
રાજ ગોસ્વામી
કોઈકે એકવાર લખ્યું હતું કે જવાહરલાલ નહેરુએ ભારતની કલ્પના 70 એમ.એમ.માં કરી હતી, જેમાં સર્વધર્મ સદ્દભાવ, લોકતાંત્રિક વ્યવસ્થા અને ઔધોગિક વિકાસ કેન્દ્રમાં હતા. હિન્દી સિનેમાએ પણ નહેરુના 70 એમ.એમ. મોડેલને ભક્તિભાવથી અપનાવ્યું હતું અને તે વખતે એવા ઘણા ફિલ્મ નિર્માતાઓ હતા, જે સમાવેશી અને પ્રગતિશીલ ભારતનું સપનું તેમની ફિલ્મો દ્વારા લોકોએ બતાવતા હતા.
એમાંથી એક નિર્માતા હતા બલદેવ રાજ ચોપરા. તેમણે વિભાજનની ટ્રેજેડી જોઈ હતી. તે લાહોરમાં ફિલ્મ પત્રકાર હતા અને કોમી દંગલોમાં જીવ બચવવા માટે પરિવાર સમેત પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા હતા. તેમને ખબર હતી કે એકતા અને પ્રગતિ વગર દેશનું અને સમાજનું કોઈ ભવિષ્ય નથી.
મુંબઈમાં તેમણે આઝાદીના પ્રથમ દાયકામાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ ‘નયા દૌર’ (1957) બનાવી હતી, જેમાં નહેરુના ઔધોગિક દર્શન અને ગાંધીના ગ્રામકલ્યાણ ચિંતનનો અનોખો સંગમ હતો. તેમના લઘુ બંધુ યશ ચોપરાએ એકવાર કહ્યું હતું કે, “નહેરુ અને તેમની નીતિઓ અમારી ચેતનાનો હિસ્સો હતી. તે કહેતા હતા કે મોટા ડેમ અને ઉદ્યોગો આધુનિક ભારતનાં મંદિરો છે. અમે તેમના શબ્દોને આત્મસાત કર્યા હતા.”
આ યશ ચોપરાએ તેમના જ્યેષ્ઠ બંધુની ફિલ્મ કંપની માટે જે પહેલી ફિલ્મનું નિર્દેશન કર્યું, તેમાં તેમણે સર્વધર્મ સદ્ભાવના નહેરુવાદી દર્શનનું અક્ષરશ: પાલન કર્યું હતું. સિનિયર ચોપરાની ‘નયા દૌર’માં આધુનિક ભારતમાં મશીન અને માણસ વચ્ચેના સંઘર્ષની શાનદાર વાર્તા હતી, તો જુનિયર ચોપરાની ‘ધૂલ કા ફૂલ’(1959)માં હિંદુ-મુસ્લિમ એકતાની વાત હતી.
બંને ફિલ્મો વ્યવસાયિક દૃષ્ટિએ સફળ સાબિત થઇ હતી અને ચોપરા બંધુઓને સામાજિક રીતે જાગૃત ફિલ્મસર્જક તરીકે સ્થાપિત કરી ગઈ હતી. ‘ધૂલ કા ફૂલ’ તેની સંવેદનશીલ વાર્તા અને વિવાહેતર સંબંધમાંથી જન્મેલાં હિન્દુ બાળકને ઉછેરતા એક મુસ્લિમ વ્યક્તિની વાર્તા માત્ર સાંપ્રદાયિક શાંતિ માટેની અપીલ જ નથી, પરંતુ તે સમયની લૈંગિક ભેદભાવપૂર્ણ પ્રથાઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે.
ફિલ્મની મુખ્ય અભિનેત્રી માલા સિન્હાની મીના ખોસલાની ભૂમિકા ખૂબ જ પડકારજનક હતી. તે મહેશ(રાજેન્દ્રકુમાર)ને પ્રેમ કરે છે. બંને વચ્ચે એક ક્ષણે શરીર સંબંધ બંધાય છે અને મીના ગર્ભવતી થાય છે. બીજી બાજુ, મહેશ તેના પરિવારના દબાણ હેઠળ માલતી રાય (નંદા) સાથે લગ્ન કરે છે. મીના બાળકને જન્મ આપે છે, પણ મહેશ તેને ભૂલ ગણીને અસ્વીકાર કરે છે.
મીના બાળકને એક જંગલમાં ત્યજી દે છે. ત્યાં અબ્દુલ રશીદ (મનમોહન કૃષ્ણ) નામના એક પરગજુ મુસ્લિમના હાથમાં આ બાળક આવે છે. તે તેને ઘરે લાવે છે અને સમાજનાં મહેણાં-ટોણા વચ્ચે તેને પોતાનું ગણીને મોટું કરે છે. તે તેનું નામ રોશન (માસ્ટર સુશીલ કુમાર) રાખે છે.
મીના શહેરના પ્રતિષ્ઠિત વકીલ જગદીશ ચંદ્ર(અશોક કુમાર)ની સહાયક તરીકે કામ શરૂ કરે છે. જગદીશને તેના માટે પ્રેમની લાગણી પ્રગટે છે. મીના તેના ભૂતકાળનો ખુલાસો કર્યા બાદ તેની સાથે લગ્ન કરે છે. બીજી બાજુ, મહેશ હવે ન્યાયાધીશ છે અને તેને એક પુત્ર રમેશ (ડેઝી ઈરાની) છે.
એક દિવસ રોશન અને રમેશ પેરેન્ટ્સ સાથે સ્કૂલમાં એકબીજાને મળે છે. અબ્દુલ મહેશની હાજરીમાં જ પ્રિન્સિપાલને જણાવે છે કે રોશન તેને આઠ વર્ષ પહેલાં લાવારિસ મળ્યો હતો. બંને બાળકો વચ્ચે ઘનિષ્ઠ દોસ્તી થાય છે.
એક દિવસ, રમેશ રોશનને તેના ઘરે લઇ જાય છે. ત્યાં તેની માતા માલતી રોશનને પ્રેમથી આવકારે છે, પરંતુ મહેશ તેને લાવારિસ ગણીને કાઢી મૂકે છે. એટલે રોશન હતાશ થઇ જાય છે અને ખોટા છોકરાઓની વાદે ચઢી જાય છે. એકવાર રમેશ તેને વાળવા જાય છે અને કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે.
હતાશ રોશન એકવાર ચોરીના ખોટા ઇલ્જામમાં પકડાય છે અને તેને મહેશની કોર્ટમાં હાજર કરવામાં આવે છે. અબ્દુલ તેના છોકરાને બચાવવા માટે જગદીશ ચંદ્ર પાસે જાય છે. તે જગદીશની પત્ની મીનાની હાજરીમાં કહે છે કે તેને રોશન કેવી રીતે મળ્યો હતો. મીના તરત જ તેને ઓળખી જાય છે. તે કોર્ટમાં રોશન તરફે સાક્ષી આપે છે. મહેશ પણ માતા-પુત્રને ઓળખે છે અને પોતાની ભૂલનો એકરાર કરે છે.
આજની સરખામણીમાં આ વાર્તા અવિશ્વસનીય અને મેલોડ્રામેટિક લાગે, પરંતુ યશ ચોપરાએ બહુ કુશળતાથી તેનું નિર્દેશન કર્યું હતું. આજે કોઈને વિશ્વાસ ના આવે કે રોમેન્ટિક ફિલ્મોના રાજા કહેવાતા યશજીએ તેમની પહેલી જ ફિલ્મમાં હિંદુ-મુસ્લિમ અને લગ્નબાહ્ય સંતાનનો નિષેધાત્મક વિષય છેડ્યો હતો. વર્ષો પછી, 1978માં ‘ત્રિશૂલ’ ફિલ્મમાં તેઓ લગ્નબાહ્ય સંતાનના વિષયને સ્ફોટક રીતે પેશ કરવાના હતા.
‘ધૂલ કા ફૂલ’ તેના એક અવિસ્મરણીય ગીત માટે પણ યાદગાર છે. મોહમ્મદ રફીએ તેમના સૂફી અવાજ’માં અનેક સામાજિક ગીતો ગાયાં છે, પરંતુ તે સૌમાં ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ તું ઇન્સાન બનેગા’ સૌથી ટોચ પર આવે છે.
સાહિર લુધિયાનવીએ આ ગીતમાં જે ભાવના વ્યકત કરી હતી, તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આપણે આપણી પૂરી તાકાત હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બનવામાં ખર્ચી નાખી છે, પણ કોઈને માણસ બનવાનો પ્રયાસ નથી કર્યો. અને આપણે સંપૂર્ણપણે ધાર્મિક પણ નથી બન્યા, નહીં તો આ ઝઘડો જ ન હોત. દરેક ધર્મના પુસ્તકમાં લખ્યું છે કે ધાર્મિક બનતાં પહેલાં માણસ બનો. સાહિરે તેમાં વૈશ્વિક પીડા વ્યક્ત કરી હતી :
માલિક ને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા
હમને ઇસે હિંદુ યા મુસલમાન બનાયા
કુદરત ને તો બખ્શી થી હમેં એક હી ધરતી
હમ ને કહીં ભારત કહીં ઈરાન બનાયા
બે વર્ષ પછી, 1961માં, યશ ચોપરા આ જ વિષય સાથે ‘ધરમપુત્ર’ ફિલ્મ સાથે પાછા આવ્યા. આ વખતે તેમાં એક મુસ્લિમ લાવારિસ બાળકને એક હિંદુ પરિવાર મોટો કરે છે તેવી વાર્તા હતી. તેની વાત ફરી ક્યારેક.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 11 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર