શું લાગે છે, આવી જાહેરાતથી
લોકો મરવા માટે લાઇન લગાવશે?
આ બારમી વખત જાહેરાત આપતાં
અમારા બાર વાગી ગયા
પણ મરવા માટે
એક ચલિયુંય ફરક્યું નથી !
એમ પુલ પરથી કૂદશે, પંખે લટકશે
પણ જાહેરાત વાંચીને
મરવા કોઈ નહીં આવે
એવું મરવા જેવું લાગે છે કે
વાત જ જવા દો –
ઘણીવાર શું છે કે માણસ મરી જાય છે
પણ પાછળ રડવાવાળું કોઈ હોતું નથી
તો થયું કે એવા સ્વર્ગસ્થ માટે અમે રડીએ
અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ
પણ કોઈ રિસ્પોન્સ નથી !
ખરેખર તો તમારે કૈં જ કરવાનું નથી
ખાલી મરવાનું છે
ને એડવાન્સ્ડ ચેક આપવાના છે
કોઈ કહે છે કે અમે તો
કામ થાય પછી જ પૈસા આપીએ
એ ખરું, પણ કામ થાય
ત્યારે તમે તો હોવાના નહીં
તો અમારે
લેવા ઉપર આવવાનું?
ચિતા ખડકીએ ને
ચિંતા વધે એ ન પોષાય
અહીં ભઠ્ઠીમાં મૂકીએ અમે
ને ધુમાડો ઉધારીમાં?
ધીસ ઈઝ નોટ ફેર !
બધું કરીએ અમે
ને અમારું જ કરી નાખવાનું?
અમારી યોજનાઓ તો જુઓ –
ધારોકે કોઈ મરવા તૈયાર છે
પણ તેને લાગે કે ખાંધિયા નથી
તો ખભો અમે આપીશું
તે પણ ખભેખભાં મિલાવીને !
દાઝે નહીં એવો દાહ અમારો!
જલાવવાથી માંડીને
સરાવવા સુધીનું બધું અમારું
જેનું કોઈ નથી એના અમે છીએ
ને જેનાં અમે છીએ
તેનું પછી કોઈ રહેતું નથી
અમે ઉઠમણાંય
ઓનલાઈન ગોઠવી આપીશું
અહી હાથ જોડો તો
સામે પણ હાથ જોડાય
જે કોઈ અમારું ઉઠમણું રાખે
તેને એક પર એક ફ્રી !
મતલબ કે બીજા ઉઠમણાંમાં
રૂપિયાનોય ચાર્જ નહીં
કોઈને લાગે કે
પત્ની વિધવા થાય તો તેનું શું?
તો એની ચિંતા નહીં કરવાની
અમે પરણીશું
મતલબ કે અમે પરણાવીશું
બારમું થશે કે નહીં એની ચિંતામાં
ઘણાં મરતાં પણ નથી
એમને કહેવાનું કે નોટ ઢીલી કરો તો
આખું ગામ જમાડવા તૈયાર છીએ
આખરે અમે છીએ શેને માટે?
અમે છીએ તો તમે છો એવું નથી
તમે નથી તો અમે છીએ એ વાત છે
તમને કફ હોય કે ન હોય
પણ કફન તો અમારું જ હશે
આટલી સગવડ છતાં
કોઈ મરવા તૈયાર નથી
એ કેવી મોટી કમનસીબી છે !
લાગે છે, અમારે પંખે
અમારે જ લટકવું પડશે
ને અમારાં મરશિયાં
અમારે જ ગાવાં પડશે
કોઈ જ ન મરે તો
અમારે મર્યાં વગર છૂટકો છે …?
બોલો ત્યારે રામ નામ …
000
e.mail : ravindra21111946@gmail.com