીયાત્રામાં સામેલ થવું હતું. પણ સ્ત્રીઓને આ યાત્રામાં લેવી નહીં તેવું બાપુએ નક્કી કર્યું. મીરાંબહેન નિરાશ થયાં. તેમાં બાપુએ પ્રતિજ્ઞા લીધી કે ‘સ્વરાજ્ય મેળવ્યા વિના આશ્રમમાં પાછો નહીં આવું.’ બાપુ વિનાનો આશ્રમ મીરાંબહેનને ખાલી ખાલી, સૂનો સૂનો લાગતો હતો.
1930ની પાંચમી મેએ બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કરી. વિયોગ વધુ ઘેરો બન્યો. 1931ની શરૂઆતમાં બાપુને છોડવામાં આવ્યા. ત્યાર પછી વાઈસરોય લોર્ડ ઈરવિન સાથે શાંતિમંત્રણા થઈ, ત્યારે મીરાંબહેન બાપુ સાથે હતાં. લોર્ડ ઈરવિન બાપુ પ્રત્યે આદર ધરાવતા. બાપુ ગોળમેજી પરિષદમાં લંડન જઈ હાજરી આપે તેમ તેઓ ઇચ્છતા હતા. બાપુને પણ લોર્ડ ઈરવિન પ્રત્યે માન હતું. ઘણી અપેક્ષા સાથે તેમણે વાટાઘાટ ચલાવી હતી. રોજ સવારે બંને વચ્ચે લાંબી મંત્રણા થાય, સાંજે કૉંગ્રેસ વર્કિગ કમિટીને બાપુ વિગતો કહે. કલાકો સુધી ગરમાગરમ વાદવિવાદ થાય. બાપુની અખૂટ શક્તિ અને ધૈર્ય જોઈ મીરાંબહેન આશ્ચર્ય અનુભવે અને તેમના ખોરાક, ઊંઘ-આરામ અને અન્ય કાર્યોનો સમય બરાબર સાચવે.
એક તરફ આ વાટાઘાટો ચાલી રહી હતી. એક મહાન રાજકીય આંદોલન આકાર લઈ રહ્યું હતું, બીજી તરફ બાપુના સૌથી નાના પુત્ર દેવદાસ અને રાજાજીની પુત્રી લક્ષ્મી વચ્ચે શાંત પ્રણય વિકસી રહ્યો હતો. કડક શિસ્તપાલક પિતાઓએ સંતાનોને પોતાના પ્રેમની સ્થિરતા ચકાસવા પાંચ વર્ષ સુધી જુદા રહી ત્યાર પછી પરણવું તેવું સૂચવ્યું. સંતાનોએ તે સ્વીકાર્યું.
મંત્રણા પૂરી થઈ, કરાર થયા અને બાપુ અને મીરાંબહેન તેમ જ અન્ય સાથીઓ ગોળમેજી પરિષદ માટે લંડન ગયાં, જ્યાં ભારતના ભાવિનો નિર્ણય લેવાનો હતો. મહાન બનાવો વચ્ચેના ગાળામાં મીરાંબહેને વખતોવખત એ જૂના મનોસંઘર્ષને પણ સહ્યો.
* * *
આ ગાળામાં ગાંધીજી ભારતમાં ને લંડનમાં ખૂબ જાણીતા થઈ ગયા હતા. મીરાંબહેન પણ ખૂબ જાણીતાં બન્યાં હતાં. લંડનમાં તેમના ઈન્ટરવ્યૂ લેવાતા, સમાચારો-તસ્વીરો પ્રગટ થતાં. સમારંભોમાં યુરોપીય દેખાવ અને ખાદીનાં વસ્ત્રોથી મીરાંબહેન જુદા તરી આવતાં.
પેરિસ-ઇંગ્લેન્ડમાં ગાંધીજીને મળવા લોકોનો ઘસારો થતો, કિંગ્સલી હૉલની અગાશી પરના ઓરડાઓમાં બાપુ અને સાથીઓને ઉતારો અપાયો હતો. બાપુ અત્યંત વ્યસ્ત રહેતા. વ્યક્તિગત અને સામુદાયિક વાટાઘાટો સતત ચાલતી. પરિષદનું સ્થળ ઉતારાથી દૂર હતું એટલે નાઈટ્સ બ્રિજ પાસે મકાન ભાડે રાખ્યું. મીરાંબહેન બપોરનું જમવાનું લઈ જાય. બાપુ થોડી મિનિટો માટે બહાર આવી ખાઈ લે. રાત્રે બાપુ કિંગ્સલી હૉલ પાછા આવે. મીરાંબહેન બાપુનું ખાવાનું બનાવે, ઓરડા-અગાશી સાફ કરે, બપોરનું ટીફિન લઈ જાય, પાછાં આવી કપડાં ધૂએ. સાંજનું ખાવાનું બનાવે. રાત્રે બાપુના પગના તળિયે ઘી ઘસી આપે. સવારે ત્રણ વાગ્યે બાપુને જગાડે. પ્રાર્થના કરી ચાર વાગ્યે બાપુ સૂઈ જાય. પોણા પાંચ વાગે બાપુ માટે મધલીંબુંનું પાણી બનાવી મીરાંબહેન બાપુને ઉઠાડે. તે પીને બાપુ ફરવા જાય. મીરાંબહેન પણ સાથે જાય. પાછા આવે ત્યારે લંડનના આકાશમાં સૂર્ય ઊગતો હોય.
શનિ-રવિમાં ઑક્સફર્ડ, કેમ્બ્રિજ, બકિંગહામ, ક્વેકર સેન્ટર વગેરે સ્થળે જવાનું થતું. ઔપચારિક મુલાકાતો ખૂટતી ન હતી, જનતા સાથે સંપર્ક થતો ન હતો. મીરાંબહેન કહે, ‘જાહેર સભા રાખીએ ?’ બાપુએ હા પાડી પણ એમ થવા ન દેવાયું. અંગ્રેજો ઇચ્છતા ન હતા કે બાપુ લોકોને મળે. તો પણ લેન્કેશાયરમાં બાપુ મિલમજૂરોને મળ્યા. પરદેશી કાપડનો બહિષ્કાર શા માટે કર્યો તે પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યું, ‘અહીંની બેકારી જોઈને મને દુઃખ થાય છે, પણ અહીં ભૂખમરો નથી. અમારે ત્યાં ભૂખમરો છે. હું તમારો શુભેચ્છક છું, પણ હિન્દુસ્તાનના લાખો ગરીબોની કબર પર તમે અમીર થવાનું ન વિચારશો.’ જ્યાં બાપુ જતા, લોકો ઊભરાતા. છૂપી પોલીસના સતત સાથે રહેતા માણસો કહેતા, ‘અમારા રાજા-મહારાજાને મળવા પણ આટલો ઘસારો નથી થતો.’
મુસાફરીમાં મિલ્ટન હીથ પાસેથી પસાર થવાનું થયું. પોતે જ્યાં રહ્યા હતા એ જગ્યા બાપુને બતાવવાનું મીરાંબહેનને મન થયું, પણ વખત ન હતો.
પરિષદમાં બાપુએ સ્પષ્ટપણે ઇંગ્લેન્ડની ભૂલો અને છેતરપિંડી બતાવ્યા. કહ્યું, ‘અમારે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. સાથે ઇંગ્લેન્ડ સાથેનો બરાબરીનો, માનભર્યો સંબંધ પણ.’ અંગ્રેજો શબ્દજાળ રચતા. સમાધાન શક્ય ન હતું.
ભારત પાછા ફરતાં ગાંધીજી અને મીરાંબહેન વિલેનેવ, સ્વીટ્ઝરલેન્ડમાં રોમાં રોલાંને મળવા ગયાં. લંડનના કોલાહલથી દૂર આ શાંત એકાંત સ્થળે, મીરાંબહેનને પોતાનું મુક્ત અને સ્વતંત્ર પૂર્વજીવન યાદ આવી ગયું. એ વખતે તેમણે આ સ્થળોની મુલાકાત પહેલીવાર લીધી હતી. અત્યારે સ્થળો તો એ જ હતાં, પણ પોતે જાણે પોતાના જ રચેલા કારાગારમાં કેદ હતાં. રોમાં રોલાંની વેધક વાદળી આંખોએ એ વ્યથા વધારી. આ મુલાકાત પછી રોમાં રોલાંએ પોતાના એક અમેરિકન મિત્રને પત્ર લખ્યો તેમાં મીરાંબહેનને ‘ગ્રીક કૃષિદેવી’ જેવાં અને બાપુને ‘શાંતસ્વસ્થ અવાજમાં વિરોધીઓને મૂંઝવે તેવા કઠોર સત્યો સંભળાવનાર, કદી ન થાકતા નાનકડા બોખા માણસ’ તરીકે વર્ણવ્યા છે.
* * *
ભારત આવ્યાં પછી મીરાંબહેનના એ વિચારો દૂર હડસેલાઈ ગયા. મહાત્મા અને મીરાંબહેન બંનેએ વિવિધ જેલો ભોગવી. બ્રિટિશો સાથે વાટાઘાટ કરી. એકબીજાને મળવાનો વખત ઓછો મળતો. તો પણ 1933ની મધ્યમાં ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા ત્યારે પણ પત્રો લખાવાના ચાલુ હતા. મીરાંબહેન લગભગ રોજ પત્ર લખતાં. આ વાક્ય તો હોય જ, ‘હું તમારે લાયક નથી. હું વધુ ને વધુ પ્રયત્ન કરતી રહીશ.’ અને ‘બાપુ, હું તમારા ચરણોમાં છું.’ ‘તમારાથી જુદા પડવાની કલ્પનાથી પણ મારી નસો ખેંચાય છે.’ મીરાંબહેન કઠોર આત્માઅલોચક હતાં. પોતાની બાપુ પ્રત્યેની ભક્તિ, બુદ્ધિ કરતાં ઘણી વધુ પ્રબળ છે તે સમજતાં. 1931માં મીરાંબહેનનાં મા ઇંગ્લેન્ડમાં મૃત્યુ પામ્યાં. દર અઠવાડિયે તેમનો પત્ર આવતો. માના મૃત્યુથી મીરાંબહેનના જીવનમાં ખાલીપણું સર્જાયું.
મીરાંબહેનને ભારત આવ્યાને સાત વર્ષ થયાં હતાં. હજી વ્યક્તિગત સેવા વિશે ચર્ચા ચાલતી જ હતી. ‘તમે જેલમાં હો છો ત્યારે મને સ્ફૂરણા થાય છે કે તમામ શક્તિપૂર્વક મારે તમારું કામ ચાલુ રાખવું. તમે અહીં હો છો ત્યારે આવી જ કોઈ સ્ફૂરણાથી હું પોતાને સંકેલી મૌન સમર્પણમાં લીન હોઉં છું.’ ગાંધીજીએ લખ્યું, ‘હું સમજું છુ કે મારી સેવા એ તારા માટે વ્યક્ત થવાની એક રીત છે. હું જેલમાંથી છૂટું પછી તું તે કરજે. હવે હું તને રોકીશ નહીં.’ ગાંધીજીને દેશસેવકો જોઈતા હતા, અંગત પરિચારકો નહીં. પણ મીરાંબહેનની મનોસ્થિતિને પણ તેઓ સમજતા હતા.
મીરાંબહેનની ટીકા કરતા એક સાથીને બાપુએ લખ્યું, ‘મેં મીરાંને રડાવી છે તેટલું કોઈને નહીં રડાવ્યા હોય. મીરાંનું આત્મસમર્પણ પ્રશંસાની હદની બહારનું છે. હું તેને સંપૂર્ણ જોવા માગું છું તેથી તેના પર કઠોર થાઉં છું અને તેથી તેને દુઃખ થાય છે.’
જેલમાં ગાંધીજીએ હરિજનો માટે ઉપવાસ કર્યા. મીરાંબહેન બાપુ પાસે રહેવા માગતા હતાં, પણ સત્તાવાળાઓએ મળવાની પરવાનગી પણ ન આપી. ‘જો હું તમને જોઈ નહીં શકું, તમારો અવાજ સાંભળી નહીં શકું તો મારું માથું ફાટી જશે. મારે આખા વિશ્વમાં તમારા સિવાય પોતાનું કોઈ માણસ નથી, કોઈ વિચાર નથી.’ ગાંધીજીએ જેલના સત્તાવાળાઓને કહ્યું કે જો મીરાંબહેનને મળવા નહીં દેવાય તો પોતે કોઈને જ નહીં મળે.
દરમ્યાન મીરાંબહેનની ‘અસહકાર ચળવળને વેગ આપવા’ માટે ધરપકડ થઈ. ગાંધીજી છૂટ્યા પછી મીરાંબહેનને મળવા જેલમાં ગયા, ત્યારે તેમની છેલ્લી મુલાકાતને દોઢ વર્ષ થઈ ગયું હતું. 1933નો જુલાઈ મહિનો હતો. ગાંધીજી બે વાર મીરાંબહેનને જેલમાં મળ્યા. પછી ફરી તેમની ધરપકડ થઈ. ફરી ઉપવાસ, ફરી તબિયત બગડી. મીરાંબહેન ખળભળી ઊઠ્યાં, ’ઈશ્વરે મને તેમના સંદેશવાહકની દેખભાળ સોંપી છે. તે માટેનું બળ પણ ઈશ્વર જ આપશે. બાપુ, તમારા દ્વારા થતાં દરેક કામ માટે હું એ બળ ખર્ચીશ. અત્યારે જો હું કંઈ ન કરી શકી તો મારો પ્રેમ નિરર્થક છે.’ બાપુ જેલમાં હતા, મીરાંબહેને પોતાને કામમાં ડૂબાડી દીધાં. પત્રવ્યવહાર લગભગ બંધ થયો હતો. મુલાકાત મળી, ન મળવા જેવી. આશ્રમમાં અકળામણ થવા લાગી. મીરાંબહેન ખાદીનો પ્રચાર કરવા બિહાર, મદ્રાસ, કોલકત્તાના પ્રવાસે નીકળ્યાં. પોલીસ તેમના પર નજર રાખતી હતી. જાણીજોઈને પકડાવું નહીં તેવો બાપુનો આદેશ હતો. મીરાંબહેન શાંતિથી, સંયમથી બોલતાં. લોકો ખૂબ ઉત્સાહથી સાથ આપતા. ઘણા અનુભવ થયા. બાપુએ લખ્યું, ‘સત્યનો શોધક તો આવા અનુભવોમાંથી ફાયદો જ ઉઠાવે.’
* * *
મોતીલાલ નહેરુનું મૃત્યુ થયું. ભગતસિંહને ફાંસી થઈ. ગાંધી-ઇરવિન કરાર માટે લોકો જેટલા ખુશ હતા તેટલા જ ભગતસિંહની ફાંસી ન અટકાવવા બદલ બાપુ પર ગુસ્સે થયા. વિરોધના જુવાળને બાપુએ શાંતિથી સહ્યો. બાપુ જેલમાંથી છૂટીને મુંબઈ આવ્યા હતા. મીરાંબહેન ત્યાં ગયાં. સરકાર કરાર પ્રમાણે વર્તતી ન હતી. મીરાંબહેનને બાપુ પાસે રહેવું હતું પણ બાપુ બહુ અકળાતા. નાની વાતમાં ખિજાઈ જતા. ‘મારી નહીં, મારા આદર્શોની સેવા કર.’ બાપુ ત્યારે મણિભવનમાં હતા. તેમને ફરી પકડ્યા. દેશ ખળભળી ઊઠ્યો હતો. છાપાં સરકારના હાથમાં હતાં. મીરાંબહેનને થયું દેશના ખૂણે ખૂણે સમાચાર પહોંચાડવા જોઈએ. ટાઇપરાઇટર, સાઇક્લોસ્ટાઇલ મશીન અને ટાઇપીસ્ટની વ્યવસ્થા થઈ. સમાચાર મેળવવાનો પ્રબંધ થયો. અનેક અફવા, ગપગોળા ને ખબરો વચ્ચેથી કામનું-નકામું તારવવાનું. વિશ્વાસપાત્ર ખબરો પસંદ કરી સાપ્તાહિક નોંધ બનાવી મીરાંબહેન યુરોપ-અમેરિકા મોકલે. સરકારી તપાસમાંથી બચવા ટાઇપીસ્ટને એરપોસ્ટ નીકળવાની હોય ત્યારે જ મોકલે. થેલા બંધ થતા હોય ત્યારે જ લેટ ફી ભરી ટપાલ નાખી દે.
યુરોપ-અમેરિકામાં બધા સમાચાર ફેલાતાં સરકાર ચિડાઈ. મીરાંબહેનને મુંબઈ છોડવાનો હુકમ કર્યો. મીરાંબહેને માન્યું નહીં ને પકડાયાં. બચાવ કરવાનો તો હતો નહીં. આર્થર રોડ જેલમાં મીરાંબહેનને પૂર્યાં. ત્યાં બીજી રાજકીય મહિલા કેદીઓ પણ હતી અને મીરાંબહેન જતાં બધી જમીન પર તેમની આજુબાજુ બેસી ગઈ અને બાપુના ખબર પૂછવા લાગી. બાપુની હાકલથી સ્ત્રીઓ પણ જેલમાં જવા નીકળી આવી હતી તે જોઈ સરકારને નવાઈ લાગતી.
જેલમાંથી લખેલા પહેલા પત્રમાં મીરાંબહેન બાપુને પૂછે છે, ‘કયું પુસ્તક વાચું? બાપુએ લખ્યું, ‘રામાયણ, મહાભારત, વેદ વાંચ. સાથે કુરાન પણ વાંચવું, સંતુલન માટે.’ બાપુ સાથે મહાદેવ પણ જેલમાં હતા તે જાણી મીરાંબહેનને આનંદ થયો. મહાદેવ પણ બાપુ વગર રહી શકતા નહીં.
મીરાંબહેને સમયપત્રક બનાવ્યું ને તેને ચુસ્તપણે પાળવા માડ્યું. હિંદી, કાંતણ, કસરત, વાચન બધા માટે સમય ઠરાવ્યો. કસ્તૂરબા અને સરોજિની નાયડુ પણ જેલમાં આવ્યા હતાં. યરવડા જેલમાં બાપુ પાસે એક બિલાડી આવતી. મીરાંબહેન પાસે અહીં એક બિલાડો આવતો. રાજકીય ઊથલપાથલ વચ્ચે થઈ રહેલા પત્રવ્યવહારમાં બંને પોતપોતાના આ મિત્રોનો ઉલ્લેખ પણ કરી લેતા!
* * *
ઘટનાઓ ઝડપથી બનતી હતી. અંગ્રેજો બાપુને જેલમાં મૂકતા, છોડતા, ફરી પકડતા. બાપુ હરિજન મતદાર મંડળની વિરુદ્ધ આમરણ ઉપવસ પર ઊતર્યા. મીરાંબહેન પર લખ્યું, ‘તારા અને બાના વિચારથી હું ઘડીભર ડગી ગયો હતો, પણ આમાં ઝંપલાવનારે માયામમતા છોડવી જ રહી.’ એવું પણ બનતું કે મીરાંબહેન જેલમાં હોય, બાપુ બહાર. બાપુની કસોટી થઈ રહી છે, બાપુ હરિજનોના ઉદ્ધાર માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, સત્યાગ્રહ શરૂ કરવાના છે અને આશ્રમ વિખેરવાના છે તેવા સમાચાર મળ્યા ત્યારે મીરાંબહેન સાબમરતી જેલમાં હતાં. આટલી મહેનત અને પ્રેમથી ઊભા કરેલા આશ્રમનું બલિદાન આપવાનો અર્થ એ છે કે બાપુ કઠોર સત્યાગ્રહની કલ્પના કરી રહ્યા છે તે મીરાંબહેન સમજતા હતાં. બાપુ ઉપવાસ પર ઊતરતા, ખૂબ નંખાઈ જતા. તેમને જોઈ મીરાબહેનનું હૃદય ચૂપચાપ રડતું.
* * *
એક વર્ષ પછી મીરાંબહેન જેલમાંથી છૂટી વર્ધા આશ્રમમાં બાપુને મળ્યાં. બાપુ પાસે એક જર્મન અને એક અમેરિકન મહિલા પરિચારક હતાં, તે જોઈ મીરાંબહેન બાપુના વિચારો પશ્ચિમમાં પહોંચાડવા લંડન અને અમેરિકા ચાલ્યા ગયાં. સભાઓ કરતાં, મુલાકાતો આપતાં, રેડિયો પર ભાષણ આપતાં. લોકો બાપુ અને ભારત વિશે જાણવા ઉત્સુક હતા. તેને માટે મીરાંબહેનથી યોગ્ય વ્યક્તિ બીજી કઈ હોઈ શકે ? મીરાંબહેન લોર્ડ ઈરવિન, જનરલ સ્મટ્સ અને ચર્ચિલને પણ મળ્યાં.
બાપુનો પત્ર આવ્યો, ‘મીરાં, હું કૉંગ્રેસમાંથી નીકળી જવાના નિર્ણય પર આવ્યો છું. કૉંગ્રેસમાં પેઠેલા સડાથી મન પર ભાર રહે છે. હું વ્યગ્ર છું. કૉંગ્રેસને છોડી તેના જ આદર્શોને બહાર રહી સાધવાનું સલાહભર્યું છે કે કેમ તેની ચર્ચા મિત્રો સાથે કરી રહ્યો છું.’
1934ના ઑક્ટોબર મહિનામાં મીરાંબહેન ભારત આવી ગયાં. તેમણે કલ્પી પણ ન હતી તેવી ઘટનાઓ તેમની રાહ જોઈ રહી હતી.
[ડિસેમ્બર 2015]
* * *
− 4 −
પ્રેમ, ભક્તિ, આઝાદી :
1934માં મીરાંબહેન યુરોપ-અમેરિકાથી ભારત પાછાં આવ્યાં અને 1944માં હિમાલયમાં ચાલ્યાં ગયાં. આ દસ વર્ષનો ગાળો મીરાંબહેનના જીવનની ભયાનક ઉથલપાથલનો ગાળો હતો.
યુરોપ-અમેરિકાની સફરેથી પાછાં આવીને મીરાંબહેન વર્ધા ગયાં. તેમને ઘણું કહેવું હતું, બાપુ પણ હંમેશાં લખતા કે પોતે બધું સાંભળવા આતુર છે. પણ હંમેશની જેમ બાપુ પાસે વખત ન હતો. તેઓ કૉંગ્રેસમાંથી નીકળી ગયા હતા, પણ રચનાત્મક કામ મોટે પાયે ઉપાડેલું હતું. એક તરફથી અસ્પૃશ્યતા નિવારણ, બીજી તરફ ગ્રામોદ્યોગને સજીવન કરવાની ઝુંબેશ.
મીરાંબહેને બાજુના સિંદી ગામમાં સ્વચ્છતાના પાઠ શીખવવા શરૂ કર્યાં. જો કે સહેલું નહોતું. ત્યાં સવર્ણો – અછૂતોના કૂવા જુદા હતા. એક વાર મીરાંબહેને અછૂતના કૂવાનું પાણી પીધું. તે પછી સવર્ણોના કૂવા પાસે જવા પર પ્રતિબંધ આવ્યો. ત્યાર પછી ત્યાં કોલેરા ફાટી નીકળ્યો. ગંદકીને લીધે વધુ ફેલાયો. મીરાંબહેને લોકોની સેવા કરવા માંડી. તે પછી ગામલોકો નરમ પડ્યા. મીરાંબહેને જો કે હજી વધારે પછાત ગામડાની શોધમાં હતાં. થોડે દૂર સેગાંવ નામનું ગામડું હતું. મીરાંબહેને ત્યાં રહેવા માંડ્યું. આ સેગાંવ એ જ ભવિષ્યનું સેવાગ્રામ.
બાપુ બીમાર પડી વિનોબા પાસે આવ્યા હતા. વિનોબાનો આશ્રમ સેગાંવથી ચારપાંચ માઈલ દૂર હતો. બાપુનું બ્લડપ્રેશર ખૂબ વધી ગયું હતું. મીરાંબહેન બાપુ આટલે નજીક આવ્યા તેથી રાજી થયાં, પણ બીમાર પડીને આવ્યા હતા તેથી ચિંતામાં પણ પડ્યાં. પગે ચાલતાં તેઓ બાપુને મળવા ગયાં, પણ ‘બાપુની તબિયત વધુ બગડશે’ કહી તેમને મળવા ન દેવાયાં. આ બાપુનો હુકમ હતો કે બીજા કોઈનું ડહાપણ તે સ્પષ્ટ થયું નહીં. મીરાંબહેન આઘાતથી દિગ્મૂઢ થઈ ગયાં. પોતાને મળવાથી બાપુની તબિયત ખરાબ થશે ? આંસુ ખાળી શકાતાં ન હતાં, પણ બાપુ સુધી વાત પહોંચાડવી ન હતી. ગુસ્સો, અકળામણ, વેદના, ચિંતા, ઘવાયેલો પ્રેમ – શું નહીં હોય એ આંસુમાં ?તેઓ પાછાં ગયાં. થોડા દિવસ પછી જમનાલાલ બજાજનો સંદેશો મળતાં બાપુ પસે ગયાં. થોડી મિનિટો પછી તેમને જતા રહેવાનું કહેવાયું. તેમણે જોયું કે બીજા તો મુક્તપણે બાપુ પાસે જતા હતા. પોતાને જ આવું બંધન શા માટે ? ઉપરથી સૂચના આપવામાં આવી કે મીરાંબહેને સેગાંવમાં જ રહેવું, બાપુની તબિયત માટે એ જ સારું રહેશે.
આ આઘાત એવો હતો કે મીરાંબહેન વર્ષો સુધી એમાંથી નીકળી શક્યાં નહીં. માનસિક યંત્રણા વધી જાય ત્યારે તેઓ માંદાં પડી જતાં. અત્યારે પણ બીમાર પડ્યાં. બાપુ સાથે ગામડામાં રહી કામ કરવું એ તેમનું સ્વપ્ન હતું. ‘ગામડાનું આકર્ષણ ને બાપુ પાસે રહેવાની ઇચ્છા – આ બે વચ્ચે હું ખેંચાયા કરતી. મને થતું. ક્યારેક આ બંને બાબત એકસાથે બનશે.’ તેઓ લખે છે. સેગાંવમાં આવ્યા પછી મીરાંબહેનને લાગતું હતું કે બાપુ હવે અહીં આવશે અને તેમની સાથે રહી પોતે સેવા કરશે. પણ વાસ્તવિકતા જુદું જ કહેતી હતી.
તો પણ તેમણે આ ઇચ્છા બાપુ પાસે વ્યક્ત કરી. બાપુએ થોડો વિચાર કરીને જણાવ્યું, ‘હું સેગાંવ જઈશ પણ મીરા સેગાંવ છોડશે ત્યાર પછી.’ બાપુ માટે ઝૂંપડી બનાવડાવી મીરાંબહેન વરોડા ગામે રહેવા ગયાં. ત્યાંથી સેગાંવ નજીક હતું. પણ બાપુએ અઠવાડિયામાં એક જ વાર મળવાની પરવાનગી આપી હતી. મીરાંબહેનથી આ કઠોરતા સહન થતી ન હતી. બીજી તરફ બાપુ આવ્યા એટલે સેગાંવમાં લોકો ભેગા થવા માંડ્યા. નાનો સરખો આશ્રમ ઊભો થયો, જેમાં બધા માટે જગ્યા હતી, માત્ર મીરાંબહેન માટે ન હતી, બાપુની પરિચર્યા સુશીલા નય્યરે ઉપાડી લીધી હતી. સુશીલા મેડિકલ કૉલેજમાં ભણતી હતી અને ગાંધીજીના ભાવિ સચિવ પ્યારેલાલ નય્યરની બહેન હતી.
આઘાતજનક ઘટનાઓને લીધે મીરાંબહેન ફરી બીમાર પડ્યાં. બાપુ જાતે જઈને તેમને સેગાંવ લઈ આવ્યા. બળદગાડાની અંદર મીરાંબહેનને સૂવાડી પોતે પાછળ ચાલતા આવ્યા. સેગાંવ આવીને મીરાંબહેનની સારાવર બાપુએ જાતે કરી. ધીરે ધીરે મીરાંબહેન સાજા થયાં. બાપુએ સેગાંવમાં રહેવાની પરવાનગી આપી. પણ સ્થિતિ ઉપેક્ષિત જેવી હતી. બાપુની દેખભાળ કરવા માટે સુશીલા ઉપરાંત જયપ્રકાશ નારાયણનાં પત્ની પ્રભાવતી, બેગમ અમતુસ્સલામ, લીલાવતી અને રાજકુમારી અમૃતકૌર પણ હતાં. મીરાંબહેનના ભાગે બેત્રણ બાળકોને કાંતતા શીખાવવા સિવાય કોઈ કામ ન આવ્યું. મીરાંબહેનને ખાદીકામ ઓછું ગમતું. તેમને વધુ રસ પશુપાલનમાં હતો.
અંદર ઉપેક્ષાનું દર્દ, બહાર હેતુશૂન્યતા. બાપુની પરવાનગી લઈ મીરાંબહેન પહેલાં સરહદ પ્રાંતમાં અને પછી બિહાર ગયાં. પણ બાપુનો વિયોગ ખૂબ સાલતો હતો. બાપુએ અઠવાડિયામાં એક જ પત્ર લખવાની છૂટ આપી અને પોસ્ટકાર્ડથી ચાલતું હોય તો પોસ્ટકાર્ડથી જ પતાવવું તેવું પણ સૂચવ્યું. લખ્યું, ‘તું સેગાંવ પાછી ભાગી આવે તે કરતાં ત્યાં કામ કરતાં ખલાસ થઈ જાય તેમ હું ઇચ્છું છું.’ ઉપરાંત, ‘તું મારી આંખથી દૂર છે, મનથી દૂર નથી.’ બાપુનું વલણ મીરાંબહેન સમજી શકતાં ન હતાં.
મીરાંબહેન સરહદ પ્રાંતમાં હતાં ત્યારે ગાંધીજી પાસે પૃથ્વીસિંહનું આગમન થયું. એ 1938ની સાલ હતી. પૃથ્વીસિંહ પાંચ હાથ પૂરા પ્રભાવશાળી પંજાબી પુરુષ હતા. રાષ્ટ્રવાદી, ક્રાંતિકારી હતા. બાબા પૃથ્વીસિંહ આઝાદ તરીકે જાણીતા હતા. બ્રિટિશ પોલિસથી બચવા અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં ગદર પાર્ટી સાથે કામ કર્યું, પછી પાછા ભારત આવી લાહોર કાવતરામાં જોડાયા, પકડાયા, ફાંસીની સજા થઈ. પછીથી જનમટીપ આપી આંદામાન મોકલી દેવાયા, ફરી ભારતમાં લવાયા. 1922માં તેઓ જેલમાંથી ભાગી ગયા. 16 વર્ષના ભૂગર્ભવાસ પછી તે અહિંસા તરફ વળ્યા હતા અને ગાંધીજી પાસે આવ્યા હતા.
સરહદ પ્રાંત અને બિહારમાંથી વર્ધા આવેલાં મીરાંબેહનની મુલાકાત પૃથ્વીસિંહ સાથે થઈ ત્યારે એ બેમાંથી કોઈને આવી રહેલા તોફાનનો અણસાર આવ્યો ન હતો. બાપુને પણ નહીં.
સપ્ટેમ્બર 1939માં મીરાંબહેનને પૃથ્વીસિંહની આત્મકથાનું અંગ્રેજી સુધારવાનું કામ સોંપાયું. 1940માં સેગાંવ સેવાગ્રામ બન્યું. આ બધો સમય પૃથ્વીસિંહ અને મીરાંબહેન ત્યાં જ હતાં. મીરાંબહેનને પૃથ્વીસિંહની બહાદુરી, સરળતા અને નિખાલસતા ગમ્યાં. ‘આવા કોઈક સાથે કામ કરવાનું ગમે’ તેમને થયું.
પણ વાત એટલી જ ન હતી. પૃથ્વીસિંહની પડછંદ કાયા અને સૌમ્ય વર્તન, ગાંધીજી પાસેથી વારંવાર જાકારો પામીને ઘવાઈ ગયેલાં મીરાંબહેનના મન પર કામણ કરવા લાગ્યાં હતાં. પૃથ્વીસિંહની હાજરીમાં તેમનું સ્ત્રીત્વ જાગી ઊઠતું. ક્યાં ય વહી ન શકેલો અવરુદ્ધ પ્રેમ પૃથ્વીસિંહ તરફ બેકાબૂ થઈને વહી નીકળ્યો. પૃથ્વીસિંહ મીરાંબહેનને એટલા ગમી ગયા હતા કે તેઓ તેની સાથે લગ્ન કરવા, તેના બાળકની મા બનવા આતુર થઈ ગયાં. તેમણે પૃથ્વીસિંહને ઉત્કટતાભર્યા પત્રો લખ્યા. પૃથ્વીસિંહ સાથે જન્મોજન્મનો કોઈ સંબંધ છે તેવું તેમને લાગતું હતું. તેને સર્વસ્વ અર્પણ કર્યા વિના રહેવાતું ન હતું.
મીરાંબહેને ગાંધીજીને પણ વાત કરી, આશીર્વાદ માગ્યાં. બાપુએ કહ્યું, ‘તું પૃથ્વીને પૂર્ણપણે અનુસરજે.’ પણ પૃથ્વીસિંહ ? તેને પ્રૌઢ વયે પહોંચેલાં મીરાંબહેનમાં એટલો રસ ન હતો. તેમણે બાપુને કહ્યું, ‘આશ્રમની સ્ત્રીઓને બહેન માનવાની સલાહ તમે મને આપી હતી. એ અનુસાર હું તો મીરાંને બહેનની નજરે જોતો હતો.’ બાપુએ કહ્યું, ‘એવી પરંપરા વ્યવસ્થા અને શિસ્ત માટે સર્જેલી છે, તે ખરું; પણ તેનાથી તું અને મીરાં ભાઈબહેન નથી થઈ જતાં. તું ઇચ્છે તો મીરાંને પરણી શકે છે.’
પણ પૃથ્વીસિંહ બર્મા ચાલ્યા ગયા. પરણી પણ ગયા. મીરાંબહેનનો સામનો કરવાની તેમનામાં હિંમત ન હતી, પણ મીરાંબહેન માટે દુ:ખ પણ થતું હતું. તેઓ બાપુને પત્રો લખતા, ‘મીરાં કેમ છે ?’ પૂછતા. બાપુએ લખ્યું, ‘મીરાં આનંદમાં છે, સ્વસ્થ છે, કામમાં પરોવાયેલી છે. તે માને છે કે તમારો સંબંધ જનમોજનમનો છે ને આવતા જન્મમાં પણ તમે બંને મળશો. આ જન્મમાં તું આ ભૂલી ગયો છે તેનું દુ:ખ થાય છે.’
ગાંધીજી સાથે પડી ગયેલું અંતર એ પૃથ્વીસિંહનો નકાર : મીરાંબહેનની સ્થિતિ કેવી હશે ? ‘મારા રસ્તા પર ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. મારી પીડાને હું મૌન તિતિક્ષા અને કઠોર પરિશ્રમમાં ભૂલવા મથતી. પ્રાર્થના કરતી કે ઈશ્વર મને શાંતિ આપે. આ મૌન પંદર મહિના ચાલ્યું. ‘થોડો વખત હું દિવસમાં અડધી કલાક માટે બોલતી, બાકીનો વખત અઠવાડિયામાં બે વાર, જ્યારે બાપુને મળવા જતી ત્યારે પંદર મિનિટ માટે બોલતી.’
પણ કળ વળતી નહોતી. મીરાંબહેનને રોમાં રોલાં સાથેની છેલ્લી મુલાકાત યાદ આવતી. તેને દસ વર્ષ થઈ ગયા હતાં.
જિંદગી પાંચ દાયકાની મજલ કાપી ચૂકી હતી. તેમને ફરી વાર એવો અનુભવ થતો હતો કે ગાંધીજી માટે પોતે પોતાની જાતને શા માટે ભૂંસી નાખી, પૃથ્વીસિંહ પરના એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘બાપુનો પ્રેમ મારા પર શાસન કરે છે. મારા કાર્યોને જ નહીં, મારા વિચારો અને લાગણીઓને પણ તે કબજામાં લે છે. તેમની શિસ્ત અને તાલીમે મને ઘણું શીખવ્યું. પણ તે મારી આત્મનિર્ભરતાના ભોગે થયું. બાપુ પાસે આવતા પહેલાં હું સ્વતંત્ર, મુક્ત ઊર્જાથી છલકતી, આત્મનિર્ભર હતી. એ હું આજે ક્યાં ય નથી. પૃથ્વી, તું આવ્યો અને મારી વિસ્મૃત ચેતના ફરી જીવંત થઈ.’ જો કે પૃથ્વીનું વલણ સ્પષ્ટ હતું. તેઓ મીરાંબહેનને ચાહતા ન હતા. મદદ પણ કરી શકે તેમ ન હતા.
પણ વાત અહીં પૂરી થતી ન હતી. પૃથ્વીસિંહ ગયા, મીરાંબહેને મૌન એકાંતવાસ ઓઢી લીધો ત્યાર પછી દોઢ વર્ષે બાપુએ સરદાર પટેલને લખ્યું. ‘મારો અને પૃથ્વીનો અનુબંધ પૂરો થાય છે. અમારી વચ્ચે હવે વિશ્વાસ રહ્યો નથી.’ ‘પૃથ્વીસિંહ અંગત લાભ માટે મારો હવાલો આપતો હતો. તે ફરી હિંસા તરફ વળ્યો હતો અને મીરાં દ્વારા મને જીતી લેવાની દાનત રાખતો હતો. તેણે બે સ્ત્રીઓને પોતાની મોહજાળમાં ફસાવી હતી જેમાંની એકને તે પરણી ગયો.’ મીરાંબહેનને પણ લખ્યું, ‘પૃથ્વી વિશે વિશ્વસનીય સ્રોતો દ્વારા જે જાણવા મળ્યું છે તે નકારાત્મક છે. તેણે જેલમાંથી મને લખેલા પત્રો અને અહિંસા તરફ વળવાની વાતો તેની યોજનાનો એક ભાગ હતી. ક્યાંક સ્થિર થવા અને એ યોજના પાર પડવા તેણે મારો ઉપયોગ કરવા ધાર્યું હતું.'
આ ચેતવણી હતી ? મીરાંબહેનને પકડી રાખવાની વાત હતી ? 1946ની શરૂઆતમાં બાપુ છેલ્લીવાર મીરાંબહેન પાસે પૃથ્વીસિંહનો ઉલ્લેખ કરે છે : ‘હું પૃથ્વીસિંહ વિશે કંઈ બોલવા માગતો નથી. મને તેના તરફ પૂર્વગ્રહ બંધાયો છે. ઈશ્વર બીજી બાબતોની જેમ આ બાબતમાં પણ તને દોરશે અને રક્ષા કરશે.’
મીરાંબહેન મૌન સેવી રહ્યાં. પૃથવીસિંહ તો આવીને ચાલ્યા ગયા હતા, પણ મીરાંબહેનનું તેમના પ્રત્યેનું આકર્ષણ બાપુ અને મીરાંબહેન વચ્ચે ખૂબ તાણ ઊભી કરી ગયું હતું. બીજી તરફ આશ્રમના ટ્રસ્ટીઓ મીરાંબહેન પર વિશ્વાસ ગુમાવવા લાગ્યા હતા. ‘તમારા પૈસા અહીં પડ્યા છે તે લઈને ચાલ્યા જાઓ.’ એવી સૂચના મળવા લાગી.
આ તરફ મીરાંબહેન શિવાલીક ટેકરીઓમાં આવેલા એક નાના આશ્રમમાં થોડું રહી આવ્યાં. તેમનું મન ઘાયલ હતું. અશાંત, અસહાય હતું. અર્થહીનતા અનુભવતું હતું. મીરાંબહેન પાછા ંસેવાગ્રામ આવ્યાં અને ચિંતન-પ્રાર્થના-કાંતણમાં મન પરોવવા કોશિશ કરી. ટ્રસ્ટીઓ તેમને અહીંથી કાઢવા ઇચ્છતા હતા.
મીરાંબહેનને થયું. ‘જંગલમાં જઈ રહેવું, છાપાં ન વાંચવાં, વેદ વગેરે વાંચવું ને બાપુ સિવાય કોઈ સાથે પત્રવ્યવહાર પણ ન રાખવો.’ તેઓ ફરી હિમાલય ચાલ્યાં ગયાં. લાલા કનૈયાલાલે પોતાની એસ્ટેટમાં મીરાંબહેનને ઝૂંપડી બનાવી આપી. પત્રવ્યવહાર ચાલતો જ હતો. ‘તારા મનમાં થઈ રહેલી મથામણ હું સમજું છું.’ બાપુએ લખ્યું. ‘પ્રકૃતિના સાન્નિધ્યમાં મન શાતા અનુભવે છે.’ મીરાંબહેને ઉત્તર આપ્યો.
થોડા મહિના ત્યાં ગાળી, મીરાંબહેન વરોડા પાછાં આવ્યાં ને પોતાના ખાલી ઝૂંપડામાં રહેવા લાગ્યાં. ચુરવાડ, સેવાગ્રામ રહ્યાં. સેવાગ્રામની ઝૂંપડીમાં દેડકા. વીંછી, સાપ આવતાં. મીરાંબહેન એમને પકડતાં અને તેમની સાથે રહેતાં શીખી ગયાં હતાં.
દર્દ અને આંસુના એક વિસ્ફોટ પછી મૌન તૂટ્યું ત્યારે જાપાન બર્મા સુધી આવી પહોંચ્યું હતું. લોકો ડરી ગયા હતા. 1942ની મહાસભામાં બાપુને ચળવળનું નેતૃત્વ કરવા વિનંતી કરવામાં આવી. બાપુએ વિનંતી સ્વીકારી – પોતાની રીતે આંદોલન ચલાવવાની શરતે. અંગ્રેજ સરકારે ક્રિપ્સ યોજના મૂકી. મીરાંબહેન નવસારી જઈ સ્ત્રીઓ માટે શિબિર કરવાનાં કામમાં જોડાયાં. સંયુક્ત રાષ્ટ્રો ભારતને યુદ્ધના થાણાં તરીકે વાપરી ભારતની પ્રજાના મોંએથી છેલ્લા કોળિયા ઝૂંટવતા હતા. વિદેશથી મોટી ફોજો ભારતમાં ઊતરતી. ભારતના યુવાનોને લડવા મોકલાતા. આ બધા પછી યે આઝાદી આપવાની કોઈ વાત ન હતી. બાપુ લેખો, મુલાકાતો, ભાષણોમાં સતત રોકાયેલા રહેતા. પ્રજા કદી ન હતી તેટલી જાગૃત બની હતી.
આ સંજોગોમાં મીરાંબહેન પર આશ્રમ છોડવાનું દબાણ આવ્યું હતું. તેઓ પોતાના પૈસા લઈ તેનાથી હિમાલયમાં સ્વતંત્ર કામ શરૂ કરવાં માગતાં હતાં. બાપુએ હા તો પાડી, પછી લખ્યું, ‘મારી અસંમતિ છતાં ચાલતી તારી પ્રવૃત્તિમાં હું સામેલ નથી.’ મીરાંબહેને લખ્યું, ‘એક તરફથી તમે મને સ્વતંત્ર કરો છો, મારા પૈસા આપી દો છો. એ પૈસાને જો હું વાપરું તો જાહેર અસંમતિ દર્શાવો છો કે પછી મને મારી રીતે કામ કરતી રોકો છો. આ શું ?’
આ ગાળાના બાપુના પત્રોમાં લોહી કાઢે તેવી ઠંડી ધાર છે. ‘ચિ. મીરાં’ના સ્થાને ‘ડિયર મિસ સ્લેડ’ એવું સંબોધન પણ આવી જાય છે. પછી માફી પણ માગે છે. બાપુનું આ વલણ મીરાંબહેનને જ નહીં, આપણને પણ સમજાતું નથી. શું મીરાંબહેનનો પ્રેમ મૂર્તિપૂજક હતો ? બિથોવન, બાપુ, પૃથ્વીસિંહ − કોઈ નક્કર આધાર વગર તેમને ચાલતું ન હતું ? દેશની ચિંતાથી ગ્રસ્ત, મોટા પડકારોનો સામનો કરી રહેલા બાપુને મીરાંબહેનની આ અસહાય દશા ભારરૂપ, પોતાના અસ્તિત્વ પર આક્રમણરૂપ લાગતી હતી ? બન્ને વચ્ચે ઘટનાઓ જ નહીં, સ્થળાંતરો પણ હતાં, લોકો પણ હતા. તેને લીધે પરિસ્થિતિ વધુ મુશ્કેલ, વળ ચઢાવનારી બની જતી હતી ? કે પછી બન્નેની એકબીજાં પાસેની અપેક્ષાઓની આટલી નિકટતા છતાં મેળ પડતો ન હતો ?
અનુમાનથી વિશેષ કશું કહી શકવાની સ્થિતિમાં આવી શકાતું નથી.
લડત પૂરજોશમાં ચાલી રહી છે. વ્યક્તિગત બાબતો પર ધ્યાન દેવાની બાપુને ઝાઝી ફુરસત નથી. પોતાના ઘા પર મીરાંએ પોતે જ મલમ લગાડવાનો છે. પત્રો કે આત્મકથામાંથી પૃથ્વીસિંહ પ્રકરણનું અને મીરાં અને મહાત્માના દીર્ઘ અને વિવિધરંગી સંબંધોનું પૂરું ચિત્ર મળતું નથી, છતાં ઘટનાઓ ઘણું સૂચવી જાય છે. બાપુ સતત મીરાંબહેનને એક અંતર પર રાખે છે. નથી ત્યાંથી દૂર જવા દેતા, નથી તેનાથી પાસે આવવા દેતા. મીરાંબહેનનું ઉત્કટ સમર્પણ વારેવારે નજીક આવવા માથું પછાડે છે અને પછી પછડાટ ખાઈને દૂર થાય છે. મન પર પથ્થર મૂકી ત્યાર પછી તેઓ દેશની સેવામાં પરોવાઈ જાય છે.
દેશમાં શું ચાલતું હતું ? સ્વાતંત્ર્ય પૂર્વેની સૌથી મોટી રાજકીય ચળવળ ‘હિંદ છોડો’ તેની ચરમ સીમાએ હતી. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. જાપાન પૂર્વ સીમાની નજીક આવી ગયું હતું. મીરાંબહેનને થયું કે પોતે પડદા પાછળ રહી જાપાનને અટકાવે તેવું અહિંસક બળ ઊભું કરવા માટે કામ કરે. તેમણે બાપુને આ લખ્યું. બાપુએ જવાબ આપ્યો. ‘તરત આવી જા.’ બીજી જ ટૃેન પકડી મીરાંબહેન વર્ધા પહોંચ્યાં. પહોંચ્યાં તેવાં જ ગાંધીજીએ હાથમાં થોડા કાગળ મૂક્યા. એ હિંદ છોડો ઠરાવનો મૂળ ખરડો હતો, એ લઈને અલાહાબાદ ગયાં અને જવાહરલાલ અને મૌલાનાને મળી એ ખરડો તેમને આપ્યો.
આ ઘટના બાપુ અને મીરાંબહેન એકબીજાંને કેટલું સમજતાં હતાં તે દર્શાવે છે. ખરડો લઈ તેમણે મીરાંબહેનને મોકલ્યાં, બીજા કોઈને નહીં. મીરાંબહેન લખે છે, ‘મેં કાર્યવાહક સમિતિ પાસે ખરડો વાંચ્યો. આટલો મોટો ઠરાવ ને બાપુ હાજર નહીં. બાપુની હાજરીના પ્રભાવ વગર આવા મહત્ત્વના પ્રશ્ન પર એકમત થઈ કોઈ ચોક્કસ નિર્ણય પર આવવાની સભ્યોની શક્તિની આ કસોટી હતી. આ જ કારણથી બાપુ ગેરહાજર રહ્યા હશે.’ સભ્યોએ ચર્ચા કરી સુધારેલો ઠરાવ બાપુને મોકલ્યો. બાપુને બહુ સંતોષ ન થયો, પણ બોલ્યા, ‘ચાલશે.’
સેવાગ્રામ પાછાં આવ્યાં પછી બાપુએ મીરાંબહેન સામે ત્રણ વિકલ્પ મૂક્યા : મદ્રાસ જઈ રાજગોપાલાચારીને સમજાવવા, દિલ્હી જઈ વાઈસરોયને સમજાવવા, ઓરિસ્સા જઈ જાપાનના આક્રમણ સામે અહિંસક અસહકાર આંદોલન માટે લોકોને તૈયાર કરવા. એક પળ પણ વિચાર્યા વિના મીરાંબહેને ત્રીજો વિકલ્પ પસંદ કર્યો અને ઓરિસ્સા ચાલ્યાં ગયાં. ઓરિસ્સાનું કામ ઘણું ઉપયોગી ને પ્રશંસનીય સાબિત થયું. ફળસ્વરૂપ મીરાંબહેનની ધરપકડ થઈ અને તેમને પૂનાના આગાખાન પેલેસમાં બાપુ સાથે જેલવાસ ભોગવવાનો થયો. ‘હિંદ છોડો’ની ચળવળને પરિણામે બાપુ અને અમુક સાથીઓને આગાખાન પેલેસમાં પૂરવામાં આવ્યા હતા. આ જેલવાસ બે વર્ષ લાંબો હતો. આ ગાળામાં મહાદેવભાઈ અને કસ્તૂરબા વારાફરતી મૃત્યુ પામ્યાં. તેની વિગતો પછીના પ્રકરણમાં જોઈશું.
[જાન્યુઆરી 2016]
* * *
− 5 −
અંતિમ ગાન
મીરાંબહેન ઓરિસ્સા ગયાં ત્યારે વાતાવરણમાં ભય ભરેલો હતો. સરકાર અંગ્રેજોથી દબાયેલી હતી. જાપાનીઓ આવે તો અંગ્રેજ અધિકારીઓ દસ્તાવેજો બાળી નાખવાની ને પુલ ઉડાડી દેવાની તૈયારી રાખી બેઠેલા હતા. જનતાના રક્ષણ માટે કે તેને ખસેડી લેવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. મીરાંબહેને અંગ્રેજ અધિકારીઓની મુલાકાત માગી અને સમજાવ્યું કે તેમની પાસે માનભેર હિંદમાંથી વિદાય લેવી એ જ ઉત્તમ વિકલ્પ હતો. બાપુએ પોતાને શા માટે ઓરિસ્સા મોકલ્યાં હતાં તે પણ સમજાવ્યું. આ ચર્ચાનો વિગતવાર અહેવાલ મીરાંબહેને બાપુને મોકલ્યો. બાપુએ લખ્યું, ‘તું યોગ્ય સ્થળે વખતસર પહોંચી છે. જાપાની લશ્કર સાથે આપણી નીતિ સંપૂર્ણ અસહકારની છે. અંગ્રેજી શાસન તો જોઈતું જ નથી. આપણી પસંદગી છે પૂર્ણ સ્વાતંત્ર્ય.’
ઓરિસ્સામાં વિકટ સંજોગોમાં મીરાંબહેન પૂરી શક્તિથી કામ કરી રહ્યાં હતાં. વર્ધામાં કૉંગ્રેસ કાર્યવાહક સમિતિની બેઠક મળવાની હતી. બાપુને બધી વાત રૂબરૂ કરવા મીરાંબહેન સેવાગ્રામ ગયાં. સભામાં ‘હિંદ છોડો’ ઠરાવને ફરી ટેકો અપાયો. બાપુએ મીરાંબહેનને વાઈસરોય લોર્ડ લિનલિથગોની મુલાકાતે મોકલ્યાં. તેમના સેક્રેટરી સાથે મીરાંબહેનને ઘણી ચર્ચા થઈ. આ ચર્ચામાં ફરી એક વાર મીરાંબહેન બાપુને કેટલું સમજતાં હતાં અને બાપુ મોટા રાજકીય મામલાઓમાં પણ મીરાંબહેન પર કેટલો વિશ્વાસ કરતા હતા, તે સ્પષ્ટ થાય છે. છેવટે મીરાંબહેને એમ પણ કહ્યું કે આ વખતે કોઈ જેલ, કોઈ જુલમ ગાંધીજીને રોકી નહીં શકે. એવી દરેક કોશિશ તેમનું તેજ વધારતી જશે. ત્યાર પછી મીરાંબહેન લશ્કરી અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ 1942નો જુલાઈ મહિનો હતો.
જનતા ખૂબ ઉત્સાહમાં હતી. બહુ મોટી બહુમતીથી અને તાળીઓના ગગન ગજાવતા ગડગડાટ વચ્ચે ઑગસ્ટ મહિનામાં ‘હિંદ છોડો’ ઠરાવ પસાર થયો. બીજે દિવસે બાપુ, મહાદેવભાઈ અને મીરાંબહેનની ધરપકડ થઈ. જુદી જુદી જગ્યાએથી જવાહરલાલ, વલ્લભભાઈ, સરોજિની નાયડુ, અન્ય નેતાઓ અને અનેક કાર્યકરોની ધરપકડ થઈ. આખી ટ્રેન કેદીઓથી ભરાઈ ગઈ.
બાપુ ચૂપ હતા. મીરાંબહેન એમના મૌનનો અર્થ સમજતા હતાં. હવે લોકો માથું ઊંચકશે, દોરવણી આપવા પોતે હાજર નહીં હોય ત્યારે શું થશે એ બાપુની ચિંતા હતી. બાપુ, મહાદેવભાઈ અને મીરાંને પૂનાના આગાખાન પેલેસમાં લઈ જવામાં આવ્યાં. ત્રીજે દિવસે સુશીલા અને બાને લાવવામાં આવ્યાં.
આગાખાન પેલેસમાં બે વર્ષની કેદ દરમ્યાન બાપુના ઉપવાસ, મહાદેવભાઈનું મૃત્યુ, બાને બીમારી અને તેમનું અવસાન જેવા મોટા બનાવો બની ગયા. વાઈસરોય કશું સમજવા તૈયાર ન હતા. બાપુ મનોમન રિબાતા હતા. મીરાંબહેન અગ્નિપરીક્ષા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. બા અને મહાદેવભાઈની સમાધિ પર બાપુની ઇચ્છાથી મીરાંબહેને ઓમ, ક્રોસ અને ચાંદતારા દોર્યાં. બાપુ રોજ એ બંને સમાધિ પર ફૂલ ચડાવતા.
છૂટ્યા પછી મીરાંબહેને ઉત્તર હિંદમાં કામ શરૂ કર્યું અને દેશની ઊથલપાથલોથી થોડા અલિપ્ત થઈ ગયાં. ગાંધીજી ઝીણા સાથે મંત્રણાઓ કરી રહ્યા હતા. ઝીણાને પાકિસ્તાન જ જોઈતું હતું. બાપુ ભાગલા રોકવા મથતા હતા.
1945માં લોર્ડ વેવેલની સર્વપક્ષી પરિષદ મળી. ગાંધીજી તેને માટે સિમલા આવ્યા. મીરાંબહેન બાપુને અને કારાવાસથી થાકેલા કૉંગ્રેસી નેતાઓને મળ્યાં અને ફરી પોતાના કિસાન આશ્રમના કામમાં પરોવાઈ ગયાં. કાંતણ, પીંજણ, ખાદીઉત્પાદન, વેચાણ વગેરે ચાલતાં. વિશ્વયુદ્ધ પૂરું થયું. 1946ની ચૂંટણીઓમાં ઉત્તર ભારતમાં કૉંગ્રેસની જીત થઈ. મીરાંબહેન નવી સરકારના ‘વધુ અનાજ ઉગાડો’ આંદોલનનાં સલાહકાર નીમાયાં.
16 ઑગસ્ટ 1946, ‘સીધાં પગલાં’ દિન. કલકત્તામાં કારમાં રમખાણ શરૂ થયાં. બાપુએ સેવાગ્રામથી લખ્યું, ‘આંતરિક કલહની આ તો શરૂઆત છે.’ ઑક્ટોબરમાં તેઓ કલકત્તાથી નોઆખલી, બિહાર અને દિલ્હીના રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફર્યાં. શાંતિ સ્થાપવાની તેમની જીવલેણ મથામણ હૃદયવિદારક હતી. 1947ના ફેબ્રુઆરીમાં અંગ્રેજોએ 1948માં ભારતને સત્તા સોંપી દેવાનું જાહેર કર્યું. મીરાંબહેનને બધા સમાચાર મળતા હતા. દરેક દિવસ આગલા દિવસથી વધુ ખરાબ જતો હતો. કૉંગ્રેસની ભારતને અખંડ રાખવાની મથામણ, ઝીણાની જીદ, ભયાનક કત્લેઆમ, બાપુના શાંતિ સ્થાપવા માટેના હવાતિયાં અને એમ કરતાં હિંદુ રાષ્ટ્રવાદીઓની દુશ્મની વહોરી લેવી – બાપુ મોતના ખપ્પરમાં હોમાવા જઈ રહ્યા હતા ?
મીરાંબહેને બીજો આશ્રમ શરૂ કર્યો હતો. પહેલો ‘કિસાન આશ્રમ’ હતો, આ નવા આશ્રમનું નામ રાખ્યું ‘પશુલોક’. અહીં વૃદ્ધ, અપંગ, વસૂકી ગયેલાં ઢોરને આશ્રય અપાતો. બધી બાજુથી હતોત્સાહ થયેલા બાપુએ મીરાંબહેનને ઉત્સાહ આપ્યો. ‘તારું કેન્દ્ર જોવા આવીશ. ‘પણ પત્રોમાં તેમની નિરાશા પણ ઝલકતી : ‘આ ભારતમાં મારું સ્થાન નથી.’ લોહિયાળ ભાગલા, નવા નેતાઓની યાંત્રિક ને લશ્કરી યુગને આવકારવાની તૈયારી – બાપુ ત્રાસ પામતા હતા. ‘મારી વિકેન્દ્રિત અર્થતંત્ર અને નિ:શસ્ત્રીકરણની વાતો બધાને અવ્યવહારુ લાગે છે. મારા શબ્દની કોઈ કિંમત નથી.’ બાપુના શબ્દોમાંથી ટપકતી વેદનાથી મીરાંબહેનનો જીવ કપાતો. તેમને થતું, બાપુ હિમાલયમાં આવીને રહે તો સારું. તેમણે બાપુ માટે યોગ્ય જગ્યા શોધવા માંડી, પણ નીચે પરિસ્થિતિ વિકટ હતી. બાપુ નીકળી શકે તેવી શક્યતા નહીંવત હતી.
બાપુએ ભાગલા વિરુદ્ધ આંદોલન ન કર્યું તેથી ઘણા તેમના પર નારાજ છે. નારાજ ન હોય તેવા પણ બાપુનું વલણ પૂરું સમજી શક્યા નથી. પણ મીરાંબહેન બાપુના મનને સ્પષ્ટ વાંચી શક્યાં છે. તેમણે લખ્યું છે, ‘બાપુને સ્પષ્ટ જણાયું હતું કે મુસ્લિમ લીગના ‘સીધાં પગલાં’ના હિમાયતી જૂથથી હેરાન અને પોતે આ તક ઝડપ નહીં લે તો ભાગલાની યોજના પ્રમાણેનું ખંડિત હિંદ પણ હાથમાંથી સરકી જશે એવા ભયથી ગ્રસ્ત કૉંગ્રેસી પ્રધાનો તેમણે જે કર્યું તેથી બીજું કરી શકે તેમ ન હતા.’ પણ બાપુ પ્રજાની અદલાબદલીની વિરુદ્ધ હતા. વળી તેમનું કહેવું એમ પણ હતું કે તોફાની તત્ત્વોનાં દબાણથી ભાગલા પાડવાના બદલે અંગ્રેજો વિદાય લે પછી ભાગલા પાડીએ. પણ પરિસ્થિતિ હાથમાં ન હતી.
ભયાનક લોહિયાળ ઊથલપાથલો વચ્ચે આઝાદી આવી. બાપુ ત્યારે પણ રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હતા. મીરાંબહેનને પણ મેદાનોમાં જવાનું મન ન થયું. આઝાદી વિશેનો, લોકાશાહી વિશેનો, હિંદુસ્તાનના ભાવિ વિશેનો બાપુનો ભ્રમ ભાગી ગયો હતો. 125 વર્ષ જીવવાની ઇચ્છા મરી પરવારી હતી. શું થવાનું છે તેનો જાણે બાપુને ખ્યાલ આવી ગયો હતો છતાં બાપુ પ્રયત્નપૂર્વક ખુશ રહેતા. ‘તે દિવસોમાં બાપુને જોઈને છાતી ફાટી જતી’ મીરાંબહેને લખ્યું છે. ત્યારે મીરાંબહેન 1947ના ઑક્ટોબર મહિનામાં તબિયત બતાવવા દિલ્હી આવ્યાં હતાં. બાપુ સતત રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા, નિરાશ્રિતોને મળવા જતા, ભારતમાં રહેલા મુસ્લિમોનાં ભય દૂર કરવા મથતા.
ડિસેમ્બરની 18મી તારીખે મીરાંબહેન પશુલોક પાછાં ગયાં. બાપુ સાથે ગાળેલા ત્રણ મહિનાની મહામૂલી મૂડી તેમની સાથે હતી.
1948નો જાન્યુઆરી મહિનો શરૂ થયો. હિંદુ-મુસ્લિમો વચ્ચેની હિંસા અટકવાનું નામ લેતી ન હતી. બાપુએ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય લીધો છે તેવા સમાચાર આવતાં મીરાંબહેનનો જીવ પડીકે બંધાયો. 16 જાન્યુઆરીએ બાપુએ મીરાંબહેનને લખ્યું, ‘હું ઉપવાસ કરું છું એટલે અહીં દોડી ન આવતી. હું જેને યજ્ઞ કહું છું તે પ્રમાણે દરેક સ્ત્રીપુરુષે પોતાને સ્થાને જ રહીને પોતાની ફરજ બજાવવી જોઈએ.’
મીરાંબહેન પ્રાર્થનામય ચિત્તે પોતાના કામમાં મગ્ન રહ્યાં, ને હતાં ત્યાં જ રહ્યાં. ત્રણ જ દિવસમાં આ યજ્ઞનું પરિણામ દેખાયું. જરા વધારે પાકા પાયા પર કોમી શાંતિ પાછી આવી. 19 જાન્યુઆરી 1948ના દિવસે ઉપવાસ છોડી બાપુએ પત્ર લખ્યો, ‘મીરા, બધી ચિંતા દૂર થઈ છે.’
પણ 20મી જાન્યુઆરીએ જ પ્રાર્થનાસભામાં બાપુના આસનથી થોડે દૂર જ બોમ્બ ફૂટ્યો. બાપુ સ્વસ્થ રહ્યા. મીરાંબહેન પણ સ્વસ્થ થઈ કામે લાગ્યાં. કામ પણ ઓછું ન હતું. નવી ગમાણ બનાવવાની હતી. કાર્યકરો માટે ઘર બની રહ્યાં હતાં. મીરાંબહેનની ઝૂંપડી તૈયાર થવા આવી હતી. દરેક ચીજની દેખરેખ રાખવાની હતી.
30મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર તરફથી એક અધિકારી ગૌશાળાનાં બીજાં મકાનો માટે જ્ગ્યા જોવા આવ્યા. આખો પ્રદેશ તેમને બતાવવા અને પોતે પસંદ કરેલી જ્ગ્યા શા માટે સૌથી વધુ અનુકૂળ છે તે સમજાવવાં મીરાબહેન પાછાં આવ્યાં. આધિકારી ઋષિકેશ ગયા.
સાંજનું ભોજન લઈ મીરાંબહેન ઊઠ્યાં જ હતાં ત્યાં ખરબચડા રસ્તા પર ઊછળતી એક જીપ આવીને ઊભી રહી. તેમાંથી પશુલોકના માણસો અને દિલ્હીના અધિકારી મીરાંબહેન તરફ દોડી આવ્યા. દબાયેલા ડૂસકા સાથે કોઈ બોલ્યું, ‘બાપુની હત્યા થઈ છે…’
મીરાંબહેન આઘાતથી જડ બની ગયાં. ‘બાપુ, બાપુ, આખરે આ બનીને જ રહ્યું,’ વૃક્ષોનાં ઝૂંડ વચ્ચેથી દેખાતા આકાશમાં તારા ચમકી રહ્યા હતા. એ શાંત આકાશમાં બાપુનો મુક્ત આત્મા વિલીન થઈ ગયો હતો. હા, બાપુ જરૂર ત્યાં પહોંચ્યા છે. અને બાપુ અહીં મારી પાસે પણ છે. આઘાત ઓસર્યો ત્યારે મીરાંબહેન રડ્યાં નહીં. પૂછ્યું, ‘મૃત્યુ તરત થયું હતું ?’ ‘હા, તરત જ.’ પ્રભુનો મનોમન ઉપકાર માની મીરાંબહેન ટટ્ટાર શરીરે ધ્યાનમાં બેઠાં. કલાકો સુધી શરીર કંપતું રહ્યું, પણ મગજ શાંત હતું. સ્પષ્ટ પણ હતું. બાપુની યાતનાનો આ અંત હતો. ઈસુને ક્રોસ પર જડી દીધા હતા તેમ બાપુનું થયું. માનવજાતિ પરના પ્રેમને કારણે અપાયેલું આ બલિદાન એળે જવાનું ન હતું. બાપુ જાણતા જ હતા કે પોતે જે ઇચ્છતા હતા તેની પ્રાપ્તિનો આ જ માર્ગ હતો. છેલ્લા પત્રમાં તેમણે લખ્યું હતું. ‘બધી ચિંતા પૂરી થઈ છે.’ તેનો આ અર્થ હતો.
ઋષિકેશથી માણસો આવ્યા, ‘ચાલો. અમે તમને દિલ્હી લઈ જઈશું. પરોઢિયે અગ્નિદાહ પહેલાં પહોંચી જઈશું.’ ફરી બાપુના શબ્દો યાદ આવ્યા, ‘ જ્યાં છે ત્યાં જ રહે.’ સાત વર્ષ પહેલાંના શબ્દો પણ યાદ આવ્યા, ‘આખરી દર્શનનો કોઈ અર્થ નથી. જે આત્માને તું ચાહે છે તે તારી સાથે જ છે. મીરાંબહેને હાથ જોડી કહ્યું, ‘આભાર, પણ હું અહીં જ રહીશ.’
બીજા દિવસે તેઓ કામે લાગી ગયાં. જે દુનિયામાં બાપુ રહ્યા ન હતા તે દુનિયામાં ગોઠવાવું અઘરું હતું. હવે બાપુને પત્રો લખવાના નથી. હવે બાપુ માટે જગ્યા શોધવાની નથી – પણ મન કહેતું હતું, હવે બાપુને શાંતિ આપવી જોઈ. પોતાના જ બળ પર ઊભા રહેતા શીખવું જોઈએ.
બાપુની હત્યાના દેશ પર, દુનિયા પર પ્રચંડ પડઘા પડ્યા. દુનિયાના ખૂણે ખૂણેથી સ્વજન ગુમાવ્યાનો શોક નીતરતો હોય તેવી શ્રદ્ધાંજલિઓ આવી. બાપુના માર્ગને સ્વીકાર્યા વિના દુનિયાનો છૂટકો નથી એવું બધા જ માનતા હતા. આ સમાચાર મીરાંબહેનને શાતા આપતા હતા.
તેરમા દિવસે બાપુના અસ્થિ પધરાવવા દિલ્હીથી અલાહાબાદ એક ખાસ ટ્રેન જવાની હતી. ફરીથી મીરાંબહેન પર જવાનું દબાણ આવ્યું, ફરીથી તેઓ ન ગયાં. દિલ્હીથી થોડાં અસ્થિ આવવાનાં હતાં, તે મીરાંબહેનના હાથે પધરાવાય તેવી ત્યાંના લોકોની ઇચ્છા હતી.
તાંબાના કુંભમાં અસ્થિ આવ્યાં. રામધૂન કરતા મિત્રો સાથે જઈ મીરાંબહેને ઋષિકેશ જઈ વેગથી વહેતી ગંગાનાં પવિત્ર જળમાં અસ્થિ પધરાવ્યાં. પ્રકૃતિનો સર્વવ્યાપી પ્રેમ મનુષ્યના અવશેષોને કેવી રીતે પોતાનામાં સમાવી લે છે તેની આ પાવન અનુભૂતિ હતી.
ફેબ્રુઆરીમાં તેઓ દિલ્હી ગયાં. જવાહરલાલ અને વલ્લભભાઈના ફિક્કા ચહેરા અને મૌન વ્યથા જોયા ન જોયા તેવા હતા. તેમની સાથે ચૂપચાપ થોડો સમય વિતાવી મીરાંબહેન બાપુના અગ્નિસંસ્કાર કર્યા હતાં તે સ્થળે ગયાં. દરેક જગ્યાએ ઘેરી શૂન્યતા હતી. દરેક વ્યક્તિ જાણે પોતાના જ શોકમાં ડૂબેલી હતી.
મીરાંબહેન પોતાના પ્રિય પહાડોમાં પાછા આવ્યાં. પ્રકૃતિ મૃત્યુનો શોક કરતી નથી. કારણ કે પ્રકૃતિમાં મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. મીરાંબહેન માટે પણ બાપુના મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. મીરાંબહેન માટે પણ બાપુના મૃત્યુ જેવું કંઈ હતું નહીં. બાપુ તેમના આત્મામાં પ્રકાશતા જ હતાં.
‘એક વિશાળ નાટકનો ભાગ થઈ મારે ફાળે આવેલું કામ કર્યે જાઉં.’ આ વિચાર હવે મીરાંબહેનના જીવનના કેન્દ્રમાં સ્થિર થયો.
1948થી 1960નાં વર્ષો મીરબહેને બાપુ વિનાના ભારતમાં ગાળ્યાં. આ બધો સમય તેઓ રાજકારણથી અલિપ્ત, હિમાલયના પહાડોમાં કામ કરતાં રહ્યાં. કિસાન આશ્રમ અને પશુલોક ઉપરાંત બાપુગ્રામ, ગોપાલ આશ્રમ જેવા આશ્રમો સ્થાપ્યા. કાશ્મીર, કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં ફરતા રહ્યાં. જંગલો કપાતા જોઈ તેમને ખૂબ દુ:ખ થતું. ‘સમથિંગ રોંગ ઇન હિમાલયા’ નામના એક લેખમાં તેમણે આ પ્રવૃત્તિ કેટલી અનિષ્ટ છે, દુ:ખદાયક છે તે જણાવ્યું છે.
1960માં તેઓ ઇંગ્લેન્ડ ગયાં. ત્યાંથી ઓસ્ટ્રિયા ચાલ્યા ગયાં. જીવનના છેલ્લા બાવીસ વર્ષ તેમણે વિયેનામાં વીતાવ્યાં. આ સમયનું વર્ણન તેમની આત્મકથામાં નથી, પણ આપણે કલ્પી શકીએ કે ચક્ર પૂરું થયું હતું – બિથોવનથી રોમાં રોલાં, રોમાં રોલાંથી ગાંધી અને ગાંધીથી બિથોવન. જે જંગલોમાં ઘૂમતા બિથોવને પોતાની અમર સ્વરાવલિ રચી હતી, તે જંગલોમાં થઈને વહેતી હવામાં મીરાંબહેને આયુષ્યનો શેષ તબક્કો વીતાવ્યો.
1982ના જુલાઈ મહિનામાં 90 વર્ષની ઉંમરે મીરાંબહેન મૃત્યુ પામ્યાં. તેમના સામાનમાંથી મળી આવી ‘ધ સ્પીરિટ ઑફ બિથોવન’ નામની અપ્રગટ, હસ્તલિખિત જીવનકથા.
રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’, મીરાંબહેનના મૃત્યુના થોડા જ મહિના પછી રિલીઝ થઈ હતી. તેમાં જેરાલ્ડિન જેમ્સ નામની અભિનેત્રીએ મીરાંબહેનની ભૂમિકા કરી હતી.
સત્યના ઉપાસક મહાત્મા ગાંધીની આ મિત્ર, શિષ્યા, પુત્રી, સંગિનીનું પોતાનું સત્ય શું હતું તે આપણે જાણવા પામવાના નથી. મહાત્મા ગાંધી જેમને પોતાના પાંચમા પુત્ર કહેતા તે જમનાલાલ બજાજે મીરાંબહેનને શ્રદ્ધાંજલિ આપતાં લખેલું, ‘થોડી ભૂલો, મહાન સમર્પણ, અચલ નિષ્ટા.’ ‘ઈન લવ વિથ મહાત્મા’ લેખમાં ખુશવંતસિંહે 2005માં મહાત્મા ગાંધી અને મીરાંબહેનના સંબંધને બે ‘ફસ્ટ્રેટેડ સેક્સ્યુઆલિટી’નો સંઘર્ષ કહ્યો હતો.
તરુણ મેડલિનનો પહેલો ભક્તિપૂર્ણ પ્રેમ બિથોવન પર ઢોળાયો હતો. મહાત્મા ગાંધી પાસે આવ્યા ત્યારથી બિથોવન ભૂલાઈ ગયો હતો અને મીરાંબહેન મહાત્મામય બનીને રહ્યાં હતાં. પૃથ્વીસિંહને જોઈ જાગેલું તેમનું સ્ત્રીત્વ પૃથ્વીસિંહ જતાં બુઝાઈ ગયું. મહાત્મા ગાંધીની ચિરવિદાય પછી, તેમના વગરના ભારતમાં તેમનું કામ અગિયારેક વર્ષ કરી મીરાંબહેન ફરી ચાલ્યાં ગયાં બિથોવન પાસે. પણ બિથોવન તો નિરાકાર સૂરાવલિ હતો, ગાંધી નક્કર વ્યક્તિ હતા. શું હતું મહાત્મા અને મીરાંબહેનની મૈત્રીનું સત્ય ? એવું લાગે છે જાણે મીરાંબહેન મહાત્મા ગાંધીમાં જન્મ્યાં અને તેમના મૃત્યુ સાથે મૃત્યુ પામ્યાં. યુરોપથી આવેલાં મિસ સ્લેડ, મહાત્માની મીરાં બન્યાં અને તેમના મૃત્યુ પછી ફરી મિસ સ્લેડ બની યુરોપ ચાલ્યાં ગયાં. રહી એક સુગંધ, ઘીનો દીવો બુઝાય પછી મંદિરની હવામાં ફેલાતી હોય તેવી સુગંધ. મહાત્મા અને મીરાંની અનન્ય મૈત્રીની આ પવિત્ર સુગંધનું વર્ણન કરવું અશક્ય છે.
એમના ઐક્યને, એમની વેદનાને નમ્રપણે અનુભવવાની માત્ર એક નાની કોશિશ આપણે તો કરી શકીએ.
[ફેબ્રુઆરી 2016]
************
e.mail : sonalparikh1000@gmail.com