આ વાચાળતા અને પ્રતીકોનો યુગ છે એટલે જો તમે કોઈ કામ ન કરી શકતા હોય કે કામ ન કરવા માગતા હોય તો વાચાળ બનો. મોટી મોટી વાતો કરો, લોકોને આંજી દો, વાયદાઓ કરો. આ ઉપરાંત પ્રતીકોનો પણ લોકોને પોરસાવવા માટે ઉપયોગ કરી શકાય છે. નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કેટલા વાચાળ હતા એ તો તમે જાણો છો, બંધારણીય આદર્શોની મોટીમોટી વાતો કરતા હતા, પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે જેટલું ખમીર બતાવવું જોઈતું હતું એટલું તેઓ બતાવી શક્યા નહોતા. તેમણે પ્રતીકનો પણ ઉપયોગ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ગ્રંથાલયમાં ન્યાયની દેવીની મૂર્તિ મૂકાવી છે જે પ્રચલિત મૂર્તિ કરતાં અલગ છે. ધનંજય ચન્દ્રચૂડે ન્યાયની દેવીની અંખ પરની પટ્ટી ખોલી નાખી છે અને હાથમાં તલવારની જગ્યાએ બંધારણની પ્રત છે. માત્ર ત્રાજવું કાયમ છે.
ત્રાજવું તોળીને ન્યાય આપવાનું પ્રતીક છે. ન કોઈને વધારે કે ન કોઈને ઓછું. ન્યાયની દેવીની પ્રચલિત મૂર્તિની આંખ પર પટ્ટી એટલા માટે બાંધવામાં આવતી કે તે ન્યાય કરતી વખતે એ જોતી નથી કે સામે રાજા છે કે રંક. ધનિક છે કે નિર્ધન. ધર્મગુરુ છે કે નાસ્તિક. વાદી કે પ્રતિવાદી કોણ છે એ બાબતે ન્યાયની દેવી સ્વૈચ્છિક અંધાપો પાળે છે. હાથમાં તલવાર એમ સૂચવે છે કે ન્યાયતંત્ર નિર્બળ નથી, સશક્ત છે. તેનાં હાથ લાંબા છે અને તેનાથી કોઈ બચી શકે નહીં. નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે નિવૃત્ત થતાં પહેલાં સર્વોચ્ચ અદાલતમાં જે મૂર્તિ મૂકાવી છે તેની આંખની પટ્ટી હટાવી દીધી છે અને હાથમાં તલવારની જગ્યાએ બંધારણની પ્રત છે. આ સિવાય દેવીને મુગટ પહેરાવવામાં આવ્યો છે જે સર્વોપરિતાનું પ્રતીક છે.
હવે પહેલો સવાલ ઉપસ્થિત થાય છે, ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ અને તેમના બંધુ જજોએ પ્રતીકોમાં કરેલાં પરિવર્તનોનો અને તેનાં સૂચિતાર્થો વિષે અને બીજો સવાલ ઉપસ્થિત થાય છે કે શું પ્રતીકો હકીકતનો પર્યાય બની શકે? જેમ મહાન વાતો મહાન કૃતિનો પર્યાય નથી બની શકતી એમ પ્રતીકો હકીકતનો પર્યાય નથી બની શકતાં. એને માટે ખરાં ઉતરવું પડે. ખુદવફાઇ જોઈએ અને જીગરમાં જોર જોઈએ. દાયકાઓથી માગણી થતી આવી છે કે સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ હંસ રાજ ખન્નાની પૂરા કદની પ્રતિમા સ્થાપવામાં આવે. કોણ હતા આ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્ના અને શા માટે તેમની પ્રતિમા મૂકવાનો આગ્રહ કરવામાં આવે છે? તેઓ ડૉ આંબેડકર, બી.એન. રાવ, કે.એચ.એમ. સિરવાઈ જેવા મહાન કાયદાવીદ્દ વિદ્વાન નહોતા, આઈવર જેનીન્ગ્સ કે ગ્રીન્વીલે ઓસ્ટીનની માફક વિશ્વદેશોનાં બંધારણોનો કોઈ તુલનાત્મક અભ્યાસ તેમણે નહોતો કર્યો, તેઓ કે. સુબ્બા રાવ કે પી.બી. ગજેન્દ્રગડકર કે કૃષ્ણા ઐયર જેવું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ નહોતા ધરાવતા, અને તેઓ ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ જેવા સારા વક્તા પણ નહોતા. આમ છતાં ય તેમની પ્રતિમા અને એ પણ સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં મૂકવાની માગણી થતી રહે છે.
શા માટે? કારણ કે તેઓ ન્યાયની દેવી (જૂની કે નવી) જે ગુણોની પ્રતીકાત્મક શીખ આપે છે અને બંધારણને જેવા ન્યાયમૂર્તિ અપેક્ષિત છે એવા ન્યાયમૂર્તિ હતા. વિદ્વાન નહોતા, પ્રામાણિક હતા. વાચાળ નહોતા, જીગરવાળા હતા. સમય અને સંજોગોને વફાદાર નહોતા, ભારતનાં બંધારણને, કાયદાના રાજને અને ભારતનાં નાગરિકને વફાદાર હતા. મહત્ત્વાકાંક્ષી નહોતા, પણ ન્યાયની ખુરશીનું મહત્ત્વ સમજતા હતા. ઈમરજન્સીમાં જ્યારે ભલભલા જજો પાણીમાં બેસી ગયા ત્યારે તેમણે બંધારણની લાજ રાખી હતી. સરકારની વિરુદ્ધ ગયા હતા અને તેની કિંમત પણ ચૂકવી હતી. તેમને સુપરસીડ કરવામાં આવ્યા હતા અને સ્વમાન ખાતર તેમણે રાજીનામું આપ્યું હતું. એ સમયે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની દેવીનું પૂતળું નહોતું અને દેવીના હાથમાં બંધારણ નહોતું. માટે કૃતિ બોલે છે, મહાન વાતો અને પ્રતીકો નહીં. મને ખાતરી છે કે આજે નહીં તો કાલે, ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની પ્રતિમા સર્વોચ્ચ અદાલતમાં સ્થાપાશે.
હવે નવી મૂર્તિમાં કરવામાં આવેલા પરિવર્તનો અને તેનાં સૂચિતાર્થોની વાત. ન્યાયતંત્રની સર્વોપરિતા સિદ્ધ કરવા માટે ન્યાયની દેવીને માથે મુગટ પહેરાવવામાં આવ્યો છે. આપણને અને બંધારણ ઘડનારાઓને ન્યાયતંત્રની સર્વોપરિતા અભિપ્રેત હતી કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્વાયત્તતા? લોકતંત્રમાં દરેક પાંખ એક સરખું મહત્ત્વ ધરાવે છે જેમાં સર્વોપરી કોઈ નથી. બીજું, સાચી શક્તિ સર્વોપરિતામાં રહેલી છે કે સ્વતંત્રતામાં? શાસકો સર્વોપરી છે પણ ધનપતિઓના ગુલામ છે. વળી શક્તિ અને સત્તામાં પણ ફરક છે. બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્ર ન્યાયતંત્રની અપેક્ષા રાખી હતી, સર્વોપરી નહીં. આવાં ખોટાં અર્થઘટનોના કારણે આપણને એવો અનુભવ થઈ રહ્યો છે કે જ્યારે કેન્દ્રમાં સરકાર નિર્બળ હોય ત્યારે ન્યાયતંત્ર છાતી પર ચડી બેસે છે અને સરકાર સબળ હોય ત્યારે પાણીમાં બેસી જાય છે. ઇન્દિરા ગાંધીનાં વર્ષોમાં અને અત્યારનાં વર્ષોમાં સમાનતા જોવા મળશે. આવો અનર્થ ટાળવો હોય તો દેશને સ્વતંત્ર ન્યાયતંત્રની જરૂર છે, સર્વોપરી નહીં.
મૂર્તિનું અનાવરણ કરતી વખતે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહ્યું હતું કે ન્યાયતંત્રની આંખ ઉઘાડી હોય છે અને હોવી જોઈએ. તેમની વાત સાચી છે, ન્યાયાધીશો સ્વર્ગમાંથી ઉતરીને અદાલત ખંડમાં નથી બેસતા. તેઓ પણ સમાજની અંદર જીવે છે. છાપા વાંચે છે, ટી.વી. ચેનલ જુએ છે અને સોશ્યલ મીડિયા પર નજર હોય છે. દેશમાં અને સમાજમાં શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ હોય છે. આ વાત પત્રકારોને લાગુ પડે, અધિકારીઓને લાગુ પડે, સામાન્ય નાગરિકને લાગુ પડે અને બીજા કોઈને પણ લાગુ પડે. દરેકને જ્યારે નિર્ણય લેવાનો આવે અને એમાં પણ અંગત કરતાં વ્યાપક હિતનો નિર્ણય લેવાનો આવે કે અભિપ્રાય બનાવવાનો કે આપવાનો વખત આવે ત્યારે તેણે કઈ ચીજનું ધ્યાન રાખવું જોઈએ? મારો જવાબ છે ત્રણ : અંતરાત્મા, બંધારણ અને નાગરિકનું વ્યક્તિગત કે સામૂહિક હિત. શું બની રહ્યું છે એ સમજવા માટે આંખ ખુલ્લી રાખવી જોઈએ અને મારા નિર્ણય કે અભિપ્રાયથી કોને કેટલું નુકસાન થશે અને કોણ નારાજ કે રાજી થશે એ બાબતે આંખ બંધ રાખવી જોઈએ. ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની આંખ ખુલ્લી પણ હતી અને બંધ પણ હતી. એ.ડી.એમ. જબલપુર કેસમાં એચ.આર. ખન્નાની સાથેના બાકીના ચાર જજો (ન્યાયમૂર્તિ એ.એન. રે, ન્યાયમૂર્તિ એચ.એમ. બેગ, ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી અને ન્યાયમૂર્તિ વી.વાય. ચન્દ્રચૂડ)ની આંખ માત્ર ખુલ્લી હતી અને તેમણે સરકારની તરફેણમાં અને બંધારણ તેમ જ નાગરિકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.
અને છેલ્લી વાત. તલવાર વધારે તાકાતવર કે બંધારણ? બન્નેમાંથી કોઈ નહીં જો ચલાવનારામાં આવડત અને જીગર ન હોય તો. ગાંધીજી કહેતા કે જીગર કાળજામાં છે, શસ્સ્ત્રોમાં નથી. માટે મોટી મોટી વાતો અને પ્રતીકો નક્કર કૃતિની જગ્યા ન લઈ શકે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 નવેમ્બર 2024