દેશપ્રેમના અભાવમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ ભણવા જાય છે એવું નિદાન નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-(ફેમસ એન.સી.ઈ.આર.ટી.)એ કર્યું છે અને તેના ઈલાજ તરીકે વિદ્યાર્થીઓને શાળામાં જ રામાયણ, મહાભારત અને અન્ય પ્રાચીન વિદ્યાઓ ભણાવાશે અથવા તેનાથી પરિચિત કરાવાશે. એન.સી.ઇ.આર.ટી.ના કહેવા મુજબ દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અને પછી ત્યાં જ ઠરી ઠામ થઈ જાય છે. જો તેમની અંદર દેશાભિમાન જાગૃત કરવામાં આવે અને ભારતીય સંસ્કૃતિ તેમ જ તેનાં મહાન વારસાનો પરિચય કરાવવામાં આવે તો વિદેશમાં સ્થળાંતરિત થવાનું પ્રમાણ ઘટી શકે.
દેશમાં ઘણા સમયથી ઊહાપોહ કરવામાં આવી રહ્યો છે કે દેશમાં હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર આવી એ પછીથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો દેશ છોડીને અન્યત્ર જઇ રહ્યા છે. ૨૦૧૯માં લોકસભામાં મોટી બહુમતી મેળવ્યા પછી સરકારે આક્રમકપણે હિન્દુ રાષ્ટ્રવાદી ધોરણ અપનાવ્યું તેમ જ શૈક્ષણિક સુધારાઓ કરવાનું તેમ જ પાઠ્યપુસ્તકો બદલવાનું શરૂ કર્યું એ પછીથી સ્થાળાંતરિત થનારાઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. જેમ કે ખુદ એન.સી.ઇ.આર.ટી.નાં પાઠ્ય પુસ્તકોનો હવાલો આપીએ તો તેમાં ચંદ્રયાન વિષે માહિતી આપ્યા પછી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે ભારતમાં તો પ્રાચીન યુગથી જ અવકાશ સંશોધન થતું હતું અને ચંદ્રયાન જેવાં યાનો અવકાશમાં જતાં હતાં. આ મહાન સંસ્થાએ ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પ્રત્યેક હિન્દુ રાજવીનાં પરાક્રમો વર્ણવ્યાં છે અને કેટલાક પરાજિત રાજાઓને મુસલમાનો સામે વિજેતા પણ જાહેર કરી દીધા છે. આ સંસ્થાએ એમ પણ વિચાર્યું છે કે ભારતીયોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ જાગૃત કરવા અંગ્રેજી ભાષાનાં પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે.
બિચારા ભારતીય પ્રજામાં અને યુવાઓમાં દેશપ્રેમ જાગૃત કરવા કેટલી જેહમત ઊઠાવી રહ્યા છે અને છતાં સગવડ ધરાવનારા ભારતીયો દેશપ્રેમ તડકે મૂકીને ભારતમાંથી ઉચાળા ભરી રહ્યા છે. ૨૦૨૨માં સવા બે લાખ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે. ૨૦૧૯નાં પહેલાંનાં વર્ષોની તુલનામાં ત્રણ ગણો વધારો થયો છે. વિદેશમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વરસના અંતે દસ લાખ સુધી પહોંચશે. એમાં પણ ૨૦૧૯ની પહેલાંનાં વર્ષોની તુલનામાં અઢી ગણો વધારો થયો છે.
ચાલો એક કામ તો સારું થયું કે હિન્દુત્વવાદી શિક્ષણમહર્ષિઓએ મોડે મોડે પણ કબૂલ કર્યું કે વિશ્વગુરુ ભારતનાં મોટી સંખ્યામાં હિન્દુ વિધાર્થીઓ દેશ છોડીને વિદેશ જઈ રહ્યા છે અને જો અનુકૂળતા હોય તો માબાપ સહિત આખા ને આખા પરિવારો વિદેશ જઈ રહ્યા છે અને ભારતનું નાગરિકત્વ પણ છોડી રહ્યા છે. મેં આ વિષે વરસ પહેલાં ચેતાવણી આપનારો લેખ લખ્યો હતો તો મને એક ભક્ત દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમે ક્યારે જાવ છો.
ક્યારેક કડવી વાસ્તવિકતા સ્વીકારતા શીખવું જોઈએ. બીજા દેશો અને સમાજ પાસેથી ધડો લેતાં શીખવું જોઈએ. એનાંથી તમને અને તમારા સંતાનોને ફાયદો થવાનો છે, બીજાને નથી થવાનો. કડવી વાસ્તવિકતા એ છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દેશભક્તિના અભાવમાં વિદેશ નથી જતા પણ નકલી દેશભક્તિના અતિરેકના કારણે દેશ છોડીને જતા હોય છે. જગતને સારાનરસાનું ભાન નહોતું ત્યારે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવતી હતી અને ગણપતિ તેનું પ્રમાણ છે એ ભણવાથી દિ વાળવાનો નથી એ સાધનસંપન્ન ચતુર લોકો જાણે છે. આવું પાકિસ્તાનમાં અને બીજા મુસ્લિમ દેશોમાં દાયકાઓથી થઈ રહ્યું છે. પાકિસ્તાનનો ભદ્રવર્ગ ઇસ્લામના ઓવારણાં લે છે, મદરસાઓને આર્થિક મદદ કરે છે, મુસલમાનો સૌથી મહાનનાં ગાન ગાય છે, શાસકોના સમર્થકો છે પણ પોતાનાં સંતાનોને વિદેશમાં ભણાવે છે અને જો બાપીકો ધીકતો વારસો સંભાળવાનો ન હોય તો વિદેશમાં જ સ્થાયી કરી દે છે. પાકિસ્તાનમાં ટુંકો પાયજામો, લાંબો કુરતો અને માથે ગોળ ટોપી પહેરેલાં બાળકો મદરસા જાય છે. તેઓ વિકલ્પરહિત ગરીબોનાં તેમ જ ધર્મનાં કેફમાં ખપી જવા માગતા બેવકૂફોનાં બાળકો હોય છે. જો ખાતરી કરવી હોય તો પાકિસ્તાની અણુવિજ્ઞાની પરવેઝ હૂડભોયનાં અભ્યાસલેખો જોઈ જાવ. જેની શરૂઆત પાંચ દાયકા પહેલાં પાકિસ્તાનમાં થઈ હતી એ હવે ભારતમાં શરૂ થયું છે. છીછરી ધાર્મિકતા અને નકલી દેશપ્રેમનાં નામે ખપી જવા માટે બેવકૂફો થનગને છે અને વિકલ્પરહિત ગરીબો લાચાર છે. ગણપતિનું પ્રમાણ આપીને ભારતમાં પ્લાસ્ટીક સર્જરી પ્રાચીન યુગમાં કરવામાં આવતી હતી એવો દાવો કરીએ તો ઓક્સફર્ડ કે હાર્વર્ડમાં ભોજોભાઇ પણ ઊભો ન રાખે. આપણે વિશ્વગુરુ છીએ એવી કલ્પનાની દુનિયામાં રચવાથી સંતાનોનું ભલું ન થાય. માટે વિચાર અને વલણમાં મોકળાપણું અપનાવવું જોઈએ. યુરોપમાં પ્રોટેસ્ટન્ટ દેશો આવી મોકળાશ ધરાવે છે એટલે આગળ છે.
આંખ ઉઘાડવા એક ઉદાહરણ યુરોપનું આપું. યુરોપમાં જે દેશોમાં પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે એ દેશો કૅથલિક ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની બહુમતિ ધરાવનારા દેશોની તુલનામાં વિકાસની એરણે ક્યાં ય આગળ છે. કેથલિક ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ વઘારે ધર્મઘેલા, રૂઢિચુસ્ત અને જડસુ છે. આની સામે પ્રોટેસ્ટન્ટો આધુનિક, ઉદારમતવાદી અને મોકળું માનસ ધરાવે છે. જીવનમાં આગળ વધવું હોય તો ઉદારમતવાદી મોકળું માનસ પહેલી અને અનિવાર્ય શરત છે.
તો વાતનો સાર એ છે સાહેબ કે ભારતીય વિદ્યાર્થીઓ દેશભક્તિના અભાવમાં વિદેશ નથી જતા, નકલી દેશભક્તિના અતિરેકના કારણે વિદેશમાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. ડિટ્ટો પાકિસ્તાનમાં પાંચ દાયકાથી થઈ રહ્યું છે એમ. પાછા આ બધા દેશભક્તો છે. ખૂદ શાસકવર્ગનાં સંતાનો છે, ગોદી ચેનલોના માલિકો છે, એંકરો છે, શાસકોને અનુકૂળ બનીને જે તે સંસ્થાઓના અધિપતિઓ છે, આઈ.આઈ.ટી. અને એનાં જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ગોઠવાયેલા છે. જેનું પાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે એનું પાન તેઓ પોતે નથી કરતા કે નથી પોતાનાં સંતાનોને કરાવતાં.
અહીં એન.સી.ઈ.આર.ટી.નાં અધિપતિઓને યાદ અપાવવી જોઈએ કે ભારતને આઝાદી અપાવનારા લોકો અંગ્રેજોએ લખેલાં પાઠ્યપુસ્તકો ભણવા છતાં ય દેશભક્ત બન્યા હતા અને દેશ માટે અંગત ત્યાગ કર્યો હતો. સામે પક્ષે દેશભક્તિનાં દિવસરાત ઘૂંટડા પીનારાઓએ આઝાદીની લડાઇમાં ભાગ નહોતો લીધો. ઊલટું અંગ્રેજોને મદદ કરી હતી. જો તેમને અત્યારનાં દેશભક્તિથી છલકાતાં પાઠયપુસ્તકો ભણાવાયાં હોય તો પણ તેમણે આઝાદીની લડતમાં ભાગ ન લીધો હોત. ગેરંટી. ભારતમાં ખાસ કરીને હિંદુઓમાં નવજાગરણ પેદા કરનારા રાજા રામમોહન રોયથી લઈને સ્વામી વિવેકાનંદ સુધીના ૧૯મી સદીમાં થયેલા સુધારકો ક્યાં હિન્દુત્વવાદીઓએ લખેલાં દેશભક્તિથી છલકાતાં પાઠયપુસ્તકો ભણ્યાં હતા? તેઓ પણ અંગ્રેજોએ લખેલાં પાઠ્યપુસ્તકો ભણીને અથવા ભણવા છતાંય દેશભક્ત બન્યા હતા.
ટૂંકમાં આ આખી કસરત વાડે પૂરવાની છે. પણ કોને? એ લોકોને જેની પાસે નાસી છૂટવાનો વિકલ્પ નથી. આર્થિક સગવડતા નથી. અને એ લોકોને જેઓ હોંશે હોંશે વાડે પૂરાવા થનગને છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 નવેમ્બર 2023