Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણકાંત વખારિયાનું ‘યુગ દર્શન’

અનામિક શાહ|Samantar Gujarat - Samantar|8 March 2016

ગુજરાતના જાહેરજીવનના મોભી એવા કૃષ્ણકાંતભાઈની કિશોરવયથી માંડીને આજ સુધીનાં ૭૩ વર્ષની વ્યક્તિગત, સામાજિક અને રાજકીય જીવનયાત્રાનું સરળ અને સ્પષ્ટ ભાષા સાથેનું આલેખન એટલે તેમના હાથે લખાયેલ પુસ્તક ‘યુગદર્શન’.  યુગદર્શનની સાવ ટૂંકી પ્રસ્તાવનામાં તેમના કહ્યા પ્રમાણે જોયેલા, અનુભવેલા ઘટનાક્રમનું વિવરણમાત્ર છે. બીજી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર લખાણોમાં વ્યક્તિ તરીકે કૃષ્ણકાંત વખારિયાનું ક્યાં ય પ્રત્યાર્પણ થતું નથી. અને તેમના પોતાના કહ્યા પ્રમાણે ૪૮૦ પાનાંના પટવિસ્તારમાં ક્યાં ય પોતે કેન્દ્રસ્થાને નથી. આખું પુસ્તક વાંચ્યા પછી કહી શકાય છે કે તેમણે કહેલું કથન સમગ્રતયા સાચું છે. સ્વતંત્ર તેમ જ ધારાવાહિક રીતે વાંચી શકાય તેવું સુરેખ આલેખન થયું છે.

૧૨ વર્ષની વયે કૃષ્ણકાંતભાઈએ ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં બગસરા ખાતે મહાદેવ દેસાઈના અવસાન નિમિત્તે યોજાયેલ મૌન શોક-સરઘસમાં જોડાવાથી કરેલી શરૂઆતથી માંડીને વાયા વીરમગામ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે પહોંચ્યા. એ તેમના જીવનની નોંધપાત્ર ઘટના રહી છે. વિદ્યાર્થી નેતા તરીકેનું તેમનું ઘડતર પણ જૂનાગઢથી જ થયું. ધીરુભાઈ અંબાણીની મિત્રતા પણ સાંપડી અને ભારત આઝાદ થયું તે ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટ અને આરઝી હકૂમતની દરમિયાનગીરીથી જૂનાગઢ ભારતમાં ભળ્યું, ત્યાં સુધીની તમામ ઘટનાઓના સાક્ષી થયા. કૃષ્ણકાંતભાઈએ જૂનાગઢમાં વિદ્યાર્થી-પ્રવૃત્તિઓ શરૂ કરી, વિદ્યાર્થી મધ્યસ્થ સંઘની સ્થાપના કરી. એક તરફ જયપ્રકાશજી, લોહિયા, અરુણા અસફઅલી અને બીજી બાજુ કાર્લ-માર્ક્સ અને લેનિન વગેરેની વિચારધારાઓ તેમના પર પ્રભાવક રહી. આઝાદીના ઉમંગમાં જ જૂનાગઢમાં ભરાયેલી કાઠિયાવાડ રાજકીય પરિષદ તેમ જ ૧૯૪૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જૂનાગઢ અધિવેશન, તે ઘટનાનું શબ્દચિત્ર અને સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘથી જાહેરજીવનમાં કૃષ્ણકાન્તભાઈનો પ્રારંભ. શરૂઆતનાં એ વર્ષો ખૂબ રસપ્રદ રહ્યાં. કૃષ્ણકાંતભાઈએ બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં તેમની સહભાગીદારીવાળી વિદ્યાર્થી-ચળવળની ઘટનાને પણ રસપ્રદ રીતે મૂલવી છે.

આઝાદી મળતા સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના અને શરૂઆતમાં જ સમાજવાદી રંગે રંગાયેલ જશુભાઈ મહેતાના ચૂંટણીપ્રચારની વ્યવસ્થા સંભાળવાને કારણે કૃષ્ણકાંતભાઈએ પોતાના આત્મકથનમાં  ધારાવાહી શૈલીથી સૌરાષ્ટ્રમાં સરકારની સ્થાપના, ઢેબરભાઈનું નેતૃત્વ, દેશમાં પ્રથમ જ વાર થયેલા ત્વરિત જમીન-સુધારણા કાયદાઓ અને સામંતશાહી પરિબળોનો ઉગ્ર વિરોધ, ભૂપત બહારવટિયાનો ઉદ્ભવ – આ બધી ગત સદીનાં વિસારે પડી ગયેલી ઘટનાઓ વિવિધ પ્રકરણોમાં સુંદર રીતે રજૂ થઈ છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયાથી અત્યંત પ્રભાવિત રહેલા કૃષ્ણકાંતભાઈએ સૌરાષ્ટ્રના પાટનગર જેવા રાજકોટમાં છ વર્ષ સુધી વકીલાત કરી અને તે પછી અમદાવાદ ખાતે કાયમી નિવાસ કર્યો, છતાં સામાજિક રીતે અને કાર્યક્ષેત્રની રીતે તેમનો અડધો પગ હંમેશાં સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો રહ્યો અને સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં સાત દાયકાથી જીવંત સંપર્ક જાળવી રાખ્યો છે.

કૃષ્ણકાંતભાઈ યુનિયન પ્રવૃત્તિઓમાં ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા અને રેલવે-યુનિયન ચલાવવામાં અને તેની હડતાળને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ, ધરપકડ થતાં જામીન લેવાના બદલે હડતાળ પામેલા કર્મચારીઓ સાથે રહી બે મહિના રાજકોટ સેન્ટ્રલ જેલમાં જેલવાસ પણ ભોગવ્યો, તે ઘટનાની ઘણા ઓછા લોકોને ખબર હશે. એનું સુંદર ચિત્ર ‘યુગદર્શન’માં ઊપસે છે.

૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજ્ય નિમિત્તે મહાગુજરાત જનતા પરિષદે ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ચલાવેલ લોક-આંદોલન અને તે લોક-આંદોલનના ફળસ્વરૂપે તે સમયે લોકસભાની ૨૨માંથી પાંચ અને ધારાસભાની ૮૭માંથી ૩૦ બેઠકો કબજે કરી.  જશુભાઈ મહેતા એક પ્રખર આગેવાન તરીકે બહાર આવ્યા, તે ઘટનાક્રમ અને પહેલી મે, ૧૯૬૦થી જયજય ગરવી ગુજરાતનું સ્વપ્ન સાકાર કરતા જીવરાજ મહેતાના નેતૃત્વ હેઠળની પ્રથમ સરકારની ઘટનાને અલગ-અલગ પ્રકરણો રૂપે સારી રીતે રજૂ કરી છે.

કૃષ્ણકાંતભાઈના આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેનાં પ્રકરણો બહુ સહજ રીતે સામાજિક તેમ જ રાજકીય જીવનના વિવિધ ઘટનાક્રમ તેમ જ પ્રવાહોની આસપાસ ફરતાં રહ્યાં છે. સમાજવાદી પરંપરાના બે ધૂરંધરો એવા અશોક મહેતા અને રામમનોહર લોહિયા, એ બે આગવાનોની વૈચારિક અને વ્યૂહાત્મક ભૂમિકા વચ્ચે મોટું અંતર રહ્યું અને પરિણામે ઘણા બધા પ્રજા સમાજવાદી આગેવાનો વર્ષ ૧૯૬૬માં કૉંગ્રેસમાં જોડાઈ ગયા. અમરેલીના તે સમયના આગેવાન નરભેશંકર પાણેરીના શબ્દોમાં જોઈએ તો બધા “સમાજવાદી બિરાદરો સમાજવાદ છોડી સમજવાદી” થઈ ગયા. આ બાબતનો ઘણો નિખાર કૃષ્ણકાંતભાઈના આત્મકથનમાં નીકળે છે. કૃષ્ણકાંતભાઈ ઘણા સમય સુધી શા માટે કૉંગ્રેસથી અલગ રહ્યા અને નિષ્ક્રિય બન્યા એ વૈચારિક સંઘર્ષના પારાશીશી રૂપ ઘટનાચક્રને તેમણે સુપેરે વર્ણવ્યું છે.

કૃષ્ણકાંતભાઈએ જુદાં-જુદાં પ્રકરણોમાં ચીનનું આક્રમણ, દિવ-દમણ મુક્તિસંઘર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપના, ભારત-પાકિસ્તાન યુદ્ધ એવી રાષ્ટ્રીય ઘટનાઓનો ઉલ્લેખ અને તેનો ઐતિહાસિક સંદર્ભ ખૂબ જ સાચવીને મૂક્યો છે. તો જે-જે બાબતોમાં એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં-ક્યાં ઊણા ઊતર્યા હતા. તેની પાકી સમજ અને પૃથક્કરણ આ બધાં પ્રકરણોમાં આલેખ્યું છે. ૬૯ જેટલાં પ્રકરણોમાં તેમણે મજૂરપ્રવૃત્તિ, ઇન્ટુકની પ્રવૃત્તિઓ અને કુદરતી આફતોમાં કરાયેલી કામગીરીઓ અને સામાજિક આફતો, સમાજસેવાના માધ્યમથી અવસરમાં પલટવાની ગુજરાતીઓની કાબેલિયતને સહજ રીતે વર્ણવી છે.

૧૯૬૭માં સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસની સામે સ્વતંત્ર પક્ષ એક નવી તાકાત સાથે બહાર આવ્યો અને સમાજવાદી પક્ષ, જનસંઘ અને અપક્ષને માત્ર એક-એક બેઠક મળી હતી, તેના અંદરના પ્રવાહો સમજવામાં કૃષ્ણકાંતભાઈનું આ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડે છે. કૃષ્ણકાંતભાઈ તેમના લાંબા જાહેરજીવનમાં ત્રણ ચૂંટણીઓ લડ્યા, જેમાં જયાબહેન શાહ સામે બહુ શરૂઆતનાં વર્ષોમાં અને ૧૯૬૭માં અપક્ષ રહીને ત્યારના કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ ત્રિભુવનભાઈ પટેલ સામે રાજ્યસભાની ચૂંટણી સને ૧૯૭૨માં ઝીણાભાઈ દરજી સામેે. તેઓ નોંધે છે કે ‘હું અને ત્રિભુવનભાઈ બન્ને પૂરી પારદર્શકતા અને નાણાના જોર સિવાય ચૂંટણી લડ્યા.’ કૃષ્ણકાંતભાઈ હાર્યા, પણ નજીકના મિત્રોએ મત ના આપ્યા તે વસવસો નિખાલસ રીતે વ્યક્ત કરે છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ તરીકે ઝીણાભાઈ દરજી સામેની ચૂંટણીમાં ૧૯૭૨માં લડ્યા. કૃષ્ણકાંતભાઈને ૯૭ મત મળ્યા અને ઝીણાભાઈને ૧૭૨ મત. આ બધી વાતો તેઓ ખૂબ રસાળ શૈલીમાં પૂરા તાટસ્થ્ય સાથે વર્ણવી શક્યા છે.

કૃષ્ણકાંતભાઈના આત્મકથનમાં ઝીણાભાઈ તેમની ખામથિયરી, માધવસિંહભાઈ, સનતભાઈ મહેતા, ચીમનભાઈ અને તેમની સાથેના વ્યક્તિગત સંબંધો, મતભેદો, ગુજરાત કૉંગ્રેસ, ઇન્દિરા યુગ, રાજીવ ગાંધીનો સમયકાળ, અહેમદભાઈ પટેલનો રાજકીય પટ પર ઉદય – આ બધાં જ પ્રકરણો ખૂબ વિસ્તારથી ચર્ચેલાં છે. તે પાંચ દાયકાના ગુજરાતના રાજકીય ઇતિહાસનું શબ્દબદ્ધ આલેખન છે. ગુજરાતના જાહેરજીવનમાં ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ, ૧૯૬૯માં ગુજરાતના કાર્યક્ષેત્રમાં પડેલા ભાગલાઓ, ૧૯૭૨માં વિધાનસભાની ચૂંટણીઓ અને તેમાં રતુભાઈ, રસિકભાઈ, કાન્તિલાલ ઘીયા જેવા આગેવાનોને બાજુએ રાખી ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી પદે પસંદગીવાળું પ્રકરણ, તે સમયના કૉંગ્રેસના આંતરપ્રવાહોને પણ બહુ વિસ્તૃત રીતે આલેખ્યા છે.

કૃષ્ણકાંતભાઈની લેખિની સમયસમયની હવા પકડીને ચાલે છે અને નોંધે છે. દા.ત, ઇન્દુલાલ યાજ્ઞિકનું વિધાન “જે કાચા હોય તે શહીદ થાય અને પાકા હોય તે નેતા થાય.” અને ઇન્દુચાચાએ એમ પણ કહેલું “સાબરમતીનું પાણી એવું છે, સામ્યવાદી પણ ગાંધીવાદી થાય” ઝીણાભાઈ દરજીની ‘ખામ’ થિયરી અંગે ઝીણાભાઈની સ્વઉક્તિની નાનકડી પણ પ્રવર્તમાન સમકાલીનતા બક્ષે છે. “ખામના જન્માર્થી ઝીણાભાઈ, નામાર્થી – વ્યાખ્યાર્થી સનતભાઈ, લાભાર્થી માધવસિંહભાઈ, મરણાર્થી ખુદ ‘ખામ’” આ અને એવા અનેક સૂક્ષ્મ કટાક્ષ અને નુકતેચીની એવી સરસ રીતે રસપ્રદ રીતે રજૂ થઈ શકેલી છે કે સમગ્ર પુસ્તકમાં જાણે કૃષ્ણકાંતભાઈ આપણી સાથે-સામે બેસીને વાર્તાલાપ કરતા હોય!

કૃષ્ણકાંતભાઈએ તેમના આ ગ્રંથમાં અનેક જગ્યાએ એક ન્યાયપ્રિય વ્યક્તિની કટિબદ્ધતા પણ દર્શાવી છે. પણ જે-જે ઘટનાઓ સમયે તેઓ સમયસર નિર્ણય ના લઈને અનિર્ણાયકતાના કેદી બન્યા છે ત્યાં-ત્યાં તેમણે નિખાલસ રીતે એકરારનામું આપેલું છે.  સમગ્ર ગ્રંથમાં પાંચેક પ્રસંગો અને ઘટનાઓમાં તેમણે પોતે લીધેલ નિર્ણયોને કસોટીના પથ્થરે ચડાવી અને તેનું સ્વમૂલ્યાંકન આપણી સામે મૂક્યું છે, ત્યારે આજે માત્ર ને માત્ર આત્મપ્રશંસામાં અને આત્મવંચનામાં રહેવાના જમાનામાં તેમના આ ઉલ્લેખો પુસ્તકને જાહેરજીવનની વ્યક્તિ કેવી રીતે જાતમુલવણી કરે છે, તેનો સુંદર નમૂનો બને છે.

૧૯૭૭માં લોકસભામાં કૉંગ્રેસપક્ષ  હાર્યા પછી કટોકટી લાદવા બદલ કૉંગ્રેસ જાહેરમાં માફી માગે તે માટે તેમણે જે મહાસમિતિમાં ઠરાવ મૂક્યો અને તેને તક આપવામાં આવી નહીં, તેના વિરોધમાં કૉંગ્રેસમાંનાં અનેક પદમાંથી રાજીનામાં આપી તેઓ સમકાલીન રાજકારણમાં એક મુઠ્ઠી ઊંચા હોવાની પ્રતીતિ આપણને થાય છે. તેવું જ શાહબાનુના ઐતિહાસિક કિસ્સામાં રાજીવ ગાંધીની સરકારમાંથી રાજીનામું આપનાર આરીફ મહંમદખાનને લખેલો ટેલિગ્રામ ઉલ્લેખનીય છે.

સૌરાષ્ટ્ર સાથે તેમનો વિશિષ્ટ નાતો રહ્યો છે અને સૌરાષ્ટ્ર વિકાસ સમિતિમાં છ વર્ષ સુધી તેમની સાથે રહી સૌરાષ્ટ્રનું પીપાવાવ-સંમેલન અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પાઇપલાઇન વાટે આવે તે માટેના આયોજનમાં હું પણ એક સક્રિય કાર્યકર તરીકે  રહ્યો હતો. આ પ્રકરણનું પણ તેમણે ટૂંકમાં સરળ રીતે આલેખન કરેલ છે. કૃષ્ણકાંતભાઈએ અમદાવાદમાં રહીને અનેક રાજકીય આગેવાનો સાથે, સહકારી આગેવાનો સાથે ખૂબ નિકટના સંબંધો જાળવ્યા અને મિત્રતા હાંસલ કરી, તે પૈકી ચીમનભાઈ પટેલ, જશવંતભાઈ મહેતા, રસિકભાઈ પરીખ, આત્મારામભાઈ અને જયરામભાઈ, વલ્લભભાઈ પટેલ વગેરે વિશે સુંદર રેખાચિત્રો આપ્યાં છે. બીજી બાજુ વિશ્વ ગુજરાતી સમાજમાં ૧૯૮૫-૮૬થી પ્રવૃત્ત થયા બાદ એક મિશનની ભાવનાથી વિશ્વ ગુજરાતી સમાજની અંદર અનેક સફળ આયોજનો કર્યાં છે, તેનો ટૂંકો ઉલ્લેખ પણ અહીં કરવો જરૂરી છે. સમગ્ર રીતે ૧૯૪૮થી માંડીને ૨૦૧૦ સુધી અને છેલ્લે કેટલાંક વર્ષની રાષ્ટ્રીય અને રાજ્યનીતિઓ વિશે તેમનું સ્વાભાવિક ચિંતન સુપેરે રજૂ થયાં છે સૌરાષ્ટ્રની તળપદી શૈલીના અનેક શબ્દો દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટ અને સરળ રજૂઆત, વિવેકબદ્ધ સમાલોચના અને પુસ્તકના પાછળના ભાગે મૂકવામાં આવેલી સંદર્ભસૂચિ અને પરિશિષ્ટો તેમના નિરાળા વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરે છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતનું રાજકારણ, રાજકીય પ્રવાહો, સામાજિક અને રાજકીય આગેવાનોના આંતરપ્રવાહો અને રાષ્ટ્રીય ઘટનાક્રમ અને રાજકીય તવારીખોના સંદર્ભ, તેનું મૂલ્યાંકન કરવા માટે કૃષ્ણકાંતભાઈનું આ પુસ્તક અત્યંત ઉપયોગી, નિખાલસ રજૂઆત સાથેના સંદર્ભગ્રંથ તરીકેનું ભાથું પૂરું પાડશે.

(ગુજરાત અને દેશના સાર્વજનિક જીવનના વિવિધ પડાવો અને પ્રવાહોની અનુભવેલી દુનિયાને શબ્દસ્થ કરતાં પ્રખર ધારાશાસ્ત્રી/કાયદાવિદ્દ અને ગુજરાતના જાહેરજીવનના અગ્રણી કૃષ્ણકાંત વખારિયા લિખિત અને પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘યુગ દર્શન’ના તારીખ 13 ફેબ્રુઆરી 2016ના રોજ લૉર્ડ મેઘનાદ દેસાઈને હસ્તે થયેલા લોકાર્પણ નિમિત્તે અપાયેલ પુસ્તકપરિચયનો સાર ભાગ)

કુલનાયક નિવાસ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2016; પૃ. 07-08

Loading

8 March 2016 અનામિક શાહ
← સરકાર ચલાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી, નરેન્દ્ર મોદીની અને તેમની સરકારની છે
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કાળ : સાંસ્કૃિતક હુમલા અને આર્થિક બદહાલી →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved