વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ભારતની હારને ઘણા ક્રિકેટ રસિકોએ બહુ ખેલદિલીથી સ્વીકારી, પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એ જીતને જીરવી ન શક્યા. ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર મિશેલ માર્સે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકી ફોટો પડાવ્યો ને કેપ્ટન પેટ કમિન્સે તે ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ પણ કર્યો. એક તરફ પહેલીવાર વર્લ્ડ કપ જીતતો ભારતીય કેપ્ટન કપિલદેવ ટ્રોફી માથે મૂકીને તેનું ગૌરવ કરે છે ને બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રોફી પર પગ મૂકી તેનું અપમાન કરે છે. આમ કરીને તો તે પોતાનું છીછરાપણું જ પ્રગટ કરે છે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે કોઈને જ ગૌરવ ન રહે એ રીતનો ટ્રોફી સાથેનો વ્યવહાર મિશેલના આત્મવિશ્વાસને નહીં, પણ તેના અહંકારને જ પ્રગટ કરે છે. આ એક મોટી ભૂલ છે, પણ તે કબૂલ કરવા જેટલો વિવેક તો ઓસ્ટ્રેલિયન ટીમમાં ક્યાંથી હોય?
આનાથી વધુ છીછરી માનસિકતા વર્લ્ડ કપ 2023ને નિમિત્તે રાજકીય પક્ષોએ પ્રગટ કરી છે જે વધારે શરમજનક છે. એક તરફ પાંચ રાજ્યોની ચૂંટણી અને બીજી તરફ આવી રહેલી લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સામા પક્ષનું અપમાન કરીને જ પોતાનું સ્વમાન જાળવી લે છે. શરમ અને સંકોચ કોઈ પણ પક્ષને ન રહે તો સમજવું કે ચૂંટણી આવી રહી છે અથવા તો ચાલી રહી છે. અત્યારે આ બંને સ્થિતિ છે ત્યારે મોટે ભાગે રાજકીય પક્ષોને ક્યાં ય ચામડી જ રહેતી નથી કે કોઈ વાતે રૂંવાડું ફરકવાનો સવાલ રહે, પરિણામે વાત સામસામા આક્ષેપો અને અપમાન સુધી આવી રહે છે. ગરિમા જેવો શબ્દ લગભગ આઉટડેટેડ થઈ ગયો છે એટલે હીન કોટિના આક્ષેપો કરવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. ચૂંટણી એટલે જ સામેવાળાને નીચા બતાવી પોતાનું છીછરાપણું શિખર પર મૂકવું. સદ્દભાગ્યે આવી તક કોઈ ચૂકતું નથી. હેતુ એક જ હોય છે – સામેવાળાને નિર્વસ્ત્ર કરતાં જઈને પોતાની નગ્નતા ખુલ્લી કરવી. આ બધાંમાં પ્રજા ક્યાં ય આવતી નથી ને વાતો તો પ્રજા હિતની જ થાય છે. જો કે, પ્રગટ હેતુ તો સત્તા મેળવવાનો જ રહે છે. જેની પાસે સત્તા છે તે ટકાવી રાખવા માંગે છે ને નથી તે મેળવવા મથે છે. એને માટે કોઈ પણ પાપ કરવાનો કોઈને જ વાંધો નથી હોતો, ગમ્મત એ છે કે આ બધું પાછું ચોર કોટવાળને દંડે એ ન્યાયે થાય છે.
બન્યું એવું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ જોવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. દરેક ટીમને હરાવી ચૂકેલું ભારત વર્લ્ડ કપ જીતશે જ એવી આગોતરી ખાતરી ભારતીય ટીમ માટે આખા દેશની હતી, પણ ઘોડું દશેરાએ જ ન દોડ્યું ને વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાના કબજામાં ગયો. બહુ થાય તો ક્રિકેટ રસિકોને વાંધો પડે ને એ લવારે ચડે એમ બને, પણ રસ કાઁગ્રેસને પડ્યો. તે એટલે કે સ્ટેડિયમમાં વડા પ્રધાન મેચ જોવામાં હાજર હતા. બસ ! કાઁગ્રેસી પૂર્વ પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીને બહાનું મળી ગયું ને તેમણે એવું બાલિશ સ્ટેટમેન્ટ કર્યું કે પી.એમ. મેચ જોવામાં હાજર હતા એટલે ભારત વર્લ્ડકપ હારી ગયું. પી.એમ. એટલે પનોતી મોદી એવી નવી વ્યાખ્યા રાહુલ ગાંધીએ આપી. પનોતી એટલે શનિની દશા, પડતીનો સમય એવી સામાન્ય સમજ લોકોમાં પ્રવર્તે છે. તેને પી.એમ. સાથે જોડીને રાહુલ ગાંધીએ પનોતીને જ આમંત્રણ આપ્યું છે. ‘મોદી’ નિમિત્તે રાહુલ પર એક કેસ તો ચાલે જ છે, તેમાં નવી ‘પનોતી’ બેસતાં ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. વાત આટલેથી અટકતી નથી, પનોતીનો ઉપયોગ કરીને કાઁગ્રેસે કાર્ટૂનો, પોસ્ટરો પણ બહાર પાડ્યાં છે ને વડા પ્રધાનને પનોતી-એ-આઝમ કહીને તેમની ઠેકડી ઉડાવી છે. પંજાબ કાઁગ્રેસે તો ‘પનોતી, તુમ કબ જાઓગે? ’જેવો સોંસરો સવાલ પણ પૂછી લીધો છે. પી.એમ.ને ખિસ્સાકાતરુ કહેવા સુધી કાઁગ્રેસ ગઈ છે. આવું કરવાથી કાઁગ્રેસને કોઈ લાભ નહીં થાય એવું લાગતાં, કેટલાક કાઁગ્રેસી નેતાઓને જ તેનો વાંધો પડ્યો છે, ભૂતકાળમાં પણ કાઁગ્રેસે ‘મૌતના સૌદાગર’, ‘ચૌકીદાર ચોર હૈ’, ‘ચાઇવાલા’, ‘’ફેંકુ’, ‘નીચ આદમી’ જેવા અણછાજતા શબ્દ પ્રયોગો મોદી માટે કર્યાં છે. એનાથી ભૂતકાળમાં કાઁગ્રેસને તો નુકસાન જ થયું છે. ટૂંકમાં, ‘પનોતી’નો ઉપયોગ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારે એમ બને. એમને નોટિસ અપાઈ છે ને માફી મંગાવવા સુધી વાત આવી છે.
બાકી, હતું તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તો નામ દીધાં વગર નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે કહ્યું કે પાપીઓ વર્લ્ડકપ ફાઇનલ જોવા બેઠા એટલે ઇન્ડિયા હારી ગયું. આ મેચ કોલકાતા કે મુંબઈમાં રમાડાઈ હોત તો ભારત વર્લ્ડ કપ જીતી ગયું હોત. મમતાએ ભગવાકારણનો વાંધો ઉઠાવતા એમ પણ કહ્યું કે ભારતીય ખેલાડીઓ ભગવી જર્સી પહેરવા માંગતા નથી, પણ તેમને પરાણે પહેરાવવામાં આવે છે. વિપક્ષોએ એ સમજવાની જરૂર છે કે માત્ર ટીકા કે મજાક-મશ્કરી કરવાથી ચૂંટણી જીતાતી નથી. એમ પણ લાગે છે કે સામસામી ટીકાઓ કરવા સિવાય શાસકો કે વિપક્ષો પાસે કોઈ કામ રહ્યું નથી. એમને એમ જ છે કે આવી ટીકાઓ કરવાથી જ પ્રજા મત આપશે. જો કે, પ્રજાને આટલી ભોળી આંકવાની જરૂર નથી. કાઁગ્રેસ કે તૃણમૂલ કાઁગ્રેસ કે અન્ય વિપક્ષો જ સરકારની ટીકા કરે છે એવું નથી, શાસક પક્ષ અને તેમાં ય વડા પ્રધાન પોતે કાઁગ્રેસની ને તેનાં નેતાઓની ટીકા કરવાની એક પણ તક ચૂકતા નથી. નહેરુ, ઇન્દિરા, સોનિયા કે રાહુલ ગાંધીની ટીકા કરવામાં પી.એમ. પણ વિવેક ચૂકે છે. સોનિયાની જર્સી ગાય, રાહુલની પપ્પુ કહીને ટીકાઓ ઓછી નથી થઈ. પૂર્વ પી.એમ. મનમોહનસિંહ અને કાઁગ્રેસી નેતા શશિ થરૂર માટે પણ અશોભનીય ટિપ્પણીઓ શાસક પક્ષ તરફથી થઈ જ છે. આમાં કોને નીચા દેખાડીને રાજકીય લાભ ખાટી શકાય એમ છે – એ રીતે આવી ટીકાઓનો લાભ લેવાય છે. એમાં કોઈ, કોઈનાથી ઊતરે એમ નથી. હકીકત એ છે કે વાલને વખાણવા જેવો નથી કે ચણાને ચાખવા જેવો નથી. રાહુલ ગાંધીએ પી.એમ.ને પનોતી કહ્યા તો ભા.જ.પ.ના પ્રવક્તા શહેઝાદ પૂનાવાળાએ પ્રિયંકા, રાહુલ, સોનિયા, રાજીવ, નહેરુ, રોબર્ટ અને ઇન્દિરાનાં નામની સ્પેલિંગનો ઉપયોગ કરીને ‘PANAUTI’ ક્રિએટ કરી અને ‘યે હૈ ભારતકી અસલી પનૌતી’ જેવું પોસ્ટરમાં ઉમેર્યું. કાઁગ્રેસ પનોતી કહે તો ભા.જ.પ. પણ પનોતી કહે એમાં તંદુરસ્ત સ્પર્ધા નથી. સ્પર્ધા એકબીજાને વધુને વધુ નીચા દેખાડવાની છે. એમાં ખેલદિલી દૂર દૂર સુધી ક્યાં ય જોવા મળે એમ નથી. આમ કરવાથી કોનું શું ને કેટલું ભલું થાય છે તે તો જે તે પક્ષ જાણે, પણ પ્રજાને કરમુક્ત મનોરંજન સિવાય કોઈ પ્રાપ્તિ નથી. આવી બાલિશ રમતો બંધ થવી જોઈએ, કારણ આ કોઈને શોભતું નથી. જો રાહુલનું પી.એમ.ને પનોતી મોદી કહેવાનું યોગ્ય ન હોય તો, શહેઝાદ પૂનાવાળાનું કાઁગ્રેસને અસલી પનોતી કહેવાનું કઇ રીતે યોગ્ય છે? કોઈએ પનોતી કહ્યું એટલે અન્યને પણ તેવું કહેવાનો અધિકાર મળી જતો નથી.
આજકાલ શાસક પક્ષ કે વિપક્ષ સામસામા આક્ષેપો કરીને કામ કાઢી લે છે. એમાં વિપક્ષ તો આક્ષેપો કરીને જ દા’ડા કાઢે છે. તેની પાસે પ્રજાની પીડા દૂર થાય એવો કોઈ ઉકેલ હોય તો આનંદ જ થાય, તો એ જ સ્થિતિ શાસક પક્ષની પણ છે. નહેરુને ગુજરી જવાને પણ સાંઠ વર્ષ થવાના. એનું વારંવાર તર્પણ કર્યાં કરવાથી નથી પ્રજાની હોજરી ભરાતી કે નથી તો સરકારને વધુ મત મળતા. ભા.જ.પ.ને પણ કેન્દ્રમાં સત્તામાં આવ્યાને દાયકો થવાનો. ખરેખર તો કાઁગ્રેસને ભાંડીને પરોપજીવી બનવાને બદલે ભા.જ.પે. આત્મનિર્ભર ને સ્વાવલંબી બનવાની જરૂર છે. એટલું સ્પષ્ટ છે કે કાઁગ્રેસને ભાંડીને હવે લાંબું નહીં ખેંચાય. આટલી યોજનાઓ ને આટલો વિકાસ કર્યો હોય તો કાઁગ્રેસ કે વિપક્ષોના જમાવડાની ચિંતા કર્યાં વગર ભા.જ.પે. ઠોસ પરિણામોની જ વાત કરવાની રહે. એ જ રીતે કાઁગ્રેસ કે અન્ય વિપક્ષોએ પણ એ સમજી લેવાનું રહે કે ‘પનોતી’, ‘ફેંકુ’, ‘ચાયવાલા’ જેવું કહેવાથી પ્રજા મત નથી આપવાની. કોઈ નક્કર યોજના કે કામ પ્રજાહિતનું નહીં થાય તો વિપક્ષનો દા’ડો વળવાનો નથી.
આજની તારીખમાં પરિપક્વતાની ખોટ શાસકોમાં ને વિપક્ષોમાં સરખી જ વર્તાય છે ..,
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 નવેમ્બર 2023