
રાજ ગોસ્વામી
ગુલઝારની ફિલ્મ ‘આંધી’નાં ફેબ્રુઆરી માસમાં 50 વર્ષ પૂરાં થયાં. સુચિત્રા સેન – સંજીવ કુમાર અભિનીત આ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 1975ના રોજ રિલીઝ થઇ હતી. ત્યારથી તેની ગણના એક ઉત્તમ કૃતિના રૂપમાં થાય છે. ગુલઝારની કારકિર્દીની તે સર્વેશ્રેષ્ઠ ફિલ્મ તો છે જ, હિન્દી સિનેમાના ઇતિહાસમાં પણ તે એક સીમાચિહ્ન છે.
તેનાં 50 વર્ષ નિમિત્તે એક ઇન્ટરવ્યુમાં ગુલઝાર પણ કબૂલ કરે છે કે ‘આંધી’ તેમની ફેવરિટ છે. તેઓ કહે છે, “મારી અમુક ફિલ્મો મને બહુ ગમતી નથી, પણ ગમતી ફિલ્મોમાં ‘આંધી’ શિરમોર છે, એમાં મેં ઓછામાં ઓછી ભૂલો કરી હતી.”
લેખક અને ગીતકાર જાવેદ અખ્તર કહે છે કે આ ફિલ્મને તેનાં 50 વર્ષ નિમિત્તે થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવી જોઈએ. “આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રાસંગિક છે,” જાવેદ કહે છે, “માર્મિક, કાબેલ અને ઊંચા આઈ.ક્યુ.વાળી ફિલ્મોની મુસીબત એ હોય છે કે તેને ઉચિત દર્શકો નથી મળતા. મને લાગે છે કે ‘આંધી’ને જો આજે ફરીથી રિલીઝ કરવામાં આવે તો સરસ ચાલે.”
‘આંધી’ રાજકારણમાં સક્રિય આરતી દેવી (સુચિત્રા સેન) નામની સ્ત્રીના અંગત જીવન અને સાર્વજનિક જીવન વચ્ચેના સંઘર્ષની કહાની હતી. તે ચૂંટણી પ્રચાર માટે એક હોટેલમાં ઉતરે છે તેવા દૃશ્યો સાથે ફિલ્મ શરૂ થાય છે, અને ફ્લેશબેકમાં જઈને હોટેલના મેનેજર જે.કે. (સંજીવકુમાર) સાથે તેના પ્રેમ અને તકરારની વાત માંડે છે.
આરતી તેની રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે થઈને પ્રેમનું બલિદાન આપવા તૈયાર થાય છે અને અંતત: પ્રેમ માટે પાછી આવે છે તે આ કહાનીનો સાર હતો. બંને વચ્ચે હજુ એટલું જ ખેંચાણ છે, પણ આરતી દેવીનું કોઈકની સાથે લફરું છે તેવા વિરોધ પક્ષના પ્રચારની બીકે આરતી હિંમત નથી બતાવી શકતી, પરંતુ છેલ્લે જ્યારે સાહસ આવે છે ત્યારે વિરોધ પક્ષોને નહીં, ભરી સભામાં જનતા જનાર્દન સમક્ષ ઉપસ્થિત થઈને તેના પરણિત પ્રેમનો એકરાર કરે છે.
ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ કહે છે કે ‘આંધી’ ફિલ્મ સદાબહાર ઉત્કૃષ્ઠ કૃતિ છે. “લોકો કહે છે કે આ ફિલ્મ રાજકારણ વિશે છે,” ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “તે ખોવાયેલા પ્રેમ વિશે પણ નથી. તે વાસ્તવમાં જીવનની નિ:શબ્દ વિડંબનાઓ વિશે છે, જેમાં બે વ્યક્તિઓ પાછી ભેગી થાય છે અને તેમને ભાન થાય છે કે અમુક અંતર ક્યારે ય કાપી શકાતાં નથી. અતીત એક એવી જગ્યા છે જ્યાં તમે પાછા જઈ શકતા નથી.”
એ વાત સાચી કે ‘આંધી’ને તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની કહાની તરીકે ચીતરવામાં આવી હતી અને એ પણ સાચું કે તેના પર થોડા સમય માટે પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો, પરંતુ ગુલઝાર આજે પણ તેના રાજકીય સંદર્ભનો ઇન્કાર કરે છે.
તે કહે છે, “આંધી ઇન્દિરાજીની કહાની નહોતી, પરંતુ લોકોએ એવી અફવા ફેલાવાનું શરૂ કર્યું એટલે 23માં સપ્તાહે તેને થિયેટરોમાંથી ઉતારી લેવામાં આવી હતી. એમાં થોડા સુધારા-વધારા કર્યા પછી તે પાછી પડદા પર આવી હતી.”
‘આંધી’માં આર્થિક રોકાણ નિર્માતા-નિર્દેશક જે. ઓમ પ્રકાશનું હતું અને વિતરકો- એગ્ઝિબિટરોએ ફિલ્મને ઇન્દિરાની કહાની તરીકે પ્રચારિત કરી હતી.
તેનાં પોસ્ટરો ઉપર ‘તમારાં પ્રધાન મંત્રીને પરદા પર જુવો’ અને ‘આંધીમાં ગાંધીને જુવો’ એવું લખાઈને આવતું હતું. ગુજરાતમાં ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં તો વળી વિરોધ પક્ષોએ એવો પ્રચાર શરૂ કર્યો હતો કે ફિલ્મમાં આરતી દેવી (ઇન્દિરા) સિગારેટ અને શરાબ પીવે છે. ઇન્દિરા પાસે આ વાત પહોંચી એટલે તેમણે તેમના સૂચના અને પ્રસારણ મંત્રી (જે પાછળથી વડા પ્રધાન બન્યા હતા) ઇન્દર કુમાર ગુજરાલને ફિલ્મ જોવા કહ્યું અને ગુજરાલને ફિલ્મમાં કશું વાંધાજનક લાગ્યું નહોતું.
તેમ છતાં, આ ઇન્દિરાની કહાની છે તેવા વિરોધ પક્ષના પ્રચારને ઠારવા માટે તેમાંથી આરતી દેવીનાં સિગારેટ-શરાબનાં દૃશ્ય કાપી નાખાવામાં આવ્યાં, અને આરતી દેવીના મોઢે ઇન્દિરાની પ્રસંશા કરતો એક સંવાદ મુકવામાં આવ્યો કે, “વો (ઇન્દિરા) મેરી આઇડીઅલ થી.”
1975 હિન્દી સિનેમાના ઇતિહાસમાં યાદગાર વર્ષ છે. આ વર્ષે, કમાણીની દૃષ્ટિએ, 5 સીમાચિહ્નરૂપ ફિલ્મો આવી હતી; રમેશ સિપ્પીની શોલે અને દીવાર, વિજય શર્માની જય સંતોષી માં, ફિરોઝ ખાનની ધર્માત્મા અને સેતુ માધવનની જૂલી. સમાંતર ફિલ્મોની દુનિયામાં શ્યામ બેનેગલની ‘નિશાંત’એ પણ તે જ વર્ષે હાજરી પુરાવી હતી. એ બધા વચ્ચે, ગુલઝારની ‘આંધી’એ આંધી નહીં તો એક વિશિષ્ટ લહેરખી ફેલાવી હતી.
સંજીવ કુમાર અને બંગાળી સુપરસ્ટાર સુચિત્રા સેનને એક સાથે લાવવાની ઈચ્છા નિર્માતા-નિર્દેશક જે. ઓમ પ્રકાશની હતી અને તેના માટે પટકથા લેખક સચિન ભૌમિકે એક વાર્તા પણ લખી હતી. પરંતુ ગુલઝારે જે. ઓમ પ્રકાશને સમજાવ્યા હતા કે સુચિત્રા સેનને સંજીવ કુમાર સાથે હિન્દીમાં પેશ કરવી હોય તો તેના વ્યક્તિત્વને અનુરૂપ દમદાર ભૂમિકા અને કહાની હોવી જોઈએ. એ વખતે તેમણે સુચિત્રા માટે એક રાજકીય કિરદાર બનાવાનું સૂચન કર્યું હતું.
એવું જ થયું. આરતી દેવી સુચિત્રા માટે ટેઈલર-મેઈડ કિરદાર સાબિત થયો. વૈવાહિક જીવનના અલગાવની પરિધિમાં આરતી અને જે.કે. બંને વેદનાની સમાન ભૂમિ પર ઊભેલાં હતાં. પૂરી ફિલ્મમાં આરતીની તે વેદના જ્યારે જ્યારે પણ વ્યક્ત થાય છે, કેમેરા સામે તેનો એક ઉદાસ ચહેરો ઉભરે છે.
તે એક મહત્ત્વાકાંક્ષી રાજકારણી હતી છતાં, તેને ગુમાવેલા પ્રેમનો એટલો જ અફસોસ હતો તે વાત દર્શકોને દરેક ફ્રેમમાં અહેસાસ થતો રહે છે. જે.કે.ના કિરદારનાં બે રૂપ છે; એકમાં તે પ્રેમી અને પતિ છે અને બીજા રૂપમાં એક સ્વાભિમાની હોટેલ મેનેજર. બંને રૂપમાં સંજીવ કુમારે દમદાર અભિનય કર્યો હતો.

ગુલઝાર
ગુલઝારે જ્યારે આ ફિલ્મ સંજીવ કુમારને સંભળાવી ત્યારે હરિભાઈએ કહ્યું હતું, “આ તો આખે આખી સુચિત્રાની ફિલ્મ છે. આમાં હું શું કરીશ? તું મેરા દોસ્ત હૈ યા દુ:શ્મન?” પરંતુ, ‘આંધી’ સંજીવ કુમાર માટે પણ સંજીવની બની ગઈ. જે.કે.નો કિરદાર તેમનો કેરિયર-બેસ્ટ છે. ગુલઝારે સંજીવ કુમારને સુચિત્રાના કિરદારની બરોબરી કરે તેવી જગ્યા આપી હતી.
પૂરી ફિલ્મમાં ગુલઝાર એ વાત સતત ઘૂંટ ઘૂંટ કરે છે કે કેવી રીતે પતિઓ તેની આઝાદ ખયાલી પત્નીઓને કારકિર્દીમાં સપોર્ટ નથી કરતા. પણ તે જે.કે.ને વિલેન પણ નથી બનાવતા. એક દૃશ્યમાં, આરતી બેગ ભરીને પતિનું ઘર છોડી જાય છે, ત્યારે તેની રાજકીય મહત્ત્વાકાંક્ષાને સમર્થન નહીં કરતો અને તેની આડે પણ નહીં આવવા માંગતો જે.કે. એક કાગળમાં લખે છે, “અગર હમ એક દુસરે કી તરક્કી કી વજહ નહીં બન શકતે, તો એક દુસરે કી બરબાદી કા કારન ભી કયું બને?” એક સંવેદનશીલ અને વિચારશીલ પતિનો આવો કિરદાર ગુલઝાર જ લખી શકે અને સંજીવ કુમાર જ તેને નિભાવી શકે.
હિન્દી સિનેમા સંગીતનાં શ્રેષ્ઠ ગીતો ‘આંધી’માં છે અને સંજીવ કુમાર પર એટલાં શોભે છે કે તે પછી કોઈ ફિલ્મ સર્જક હરિભાઈને એવાં ગીત ન આપી શક્યા.
ગીતકાર ગુલઝારના શબ્દો માનવ હૃદયના જોશ, આનંદ, ઇચ્છાઓ અને વાસ્તવિકતા પ્રત્યે ઉત્પન્ન આવેગોને એવી રીતે વ્યક્ત કરે છે કે આપણે તેમને જોવા, સાંભળવા અને અનુભવવા મજબૂર બની જઈએ છીએ. ગીતોમાં, એકતરફ સંબંધોના તાણાવાણા, તેમની જટિલતાઓ તેના મૂળ સ્વરૂપમાં કેદ થાય છે, તો બીજી તરફ સૌથી કોમળ લાગણીઓની સરળ અભિવ્યક્તિ પણ કરે છે.
‘આંધી’ પછી, સુચિત્રા સેન ધીમે ધીમે કેમેરા સામેથી ઓઝલ થતાં ગયાં અને સંજીવ કુમાર અભિનયનાં નવાં શિખરો સર કરતા ગયા.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર