ઝવેરીલાલ મહેતા એક વ્યક્તિનામ માત્ર નથી, ફોટો જર્નાલીઝમના એક આખા યુગનું નામ છે. એમના સુવર્ણ કાળમાં પણ એ એક અને અનન્ય હતા અને આજે પણ એમની જોડનો કોઈ નથી. વ્યવસાયી ઉપરાંત, વ્યક્તિત્વમાં પણ રજવાડી. એમના જીવનમાં ઢીલું પોચું કે કરચલીવાળું કઈ ના મળે. ૯૭ વર્ષે પણ ટટ્ટાર, ટકોરાબંધ અને ટીપટોપ, એમની ટ્રેડમાર્ક હેટ સાથે ચાલતા. એટલે જ જુઓને, આ લોક છોડીને પરલોકમાં જવાનું મહુરત પણ કેવું પસંદ કર્યું, દેવ દિવાળીનું. સાંજના એમણે આખરી શ્વાસ લીધો ત્યારના લોકો એમના ઉત્સવસભર જીવનને અંજલિ આપતા ફટાકડા ફોડે છે.
આમ તો એમનો પરિચય છાપાં વાંચતા શીખ્યો ત્યારનો. ‘ગુજરાત સમાચાર’ વાંચવાની શરૂઆત પહેલા પાને એમનો ફોટો અને એની નીચેની ફોટોલાઈનો વાંચીને જ થાય. ક્યારેક એમની ફોટોલાઈનો ફોટા કરતાયે લાંબી હોય. ફોટો એવો કે એ જોઇને થાય, કે આને ફોટોલાઈનની શી જરૂર! અને ફોટોલાઈન વાંચીને થાય, કે આમાં તો નવો જ ફોટો પ્રગટ્યો. ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ફોટા નીચે વિગતવાર ફોટોલાઈનોની શરૂઆત કરનારા અને એને પ્રચલિત કરનારા આપણા ઝવેરીલાલ.
એમનો રૂબરૂ પરિચય ૧૯૯૦ની એક સાંજે થયો, જયારે ગુજરાતી પત્રકારત્વ અને ‘ગુજરાત સમાચાર’માં મેં પહેલો પગ મુક્યો. જોગાનુજોગ, ફોટોગ્રાફર શૈલેશ રાવલનો પણ એ પહેલો દિવસ હતો. ‘ગુજરાત સમાચાર’માં ઝવેરીલાલનું એકચક્રી શાસન. બીજા સીનિયર ફોટોગ્રાફર જી.એચ. માસ્ટર હતા, પણ ઝવેરીલાલનાં તાપ સામે એ ભલા માણસ. હવે ત્રીજા ફોટોગ્રાફર તરીકે શૈલેશ રાવલની એન્ટ્રી થઇ. મોડી સાંજે આપણા હીરો ઝવેરીલાલ તંત્રી વિભાગમાં પ્રવેશ્યા અને મારા ટેબલ પર જ એમની કેમેરા બેગ મૂકી બોલ્યા, “મારી દુકાન આગળ એક લારી (જી.એચ. માસ્ટર) તો હતી, હવે ખુમચાવાળો (શૈલેશ રાવલ) પણ આવી ગયો! ગમે તે આવે ને જાય, પહેલા પાને ચાર કોલમ તો શેઠે કાયમ માટે આપણને જ ભાડે આપી દીધી છે!” આ ઝવેરીલાલનો કાયમી મિજાજ, કોઈની સાડાબારી રાખ્યા વિના પોતાના મનમાં આવે એ બોલી નાખવું. પછી પોતે ફોડેલા બોમ્બની અસરની ચિંતા કર્યા વિના, સુરેશ મિસ્ત્રીને લઈને ડાર્ક રૂમમાં ફોટો ડેવલપ કરવા જતા રહે. બીજે દિવસે પહેલે પાને એમનો જ ફોટો હોય એ કહેવાની જરૂર ખરી? એ વખતે પણ એમની ઉંમર ૬૫ વર્ષની હતી. ૭૫ વર્ષની ઉંમર પછી એમણે ‘ગુજરાત સમાચાર’ જવું બંધ કરેલું, પણ ‘ગુજરાત સમાચાર’માં એમની ફોટોગ્રાફી તો એમના ૯૭ વરસ સુધી ચાલી. લાગલગાટ અડધી સદીથી પણ વધુ, એમના અંતિમ શ્વાસ સુધી.
આમ તો એ મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કોમર્સીઅલ આર્ટીસ્ટ થઇ, અમદાવાદની અરવિંદ મિલમાં કાપડની ડીઝાઈન બનાવવાની નોકરીએ લાગેલા, પણ મૂળે જીવ છાપાનો એટલે ફોટા પાડીને અલગ અલગ છાપાંમાં આપે. ૧૯૭૨નાં અરસામાં ‘ગુજરાત સમાચાર’ના શાંતિલાલ શાહને દિલ્હીમાં એક ફોટોગ્રાફરની જરૂર વર્તાઈ અને એમણે ઝવેરીલાલને કહેણ મોકલ્યું. ઝવેરીલાલ તો આવી તક અને પડકારની જ રાહ જોતા હતા. થોડા સમયમાં જ એમણે ત્યાં એવો સિક્કો જમાવ્યો, કે વડા પ્રધાન ઇન્દિરા ગાંધી એમને રક્ષાબંધને રાખડી બાંધતાં થયાં.
ઝવેરીલાલ મશ્કરા પણ બહુ. ભલભલાની ફિલમ ઉતારે. મિમિક્રી પણ આબેહૂબ કરે. એમના નખરા અને હીરોગીરી જોઇને ક્યારેક થાય કે ઝવેરીલાલ મહેતા છાપાને બદલે રંગભૂમિ કે ફિલ્મોમાં ગયા હોત તો રમેશ મહેતા જેવા જ મહા નટ થયા હોત. ગમે તે મંચ હોય, ઝવેરીલાલના કેમેરાના ફોકસમાં હંમેશાં જીવન રહ્યું. એ કહેતા પણ, હું ચોપડા નથી વાંચતો, માણસોના ચહેરા વાંચું છું. એમના પત્રકારત્વમાં આવ્યા અગાઉ, છાપામાં પહેલા પાને નેતાઓના ઉદ્દઘાટનમાં રિબીન કાપતા કે દીપ પ્રગટાવતા ઔપચારિક ફોટા જ છપાતા. સૌપ્રથમ ઝવેરીલાલ જ સામાન્ય માણસને છાપાના પહેલે પાને લઇ આવ્યા.
હજુ તો છ મહિના પહેલા જ એમને રૂબરૂ મળવાનું થયું, ત્યારે કલ્પના નહોતી કે આ છેલ્લીવારનું હશે. શ્રેયાન્શભાઈ શાહે ‘ગુજરાત સમાચાર’ના ૯૦ની આસપાસ પહોચેલા ચાર જૂના જોગીઓ – ઝવેરીલાલ મહેતા, હરીશ નાયક, યશવંત મહેતા અને નટુ મિસ્ત્રી – નું એક અનૌપચારિક મિલન એમને બંગલે રાખ્યું હતું. એ વખતનો આ ફોટો જુઓ, એમાં ઝવેરીલાલનો ઉત્સાહ જોતા લાગતું હતું, કે એમના શતાબ્દી સમારોહમાં બહુ રોનક હશે.
એ પછી થોડા સમય બાદ એમનો ફોન આવ્યો, ૯૭ વરસે એ જ ટકોરાબંધ અવાજ, “બાપુ, ચ્યવનપ્રાશ કયો સારો? મારે શરૂ કરવો છે, હવે ફોટા પાડવા જાઉં ત્યારે થોડો થાક વર્તાય છે!”
સૌજન્ય : ધીમંતભાઈ પુરોહિતની ફેઇસબૂક દીવાલેથી સાદર