तिरे जलवों ने मुझे घेर लिया है ऐ दोस्त
अब तो तन्हाई के लम्हे भी हसीं लगते हैं
~ सीमाब अकबराबादी
તમારાથી હું એટલો બધો અભિભૂત રહ્યો છું કે જ્યારે તમે હવે નથી, ત્યારે ય તમારામાં ખોવાયો ખોવાયો રહું છું. એકલો પડું છું ત્યારે તે સમયગાળો હવે મને ક્ષુબ્ધ કરી શકતો નથી. કેમ કે હું તમારા વિચારોમાં ખોવાયેલો રહું છું. આમ હું તમારામય રહું છું અને તેથી હું સુખ પામતો રહ્યો છું.
ચોમેર જાણીતા સજ્જન જીતુભાઈ દવેનું 01 માર્ચ 2016ના અવસાન થયું. શાયર સીમાબ અકબરાબાદી ઉપર દર્શાવે છે તેવી ક્ષમતાના એ માણસ.
આજથી લગભગ સાડાઆઠ દાયકા પર, 16 માર્ચ 1931ના રોજ, બેંગકોંક (થાઇલૅન્ડ) ખાતે, મૂળ ભાવનગરના એક હિન્દી પરિવારમાં, જન્મેલા જીતેન્દ્રભાઈ નર્મદાશંકર દવેના જીવન ઘડતરમાં મુખ્યત્વે ત્રણ પાસાં રહ્યાં : સંસ્કાર, સંતસમાગમ અને સાહિત્ય.
એક બ્રાહ્મણ બાળકને સહજ પ્રાપ્ય સંસ્કાર : યજ્ઞોપવિત, ધર્મ, શિક્ષણ, જ્ઞાન, કર્મકાંડ, ભક્તિ-સેવા આદિ સંસ્કાર જીતુભાઈને કુટુંબ, શાળા-કૉલેજ, સમાજ, દેશકાળમાંથી સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત હતા. એમણે સ્નાતક સુધીનો અભ્યાસ ભાવનગરમાં રહી કર્યો હતો. સેવાધર્મ, સંતસમાગમ અને સાહિત્ય એ જીતુભાઈના જન્મજાત સંસ્કારો હતા, એમ કહી શકાય. પૈતૃક વારસામાં મળેલા હીરાના વ્વયવસાય કરતાં જીતુભાઈનું મન શ્રીમદ્દ રાજચંદ્રની જેમ શરૂઆતથી જ અધ્યાત્મમાં વધારે રચ્યું પચ્યું રહેતું હતું. અને સંતોની સેવા શુશ્રૂષા કરનાર જીતુભાઈ ઉપર બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીના ‘માનવસેવા એ જ પ્રભુસેવા અને હરિનામ સંકીર્તન’ની ઘેરી અસર જોવા મળે છે. આ બે પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થતી જોવાં મળતી ત્યાં ત્યાં જીતુભાઈની હાજરી અવશ્ય જોવા મળતી.
ભારતના રાષ્ટૃપિતા મહાત્મા ગાંધીના જીતુભાઈ પરમ ઉપાસક અને અનુયાયી. ગાંધીજીવન અને સાહિત્યનું અનુશીલન અને પ્રવૃત્તિઓનું અનુસરણ જીવનમાં સાર્થક કરવા એ સતત પ્રયત્નશીલ રહેતા. ગાંધીજીની જેમ એ સર્વધર્મ સમભાવમાં માનતા હતા. એમને સાંપ્રદાયિક કેડી અથવા મઝહબી જડતા − પાગલપણું ક્યારે ય સ્પર્શ્યાં નથી. જીતુભાઈ સામાજિક નાતજાતના ભેદભાવથી પર હતા. એમનામાં વૈચારિક – વ્યાવહારિક જડતા ક્યારે ય જોવા મળી નથી. જીવનમાં દશે ય દિશાઓમાંથી આવતા શ્રેષ્ઠ અને ભદ્ર વિચારોને એમણે સદાય આવકાર્યા અને સંઘર્યા છે. વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાન પુરુષોનાં જીવનચરિત્રો એમના જીવનનું ભાથું હતું. અન્યને ઉપયોગી થવામાં જીતુભાઈએ ક્યારે ય પાછી પાની કરી નથી.
જીતુભાઈને મળવું એટલે काव्यशास्त्र विनोदेन कालोगच्छति धीमताम्। જીતુભાઈની હાજરી એટલે કાવ્ય, સાહિત્ય, કલા, અધ્યાત્મશાસ્ત્ર, સેવા આદિ વિષયોની ચર્ચા અને પ્રવૃત્તિ. ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’ની સભા હોય કે પછી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સભા હોય, ત્યાં જીતુભાઈની હાજરી અચૂક હોય જ. આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમણે અનેકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા છે. પ્રાર્થના અને યોગ એમના જીવનનો નિત્યક્રમ. મને યાદ છે ત્યાં સુધી જીતુભાઈ પંચોતેર વર્ષની ઉંમરે પણ નિયમિત રીતે યોગાસનો કરતા ! તેમાં મુખ્યત્વે શીર્ષાસન રહેતું.
વિદ્વાન, મહામના અને ભવ્યસુલભા જીતુભાઈનાં પત્ની મંદાકિનીબહેન − જીતુભાઈના જીવનનાં અઘરાં અને આકરાં અનેક ચઢાણ-ઊતારમાં જીતુભાઈના પડખે શિલાની જેમ ઊભાં રહ્યાં છે. મંદાકિનીબહેન જીતુભાઈના અનેક સાર્થક અર્થમાં છાયા જ રહ્યાં. छायैवान्वगच्छत, મંદાકિનીબહેન !
જીવનમાં માનવીય મર્યદાઓ કરતાં शांताकृति उदारधी-मना જીતુભાઈ માનવીય સદ્દગુણોના ભંડાર હતા. પરમ ગહન સેવાધર્મ એમને સહજ સુલભ હતો. ઓશોના શબ્દોમાં કહીએ તો ‘આત્માની અનંત યાત્રામાં જીતુભાઈનો જીવાત્મા આ પૃથ્વી નામક ગૃહ ઉપર ગૂજરી ગયો – પસાર થઈ ગયો.’ સદ્દગત જીતુભાઈને માટે ક્યારેક કેવું કેટલું અને કેવી રીતે કહેવું એ મારે માટે શક્તિ બહારને અને અતિ મુંઝવણભર્યો વિષય છે. અંતમાં આટલું કહી વિરમીશ : ‘મંગલ મંદિર ખોલો દયામય’ એમ કહેવા કરતાં જીતુભાઈને માટે આમ કહેવું વધારે ઉચિત લાગશે.
પધારો મંદિર મંગલે હરિ તરસ્યા;
હરખ્યા હરિ હરખે હરખે સંભારે.
કારણ : જીતુભાઈએ આ જીવન હવે ભૂતમાં જ મંગલ મંદિરનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. જીતુભાઈનું પ્રતિગમન – મૃત્યુ એ શોક નહીં પરંતુ શાંતિ અને આનંદની અનુભૂતિ અને અભિવ્યક્તિ છે.
बादले गुलिस्ताँ बन कर जहाँ में
आप बरशे अौर बिखर गये,
हवाओं में महेंकती हुई रुह
आज भी कराती है एहसास आपका।
[37 Berkley Road, Kingsbury, LONDON NW9 9DH, U.K.]