તમે ગુજરાત થયા તેથી શું થયું, એફિડેવિટ રજૂ ન કરો તે કેમ ચાલે : હજુ ગયે મહિને જ સ્વરાજ અભિયાનની ડ્રાઉટ કહેતાં જળશોષ (કર્ટ્સી ચંદ્રકાન્ત ટોપીવાળા, વાયા રોહિત શુક્લ) વિષયક જનહિત યાચિકા સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને ઘઘલાવી હતી. હવે સુનાવણી પૂરી થઈ અને સર્વોચ્ચ અદાલતે જ આદેશવચનો ઉચ્ચાર્યાં છે તે મુજબ રાજ્ય સરકાર જળશોષ મોરચે ઊંઘતી ઝડપાયા જેવી છે, અને પાંચ જિલ્લા મળી આખાં ૯૯૪ ગામોમાં અછત કે અર્ધ અછત જાહેર કરી તે રાહત રાહત રમે છે. આ અછત અને અર્ધ અછત, સર્વોચ્ચ અદાલતના દો ટૂક શબ્દોમાં રાજ્ય સરકાર ગેરમાર્ગે દોરી શકતા શબ્દછળથી વિશેષ નથી.
બે શબ્દો પાડવા તો હતા કથિત ‘અચ્છે દિન’ સરકારની બેવરસી નિમિત્તે, પણ સર્વોચ્ચ અદાલતનાં જળશોષ નિરીક્ષણોનું સ્મરણ સ્વાભાવિક જ પ્રાથમિકતાને ધોરણે થઈ આવ્યું. યોગેન્દ્ર યાદવ અને પ્રશાન્ત ભૂષણના સ્વરાજ અભિયાને ડિસેમ્બર ૨૦૧૫ અધવચ આ જનહિત યાચિકા કરી હતી અને સાડા ચાર મહિનાના વિક્રમ ગાળામાં, ખાસા ચાલીસ કલાક ફાળવીને સર્વોચ્ચ અદાલતે ચોક્કસ નિર્દેશો આપ્યા છે. સંસદ અને વિધાનગૃહોએ મળીને આ સાડા ચાર મહિનામાં જળશોષને લગતી ચિંતા અને ચર્ચામાં ખરચેલા કુલ કલાકો કરતાં સર્વોચ્ચ અદાલતે ફાળવેલો સમય વધુ છે. આ બે વિગતોની સહોપસ્થિતિ પછી આપણા રાજકારણની ભળતીસળતી પ્રાથમિકતાઓ વિશે જુદેસર કહેવાનું રહેતું નથી.
સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે રાજ્યોને સાવધ કરવાની જવાબદારી કેન્દ્રની હતી જે પળાઈ નથીઃ બે વરસને અંતે ‘ગવર્નન્સ’નાં ધોરણો વિશે આ એક મુખર વિગત અવશ્ય છે. ગુજરાતમાં વરસોવરસ આ પ્રશ્ન છેલ્લા દોઢ દાયકા દરમિયાન ઉગ્ર બનતો આવે છે. જે ગુજરાત મોડલ વેચી વેચીને મે ૨૦૧૪માં કેન્દ્ર સરકાર બની એનું આ દુર્દૈવ વાસ્તવ છે.
ગુજરાત સરકારનું આ વર્ષોનું સરવૈયું ઉપરાછાપરી ઈવેન્ટ ઉજવણાંનું રહ્યું છે. નેતૃત્વયોગની પરિભાષા હવે કર્મેષુ કૌશલમ્ નહીં પણ ઇવેન્ટેષુ કૌશલમ્ રૂપે ઉભરી રહી છે, ઈવેન્ટ મેનેજમેન્ટ તે કશું વાસ્તવમાં સિદ્ધ કર્યાની ઉજવણી કરતાં વધુ તો ઉજવણી પોતે જ એક સિદ્ધિ લેખાય એવો એક મનોવૈજ્ઞાનિક બેત અહીં અજમાવાતો રહ્યો છે.
ઈવેન્ટ મેનેજમેન્ટને અતિક્રમતી કોઈ વિશેષ ઓળખ અગર લબ્ધિ હાલની કેન્દ્ર સરકારને નામે જમે બોલતી જણાતી નથી. ચિત્ર ગયે વરસે અરુણ શૌરીએ ‘કૉંગ્રેસ વત્તા ગાય’ એ શબ્દઝુમખામાં આબાદ મૂક્યું હતું એના કરતાં વિશેષ જુદું નથી.
હમણેના દિવસોમાં ‘ઇન્ડિયા ટુડે’ માટે કરણ થાપર સાથે વાત કરતાં શૌરીએ હાલના નેતૃત્વને નાર્સિસસિસ્ટ (આત્મરતિયુક્ત), રિમોર્સલેસ (પ્રશ્ચાત્તાપશૂન્ય) અને મેકિયાવેલિયન (કૂડકપટશાઈ) કહેતાં સંકોચ નથી કર્યો. જ્યાં સુધી કાર્યશૈલીનો સવાલ છે, શૌરીના નિરીક્ષણ મુજબ આપણે એક એવી પ્રમુખશાહી સરકાર ભણી ખેંચાઈ રહ્યા છીએ, જેમાં કોઈ અંકુશ અને સમતુલાની મુદ્દલ સોઈ નથી. સરવાળે, બાકીનાં ત્રણ વરસ નીચેથી ઉપર હર સ્તરે ધાક અને ભીતિનાં, નાગરિક અધિકારોના સતત સંકોચનનાં અને અણગમતા અવાજોને રૂંધવાની કોશિશનાં બની રહેશે.
વડાપ્રધાનપદ માટે એક તબક્કે મોદીની હિમાયતમાં જેમની અગ્રભૂમિકા રહી હતી તે શૌરીનાં આ નિરીક્ષણોમાં શું વાંચીશું ? એમની પ્રખર બુદ્ધિમત્તા, સરકારમાં ને અન્યથા જાહેર કાર્યાનુભવ જો જમાપક્ષે છે તો સત્તાની બહાર મૂકાયેલા તરીકે એમની પ્રતિક્રિયામાં સંમિશ્રતા જોવાનોયે અવકાશ છે. પણ એના કેટલાક ટકા માનો કે બાદ કરીએ તો પણ પેલો સવાલ તો ઊભો જ રહે છે, અચ્છે દિન ક્યાં? ક્યારે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 01