1858ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પડ્યો એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિ નર્મદે કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા…
છ-સાત દાયકા પાછળ કિશોરાવસ્થાનાં ઉંબર વરસોમાં ઝાંખું છું તો જીર્ણશીર્ણ નર્મકવિતામાં વાંચેલી, કંઇક અનલાઇક નર્મદ-પંક્તિ સાંભરે છે. (હજી યુગાવર્ત ટ્રસ્ટ અને રમેશ મ. શુકલનો પ્રતિબદ્ધ પ્રવેશ થયો નહોતો ત્યારની આ વાત છે.) 1858ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનું જાહેરનામું – એ વરસોમાં જો કે પ્રોક્લેમેશનને ઢંઢેરો કહેતા – આવ્યું એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિએ કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા.
નર્મદ વિશે બાળચિત્તની છાપ કે આ તો જોસ્સાનો જણ, જેમ દલપતરામ ધીરે ધીરે સુધારાના સારવાળા. એમને તો 1857 વિશે ફરિયાદ પણ હોય કે દૂધમાં માખી પડે ને જાન ગુમાવે અને સાથે સાથે દૂધને પણ બગાડે તેમ આ ફિતૂરે કીધું. પણ આપણો નર્મદ, વીર નર્મદ, એ ઊઠીને એમ કહે કે જે જે વિક્ટોરિયા?
કંપની સરકારમાં સર્વ વાતે સુવાણ હોય એવું તો હતું નહીં, અને એ પહેલાંનો ગુજરાતના મોટા ભાગના હિસ્સાનો મરાઠા રાજનો અનુભવ શિવ છત્રપતિના હિંદવી સ્વરાજ કરતાં કંઇક જુદો, છેક જ અસુખકર હતો. એટલે દેશમાં વ્યવસ્થાનું સ્થપાવું એ નિશ્ચે જ એક મોટી વાત હતી. માટે સ્તો જે જે વિક્ટોરિયા.
હવે હિંદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ નથી રહેતી અને બ્રિટિશ તાજનો સીધો અખત્યાર શરૂ થાય છે તે મતલબની આ સત્તાવાર જાહેરાત પહેલી નવેમ્બરે અલાહાબાદના એક ખાસ દરબારમાં થઇ હતી, કેમ કે દિલ્હી સહિત બાકીનું ઉત્તર ભારત ઠેકઠેકાણે અશાંતિગ્રસ્ત હતું. ભલે એક દિવસ પૂરતું પણ રાજધાનીનું માન ત્યારે અલાહાબાદને મળ્યું હતું. (અમદાવાદમાં આ અવસર વિક્રમ સંવત 1915માં બેસતા વરસને દિવસે કલેક્ટર બંગલે ઊજવાયો ત્યારે દલપતરામે ગાયું હતું કે ‘રાણીજીના રાજથી થિર થૈ અમે સુખિયા થયા.’)
વારુ રાણીના ઢંઢેરામાં શું શું હતું એની તપસીલમાં નહીં જતાં નમૂના દાખલ બે’ક વાનાં, મુખ્તેસર : એક તો, ધાર્મિક શ્રદ્ધા અને પૂજાના મામલે બિનદખલ. સત્તાવનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરીજનો ભડકેલા હતા અને ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિનાયે પ્રશ્નો હતા, તે લક્ષમાં લઇને આ બિનદખલ નીતિ જાહેર કરાઇ હતી. એ જ પ્રમાણે ડેલહાઉસીએ બિનવારસી ઠકરાતો પરબારી રાજ હસ્તક લેવાની જે નીતિ અખત્યાર કરી હતી તેને રુખસદ આપી જે તે ઠકરાત યોગ્ય વારસ હસ્તક જાય એનો ખયાલ રખાશે એમ પણ આ ઢંઢેરામાં કહેવાયું હતું.
મરાઠા અમલના છ દાયકા કેવા વીત્યા હશે એનું ચિત્ર મગનલાલ વખતચંદે અમદાવાદના ઇતિહાસમાં થોડા જ શબ્દોમાં સચોટ આપ્યું છે : ‘આઠ લાખની વસતીવાળા ભર્યાભાદર્યા અમદાવાદને મુશ્કેલીથી શ્વાસ લેતું લગભગ મુડદું કરીને અંગ્રેજોને સોંપ્યું …’ ટૂંકમાં અઢારમી સદીની અંધાધૂંધી અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પરના એના ઓછાયાએ સરજેલી અનવસ્થા સામે રાણીનું રાજ (એની મર્યાદાઓ છતાં) આશ્વસ્તકારી અનુભવાનું હતું. 1859માં હોપ વાચનમાળાની સાતમી ચોપડી માટે લખવાનું થયું ત્યારે દલપતરામે આ લોકલાગણીને વાચા આપવાની તક ઝડપી હતી :
ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી, સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ, કોઈ ન પકડે જાતાં કાન,
એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
એક જરા જુદી રીતે આખી વાતને જોઇએ તો ‘ગુજરાતી પિંગળ’ની રચના અને તે વાટે છંદ સૃષ્ટિની વ્યવસ્થા ને વિધાન એ દલપતરામનું મોટું કામ છે. એની ઉપરાછાપરી આવૃત્તિઓ થતી ગઇ ત્યારે કેશવ હર્ષદ ધ્રુવ શા સહૃદય અભ્યાસીએ સોજ્જું સૂચવ્યું કે હવે આપણે એને ‘દલપત પિંગળ’ જ કહીશું … અંગ્રેજ અમલનો જે વિશેષ, વ્યવસ્થા ને વિધાન, તે અને દલપતરામ આમ જાણે સાથે ચાલતા ન હોય!
નવી વાતો પણ બની – જેમ કે મુંબઇથી થાણા કે કલ્યાણ એમ ગણતર માઇલો પૂરતી રેલવે લાઇન હવે સપાટાબંધ આગળ ચાલી. એણે શહેરો ને ગામડાંને જોડ્યાં. રેલવે પ્રકારના ઘટનાક્રમથી વિલાયતબેઠા માર્ક્સને એ વાતે હરખ હતો કે ઇંગ્લેન્ડ-યુરોપથી નવયુગી સુધારાનો એક ઇતિહાસક્રમ શરૂ થયો છે તે હિંદને અજવાળશે. ઇંગ્લેન્ડનો સાંસ્થાનિક સ્વાર્થ ને શોષણ નથી; પરંતુ તે હિંદમાં પ્રગતિ સારુ ઇતિહાસના કરણરૂપ પણ છે.
મુશ્કેલી એ થઇ કે ગામડું શહેરના સંપર્કમાં મૂકાયું તે સાથે એની કૃષિપ્રધાન તાસીર શહેરો અને સાંસ્થાનિક સરકારની જરૂરિયાત મુજબના ઉત્પાદનની રીતે બદલાઇ. અન્ન ઉત્પાદન બાજુએ મૂકાતું ગયું ને રોકડિયા પાકની બોલબાલા થઇ. કાચો માલ ઓછા ભાવે ખરીદતી ને પાકો માલ મોંઘામૂલે માથે મારતી ગોરી ઈજારાશાહીનો યુગ બેઠો. ગુજરાતને સુપરિચિત હોઇ શકતા રોમેશ ચંદ્ર દત્ત – વડોદરા સ્ટેશને ઉતરી સરકીટ હાઉસને રસ્તે આગળ વધતાં આર.સી. દત્ત રોડ સાંભરે છે ને? – તરફથી એ કાળના આર્થિક ઇતિહાસનો જે દસ્તાવેજી આલેખ મળ્યો છે તે સંસ્થાનવાદ હેઠળની અનવસ્થા અને શોષણમૂલક યંત્રણા વિશે નિર્ભ્રાન્ત કરનારો છે. બાય ધ વે, ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં જે ચુનંદા ગ્રંથો સંભાર્યા છે તે પૈકી એક આ પણ છે.
બેશક, ઢંઢેરાની આગળપાછળના દસકાઓમાં નવી દુનિયા ખૂલતી આવતી હતી. 1844માં સુરતમાં માનવ ધર્મ સભા, 1848માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (વિદ્યાસભા), 1857માં મુંબઇ યુનિવર્સિટી, 1875માં આર્યસમાજ, 1885માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ … ‘જે જે વિક્ટોરિયા’ પરત્વે નિર્ભ્રાન્તિ, પુનર્વિચારની આ મથામણો વચ્ચે દરિયાપારથી 1913માં એક અવાજ ઊઠ્યો. સાન્ફ્રાન્સિસ્કોથી ‘ગદ્દર’ના પ્રકાશન સાથે, અને તે પણ નવેમ્બરની પહેલીએ. એને વિશે વળી ક્યારેક.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 નવેમ્બર 2023