ચૂંટણી જાહેર થાય એ પછી કયા પક્ષ માટે, કે ગઠબંધન માટે, કેટલી અનુકૂળતા છે અને કેટલી પ્રતિકૂળતા છે એનું આખું તર્કશાસ્ત્ર જો ચૂંટણીનું પ્રત્યક્ષ પરિણામ ધારવા કરતાં વિપરિત આવે તો એ પછી બદલાઈ જતું હોય છે. આવો અનુભવ ભારતના પત્રકારોને અને રાજકીય નિરિક્ષકોને ૧૯૮૯થી થઈ રહ્યો છે. મંડલ, કમંડલ અને એ બન્નેમાં મધ્યમવર્ગની વગ વિસ્તરી એ પછીથી ચૂંટણીકીય પરિણામો વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ બની ગયું છે. ૧૯૮૯ પહેલાં સર્વે અને એક્ઝીટ પોલ સાચા પડતાં હતાં કારણ કે સમાજ આજ જેટલો સંકુલ નહોતો. લોકોની આકાંક્ષાઓ અને સ્વાર્થને અનુલક્ષીને સમીકરણો બદલાતા રહે છે. માટે ચૂંટણી પહેલા મલ્લીનાથી કરનારા પત્રકારો અને રાજકીય સમીક્ષકોને શીર્ષાસન કરવું પડે છે.
સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે કૉંગ્રેસ ભારે બહુમત સાથે તેલંગાણા મેળવશે, પાતળી બહુમતી સાથે મધ્ય પ્રદેશ મેળવશે, ઠીક ઠીક બહુમતી સાથે છત્તીસગઢ જાળવી રાખશે અને રાજસ્થાનમાં પરાજિત થશે. એ પછી વળી અનુમાન કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં કાઁગ્રેસ ભારે મુકાબલો કરી રહી છે અને લડાઇ હિન્દીભાષી પત્રકારોનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીએ તો લડાઇ કાંટે કી હોગી.
પણ એવું બન્યું નહીં. એક માત્ર તેલંગાણા છોડીને કૉંગ્રેસ નિષ્ફળ નીવડી અને બધાં અનુમાનો ખોટાં પડ્યાં. તેલંગણામાં વિદાય લેતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનો ભદ્દી રીતે નજરે પડે એવો ઉઘાડો પરિવારવાદ અને ઊપરથી ભ્રષ્ટાચાર એવો હતો કે લોકોની અંદર અભાવ પેદા થયો હતો. સામે બી.જે.પી.એ કાઁગ્રેસને હરાવવા કે.સી.આર.ને નકલી લડાઇ દ્વારા છૂપો ટેકો આપ્યો હતો જેનો લાભ કાઁગ્રેસને મળ્યો હતો. હવે કે.સી.આર.ના બી.જે.પી. અને ઇન્ડિયા એલયાન્સથી સમાન અંતર રાખીને રાષ્ટ્રીય નેતા બનવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. કે.સી.આર. પોતે બેમાંથી એક બેઠક પર પરાજિત થાય છે. કે.સી.આર. દેવગોવડાના માર્ગે લોકસભાની ચૂંટણી માટે બી.જે.પી. સાથે સમજૂતી કરશે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
રાજસ્થાનમાં કૉંગ્રેસ ભલે જીતે નહીં, પણ જબરદસ્ત લડત આપશે એવા અનુમાનનું કારણ એ હતું કે રાજસ્થાનમાં બી.જે.પી.નાં કદાવર નેતા વસુંધરા રાજે સિંધિયાને બી.જે.પી.ના કેન્દ્રીય નેતૃત્વએ કિનારે કર્યાં હતાં અને તેને કારણે તેઓ નારાજ હતાં. તેઓ અંદરખાનેથી મુખ્ય પ્રધાન ગેહલોતને મદદ કરી રહ્યાં છે એમ માનવામાં આવતું હતું. બીજું કાઁગ્રેસના કેન્દ્રીય નેતાઓએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમજૂતી કરાવી હતી અને તેઓ બન્ને જાહેરમાં તો રામ લક્ષ્મણની માફક બંધુભાવનું પ્રદર્શન કરતા હતા. પણ પરિણામ જોતાં બે ચીજ નજરે પડી રહી છે. વસુંધરા રાજે કાં તો એટલાં નારાજ નહોતાં જેટલાં માનવામાં આવતું હતું અથવા તેમની વગ નરેન્દ્ર મોદીની લોપ્રિયતા અને અમિત શાહની રણનીતિ સામે ઝાંખી પડી છે. બી.જે.પી. કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પરથી આનો જવાબ મળી રહેશે. બીજું રાજસ્થાનની ત્રણ દાયકા જૂની પરંપરા છે કે કોઈ પક્ષને રાજસ્થાનના મતદાતાઓ બીજી મુદ્દત આપતા નથી. એટલે પણ બી.જે.પી.નો વિજય આશ્ચર્યજનક નથી.
મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના પરાજયનું કારણ વધારે પડતો વિજયનો ભરોસો લાગે છે. પ્રારંભથી જ પક્ષ એમ માનીને ચાલતો હતો કે મધ્ય પ્રદેશમાં વિજય નિશ્ચિત છે. કાઁગ્રસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ તો એવી રીતે વર્તતા હતા કે જાણે મુખ્ય પ્રધાનપદની વરમાળા તેમના ગળામાં છે. આ સિવાય ભલે મોડે મોડેથી પણ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું હતું કે મામા ઉર્ફે શિવરાજ સિંહ ચૌહાણ વિના વૈતરણી પાર ઉતરે એમ નથી. બી.જે.પી.એ મામાને રાજી કરીને તેમને સુકાન સોંપી દીધું હતું અને મામાએ નૈયા પાર ઊતારી હતી. પણ વિજય મેળવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે કેમ એ સવાલ છે. જો ન બનાવે તો આશ્ચર્ય નહીં પામતા.
છત્તીસગઢનાં પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. રાજ્યના મુખ્ય પ્રધાનનું શાસન પ્રસંશનીય હતું. ખરું પૂછો તો આજના યુગમાં દાખલારૂપ હતું. ત્યાં બી.જે.પી.નો વિજય થયો છે. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં બી.જે.પી.ને મત આપ્યા છે એ બતાવે છે કે હિન્દુત્વનું રાજકરણ જંગલ સુધી પહોંચ્યું છે.
એકંદરે જોઈએ તો કાઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ. આત્મવિશ્વાસનો દેખાવ અને આત્મવિશ્વાસ પર ભરોસો એ બે જૂદી વસ્તુ છે. બી.જે.પી. આત્મવિશ્વાસનો દેખાવ કરે છે પણ તેનાં પર ભરોસો રાખીને પક્ષ સુસ્ત નથી રહેતો. હાર નજરે પડતી હોવા છતાં છેલ્લા બોલ સુધી પૂરી તાકાત સાથે લડવામાં તે માને છે. કર્ણાટકમાં આ જોવા મળ્યું હતું અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં તેણે હારને વિજયમાં ફેરવી દીધી. બી.જે.પી. પાસે આર.એસ.એસ.ની કેડર છે અને કાઁગ્રેસ પાસે ગ્રામીણસ્તરે સંગઠનનો અભાવ છે. કાઁગ્રસે નીચેથી પક્ષબાંધણી કરવી પડે એમ છે.
રહી વાત ૨૦૨૪ની તો ૨૦૨૪ની લડત ઇન્ડિયા એલયન્સ માટે ધારે છે એટલી આસાન નહીં હોય એ આ પરિણામોએ બતાવી આપ્યું છે. વિરોધીઓએ નરેન્દ્ર મોદીની ત્રીજી મુદ્દત માટે મનોમન તૈયારી કરવી રહી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2023