મૂળજી જેઠા માર્કેટનો એક નોકર રોજ અડધા કલાક માટે લખપતિ બની જતો
સ્થળ : મૂળજી જેઠા માર્કેટની એક દુકાન
પાત્રો : ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના ફિલાડેલ્ફિયાવાસી લેખક નટવર ગાંધી, કવયિત્રી પન્ના નાયક, અને આપનો નાચીઝ દી.મ.
દી.મ. : જેને આ મૂળજી જેઠા માર્કેટનો જાત-અનુભવ હોય અને તેને વિષે વિગતે લખ્યું હોય એવા ગુજરાતી લેખક તો તમે એકમાત્ર છો, નટવરભાઈ. પણ એક વાત કહો, મુંબઈ આવ્યા પહેલાં તમારા મનમાં આ શહેર વિષે કેવા ખ્યાલ હતા?
નટવરભાઈ : આજના જેવાં સાધનો એ વખતે હતાં જ નહિ. મુંબઈ વિશેની જાણકારી માટેનું સાધન તે બોલીવૂડની મૂવીઝ. એ હું ધ્યાનથી જોતો. તેમાં મને મુંબઈ જોવા મળતું. એના વિશાળ રસ્તાઓ, ગાડીઓ, ખાસ તો ફેશનેબલ કપડાંમાં બનીઠનીને આંટા મારતી સ્ત્રીઓ, સૂટબૂટમાં સજ્જ થયેલા પુરુષો જોવા મળતા. મૂવીઓનું મુંબઈ જોઈને મને થતું કે હું ક્યારે મુંબઈ જાઉં, અને એ બધું રૂબરૂ જોઉં.
પન્નાબહેન : મૂવીઓ જોઈને મુંબઈના પ્રેમમાં પડેલા એમ હિરોઈનોના પ્રેમમાં પણ પડેલા તમે. એની વાત કેમ નથી કરતા?
ગુરુ દત્ત: ‘જાને હુ કૈસે લોગ થે જિનકો પ્યાર સે પ્યાર મિલા’
નટવરભાઈ : શું તું ય હવે! અત્યારે આ ઉંમરે એ બધું યાદ કરાવે છે? પણ તેં કહ્યું એટલે વાત તો કરવી પડશે. હિન્દી ફિલ્મ એટલે હીરો-હિરોઈનના પ્રેમની વાત તો હોય જ. એટલે હીરો હિરોઈન સાથે જે પ્રેમ કરતો તેનો વાઈકેરિયસ આનંદ હું અનુભવતો. નરગીસ, મધુબાલા કે મીનાકુમારી જેવી સુંદરીઓ સાથે મારે જે પ્રેમ કરવો હતો તે મારી બદલે રાજકપૂર કે દિલીપકુમાર કરતા. મૂવીમાં જો કોઈ પ્રાણ જેવો વિલન આવે તો હું એને ધિક્કારતો. એમાં ય દેવદાસ કે પ્યાસા જેવું મૂવી જોયું હોય તો હું દિવસો સુધી દુઃખી રહેતો. ઝીણો તાવ આવી જતો, જીવન નિરર્થક લાગતું. પ્યાસાનું પેલું ગીત, ‘જાને વો કૈસે લોગ થે જિન કે પ્યાર કો પ્યાર મિલા’ મારા મગજમાંથી મહિનાઓ સુધી ખસે જ નહિ. આવા પ્રેમ-વિરહનાં ગીતો મહિનાઓ સુધી હું ગણગણતો.
પન્નાબહેન : ગીતો ગણગણવાની ટેવ તો હજુ અખંડ રહી છે. પણ હવે વિરહનાં નહિ, પ્રેમનાં ગીતો જ ગણગણે છે, ગાંધી.
નટવરભાઈ : તું હાજરાહજૂર હોય પછી વિરહનાં ગીત કેમ કરી ગાઈ શકું?
દી.મ. : અને મુંબઈની પહેલવહેલી ઝલક તમને જોવા મળી તે પણ હિન્દી ફિલ્મો દ્વારા, ખરું ને?
નટવરભાઈ : હા, આ મૂવીઓમાં મને મુંબઈ જોવા મળતું. એના વિશાળ રસ્તાઓ, ગાડીઓ, ખાસ તો ફેશનેબલ કપડાંમાં બનીઠનીને આંટા મારતી સ્ત્રીઓ, સૂટબૂટમાં સજ્જ થયેલા પુરુષો જોવા મળતા. હેન્ડસમ એક્ટર અને સુંદર એક્ટ્રેસ જોવા મળતી. મૂવીઓનું મુંબઈ જોઈને મને થતું કે હું ક્યારે મુંબઈ જાઉં અને એ બધું રૂબરૂ જોઉં.
દી.મ. : અને પછી તમે મુંબઈ આવ્યા. ફિલ્મોમાં જોયેલા મુંબઈને સગી આંખે જોયું. ત્યારે તમે ક્યાં ક્યાં ફરેલા અને શું શું જોયેલું?
નટવરભાઈ : શરૂ શરૂમાં હું ફોર્ટ એરિયામાં ફરવા જતો. ઠેઠ ભવ્ય ગેટ વે ઓફ ઇન્ડિયાથી હું ચાલવાનું શરૂ કરતો. ત્યાંની તાજમહાલ હોટેલ, આગળ ચાલતાં, ડાબી બાજુ, વિશાળ કાવસજી જહાંગીર હોલ. – હા, આજે એ હોલ રહ્યો નથી. ૧૯૫૭માં પ્રવૃત્તિ સંઘનું કવિસંમેલન થયેલું ત્યારે હું ત્યાં ગયેલો.
કાવસજી જહાંગીર હોલ, ૧૯૧૧માં
દી.મ. : એક જમાનામાં ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓમાં આ પ્રવૃત્તિ સંઘનો ઘણો દબદબો હતો. પ્રવીણચન્દ્ર રૂપારેલ તેના કર્તાહર્તા હતા. ભારે હઠાગ્રહી માણસ. પાઈએ પાઈનો હિસાબ કરે, બચાવે. ઘણાં વરસ ઓલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણી નામ તો મોડેથી પડ્યું – સવારે સાતેક વાગે હિન્દી શિક્ષણના પાઠ આપતા. ત્યારે મોટા ભાગના કાર્યક્રમ ‘લાઈવ’ થતા. રેકોર્ડિંગ અપવાદરૂપ મનાતું. એ વખતે રેડિયો સ્ટેશન ક્વીન્સ રોડ પર. પ્રવીણભાઈ રહે ઠાકુરદ્વાર પાસેના માપલા મહાલમાં. રોજ વહેલી સવારે ઘરથી રેડિયો સ્ટેશન સુધી ચાલતા જાય! એ રીતે ટ્રામનો એક આનો બચે અને કસરત પણ થઈ જાય.
નાની પાલખીવાલા
નટવરભાઈ : આ જ હોલમાં વર્ષો સુધી પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ટેક્સ નિષ્ણાત નાની પાલખીવાલા દર વરસે એમનું નવા બજેટના કરવેરા વિષે જોરદાર ઇંગ્લિશમાં ભાષણ આપતા. એમને સાંભળવા આખો હોલ ભરાઈ જતો.
દી.મ. : નટવરભાઈ, પછી તો એમનાં આ ભાષણો એટલાં તો લોકપ્રિય થયેલાં કે આ હોલને બદલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં આપતા. અને ત્યારે એ સ્ટેડિયમ પણ ખીચોખીચ ભરાઈ જતું. સોરી નટવરભાઈ, હું તો વચમાં ડહાપણ ડોળવા બેસી ગયો. તમારી વાત આગળ ચલાવો.
નટવરભાઈ : ભલે. એ હોલથી થોડુંક આગળ વધો તો કાળા ઘોડા પર જમણી બાજુ જહાંગીર આર્ટ ગેલરી આવે. એની સામે ખૈબર નામનું રેસ્ટોરાં. એમાં તો અંદર જવાની પણ આપણી હિંમત ન ચાલે. એની બાજુમાં એક ટ્રાવેલ એજન્સી હતી. તેની શો વિન્ડોમાં યરપ અને અમેરિકાનાં શહેરોની જાહેરાત કરતાં પોસ્ટર્સ મુકાયાં હોય તે હું લળી લળીને જોતો.
પન્નાબહેન : અહીં એક વાત કહું, દીપકભાઈ? ગાંધી બોલે છે ત્યારે અંગ્રેજી શબ્દો ઘણા વાપરે છે એમ તમને લાગતું હશે. પણ એમની ભાષામાં હજી કાઠિયાવાડી ભાષાના પડઘા સંભળાય. જેમ કે, પોકી ગયો છું, વઈ નઈ જતી, રૂમાલ ખીચામાં છે. વચમાં ટપકી પડી એ માટે સોરી. ગાંધી, તમારી વાત આગળ ચલાવો.
નટવરભાઈ : થેન્ક યુ. હા, તો કાળા ઘોડાની ડાબી બાજુ ડેવિડ સાસૂન લાઈબ્રેરી અને એલ્ફિન્સ્ટન કોલેજ. ડેવિડ સાસૂનની પાછળ એક નાનકડો બગીચો. ત્યાં ચા-કોફીની નાનકડી દુકાન. ચા લઈને બગીચામાં બેસો અને મિત્રો સાથે અલકમલકની વાતો કરો. હું એનો મેમ્બર થઈ ગયો હતો. લો કોલેજમાં ભણતો હતો ત્યારે ત્યાં વાંચતો. એની અગાશીમાં લાંબા થઈને પડવાની વ્યવસ્થા. પણ એ બધી આર્મ ચેર ઉપર તો બુઢ્ઢા પારસીઓનો ઈજારો. સવારથી સાંજ સુધી એ ત્યાં સૂતેલા પડ્યા હોય! ધોબી તળાવ પર મેટ્રો સિનેમાની સામે એક મોટી લાઈબ્રેરી હતી. ત્યાં પણ લોકો સૂવા જ આવે. આ સૂનારાઓનો એવો તો ત્રાસ થઈ ગયેલો કે પ્યૂન દર કલાકે ટેબલ પર લાકડાની એક જાડી પટ્ટી પછાડે. પણ લોકો જાગે, અને પાછા સૂઈ જાય!
દી.મ. : અને ફ્લોરા ફાઉન્ટન આગળ આવેલા એક પૂતળા પાસે તમે ઘણી વાર ઊભા રહીને વિચારે ચડી જતા. હુતાત્મા સ્મારક તો ત્યારે હતું નહિ. તો એ કોનું પૂતળું?
નટવરભાઈ : એ પૂતળું તે ફિરોજશાહ મહેતાનું. એક જમાનામાં તેઓ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી એમની ચળવળ માટે મદદ લેવા દેશમાં આવ્યા ત્યારે ફિરોજશાહ મહેતાને મળવા ગયા હતા. પોતે તેમનાથી કેટલા પ્રભાવિત થયેલા એની વાત ગાંધીજીએ આત્મકથામાં લખી છે. તો ફિરોજશાહ મહેતા મુંબઈના જાહેર જીવનમાં કેવા અગ્રણી અને પ્રખ્યાત હતા તેની વાત કનૈયાલાલ મુનશીએ પણ પોતાની આત્મકથામાં લખી છે. એ પૂતળા આગળ ઊભો રહીને હું આ બધું યાદ કરતો. એ વખતે આ વિશાળ રસ્તાનું નામ હતું હોર્ન્બી રોડ. અને ફ્લોરા ફાઉન્ટન પર મોટી મોટી બેંકનાં તોતિંગ બિલ્ડિંગ જોવા મળે.
દી.મ. : જ્યાં આટલી બધી ઓફિસો હોય ત્યાં રેસ્ટોરાં પણ હોવાનાં જ.
૧૯૧૦માં શરૂ થયેલ છાયા રેસ્ટોરાં – હવે બંધ
નટવરભાઈ : હા, પણ તેમાંનાં ઘણાં નોકરિયાત વર્ગને પોસાય તેવાં. સસ્તાં, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં પણ ઘણાં. ટેમરિન્ડ લેનમાં એક છાયા નામનું રેસ્ટોરાં હતું. જ્યારે જ્યારે ફોર્ટ એરિયામાં જાઉં ત્યારે ત્યારે ત્યાં ધામા નાખું. કારણ સસ્તું ખરું ને? આવાં રેસ્ટોરામાં લગભગ આખો દિવસ જબ્બર ગિરદી હોય. તમે જે ટેબલ પર બેઠા હો તે ટેબલ પર બીજા ત્રણ બેઠા હોય. ચારે એક બીજાથી અજાણ્યા હોય એવું ય બને. બધા નીચે મોઢે, મૂંગા મૂંગા, જલદી જલદી ખાઈ લે. તમે ઊઠો એની રાહ જોઈને પાછળ કોક ઊભું જ હોય. જો તમારે ટેબલ પર કે બૂથમાં એકલા કે મિત્રો સાથે બેસવું હોય તો તો ‘ગે લોર્ડ’ કે ‘લા બેલા’ જેવાં વેસ્ટર્ન સ્ટાઈલનાં મોંઘાં રેસ્ટોરાંમાં જવું પડે. પણ ત્યાં જવાની તો મારી ત્રેવડ નહિ. મુંબઈમાં અમારા જેવા વેજિટેરિયન ગુમાસ્તાઓ માટે મોંઘા રેસ્ટોરાં તો ફક્ત બહારથી જોવાનાં. ખાવાની મજા માણવાની તે તો ચીપ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરામાં જ.
પન્નાબહેન : અરે, આટલા વરસ પછી અમેરિકામાં પણ ગાંધી સૌથી પહેલાં જવાનું પસંદ કરે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરામાં.
નટવરભાઈ : ‘પડી ટેવ તે તો ટળે કેમ ટાળી?’ ઉડીપી રેસ્ટોરાની કોફી મને બહુ ભાવતી. લુંગી પહેરેલો વેટર તમારા ટેબલ પર આવીને કપ-વાટકામાં જે રીતે એક પણ ટીપું બહાર ન પડે એમ કોફી ઉછાળે તે હું જોઈ રહેતો. એવી મજેદાર કોફી મને હજી સુધી ક્યાં ય મળી નથી. અમેરિકાના વિખ્યાત સ્ટારબક કોફી હાઉસમાં પણ નહિ.
દી.મ. : નટવરભાઈ! તમે મુંબઈમાં હતા ત્યારની તમારી નબળી આર્થિક સ્થિતિની વાત તમે બહુ નિખાલસતાથી કરી. પણ તમે મૂળજી જેઠા માર્કેટમાં નોકરી કરતા હતા ત્યારે રોજ અડધા કલાક માટે લખપતિ બની જતા, એ વાત શી હતી?
નટવરભાઈ : અરે, એ વાત તો બહુ દિલચસ્પ છે. પેઢીમાં બહારગામની મિલોમાંથી જે માલ આવતો તે છોડાવવાનું કામ મારે માથે હતું. તે માટે હૂંડીઓ ભરવાની હોય. એક બૅંકમાંથી લાખો રૂપિયા ઉપાડી બીજીમાં ભરવાના અને હૂંડી છૂટે. ઘણી વાર તો આખી સવાર એમાં જ જાય. એ જમાનો કસ્ટમર સર્વિસ કે ટેક્નોલોજીનો નહોતો. એક બૅંકમાંથી પૈસા ઉપાડું, ટૅક્સીમાં બેસી બીજી બૅંકમાં જઉં. મારી પાસે બેગમાં લાખો રૂપિયા હોય. અડધો એક કલાકની ટૅક્સી રાઇડમાં હું લખપતિ બની જતો. આવી રીતે લાખો રૂપિયા લઈને જવું આવવું એ કેટલું જોખમી હતું એવો વિચાર પણ આવ્યો નહોતો, કે એવું પણ વિચાર્યું નહોતું કે આમાંથી પાંચેક હજારની ગાપચી મારી લઉં તો મારો ઓરડીનો સવાલ ઊકલી જાય. કોને ખબર પડવાની છે? જો કે એવું કાંઈ કરવાની હિંમત પણ નહોતી.
દી.મ. : નટવરભાઈ, હજી તમારી આંખે ઘણું મુંબઈ જોવાનું બાકી છે. પણ આજે તો ‘આવજો’ કહેવું પડશે. આવતા અઠવાડિયે ફરી મળીશું. આવજો પન્નાબહેન, આવજો નટવરભાઈ.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 04 નવેમ્બર 2023)