આજે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનું પરિણામ છે. પ્રમુખ અને મધ્યસ્થ સમિતિનાં ચૂંટાયેલા 40 સભ્યો આજે જાહેર થઈ જશે. આ બંને ચૂંટણીમાં મતપત્રકો 5 ઓક્ટોબરે રવાના કરવા માંડેલાં ને તે અમદાવાદ કાર્યાલય પર પરત મોકલવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી. ટૂંકમાં, આ ચૂંટણી દર વખતે આશરે મહિનો ચાલે છે. એમાં મતદાન પોસ્ટથી કે કુરિયરથી થાય છે. પરિષદના સભ્યો સાડા ચાર હજારની આસપાસ હશે ને એમાંથી 1,200થી 1,250 સભ્યો જ મતદાન કરતા હોય છે. આવું મતદાન 33 ટકાથી પણ ઓછું ગણાય, તો ય આ પ્રક્રિયા લગભગ મહિનો ચાલે છે. આટલો સમય તો લોકસભાની ચૂંટણીમાં ય નથી જતો, જેમાં લાખોની સંખ્યામાં મતદારો, મતદાન મથકે જઈને મત આપતા હોય છે. પરિષદમાં લગભગ 33 ટકા મતદાન થતું હોવા છતાં, ઘણીવાર એવું બને છે કે કેટલાક સભ્યોને મતપત્રકો પહોંચતાં જ નથી, તો કેટલાકનાં મતપત્રકો કાર્યાલયમાં છેલ્લી તારીખ વીત્યા પછી પહોંચતાં હોય એમ પણ બનતું હશે. વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનું કોઈને જ મન થતું નથી એનું આશ્ચર્ય છે. આમ થવાનું એક કારણ પરિષદનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે, એ છે ને એ એક જ રહે એને માટે પરિષદનાં તંત્રોએ ઘણી મહેનત કરી છે.
પરિષદને અમદાવાદી માનસિકતા ઠીક ઠીક નડી છે. રણજિતરામ વાવાભાઈ મહેતા સૂરતના, પણ તેમણે 1905માં પરિષદની સ્થાપના અમદાવાદમાં કરી. તેમને ત્યારે ખ્યાલ નહીં હોય કે તેનું કાર્યાલય અન્ય શાખાઓમાં વિકસશે નહીં. આ લખનારે વારંવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એ માટે પ્રયત્નો કરેલા, પણ પરિષદે એ પ્રયત્નોમાં કશો ઉત્સાહ આજ સુધી દાખવ્યો નથી. અહીંથી ફરી એકવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એવી અપીલ કરવાની થાય છે. અમદાવાદને અન્ય શહેર/ગામના સભ્યો ખપે છે, પણ અન્ય શહેરમાં શાખા હોય એ ખપતું નથી. બેન્કની, હોટેલની, એલ.આઇ.સી.ની અન્ય શહેરોમાં શાખાઓ હોઈ શકે, પણ પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ન ખોલવાની માનસિકતા સમજાતી નથી. અમદાવાદમાં મુખ્ય કાર્યાલય હોય ને અન્ય શહેરોમાં શાખાઓ ખૂલે ને તે મુખ્ય કાર્યાલયને જવાબદાર હોય એવું થાય તો શું તકલીફ થાય એનો કોઈ ખુલાસો મળતો નથી.
જો અન્યત્ર પરિષદની શાખાઓ ખૂલે તો સભ્ય સંખ્યા પણ વધી શકે, જે તે શહેરમાં સાહિત્યિક, કલાકીય કાર્યક્રમો થઈ શકે, રસિકોનું ઇન્વોલ્વમેન્ટ વધી શકે, પણ કોઈક કારણોસર એ પરિષદને માફક આવતું નથી. પ્રમુખની ને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ મહિના સુધી ચાલે છે, તે થોડા જ દિવસોમાં જે તે શાખાઓ પર મતદાન કરાવીને થઈ શકે. આમ થાય તો પરિષદનું કયું અહિત થાય તે સમજવાનું અઘરું છે. બંધારણમાં ફેરફાર કરીને પણ આ અંગે ઘટતા પ્રયત્નો કરવા જેવા છે.
સાચું તો એ છે કે પરિષદનો વિકાસ થાય એવું પરિષદ જ નથી ઇચ્છતી. બહારના સભ્યો વધે તે માટે સઘન પ્રયત્નો પણ ખાસ થતા નથી. જુદા જુદા શહેરોમાંથી ચૂંટાઈને આવતા સભ્યોને પણ નવા આજીવન સભ્યો બનાવવાની જવાબદારી સોંપાય તો તેમનું ચૂંટાવું પણ લેખે લાગે. મધ્યસ્થ સમિતિ સિત્તેરથી વધુ સભ્યોની થતી હશે. આ સમિતિ ત્રણ વર્ષ માટે નક્કી થાય છે. વધારે નહીં તો દરેક સભ્યો વર્ષે દસ નવા આજીવન સભ્યો બનાવે તો ત્રણ વર્ષમાં 2,100 સભ્યો થઈ શકે. પરિષદને 118 વર્ષ થયાં, પણ સભ્યો બનાવવાની વૃત્તિ ઓછી જ રહી છે. સાડા છ કરોડ ગુજરાતીઓ છતાં, પરિષદના દસેક હજાર આજીવન સભ્યો પણ ન હોય એનો પરિષદને સંકોચ નથી. બેચાર રસ લેનાર સભ્યો, પોતાની ગરજે, જે પાંચ-પચીસ સભ્યો બનાવે છે એટલાથી બધાં રાજી છે.
ચૂંટાયેલા સભ્યોની સક્રિયતા પણ મધ્યસ્થમાં કે કારોબારીમાં હાજરી આપી છૂટવાથી વિશેષ નથી. એ હાજરી પણ રજિસ્ટરમાં સહી કરવાથી આગળ ન જતી હોય એમ બને. મોટે ભાગે તો સભામાં નતમસ્તક રહીને સભ્યો, ચા પીને કે આઇસક્રીમ ખાઈને છૂટા પડી જતા હોય છે. એ સભ્યો ‘ન બોલ્યામાં નવ ગુણ’નો મહિમા ભલે કરે, પણ ‘બોલે તેનાં બોર વેચાય’ એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે. સભ્યોની ઓછી સક્રિયતાને કારણે કેટલાંક હોદ્દેદારો પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે. કેટલાક તો પરિષદને પૈતૃક સંપત્તિ સમજીને નિર્ણયો લેતા હોય છે. ખરેખર તો એ સજ્જનો જ ઈચ્છે છે કે પરિષદ અમદાવાદી પકડની બહાર જાય નહીં, જેથી એમનું વર્ચસ્વ જળવાઈ રહે. એ જ કારણે પરિષદની શાખાઓ અમદાવાદની બહાર બની શકી નથી. કેટલાંક સભ્યો ને હોદ્દેદારો ઈચ્છે છે કે પરિષદ વિકસે જ નહીં. એમને ભય છે કે પરિષદ વિકસશે તો સ્થાપિત હિતોનું વર્ચસ્વ ઘટશે ને પરિષદ પરનો કાબૂ જશે.
નવા પ્રમુખ અને નવી સમિતિ પણ જૂની ઘરેડમાં જ ચાલવાનાં હોય, તો જૂની સમિતિ ફરી ચૂંટાઈ છે એમ જ માનવાનું રહે. અફસોસ તો એ વાતનો છે કે આજીવન સભ્યોનું પણ કોઈ મહત્ત્વ રહ્યું નથી. એ ત્રણ વર્ષે મત આપવા જ જીવંત થતાં હોય છે, એ સિવાય એમની કોઈ ભૂમિકા જ ન હોય એવી સ્થિતિ છે. ઘણા આજીવન સભ્યોની એ ફરિયાદ છે કે એમનું મહત્ત્વ મત આપવા પૂરતું જ રહ્યું છે. એ જ કારણે ઘણા સભ્યો મતદાન કરવાથી ય દૂર રહે છે. મતદાનની ઘટતી ટકાવારીમાં આ બાબત પડી હોય તો નવાઈ નહીં.
વારુ, જે નવા આજીવન સભ્યો થાય તેમને ‘પરબ’ મળવાનું તો ચાલુ થઈ જાય છે, પણ મતાધિકાર તરત મળતો નથી. આવું એટલે છે કે કોઈ, ચૂંટણીમાં જીતવા વધારે સભ્યો બનાવીને પોતાની તરફેણમાં મત ન ઉઘરાવી લે. પહેલી વાત તો એ કે એવા સભ્યો એમને એમ નથી થતા. એ ત્રણ હજાર રૂપિયા આજીવન સભ્ય ફી ભરે છે. ધારો કે કોઈ પોતાની તરફેણમાં એવું કરે છે તો તેથી પરિષદને તો એવા સભ્યોની આજીવન ફી મળે છે. એ ફી ભરનાર કે ભરાવનાર એમ જ કોઇની ફેવરમાં મતદાન કરશે? હવે તો લોકસભામાં અભણ મતદાતાઓ પણ ભોળવાતા નથી, તો સાહિત્ય રસિક ને શિક્ષિત આજીવન સભ્ય એમ જ કોઈના નામ પર ચોકડી મારશે? ને એવી કોઈ રમત હોય તો તે જે તે સભ્યની રમત છે, એની સાથે નવા આજીવન સભ્યને શી લેવા દેવા? એને ‘પરબ’ તરત મળતું હોય તો મતાધિકાર પણ તરત જ મળવો જોઈએ. તે ન કરવું હોય તો બંધારણ એમ સુધારવું જોઈએ કે એવા આજીવન સભ્યોને મતાધિકાર મળે તે પછી જ ‘પરબ’ મળવાનું શરૂ થશે.
મધ્યસ્થ સમિતિની ચૂંટણી એ જ આજીવન સભ્યો લડી શકે છે જેણે કોઈ પત્રોમાં દસ લેખો લખ્યા હોય અથવા તો તેને નામે એકાદ પુસ્તક બોલતું હોય. આ વખતે કેટલા સભ્યો એ રીતે ચૂંટણીમાં પ્રવેશ્યા એ જવા દઇએ, તો પણ દાતા સભ્યો કે સંસ્થા સભ્યોના જે તે પ્રતિનિધિઓ મધ્યસ્થમાં ઉમેરાય છે, એમની કોઈ પાત્રતા બંધારણમાં નક્કી કરવામાં આવી નથી. કોઈ દાતા સભ્ય કશી પાત્રતા વગરના સભ્યને આગળ કરે તો તે ઈચ્છવા જેવું ખરું? જે પાત્રતા મધ્યસ્થના સભ્યની નક્કી કરી હોય એ જ અન્ય કોઈ પ્રતિનિધિત્વ કરતા સભ્યની પણ હોય એવો ફેરફાર બંધારણમાં કરવાની જરૂર છે. એવા પ્રતિનિધિઓ આજીવન સભ્ય પણ હોય એ અનિવાર્ય ગણાવું જોઈએ, ન હોય તો તરત જ આજીવન સભ્ય બનાવવાનું અનિવાર્ય બનવું જોઈએ.
મધ્યસ્થની ચૂંટણીમાં 40 મત આપવાનું અનિવાર્ય ગણાયું છે એ બાબત પણ પુનર્વિચારણાને પાત્ર છે. એવું બને કે કોઈ વખત 35 જ સભ્યો મધ્યસ્થમાં ઉમેદવારી કરે છે, તો એ આપોઆપ જ ચૂંટાયેલા જાહેર થઈ શકે કે પછી બીજા પાંચ ગમે ત્યાંથી ઊભાં કરી ચાળીસ કરવા જ પડે એવું છે? એ જ રીતે 40થી વધુ સભ્યો ચૂંટણી લડતા હોય ત્યારે ચાળીસને મત આપવાનું ફરજિયાત છે. 39 કે 41 મત અપાય તો મતપત્રક રદ્દ થાય છે. આ બાબત પણ બંધારણીય સુધારો માંગે છે. મત આપવા જો પચાસ ઉમેદવારો યોગ્ય લાગતા હોય તો તે ઓછાં કરીને 40 કરવા પડે છે, એ જ રીતે 40થી ઓછાંને જ મત આપવાનું કોઈને યોગ્ય લાગતું હોય તો તેને એ છૂટ હોવી જોઈએ. તાણીતૂંસીને ચાળીસ ચોકડી કરવામાં તો ઘણા ખોટા દાખલ પડી જવાનો ભય રહેલો છે. જેટલા સભ્યોને મત મળ્યા હોય એને સૌથી વધુ મતોથી ઓછાના ક્રમે ગણતરીમાં લઈને, પહેલાં ચાળીસને વિજેતા જાહેર કરી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાળીસને ચોકડી મરાવવાનો આગ્રહ જતો કરીને ચૂંટણીમાં વધુ યોગ્યની પસંદગીનો આગ્રહ રાખવા જેવો છે.
પરિષદનું હિત જાણીને અહીં કેટલીક વાતો કરી છે. આશા છે એને પરિષદ ને એના નવાજૂના હોદ્દેદારો એ જ રીતે લેશે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2023