એક યક્ષ પ્રશ્ન
હવે કેટલાંકમાં કંગના રણાવત પેઠે સ્વાતંત્ર્ય સંવતનો નિરીહ ઉત્સાહ ટક્યો નથી તો કેટલાયે નવતરુણો વાસ્તવચિત્ર જોતાં લોકશાહી પ્રક્રિયામાં વિધિવત જોડાવાથી વિમુખતા અનુભવે છે. ‘મધર ઑફ ડેમોક્રસી’ની ગોદમાં એમને સારુ જાણે જગ્યા જ નથી.
બે દોરમાં થઈને લોકસભાની 190 બેઠકો સારુ મતદાન થઈ ગયું છે. ચૂંટણીપંચ તરફથી આંકડા ધીમે ધીમે હપતાવાર મળ્યા એ સાચું, પણ અંતિમ આંકડા પ્રમાણે પણ 2019 કરતાં મતદાનની ટકાવારીમાં કંઈક ઘટાડો જરૂર થયો છે. એથી પણ વધુ ગંભીર વિગતમુદ્દો તો કદાચ એ છે કે જે નવતરુણો મતાધિકારને પાત્ર છે તે પૈકી ઘણા ઓછા લોકોએ મતાધિકાર સારુ રજિસ્ટર થવાની જરૂર જોઈ છે.
આ ઉદાસીનતાને કેવી રીતે ઘટાવશું ? જેમણે 2014 અને 2019માં ઉત્સાહથી મત આપ્યા એમના એક હિસ્સાએ 2024માં કેમ નિરુત્સાહ દાખવ્યો હશે, આ સવાલના જે બે વૈકલ્પિક જવાબ જડે છે તે મોદી ભા.જ.પ.ને કેન્દ્રમાં રાખીને આપણી સામે આવે છે. એક જવાબ એ છે કે જેમણે બદલાવ માટે લાગટ બે વાર મોદી ભા.જ.પ.ની સાથે રહેવાપણું જોયું – કંગના રણાવતના નિરીહ ઉત્સાહથી 2014ને સ્વાતંત્ર્ય સંવત તરીકે વધાવવાપણું જોયું – એમના પૈકી કેટલાક ટકાને હવે ત્રીજી વાર આ હઇસોજંબે અગર તો પરિવર્તન યજ્ઞમાં જોડાવાપણું અનુભવાતું નથી. બીજો જે જવાબ જડે છે તે એ કે લગભગ બધાં જ પ્રચારતંત્ર પરના એકાધિપત્ય વાટે મોદી ભા.જ.પે. જમાવેલી હવાને કારણે સ્વાભાવિક જ જેમને પરિણામ પૂર્વનિશ્ચિત જણાય છે એમને પોતાનો એક મત પડ્યો તો પણ શું અને ન પડ્યો તો પણ શું એવું થાય છે. તેઓ મોદી ભા.જ.પ. તરફે હોઈ શકે, પણ પરિણામ સારુ એ હદે આશ્વસ્ત હોય કે મતદાનની તસ્દી લેવાની જરૂર નયે જણાતી હોય.
આ બંને જવાબનાં પોતપોતાનાં લૉજિક છે, અને ચોક્કસ બેઠક પણ હોઈ શકે છે. પરંતુ નિર્ભ્રાન્તિવશ અગર આશ્વસ્તિવશ, એમ કોઈ પણ ભૂમિકાએ સુસ્ત રહેવાનું વલણ પથ્ય જણાતું નથી. કારણ, મોદી ભા.જ.પ.નાં સઘળાં બિનલોકશાહી વલણો સામે શીર્ષ સત્તાસ્થાનેથી મોટે અવાજે લેવાતી ઉચ્ચ ભૂમિકા આપણે ‘મધર ઑફ ડેમોક્રસી’ છીએ એ તરજ પર સતત સંભળાય છે. વિશ્વના માતૃલોકતંત્રમાં સત્તાપક્ષના મતદારનું કોઈ પણ છેડેથી ઉદાસીન હોવું એ ઇષ્ટ નથી તે નથી.
હવે પ્રશ્ન રહ્યો નવયુવા મતદારોનો. તેઓ શા સારુ વિધિવત્ મતદાર નોંધણીથી વિમુખ રહે છે ? વીર નર્મદે ફરિયાદ કરેલી કે આપણે ગુજરાતીઓ રાજકારણની વાતમાં લગારે મોં ઘાલતા નથી, એટલી એક સાદી જ વાત એની પૂંઠે ન હોઈ શકે. કારણ, તે પછી તો દેશસમસ્તે એક પ્રજા તરીકે જે રીતે વ્યાપક સહભાગિતાપૂર્વકનો સ્વાતંત્ર્યસંગ્રામ ખેડ્યો એ એક પ્રતિમાન રૂપ ઇતિહાસવિગત છે. આજકાલ ક્રાન્તિકારીઓને જરી વિશેષ રીતે આગળ કરવાની – અને એ માનપત્ર તો છે જ અને રહેશે – હિલચાલ વૈકલ્પિક વિમર્શરૂપે અને ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી જેને પ્રતિનિધિત કરે છે તે લોકચળવળના કંઈક અવમૂલ્યનરૂપે ચલાવાય છે તે ભલે ચાલતી, પણ સ્વરાજલડતની વ્યાપક સહભાગિતાએ લોકશાહી સારુ ભૂમિકા સરજી તે ઇતિહાસવસ્તુ હતી, છે અને રહેશે.
વ્યાપક સહભાગિતાના આ અભિગમપૂર્વક સ્તો રાજીવ ગાંધીએ તરુણ વય મતાધિકારની પ્રતિષ્ઠા અઢાર વરસના આગ્રહ સાથે કરે. 2019 સુધી તો માનો કે એવા અઢાર વરસના મતદારો આવ્યા જેમને સારુ આગલાં સિત્તેર વરસ કશું નહોતાં. હવે મોદી વરસોમાં જેઓ આઠમેથી અઢારમે પહોંચ્યા એમણે જે કંઈ જોયું, ખાસ તો ભેંકાર બેરોજગારી, એ પછી ‘કોઈ સાગર દિલ બહલાતા નહીં’ એવી મનઃસ્થિતિમાં હશે ? ન જાને. 4 જૂનના ચિત્ર પછી વધુ વિગતે વિચારવું રહેશે, એ સાચું, પણ અત્યારે ભલે પ્રાથમિક રૂપે ય જે સમજાય છે તે પ્રમાણે ચિંતાને સારુ કારણ જરૂર છે. એક નોંધપાત્ર પ્રજાવર્ગ, એમાં પણ ઉભરીને આવતા તરુણોનો નોંધપાત્ર હિસ્સો લોકશાહી પરંપરા અને પ્રક્રિયાઓથી પરહેજ કરવા ભણી વળે તો એ આપણા લોકતંત્રને કાં તો થોડાંક લોકોની બપૌતી એવી ક્રિપ્ટોક્રસીમાં ફેરવી નાખે કે પછી વાસ્તવિક લોકશાહીને લંગડાતી ને લકવાયેલી બનાવી મેલે. મોહનિદ્રા સારુ નહીં પણ પ્રેરણાની તાજગી વાસ્તે એક નવ્ય કથાનકની કદાચ તાકીદ છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024