પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અથવા પી.એફ.આઈ. એક આતંકી સંગઠન છે તેવા મત સાથે, તેના પર પ્રતિબંધ લગાવવાનો મુદ્દો દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે છેક 2010થી ચર્ચાનો વિષય બન્યો હતો. 2010માં, કેરળના એક પ્રોફેસર ટી.જે. જોસેફનો હાથ કાપી નાખવાની ઘટનામાં પી.એફ.આઈ.નું નામ ચર્ચામાં આવ્યું હતું. અર્નાકુલમ જિલ્લાના મુવ્ત્તુપુઝાની નિર્મલા કોલેજમાં મલાયલમ ભાષા ભણાવતા આ પ્રોફેસરે બીજા વર્ષની બી.કોમ.ના વિધાર્થીઓ માટે પરીક્ષાપત્રમાં એક પાત્ર અને ઈશ્વર વચ્ચે સંવાદને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. એ પાત્ર એક ફિલ્મમાંથી લેવાયું હતું, જેનું નામ નસીરુદ્દીન હતું. તે સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે અને જાત સાથે બડબડ કરે છે. પ્રોફેસર જોસેફે પ્રશ્નપત્રમાં તેનું નામ કુંજુ મહોમ્મદ કરી નાખ્યું હતું. સંવાદ એ રીતનો હતો કે કોઈને તે ઈશ્વર અને મહોમ્મદ પયગંબર વચ્ચેની વાતચીત લાગે.
‘મધ્યમમ’ નામના એક સ્થાનિક અખબારમાં આ પ્રશ્નપત્રના સમાચાર છપાયા પછી વિવાદ શરૂ થયો હતો અને કેરળના મુસ્લિમોમાં એવો ભાવ ઘર કરી ગયો કે પ્રોફેસરે પયગંબરની મજાક ઉડાવી છે. અનેક મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. એમાં પી.એફ.આઈ.ની વિધાર્થી પાંખ, કેમ્પસ ફ્રન્ટે પ્રોફેસર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. કેરળનાં અન્ય રાજકીય સંગઠનોએ પણ પ્રોફેસરની હરકતની નિંદા કરી હતી. જિલ્લા કલેકટરે સર્વ પક્ષીય બેઠકમાં પ્રોફેસર સામે પગલાં ભરવાનું પણ નક્કી કર્યું હતું.
એમાં, 4થી જુલાઈ 2010ના રોજ આઠ લોકોએ પ્રોફેસરને તેમના ઘર નજીક ઘેરી લીધા હતા અને તેમની પર તલવારો અને ચાકુઓથી હુમલો કર્યો હતો. તેમાં તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો અને સાથળમાં ઘા વાગ્યા હતા. પ્રોફેસરને સારવાર માટે કોચી લઇ જવાયા હતા, જ્યાં 16 કલાકના ઓપરેશન બાદ તેમનો હાથ જોડવામાં આવ્યો હતો. પોલીસે એ જ દિવસે પી.એફ.આઈ.ના બે કાર્યકરોની ધરપકડ કરી હતી. એ પછી પી.એફ.આઈ. એજન્સીઓની નજરમાં આવી ગયું હતું. એમાં ઘણા દરોડા પડ્યા હતા અને અન્ય કાર્યકરોની પણ ધરપકડ થઇ હતી. દરોડામાં પી.એફ.આઈ.ના આંતરરાષ્ટ્રીય સંગઠનો અને મુસ્લિમ દેશો સાથેના સંબંધો ઉજાગર થયા હતા.
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રચના 2006માં પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન સીમીમાંથી ઊભા થયેલા કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને સુન્ની સંગઠન નેશલન ડેવલપમેન્ટ ફ્રન્ટના જોડાણમાંથી થઇ હતી. પી.એફ.આઈ. પોતાને ‘નવી-સામાજિક’ ચળવળ ગણાવે છે, જેનો ઉદેશ્ય લઘુમતી વર્ગને ન્યાય, સ્વતંત્રતા અને સલામતીનો છે. તેણે મુસ્લિમો માટે આરક્ષણની માંગણી કરી છે. તેણે યુ.એ.પી.એ. (અનલોફૂલ એક્ટીવિટી પ્રિવેન્શન એક્ટ) હેઠળ નિર્દોષ નાગરિકોની ધરપકડોનો પણ વિરોધ કર્યો હતો. વિડંબના એ છે કે પી.એફ.આઈ. એ જ કાનૂન હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત થયું છે.
સુરક્ષા એજન્સીઓ કહેતી આવી છે કે પી.એફ.આઈ. રાષ્ટ્ર-વિરોધી અને સમાજ-વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. 2012માં, કેરળ સરકારે દાવો કર્યો હતો કે આ સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનના બગલ બચ્ચા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા(સીમી)નું જ નવું સ્વરૂપ છે. પી.એફ.આઈ. કેરળ અને કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરરો સાથે પણ અથડામણોમાં સંડોવાયેલુ છે. તેના કાર્યકરો ઘાતક હથિયારો, બોમ્બ, ગનપાવડર અને તલવારો સાથે પકડાયા છે. તેનો સંબંધ તાલિબાન અને અલ-કાયદા સાથે હોવાના પણ આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પી.એફ.આઈ.ના 50 હાજરથી વધુ નિયમિત સભ્યો છે અને માત્ર કેરળમાં જ તેના સમર્થકો દોઢ લાખથી વધુ છે. સંગઠનમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો થઇ રહ્યો હતો. તેની કેડર લોકોને કટ્ટરપંથી બનાવવા માટે કામ કરતી હતી. એવું કહેવાય છે કે 22 રાજ્યોમાં સંગઠનની પહોંચ હતી.
અમિત શાહ ગૃહ મંત્રી બન્યા ત્યારથી પી.એફ.આઈ. પર તલવાર લટકતી હતી, એટલે તેના નેતાઓને એજન્સીઓના દરોડા અને પ્રતિબંધની નવાઈ લાગવી ન જોઈએ. 22મી સપ્ટેમ્બરે, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને અન્ય તપાસકર્તા એજન્સીઓએ અડધી રાતે આખા દેશમાં પી.એફ.આઈ.નાં ઠેકાણાંઓ પર દરોડાઓ હાથ ધર્યા અને 100 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી. દેશવ્યાપી દરોડાનો બીજો સિલસિલો 27મીએ થયો. 15 રાજ્યોમાં પી.એફ.આઈ.નાં 99 ઠેકાણાઓ પર દરોડામાં કુલ મળીને 247 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. બુધવારે વહેલી સવારે (5.30 કલાકે) ગૃહમંત્રાલયે યુ.એ.પી.એ. હેઠળ આતંકી ફંડિંગ અને હવાલા સંબંધી અપરાધ હેઠળ પી.એફ.આઈ.ને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કર્યું.
તેની સાથે પી.એફ.આઈ. ‘સંલગ્ન’ આઠ અન્ય સંગઠનોને પણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યાં; રેહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રેહેબ ફાઉન્ડેશન-કેરળ. આ પ્રતિબંધની માંગણી ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતે કરી હતી (ગુજરાતમાંથી 15 ‘પી.એફ.આઈ. સમર્થકો’ની ધરપકડ કરવામાં આવી છે).
સરકારના પ્રતિબંધ પછી હવે પી.એફ.આઈ. વિરોધ પ્રદર્શનો, સંમેલનો, કોન્ફરન્સ, ડોનેશન ગતિવિધિ કે કોઈ પ્રકાશનમાં ભાગ લઇ નહીં શકે. તે સંગઠનની કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદે ગણવામાં આવશે. કોઈ વ્યક્તિ તેની સાથે સંલગ્ન છે એવી ખબર પડે તો તેની સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરી શકશે. તે ઉપરાંત, સંગઠન સાથે જોડાયેલા લોકો પર વિદેશ યાત્રા-બંધી લાગશે, તેમનાં બેંક ખાતાં અને સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.
દરોડાથી લઈને પ્રતિબંધ સુધીની પૂરી કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર તેમ જ એન્ફોર્સમેન્ટ વિભાગના વડાઓએ પાર પાડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂવ વડા શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા રવાના થાય તે પહેલાં પી.એફ.આઈ. પર પ્રતિબંધનો નિર્ણય તેમની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ઇન ફેક્ટ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સામાન્ય રીતે વડા પ્રધાનની વિદેશ યાત્રાઓમાં સામેલ હોય છે, પરંતુ આ કિસ્સામાં ડોભાલને પી.એફ.આઈ. સામેની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. 27મીની રાતે 2 વાગે મોદી દિલ્હી પાછા આવ્યા, અને વહેલી સવારે 6 વાગે સંગઠન પર પ્રતિબંધનું જાહેરનામું જારી થઇ ગયું.
આ સંગઠન 15 વર્ષથી સક્રિય હતું પણ તેની સામેની કાર્યવાહીમાં કોઈ ઉતાવળ કરવામાં આવી ન હતી. હકીકતમાં, એજન્સીઓ પી.એફ.આઈ. સંબંધી માહિતીઓ અને પુરાવો ઘણા સમયથી એકઠી કરતી હતી. પૂરા દેશમાં રાતના અંધારામાં એક સાથે દરોડા પાડીને પી.એફ.આઈ.ને ‘ઊંઘતું ઝડપી’ લેવામાં આવ્યું તે એજન્સીઓનું કાબિલેદાદા કામ કહેવાય, પરંતુ દરોડામાં (આતંકી ફંડિંગના સૌથી મજબૂત પુરાવા) પૈસા કે હથિયારો નથી મળ્યાં તે બતાવે છે કે સંગઠન સાવ જ ઊંઘતું નહોતું.
અપેક્ષા પ્રમાણે જ, પી.એફ.આઈ. સામેની કાર્યવાહીને સ્વાભાવિક રીતે જ ભા.જ.પ. શાસિત રાજ્યોએ આવકાર આપ્યો છે, પણ વિપક્ષોએ બીજા મુદ્દા પણ ઉઠાવ્યા છે. કાઁગ્રેસના નેતા રશીદ અલીએ કાર્યવાહીના સમયને લઈને પ્રશ્ન કર્યો છે. તેમણે પૂછ્યું છે કે પી.એફ.આઈ. જો આતંકી સંગઠન હતું, તો સરકાર પાંચ વર્ષથી શું કરતી હતી? તેમના મતે આ કાર્યવાહી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સમાજવાદી નેતા અમીક જમાઈએ કહ્યું છે સરકારે તેની આર્થિક નિષ્ફળતાને ઢાંકવા આ કાર્યવાહી કરી છે.
કાઁગ્રેસના રણદીપ સુર્જેવાલાએ કાર્યવાહીને આવકાર આપતા કહ્યું છે કે હવે આર.એસ.એસ. સામે ક્યારે પગલાં ભરાશે? આર.જે.ડી.ના લાલુ પ્રસાદ યાદવે પણ પી.એફ.આઈ.ની જેમ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ. ડાબેરી સી.પી.એમ. પક્ષે કહ્યું છે પી.એફ.આઈ. અને આર.એસ.એસ. બંને કેરળ અને કર્ણાટકમાં હુમલાઓ કરીને ધ્રુવીકરણ કરે છે. એ.આઈ.એમ.આઈ.એમ.ના અસદુદ્દીન ઓવેસીએ કહ્યું છે કે તેઓ પી.એફ.આઈ.ની રીત-રસમ સાથે સંમત નથી, પણ આ રીતે પ્રતિબંધ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ મુસ્લિમ હવે સરકાર સામે મોઢું ખોલશે તેને પી.એફ.આઈ.નું ચોપાનિયું પકડાવી દઈને અંદર કરી દેવામાં આવશે.
અલબત્ત, પી.એફ.આઈ. સામેની કાર્યવાહીને ભારતીય જનતા પાર્ટી કર્ણાટક અને કેરળમાં આતંકવાદ સામેના નિર્ણાયક યુદ્ધ તરીકે પેશ કરીને મતો મેળવવા માટે ચોક્કસ કવાયત કરશે, કારણ કે તેને ખબર છે કે કોઈ પક્ષમાં આ કાર્યવાહી સામે બોલવાની રાજકીય હિમ્મત નથી, પણ એક વાત છે. પ્રતિબંધિત સંગઠનો એમ મરતાં નથી. એ નવા નામકરણ સાથે પુનઃ:જીવિત થાય છે. ઉલ્લેખનીય છે કે, સરકારે પ્રતિબંધ ઘોષિત કર્યો તેના કલાકોની અંદર પી.એફ.આઈ.ના રાજ્ય મહામંત્રી અબ્દુલ સત્તારે જાહેરાત કરી છે કે, “પી.એફ.આઈ.ના સભ્યો અને જાહેર જનતાને જણાવાનું કે પી.એફ.આઈ.નું વિસર્જન કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામું બહાર પાડયું છે. કાનૂનના પાબંદ નાગરિકો તરીકે અમારું સંગઠન આ નિર્ણયનો સ્વીકાર કરે છે.”
લાસ્ટ લાઈન :
“બંદૂકોથી તમે આતંકવાદીઓને મારી શકો, શિક્ષણથી તમે આતંકવાદને મારી કરી શકો.”
—મલાલા યોસફ્ઝાઈ
નોબેલ શાંતિ પુરષ્કાર વિજેતા પાકિસ્તાની કાર્યકર.
(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ–ડે”; 02 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર