હાંફતે યુદ્ધવિરામે
બંને મુલક પરસ્પરના રાષ્ટ્રીય અસ્તિત્વનો ખરા દિલથી સ્વીકાર અને પુરસ્કાર કરે અને રાષ્ટ્રવાદના અતિકારણથી કિનારો કરે ત્યારે વાત બને તો બને
સહેજસાજ લંબાયેલ અને ગમે તે ક્ષણે નકો નકો થઈ શકતા ઇઝરાયલ – હમાસ યુદ્ધવિરામના કલાકોમાં લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે અમેરિકી વિદેશમંત્રી બ્લિન્કન વળી આ દિવસોમાં એમની ત્રીજી પશ્ચિમ એશિયાઈ મુલાકાતે પહોંચવામાં છે. દેખીતી રીતે જ, કશાક ચાલચલાઉ પણ સમાધાન સારુ આ ખેપ હશે. ઇઝરાયલી ગુપ્તચર તંત્ર મોસાદના તેમ અમેરિકી સી.આઈ.એ.ના વડાઓ દોહામાં કતાર સરકારની સત્તાવાર મધ્યસ્થીમાં આ જ મુદ્દે મળી ચૂક્યા છે.
મુદ્દે, ઇઝરાયલ-પેલેસ્ટાઇલ વચ્ચે અત્યાર સુધીમાં જે સમજૂતી કે સમાધાન યદ્દાતદ્દા પણ થયાં છે તે લગભગ કામચલાઉ જેવાં જ રહ્યાં છે, કેમ કે, સુવાંગ અરબ મુલકમાં યહૂદી ઇલાકો કોતરી કઢાયો તે ન્યાય-અન્યાયની એક આંતરરાષ્ટ્રીય રમણા હતી. મહાસત્તાઓને જેમ યહૂદીઓને ન્યાય અપાવવાની ઇચ્છા હશે તેમ એથી સહેજે ઓછી નહીં બલકે કદાચ વધુ જ ગણતરી પશ્ચિમ એશિયામાં રાજકીય ભિલ્લુ ઊભો કરવાની હતી.
ન્યાય-અન્યાયની આ રમણામાં અરબ બહુમતી સાથેનો અન્યાય યહૂદીઓને મળેલ ન્યાયને મુકાબલે મુદ્દલ ઓછો નહોતો. પણ સાધારણપણે પેલેસ્ટાઇને જે રીતે દ્વિરાષ્ટ્રીય વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો જણાય છે એવો સ્વીકાર એકંદર ઇઝરાયલી નેતૃત્વને પક્ષે જણાતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે. અમેરિકી પ્રમુખ બાઇડને તાજેતરમાં આ મુદ્દો કર્યો જરૂર છે, પણ ઇઝરાયલી નેતૃત્વ એમને બદે એવાં ચિહ્ન ઓછાં છે.
ઊલટ પક્ષે, બાઇડન જેનું વર્તમાન પ્રતિનિધિત્વ કરે છે તે એકંદર અમેરિકી નેતૃત્વ પણ એક હદથી વધુ આગ્રહ કદાચ કરી શકે તેમ નથી, કેમ કે ઇઝરાયલ જેમ એમના વિદેશવ્યૂહની અનિવાર્યતા છે તેમ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ (હમાસથી કે અન્યથા) એમના ગૃહકારણની કંઈક ખંધી લાચારી છે. વાત એમ છે કે અમેરિકી અર્થકારણ (ખરું જોતાં જો કે અનર્થકારણ) શસ્ત્રનિર્માણ ને શસ્ત્રસોદાગરી પર હદ સે જ્યાદા નિર્ભર છે. થોડા દિવસ પર અમેરિકાની બે મોટી શસ્ત્રસોદાગરી અને કંત્રાટી પેઢીઓ, કોર્પ અને જનરલ ડાઇનેમિક્સના બડેખાંઓના ખરી દૂંટીના ઓડકાર બહાર આવ્યા હતા કે હાલની ગાઝા ઘટના આપણે સારુ સારા સમાચાર લઈને આવી છે. હમાસની આતંકી કારવાઈ સામે ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં તેરથી ચૌદ હજાર જેટલા લોકોના જીવ લીધા છે અને એ પંથકના લાખો રહેવાસીઓને અમાનવીય યંત્રણામાં મૂકી દીધા છે, પણ કોર્પ-ડાઇનેમિક્સ જુગલબંધી એમાંથી વાજીકરણ શી લિજ્જત લે છે, અને એમના અર્થકારણ પર આધારિત અમેરિકી રાજકારણ વચ્ચે વચ્ચે વિરામખેલ પાડી સરવાળે એક કન્ટ્રોલ્ડ ‘વૉર થિયેટર’ને ધોરણે ચાલે છે એવું લાગ્યા વગર રહેતું નથી.
બે અભિન્નસખા, કેલનબેક અને ગાંધી અહીં સાંભરે છે. જર્મન પૃષ્ઠભૂ ધરાવતા યહૂદી કેલનબેક અને ગાંધી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં પાંગરેલી જીવનશોધલક્ષી કર્મબાંધવી એક અનેરું પ્રકરણ છે. કેલનબેકને 1914-15માં જ ગાંધી સાથે હિંદ આવવાની હોંશ હતી. પણ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે એક જર્મન સારુ એ શક્ય નહોતું. દાયકાઓ પછી કેલનબેક હિંદ આવ્યા ત્યારે ઇઝરાયલ માટેની ચળવળનો યે મુદ્દો લેતા આવ્યા હતા. અભિન્નસખાનો અનન્ય મૈત્રીમિલાપ છતાં ગાંધી એમાં સમ્મત થયા નહોતા, કેમ કે, મૂળ વતનના ખયાલે અને ન્યાયના ખયાલે અરબ વસ્તીને જફા પહોંચાડવું એમને દુરસ્ત નહોતું લાગતું. યહૂદીઓને જે પણ વેઠવું પડ્યું એને વિશે એમને સમસંવેદના અવશ્ય હતી. પણ યહૂદીઓને ન્યાય અપાવવા ઇચ્છતાં પશ્ચિમી રાષ્ટ્રોએ, પોતપોતાને ત્યાં વસી ગયેલા યહૂદીઓની સંભાળ લેવી જોઈએ, અને યહૂદીઓએ પણ નવાં વતનોને દિલથી અપનાવવાં જોઈએ એવી એમની લાગણી હતી.
અલબત્ત, આ એક જુદી જ વાત થઈ. અત્યારે તો યુદ્ધવિરામ કાયમી બને એ માટે વહેવારુ સમાધાનનો સવાલ છે, અને બેઉ પક્ષે દ્વિરાષ્ટ્રી વાસ્તવિકતાના તહેદિલ સ્વીકારને ધોરણે જ આવું કોઈ પણ સમાધાન આખરે સ્થાયી બની શકે. બેશક, આ સ્વીકારની પૂંઠે રાષ્ટ્રવાદના ‘અતિ’ નીચે એક ભૂમિકા અનિવાર્યપણે હોવી જોઈશે, અને નૉનસ્ટેટ એક્ટર્સ વિશે ય સાફ ભૂમિકા જોઈશે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 નવેમ્બર 2023