તમને ‘મહાભારત’માં અશ્વસ્થામા નામનો હાથી મરાયો છે કે નર, તેના જવાબમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો બહુચર્ચિત જવાબ ‘નરો વા કુંજરો વા” યાદ છે ને? ફેક-ન્યૂઝની આધુનિક દુનિયામાં કામ કરતા લોકો તર્ક આપે છે કે માણસનું મન પ્રાચીન સમયથી જ કાચી-પાકી માહિતીઓથી ભરમાતું રહ્યું છે (જેવું દ્રોણાચાર્ય સાથે થયું હતું), આજે ટેકનોલોજીએ એ ક્ષમતાને વધુ ધાર કાઢી આપી છે એટલું જ. ટેકનોલોજી કેવી ધાર કાઢે છે તેનો એક નવો અનુભવ પણ સામે આવ્યો છે.
હમણાં, દિવાળી પહેલાં ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક નકલી વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેના ચહેરાને એક બ્રિટિશ-ભારતીય અભિનેત્રી ઝારા પટેલના વીડિયો પર ફિટ કરી દેવામાં આવ્યો હતો. એ પછી કેટરીના કૈફની આગામી ફિલ્મ “ટાઈગર-3ના શુટિંગનો એવો જ એક નકલી વીડિયો વાઈરલ થયો. એ સમજાવાની જરૂર નથી કે બંને વીડિયોમાં અભિનેત્રીઓનાં અંગ-ઉપાંગને નિશાન બનાવામાં આવ્યાં હતાં.
આને લઈને વિવાદ ઊભો થતાં, કેન્દ્ર સરકારે નિર્દેશ જારી કરીને સોશિયલ મીડિયાને 24 કલાકમાં બંને વીડિયો ઉતારી લેવાનું કહ્યું હતું. ઓકટોબર મહિનામાં હોલિવૂડના જાણીતા અભિનેતા ટોમ હેન્કસે તેના ચાહકોને જાગૃત કર્યા હતા કે દાંતની એક જાહેરખબરમાં, તેના જેવા જ દેખાતા એક પાત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોલિવૂડમાંથી જ, અભિનેત્રી સ્કારલેટ જોહ્ન્સનના ચહેરાને એક એડલ્ટ વીડિયોમાં વાપરવામાં આવ્યો હતો.
આને ડીપફેક ટેકનોલોજી કહે છે. આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સ(એ.આઈ.)ની દુનિયાનો આ નવો આવિષ્કાર છે. તેમાં ડીપફેક ટેકનોલોજીની મદદથી એવી નકલી ઘટનાઓ ઊભી કરવામાં આવે છે, જે ક્યારે ય ઘટી ન હોય અને તેમાં વ્યક્તિના દેખાવને ડિજિટલી બદલવામાં આવે છે અને એક ભ્રામક વીડિયો બનાવામાં આવે છે. એટલું જ નહીં, ડીપફેક ટેકનોલોજી અસલી લાગે તેવા ફોટો અને અવાજ પણ સર્જી શકે છે.
ડીપફેકનો વિચાર 2017માં પ્રચલિત થયો હતો, જ્યારે અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટના એક વપરાશકર્તાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોર્નોગ્રાફિક વીડિયોઝ પર સેલિબ્રિટીઓના ચહેરાઓ ચિપકાવામાં આવ્યા હતા. આનાથી દર્શકોને ચાલાકીથી છેતરવાની તકનીકી ક્ષમતા વિશે લોકોમાં ચિંતા જાગી હતી.
ત્યારથી, ડીપફેક ટેકનોલોજી વધુ અદ્યતન અને સુલભ બની છે. હવે એવી ઘણી એપ્લિકેશનો અને વેબસાઇટ્સ છે જે વપરાશકર્તાઓને ન્યૂનતમ પ્રયત્નો અથવા તકનીકી કુશળતા સાથે ડીપફેક વીડિયો બનાવી આપે છે.
ડીપફેક ટેકનોલોજી અત્યારે એટલા માટે બહુ ચર્ચામાં છે કારણ કે સામાન્ય માણસ તેને અસલી માની બેસી તેટલી તેની ચોકસાઈ હોય છે. જેમ જેમ તેની ટેકનોલોજીમાં સુધારો થશે, તેમ તેમ તેને પકડવાનું અઘરું બનતું જશે અને આપરાધિક પ્રવૃત્તિઓમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થવાની શંકા છે. એટલે પોલીસ અને અદાલતો માટે પણ મોટું સંકટ પેદા થવાનું છે.
ડીપફેક મુખ્યત્વે મનોરંજનની દુનિયાની ટેકનોલોજી છે, પરંતુ તેને લઈને સંભવિત ગુનાહિત ગેરઉપયોગની સાથે સાથે નૈતિકતાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આપણે ત્યાં અને વિદેશમાં એવી ઘણી ફિલ્મો આવી છે, જેમાં અભિનેતાના પરફોર્મન્સને ડિજિટલ ટેકનોલોજીની મદદથી “સુધારવા”માં આવ્યું હોય. જેવી રીતે લોકો મોબાઈલ એપ્સની મદદથી તેમની સેલ્ફીને ફિલ્ટર કરે છે, તેવી રીતે ફિલ્મ સર્જકો વીડિયો એડિટિંગ કરે છે.
જાન્યુઆરી 2023માં, બ્રિટનના એક ટેલિવિઝન નેટવર્ક પર “ડીપફેક નેબર્સ વોર” (ડીપફેક પાડોશીઓની લડાઈ) નામની કોમેડી સિરીઝ રજૂ થઇ હતી. તેમાં જાણીતી સેલિબ્રિટીઓ એકબીજા સાથે ઝઘડતી હોય એવું બતાવાયું હતું. નામ પરથી જ સ્પષ્ટ છે તેમ, તે તમામ સેલિબ્રિટીઓ ડીપફેક ટેકનોલોજીથી બનાવામાં આવી હતી. પરંતુ ધારો કે એવો કોઈ ખુલાસો કર્યા વગર જ તમને આવું કશું જોવા માટે લલચાવામાં આવે તો તે યોગ્ય કહેવાય? ફિલ્મો કે ટેલિવિઝનની સિરિયલો કાલ્પનિક હોય છે તે સાચું, પણ તેમાં અસલી કલાકારોને બદલે ડિજિટલ કલાકારો હોય, તો પણ તે “અસલી મનોરંજન” કહેવાય?
ધારો કે, કોઈ ફિલ્મ કે લાઈવ વીડિયોમાં, તેમાં સંલગ્ન કલાકારોની જાણ બહાર (જેવી રીતે રશ્મિકા મંદાના કે કેટરીના કૈફના કિસ્સામાં બન્યું હતું) કોઈ એક ચીજમાં ફેરફાર થાય, તો અંગત રીતે તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન તો કહેવાય, પણ સાર્વજનિક દર્શક તરીકે આપણા માટે એ વીડિયો અસલી કહેવાય કે કપટ કહેવાય?
ડીપફેક ટેકનોલોજી આપણી સમક્ષ એક નૈતિક સંકટ ઊભું કરે છે : વાસ્તવિકતા ક્યાં પૂરી થાય છે અને કપટ ક્યાં શરૂ થાય છે? આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સના ઉદય સાથે આપણે એક એવી દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં નૈતિકતાવાદીઓ, કાયદા ઘડનારાઓ અને ડિજિટલ કન્ઝ્યુમર્સ સામે સતત એક પ્રશ્ન રહેશે કે તેઓ જે જોઈ રહ્યા છે તે અસલી છે કે નકલી?
ડીપફેકને સિન્થેટીક મીડિયા પણ કહે છે. તેમાં ફોટાઓ, વીડિયો અથવા ઓડિયો રેકોર્ડિંગ્સમાં શક્તિશાળી અલ્ગોરિધમ્સ અને ન્યુરલ નેટવર્ક્સ દ્વારા હાથચાલાકી (મેનિપ્યુલેશન્સ) કરવામાં આવે છે અને એવી ચીજો અથવા વ્યક્તિઓને બતાવવામાં આવે છે, જે મૂળ પ્રોડક્ટમાં ક્યારે ય હોય નહીં. બીજી રીતે કહીએ તો, તેમાં “નકલી વાસ્તવિકતા”નું નિર્માણ કરવામાં આવે છે.
આ “નકલી વાસ્તવિકતા” કાનૂનની દૃષ્ટિએ અને નૈતિકતાની દૃષ્ટિએ પડકારયુક્ત છે; તમે જે જુવો છો તે તમને વાસ્તવિક નજર આવે છે, પણ વાસ્તવમાં તે બનાવટી છે. આ ફેક-ન્યૂઝ જેવું છે. સોશિયલ મીડિયાના પ્રસારની સાથે છેલ્લા એક દાયકામાં વિશ્વમાં ફેક ન્યૂઝ અથવા પ્રોપેગેન્ડા અથવા મિસઇન્ફોર્મેશનનું ચલણ વધી ગયું છે, જેમાં મુખત્વે રાજકીય ફાયદાઓ માટે મતદારોને અમુક પ્રકારના સમાચારો, માહિતીઓથી ભ્રમિત કરવામાં આવે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જ ફેક-ન્યૂઝ પર રચાઈ હતી.
ડીપફેક ટેકનોલોજીની ચિંતા પણ એ જ છે કે રાજકીય મકસદ હાંસલ કરવા માટે જનતાને ફેક-વીડિયોથી ભ્રમિત કરવામાં આવશે. દુનિયાનો એક મોટો વર્ગ આજે પણ લખાયેલા શબ્દને બદલે આંખે દેખાતા દૃશ્યને વધુ સાચું માને છે. દાખલા તરીકે, તમે જે પક્ષના સમર્થક હો તેના વિરોધી પક્ષના નેતા કઢંગી હાલતમાં પકડાયા એવા તમે સમાચાર વોટ્સએપ પર ‘વાંચો’ અને તેનો વીડિયો ‘જુવો,’ તો બેમાંથી કોને વધુ અધિકૃત માનશો?
ડીપફેક ટેકનોલોજીની મદદથી રાજકારણીને બદનામ કરતો વીડિયો વાઈરલ કરી શકાય, કોઈને અપરાધમાં સંડોવી દેવા કે બચાવી લેવા માટે વીડિયો પેદા કરી શકાય કે પારિવારિક-સામાજિક અણબનાવમાં કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે પણ વીડિયો બનાવી શકાય. તમને 1971નો નગરવાલા કેસ યાદ છે, જેમાં રુસ્તમ સોહરાબ નગરવાલા નામના માણસે, દિલ્હીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેશિયર વેદ પ્રકાશ મલ્હોત્રાને વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના અવાજમાં ફોન કરીએ 60 લાખ રોકડ કઢાવી લીધી હતી? આજે ડીપફેક ટેકનોલોજીની મદદથી કોઇપણ વ્યક્તિના અવાજની અદ્દલ નકલ કરી શકાય છે.
ટૂંકમાં, ડીપફેક ટેકનોલોજીની મદદથી તમે ધારો તેવી ‘વાસ્તવિકતા’ પેદા કરી શકો છો. એટલે એક નૈતિક પ્રશ્ન વાસ્વિકતાની અસલી પ્રકૃતિઓ પણ ઊભો થાય. શું નકલી છે અને શું અસલી છે? ‘મહાભારત’નું જ બીજું ઉદાહરણ છે કે વેદ વ્યાસનો શિષ્ય સંજય અંધ રાજા ધૃતરાષ્ટ્રને પાંડવો-કૌરવો વચ્ચેના યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપે છે. સંજયે એ અહેવાલ આપવામાં ઘાલમેલ કરી હોત, તો ધૃતરાષ્ટ્રને અસલિયતની ખબર પડત? આપણા કેસમાં આપણે ધૃતરાષ્ટ્ર છીએ અને ડીપફેક આધુનિક સંજય છે. ફરક એટલો જ છે કે ‘મહાભારત’નો સંજય પ્રામાણિક હતો, ડીપફેકનો સંજય ધૂર્ત છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 26 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર