આજે, અભિનવગુપ્ત વિશે —
એમનો સમય છે, દસમા શતકનો અન્ત અને અગિયારમા શતકનો પ્રારમ્ભ. એમના મુખ્ય ગ્રન્થ બે છે, એક છે, ભરતના “નાટ્યશાસ્ત્ર” પરની ટીકા, “અભિનવભારતી”. બીજો ગ્રન્થ છે, આનન્દવર્ધનના “ધ્વન્યાલોક” પરની ટીકા, “લોચન”. આ બે ગ્રન્થોને કારણે અભિનવગુપ્ત રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો વચ્ચે એક બહુમૂલ્ય સેતુ ભાસે છે. રસ અને ધ્વનિની વાતમાં યથાસ્થાને એમના વિચારો પીરસતો રહીશ.
આ પહેલાના લેખમાં મેં કહ્યું કે હું બીજો ઉત્તર આપીશ. એ કે એ રસસૂત્રમાં મુકાયેલી ‘સંયોગાત્’ સંજ્ઞા સૂચવે છે એ સંયોગના કરનાર સર્જકો હોય છે. સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.
પરન્તુ એ પહેલાં, અભિનવગુપ્તના વિચારો જાણીએ :
હું કહી ગયો છું કે રસસૂત્રમાં છે એ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, સ્થાયી ભાવનાં જ અંગોપાંગ છે. સ્થાયી ભાવ ક્રોધનું દૃષ્ટાન્ત આપીને મેં મારી આ વાતનું સમર્થન કરેલું છે.
અભિનવગુપ્ત એમ કહે છે કે આ વિભાવાદિથી ‘વ્યક્ત’ થયેલો ‘સ્થાયી ભાવ’ જ ‘રસ’ છે. એમના આ વિચારના મમ્મટ આદિ અનુયાયીઓ એમ કહે છે કે આમાં ‘વ્યક્ત’ શબ્દ મહત્ત્વનો છે, એનો અર્થ છે, ‘વ્યંજના’. ‘વ્યક્ત’-થી પ્રતિપાદિત થતો અર્થ વ્યંજના વૃત્તિથી અથવા શબ્દની વ્યંજનાશક્તિથી ગ્રહાતો હોય છે, એ અર્થ વાચ્યાર્થ કે અભિધેયાર્થ નથી, એ વ્યંગ્યાર્થ છે અથવા ધ્વન્યાર્થ છે. સૂચવાય છે એમ કે રસ ધ્વનિત થાય છે.
આ સંદર્ભમાં, ‘વ્યંજના’-નો અર્થ છે, ‘આવરણરહિત ચૈતન્ય’. ‘નિરાવરણ ચિતિ’ પણ કહેવાય છે. કશાક આવરણથી ઢાંકેલા દીપકનું એ આવરણ લઈ લઈએ તો એથી આજુબાજુના વસ્તુપદાર્થો પ્રકાશિત થાય છે તેમ જ દીપક પોતે પણ પ્રકાશિત થાય છે, દેખાય છે, એ રીતે, વિભાવાદિ-સમ રતિ વગેરેને, આત્મા પ્રકાશિત કરે છે અને પોતે પણ પ્રકાશિત થાય છે. કેમ કે વિભાવાદિના સંયોગથી અજ્ઞાનરૂપી આવરણ હઠી ગયાં હોય છે. રતિ વગેરે સ્થાયી ભાવો અન્ત:કરણના ધર્મ છે, એ આત્મા દ્વારા ભાસિત થતા હોય છે તેથી ‘સાક્ષિભાસ્ય’ કહેવાય છે. સ્વપ્નમાં અશ્વની કે ચમકતા કાચમાં રજતની પ્રતીતિની જેમ આત્મા દ્વારા વિભાવાદિનો સાક્ષિભાસ્ય થઈ જાય છે.
આમ, અનુયાયીઓનો આખો મુદ્દો આધ્યાત્મિકતાનો રંગ પકડે છે : સ્થાયી ભાવો અન્ત:કરણના ધર્મ; વ્યંજના આવરણરહિત ચિતિ; આવરણ અજ્ઞાનનું; અને આવરણરહિત ચૈતન્યયુક્ત સ્થાયી તે રસ. આ સંદર્ભમાં, મારું મન્તવ્ય એ છે કે, ‘સંયોગ’ પરથી આપણું ધ્યાન ખસી જાય છે.
અભિનવગુપ્તે રસસૂત્રની ચર્ચા વિસ્તારથી કરી છે. પોતાનો મત રજૂ કરતાં એમણે સૂત્રના અન્ય ટીકાકારો ભટ્ટ લોલ્લટ, ભટ્ટ શંકુક અને ભટ્ટ નાયકના મતની સમીક્ષા કરી છે. લોલ્લટનો મત ‘ઉત્પત્તિવાદ’ કહેવાય છે કેમ કે રસનિષ્પત્તિને તેઓ રસઉત્પત્તિ ગણે છે. શંકુકનો મત ‘અનુમિતિવાદ’ કહેવાય છે કેમ કે રસનિષ્પત્તિને તેઓ રસઅનુમિતિ ગણે છે. ભટ્ટ નાયકનો મત ‘ભુક્તિવાદ’ કહેવાય છે કેમ કે તેઓ રસનિષ્પત્તિને રસભુક્તિ કહે છે. પરન્તુ અભિનવગુપ્તનો મત ‘અભિ વ્યંજનાવાદ’ કહેવાય છે કેમ કે તેઓ રસનિષ્પત્તિને અભિ વ્યંજના કહે છે.
આમ, ચર્ચા રસસૂત્રમાં છેલ્લે જે સંજ્ઞા ‘રસનિષ્પત્તિ’ છે, એ દિશામાં વળી ગઈ છે.
અભિનવગુપ્તના એ અનુયાયીઓએ અભિનવગુપ્તના ‘વ્યંજના વૃત્તિ’ વિભાવને ધ્યાનમાં લેવો જોઈતો હતો, જેમાં એમણે ધ્વનન વ્યાપારને જ મહિમાવન્ત લેખ્યો છે. કેમ કે એમનું સમગ્ર રસદર્શન આનન્દવર્ધનના ધ્વનિવચારથી સમુચિત રૂપે રંજિત છે.
“લોચન” ગ્રન્થમાં ‘વ્યંજના વૃત્તિ’-ની એમણે કરેલી ચર્ચાનો સાર આ પ્રમાણે છે : તેઓ અભિધા, (તાત્પર્ય), લક્ષણા અને વ્યંજના એમ ત્રણેય શબ્દશક્તિઓને તેમ જ એ ત્રણેયના વ્યાપારો વિશે કહે છે, એ ખૂબ ધ્યાનાર્હ છે. રોચક વાત એ છે કે દરેક વ્યાપારને તેઓ સંવેદનાનો વિષય ગણે છે – ત્રયો હ્યત્ર વ્યાપારા સંવેદ્યતે.
Pic Courtesy : Living in Wellbeing
અભિધા-વ્યાપારથી પદોના સામાન્ય અર્થો મળે છે. કેમ કે અભિધાશક્તિ સંકેતને દૃષ્ટિગત રાખીને અર્થની પ્રતીતિ કરાવે છે. હું દાખલો આપું : મારે એક વસ્તુનો સંકેત કરવો છે ને એ માટે હું ‘પતંગ’ પદ (શબ્દ) પ્રયોજું છું. દેખાય છે એ પતંગ છે, એથી વિશેષ કશું સંકેતિત નથી થતું. મારે એક બીજી વસ્તુનો સંકેત કરવો છે ને એ માટે હું ‘છોકરો’ પદ પ્રયોજું છું. દેખાય છે એ છોકરો છે, એથી વિશેષ કશું સંકેતિત નથી થતું. આ શક્તિથી આપણને અભિધેયાર્થ અથવા શબ્દાર્થ અથવા મુખ્યાર્થનું પ્રત્યાયન અથવા અવગમન થાય છે.
પણ ‘છોકરો પતંગને જોઈ રહ્યો છે’, એમ હું એ બન્ને પદોને જોડીને, અન્વિત કરીને, એ વાક્યમાં પ્રયોજું છું ત્યારે પોતાના સામાન્ય અર્થ આપવા ઉપરાન્ત એ પદો વિશિષ્ટ અર્થ આપે છે. પેલા હતા, અભિધેયાર્થ અથવા શબ્દાર્થ અથવા મુખ્યાર્થ, આ વાક્યાર્થ છે. આ શબ્દશક્તિને અભિનવગુપ્ત તાત્પર્ય શક્તિ કહે છે. આ શક્તિથી આપણને તાત્પર્યાર્થનું પ્રત્યાયન અથવા અવગમન થાય છે.
આ પછી અભિનવગુપ્ત લક્ષણાવ્યાપાર અને વ્યંજનાવ્યાપાર અથવા ધ્વનનવ્યાપારની વાત કરે છે. અભિધાથી મળતા વાચ્યાર્થનો બાધ, લક્ષણાપ્રયોજન, વગેરે જાણીતી વિભાવનાઓના વિવરણમાં ઊતરવું અત્રે જરૂરી નથી.
પણ નૉંધપાત્ર વાત એ છે કે અભિનવગુપ્તે એ તમામ વ્યાપારોની તર્કપૂત સમીક્ષા કરીને એમ દર્શાવ્યું છે કે અભિધા, તાત્પર્ય અને લક્ષણા ઉપરાન્તનો એક વ્યાપાર, ધ્વનનવ્યાપાર છે.
અભિનવગુપ્ત કહે છે, આ ત્રણ શક્તિઓને મૂળ આધાર માનવા છતાં કશાક અન્ય અર્થનો પ્રતિભાસ થાય છે જેના પરિશીલનથી સહૃદયોની પ્રતિભા પવિત્ર થઇ જાય છે. એ અર્થ માટે સહાયક નીવડનારી શક્તિ વ્યંજના અથવા ધ્વનિશક્તિ છે જેના પ્રતાપે પ્રગટે છે ધ્વનનવ્યાપાર. અને એ વ્યાપાર ત્રણેય વ્યાપારોને દબાવી દઈને પ્રધાન થઇને કાવ્યનો આત્મા બની રહે છે. એમના શબ્દો છે – સ ચ પ્રાગ્વૃત્તમ્ વ્યાપારત્રયમ્ ન્યક્કુર્વન્ પ્રધાનભૂત: કાવ્યાત્મેતિ.
મેં પૂછેલું કે રસસૂત્રમાં મુકાયેલી ‘સંયોગાત્’ સંજ્ઞા સૂચવે છે એ સંયોગના કરનાર કોણ હોય છે. એનો શાસ્ત્રોક્ત ઉત્તર તો મળી ગયો કે એ સંયોગથી સ્થાયી પોતે જ રસરૂપે અનુભવાય છે. પણ એ સવાલ ઊભો રહે છે કે સંયોગનો સંયોજક કોણ. મારો ઉત્તર છે, સર્જક. સર્જકોની સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે. અભિનવગુપ્તના ઉપર્યુક્ત વિચારોમાં જે શબ્દશક્તિઓનો નિર્દેશ છે એનો વ્યાયામ અને યોગપ્રયોગ કરનારા તો સર્જકો છે !
એક સર્જક તરીકે મારું મન્તવ્ય બંધાયું છે કે સર્જકશબ્દ બધી જ શક્તિઓથી ચાર્જ્ડ હોય છે. એ સત્ય વિશે હવે પછી …
(11/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર