ઠેઠ ૧૯૩૨માં પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. આપણા મહાકવિ નરસિંહ મહેતા પર બનેલી આ ફિલ્મના દિગ્દર્શકે એ જમાનામાં આ ફિલ્મ બનાવવા ઘણી મહેનત કરેલી. દિગ્દર્શક નાનુભાઈ વકીલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ કનૈયાલાલ મુનશી, કવિ ન્હાનાલાલ, પ્રભુલાલ દ્વિવેદી અને સાક્ષર આનંદશંકર ધ્રુવને પણ વંચાવીને તેમનાં સૂચનો લીધેલાં. આનંદશંકરે તો તેમને સલાહ આપેલી કે ફિલ્મનું નામ સીધુંસાદું ‘નરસિંહ મહેતા’ જ રાખો, જેથી જનસમુદાય સમજી શકે અને ફિલ્મમાં ચમત્કારો સહેજ પણ લાવ્યા વિના નરસૈયાના આચાર-વિચાર અને તેમના તપોજ્ઞાનને ઉજાગર થાય એવું જ કરજો.
અને એ પ્રમાણે જ સાત વાર સ્ક્રિપ્ટ લખાયા પછી જ આ ફિલ્મ બનાવવા નરસિંહ મહેતા અને તેમના જીવન સાથે સંકળાયેલાં પાત્રો કેવાં હોઈ શકે, એ સમયનું જૂનાગઢ કેવું હોઈ શકે ? એ બધાં જ પાત્રો અને લોકેશન માટેનાં સ્કેચ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલ પાસે બનાવડાવ્યાં અને નાગરકુટુંબોની લગ્નવિધિઓથી માંડી તમામ ઝીણવટભરી બાબતોનો અભ્યાસ કરી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. નરસિંહ મહેતાના ઘરે લાગતું ખંભાતી તાળું પણ કેટલી ય વાર અમદાવાદની ગુજરીબજારમાં આંટા મારીને રવિશંકરે મેળવ્યું હતું જે ફિલ્મમાં વપરાયું હતું!
એ જમાનામાં આજથી ૮૫ વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ ટેક્નોલૉજી અને સાધનો પૂરેપૂરાં વિકાસ પામ્યાં ન હતાં ત્યારે કૅમેરામેનથી માંડી ટેક્નિશિયનોએ દૃશ્યો ગોઠવતાં ઘણી મર્યાદાઓ અને કારમી મજૂરીનો સામનો કરવો પડતો હતો. એ અરસામાં આવી ઝીણવટોનું ધ્યાન રખાતું હતું, ત્યારે મનમાં સવાલ ઊઠે કે તો સમયમાં તેનાથી ચડિયાતી ઉત્તમ ગુજરાતી ફિલ્મો આપણને મળવી જોઈતી હતી, કેમ ન થયું ? આજના ડિજિટલ યુગમાં આ બધું વિચારવું જરૂરી બની રહે છે.
શહેરોમાં વસતો ગુજરાતી મધ્યમ વર્ગ હિંદી ભાષા સમજવામાં દક્ષિણનાં રાજ્યો અને બંગાળથી આગળ છે. પાંચમા ધોરણથી હિન્દી શીખવાને લીધે અને ગુજરાતીની નજીકની ભાષા હોવાથી તેણે હિન્દી ફિલ્મોને જોવા માટે સહજતાથી સ્વીકારી અને મુંબઈમાં હિંદી ફિલ્મ – ઇન્ડસ્ટ્રીઝમાં મોટા ભાગે ગુજરાતી અને રાજસ્થાની નિર્માતાઓ રહ્યા છે. વ્યાપક દર્શકગણ મળવાના ધંધાકીય ગણિતને લઈ ગુજરાતી હિંદી ફિલ્મોમાં જ રોકાણ કરવાનું મુનાસિબ માને છે. તેને કારણે ગુજરાતી કલાકારો, છબીકારો, સંકલનકારો, અન્ય ટેક્નિશિયનોનું હિંદી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝમાં મોટું પ્રદાન રહ્યું છે. અને તે કારણે જ મહદ્અંશે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝ ઉપેક્ષિત રહી.
૧૯૬૦માં ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું અને હિંદી ફિલ્મના જાણીતા કલાકારોને લઈ બનેલી ‘મહેંદી રંગ લાગ્યો’ અને ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી ફિલ્મોને ગુજરાતનાં શહેરોમાં વિશેષ કરીને ગૃહિણીઓમાં ઘેલું લગાડ્યું અને તેમાં આકર્ષણનું કેન્દ્ર હિંદી ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓ ઉપરાંત ગુજરાતનાં લોકેશન્સ, લગ્નગીતો અને ખાસ તો નારીકેન્દ્રી વાર્તાને લઈ આ બંને ફિલ્મોએ રજતજયંતી ઊજવી હતી. સાથેસાથે શહેરીકરણને લઈ ગ્રામીણ પરિવેશમાંથી આવેલા પરિવારોમાં આ ફિલ્મોએ ઘણું આકર્ષણ જમાવ્યું.
એ પછી તો ગુજરાત સરકારની ગુજરાતી ફિલ્મો માટે ટૅક્સ ફ્રીની નીતિને કારણે આઠમો દાયકો ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ કહેવાયો. ૧૯૭૧થી માંડી ૧૯૮૦ સુધીમાં ગુજરાતી ફિલ્મોના આરંભથી માંડી ૧૯૭૦ સુધી બનેલી કુલ ફિલ્મો કરતાં આ દસકામાં બનેલી ફિલ્મોની કુલ સંખ્યા ઘણી બધી વધી જાય છે.
૧૯૭૧માં પહેલી ઇસ્ટમેનકલર ફિલ્મ જાણીતી ‘જેસલ-તોરલ’ની પ્રણયકથા પરની હતી, જેમાં લોકપ્રિય ગુજરાતી નાટ્યકલાકારો ને લોકપ્રિય લોકગાયકો ઇસ્માઇલ વાલેરા અને દીવાળીબહેન ભીલ હતાં. રવીન્દ્ર દવે દિગ્દર્શિત આ ફિલ્મે એક નવી હલચલ ઊભી કરી. અને આ દિગ્દર્શક રવીન્દ્ર દવેએ ૧૯૭૧થી માંડી ૧૯૮૧ સુધીમાં ૨૪ ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
હરિયાળી ક્રાંતિ અને રોકડિયા પાક જેવા કે મગફળી ને કપાસને લઈ અને ખાસ તો જમીન-સુધારણાના કાયદાના અમલને લઈ ગ્રામીણ મધ્યમવર્ગમાં રૂપિયા ખરચવાની તાકાત વધી. તેમની પાસે શિક્ષણ ન હતું. મનોરંજનમાં પરંપરાગત લોકકથાવાર્તા, ભવાઈ અને ડાયરાને રાસ-ગરબા હતા અને તેને લઈને જાણીતી દંતકથાઓ અને લોકસંગીતના મસાલાઓથી ભરપૂર ફિલ્મોમાં મોટો દર્શકવર્ગ મળતો અને ટૅક્સ ફ્રીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી.
૧૯૯૦થી ગુજરાતી ફિલ્મોના વળતાં પાણી શરૂ થતાં દેખાય છે. ઑડિયો કૅસેટ્સ, વીડિયો-કૅસેટ્સ અને કમર્શિયલ ગુજરાતી ટીવી શ્રેણીઓએ, ફિલ્મ કરતાં પણ સસ્તાં મનોરંજનના દરવાજા ખોલ્યાં. ૧૯૯૦ની આસપાસ બનેલી છ ગુજરાતી ફિલ્મોનો મેં તે સમયે અભ્યાસ કર્યો હતો. આ ફિલ્મો ટેક્નિકલી ખૂબ જ નિમ્ન ક્વૉલિટીની હતી અને એક જ સ્ટુડિયોસેટ પર બધી ફિલ્મો બની હોય એમ એક સરખી રાજાશાહીના સમયની વાર્તાઓ અને તેમાં તદ્દન હલકી ગુણવત્તાની એક જ પ્રકારની રમૂજો દેખાતી હતી. સ્ટિરિયો ટાઇપ ગરબા-રાસ ભરચક હતા. માત્ર સરકારી સહાય અને કેટલાક ગ્રામીણ અને શહેરી ચોક્કસ દર્શકો માટે જ આ ફિલ્મ બનતી હોય એ સ્પષ્ટ દેખાતું હતું.
૧૯૯૦ પછી એક નોંધપાત્ર વાત એટલી બની કે સૌરાષ્ટ્રની દંતકથા-લોકકથાઓની જગ્યાએ ઉત્તર ગુજરાતનાં લોકગીતો, દંતકથાઓએ સ્થાન લીધું. શ્વેતક્રાંતિ અને સિંચાઈની સગવડો વધતાં કદાચ તેને કારણે ઉત્તર ગુજરાતમાં દર્શકો વધ્યા હતા તેમ ગણી શકાય. જેમાં મણિરાજ બારોટ જેવા લોકકલાકારોની બોલબાલા થઈ. ઠાકોરસમાજના અને દલિતસમાજના કલાકારોનું ગુજરાતી ફિલ્મોમાં મહત્ત્વ વધ્યું તે નોંધપાત્ર છે.
મણિરાજ બારોટના સનેડાએ આખા ગુજરાતને ઘેલું લગાડ્યું અને નવી વીડિયો ટેક્નોલોજીના વિકાસને લઈ વીડિયો આલ્બમોની બોલબાલા વધી. વીસીડી-સીડી ટેક્નોલૉજીએ મનોરંજન વધુ સસ્તું બનાવ્યું.
ગુજરાત રાજ્યમાં ગુજરાતી ફિલ્મના વિકાસ માટે બનેલું ફિલ્મ – ડેવલપમેન્ટ કૉર્પોરેશન, જેને વીડિયો ઍડિટિંગ સુવિધાઓ પણ ઊભી કરી હતી, તેનો સરકારી સભ્યોએ ગેરલાભ લીધો. ગુજરાતી ફિલ્મોનો ઉદ્ધાર ન થયો, પરંતુ આ ગુજરાતી ફિલ્મ, ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચૅરમેને કહેવાય છે કે એક વર્ષે તો આખું બજેટ ‘માનવીની ભવાઈ’ ફિલ્મ-નિર્માણમાં વાપરી નાંખ્યું! પોતે જ દિગ્દર્શક, પોતે જ દુકાળપીડિત કાળુનું પાત્ર ભજવનાર હીરો!
ખોટ કરતાં કૉર્પોરેશનનો બંધ કરવાં એવા નીતિગત નિર્ણયના ભાગ તરીકે નવી સદીની શરૂઆતમાં આ ગુજરાત ફિલ્મ-ડેવલપમેન્ટ કૉર્પોરેશનને બંધ કરી દેવાયું.
અને સરકારે જાણે ગુજરાતી ફિલ્મોમાંથી રસ લેવાનો જ ઓછો કરી નાંખ્યો. ૧૯૯૯માં ગુજરાતી ફિલ્મો માટે જે નીતિ બનાવી, તેમાં દરેક ફિલ્મને પાંચ લાખ રૂપિયાની સહાય આપવી તેમ નક્કી થયું અને ૨૦૧૩થી તો સહાય પણ બંધ કરી દેવાઈ!
પ્રોત્સાહન તરીકે અપાતાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોના ઇનામો પણ ગયા વર્ષે એકસામટાં-ત્રણ-ચાર વર્ષનાં ભેગાં-સરકારી કચેરીમાં કલાકારોને એક દિવસ બોલાવી ચુપચાપ થેલાઓમાં મૂકી પકડાવી દેવાયાં! કોઈ કાર્યક્રમ કરવાની દરકાર પણ સરકારે ન દાખવી!
પણ છેલ્લાં બે વર્ષમાં મલ્ટીપ્લેક્ષ થિયેટરો અને મૉલકલ્ચરને લઈ જે ૧૦૦થી માંડી ૩૦૦ જેટલી સીટોની સુવિધાવાળા ફિલ્મહૉલ ઊભાં થયાં, તેમાં થયેલા એકાએક વધારાને લઈ અને ડાયરેક્ટ સેટેલાઇટ પ્રોનેકવાન કરવાની ટેક્નોલૉજીના વિકાસને લઈ પરંપરાગત ફિલ્મ- ડિસ્ટ્રિબ્યુટરોની મૉનોપૉલી તૂટી, ડિજિટલ ટેક્નોલૉજીને કારણે ફિલ્મોમાં ખર્ચ ઘટ્યા અને ગુણવત્તા વધી અને નાટક અને ફિલ્મની તાલીમ લીધેલા યુવાકલાકારોને વધવાને લઈ જે ગુજરાતી ફિલ્મ પ્રોનેકવાન ઇન્ડસ્ટ્રી, વર્ષે સાત-આઠ કરોડનો ધંધો કરતી હતી તેણે ગયા વર્ષે પંચાવન કરોડનો ધંધો કર્યો! શહેરી શિક્ષિત અને મધ્યમવર્ગના યુવાનોના પ્રશ્નો, આધુનિક સંગીત અને મધ્યમવર્ગની ભાષામાં અને ખાસ તો શહેરી ઑર્ગેનિક જીવનને સ્પર્શવાની રમૂજોના ઉપયોગને લઈ આ ફિલ્મો શહેરી યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, એવું અત્યારે લાગી રહ્યું છે.
ગુજરાતી ફિલ્મોને લઈ નિષ્ક્રિય થઈને બેઠેલી ગુજરાત સરકાર પણ આ ગુજરાતી ફિલ્મોના વધતાં આકર્ષણને લઈ સફાળી જાગી અને જાણે કે આ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મકલા માટે પોતાનો કંટ્રોલ રહે તેવા કંઈક આશયથી જ એણે હમણાં ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ-૨૦૧૬’ની જાહેરાત કરી છે. આ નીતિમાં જણાવ્યું છે કે ગુજરાતી ફિલ્મોની ગુણવતા અન્ય પ્રાદેશિક ચલચિત્રો કરતાં ઉપરની કક્ષાની છે અને તેમાં સુધારો થાય, ગુજરાતી ફિલ્મોના વિકાસ થાય, એ આશયથી આ પ્રોત્સાહક નીતિ અપનાવવામાં આવી છે.
આ નીતિ અન્વયે શ્રેષ્ઠ ફિલ્મોના ઇનામની રકમ બેવડી કરાઈ છે, જે આવકારદાયક છે. ઘણાં વર્ષોથી જે રીતે રૂપિયો ઘસાઈ ગયો છે, તે પ્રમાણે ઇનામો અત્યાર સુધી ઘણાં મામૂલી લાગતાં હતાં. ખાસ તો દરેક જે ફિલ્મ રીલિઝ થાય એને અપાતાં પાંચ લાખ રૂપિયા બંધ કરી દેવાયા છે અને ગુણવત્તાના નામે પાંચ કરોડથી માંડી પાંચ લાખ સુધીની આર્થિક સહાય આપવાનું નક્કી કરાયું છે.
ઓસ્કાર જેવા આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવતી ગુજરાતી ફિલ્મોને પાંચ કરોડથી માંડી બે કરોડની રકમ રખાઈ છે, જે લગભગ કોઈને આપવાની વાસ્તવમાં થાય નહીં. એક બાજુ તો હજી ગુણવતા સુધારવાની છે, તો ઓસ્કારની વાત તો કેટલી દૂર કહેવાય?!
આ નીતિ અન્વયે ગુણવત્તા તપાસવા સરકાર દસ તજ્જ્ઞો અને ચાર સરકારી અધિકારી એમની સાથે રહી કમિટી બનાવશે, જેમાં વિવિધ પ્રકારની ગુણવત્તાના ગુણ નક્કી કરાયા છે, તેમાં સ્ક્રિપ્ટ, સંગીત, સેટ્સ, લાઈટ્સ ઇફેક્ટ, છબીકલા, લોકેશન વગેરેના કુલ ૮૦ ગુણ રાખ્યા છે અને ૨૦ ગુણ ફિલ્મ બે લાખથી વધારેથી માંડી દસહજાર દર્શકોએ જોઈ તેના ટિકિટોના વેચાણના પ્રમાણપત્ર પરથી મળશે. અને આ કુલ ૧૦૦ ગુણમાંથી તે ફિલ્મ ૮૦થી ઉપર ગુણ મેળવે તે ફિલ્મને ‘એ’ ગ્રેડ ગણવાની અને તેને ૫૦ લાખ રૂપિયા આર્થિક સહાય મળે. ૬૧થી ૮૦ ગુણ મેળવનારને ‘બી’ ગ્રેડ અને તે ફિલ્મને ૨૫ લાખ રૂપિયા સુધી આર્થિક સહાય અને ૫૧થી ૬૦ ગુણ મેળવનારને ‘સી’ ગ્રેડને ૧૦ લાખ અને ૪૧થી ૫૦ ગુણ મેળવતી ફિલ્મને ‘ડી’ ગ્રેડ અને ૫ લાખ રૂપિયાની સહાય. ૪૧થી નીચેના ગુણ મેળવનારને કશું જ નહીં.
૮૦થી વધી ગુણ મેળવનાર ફિલ્મ તો કોઈ રહેવાની શક્યતા નથી, એટલે ૨૫ લાખથી પાંચ લાખ વચ્ચેની રકમ સુધી મળવાપાત્ર સંભાવના રહે છે. આથી સિત્તેર વર્ષ પહેલાં પાંચ લાખ રૂપિયાની કિંમત હતી, તે આજના પચ્ચીસ લાખ જેટલી જ થાયને? સાથે-સાથે એવો નિયમ જોડ્યો છે કે, માત્ર જે ફિલ્મને ભારત સરકારના પ્રમાણપત્રબોર્ડ દ્વારા ‘યુ’ સર્ટીફિકેટ્સ મળ્યું હોય તે જ અરજીને માત્ર ગણાશે. ‘એ’ એટલે કે માત્ર પુખ્ત વયનાં દર્શકો માટેના પ્રમાણપત્રો ધરાવનારને આ સ્કીમ માટે ‘નાલાયક’ ઠરાવાશે ! ગુણવત્તા અને કહેવાતી નૈતિકતાને કેવો સંબંધ એ વિચારવાનો મુદ્દો બની રહે છે. હવે જો આવી ‘એ’ પ્રમાણપત્રવાળી ફિલ્મ ઓસ્કાર માટે નૉમિનેટ થઈ હોય તો પણ તેને ગુજરાત રાજ્ય માન્ય નહીં ગણે!
“જે ફિલ્મો અંધશ્રદ્ધા, સતીપ્રથા, દહેજપ્રથા, સામાજિક દૂષણો અને વિવાદિત મુદ્દાઓ વગેરેથી લોકોને ગેરમાર્ગે દોરતી હોય તેમ જ દેશ અને રાજ્યના હિતમાં કે પ્રજાના હિતમાં તેમજ અન્ય રીતે વાંધાજનક લાગતાં ચલચિત્રોને આર્થિક સહાય મળવાપાત્ર થશે નહીં.” જે મુદ્દાઓને ફિલ્મ પ્રમાણપત્ર બૉર્ડ પણ ધ્યાનમાં લે છે, તે ઉપરાંત ‘રાજ્યવિરોધી’ કે અન્ય વિવાદિત અન્ય રીતે વાંધાજનક તેવાં નાટકો સિફતપૂર્વક આ ગુણવત્તાના નામે ઘુસાડી દઈ સત્તાધારી સરકારે ફિલ્મો દ્વારા તેમની ખુશામત થાય, રાજકીય ફિલ્મ ન બને, એવા માપદંડો ઘડી દીધા!
અત્યારે આમ પણ ‘સરકારવિરોધી’ એટલે ‘રાજ્યવિરોધી’ એવો મત ઊભો કરાવી દીધો છે. થોડાં વર્ષો પહેલાં અભિનેતા આમીરખાન દિલ્હીમાં નર્મદાબંધના વિસ્થાપિતોના પ્રશ્નને લઈ ધરણાંના કાર્યક્રમમાં જઈ બેઠો, વિસ્થાપિતોને મેધા પાટકરને મળ્યો, એમાં તો તેને ગુજરાત વિરોધી ગણી તેની ફિલ્મ ‘ફના’ પર આડકતરો પ્રતિબંધ ગુજરાતમાં મુકાયો હતો, એ સૌ કોઈ જાણીએ છીએ.
વળી, બે વર્ષ પૂર્વે ‘ધ ગુડ રોડ’ નામની ગુજરાતી ફિલ્મ, જે આપણા દેશ તરફથી ઓસ્કારમાં નૉમિનેટ થઈ હતી, તેની સામે પણ જેમાં પરંપરાગત સેક્સવર્કર્સની વાત હતી અને તે પણ કચ્છના પ્રદેશમાં દર્શાવી હતી, ત્યારે પણ એ ફિલ્મ ગુજરાતવિરોધી છે, એવો વિરોધ ઊભો કરવામાં આવેલો.
આમ, ગુણવત્તાના નામે, અપ્રત્યક્ષ રીતે પણ ફિલ્મ-કલાકારો નાણાંની લાલચે સમાજના સળગતા સવાલો, રાજકીય વ્યંગ અને સરકારની વિચારધારાનો તો વિરોધ કરનારી ફિલ્મો બનાવવામાંથી અચકાશે એટલું નિશ્ચિંત છે. આ નીતિ તૈયાર કરનાર સમિતિમાં પણ એવાં જ સભ્યો મોટા ભાગે જોવા મળે છે, જેમણે ગત ચૂંટણીઓમાં સત્તાધારી પ્રશ્નને પ્રચાર કર્યો હોય યા તેમની સાથે એક યા બીજી રીતે સંકળાયેલા હોય.
ફિલ્મ સારી બને તે માટે ટેક્નિકલ માપદંડો જરૂર રાખી શકાય, તેના માટે ફિલ્મ-ઇન્સ્ટિટ્યૂટ કે એવી કોઈ ઉચ્ચ સંસ્થામાં શિક્ષિત – પ્રશિક્ષિત તજ્જ્ઞોને જરૂર રાખી શકાય એ જરૂરી છે. પણ વિષયવસ્તુ પર ‘રાજ્યવિરોધી’ જેવા પ્રમાણો આપી ન શકાય.
દેશના બંધારણની અવગણના કરનાર ન હોય એનાથી વધારે તો કોઈ કલાકૃતિ પર, અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર બંધન ન જ હોઈ શકે. આ નવી ફિલ્મનીતિને લઈ સરકાર ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા માટે ગંભીર છે, તેના કરતાં તેને પાંજરે પૂરવાની પેરવી કરવા માટે વધુ તત્પર છે, એવું કહેવું યોગ્ય જ લેખાશે.
E-mail : manishijani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ.15-17