[ભાગ-7]
‘ખેડે તેની જમીન’ની નીતિ લોકશાહી ઢબે અમલમાં લાવવાનું મુશ્કેલ કામ સૌરાષ્ટ્ર સરકારે કર્યું હતું. કેટલાંક રજવાડાઓને સૌરાષ્ટ્ર સરકારની આ પ્રગતિશીલ નીતિ ગમી નહીં, એટલે સરકારની સામે છૂપું બંડ પોકારવા ષડયંત્ર રચ્યું. ‘વાઘણિયા સ્ટેટ’ના રાજવી અમરા વાળાના ઓડર્લી / ડ્રાઈવર ભૂપતસિંહ મેરુજી રાજપૂતને હથિયાર-કાર્ટિઝ-આશરો પૂરો પાડી નિર્દોષ લોકોની હત્યાઓ કરાવી ખેડૂતોને ભયભીત કરવાનું રાજવીઓએ ષડયંત્ર રચ્યું હતું. ભૂપતનું મૂળ ગામ બરવાળા (બાવીશી) હતું. તેની અટક બૂબ હતી. રજવાડાના કેટલાંક ટેકેદારો ટીકા કરતા કે સૌરાષ્ટ્ર સરકાર કરતાં તો રજવાડાનું શાસન સારું હતું ! તેમની દલીલ હતી કે ‘ખેડે તેનું ખેતર તો કામ કરે તેનું કારખાનું અને રહે તેનું રહેઠાણ એવો કાયદો સૌરાષ્ટ્ર કેમ કરતી નથી?’ પરંતુ સામંતવાદીઓની આ દલીલ લોકશાહી સરકારની ઠેકડી ઉડાડવા માટે જ હતી ! તેઓ પોતાના રજવાડી શાસન વેળાએ આ કામ કરી શક્યા ન હતા. ભૂપતે હત્યા કરવાની પરંપરા 24 જુલાઈ 1949થી શરૂ કરી 87 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી, અનેકના નાક કાપ્યા, અનેકને રિબાવી રિબાવીને માર્યા અને સૌરાષ્ટ્ર રાજ્યના પોલીસ વડા કાનેટકર તથા ગૃહ મંત્રી રસિકલાલ પરીખની ભીંસ વધતા ભૂપત પકડાશે તો વટાણા વેરાઈ જશે એવો ડર આશરો આપનાર રાજવીઓને લાગ્યો ત્યારે તેમણે ભૂપતને કહ્યું કે ‘ફાંસીથી બચવા પાકિસ્તાન નાસી જા !’ ભૂપત પકડાય તો ફાંસી નક્કી હતી, તેથી 3 મે 1952ના રોજ ભૂપત તેના ત્રણ સાથીઓ સાથે પાકિસ્તાન નાસી છૂટ્યો.
ધારાસભ્ય છગનભાઈ પટેલ ચાર ચોપડી ભણેલા હતા, પરંતુ તેમણે વિધાનસભામાં જે પ્રવચનો / રજૂઆતો કરેલ તે ચોટદાર અને તાર્કિક હતાં. ઓછું ભણેલ માણસ જ્યારે દિલની વાત કરવા બેસે ત્યારે ભાષા પણ એમને મદદમાં આવતી હોય છે ! 21 માર્ચ 1951ના રોજ તેમણે ધારાસભામાં કહ્યું હતું : “આજે બે વર્ષથી બહારવટિયા ભૂપતની પ્રવૃત્તિ ચાલે છે. ખેડૂતોના ખૂન દિલ કંપાવી દે તેવા છે. તાલુકદારીનો પ્રશ્ન શુદ્ધ હ્રદયથી કોઈ પણ જાતનો રાજકીય રંગ આપ્યા વિના પોતાની તમામ શક્તિ સૌરાષ્ટ્રના 1,100 ગામડાંના કલ્યાણની દૃષ્ટિએ ખર્ચીને આ વાતનો અંત લાવવાના પ્રયત્નો કરવા તમામ પક્ષોને વિનંતિ કરું છું. આ પ્રશ્નને નકરો ખેડૂતોના હિતની દૃષ્ટિએ કે નકરો તાલુકદારોના હિતની દૃષ્ટિએ નહીં પણ આખા સૌરાષ્ટ્રની હિતદૃષ્ટિએ વિચારીને તેનો ઉકેલ લાવવો જોઈએ. એવી વાત કરવામાં આવે છે કે કાઁગ્રેસ તાલુકદારોની દુ:શ્મન છે. આ માત્ર ગપગોળો છે. સરકાર તાલુકદારોનો નહીં, તાલુકદારી પ્રથાનો નાશ કરવા ઈચ્છે છે. તાલુકદારી પ્રશ્ન જો ન પતે તો હું સૌરાષ્ટ્રની પ્રજા તેમ જ તાલુકદારોનું હિત બે રીતે નથી જોતો. એક તો એ કે આ પ્રથા ચાલુ રાખવી એ સૌરાષ્ટ્ર માથે એક મોટું જોખમ તેમ જ કલંક છે. તેમ અત્યારની દુનિયાનો પવન અને સામાજિક બળના વાતાવરણ ઉપરથી કોઈ પણ સમજદાર નાગરિકને દેખાશે. એટલું જ તાલુકદારો માટે પણ જોખમ છે. આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય તો આ જ સૌરાષ્ટ્રની પ્રજા પણ શાંત બેસી શકે તેમ નથી. બીજી રીતે જોઈએ તો આપણને થશે કે જ્યારે રાજવી સંસ્થાઓ હતી અને નાનાં નાનાં રાજ્યો હતા ત્યારે તે અનુકૂળતા માટે સમાજે જ ગોઠવેલું, સમાજહિતની દૃષ્ટિએ તે બંધારણ હતું. સૌ તેને માન આપતા. તે દિવસે એ જરૂરી હતું. આજે સમય બદલાઈ ગયો છે. તે દિવસે રાજાઓ પ્રજાનું રક્ષણ કરતા હતા. આજે રાજાઓનું રક્ષણ પ્રજાના હાથમાં છે. આજે દિશા તદ્દન પલટાઈ ગઈ છે તે કેમ ભૂલી જવાય છે? એવું કહેવાય છે કે આ બધું કાઁગ્રેસે કર્યું છે, ગામડાંમાં છોરું માવતર જેવો ખેડૂત અને ગરાસદારોનો સંબંધ કાઁગ્રેસે બગાડ્યો છે. આ હોલમાં મહારાણી વિક્ટોરિયાનું બાવલું હતું તેને કાઁગ્રેસે દૂર કર્યું. આજે એની જરૂર ન હતી એટલે એને દૂર કર્યું છે, તેમ સૌનું દિલ કહે છે, જેથી સંજોગોએ તેને દૂર કર્યું. છોરું માવતરના સંબંધ અંગે દાખલો આપું. એક દિવસ ભાવનગર રાજ્યે એક કરજ કમિટી નીમી હતી. જ્યારે તે કમિટી કામે લાગી ત્યારે વેપારીઓ વાતો કરતા હતા કે હવે ખેડૂતોનો વ્યવહાર તૂટી જવાનો છે ! એક માણસ પાસેથી એક ખેડૂતે 40 રૂપિયા લીધા. ત્યાર પછી લગભગ 340 રૂપિયા બાકી રહ્યા. એક માણસે 16 મણ જુવાર લીધી તે પેટે ઘણું આપેલ છતાં તેને ખાતે બાકી 1,800 રૂપિયાનું કરજ કમિટીની તપાસ વખતે નીકળ્યું. છતાં ખેડૂત વેપારીનો ઉપકાર માનતો. શું આ પ્રથા બરોબર છે? 16 મણ જુવાર ખાતે આપે તે પેટે ઘણું વળતર લીધું છતાં 1,800 રૂપિયાનું કરજ બાકી ! છતાં પણ કહેવાય કે સારા પ્રતાપ શેઠના ! છોરું માવતરના સંબંધ માટે મારે કહેવું જોઈએ કે આજે પ્રજાનો શું ખ્યાલ છે? દુનિયાનો પવન ક્યાં જઈ રહ્યો છે? તેને વિચાર કરો. આજ દિવસ સુધી બન્યું ત્યાં સુધી ખેડૂતોએ સહન કર્યું અને સ્વીકાર્યું. તમે પ્રજાનું રક્ષણ કરતા હતા આજે તમારા ગરાસનું રક્ષણ પ્રજાકીય સરકાર કરી રહી છે. માટે આજે માવતર અને છોરું કોણ તેનો ખ્યાલ કરો …”
18 માર્ચ 1952ના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું : “પોલીસ ખાતાની નબળાઈનાં કારણે સૌરાષ્ટ્રમાં અનિષ્ટ તત્ત્વો ઊભાં થયા છે. કેટલાં ય સમાજ વિરોધી તત્ત્વો અને માથાભારે માણસો ગામડાંની શાંત અને ધંધાર્થી પ્રજાને પજવી રહ્યા છે. તેની પોલીસ ખાતા તરફથી અટકાયત થતી નથી, એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રમાં બહારવટિયાનો ત્રાસ ખૂબ ખૂબ છે. એક જ બારવટિયો ત્રણ ત્રણ વરસથી પ્રજાની માલમિલકત લૂંટી રહ્યો છે અને ખૂન કરી રહ્યો છે. તેને કબજે નહીં કરવામાં પોલીસ ખાતાએ નબળાઈ દેખાડી છે. તે બહારવટિયો બીકણ અને નમાલો માણસ છે અને તે ભાગતો ફરે છે, તેને પકડતાં મુશ્કેલી પડે પણ એને સંઘરનારા મળે છે. ગામડાંની અંદર બહારવટિયો રખડે છે તેને સંતાવાનું કારણ એ છે કે તેને આશરો દેનારા મળે છે. પણ એ આશરો દેનારાને પકડીને બહાર કેમ લાવવામાં નથી આવતા? સૌરાષ્ટ્રના 1,700 ગામડાઓ તાલુકાદારી પ્રથા નીચે કચડાયેલાં હતા અને 600 ગામડાં ભાગબટાઈ નીચે રહેંસાતા હતાં. 600 ગામડાની પ્રજાને વહેલી મુક્તિ આવી શકે તેમ હતી, પણ 1,700 ગામડાંની પ્રજાને બેઠી કરવી એ કામ જેવું તેવું ન હતું. એ કામ ઘણું મુશ્કેલ હતું. સૌરાષ્ટ્રની અંદર મોટી ઉંમરના વડવાઓ આપણી વચ્ચે છે, તેમને પૂછો તો ખ્યાલ આવશે કે આ 1,700 ગામડાંના ગરાસદારો, તાલુકદારો, કે જીવાઈદારો હતા તેમાંથી કોઈની એક વીઘો પણ જમીન કોઈ દબાવે તો તેના પરિણામે કેટલી ખૂનરેજી થઈ છે? સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે જે પાળિયા મૂકેલ છે તે શું હોંસના મૂકેલ છે? આ બધા ગામડાંના પાળિયાઓ ગામને બચાવવા માટે, મરદાનગીથી ખપી ગયેલા માણસોના છે. લોકશાહી આવી રહી હોય તેને દૂર ઠેલવામાં, તેની સામે કંઈ કરવામાં બાકી નહીં રાખનારા લોકશાહી સામે ઝઝૂમનારા માણસો આપણે ત્યાં હતા. આપણે ભૂલવું ન જોઈએ કે એ માણસો લોકશાહીની પાછળ પડ્યા હતા, ત્યારે આ 1,700 ગામડાંની પ્રજા ગરાસધારી, તાલુદારી પદ્ધતિમાંથી મુક્ત થાય અને જે પલટાથી ગરાસદારો અને તાલુકદારોને મોટી અસર થતી હોય, ત્યારે સમય પ્રમાણે આ પલટો જરૂરનો છે એટલી બુદ્ધિ કે ડહાપણની આશા એમાંના બધા પાસે આપણે રાખી નહોતી. આપણને જરા શક ઉપરથી કંઈ કહેવામાં આવે તો આપણે ઉકળી ઊઠતા હોઈએ ત્યારે આ માણસોનું લેવાઈ જતું હતું તેને શું શું થયું હશે? પણ જે લોકશાહીમાં અનફિટ હતું અને લેવાઈ જવાને યોગ્ય હતું તેથી જ લેવાયું હતું. ગરાસદારી સમાજમાંથી ઘણા માણસો ભાન ભૂલેલા નીકળે, ધમંડી નીકળે, ઘણા માણસો દુનિયા શક્તિહીન છે એમ માની તેને બળ બતાવવા, તેની પાસે પોતાનું બળ અજમાવવા પણ નીકળે. જે કોઈ આ રાજ્યમાં અરાજકતા ઊભી કરે તેને દૂર કરવાની જવાબદારી ગૃહખાતા ઉપર આવે. 1,700 ગામોની તાલુકદારીની પ્રથા નાબૂદ કરવા માટે 50-100 માણસોના ખૂનો થયા તેમના જીવ કિંમતી હતા. તેથી મને દુઃખ થાય છે. મને તેમના પ્રત્યે લાગણી છે. આજે આપણે મોટા ફેરફાર કર્યા છે. આપણે તાલુકદારી, બારખલી પ્રથા નાબૂદ કરી છે. શોષણખોરી નાબૂદ કરી છે. આપણે એક કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું છે. તે રાજ્યના પાયામાં તેમણે પોતાના જાન આપ્યાં છે. સૌરાષ્ટ્ર તેમને કોઈ દિવસ નહીં ભૂલે. આવો મોટો પ્રયોગ થઈ રહ્યો હોય, આવા ક્રાંતિકારી પગલાં લેવાઈ રહ્યાં હોય તેવે વખતે એ સ્વાભાવિક છે કે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાય. ચીનનો દાખલો આપનારને હું કહું છું કે ચીનની રીતે આપણે તંત્ર ચલાવવું છે? ત્યાં કોરડો અને પિસ્તોલ છે. ત્યાં વિનંતિ નથી. વાતો કરવી ઘણી સહેલી છે, પણ કામ કરવું ઘણું કઠણ છે.”
“અરાજક તત્ત્વો માંહેના માણસો પકડવાના બાકી છે, શા માટે? આ બાબતે વિચાર કરું છું ત્યારે બીજી તરફ મારી નજર જાય છે. ચૂંટણીની અંદર, જાહેર સભાઓની અંદર, ચોખ્ખે ચોખ્ખો ભૂપતનો પ્રચાર કરવામાં આવતો હતો. જે લોકોના ખૂન થયા છે, ત્યાં ખૂન પાછળ ભાવના કેવી હતી? ખારચિયામાં 11 લોકોના હત્યાકાંડે તો ભલભલાનાં દિલ ધ્રુજાવી નાખ્યાં. ખારચિયાનો બનાવ બન્યો ત્યારે આનંદ માનનારા માણસોને તે સાથે સંબંધ ન હતો એમ કોણ કહી શકે તેમ છે? જે માણસોએ દિલની ક્રૂરતા ભરેલા આવા પક્ષો સાથે હાથ મિલાવ્યા છે, તે તો ઉઘાડું પ્રૂફ છે. એ પક્ષોના ઉતારા પણ ક્યાં ક્યાં હતા, તે ઉઘાડી વાત છે. એ લોકો એક બાજુથી આવા તત્ત્વો સાથે ભળીને, બીજી કોરથી ગૃહખાતાને વગોવતા હતા. તેઓની સામે સખત હાથે કામ લ્યો. ઝેરી સાપો હજી બહાર છે. જો એ ઝેરી સાપોને એમને એમ મૂકી દેવામાં આવશે તો બે ત્રણ વર્ષે ઝેર કાઢવા માટે બહાર પડશે. લોકશાહીના આવા દુ:શ્મનો જ્યાં જ્યાં હોય ત્યાં તેમની સામે સખત હાથે કામ લઇ, સતત જાગૃતિ રાખીને, કોઈ વ્યક્તિના મોભાની પણ દરકાર કર્યા સિવાય, જે માણસોનો આમાં હાથ હોય તેને વહેલી તકે ઝબ્બે કરો. તેવા માણસોને – ઝેરી સાપોને ગૃહખાતાએ કુશળતાપૂર્વક, હિંમતપૂર્વક ગોતીને, જ્યાં હોય ત્યાંથી, પાતાળમાંથી હોય તો પાતાળમાંથી પણ ગોતીને ઝબ્બે કરવા જોઈએ !”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર