
ચંદુ મહેરિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતીએ ભારતની વિકાસ યાત્રામાં યુવાનોની મુખ્ય ભૂમિકા નક્કી કરતા ‘મેરા યુવા ભારત’ (MY Bharat) પ્લેટફોર્મનો આરંભ કર્યો છે. તકનીક આધારિત આ પ્લેટફોર્મ યુવાનોના વિકાસ અને યુવા નેતૃત્વમાં વિકાસ માટે આરંભાયું છે. યુવા વસ્તીમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનો દેશ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં પચાસ ટકાથી વધુ વસ્તી પચીસ વરસની ઉંમરની છે. જ્યારે પાંચઠ ટકા વસ્તી પાંત્રીસ વરસથી નીચેની છે.
ઝવેરચંદ મેઘાણી અણદીઠી ભોમ પર આંખ માંડનારને યુવા ગણે છે. પરંતુ જો યુવાનીનો સંબંધ માનવીની ઉંમર સાથે ગણીએ તો ૨૦૧૪ની રાષ્ટ્રીય યુવા નીતિએ ૧૫થી ૨૯ વરસની વ્યક્તિને યુવાન ગણી છે. યુનેસ્કો, યુનિસેફ, હુ અને આઈ.એલ.ઓ. ૧૫થી ૨૪ વરસની વય યુવાનીની ગણે છે. યુ.એન.ઓ. યુથ ફંડ ૧૫થી ૩૨ અને ધ આફ્રિકન યુથ ચાર્ટર ૧૫થી ૩૫ વરસની વયને યુવા વય ગણે છે.
રાજનીતિ અને યુવાનોને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. યુવાનોએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ કે નહીં ? તે અંગેની ચર્ચા વરસોથી થયા કરે છે. ખરેખર તો યુવાનો અને રાજનીતિ વિરોધી નહીં પણ સહયોગી છે. યુવાનોનું રાજનીતિમાં હોવું દેશ અને યુવાનો બેઉના લાભમાં છે. તેનાથી યુવાવર્ગની ચિંતાઓ, પડકારો અને આકાંક્ષાઓને વિધાનગૃહોમાં વાચા મળશે. નીતિ નિર્માણમાં યુવા અભિવ્યક્તિ આવશ્યક જ નહીં અનિવાર્ય છે. જો કે આપણા દેશમાં દિન પ્રતિ દિન રાજનીતિમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે.
ભારતની પહેલી લોકસભામાં સાંસદોની સરેરાશ વય ૪૭ વરસ હતી. વર્તમાનમાં તે વધીને ૫૯ વરસ થઈ છે. વડીલોનું ગૃહ રાજ્યસભાના સભ્યોની સરેરાશ વય ૬૩ વરસ છે. ૧૯૯૯માં લોકસભાના સભ્યોની સરેરાશ ઉમર ૫૨ વરસ, ૨૦૦૯માં ૫૪, ૨૦૧૪માં ૫૭ અને ૨૦૧૯માં ૫૯ વરસની હતી. જરા વિચિત્ર લાગે પણ યુવા દેશની સંસદ બુઢિયાઓની બનેલી છે. ઈટલીમાં ૫૯ ટકા, ડેન્માર્કમાં ૪૯ ટકા અને ફ્રાન્સમાં ૩૭ ટકા સાંસદો યુવા છે જ્યારે ભારતમાં માત્ર ૨૦ ટકા સાંસદો જ ૨૫થી ૪૫ વરસના છે. પાર્લામેન્ટમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટવું અને સાંસદોની સરેરાશ વય વધવી તે સ્વસ્થ લોકતંત્રની નિશાની નથી.
૧૯૮૯માં રાજીવ ગાંધીના પ્રધાન મંત્રી કાળમાં મતદાન માટેની લઘુતમ વય ૨૧થી ઘટાડીને ૧૮ વરસ કરવામાં આવી હતી. તેનાથી યુવા મતદારોમાં કદાચ વધારો થયો છે પરંતુ રાજનીતિમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયાનું બન્યું નથી. આપણી સંસદીય ચૂંટણીમાં મતદારની લઘુતમ વય ૧૮ વરસ ઠરાવી છે પણ ઉમેદવારની તો ૨૫ વરસની યથાવત છે. તાજેતરમાં સુશીલ કુમાર મોદીના અધ્યક્ષપદ હેઠળની સંસદની કાર્મિક, લોકફરિયાદ, કાયદો અને ન્યાયની સ્થાયી સમિતિએ ઉમેદવારની વય ઘટાડીને ૧૮ વરસની કરવા સૂચન કર્યું છે. તેને કારણે ઉંમર મર્યાદા ઘટવાથી યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ વધશે તેવી ચર્ચા ઊભી થઈ છે.
૨૦૧૪ અને ૨૦૧૯ની છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં યુવાનોની ઉમેદવારી અને વિજ્યની વિગતો આ ચર્ચા માટે ખપ લાગે તેવી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અનુક્રમે ૯,૫૦૦ અને ૧૦,૦૦૦ ઉમેદવારો હતા. પરંતુ ૨૫ થી ૩૦ વરસના યુવા ઉમેદવારો તો માંડ ૫ ટકા જ હતા. આ ઉંમરના ૧૧ ઉમેદવારો ૨૦૧૪માં અને ૮ ઉમેદવારો ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જીતી શક્યા હતા. અર્થાત યુવાનોનું ચૂંટણીમાં ઉમેદવારીનું પ્રમાણ તો ઓછું છે જ. જીતનું પ્રમાણ તો સાવ જ અલ્પ છે.
રાજનીતિના આંગણામાં યુવાનોનું અલ્પ પ્રમાણ કેમ છે? શું યુવાનો રાજનીતિથી વેગળા રહે છે કે તેમને વેગળા રાખવામાં આવે છે ? સંસદીય ચૂંટણીમાં યુવાનોનું પ્રમાણ અલ્પ છે કે એકંદર રાજનીતિમાં જ યુવાનો ઓછા છે? આ સવાલોના જવાબો રાજકીય પક્ષો જ આપી શકે તેમ છે. બધા જ રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખો છે અને યુવા મોરચા છે. એટલે યુવાનોને અળગા તો રખાતા નથી કે તેઓ પણ અળગા રહેતા નથી. પરંતુ ચૂંટણીકારણના અન્ય કામોમાં યુવાનોનો જેટલો ઉપયોગ થાય છે તેટલી ચૂંટણીની ટિકિટો તેમને અપાતી નથી. જે અલ્પ યુવાનો લોકસભામાં ચૂંટાયા છે તે પણ રાજકીય પરિવારનાં સંતાનો છે. એટલે સામાન્ય યુવા કાર્યકરનું ટિકિટ મેળવવાનું જ અઘરું છે.
રાજકીય પક્ષો યુવાનોનો ઉપયોગ સોશ્યલ મીડિયાના જમાનામાં ટ્રોલિંગ સેના તરીકે, ધાર્મિક ઉન્માદ જગવવાથી લઈને સ્થાનિક હિંસા ફેલાવવા, મોટા નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવા, ચાપલૂસીની હદની સેવા કરવા માટે કરે છે. યુવાનોનું વલણ પણ તળિયેથી કામ કરી લોકોની ચાહના ઊભી કરવાને બદલે કોઈ ચકચારી મુદ્દો ઉપાડીને રાતોરાત લોકપ્રિય થઈ ચૂંટણીની વૈતરણી તરી જવાનું હોય છે. કેટલાક લાયક યુવાનો, ચૂંટણીમાં ખર્ચાતા મબલખ નાણાંની જરૂરિયાતનો વિચાર અને અગાઉથી રાજનીતિમાં જામી પડેલાઓની ઉપેક્ષાને લીધે, રાજનીતિથી છેટા રહે છે.
યુવાનોની રાજનીતિમાં સહભાગિતા માત્ર ચૂંટણી લડવાથી જ સિદ્ધ થતી નથી. મતદાર તરીકેનું કર્તવ્ય નિભાવવાથી તે શરૂ થાય છે. કદાચ મતદાનનો રોમાંચ માણવા પહેલવારકું તો તે મતદાન કરે છે, પણ વ્યાપક છાપ તો યુવા મતદારો મતદાનની ઉપેક્ષા કરતા હોવાની છે. ૧૮થી ૨૫ વરસના યુવાનો મતદાન અંગે ઉદાસીન જોવા મળે છે. તેનું કારણ રાજકારણ અંગેનો તેમનો મોહભંગ અને બેરોજગારી હોઈ શકે છે પરંતુ તેનો પડઘો તેમણે મતદાન થકી પાડવો જોઈએ.
ભારત સરકાર અને ગુજરાતસહિતની ઘણી રાજ્ય સરકારો યુથ પાર્લામેન્ટના આયોજન દ્વારા યુવાનોને રાજકારણના પાઠ ભણાવે છે. બિહારમાં પ્રશાંત કિશોર યૂથ ઈન પોલિટિક્સ ઝૂંબેશ મારફતે યુવાનોને રાજનીતિમાં જોડવા પ્રયાસરત છે. યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને જાગ્રત ભાગીદાર બનાવવા ભારતના ચૂંટણી પંચે કોમિક્સ બુક પ્રગટ કરીને યુવાનોની રાજનીતિ બાબતે ગંભીરતા અને તેની ખુદની ગંભીરતા પ્રગટ કરી છે. લોકપ્રિય કોમિક્સ બુક ચાચા ચૌધરી પરથી ઈલેકશન કમિશને ચાચા ચૌધરી અને ચૂંટણી દંગલ કોમિક્સ બુક હમણાં જ લોકાર્પિત કરી છે. ભારતનો યુવા મતદાર કોમિક્સ બુક વાંચીને ચૂંટણી પ્રક્રિયા અંગે શિક્ષિત બનશે તેવો પંચનો આશાવાદ નિરાશ કરે તેવો છે. માત્ર માધ્યમો અને રાજકીય પક્ષો જ નહીં ચૂંટણી પંચ પણ ચૂંટણીને દંગલ ગણે છે તે બાબત પણ શોચનીય છે.

ભગત સિંહ
ભારતના સ્વતંત્રતા આંદોલન અને તે પછીની રાજનીતિમાં યુવાનોની ભૂમિકાનો સમૃદ્ધ ઇતિહાસ છે. જુલાઈ ૧૯૨૮માં ભગતસિંઘનો “યુવાનો અને રાજનીતિ” વિશે ‘કિરતી’માં પ્રગટ લેખ આજે પણ પ્રસ્તુત છે. ભગતસિંઘે કહ્યું હતું કે, “જે યુવાનોને આવતીકાલે દેશનું નેતૃત્વ કરવાનું છે તેમને અક્કલના અંધ બનાવાઈ રહ્યા છે”. એટલે ભગતસિંઘ યુવાનોને સંબોધી કહે છે કે “તમે ભણો, જરૂર ભણો. પણ સાથે રાજનીતિનું જ્ઞાન પણ મેળવો. જ્યારે જરૂર પડે ત્યારે રાજનીતિમાં કૂદી પડો.” ભગતસિંઘનો રાજનીતિનો અર્થ સત્તાની રાજનીતિ હરગીજ નથી. પણ લોકોની રાજનીતિ છે. અને લોકોની રાજનીતિથી અળગો રહે તે વળી યુવાન શેનો ?
e.mail : maheriyachandu@gmail.com