સૌ દિવાળીના મૂડમાં છે. તો આજે હળવાશનાં મૂડમાં જ રહીએ.
એક હતું સંયુક્ત કુટુંબ. ઘરનાં વડીલ 75ની આસપાસ. એમની પાસે નાનાંમોટાં ફરિયાદ લઈને આવતાં. દાદા, પપ્પાને કહોને દિવાળી વેકેશન છે તો અમને ફરવા લઈ જાય. દાદા ! કાકા મન્ચૂરિયન ઝાપટે છે, પણ અમને પિઝા-બર્ગર નથી ખવડાવતા. દાદા, મમ્મી નવવારી સાડી પહેરી મરાઠણ થઈ છે, પણ અમને રીબોકનાં શૂઝ નથી અપાવતી. આવી આવી એટલી ફરિયાદો આવતી કે દાદા થાકી જતા. કોઈ વાર દીકરા-વહુને સમજાવતાં ય ખરા, પણ સંતાનોની ફરિયાદનો નિકાલ આવતો નહીં, એટલે સંતાનોએ પણ દાદાજીના ઉપદેશો, સલાહો અને હુકમોની અવગણના કરવા માંડી. આજે એ સ્થિતિ છે કે દાદા કોઈની ફરિયાદ સાંભળતા નથી કે નથી તો કોઈ દાદાજીનું માનતા !
આજ ઘાટ ગુજરાતના સેવકોનો, અમલદારોનો ને પ્રજાનો છે. બાકી હતું તે હવે બેન્કો 4થી 11 ડિસેમ્બર હડતાળ પર જવાની છે. બેન્કો ફરિયાદો કરી કરીને થાકી હશે, પણ એમની વાતો કાને ધરવાને બદલે, વાતો તરફ આંખ આડા કાન કરાયા હશે, એટલે નેશનલાઇઝ્ડ બેન્કોએ હડતાળનું એલાન આપ્યું છે. એમાં એક મુદ્દો નવી ભરતી નથી થતી તેનો છે. આમ તો ઠંડી હજી શરૂ થઈ નથી, પણ નવી ભરતી કરવાની તમામ ક્ષેત્રોને કેમ ટાઢ ચડે છે તે નથી સમજાતું. ગુજરાત સરકાર શિક્ષકોની કાયમી ભરતી 2017થી નથી જ કરતી ને જ્ઞાન સહાયકોથી કામ કાઢે છે, એમાં અજ્ઞાન તો વિદ્યાર્થીઓનું વધે છે. સરકાર પણ કરી કરીને કેટલુંક કરે, એ તે ભ્રષ્ટાચાર પર ધ્યાન આપે કે લોકોની માંગણીઓ સ્વીકારે ને એમ બધું સરકાર આપ આપ જ કરશે તો પોતાનું ક્યારે કરશે? પ્રજા પણ ધીરજ રાખતી નથી. એણે સમજવું જોઈએ કે કરવામાં જ કરી નંખાતું હોય છે.
આમ જ વડોદરા જિલ્લાના લોકપાલે ધીરજ ન રાખી ને રાજીનામું આપવાની ઉતાવળ કરી. આજકાલ તો સ્વમાન બહુ રહ્યું નથી, પણ લોકપાલને એમ લાગ્યું કે સરકાર એમનું સાંભળતી નથી તો પદ પર બની રહેવાનો અર્થ નથી. એમને કેમ સમજાવવું કે ઘણા તો પદ પર બની રહેવા જ પેદા થાય છે, બાકી, આપણા કેટલા મંત્રીઓ, વિધાયકો ને સાંસદો ચાલે એમ છે તે સૌ જાણે છે. પણ, લોકપાલ સાહેબને પદ પર બની રહેવાને બદલે પડ ઉખેડવાનું વધારે માફક આવ્યું ને એમણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા)માં ચાલતા રાજ્યવ્યાપી ભ્રષ્ટાચાર સંદર્ભે એક વર્ષમાં કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ(સી.આર.ડી.)ને બાર બાર ઈમેઈલ કરી બાર વગાડવાની કોશિશ કરી, પણ ત્યાંની ઘડિયાળ જ બંધ તે ટકોરા પડ્યા જ નહીં ! એકાદ ઇમેલનો પણ જવાબ ન આવ્યો, કરોડોની ગેરરીતિ, તાલુકામાં મનરેગાનાં કામો માટે, મકાનોની સામગ્રીની ખરીદીમાં આચરાઈ હોવાનો સાહેબે આક્ષેપ કર્યો, પણ કૈં થયું જ ન હોય તેમ સરકારે મૌન પાળ્યું. એ બે મિનિટનું હોય તો ધૂળ નાખી, પણ મહિનાઓનું મૌન પળાયું. એ તો ઠીક, સાહેબે આ મુદ્દો ઉઠાવ્યો તે પછી ‘એ લોકોએ’ ફરિયાદ સોંપવાનું જ બંધ કર્યું. એ વાતને વર્ષ થયું, તો સાહેબને સવાલ થયો કે મનરેગા સંબંધી વડોદરા જિલ્લામાં એક પણ ફરિયાદ થઈ જ નહીં હોય? મતલબ કે ભ્રષ્ટાચાર થયો જ નહીં, એમ? શું છે કે ‘કૌભાંડ’માં જ બીજો શબ્દ પણ છુપાયેલો છે, એટલે ગમે એટલી વફાદારી બતાવો, પણ નફાદારી જ મુદ્રાલેખ હોય તો કોઈ જવાબ ન મળે. સરકાર એવી રીતે પણ વર્તતી હોય છે કે કોઈ પ્રતિક્રિયા જ ન આપે, જેથી સામાવાળો જ કંટાળીને રાજીનામું આપી દે. વડોદરા જિલ્લાના લોકપાલ સાહેબનું એમ જ થયું. એમણે સ્વમાન જાળવીને રાજીનામું ધરી દીધું. આવાં લોકો ઓછાં થતાં જાય છે ને જે છે તે રાજીનામું આપીને સરકારને માર્ગ મોકળો કરી આપે છે.
લગભગ બધી સરકારોનું એવું જ છે. સાંભળવું જ નહીં કે બોલવું પડે. ગુજરાતની વાત કરીએ તો સરકારે અનેક ક્ષેત્રોમાં બેફામ પ્રગતિ કરી હશે, પણ શાલેય શિક્ષણની ઘોર ખોદવામાં તે પૂરેપૂરી સ્વાવલંબી છે. તેમાં ય ગુજરાતી ભાષાનો ગુજરાતનિકાલ તેનો એક માત્ર ગોલ છે. ગુજરાતી ભાષાને મામલે આટલું ઉદાસીન શિક્ષણ તંત્ર જગતમાં બીજું નથી. એ રીતે તેની પાત્રતા વૈશ્વિક સુવર્ણચંદ્રક મેળવવા જેટલી હોય તો નવાઈ નહીં ! સરકારને એની જાણ હશે કે કેમ તે એ જાણે, પણ ગુજરાતી ભાષા હજારેક વર્ષ જૂની છે ને દુનિયાની શ્રેષ્ઠ 30 ભાષાઓમાં તેનું સ્થાન છે. ગુજરાતી ભાષા ટ્રેડને કારણે વૈશ્વિક ભાષા બની. બીજા કોઈ પણ રાજ્ય કરતાં ગુજરાત વધુ નકલખોર અને સ્વમાન વિહોણું રાજ્ય છે. તેનું મૌલિક કહી શકાય એવું ઓછું જ છે. હવે તેનો ખોરાક ગુજરાતી નથી, પણ ચાઇનીઝ, પંજાબી, ઇટાલિયન, મદ્રાસી … છે. ચીનાઓ ઢોકળા, ઢોકળી નહીં ખાતાં હોય, પણ આપણે નુડલ્સ, મન્ચૂરિયનથી હોંશે હોંશે હોજરી ભરીએ છીએ.
અંગ્રેજો ચારસો વર્ષ પહેલાં ભારતમાં આવ્યા ને અંગ્રેજી ભાષાનો પ્રભાવ બીજા રાજ્યો કરતાં ગુજરાત પર એટલો પડ્યો કે આજે તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવામાં ગુજરાત સરકારે આડો આંક વાળ્યો છે. એ સાચું છે કે અંગ્રેજી ભાષા વૈશ્વિક સંપર્ક ને શિક્ષણ માટે અનિવાર્ય છે ને અંગ્રેજી એક ભાષા તરીકે શીખવામાં કશું ખોટું નથી, પણ ગુજરાતી તો અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાંથી લખાતી, બોલાતી ને વંચાતી હતી. ગુજરાતી શાળાઓ અંગ્રેજોએ શરૂ કરાવી હોય એવા દાખલાઓ તો સૂરતમાં પણ છે. એક તરફ અંગ્રેજ સરકાર હતી જેણે ગુજરાતી શાળાઓ શરૂ કરાવી ને બીજી તરફ ગુજરાત સરકાર છે જેણે ગુજરાતી સ્કૂલો બંધ કરાવી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા લાઇસન્સ આપ્યાં. એક ફાલતુ દલીલ એવી થાય છે કે વિદેશ જઈ ભણતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એટલે અંગ્રેજી માધ્યમની સ્કૂલોને ઉત્તેજન અપાય છે. એ અપાય તેનો ય વાંધો નથી, પણ ગુજરાત જ ગુજરાતી ભાષા ન ભણાવે તો શું તે મહારાષ્ટ્ર, બાંગ્લાદેશ કે નેપાળ ભણાવવાનું છે? કરાચીમાં ગુજરાતી સ્કૂલો ચાલી હોય ને ગુજરાતમાં ગુજરાતીનો દાટ વળી રહ્યો હોય તે વાજબી છે? વારુ, વિદેશ જઈને ભણનારા કેટલા? ગાંધીજી ને બીજા ઘણા ગુજરાતીઓ ગુજરાતી માધ્યમમાં ભણ્યા તો તેમની વિદેશમાં વકીલાત નિષ્ફળ ગઈ હતી? વિદેશ જનારાઓને તકલીફ ન પડે એટલે, જે અહીં જ જિંદગી કાઢવાના છે એવા કરોડો ગુજરાતીઓને માથે અંગ્રેજી મારવામાં ડહાપણ છે? એક ભાષા તરીકે અંગ્રેજીનો કોઈ વાંધો નથી, પણ સો વાતની એક વાત કે માધ્યમ કોઈ પણ હોય, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ અપાવું જોઈએ.
જો કે, ગુજરાત સરકારને માતૃભાષામાં શિક્ષણ આપવામાં કોઈ જ રસ નથી અથવા તો તે અંગ્રેજીને જ ગુજરાતની માતૃભાષા ગણે છે એમ માનવું પડે. 2018ના એક અહેવાલ મુજબ સરકારી સ્કૂલોનાં ધોરણ 6થી 8નાં સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં કે ગણતાં આવડતું ન હતું. તો, નવેમ્બર 2021નાં એક અહેવાલ મુજબ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં 6થી 8નાં પોણા ચાર લાખ વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં કે ગણતાં મુશ્કેલી પડે છે. એમાં પણ અઢી લાખ તો એવા છે જેમને વાંચતાં, લખતાં જ નથી આવડતું અને 3.80 લાખ બાળકો એવાં છે જેમને ગણિતના દાખલા આવડતા નથી. હાલની સ્થિતિ મુજબ 6થી 8નાં 2,38,233 વાંચનમાં, 2,58,386 લેખનમાં ને 3,81,176 ગણનમાં નબળા છે. માત્ર ગુજરાતીની જ વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં, ગુજરાતીમાં નાપાસ થનારનો, અઢી લાખથી વધુનો આંકડો છાપે ચડી ચૂકેલો છે. આવા આંકડા અંગ્રેજીના બહાર પડતા નથી, એ પરથી લાગે છે કે ગુજરાતીમાં છે એવી દુર્દશા કદાચ અંગ્રેજીમાં નથી. એનો અર્થ એવો પણ થાય કે અંગ્રેજીની લેવાય છે એટલી કાળજી ગુજરાતીની સરકાર, સ્કૂલ, વાલી કે વિદ્યાર્થીએ લીધી નથી. આવું હોય તો ગુજરાત સરકારને હાલની અંગ્રેજ સરકાર અંગ્રેજી બચાવવા બદલ અને ગુજરાતી અવગણવા બદલ એવોર્ડ આપે એમ બને ને સરકાર તે લેવા ઉમંગથી ઈંગ્લેન્ડ જાય એમ પણ બને. શિક્ષણમાં કોઈનું ન સાંભળવા બદલ કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારને પુરસ્કૃત કરે એમ બને. કેન્દ્રનું તો ગુજરાત સરકાર સાંભળે જ, કારણ ન સાંભળે તો રાતોરાત બદલાઈ જવાનો અનુભવ આગલી ને હાલની સરકારને ક્યાં નથી !
ગઈ કાલના જ સમાચાર છે કે માર્ચ 2023ની ધોરણ 10ની પરીક્ષાની મૂલ્યાંકનની કામગીરીમાં 3,800 શિક્ષકોએ ગાબડી મારેલી. વિદ્યાર્થીઓ જ ગુલ્લી મારે એવું નથી, એ હક તો શિક્ષકોનો પણ ખરો જ ! જો કે, ઓર્ડર ઇશ્યૂ કરવામાં આવ્યા છતાં શિક્ષકો ઉપસ્થિત ન રહ્યા તે બદલ બોર્ડે નોટિસ ફટકારી હતી ને તાકીદ કરી હતી કે 2024ની પરીક્ષામાં હાજર નથી રહ્યા તો દંડનીય કામગીરી કરવામાં આવશે. આ કામગીરી ન કરવાની આવે એટલે શિક્ષકોએ અત્યારથી જ ઓળખાણ કામે લગાડવા માંડી છે. આ ખરું ! શિક્ષકો ટ્યૂશનમાં સક્રિય છે એટલા શિક્ષણમાં નથી જ ! તેમાં હવે મૂલ્યાંકનની પણ આનાકાની ચાલતી હોય તો માસ પ્રમોશનવાળો આઇડિયા જ ચાલે એમ છે.
આમેય બધું બદલ બદલ કરવાનું તો ચાલે જ છે. પાઠ બદલાય છે ને ફરી દાખલ પણ કરાય છે. ખરેખર તો પીએચ.ડી. સુધી કોઈ ટેક્સટબુક જ ન હોય એવું કરવાની જરૂર છે. પહેલાં ધોરણથી જ ખાનગીકરણ. ફી બધે જ કમ્પલસરી. ફી ભરો, માસ પ્રમોશન લો ને એમ પીએચ.ડી. સુધી પહોંચો. વિદ્યાર્થી પાસ થતો રહે ને શિક્ષકનો પગાર થતો રહે એ જ કામગીરી. વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય કે નોકરી હાજર. સ્કૂલમાં જાવ. હાજરી પૂરો. ક્લાસમાં કરવું હોય તે કરો, પણ ભણવાનું નહીં, ભણાવવાનું નહીં. કેમ લાગે છે? ફરિયાદો બે જ રહે. ફીની અને પગારની. એના ઉકેલ પૂરતી જ શિક્ષણ મંત્રીની જરૂર ને એ અભણ હોય તો આવકાર્ય. અત્યારે જે ભાર વગરનું ભણતર ચાલે છે તે ભણતર વગરનાં ભારમાં ફેરવાય છે કે કેમ એટલું જ જોવાનું. એટલું થાય તો સરકારનું કોઈ ન સાંભળે કે કોઈનું સરકાર ન સાંભળે એ ઝંઝટ જ ન રહે, શું કહો છો?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 નવેમ્બર 2023