
રમેશ ઓઝા
ઋગ્વેદના પહેલા મંડલના ૮૯માં સૂક્ત(જે શાંતિપાઠ સૂક્ત તરીકે ઓળખાય છે)ના પહેલા મંત્રમાં કહેવામાં આવ્યું છે: आनो भद्रा: क्रतवो यन्तु विश्वतः અર્થાત્ દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ. પણ સવાલ એ છે કે જે વિચારો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એ દરેક વિચાર શુભ હોતા નથી અને એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે જેને આપણે કલ્યાણકારી શુભ વિચાર માનીએ છીએ એ બીજાને કલ્યાણકારી અને શુભ ન પણ લાગતો હોય. ખાસ કરીને પરંપરા, પરંપરાજન્ય મૂલ્યવ્યવસ્થા, પરિવાર, સમાજ, ધર્મ, દેશ, રાષ્ટ્ર, રાષ્ટ્રીય સુરક્ષા વગેરે એવી બાબતો છે જેમાં એક વ્યક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવતો ભદ્ર અને કલ્યાણકારી વિચાર બીજાને ભદ્ર અને કલ્યાણકારી ન પણ લાગતો હોય.
જેમ કે સ્ત્રીએ ઘરની મર્યાદાનું પાલન કરવું જોઈએ, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પતિવ્રતા જીવન ગાળવું જોઈએ, પતિની સેવા કરવી જોઈએ, તેનાં સુખમાં પોતાનું સુખ જોવું જોઈએ, ઘર સંભાળવું જોઈએ, બાળકોનો ઉછેર કરવો જોઈએ વગેરે વગેરે કેટલા ભદ્ર વિચારોથી સ્ત્રીને શણગારવામાં આવી છે. જેમ કે ધર્મવચન અને ગુરુના વચન પર શ્રદ્ધા રાખવી જોઈએ અને કદાપિ શંકા ન કરવી જોઈએ, કારણ કે શંકા વિનાશનું કારણ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે એવા ભદ્ર વિચારો ધર્મગુરુઓના મુખેથી પ્રગટ થતા હોય છે. જેમ કે પોતાની જન્મભૂમિથી પવિત્ર ચીજ એકે ય નથી એટલે રાષ્ટ્ર માટેની વફાદારી તેમ જ રાષ્ટ્રસમર્પણ માનવીય ફરજોમાં ટોચના સ્થાને છે એવા ભદ્ર વિચારો દેશભક્તો રોજેરોજ વ્યક્ત કરે છે.
પણ શું આ વિચાર ખરેખર ભદ્ર છે? પુરુષપ્રધાન સમાજમાં પારિવારિક મૂલ્યોનાં નામે દિવસરાત દળાતી સ્ત્રીને પૂછી જુઓ કે તેને એ વિચાર ભદ્ર લાગે છે? ભદ્રતાનો ભાર એકલી સ્ત્રી ઉપર હોય એને ભદ્ર કહેવાય? કલ્યાણકારી કહેવાય? પૂછી જુઓ દલિતોને, છેવાડાના માનવીને અને સ્ત્રીઓને કે તેમને ધર્મવચન, ગુરુની આજ્ઞા અને શંકાતીત સમર્પણમાં ભદ્રતા નજરે પડે છે? પૂછી જૂઓ કોઈ પણ દેશના સીમાડે વસતી પ્રજાને કે તેમને મધ્યભૂમિમાં વસતી પ્રજાની રાષ્ટ્રભક્તિમાં ભદ્રતા નજરે પડે છે? સીમાડાની પ્રજાને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે આખું જીવન અક્ષરસઃ લશ્કરી છાવણીમાં વિતાવવું પડતું હોય છે. તે નામ માત્ર આઝાદી ભોગવે છે. જોડાનો ડંખ એને વરતાય જેને એ પહેરવો પડતો હોય.\
તો વાત એમ છે કે આપણને જે ભદ્ર લાગે, સુંદર લાગે, કલ્યાણકારી લાગે એ દરેકને લાગે એ જરૂરી નથી. હમણાં કહ્યું એમ જોડાનો ડંખ જેને ખમવો પડતો હોય એને ખબર હોય કે એ ભદ્ર વિચાર કેટલો ભદ્ર છે. તો પછી ખરેખર ભદ્ર વિચાર કેવો હોય? ઋગ્વેદના ઋષિને જે વિચારની ભદ્રતા અભિપ્રેત છે એ વિચાર કેવો હોય? આનો તોડ ગાંધીજીએ આપ્યો છે. ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે પણ કોઈ વિચાર કે વ્યવહારની ભદ્રતા વિષે અથવા તે કલ્યાણકારી છે કે કેમ એવો પ્રશ્ન થાય ત્યારે હાંસિયામાં રહેલા છેવાડાના માણસ વિષે વિચારો. તેને તો નુકસાન નહીં થાય ને! ભદ્ર વિચાર એ છે જે નિર્વિરોધી હોય અને અપવાદ વિના સાર્વત્રિક કલ્યાણકારી હોય. એમાં કોઈને પણ અન્યાય કરવામાં ન આવતો હોય. અને જો અપવાદરૂપે વિશાળ માનવહિતમાં કોઈને ત્યાગ કરવો પડતો હોય તો એ ત્યાગ કરનાર વ્યક્તિ માટે ઊંડો અનુરાગ હોય. ગ્લાનિ અનુભવતો હોય. ઋગ્વેદના ઋષિને આવી ભદ્રતા અભિપ્રેત છે અને તેનો ગાંધીજીએ વ્યવહારમાં તોડ બતાવ્યો હતો.
પણ કેટલાક લોકો એવા હોય છે જેને પરંપરા, સંસ્કૃતિ, ધર્મ, સમાજ, પરિવાર, રાષ્ટ્ર, રાષ્ટ્રની સુરક્ષા એટલાં વહાલાં છે કે એના વિષે કોઈ પ્રશ્ન કરે તો તે તેમને ગમતું નથી. દ્રોહી હોવાનો આરોપ તેઓ તાબડતોબ લગાવે છે. તેઓ એ નથી સમજતા કે સમજવા માગતા કે પ્રશ્ન કરનારાઓ તેનાં નામે થતા કે કરવામાં આવતા અન્યાય સામે પ્રશ્ન કરે છે. માનવીએ રચેલી કોઈ રચના સંપૂર્ણ નથી અને તેમાં રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. જન્મભૂમિ ઈશ્વરે આપી છે, પણ રાષ્ટ્રની કલ્પના માનવીય છે. એટલે તો વતનપ્રેમ અને રાષ્ટ્રવાદ એ બે જુદી વસ્તુ છે. જે પ્રશ્ન કરે છે એ પરિવાર, સમાજ, ધર્મ, રાષ્ટ્ર, પરંપરા કે સંસ્કૃતિના વિરોધી નથી, પરંતુ તેના નામે કોઈને અન્યાય કરવામાં આવે, કોઈનું શોષણ કરવામાં આવે અને ઉપરથી તેને યોગ્ય ઠેરવવામાં આવે કે તે તરફ ઉપેક્ષા કરવામાં આવે તેની સામે ઊહાપોહ કરે છે. તેઓ સૌથી પહેલાં માનવતાવાદી છે અને એ પછી બીજું બધું છે. ધર્મવચન હોય કે રાષ્ટ્રવાદ દરેકની માનવતાની એરણે ચકાસણી થવી જોઈએ.
પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને આવા લોકો પસંદ નથી. દશેરાને દિવસે નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધતા તેમણે આવા લોકોને ચડામણીખોર (વોક પીપલ એવો તિરસ્કારયુક્ત અંગ્રેજી શબ્દપ્રયોગ તેમણે કર્યો હતો.) તરીકે ઓળખાવ્યા હતા. મોહન ભાગવતે કહ્યું હતું કે આ લોકો સમાજમાં પરાણે પેટ ચોળીને શૂળ પેદા કરે છે અને સમાજમાં અરાજકતા પેદા કરે છે.
હા, મોહન ભાગવતની વાત તો સાચી છે. સમાજમાં એવા કેટલાક લોકો છે જે પારકી છઠ્ઠીના જાગતલ છે. જેઓ ન્યાયને સર્વોપરી ગણે છે અને મહાન વારસા કરતાં માણસાઈને વરેલા છે. જ્યાં માણસાઈનો લોપ થતો હોય ત્યાં અવાજ ઉઠાવવો જ જોઈએ, જેને અન્યાય થતો હોય તેને જગાડવા (woke) જોઈએ, ઊભા કરવા જોઈએ, તેમનો અવાજ કહેવાતી જૂઠી ભદ્રતાના વાઘા પહેરેલાઓ પણ અંદરથી અસંવેદનશીલ બધીર લોકોના કાન સુધી પહોંચવો જ જોઈએ. કોઈના ભોગે કોઈનો મહિમા કરવાનો કોઈને અધિકાર નથી. આવા મોહન ભાગવતની ભાષામાં ચડામણીખોર લોકો જ્યારે પ્રશ્ન કરે ત્યારે પ્રસ્થાપિત વ્યવસ્થામાં સ્વાર્થ ધરાવનારાઓને, સમાજમાં અને પરિવારમાં સરસાઈ ધરાવનારાઓને અને ધર્મ તેમ જ છીછરા રાષ્ટ્રવાદને નામે સત્તા ભોગવનારાઓને પેટમાં દુઃખે એ સ્વાભાવિક છે.
માટે ચડામણીખોરોનો જય હો!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2023