સીતા એનું નામ. ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ. ઘરમાં માબાપ ખરાં, પણ ગરીબ. માંડ રોટલા ભેગાં થાય. ઘરમાં દાદી પણ ખરી. માંદી. કેન્સરનાં છેલ્લા સ્ટેજમાં. તેની ઈચ્છા એવી કે સીતાનાં લગ્ન જોઈને જાઉં. આજ્ઞાંકિત પુત્રે માની ઈચ્છા પૂરી કરવા સીતા માટે રામ શોધવા માંડ્યો, પણ એમ મળે થોડો ! મળે તો મોઢું મોટું. ઘર, સોનું, ફ્રિજ, ટી.વી. માંગે. કેમ જાણે એ બધાંની તેની ત્રેવડ જ ન હોય ! પણ ભણેલો તે ખર્ચો તો કાઢવાનોને ! એને માટે દીકરીના બાપનો ઉપયોગ થાય ને એમ મુરતિયાની વેચાણ કિંમત નક્કી થાય. છેવટે એક ઓછું ભણેલો મુરતિયો નક્કી થયો ને સીતાનો સોદો પાકો થઈ ગયો. સીતા હોંશિયાર ઘણી, પણ ભીરુ. સમજે બધું, પણ બોલે નહીં. એને કોલેજનો ક્લાસમેટ રાઘવ ગમે. બંને વચ્ચે મનમેળ પણ ખરો. બંનેને થાય કે મૈત્રી લાંબી ચાલે, પણ મધ્યમવર્ગમાં જેની સાથે મૈત્રી થાય તેની સાથે જીવવાનું બહુ બનતું નથી. સીતા પરણાવી દેવાઈ રંજન જોડે. રંજન માટે સીતા મનોરંજનથી વિશેષ ન હતી. એને તો કામવાળી કરતાં પણ પત્ની સસ્તામાં મળતી હતી. મેળવી. સીતાને નસીબે સાસુ પણ હતી. તેને તો બગાસું ખાતાં પતાસું મળે એમ સીતા મળી હતી. સીતાનાં બાપે કૈં આપ્યું નહીં – એમ કહી કહીને થાય એટલું વહુ પાસેથી વસૂલતી રહેતી હતી. સીતાનું તો કામ જ એક હતું વર, સાસુ, નણંદ, દિયરને રાજી રાખવાનું. એમાં એણે પણ રાજી રહેવાનું હતું એ વાત જ ભુલાઈ ગઈ હતી. સીતાને સંસાર અસાર લાગતો, પણ રાઘવની યાદ આવતી ને ચહેરો આંસુ થઈ જતો. કચકચાવીને જીવી કાઢતી, ત્યાં એક દીકરી જન્મી ને જીવવાનું બળ મળ્યું. નામ રાખ્યું શ્રી. શ્રી થોડી સમજણી થઈ, ભણતી થઈ. એક દિવસ રાઘવ સીતાને બજારમાં ભેટી ગયો. શ્રીને ઓળખ આપી, મામા તરીકે. શ્રીને મામા સાથે ફાવી ગયું ને મામા સાથે જવાની જીદ પકડી. મમ્મીએ કહ્યું – મોટી થાય ત્યારે મુંબઈ જજે. મામા તો ગયા ને સીતા રંજનનું મનોરંજન કરતી રહી. એમાં કૈં ઓછું પડતું તો રંજનનો હાથ પણ ફરી વળતો. રંજનનો ધાક હતો શ્રી પર. તે દીકરાને વિકલ્પે આવી હતી એટલે બહુ ગમતી ન હતી.
પછી તો શ્રી ભણી. હાઇસ્કૂલમાં શિક્ષિકા થઈ. એક કેમિસ્ટને પરણી. કેમિસ્ટ માણસ સારો, પણ ધંધાથી વધારે તેને કૈં સૂઝે નહીં. શ્રી અનુભવે ઘણું. લાગણીશીલ પણ ખરી. એક દિવસ રાઘવનો ફોન આવ્યો – તારી મામીને ફ્રેકચર થયું છે. અવાય તો આવ. કેમિસ્ટ પતિ સાથે ઊપડી મુંબઈ. મામાને મામી પણ છે એ તો યાદ જ રહ્યું ન હતું. પપ્પા વખતે મામા આવેલા. મમ્મી ગઈ ત્યારે મામા જ માંદા હતા, ન આવી શકેલા. મામી પથારીમાં સૂતેલાં. પગ પ્લાસ્ટરમાં હતો. પગ પર વજન લેવાનું ન હતું એટલે પથારી છોડવાની મનાઈ હતી. કેમિસ્ટ તો વળતી ગાડીમાં પાછા ફર્યા હતા. રાત્રે જમતી વખતે મામા-મામી સાથે ઘણી વાતો થઈ. કેવા સંજોગોમાં બંને પરણ્યાં ને દત્તક લીધેલું સંતાન કેનેડિયન કોન્સ્યુલેટમાં હતું તેની ચર્ચા ચાલી. પછી તો સ્ટડીરૂમમાં મામા મોડી રાત સુધી લખતા રહ્યા. દોઢેક વાગે શ્રીની આંખ ખૂલી તો તેને આશ્ચર્ય થયું કે મામા હજી જાગે છે ! તે રૂમમાં આવી. મામી ઘોરતાં હતાં. શ્રીને જોઈને મામાએ ડાયરી ટેબલમાં સંતાડી દીધી. શ્રીએ પૂછ્યું – શું લખો છો? ડાયરી? ઊંઘવું નથી? મામા બોલ્યા – સૂઈ જાઉં હવે, તું પણ સૂઈ જા – હવે ઊંઘ નહીં આવે-શ્રી ચેર ખેંચીને મામાની સામે બેઠી. મામા ઊભા થવા ગયા તો શ્રીએ કહ્યું-કાલે તો હું ચાલી જઈશ. થોડી વાતો કરોને ! મામા પણ ટેબલ પર બેઠા ને ગોખેલું બોલ્યા-સીતાની પાસે છેલ્લું કોણ હતું? એ કૈં બોલી હતી? શ્રી ગંભીર થઈ ગઈ-હું મોડી પહોંચી હતી, પણ મરવાના બે દિવસ અગાઉ પપ્પાએ મારી હતી. તેણે બહુ વેઠ્યું …
શ્રી રડી પડી. મામાએ ઊભા થઈને પાણી આપ્યું. શ્રીએ સાડીથી આંખો લૂંછી ને પાણી પીધું. થોભ તને તારી મમ્મી બતાવું – બોલતાં મામાએ ટેબલને તળિયેથી એક કવર કાઢ્યું ને શ્રીના હાથમાં મૂક્યું. શું છે? – બોલતાં શ્રીએ કાગળો કાઢ્યા. મમ્મીના અક્ષર જોઈ એ ચમકી. પ્રિય રાઘવ … ખાતરી કરવા નીચે જોયું તો નામ હતું – સીતા. શ્રીને તમ્મર આવવા જેવું થયું. રડી પડી. એક પછી એક કાગળો ઝડપથી વાંચતી ગઈ ને વાંચતાં વાંચતાં જ પૂછ્યું – મામી, જાણે છે? મામાએ હકારમાં ડોકું ધૂણાવ્યું.
***
મિત્રો, આ વાત કાલ્પનિક હોય તો પણ, ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક વ્યક્તિને આમાંનો કોઈ અંશ સ્પર્શે એમ બને. કોઈને આ વાત પોતાની લાગે એમ પણ બને. આજે તો સંવેદનો જ ખાસ સ્પર્શતાં નથી, ત્યાં આવી વાતો બહુ અપીલ કરતી હોતી નથી. મોટે ભાગે તો યુઝ એન્ડ થ્રો-નો જમાનો છે, છતાં આંસુ હજી આવે છે એ ય ખરું. આજે પણ છેતરાવા છતાં, કોઈને માટે જીવ ખેંચાય છે. પ્રેમ થાય છે. આ વાત એક જ સીતાની નથી. ઘણી સીતા આજે પણ ન ગમતી વ્યક્તિનો કારાવાસ વેઠે છે ને આખી જિંદગી નરકનો અનુભવ કરતી રહે છે. ઘણા રાઘવ આજે પણ સીતા વગર ન ગમતી સ્ત્રીનું પતિપણું જાળવી રાખે છે. આવું આજે ઓછું બનતું હશે, પણ નહીં જ બનતું હોય એવું નથી. એક તરફ રંજન જેવો પતિ છે જે કારણ વગર પતિપણું થોપતો રહે છે ને બીજી તરફ રાઘવ જેવો મિત્ર છે, પ્રેમી છે, જે સીતાથી દૂર રહી તેની ચિંતા કરે છે, તેની લાગણી સાચવી રાખે છે ને તેની જ દીકરીને એ પત્રો સોંપે છે જે શુદ્ધ લાગણીથી મન હળવું કરવા સીતાએ, પતિથી છાનાં છાનાં લખ્યા છે, એવી વ્યક્તિને જે ઈચ્છે તો પણ કૈં કરી શકે એમ નથી. તેણે એટલે લખ્યા છે, કારણ તેને લાગ્યું છે કે થોડું કૈં કહેવા માત્રથી શાતા વળશે. જે લાગણી પતિ માટે હતી, તે પ્રેમી માટે વહે છે, એવી આશાએ કે તેને સમજનારું કોઈ તો છે.
ઘણાં સ્ત્રી-પુરુષો પ્રેમ તો કરે છે, પણ પરણી શકતાં નથી. જે સમાજે લગ્નની વ્યવસ્થા ઊભી કરી છે, એ જ સોદાબાજીનું કારણ બને છે. દાદીનું કેન્સરથી મૃત્યુ નિશ્ચિત છે, પણ તેને સીતાનાં લગ્ન જોવાનાં અરમાન છે. એમાં ખોટું કૈં નથી. ખોટું છે તે દાદીનાં અરમાન પૂરા કરવા સીતાને લાંબું વિચાર્યા વગર દોજખમાં નાખી દેવાય છે એ. સીતા પણ જેને માટે લાગણી છે એ રાઘવ અંગે કોઈ કોશિશ કરતી નથી કે નથી તો રાઘવ એવું કૈં કરતો. કોઈ નથી કરતું કૈં. કેમ નથી કરતું? કારણ ન કરી શકે એવું દબાણ ઘરનું, સમાજનું સામે જ ઊભું હોય છે. સીતાનું ભણતર અધૂરું રહે છે. દાદીએ લગ્ન જોવાનાં અરમાનને બદલે, સીતાનાં અરમાનનો વિચાર કર્યો હોત તો તેને ગમે ત્યાં પરણાવવાની ઉતાવળ ન થઈ હોત. ઘણાં કુટુંબોમાં આજે પણ એવું બને છે કે કોઇની ઈચ્છા પૂરી કરવા સંતાનોનાં લગ્ન કરવાની ઉતાવળ થાય છે ને એમાં ઘણી જિંદગી દાવ પર લાગી જાય છે. વ્યક્તિ સ્વસ્થ ને સમજદાર હોય તો કમને પણ જિંદગી જીવી કાઢે છે ને કાચીપોચી હોય તો આપઘાત કરી લે છે. સીતાના કિસ્સામાં જોઈએ તો દાદીની ઈચ્છા ચાર જિંદગીઓને પ્રભાવિત કરે છે. સીતા અને રાઘવ પરણી શક્યાં હોત તો રંજન અને સીતાની મામી બચી ગયાં હોત ! પણ એમ ન થયું. આમ જોવા જઈએ તો રંજન કે મામીનો શો વાંક હતો? એ તો અજાણતાં જ સીતા અને રાઘવની વચ્ચે આવી જાય છેને ! કેવી રીતે ન ઇચ્છી હોય એવી વ્યક્તિઓ સાથે જિંદગી જોડાઈ જતી હોય છે, નહીં? સીતા – રાઘવની વાત જવા દઈએ તો પણ, એવું આજે પણ બને છે કે એક યા બીજા કારણોસર ઇચ્છિત વ્યક્તિ સાથે પરણવાનું ઓછું બને છે. એમાં વ્યક્તિ બદલાવાની ચિંતા નથી હોતી, ત્યાં તો બહુ વાંધો આવતો નથી, પણ વાત મનની હોય, સંવેદનોની હોય તો જીવવાનું અઘરું બની જતું હોય છે. જે સંવેદનશીલ છે તે જ વધારે વેઠે છે. કોઈને ચાહવાથી અગત્યનું બીજું કશું નથી, પણ આજકાલ એનું મહત્ત્વ ખાસ રહ્યું નથી. આજે તો પ્રેમલગ્ન થાય છે, તો પણ પ્રેમીઓ અન્ય વ્યક્તિનાં પ્રેમમાં પડે છે. ત્યારે પેલો પ્રેમ હવા થઈ જાય છે. જેના વગર જિંદગી જાય નહીં એમ લાગતું હતું, એની સાથે જ જીવવાનું મુશ્કેલ થઈ જાય છે ને અન્ય વ્યક્તિ વગર જીવવાનું મુશ્કેલ લાગવા માંડે છે. જેને માટે જીવ આપવાનું મન થતું હતું, તેનો જીવ લેવા સુધી વાત આવી જતી હોય છે.
આજે તો લગ્નનું જ બહુ મહત્ત્વ રહ્યું નથી ને લગ્નના જ વિકલ્પો શોધાયા છે, તો પણ લગ્નનથી ઉત્તમ વિકલ્પ બીજો દુનિયામાં નથી. સમાજ ઠીક ઠીક આગળ નીકળ્યો છે, છતાં ઘણી બાબતોમાં તે આડખીલીરૂપ પણ બને છે. જ્ઞાતિ, જાતિ, આર્થિક બાબતો, સામાજિક દરજ્જો જેવી ઘણી બાબતો લગ્નમાં આજે પણ બાધક બને છે. આજે પણ દીકરી કે દીકરાને ધારેલી જગ્યાએ ન પરણાવવા ને પોતાની ધારેલી જગ્યાએ જ પરણાવવા કુટુંબ જીવ પર આવી જાય છે ને જીવ લેવા સુધી જાય છે. આ આજે પણ અટકતું નથી. એમાં દીકરો તો ક્દાચને માથું ઊંચકે છે, પણ દીકરીનો ભોગ લેવાય છે. તે પોતે આત્મહત્યા કરે છે અથવા તો કુટુંબની ઈચ્છા પર બલિ ચડી જાય છે. એવી જગ્યાએ તે જિંદગી કાઢવા લાચાર બને છે જે મોતથી વધારે બદતર હોય છે. ન ગમતી વ્યક્તિ જોડે આપણે એક પળ પણ ઊભા રહેવા રાજી નથી હોતાં, પણ દીકરીને એવા કારાગારમાં ધકેલીએ છીએ, જેની દીવાલો રોકતી તો નથી, પણ તેની બહાર પડવાનું પણ બનતું નથી. એમાં જો વ્યક્તિ લાગણીશીલ હોય તો જીવવાનું મુશ્કેલ બની જતું હોય છે. લાગણીશીલ હોવાને કારણે જ સ્ત્રી ન ગમતી વ્યક્તિને જીવી-જીરવી લે છે. ઘણીવાર છૂટા થવાનું મન પણ થઈ આવે છે, પણ સંવેદનશીલ હોવાને કારણે તેને સંતાનોની ચિંતા રોકે છે. આ લાગણી જ તેને અન્ય વ્યક્તિ તરફ પણ વાળે છે. થોડી પણ હૂંફ મળતી લાગે છે તો એ, એટલા નાજુક ભરોસે આખી જિંદગી જીવી કાઢે છે.
સાચું તો એ છે કે લગ્ન જો પ્રેમ માટે હોય તો લગ્ન પછી પ્રેમ જ ન રહે એવાં લગ્નનનો કોઈ અર્થ ખરો?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 26 નવેમ્બર 2023