સુભાષચંદ્ર બોઝ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. છેલ્લાં ૭૦ વર્ષોમાં ન જાણે કેટલી વખત બોઝની ‘ઘરવાપસી’ના અનુમાન લગાવાયાં છે. સુભાષબાબુ હવે દુનિયામાં નથી રહ્યા, એ સ્વીકારવું કેટલાક લોકોને મન દેશદ્રોહથી કમ નથી. આખરે આ દેશમાં ઋષિઓએ હજારો વર્ષ તપસ્યા કરી હોય એવાં વર્ણનો ય મહાભારત અને રામાયણ જેવા ‘ઇતિહાસ-ગ્રંથો’માં મળે જ છે ને!
સુભાષચંદ્ર બોઝ ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવા માગતા હતા, એમાં કોઈને શક ન હોઈ શકે. તેમના વિચારોમાં સમાજવાદી વલણ પણ જોઈ શકાય છે, પરંતુ તથ્ય એ છે કે આખરે હિટલર, મુસોલિની અને તોઝો સાથે હાથ મિલાવતી વખતે ખચકાટની વાત તો જવા દો તેમણે હોંશે-હોંશે સક્રિય સહયોગ લીધો હતો.
આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે હિટલર પણ એક પ્રકારનો સમાજવાદી જ હતો. આ તથ્યને મોટા ભાગના ભારતીયો બહુ ગંભીરતાથી લેતા નથી, કારણ કે ફાસીવાદી વિભીષિકાની તેમણે માત્ર કહાણીઓ જ વાંચી-સાંભળી છે. યુરોપમાં સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરવું શા માટે સભ્યતાની વિરુદ્ધ મનાય છે, એ સમજવા માટે શું દરેકે આશ્વિત્ઝની (કૉન્સન્ટ્રેશન કૅમ્પ) મુલાકાત લેવી જ પડે, એ જરૂરી છેે?
તમને જાણીને આશ્ચર્ય થઈ શકે પણ એક વ્યક્તિ એવી હતી, જેને સુભાષચંદ્ર બોઝના ફાસીવાદ તરફના ઝુકાવનો અંદાજ આવી ગયો હતો. તે એક નવયુવાન હતો, માંડ એકવીસ વર્ષનો. તેનું નામ હતું ભગતસિંહ. તે ન તો કૉંગ્રેસી હતા અને ન કમ્યૂિનસ્ટ પાર્ટીના સભ્ય. તેમની ક્રાંતિકારિતામાં કોઈને શક નથી. તે સુભાષચંદ્ર બોઝ અંગે શું વિચારતા હતા? જોઈએ …
૧૯૨૮માં ભગતસિંહ માંડ ૨૧ વર્ષના યુવાન હતા. ‘કિરતી’ નામના અખબારમાં તેમણે ‘નવા નેતાઓના અલગ-અલગ વિચાર’ શીર્ષક તળે એક લેખ લખ્યો હતો. તેઓ અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને હિંદુ-મુસ્લિમ દંગા-ફસાદોની નિરાશાના માહોલમાં નવા આંદોલન માટે પાયાનું કામ કરે, એવા આધુનિક વિચારોની શોધમાં હતા. તેમણે આ લેખમાં બે નવા ઊભરતા નેતાઓ ‘બંગાળના પૂજનીય શ્રી સુભાષચંદ્ર અને માનનીય પંડિત શ્રી જવાહરલાલ નેહરુ’ના વિચારોનું વિશ્લેષણ કર્યું હતું.
ભગતસિંહના જણાવ્યા મુજબ સુભાષ ‘ભારતની પ્રાચીન સંસ્કૃિતના ઉપાસક’ અને નેહરુ ‘પશ્ચિમના શિષ્ય’ મનાય છે. પહેલા ‘કોમળ હૃદયવાળા ભાવુક’ અને બીજા ‘પાક્કા યુગાંતરકારી’ ગણાય છે. જો કે, ખુદ ભગતસિંહ સુભાષ અને નેહરુ વિશે શું માને છે, તે રસપ્રદ છે. ભગતસિંહ અમૃતસર અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અધિવેશનોમાં તેમનાં ભાષણોને વાંચીને કહે છે કે આમ તો બન્ને પૂર્ણસ્વરાજના સમર્થક છે, પરંતુ તેમના વિચારોમાં ‘જમીન’ આસમાનનું અંતર’ છે.
મુંબઈની એક જનસભાનો તેઓ ખાસ ઉલ્લેખ કરે છે, જેની અધ્યક્ષતા નેહરુ કરી રહ્યા હતા અને ભાષણ સુભાષબાબુએ આપેલું. આ બન્નેનાં ભાષણોને વાંચીને તેઓ સુભાષને એક ‘ભાવુક બંગાળી’ ગણાવે છે. સુભાષબાબુએ ભાષણની શરૂઆતમાં જ કહેલું કે દુનિયાને આપવા હિંદુસ્તાન પાસે એક વિશેષ સંદેશ છે. હિંદુસ્તાન દુનિયાને આધ્યાત્મિક શિક્ષણ આપશે. પરંતુ ભગતસિંહ સુભાષના ભાષણને ‘દીવાના’નો પ્રલાપ ગણાવીને ટિપ્પણી કરે છે, ‘‘આ પણ એ જ છાયાવાદ છે. કોરી ભાવુકતા છે. તેઓ (સુભાષબાબુ) દરેક બાબતમાં પૌરાણિક યુગની મહાનતા જુએ છે. તેઓ દરેક ચીજને પ્રાચીન ભારતમાં શોધી કાઢે છે, પંચાયતી રાજને પણ અને સામ્યવાદને પણ.’’
ભગતસિંહને સુભાષના રાષ્ટ્રવાદના વિચારો પણ ગળે ઊતરતા નથી. વળી, હિંદુસ્તાનનો રાષ્ટ્રવાદ કોઈ અનોખી (નાયાબ) ચીજ છે અને અન્ય રાષ્ટ્રવાદો ભલે સંકીર્ણ-સંકુચિત હોય, ભારતીય રાષ્ટ્રવાદ એવો ન હોઈ શકે, એવી સુભાષની વાત સાથે ભગતસિંહ બિલકુલ સહમત નથી. સુભાષચંદ્ર બોઝથી ઊલટું ભગતસિંહ નેહરુથી વધારે પ્રભાવિત થયા હોય એવું (તેમના લખાણ પરથી) જણાય છે. તેઓ કહે છે, ‘સુભાષ પરિવર્તનકારી છે, જ્યારે નેહરુ તો યુગાંતરકારી છે.’ ભગતસિંહનું માનવું હતું કે એકના વિચારમાં આપણી પૌરાણિક બાબતો બહુ જ સારી છે અને બીજાના મતે તેની વિરુદ્ધ વિદ્રોહ કરી દેવો જોઈએ. એક ભાવુક ગણાશે અને બીજા યુગાંતરકારી અને વિદ્રોહી.
૨૧ વર્ષીય ક્રાંતિકારી ભગતસિંહની આ ટિપ્પણી તો કેટલી સટિક છે, ‘‘સુભાષબાબુ દુનિયાના રાજકારણમાં હિંદુસ્તાનના સંરક્ષણ અને વિકાસનો સવાલ હોય ત્યાં સુધી રાષ્ટ્રીય રાજનીતિ પર ધ્યાન આપવાનું મુનાસિબ માને છે, જ્યારે પંડિત નેહરુ રાષ્ટ્રીયતાના સંકીર્ણ દાયરામાંથી નીકળીને ખુલ્લા મેદાનમાં આવી ગયા છે.’’
સુભાષ અને નેહરુમાંથી કોની પસંદગી કરી શકાય?
ભગતસિંહ પોતાનો નિર્ણય જણાવે છે,‘‘સુભાષ આજે કદાચ દિલને થોડુંઘણું ભોજન આપવા ઉપરાંત બીજો કોઈ માનસિક ખોરાક આપી રહ્યા નથી … આ સમયે પંજાબને માનસિક ખોરાકની સખત જરૂર છે અને તે પંડિત જવાહરલાલ નેહરુ પાસેથી જ મળી શકે છે.’’ જો કે ભગતસિંહ નેહરુના આંધળા તરફદાર બનવાની વિરુદ્ધ છે. વિચારોની વાત કરીએ તો તેઓ તેમની સાથે જોડાવાની સલાહ આપે છે, જેથી નવયુવાનો ઇન્કિલાબનો વાસ્તવિક અર્થ, હિંદુસ્તાનના ઇન્કિલાબની જરૂરિયાત, દુનિયામાં ઇન્કિલાબનું સ્થાન વગેરે અંગે જાણી શકે. નેહરુ નવજવાનોની એ રીતે મદદ કરી શકે કે તેઓ ‘‘સમજી-વિચારીને પોતાના વિચારોને સ્થિર કરે, જેથી નિરાશા, હતાશા અને પરાજયના સમયમાં પણ ભટકાવના શિકાર ન બને અને એકલપંડે ઊભા રહીને દુનિયા સામેના મુકાબલામાં મક્કમ રહી શકે.’’
પોતાનો આ લેખ લખ્યાના લગભગ ત્રણ વર્ષ પછી ભગતસિંહે ફાંસીના ફંદાને પોતાના ગળે લગાડ્યો હતો.
આશરે તેર વર્ષ પછી સુભાષબાબુનો ભાવુક અને સંકીર્ણ-સંકુચિત રાષ્ટ્રવાદ તેમને હિટલર સુધી લઈ ગયો. વીસમી સદીમાં માનવતાના સૌથી મોટા ગુનેગારોમાંના એક સાથે હાથ મિલાવવામાં સુભાષને કોઈ દ્વિધા થઈ નહોતી. ભગતસિંહ ત્યારે જીવતા હોત તો કહેત કે મેં તો વર્ષો પહેલાં નવયુવાનોને સાવધ કરી દીધા હતા.
ભગતસિંહની ચેતવણી કે નવયુવાનો સુભાષચંદ્ર બોઝના જેવા સાંકડા ભાવુકતાવાદી રાષ્ટ્રવાદના વિચારોથી સાવધાન રહે, એ શું ૧૦૦ વર્ષ પહેલાંના નવયુવાનો માટે જ હતી, શું આજના યુવાનો માટે નહીં?
[www.bbc.com/hindi પરથી અનુવાદ]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 12
મૂળ લેખકના અંગ્રેજી લેખનો આધાર આ કડીએ જવાથી મેળવી શકાશે :