
સંજય ભાવે
ગુજરાતમાં નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશ લાવવામાં ગુજરાત વિદ્યાસભા સંસ્થાનો અગ્રગણ્ય અને અમૂલ્ય ફાળો છે. તેના સંચાલન હેઠળ ચાલતી શ્રી હરિવલ્લભદાસ આર્ટસ કૉલેજમાં અધ્યાપક હોવું એ મારા માટે અહોભાગ્ય અને ગૌરવની વાત છે.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એવું આદ્ય નામ ધરાવતી આ સંસ્થાની સ્થાપના અંગેજ સરકારે અમદાવાદમાં નીમેલા આસિસ્ટંટ જજ એલેક્ઝાન્ડ કિન્લોક ફાર્બસે 26 ડિસેમબર 1846ના દિવસે કરી. સોસાયટીનો ઉદ્દેશ આ પ્રમાણે હતો : ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.

એલેકઝાન્ડર ફાર્બસ
ફાર્બસે કવિશ્વર દલપતરામને વઢવાણથી અમદાવાદ બોલાવ્યા અને તેમની સાહિત્યિક પ્રતિભાને સંસ્થાના કામમાં પ્રયુક્ત કરી. શહેરના શ્રેષ્ઠીઓ, અભ્યાસીઓ અને સમવિચારી સરકારી અધિકારીઓને પણ તેમાં સાંકળ્યા.
સંસ્થાનો સાત મુદ્દાનો કાર્યક્રમ આ મુજબ હતો : સામયિકનું પ્રકાશન, ગ્રંથાલય સેવા, ગુજરાતી શબ્દકોશની રચના, હસ્તપ્રત સંગ્રહ, સહશિક્ષણ, પાઠ્યપુસ્તકોની રચના અને નવાં પુસ્તકોનું લેખન-પ્રકાશન. સંસ્થાનું નામ 1946માં ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું. જેનો ઇતિહાસ પાંચ ભાગમાં લખાયો હોય એવી પણ જૂજ સંસ્થાઓમાંની એક વિદ્યાસભા છે.
વિદ્યાસભાએ ગુજરાતમાં સમાજની સુધારણા અને પ્રગતિ માટેની નીચે મુજબની પાયાની પ્રવૃત્તિઓ પહેલવહેલી શરૂ કરી :
· ગુજરાતની પહેલી કન્યાશાળા હરકુવરભાઈ શેઠાણી કન્યાશાળા (સ્થાપના 30 એપ્રિલ 1958) જે આજે પણ શહેરના ખાડિયા વિસ્તારમાં રાવબહાદુર રણછોડરાય છોટાલાલ કન્યાશાળા તરીકે શિક્ષણરત છે.
· અમદાવાદની, અને સંભવત: ગુજરાતની પહેલી પબ્લિક લાઇબ્રેરી તે ભદ્ર ટેલિફોન એક્સચેન્જ સામેની હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ (સ્થાપના 5 સપ્ટેમ્બર 1855)
· ગુજરાતી ભાષાનું પહેલું માસિક ‘બુદ્ધિપ્રકાશ’ (શરૂઆત 15 મે 1854) જે અત્યારે પણ અવિરત છે.
· ગુજરાત વિદ્યાસભા અને તેની આર્ટ્સ કૉલેજે અત્યાર સુધી સંશોધન, પ્રકાશન, રાષ્ટ્રીય સેવા યોજના, રંગભૂમિ, ઇન્ડોલૉજિ, જાહેર જીવન જેવાં અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે.
વિદ્યાસભાએ 1955માં શહેરના મિર્ઝાપૂર વિસ્તારમાં શરૂ કરેલી શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટ્સ કૉલેજ વર્ષોથી ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને અગ્રણી કૉલેજ ગણાય છે. આ કૉલેજમાં અધ્યાપક હોવા માટે હું ખુદને ખૂબ ખુશકિસ્મત સમજું છું.

દલપતરામ કવિ
નદીનો પટ અને કાંઠો, કૉલેજ સંકુલમાં માટીવાળું ખુલ્લું મેદાન, તેના તરફ ખુલ્લાં વિસ્તૃત કૉરિડૉર, ત્રણ-ત્રણ અગાશીઓ, સૌથી ઊપર એક મોટું ધાબું, અને માથે ખુલ્લું આકાશ … શહેરમાં આવી elemental touch – પંચ તત્ત્વોને સ્પર્શતી, તડકો અને છાંયો, હૂંફ અને શીતળતા કુદરતી સ્વરૂપમાં જ આપતી કૉલેજ મને મળી છે.
દરરોજ તેના ચાર માળના તોતિંગ, અડીખમ અને ભવ્ય વાસ્તુ સામે જોઈને મનોમન નતમસ્તક થાઉં છું. સદ્દભાગ્યે અત્યારે પણ માટી જળવાયેલી હોય તેવાં તેનાં પ્રાંગણમાં આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, એસ્તેર સોલોમન, ઇલાબહેન પાઠક, નિરંજન ભગત જેવાં અનેક વિદ્યાજનોનાં પગલાં પડ્યાં છે. એ શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજની માતૃસંસ્થા વિદ્યાસભાને આજે પ્રણામ.
વર્ષ 1996ના માર્ચમાં શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટ્સ (એચ.કે. આર્ટ્સ) કૉલેજના અધ્યાપક તરીકેનો ઇન્ટરવ્યૂ આપ્યો અને પસંદ થયો. ઇન્ટરવ્યૂ લેનારામાં બીજી પાંચેક વ્યક્તિઓ સાથે વિદ્યાસભાના માનાર્હ સંયોજક યશવંત શુક્લ અને કૉલેજના એ વખતના આચાર્ય હીરુભાઈ ભટ્ટ હતા.
મને પૂછવામા આવ્યું કે ‘તમે આ કૉલેજમાં શા માટે જોડાવા માગો છો ?’ આ સર્વસામાન્ય સવાલ સંચાલકોની અને મુલાકાત દરમિયાન હાજર શિક્ષણ ખાતાના પ્રતિનિધિની દૃષ્ટિએ મારી બાબતમાં વધુ પ્રસ્તુત હતો.
એટલા માટે કે હું અમદાવાદની જ એક કૉલેજમાં પૂરા સમયની સુરક્ષિત નોકરીમાં હતો. ઇન્ટરવ્યૂ અંગેજી વિષય માટેનો હતો. એટલે મેં જવાબ આપ્યો હતો : ‘A full-time lecturer’s job, I already have, but joining this college means associating myself with Gujarat Vidyasabha which is a century-long tradition of learning and research.’ મારો જવાબ ઠીક વજનદાર હતો. એટલે સવાલ આવ્યો : ‘Tell us about Vidyasabha.’
અપેક્ષિત સવાલનો તૈયારી અને પ્રતીતિ સાથે જવાબ આપ્યો, જેમાં ફાર્બસ, એ સમયના ‘સકલ અને દલપતરામની વાત કરી. વિદ્યાસભાએ પ્રસિદ્ધ કરેલા ગુજરાતના ઇતિહાસની અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિક વિશે કહ્યું.
વિદ્યાસભાની નિશ્રામાં ચાલતી એ વખતે ભદ્ર ટેલિફોન એક્સચેન્જની સામે છુપાયેલી ગુજરાતની પહેલી પબ્લિક લાઇબ્રેરી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ અને અમારી કૉલેજના તોતિંગ વાસ્તુના પડખામાં છુપાયેલા ‘ભો.જે.’ તરીકે ઓળખાતા ભોગીલાલ જેશંગભાઈ અધ્યયન સંશોધન મંદિર વિશે હું બોલ્યો.
મને બોલવામાં આત્મવિશ્વાસ અને આનંદ હતા. એટલા માટે કે અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ભાષાસાહિત્યમાં મારા રસને કારણે મને બિનધાર્મિક, ઐહિક અને વ્યાપક માનવતાવાદી વિદ્યાપરંપરા તેમ જ પ્રવૃત્તિઓ વિશે વાંચવું (મારા જેવા બીજા કેટલાક મિત્રોની જેમ) ગમે છે. ઇંગ્લેન્ડની અને ભારતમાં પૂના, મુંબઈ અને કોલકાતાની થોડીક વિદ્યાસંસ્થાઓનો મને આછોપાતળો પરિચય પણ ખરો.
અંગ્રેજીમાં જ લખવાની લ્હાય એ વખતે ઘણી. હું માત્ર અંગ્રેજીમાં લખતો. 1989થી બરાબર દસ વર્ષ – અત્યારે પણ જેના માટે મને ખૂબ માન છે તે – ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની અમદાવાદ આવૃત્તિમાં નાટ્યાવલોકનો અને સાહિત્ય-સંસ્કૃતિ પરના લેખો લખતો, સરાસરી અઠાવાડિયે એક.
મૂળ વિદ્યાપ્રવૃત્તિમાં રસ અને તેમાં આવા મોભાદાર કદરદાન પ્રકાશનમાં સ્પેસ મળી. એટલે સંસ્થાઓ, વ્યક્તિઓ, પુસ્તકો વિશે દિલથી કલમ ચલાવતો. તેના ભાગ રૂપે મેં 1992માં ભો.જે. વિદ્યાભવન વિશે ‘એક્સપ્રેસ’માં લખ્યું. સહસંપાદકે મથાળું સરસ આપેલું ‘Far from the madding crowd’. તે જ રીતે હિમાભાઈ વિશે લખ્યું.
પછી ખબર નહીં કેવી રીતે પણ અભિલેખાવિદ હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી વિશે ‘એક્સપ્રેસ’માં ફીચર કર્યું અને ‘અખંડ આનંદ’માં તેમના વિશે ચરિત્ર લેખ કર્યો. આ બધાં માટે ગ્રંથાલયોમાંથી પુસ્તકો મેળવીને ઠીક ઠીક વાંચ્યાં હતાં, રસથી વાંચ્યાં હતાં.

યશવંત શુક્લ
એચ.કે. કૉલેજમાં જોડાયો તેના બીજા જ વર્ષે ગુજરાત વિદ્યાસભાનું દોઢસોમું વર્ષ આવ્યું. એટલે મેં ‘એક્સપ્રેસ’માં વિદ્યાસભા વિશે બે ભાગમાં લેખ 23 અને 24 ડિસેમ્બર 1997ની આવૃત્તિમાં લખ્યો. તેમના મથાળાં હતાં The one-of-a-kind institution nears it sesqui centenary અને Sabha keeps it flag flying high.
એચ.કે. કૉલેજમાં અધ્યાપક હોવાનું જેટલું સદ્દભાગ્ય છે તેટલું જ, બલકે તેનાથી ચપટીક વધુ સદ્દભાગ્ય તેના ગ્રંથાલય થકી ન્યાલ થવાનું છે. તેનું નામ યથાર્થ રીતે જ શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય છે. તેમાં પ્રત્યક્ષ પ્રવેશ વિના કૉલેજનો મારો ભાગ્યે જ કોઈ દિવસ જાય છે. મનોમન પણ તેને હંમેશાં યાદ કરતો રહું છું. અરે, પેરિસમાં હતો ત્યારે પણ આ ગ્રંથાલયને યાદ કરવાનું, અને અત્યારે કોઈ કૉલેજને મળતાં મળે એવાં નિષ્ઠાવાન ગ્રંથપાલ તોરલબહેન પટેલને ફોન કરવાનું થયું હતું.
કૉલેજમાં જોડાયો તે જ વર્ષના કૉલેજના વર્ષિક અંકમાં ‘આપણી કૉલેજનું ગ્રંથાલય’ નામનો ઠીક મોટો લેખ લખ્યો હતો. એના માટેનાં કામ દરમિયાન મેં પુસ્તક-ખજાનો જોયો તેનો આનંદ આજે પણ યાદ છે.
સ્નાતક કક્ષાની કૉલેજ તરીકેની આ ગ્રંથાલયની સમૃદ્ધિના મૂળ ગુજરાત વિદ્યાસભાની ગ્રંથાલય સેવા અને પુસ્તક પ્રકાશનના ઉપક્રમમાં રહેલાં છે. હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વખતે દલપરામે લખ્યું છે:
‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે
રચ્યું રૂડું વિદ્યા વધે તેવી આશે’
બિલકુલ હોવું જોઈએ તેવું નાટ્યગૃહ જેના પ્રાંગણમાં હોય તેવી અમદાવાદની એકમાત્ર કૉલેજ ઘણાં વર્ષો સુધી અમારી એચ.કે. હતી. સૌમ્ય જોશી સાથેનાં નાટકનાં વર્ષોએ મારી આંતરસમૃદ્ધિ વધારી.
વીતેલાં પચાસેક વર્ષના લોકઆંદોલનોમાં કૉલેજની સામેલગીરી અને અને આપત્તિ-રાહતમાં કૉલેજે બજાવેલી કામગીરીનો હું દૂરથી અને નજીકથી બંને રીતે સાક્ષી છું. ઘણાં વર્ષો આ કૉલેજની liberal democratic tradition પણ મેં અનુભવી છે. સાબરમતીનાં પાણી વહેતાં રહ્યાં છે.
આ કૉલેજમાં દૂર દૂરથી બસોમાં બેસીને આવતાં અભાવગ્રસ્ત અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓએ મારા પગ ધરતી પર રાખ્યાં છે, મને મારાં પ્રદાન અને મારી પાત્રતા કરતાં વધુ પ્રેમાદર આપ્યાં છે.
મારી એચ.કે. આર્ટસ કૉલેજની માતૃસંસ્થા સ્થપાઈ ત્યારે તેનું નામ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ હતું. તેની સ્થાપના વેળાએ દલપતરામે વાંછ્યું હતું તે હું પણ વાંછું છું :
‘સોસાઈટી તું થજે અવિનાશિની’
e.mail : sanjaysbhave@yahoo.com