૧૯૯૫-૯૭ના અરસામાં ‘જનસત્તા’ના દિવાળી અંકમાં અને ૨૦૦૩માં ‘ગુજરાત ટાઈમ્સ’માં પુન:પ્રકાશિત નવરાત્રિવિશેષ લેખ
(વર્ષ ૨૦૦૫માં ૧૦૮ કિલો વજનના આઠ કાર્ટન સાથે પહેલવહેલી વાર દિલ્હી આવવા નીકળી, ત્યારે સાસુમાએ જતનપૂર્વક સાચવી રાખેલાં ‘ગુજરાત ટાઈમ્સ’ના આશિષના લેખના પાનાં હરખાતાં હરખાતાં હાથમાં સોંપેલા. એક પછી એક દિલ્હીમાં ઘરો બદલાતા ગયા પાનાંના અક્ષરો ઝાંખા પડતાં ગયા. જર્જરિત દશામાં પડેલા આ અક્ષરો વિલુપ્ત થતાં પહેલા …)
— રીતિ શાહ
•••
ગરબા એટલે ઊર્જાની ઉપાસનાનો ઉત્સવ
ગુણવંત શાહ
એલ્વિન ટોફલર નામના મહાન વિચારકે ‘ધ ફિફ્થ વેવ’ નામના તેમના ક્રાન્તિદર્શી પુસ્તકમાં એક સુંદર વાત કરી છે. તેઓ કહે છે કે એસવીસમી સદી એટલે ઊર્જા (એનર્જી) અને પૂરજા(કોમ્પોનન્ટ્સ)નો સમન્વય. એક બેઠકે વાચીને ઊંચું (કે નીચું) મૂકી શકાય એવું આ પુસ્તક નથી. તેની શરૂઆતમાં એસ.ટી. કોલેરિજની બે પંક્તિઓ મૂકવામાં આવી છે :
A damsel with a dandiya
In a garba once I saw:
It was an Ahmedabadi maid,
And on her dandiya she play’d,
Singing of Mount Pawagarh.
અઢારમી સદીના અંગ્રેજ કવિને એકવીસમી સદીના અમદાવાદનું દર્શન લાધ્યું એ પણ કેવો યોગાનુયોગ!
એકવીસમી સદી હવે આવી પૂગી છે એ અંગે હવે લઘુ કે ગુરુ – કોઈ શંકા નથી. સામેના પ્રાંગણમાં ગરબા ઉત્સવ યોજાયો છે, વીસમી સદીમાં ફ્રોઈડે શરૂ કરેલી વૈચારિક ક્રાન્તિના પ્રવાહમાં યુવા પેઢી તરી રહી છે, ત્યારે આલ્ડસ હક્સલીએ ક્યાંક લખેલી વાત ટાંકવાનો લોભ કે લાભ રોકી શકતો નથી : આ સદી શક્તિની ઉપાસનાની સદી છે. આવી ઉપાસના આપણને વર્ષોથી સદી ગઈ છે.
મારી અને નવી પેઢીની વચ્ચેનું અંતર સામેના પ્રાંગણ આડેના રસ્તા સુધીનું જ છે તેનું ભાન થતાં હું રસ્તો ઓળંગીને ખટમધુરાં શમણાંના ઉપવનમાં લટાર મારું છું. રાસના મોટા વર્તુળની અંદર બીજું, નાનું વર્તુળ જોતાં મને અચાનક યાદ આવે છે – શુમાખરના ‘સ્મોલ ઈઝ બ્યુટિફુલ’ પુસ્તકને ધ્યાનમાં રાખીને ટોફલરે એક નવું સૂત્ર વહેતું મૂક્યું હતું : ‘Small-within-big is beautiful.’
(‘ઉત્સવનું અસ્તિત્વ’માંથી)
*
ગરબા, ગુજરાતી સાહિત્યની જેમ, નગ્નતાની જાહોજલાલી છે
ચંદ્રકાંત બક્ષી
સમય હતો જાન્યુઆરી 1960નો, અને મુંબઈમાં નાની પાલખીવાળાએ મને કહેલું કે આટલી ઉદ્યમી, ચતુર અને પરિષ્કૃત પ્રજાને ગરબા શોભતા નથી …
પિતૃભૂમિની સંસ્કૃતિના ખંડિયેરનો પરાજયબોધ છે આ … મરદાની ગુજરાતી પ્રજાનો આ સ્ત્રૈણ, નિર્વીર્ય ચહેરો છે.
આજે 70 વર્ષની ઉંમરે મારો વાંકો થઈ ગયેલો અંગુઠો કોમ્પ્યુટરના કીબોર્ડની શિફ્ટ કી પ્રેસ કરી શકતો નથી ત્યારે ચોથી સદીના રોમન સેનાની માર્કસ કોપિયસનું કદી ન રૂઝાતા ઝખમનું દર્દ સમજાય છે : નપુંસકલિંગની પૂજક પ્રજા પાસેથી કેટલી આશા રાખી શકાય?
ગરબા એ નૃત્ય નથી, શાસ્ત્રીય કલા નથી. ગઈ સદીની શ્રેષ્ઠ નર્તકીઓમાં સ્થાન પામતી રશિયાની બોરિસ પાસ્તરનાકાએ 1992માં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં ગરબા પ્રદર્શન જોઈને મને કહ્યું હતું, આ નૃત્ય નથી, ભારતીય સંસ્કૃતિનો લેફ્ટઓવર (વધ્યો-ઘટ્યો) કચરો છે …
જટાયુની પાંખના સળગતા વિપ્લવની ન બુઝાયેલી રાખ પર સર્જકતા ઊંગલી રંગાવે છે ત્યારે દેવહુમાની જેમ ઊભું થાય છે તે નૃત્ય છે. બાપના, પસીનાની બદબૂ વિનાના પૈસૈ તાગડધિન્ના કરવાનું ખ્વાબ જોતી બેશર્મ આંખોમાં બિભત્સતાનાં સાપોલિયાં નાચે ત્યારે સર્જાય એ ગરબા છે.
*
‘તારી બેની પરણ્યે ઘેર આવ્ય રે, મેંદી રંગ લાગ્યો’
મધુ રાય
મિ. ગગનવાલા અત્યારે મહામોહમયીનગરી લંડનમાં નિવાસે છે. સવારે દાતણ કરતી વખતે પ્રભાતિયાંને યાદ કરીને બી.બી.સી. ન્યૂઝ સાંભળે છે. પછી વતનની મિટ્ટીની મહેંક ને એવી બધી વાતોના વિચારે ચડી જાય છે.
વર્તમાનપત્રમાં એન્ટરટેનમેન પેજ પર કાતિલ હસિનાઓ અને જાંબાઝ જવામર્દોનાં દિલધડક કારનામાં વિશેનાં ચલચિત્રોનાં વિજ્ઞાપનો જોતાં ઓલોફેસડન એમની નજર પડે છે નવરાત્રિ મહોત્સવની જાહેરાત પર. લિપિ ગુજરાતીના બદલે રોમન, એટલે પહેલી વાર વાંચો ત્યારે નાવારાટ્રી વંચાય. ફરી એક વાર કાઠિયાવાડના રાસ જોવાના અરમાન આ પંક્તિઓ લખનાર નરાધમના મનમંદિરિયામાં ઉત્પાત કરે છે.
***
અમદાવાદમાં નવરાત્રિઓ ઉજવાતી. શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના પરિષ્કૃત વાતાવરણમાં શાળાનો પરિવાર રાસ રમી રહ્યો હતો. કર્ણરંજક અવાજમાં કિશોરીઓ ગાતી હતી :
તારી બેની પરણ્યે ઘેર આવ્ય રે,
મેંદી રંગ લાગ્યો—
બેની પરણ્યે તે ભલે પરણ્યે,
મેંદી રંગ લાગ્યો—
શાળાના આચાર્ય કપાસીએ અમને બાકીનો વાર્તાસાર કહી સંભળાવ્યો, “આ એક-ની અને બે-નીથી નહિ ચાલે, છેવટે પરણ્યો આવસે એટલે માની જસે.”
***
ઉપરવાળાની સ્કીમ ઓફ થિંગ્ઝમાં બધાને જુદાંજુદાં કર્તવ્યો સોંપાયાં છે. અમને ભાષાની સમૃદ્ધિ, વૈવિધ્ય, ભાષાનાં કુળ અને શબ્દોનાં મૂળ ને એવી બધી વાતો વિચારવાનું અને સંદર્ભગ્રંથોમાંથી યોગ્ય સામગ્રી ઉપાડી, વાણીવિલાસ ભભરાવી, વહાલસોયા વાચકોને બે ઘડી ગન્યાન સાથે ગમ્મત આપવાનું કામ સોંપાયું છે.
તો અમે ‘બેન’ શબ્દ પર અટકળ કરીએ છીએ. અપશબ્દોમાં વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોને બાદ કરતાં પણ ‘બહેન’, ‘બેન’ અને તળપદી પ્રાદેશિક બોલીમાં ‘બોન’ – એમ ત્રણ મુખ્ય ઉચ્ચારો વિદ્વાનોએ નોંધ્યા છે. આ ‘બોન’ શબ્દમાં અત્યંત ગ્રામ્ય પ્રકારની અભિવ્યક્તિ લાધે છે, પણ બંગાળી જેવી પરિષ્કૃત મનાતી ભાષામાં પણ એમ જ ઉચ્ચાર થાય છે. આમ દૂરની પણ ઈન્ડો-યુરોપિયન કુળની જ બીજી ભાષા, ફ્રાન્સિસીમાં પણ આ ઉચ્ચાર છે, જો કે તેનો અર્થ જરા જુદો છે.
એમ કેમ હશે? અમે વિસ્મયથી આતંકિત થઈ વાયવ્ય ક્ષિતિજે ઉદિત થતાં ચંદ્રને પૂછ્યું. ચંદ્ર કહે, “બોન કેસ્તિયોં!” (ગૂડ ક્વેશ્ચન)
*
ગરબાઝ ઈન ધ એજ ઓફ લટકાઝ
હસમુખ ગાંધી
આપણી પ્રજા મૂળથી (એટ રૂટ્સ) હડોહડ ઘોંઘાટપ્રિય છે. સવારે પાડોશીનું ટેણિયું ફુલ વોલ્યુમમાં ટી.વી. ચાલુ કરી દે છે. રસ્તા પર ટ્રાફિક જામમાં સો-કોલ્ડ શિક્ષિતવર્ગ એમની કોન્ટેસાઓ અને વનથાઉઝન્ડ્સોનાં હોર્ન વડે પેં પેં પેં પેં કરીને પાષાણયુગના માનવો જેવો મેસોકિસ્ટ આનંદ લે છે.
ગણેશ ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવમાં પેલા હરામખોરો ઉઘરાણાં ઉઘરાવે છે અને બદલામાં ગંદાં ફિલ્મી ગાયનો લાઉડસ્પીકર પર દસ દિવસ અને દસ રાત સુધી વગાડીને તમારા મગજના મજ્જાતંતુ, લિટરલી, તોડી નાખે છે.
એક સમયે શેરીમાં પાંચ મહિલાઓ એકઠી થઈને શક્તિના આરાધના (રિપિટ, આરાધના) કરતી હતી. પણ એ પછી તો સાબરમતીમાં ઘણાં નીર વહી ગયાં છે. હવે ક્લબો અને હોટેલોમાં ગરબા થાય છે. એમાં વૈકુંઠ નાનું ને વૈષ્ણવો ઝાઝા હોય છે.
એકવીસમી સદીનો આ કામોત્સવ છે. સંત વેલેન્ટાઈન, ઈરોસ, મન્મથ અને પ્રદ્યુમ્નની વાંહે વાંહે ક્યુપિડ હઉ આવી જાય છે, એનાં તીરકામઠાં લઈને. એડોલસેન્ટ કન્યાઓનાં પહેરણ જુઓ તો લાગે કે આમાં (ધેટ ઈઝ, ગરબામાં) અને કેબરેમાં ફરક શો. ધૂળની બોન રાખોડી એ આનું નામ.
ટ્રેડિશનલ ગરબાના નામે એ લોકો કાર્યક્રમની શરૂઆત કરે છે, પણ પછી ને લાઉડસ્પીકરમાં ‘લટકા દિખા દિયા હમને, ઝટકા દિખા દિયા તુમને, હો તુમ તુમ ટરાં’ (ટી.યુ.આર.આર.એ.) ગવાવા લાગે છે અને અબ્દુલ્લાની શાદીમાં બેગાના બનીને આવેલા બુદ્ધિ વગરનાં છોકરાં-છોકરીઓ હિન્દી ફિલ્મના એક્સ્ટ્રાની જેમ એમની દેહલતાને આમથી તેમ ઝુલાવે છે.
બીજે દિવસે ફરમાસુ આઈટમ તરીકે બદ્ધેબદ્ધાં છાપાંમાં આ મતલબના ફોટા હોય છે અને તાલીમી ઉપતંત્રી કેપ્શન લખે છે : “શેઠ ફલાણા ફલાણા (કે સો-એન્ડ-સો ટ્રસ્ટ) દ્વારા પ્રાયોજિત ગરબા મહોત્સવમાં યુવક-યુવતીઓ રાસની રંગત લઈ રહેલાં દૃષ્ટિગોચર (એમ જ) થાય છે.”
*
‘કિસન-હરકિસન’: ધારાવાહિક નવલકથાનો અંશ
હરકિસન મહેતા
(વહી ગયેલી વાર્તા : જેફ્રી આર્ચરની ‘ધ ફોર્થ એસ્ટેટ’માં બને છે એમ, કિસન સાવંત અને હરકિસન દિવાન મીડિયા બેરોન છે અને એકબીજાના કટ્ટર હરીફ બનવા જઈ રહ્યા છે. થોડાંક અખબારો ટેકઓવર કર્યા પછી હવે બન્નેની નજર ‘નવસારી ટાઈમ્સ’ પર છે. બન્નેએ 45-45 ટકા શેર હસ્તગત કર્યા છે અને બાકીના દસ ટકા શેર શેઠ ગોપાલદાસ દામાણી પાસે છે. બન્ને જણ આજે જ શેઠને એ શેર માટે મળી રહ્યા છે…)
પ્રકરણ 158મું
ગોપાલદાસ કિસનને બ્રેકફાસ્ટ માટે ટેબલ ભણી દોરી ગયા. શેઠે કિસનની ઓળખાણ તેમની પત્ની સાથે કરાવી. કિસને કહ્યું, “જેશીકૃષ્ણ, માસી.” તેમણે પણ સામે સત્કાર કર્યો.
અચાનક કિસનને બાંસુરીમય અવાજ સંભળાયો. ગૂડ મોર્નિંગ, ડેડી. શેઠે પરિચય આપ્યો, “આ મારી દીકરી, માનસી. હમણાં એમ.બી.એ. કરે છે. માનસી, આ છે, મિ. કિસન સાવંત, ‘ધંધુકા એક્સપ્રેસ’ પેપરના માલિક છે.”
કિસન અને માનસીની નજર મળી અને એક તારકમંડળ રચાયું. માનસીએ નજાકતભર્યા સ્વરે નેણ નચાવીને કહ્યું, “આજે સાંજ સુધી અહીં જ રોકાવાના હો તો અમારા ફ્રેન્ડ્ઝ સર્કલના ગરબામાં આવશો ને?”
કિસને સૂકા મેવાનું મંચિંગ કરતાં કહ્યું, “તમારું ઈન્વિટેશન હોય તો તો આવવું જ પડે ને!”
(વાર્તા આગળ ચાલુ)
‘માનસી સાવંત’: ધારાવાહિક નવલકથાનો અંશ
*
અશ્વિની ભટ્ટ
(વહી ગયેલી વાર્તા – ઉપર મુજબ)
પ્રકરણ 159મું
કિસનનું વૃત્તાન્ત
ઓહ…શું અનુપમ એ સાંજ હતી… માનસીએ સામ્પ્રત ફેશન મુજબનું, મરૂન કવરનું સ્કર્ટ પહેર્યું હતું અને ઉન્નત ઉરપ્રદેશને ઢાંકવા આછા આસમાની રંગનું બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું. તેના પોશાકમાં ભરતકામ કરીને ચાંદલા ટાંકવામાં આવ્યા હતા. તેની શ્યામલ ચામડી આ લિબાસમાં કંઈક અજબ ગૌર લાગતી હતી.
તેના ગરબામાં, તેના નર્તનમાં એક અનેરો લય હતો, તેના સ્ટેપ્સમાં બ્રહ્માંડની અવિરત ઊર્જા હતી. હું માનવસહજ એષણા, અભિલાષા અને આકાંક્ષા અનુભવી રહ્યો હતો … એક જિન્સી આવેગ હતો આ માહોલમાં … કોઈ અંતસ્થ ઊંડાણમાંથી આશાઓ પ્રગટતી હતી …
“કિસન! ઓહ! તું આવી ગયો છે? કમ ઓન જોઈન અસ,” કહીને તેણે સ્મિત આપ્યું.
“માનસી …” તદ્દન આશ્ચર્યમૂઢ થઈને હું બોલ્યો. મારામાં એક અકલ્પિત રોમાન્સના આવિર્ભાવની એ ક્ષણ હતી …
અચાનક એ ક્ષણે એક સાથે ત્રણ ઘટનાઓ બની. બત્તીઓ બુઝાઈ ગઈ. હરકિસનના માણસ મૂંજા જેઠાએ મને ચોપ કિક મારી અને હું બેભાન થઈ ગયો.
બીજે દિવસે હું ભાનમાં આવ્યો ત્યારે મારા મસ્તિષ્કમાં સતત એક જ વિચાર અફળાયા કરતો હતો. માનસી … માનસી દામાણી … યસ તેનું નામ કેવું ઓડ લાગે છે. તેનું નામ માનસી સાવંત થવું જોઈએ, માનસી કિસન સાવંત.
(ક્રમશ:)
*
ગૂડ મોર્નિંગ : ગરબા જર્નલિઝમ વિશે એક રિવ્યૂ
સૌરભ શાહ
આજે શનિવાર નથી, માટે જે કાંઈ કહેવાનું હોય તે વિસ્તારથી જ કહેવાનું હોય તે તો સુજ્ઞ વાચક જાણે જ છે. ‘લાફ્ટરનૂન’ના નવરાત્રિ વિશેષાંક (એકવીસમી સદીમાં ગરબા) સાથે ગુજરાતી જર્નલિઝમમાં એક નવું ચેપ્ટર શરૂ થયું છે. ‘કિડ-ડે’ના રમેશ ઓઝાઓ અને અન્ય સ્યુડોસેક્યુલારિસ્ટો આ ઓપર્ચ્યુનિટી મિસ કરી ગયા. ખેર, આ વિશેષાંકની વાત કરીએ.
નવરાત્રિ વિશેષાંકની વાચનસામગ્રીમાં ગરબા જર્નલિઝમના ઊંચાં સ્ટેન્ટર્ડ દેખાય છે. કાન્તિ ભટ્ટે લંડનના ગરબા વિશે એક પીસ લખ્યો છે. હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની સહિયારી નોવેલનું સ્કૂપ છે. ગુણવંત શાહના અપ્રકાશિત પુસ્તકમાંથી રિલેવન્ટ એક્સર્પ્ટ અપાયા છે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ અમુક (બની બેઠેલા) વડીલો તો હોય જ, તે હિસાબે ચંદ્રકાંત બક્ષી પણ છે. જમણના અંતે મુખવાસની જેમ વિશેષાંકોમાં હ્યુમરસ પીસનો રિવાજ છે એ અશોક દવેએ નિભાવ્યો છે.
યોર્સ ટ્રુલીનો ગરબા જર્નલિઝમ અંગેનો એક ઈન્ફર્મેટિવ રાઈટઅપ છે, જે ન્યૂ યોર્કથી પ્રસિદ્ધ થતા એક ગુજરાતી અખબારે બેઠેબેઠો ઊઠાવ્યો છે. અનપબ્લિશ્ડ પીસની એમણે કેવી રીતે કોપી મારી હશે એ વિશે વાચકોને ફોડ પાડીને સમજાવવાનું ન હોય. વાચકો (ધેટ ઈઝ, સુજ્ઞ વાચકો) બધું જ સમજતા હોય છે, ટૂંકમાં કહીએ તો.
(‘ધ સૌરભ શાહ કોલમ : અ કલેક્શન’માંથી)
*
“દાદુ, તમને ગરબામાં જોયા’તા”
અશોક દવે
અમદાવાદમાં ચાર મોસમ હોય છે. ત્રણ તમને ખબર છે તે અને ચોથી નવરાત્રિની. આમાં બધી ઉંમરના લોકોનો રંગ બદલાઈ જાય. જો કે, અમારા પરવીણભ’ઈ ગરબા જોવા જવામાં માનતા નથી. એમ તો એ અન્નકૂટનાં દર્શન કરવા પણ નથી જતા … (બાય ધ વે, આ જોક આદમે ઈવને કહી હતી એવું નથી. બન્નેએ સાથે જ વાંચેલી … આ કોલમમાં …) પણ ગઈ કાલે હું અને પરવીણભ’ઈ ગરબા જોવા ગયેલા, કારણ પેલું કહે છે ને કે જીવ્યા કરતાં જોયું ભલું …
રાતે રસ્તા પર જવાની છલકાતી હતી, ઢોળાતી હતી, ગરબાનું ગાંડપણ રેલાતું હતું, પરવીણભઈ ગમે તે (એટલે ગમે તે નહિ, પણ ગમ્મે તે) ટ્વેન્ટીપ્લસ સાથે નજરના એક્સિડન્ટ કરવાના મૂડમાં હતા. મારી ચોઈસ પહેલેથી સાવ સાદી રહી છે, હું માત્ર સાડાચાર અને સવાનવની જ ફિરાકમાં હતો.
અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં પાસ માટે લાંબી લાઈન હતી અને પાસ મળતા નહોતા. ત્રણે ત્રેખડ થાય તો બેએ શું થાય? બેખડ? એનીવે, મેં ગેટકીપરને બાજુ પર બોલાવીને કહ્યું કે હું અશોક દવે છું. તો એણે કહ્યું, “એમાં શું થઈ ગયું?” મેં કહ્યું, “દાદુ, બે દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ જે કહેલું કે હું અદનો આદમી છું, તે અ.દ.નું ફુલ ફોર્મ ખબર છે?”
બે મિનિટ રહીને અમે અંદર પહોંચ્યા …
(‘બપોરિયાં’માંથી)
*
લંડનમાં ગરબા મહોત્સવ : એક અહેવાલ
કાન્તિ ભટ્ટ
લંડનના સાક્ષરધામ મંદિરમાં હમણાં નવરાત્રિની સાથે ગરબા મહોત્સવ યોજાઈ ગયો. ન્યૂ યોર્કમાં ચરોતરના પટેલો આવો ઉત્સવ દર વર્ષે કરે છે, તેમાં હાજરી આપીને હું લંડન આવ્યો ત્યારે સ્વામી આજીવનદાસજીએ મને માહિતી આપી કે આમાં 15,000 પાઉન્ડનું ખર્ચ થયું. મેં એમને પૂછ્યું કે તમે ફાયનાન્સ ક્યાંથી મેળવ્યું, તો કહે મૂકેશભાઈ અને અનિલભાઈ અંબાણી જેવા ભક્તો હોય ત્યાં સુધી ફિકર કરવાની જરૂર નથી.
ચોરાણુંમાં જામનગરમાં રિલાયન્સના નવા પ્લાન્ટની ભૂમિપૂજન વિધિ વખતે હું ધીરુભાઈને મળ્યો ત્યારે એમણે કહેલું કે તેમને દાળઢોકળી બહુ ભાવે છે. (જો કે ટીના મુનિમે મને કહ્યું હતું કે તેને દાળઢોકળી નહિ પણ પિઝા વધારે ભાવે છે.)
લંડનના ‘ધ ટાઈમ્સ’ અખબારે આ ગરબા મહોત્સવને સારું કવરેજ આપ્યું છે. બીજા પાને ગરબા રમતાં ટીના મુનિમ અને પ્રિન્સેસ ડાયનાના ફોટા છે. આ ટાઈમ્સ આપણા એન.આર.આઈ. હિન્દુજા ભાઈઓના હાથમાં છે. આપણા ભારતના ટાઈમ્સવાળા સમીર જૈન 51 ટકા કોલેબોરેશનનું વિચારે છે. (સમીર જૈનને ઢોકળા બહુ ભાવે છે.)
મેં આજીવાનદાસજીને ટાઈમ્સના કવરેજ અંગે પૂછ્યું ત્યારે તેમણે રેટ કહ્યો. ત્રણ કોલમ એટલે ત્રણ હજાર પાઉન્ડ. વત્તા પ્રસાદ તો ખરો જ. “આ લોકોને આપણો મગસ બહુ ભાવે.”
(‘સૌજન્યથી’માંથી)
*
ગરબા : એક સાંસ્કૃતિક સંકેતતત્ત્વ તરીકે
ડો. સુમન શાહ
અનુઆધુનિકવાદની પરંપરામાં ઉન્નતભ્રૂ સંસ્કૃતિ અને લોકપ્રિય સંસ્કૃતિ વચ્ચેની ભેદરેખા પાતળી થતી જાય છે. બાર્થ અને ઈકો જેવા સંરચનાવાદી વિવેચકોએ ફેશન, ફૂડ, કોમિક્સ, જેમ્સ બોન્ડની ફિલ્મો ઈત્યાદિ તથાકથિત પોપ કલ્ચરનાં ઘટકોનો વિઘટનવાદી અભ્યાસ હાથ ધર્યો છે, તેવું સ્થાનિક સ્તરે ગરબા માટે શક્ય છે?
ગરબાને સાંસ્કૃતિક સંકેત (સાઈન) તરીકે સ્વીકારતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આમાં સંકેતક (સિગ્નિફાયર) કોણ અને સાંકેતિક (સિગ્નિફાઈડ) કોણ. આમાં સંકેતક તરીકે ગરબાના શબ્દોની ટેક્સ્ટ છે અને સાંકેતિક તરીકે કુમારિકાની અવ્યક્ત ભાવનાઓ છે.
પરંતુ, ગરબો ઢોલી અથવા ગાયક દ્વારા ગવાતો હોવાથી કુમારિકાને પ્રોક્તિ (ડિસ્કોર્સ) ઉપલબ્ધ નથી અને તે રીતે સમાજનો પુરુષપ્રધાન ઢાંચો (પેટ્રિયાર્કી) અકબંધ જળવાઈ રહે છે.
એકવીસમી સદીની શરૂઆતમાં જે ગરબા દેખાઈ રહ્યા છે તેમાં અનુઆધુનિકતાનો દ્વંદ્વ સ્પષ્ટ છે. એક તરફ અત્યંત સ્થાનિક ઓળખ (લોકલ આઈડેન્ટિટી) છે, જે ગરબાની પ્રક્રિયા, પહેરણ, ઈત્યાદિમાં વ્યક્ત થાય છે, જ્યારે બીજી તરફ વૈશ્વીકરણના પ્રવાહો છે, જે પાશ્ચાત્ય સંગીત, આયોજનના વ્યાપારીકરણ ઈત્યાદિમાં વ્યક્ત થાય છે.
*
ટૂંકી સંદર્ભસૂચિ :
દેવી, ગણેશ : ‘ડિકન્સ્ટ્રક્ટિંગ ગરબા : બિફોર ઈન્સોમ્નિયા’
નાન્દિ, આશિષ : ‘ગરબા એઝ ડિલોકોલોનાઈઝિંગ ધ સાયકી’
(‘મડિયાથી મીડિયા સુધી : આધુનિકતાનાં પરિમાણો અને અનુઆધુનિકતાનાં પરિણામો’માંથી)
સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર