અમે ગુજરાતીઓ છીએ. ગુજરાતની કરોડોમાં ગણાતી ને ખેલતી પ્રજા છીએ. વડાપ્રધાનો અને કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતે આપ્યા છે, પણ પ્રજા તરીકે અમે ગુજ્જુઓ સ્વમાન વગરનાં નકલખોર ને નફાખોર લોકો છીએ. અમને કોઈ પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ શકે છે. અમે કોઈને પણ ઉલ્લુ બનાવી શકીએ છીએ એવા વહેમમાં ઉલ્લુ બનનારી પ્રજા છીએ. અમે, અમારે માટે નથી, અમે જાણે બીજાના ઉપયોગ માટે છીએ. અમે મત આપનારા જંતુઓ છીએ. અમે મતદાતાઓ, વિધાનસભામાં સરકાર બેસાડીએ છીએ અને પછી બેસી પડીએ છીએ. પછી નથી તો અમે સરકારની ચિંતા કરતા કે નથી સરકાર અમારી ચિંતા કરતી. નવી ચૂંટણી સુધી ભાગ્યે જ કોઈ એકબીજાનું સાંભળે છે. અમે જીતાડીને હારનારી પ્રજા છીએ. અમે બહુ ધાર્મિક નથી, પણ કોઈ પક્ષ ધાર્મિક બનાવવા ઈચ્છે તો અમે ધાર્મિક થઇ જઈએ છીએ. અમને કોઈ વિધર્મી વિરુદ્ધ ઉશ્કેરે છે, તો લાંબુ વિચાર્યા વગર તેમાં પણ ઝંપલાવી દઈએ છીએ. અમે રોબોટ્સ જેવાં છીએ. અમને ફીડ કરવામાં આવે છે. અમે યંત્રો છીએ. અમારા જેવું અમને કૈં નથી. અમને બધું જ બીજાના જેવું છે. બીજાઓ માટે જ છીએ અમે. કોઈ દાળભાત ખાઉ ન કહે એટલે પિઝા, પાસ્તા કે ચાઈનીઝ, પંજાબી કે ઇટાલિયન, મેક્સિકન ડિશિઝથી રાજી રહીએ છીએ. અમને ગુજરાતીની નાનમ લાગે છે એટલે અંગ્રેજી મીડિયમની મેથી મારીને કેનેડા કે યુ.એસ. ભાગીને ત્યાં જ ઠરીઠામ થવાની દાનત રાખીએ છીએ. આમ તો અમને અહીં સંઘરવા કોઈ રાજી નથી, પણ અહીંનું કોઈ વિદેશમાં મંત્રી કે પ્રમુખ થાય છે તો તેને ભારતીય મૂળની વ્યક્તિ કહીને તેની આરતી ઉતારીએ છીએ, ભલે પછી એ વ્યક્તિએ ભારતનું નાહી નાખ્યું હોય !
રાજકારણીઓ અમને ગમે ત્યારે ઊઠાં ભણાવી શકે છે. એમાં ભા.જ.પ. હોય કે કાઁગ્રેસ કે આપ, ફરક પડતો નથી. જો ચૂંટણી નજીક હોય તો બધાં જ ભૂરાયાં થાય છે. દુનિયા જાણે છે કે ભા.જ.પ.નાં શાસન પહેલાં ‘વિધર્મી’ શબ્દ આજના જેટલો પ્રચારમાં ન હતો. કૉંગ્રેસી શાસનમાં જે અર્થમાં ‘લઘુમતી’ શબ્દ પ્રચારમાં હતો, એથી વધુ ઘેરાશ કોમ સંદર્ભે ‘વિધર્મી’એ પકડી છે. ‘હિન્દુત્વ’નો અર્થ પણ વધુ ઝનૂન પકડતો જાય છે. હાલમાં ગુજરાતની ચૂંટણી માથા પર છે, ત્યારે ‘હિન્દુત્વ’ના કાર્ડ પર એકથી વધુ વખત ભા.જ.પે. ગુજરાત ચૂંટણીમાં જીત મેળવી છે ને ભારે બહુમતીથી સરકાર બનાવી છે. અત્યારે પણ ધાર્મિક વાયરાઓ વાય તો છે જ ને હિન્દુત્વનાં કાર્ડ, પર પણ ખેલ ચાલે એમ છે, એટલે ભા.જ.પ.ના મંત્રીઓ પૂજન અર્ચન, આરતી દ્વારા મતદાતાઓને આકર્ષવાનો રાબેતા મુજબ પ્રયત્ન કરે છે. એનું જોઈને કૉંગ્રેસ પણ ફાંફાં મારી લે છે. આમ તો હિંદુઓ પ્રતિ કૉંગ્રેસને કદી પણ સોફ્ટ કોર્નર રહ્યો નથી. તે તો લઘુમતીના મત પર જ રાજનીતિ કરતી આવી છે. કૉંગ્રેસનો છેલ્લી બે ચૂંટણીમાં પૂરતો સફાયો થઇ ચૂક્યો છે. આજ સુધી પરિવારની વ્યક્તિ સિવાય કોઈ કૉંગ્રેસ પ્રમુખ થઇ શકતું ન હતું. એ સ્થિતિ છેક હમણાં બદલાઈ છે અને ખડગે કૉંગ્રેસના પ્રમુખ થયા છે. કૉંગ્રેસની પોતાની સ્થિતિ દયાજનક છે ત્યારે ખડગે ભા.જ.પ.ની વિપક્ષ મુક્ત ભારતની નીતિ ને પડકારે છે. તેઓ વિપક્ષ મુક્ત ભારત નહીં થવા દેવાય – એવું કહે તો છે, પણ તે કેવી રીતે શક્ય છે એ કહી શકતા નથી. આમ છતાં રાહુલ ગાંધી ભારત ભ્રમણ કરીને કૉંગ્રેસને બેઠી કરવાના શક્ય તેટલા પ્રયત્નો કરે છે. પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન હિંદુત્વના પાઠ પણ ભણી-ભણાવી લે છે. એ પણ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં સંકોચ અનુભવતા નથી. એમ કરવાથી ગુજરાતીઓના મત મળતા હોય તો એમને કોઈ વાંધો નથી. આ બધું પોતે માને છે એટલે કરે છે એવું નથી, પણ આ બધું કરવાથી મત મળે એમ છે, એટલે કરે છે. ભા.જ.પ.ના પ્રચારકોને તો હિન્દુત્વ ચૂંટણી જીતાડી ચૂક્યું છે એટલે એ તો તેનો મહિમા કરે એમાં નવાઈ નથી, પણ વિધર્મીઓને ટપારવાથી હિંદુ મતો વધે એમ હોય તો તેવું કરવાનો પણ કોઈ સંકોચ ન હોય એ સ્પષ્ટ છે. વાત એટલી જ નથી, કયો કૉંગ્રેસી પૂર્વનેતા ભા.જ.પ.ની નીતિરીતિને માફક આવે એમ છે, તો તે વીણી લઈને બાકીના વિષે ટીકા કરીને કે તેમને વિષે મૌન પાળીને પણ પોતાનું કામ કાઢી-કઢાવી લેવાય છે. લગભગ બધા જ રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી સુધી અનેક રીતે પક્ષની પુન: પુન: સ્થાપના કરતા રહે છે ને ચૂંટણી આવે ત્યારે જીતવાના કારસા કરતા રહે છે. રાજ્કારણમાં બે જ નીતિ અત્યારે સક્રિય છે. સત્તાધારી પક્ષ સત્તા ન છૂટે તેની પેરવીમાં રહે છે ને વિપક્ષો સત્તા હાંસલ કરવાની ગણતરીમાં મચ્યા રહે છે. એમાં નહેરુને નીચા દેખાડવાથી કે સરદારને ગાંધીથી ઊંચા બતાવવાથી કામ નીકળી જતું હોય તો તેમ કરવાનું પણ સૌને સહજ છે. એમાં બધી વખતે એમ માની લેવાયું છે કે અમને ગુજરાતીઓને તો કોઈ અક્કલ જ નથી. જો કે અમે એટલા મૂર્ખ તો છીએ જ કે ફાલતુ વાતો પક્ષો કરે તો પણ મત તો તેને જ આપીએ છીએ. એ મતોથી પક્ષો જીતે પણ છે એટલે એ માની લે છે કે જે તે જીત મતદાતાઓને ઉલ્લુ બનાવવાનું જ પરિણામ છે.
એનું તાજું ઉદાહરણ આપ પાર્ટીના સર્વેસર્વાં અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પૂરું પાડ્યું છે. આમ તો એ બધું ફ્રીમાં આપવામાં માને છે. એટલે એ ‘ફ્રી’ મંત્રી પણ કહેવાય છે. દિલ્હીમાં એમણે ફ્રીનો પ્રયોગ કર્યો છે ને એ પત્તું ગુજરાતમાં પણ એમણે ઊતર્યું છે. એનું જોઈને રાહુલ ગાંધીએ પણ વગર દિવાળીએ બોણી વહેંચવાની વાત પણ કરી છે, પણ એટલાથી કોઈને સંતોષ નથી. એમને જ એમ લાગે છે કે અમે ગુજરાતીઓ એટલાથી પૂરેપૂરા મૂરખ બનીએ એમ નથી, એટલે એમણે વધુ લાલચ આપવા ધારી છે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ સોફ્ટ હિંદુત્વને સ્વીકારતા હતા, પછી જોયું કે અહીં ગુજરાતીઓને તો પૂર્ણ હિન્દુત્વનો કાર્ડ ખેલીને શીશામાં ઉતારી શકાય એમ છે એટલે એમણે ઇન્ડોનેશિયાના મુસ્લિમ રાષ્ટ્રનો દાખલો આપીને એમ ભણાવ્યું કે ત્યાં તો હિંદુઓ બે ટકા જ છે છતાં, ત્યાંની ચલણી નોટો પર ગણેશની મૂર્તિ છે. જો ત્યાં ગણેશ ચાલી જતા હોય તો ગણેશ અને લક્ષ્મી ભારતની ચલણી નોટો પર કેમ ન ચાલે? એમને હિંદુ દેવી દેવતાઓને ચલણી બનાવવાની ચાનક ચડી છે. તેમને ચલણી નોટો પર ગાંધીજી છે તેમ રહે તેનો વાંધો નથી, પણ તેની પાછલી બાજુ પર ગણેશ અને લક્ષ્મીને છાપવાનું મન થયું છે. સરસ્વતીનો તો વિચાર એમને ન આવે, કારણ, એ જો ચલણી થાય તો લોકો જાગૃત થાય ને એ કોઈ પણ પક્ષ ન ઈચ્છે. એના અભાવમાં લક્ષ્મી જેટલી કલેક્ટ થાય એ જ એક માત્ર હેતુ પ્રજા કે પક્ષનો હોય તે સમજી શકાય એમ છે. વળી હિંદુઓનાં તો કરોડો દેવી દેવતાઓ છે, એ બધાં તો છપાય એમ નથી, વળી કોઈ શિવાજી કે આંબેડકરને નોટ પર લાવવા માંગે તો તે દાવાઓ પણ ખારિજ તો કેમ થઇ શકે ને એવા દાવાઓ તો શરૂ થઇ પણ ગયા છે. ટૂંકમાં, કેજરીવાલનું સૂચન વ્યવહારુ ન રહે એવા પ્રયત્નો થવાના. છતાં, કેજરીવાલે તો પ્રધાન મંત્રીને પત્ર લખીને નોટો પર ગણેશ, લક્ષ્મી છાપવાની વાત કરી જ છે. અમને ગુજરાતીઓને તો ગણેશ ને લક્ષ્મી છપાય તે કરતાં નોટ આવે એમાં રસ હોય, પણ કેજરીવાલને કઈ રીતે એવું લાગ્યું કે પી.એમ. એમની નોટ પર લક્ષ્મી-ગણેશ છાપવાની વાત માની જશે, તે તો નથી ખબર, પણ લોકોમાં એક ગતકડું તો એમણે કર્યું જ છે. એ વાત સાંભળીને ભા.જ.પ.ના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષનો વિરોધ કરવાની ટેવ ચાલુ રાખતાં એટલું તો કહ્યું જ કે કેજરીવાલનું આ ગતકડું રાજરમતનો જ એક ભાગ છે, કેમ જાણે એ તો રાજનીતિનો વૈરાગ્ય ધારણ કરીને બેઠા છે ! ભા.જ.પ. કેજરીવાલની વાતે શાંત રહે એવું તો બને નહીં, એટલે એણે કોમન સિવિલ કોડ દાખલ કરવાની વાત વહેતી મૂકી છે.
ભા.જ.પ.ને ખબર છે કે વિધર્મીના મતથી ચૂંટણી જીતાવાની નથી એટલે એણે બહુમતી હિંદુ વોટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વાત વિપક્ષો પણ સમજી ચૂક્યા છે એટલે આપ હોય કે કૉંગ્રેસ, ગુજરાતમાં હિંદુ મતો ઉઘરાવવાની ને બને તો ભા.જ.પ.ના મતો તોડવાની સસ્તી રમતો આદરી રહી છે. જે મતોથી ભા.જ.પ. જીતે છે, એ જ મતો પડાવીને સત્તા હાંસલ કરવાની વ્યૂહ રચના બધાએ જ અપનાવી છે, એમાં સફળતા મળે એવું એમને લાગે છે, પણ આપ અને કૉંગ્રેસ આ રમત સાથે રહીને નહીં, પણ એકબીજાની સામે રહીને રમે છે એટલે એમાં બંને કેટલા સફળ રહેશે એ તો સમય જ કહેશે. પણ, એટલું દેખાય છે કે બધા જ પક્ષો ગુજરાતમાં સામેવાળાના મતો તોડીને જીતવા માંગે છે ને એમાં એમ માની લેવાયું છે કે ગુજરાતીઓમાં અક્કલ નથી ને હિન્દુત્વની રમત કોઈ પણ પક્ષ રમે, આ ગુજ્જુઓ તો મત આપવાના જ છે એવી એ પક્ષોને ખાતરી છે. સાચું તો એ છે કે જે ભગવાનને છોડતા નથી, તે લોકોને છોડે એવી આશા કઈ રીતે રખાય? પક્ષોનું કામ છે મત પડાવવાનું ને અમારું કામ છે એમને જીતાડવાનું, એ સિવાય કોઈ કામનું નથી ને કૈં કામનું નથી, નથી એમને માટે, નથી અમારે માટે, તે કહેવાની જરૂર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑક્ટોબર 2022