બાર વર્ષની બેબી એની પથારીમાં સૂતી સૂતી આંસું સારી રહી. આજે એની શાળામાં વિતેલી ઘટના માટે એને મરવા જેવું લાગ્યું હતું. એની ક્લાસની કેટલી બધી છોકરીઓની માતાઓ આજે શાળામાં આવી હતી? વર્ગ શિક્ષિકાએ એ બધી સાથે એમની દીકરીઓના અભ્યાસ અંગે કેટલી બધી વાતો કરી હતી? એમના અંગે કેટલી બધી માહિતી અને સૂચનો આપ્યાં હતાં? અને ક્લાસમાં પહેલા પાંચમાં નંબર રાખતી હોવા છતાં એની વાતો સાંભળવા કોઈ કહેતાં કોઈ જ નહીં.
બેબીને પોતાનું જીવતર ઝેર જેવું લાગવા માંડ્યું. આમે ય ચંદીગઢની એ બદનામ બસ્તીમાં કશું ય સારું ક્યાં જોવા મળે એમ હતું? નામ તો રૂડું રૂપાળું ‘બાપુ ધામ’ હતું. પણ ‘ભાઈ’ લોકનો એ બદનામ અડ્ડો હતો. ભાંગ્યાં તુટ્યાં, દેશી લઠ્ઠાની બદબૂથી ગંધાતાં ખોરડાં – પાકી દીવાલનાં એટલે એમને ઝૂંપડીઓ તો ન જ કહેવાય. પણ ઠેર ઠેર તિરાડો અને ગળતાં ધાબાં વચ્ચે સીસકતો એક નાનો ઓરડો અને એનાથી ય નાનું રસોડું. કચરા અને કાદવથી ખરડાયેલી સાવ સાંકડી શેરીઓ. રોજ રાતે કેટકેટલાં ખોરડાંઓમાં દારૂ પીને આવેલા પતિનો માર ખાતી પડોશણોની ચીસો અને હૈયું વલોવી નાંખે તેવાં આક્રંદ.
છેવાડાની ગલીની તો વાત જ ન પૂછો. બેબીને એ ગલી તરફ નજર નાંખવાની પણ સખ્ત મનાઈ હતી. ત્યાંનાં ખોરડાં બીજાં બધાં કરતાં વધારે ચમકદાર હતાં. એમાંથી બસ્તીની દુકાનોમાં ખરીદી કરવા આવતી બૈરીઓનાં કપડાં અને નખરાં કશાંક અજનવી કારણોએ ઝમકદાર હતાં. એમના ગળામાં ચમકતાં અછોડા, હાથ પર રણકતી બંગડીઓ અને મોંમાંથી રસ ઝરતી પાનની પિચકારીઓ એમની સમૃદ્ધિની ચાડી ખાતી હતી. એ તો બીજી બહેનપણીઓ સાથે થતી વાતોમાંથી જ એને ગનાન મળ્યું હતું ને કે, ઈવડી ઈઓના વર જ નહોતા. રોજ કેટલા ય વરોની એ વહુઓ !
‘છી … છી … છી … કેવી બેશરમી? મારી મા જયકુમારી તો રોજ મને રાતે ભજન કરાવે છે, અને બિચારા બાપુ થાક્યા પાક્યા આવ્યા હોય તો પણ ભજનની સાથે તાળીઓ તો અચૂક પાડે જ. બિચારી મા શી રીતે નિશાળની મિટિંગમાં આવી શકે? એને તો પોતાની સહી કરતાં પણ ક્યાં આવડે છે?’ આંસુઓની ધાર વચ્ચે બેબીના મનમાં આવા વિચારોની હારમાળા સતત ચાલુ રહી. આ જ જળોજથામાં ક્યારે એની આંખ મિંચાઈ ગઈ, તેની બેબીને ખબર જ ન પડી.
સવારના આછા પાતળા ઉજાસમાં બેબીની આંખ ખૂલી. કોઈક નવો જ ઉત્સાહ એના કોશે કોશમાં ઝણઝણાટી ફેલાવી રહ્યો. હમણાં જ તો એ સપનું પૂરું થયું હતું ને? શું હતું એ સપનામાં ?
‘બેબી એની મા જયકુમારીને ‘ક’ અને ‘ખ’ વાંચતાં અને લખતાં શીખવાડતી હતી! મા હસવું આવે તેવા લીટાડાથી સ્લેટમાં એકડો અને બગડો ઘૂંટતી હતી. લે. કર વાત! માની શિક્ષિકા દીકરી! હા …. હા …. હા …
એ અટ્ટહાસ્યે બેબીને જગાડી દીધી. તેઓ બધો જ શોક દૂર થઈ ગયો. આ નવી શક્યતાએ તેના માનસપટલનો કબજો લઈ લીધો. બેબીએ નિશાળમાં એની ખાસ બહેનપણી રેણુને આ સપનાંની વાત કરી. બન્ને જણીઓએ નક્કી કર્યું કે, તે દિવસે સાંજે ઘેર જઈને એમની ‘મા’ઓને પહેલો પાઠ ભણાવશે!
બેબીની ઘરનિશાળનો એ સપ્પરમા દિવસે જન્મ થયો.
જયકુમારીએ પહેલાં તો આનાકાની કરી. ‘મારે વળી ભણીને શું કામ છે? છોકરાંને નિશાળ વિદાય કરી કારખાનામાં મારું વૈતરું ભલું. સાંજે ઘેર આવીને રોટલા ટીપવાના અને બેબીના બાપુના પગ દબાવવાના. બસ આ જ તો મારી જિંદગી છે ને? અને શું ખોટી છે? ભલે અમે બે ન ભણ્યા પણ અમારી બન્ને જણની આકરી મહેનતના પ્રતાપે છોકરાંવ તો ભણી શકે છે ને? એમને અમારી જેમ મજૂરી નહીં કૂટવી પડે ને?’
પણ બેબી કોનું નામ? શિક્ષિકા બનવાનો આવો લ્હાવો શેં જતો કરાય? અને તે દિવસે રાતે જયકુમારીને સપનામાં મેર મુઆ … ‘ક’ ‘ખ’ અને ‘ગ’ નાચતા દેખાયા!
ત્રણ જ મહિના અને વાલી / શિક્ષક મિટિંગમાં જયકુમારી પણ હાજર હતી. બેબીના બધા વિષયમાં સૌથી વધારે માર્ક આવ્યા છે, તે બતાવતા રિપોર્ટ કાર્ડ પર સહી કરતાં એની છાતી ગર્વથી ધડકતી હતી.
‘મારી બેબીએ મને ભણાવી!’ – જયકુમારીએ ગર્વથી વર્ગ શિક્ષિકાને બાતમી આપી!
એક જ વર્ષ અને બેબીની ‘ગેન્ગ’માં બીજી બાર છોકરીઓ જોડાઈ ગઈ હતી. જયકુમારી હવે હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષા વાંચી શકતી થઈ ગઈ. તેણે હિંદીમાં લખવા પણ માંડ્યું.
‘યુવા સત્તા’ નામની સેવા સસ્થાને બેબી-રેણુ-રમાવતી વગેરેના આ ઉમદા કામની ખબર પડી અને તેમણે જરૂરી ચોપડીઓ, નોટો, પેન્સિલો, બ્લેકબોર્ડ, ચાક, ડસ્ટર વગેરે સામગ્રી પૂરી પાડવાનું માથે લઈ લીધું. ભડભાદર વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ ૧૦૦ ઉપર પહોંચી ગઈ. રમાવતીએ તો એના બાપને પણ રપેટીમાં લઈ લીધો અને એની માસ્તર બની ગઈ!
ત્રણ જ વર્ષ અને આ ઘર શાળામાંથી ૧,૨૦૦ વયસ્ક પુરુષો અને સ્ત્રીઓ લખતાં વાંચતાં થઈ ગયાં છે! રમાવતીએ પોતાના રીક્ષા ડ્રાઈવર બાપુને ભણાવ્યા અને બાપુએ એને બોનસ આપ્યું – ‘તારું લગ્ન કરી, વિદાય કરી દેવાનો પ્લાન અભરાઈએ.’ હવે રમાવતી કોલેજમાં ભણવાનાં સપનાં જોવા માંડી છે ! બાપુ હવે એક ઓફિસમાં પટાવાળા બની ગયા છે અને કોઈ ઝંઝટ વિના બમણો પગાર લાવે છે. અને જુઓ તો ખરા, એમની હિમ્મત કેટલી બધી ગઈ? લોન પર રકમ લાવી એમણે ભાડાની રીક્ષાની જગ્યાએ પોતાની માલિકીની રીક્ષા વસાવી લીધી અને એને ભાડે ફેરવવા આપીને રોજનો ૧૦૦ રૂપિયાનો વકરો કોઈ મહેનત કર્યા વિના ઊભો કરી દીધો.
જુઓ.. આ નિશાળમાં હવે ૧,૬૦૦ મહિલાઓ અને પુરુષો ભણે છે! વા વાત લઈ જાય તેમ ચંદીગઢની બીજી ઝૂંપડપટ્ટીઓમાં પણ ઘર નિશાળો ધમધમતી થઈ ગઈ છે.
સંદર્ભ – ધીમંત પારેખ, The Better India, Times of India
e.mail : surpad2017@gmail.com