Opinion Magazine
Number of visits: 9950451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ … 

સોનલ પરીખ|Opinion - Opinion|15 June 2026

અહેસાન તેરા હોગા મુઝ પર 

દિલ ચાહતા હૈ વો કહને દો

મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ 

મુઝે પલકોં કી છાંવ મેં રહને દો 

 

તુમને મુઝ કો હંસના સીખાયા 

રોને કહોગે રો લેંગે અબ

આંસુ કા હમારે ગમ ન કરો 

યે બહતે હૈં તો બહને દો

 

ચાહે બના દો ચાહે મિટા દો 

મર ભી ગયે તો દેંગે દુઆયેં 

ઉડ ઉડ કે કહેગી ખાક સનમ 

યે દર્દ–એ–મુહબ્બત સહને દો 

જગતમાં પ્રેમથી વંચિત બે રીતે થવાતું હોય છે. એક તો માણસને કોઈનો પ્રેમ ન મળે ત્યારે અને બીજું માણસ પોતે પ્રેમ ન કરી શકે ત્યારે. પ્રેમ તત્ત્વ ઈશ્વર જેવું છે. નાનામોટા બધાના હોઠે પ્રેમ શબ્દ રમતો હોય છતાં તેને સાચા રૂપમાં તેને સમજવાનું મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય હોય છે. મજા એ છે કે એ બાબતની પ્રતીતિ પણ ઓછા લોકોને થાય છે અને બધા એમ જ માનતા રહે છે કે અમે તો પ્રેમને સમજીએ છીએ. પણ જ્યારે પ્રેમનો અનુભવ થાય છે માણસ બીજું બધું ભૂલી, પોતાના તમામ મહોરાઓ ફગાવી, સમાજનાં બંધનોની એસીતેસી કરી પોતાના શ્રેષ્ઠ અને સાચા રૂપમાં વ્યક્ત થાય છે – એની પાસે, જેણે તેને પોતાને પણ જાણ નહોતી એવા પોતાના જ એક રહસ્યને પોતાની જ સામે મૂકી આપ્યું છે. 

પછી શું થાય? એક તરફ આખી દુનિયા સામે ઘોષણા કરવાનું મન થાય અને બીજી તરફ, પ્રિયપાત્ર સાથેના નાજુક એકાંતમાં શબ્દ પણ ન મળે. જ્યારે મહમ્મદ રફીના મુલાયમ કંઠમાંથી પ્રણયની ગહનતા અને આર્જવ પ્રગટાવતું ગીત ‘અહેસાન તેરા હોગા મુજ પર’ સાંભળીએ ત્યારે ઉપર લખ્યા છે એ બધા વિચાર ગીતના આનંદને ખલેલ પાડ્યા વિના મનમાંથી પસાર થઈ જાય. આ ગીત 1961ની ફિલ્મ ‘જંગલી’નું હતું અને તેનું લતા મંગેશકરે ગાયેલું ફિમેલ વર્ઝન પણ છે. આ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીનું સર્જન હતી. 21 મેએ તેમની પુણ્યતિથિ છે. 

સુબોધ મુખરજી

‘જંગલી’ એ યુગની હળવીફૂલ, મ્યુઝિકલ, રોમેન્ટિક ફિલ્મોમાંની એક હતી. વાર્તા કે ફિલ્માંકન વગેરેમાં એવું નવું ખાસ કશું ન હતું – થોડો મેસેજ, થોડી સાચા-ખોટાની લડાઈ, ઘણો બધો રોમાંસ, ઘણી બધી કોમેડી અને ઘણું બધું મસ્ત મજાનું મ્યુઝિક. લટકામાં સુંદર લોકેશનો અને સરસ સ્ટારકાસ્ટ – એ જ જૂનો જાણીતો મસાલો. ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. નિરાંત હોય તો આજે પણ જોવાની મઝા પડે. આનો યશ તેના નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીને આપવો ઘટે. તેનાં ગીતો લખ્યાં હતાં શૈલેંદ્ર અને હસરત જયપુરીએ, સંગીત શંકર જયકિશનનું હતું. ફિલ્મને સુપરહીટ બનાવવામાં ગીતોનો ફાળો ઓછો ન હતો. 

‘જંગલી’ કાશ્મીરની સુંદર પૃષ્ઠભૂમિમાં વિકસતી એક પ્રેમકથા હતી, જેમાં કઠોર સ્વભાવની માતાના નિયમોથી, પોતાની આડાઈ અને ગુસ્સાથી પણ મુક્ત થઈને શમ્મી કપૂર પ્રેમમાં પડે છે. આ ફિલ્મે શમ્મી કપૂરની યોડલિંગ અને ડાન્સિંગ સ્ટાઈલને લોકોમાં ખૂબ લોકપ્રિય બનાવી હતી. ડઝનબંધ ફ્લોપ ફિલ્મો આપ્યા પછી સુબોધ મુખરજીની આ ફિલ્મથી શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો. ‘જંગલી’ જોઈ પાપા પૃથ્વીરાજ કપૂર ખડખડાટ હસતા હળવા મિજાજમાં બોલેલા કે ‘શમ્મી ઇસ ફિલ્મ મેં ચિમ્પાન્ઝી જૈસા લગતા હૈ’ ફિલ્મ જોઇને આપણને પણ એમની સાથે સંમત થવાનું મન થાય. શમ્મી કપૂર તરવરિયો, થનગનતો અને ઉત્સાહના અખૂટ ધોધ જેવો હતો. તેની કારકિર્દી સાથે આ ફિલ્મમાં મહમ્મદ રફીની કારકિર્દીને પણ જબરદસ્ત વેગ મળ્યો. ‘જંગલી’માં શંકર જયકિશને ત્રણ પ્રકારનાં ગીતો આપ્યાં – શાસ્ત્રીય રાગ આધારિત, લોકસંગીત આધારિત અને વેસ્ટર્ન મ્યુઝિક આધારિત. ‘ચાહે કોઇ મુઝે જંગલી કહે’ ભૈરવીમાં હતું. ‘અહેસાન તેરા હોગા મુઝ પર’ યમન કલ્યાણ પર આધારિત હતું. એક સ્રોત મુજબ આ ગીત મૂળ માત્ર મહમ્મદ રફીના કંઠમાં હતું. લતાજીને એ ખૂબ ગમ્યું એટલે શંકર-જયકિશને એમની પાસે પણ ગવડાવ્યું અને એથી આપણને બે વર્ઝન મળ્યાં. ‘જા જા જા મેરે બચપન’ અને ‘મેરે યાર શબ્બા ખૈર’ લોકસંગીત પર આધારિત હતાં અને ‘અય્યય્યા કરું મૈં ક્યા સુકુ સુકુ’માં પાશ્ચાત્ય સંગીતની ઝલક હતી.   

આ ફિલ્મનાં બે ગીત હજી ભુલાયા નથી : શૈલેંદ્રે લખેલું ‘ચાહે મુઝે જંગલી કહે’ અને હસરત જયપુરીનું લખેલું ‘અહેસાન તેરા હોગા મુઝ પર’. બન્ને ગીતો પ્રણયના એકરારનાં છે. એકમાં જગત સામે કરેલી ઘોષણાની ઉલ્લાસભરી બુલંદી છે અને બીજામાં પ્રિય પાત્ર સાથેની પળોની નજાકત છે. આ બન્ને ભાવોને તેમના શ્રેષ્ઠ રૂપમાં એક રફી મૂકી શકે અને બીજા શમ્મી કપૂર મૂકી શકે. ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’નો ‘યાહૂ’ પોકાર ખૂબ ચગ્યો હતો. શમ્મી કપૂરે એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે ‘યાહૂ’ ન મારું હતું, ન રફીનું. આ પ્રયાગ રાજે કરેલો પોકાર હતો! સાયરા બાનુની આ પહેલી ફિલ્મ હતી. એ એટલી તાજગીભરી, નટખટ અને સુંદર લાગતી હતી કે તેને બેસ્ટ એકટ્રેસ નોમિનેશન મળ્યું હતું.  

વાર્તા એવી છે કે ચંદ્રશેખર (શમ્મી કપૂર) રૉયલ ફેમિલીનો નબીરો છે અને શિસ્તપાલન અને મોટા ઘરની રીતરસમોની અતિ આગ્રહી મા(લલિતા પવાર)નો દીકરો છે. લંડન ભણીને પાછા આવેલા શેખરે માનો આ વારસો બરાબર સંભાળ્યો છે. તેને માટે લાગણી નબળાઈ છે, પ્રેમ છીછરાપણું છે અને હસવા-બોલવાનું વર્જ્ય છે. આ જ વ્યક્તિત્વ સાથે એ બિઝનેસ સંભાળે છે. તેની બહેન માલા (શશીકલા) આ બન્નેથી ઊંધી, જીવંત અને ઉષ્માભરી છે અને ભાઈની ઓફિસમાં મામૂલી નોકરી કરતા જીવન(અનુપ કુમાર)ને ચાહે છે. માને આ વાતની માને ખબર પડતાં તે શેખરને હુકમ કરે છે કે માલાને ક્યાંક દૂર લઇ જા જેથી તે જીવનને ભૂલી જાય. શેખર માલાને લઈને કાશ્મીર આવ્યો. રાજકુમારી(સાયરાબાનુ)ના પ્રેમમાં પડ્યો. તેને સાચા આનંદ, ખુલ્લાપણું અને સૌંદર્યનો અનુભવ થયો. પોતાનામાં જ વસતો આ નવો શેખર તેણે પહેલીવાર જોયો. દુનિયા સામે યાહૂ કરીને, બરફની ટેકરીઓ પર કૂદીને એ પોતે પ્રેમના તોફાનમાં ઘેરાયેલો હોવાની ઘોષણા કરે છે, ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’ અને અત્યંત કોમળતાથી પ્રિયતમા પાસે પણ એકરાર કરે છે. ‘મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ’. તેનામાં એટલુ પરિવર્તન આવી જાય છે કે તે માલા-જીવનના સંબંધ પર મંજૂરીની મહોર મારી ડે છે. પણ તેની માની દુનિયા હજી એ જ છે. શ્રીમંતાઈ અને અભિમાનનું ત્યાં વર્ચસ્વ છે. શેખર માટે તેણે એક સમોવડી છોકરી પણ શોધી છે. તેને સમજાશે કે સાચી સંપત્તિ પ્રેમપૂર્ણ હૃદય છે? શેખર અને રાજ મળી શકશે? આ બાજુ જીવન અને માલા પરણી ગયા છે અને તેમને એક નાનકડો પુત્ર પણ છે. 

સુબોધ મુખર્જી જબરદસ્ત ફિલ્મમેકર શશધર મુખર્જીના ભાઈ હતા. 50-60ના દાયકામાં એમણે ‘મુનિમજી’, ‘પેઇંગ ગેસ્ટ’, ‘લવ મેરેજ’, ‘જંગલી’, ‘એપ્રિલ ફૂલ’, ‘સાઝ ઔર આવાઝ’, ‘શાગિર્દ’, ‘શર્મિલી’ જેવી સફળ ફિલ્મો આપી હતી. પછી એકશન ફિલ્મોના યુગમાં એમનાં વળતાં પાણી થયાં. જો કે આ ફિલ્મથી સાયરા-શમ્મીની જોડી જામી ન હતી. ત્યાર પછી ઘણા વર્ષ પછી બંને ‘ઝમીર’માં સાથે દેખાયા હતા, પણ એ રોમેન્ટિક પૅર ન હતી. ગમે તેમ, ‘જંગલી’ પ્યૉર શમ્મી કપૂર બ્રાંડ ફિલ્મ હતી. પૂરી કાબેલિયત અને પરફેક્ટ ચાર્મ સાથે એ છવાઈ ગયો હતો. રોમાન્સની એની ખાસ અદા હતી. ભૂરી આંખો સાયરા બાનુના સુંદર ચહેરા પર ઠેરવીને જ્યારે એ ગાતો, ‘મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ, મુઝે પલકોં કી છાંવ મેં રહને દો’ ત્યારે એક આખી પેઢીના શ્વાસ થંભી જતા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 15 મે 2026

Loading

શિક્ષકો પર ટેટનો બોજ ન નાખો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 June 2026

રવીન્દ્ર પારેખ

સુપ્રીમ કોર્ટે બધા શિક્ષકો માટે ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કર્યું છે. સુપ્રીમને ટેટ ફરજિયાત કરવાની ફરજ કેમ પડી એનો ખુલાસો નથી, પણ સુપ્રીમનો આદેશ હોય તો શિક્ષકોએ તે માન્ય કરવો જ પડે. કેટલાક શિક્ષકોને ટેટ, ઠેઠ પહોંચાડે એવું લાગતા વિરોધનો સૂર ઊઠ્યો છે. પગાર વધારા સિવાય શિક્ષકો આંદોલન ભાગ્યે જ કરે છે. મોટે ભાગે તો તે આદેશ ઉઠાવવા ઝૂકેલા રહે છે. તેમને વર્ગને સ્વર્ગ કરવાનું ન બને તેનો વાંધો નથી, પણ સરકારના આદેશો ઉઠાવવાની ટેવ પડી ગઈ છે, એટલે કુરનીશ બજાવતા રહે છે. વર્ગ શિક્ષણ ઉપરાંત શિક્ષકો પાસેથી સરકાર સાંઠેક પ્રકારની ઈતર પ્રવૃત્તિઓ કરાવે છે ને એમાં બને છે એવું કે વર્ગમાં ઈતર પ્રવૃત્તિઓથી બાળકો વંચિત રહી જાય છે. શિક્ષકોને સ્વમાન જેવું કદાચ નથી, એટલે તેમને તીડ ઉડાડવા કે વસ્તી ગણતરી કરવા કે ચૂંટણીને કામે કે SIRની કામગીરી માટે મોકલાય કે રાષ્ટ્રીય કામગીરીને નામે કંઇ પણ કરાવાય, આદેશોનું પાલન તો થાય જ છે. આ ઉપરાંત ડેટાબેટાના કે પરિપત્રોના જવાબો જેવી કારકૂની કરમે ચોંટેલી છે તે તો ખરી જ !

એવું નથી કે સરકારને બધા જ શિક્ષકો વફાદાર છે. એક તો તેઓ વર્ગ શિક્ષણથી બચે ને ઉપરથી સરકારી કામોમાંથી આવક મેળવે, એટલે સેવકો બની રહેવા ઇચ્છે છે. એમ તો કોઈ કોઈ શિક્ષકો સ્વમાની પણ હોય છે, પણ યુનિયન સુધી તેમનો અવાજ પહોંચતો નથી, એટલે પણ ના છૂટકે સરકારની મજૂરી કૂટી કાઢે છે. એ કમનસીબી છે કે શિક્ષકોને જ પોતે શેને માટે રખાયેલા છે એની ખબર નથી ને વર્ગની બહાર જવા મળે છે, એટલે બધે ફરી વળે છે. તેમને તો પગાર ઉપરાંત ઉપરની આવક થાય છે, એટલે પણ સરકારી આદેશોનું પાલન કરવાનું ગમે છે ને દોડે છે. સરકાર પણ લાગ જોઇને શિક્ષકો પર બોજ નાખતી રહે છે.

આવા સંજોગોમાં સુપ્રીમનો વર્ષમાં બે વાર ટેટની પરીક્ષા લેવાનો આદેશ ઘણાં શિક્ષકોને નારાજ કરે એમ બને. શિક્ષકની લાયકાત અને શિક્ષણની ગુણવત્તા સંદર્ભે આવેલા ચુકાદા સામે શૈક્ષિક મહાસંઘે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાનું કહીને 2010 પહેલાના શિક્ષકને TET(TEACHERS ELEGIBILITY TEST)માંથી મુક્તિ આપવા રજૂઆત કરી છે. આ રજૂઆત પછી પણ કોઈ અસરકારક પરિણામ ન આવે તો 18 જૂને શૈક્ષિક મહાસંઘ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર મારફતે વડા પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવશે. તે પછી પણ હકારાત્મક પરિણામ ન આવે તો ઉગ્ર કાર્યક્રમો મહાસંઘ આપશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે 2010 પહેલાના, દેશના 25 લાખ અને ગુજરાત રાજ્યના 75,000 પ્રાથમિક શિક્ષકોએ નોકરી બચાવવા પણ ટેટ આપવી પડે એમ બને.

સુપ્રીમે તો જાહેર કરી દીધું છે કે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોએ નોકરી ચાલુ રાખવા કે બઢતી માટે ટેટ પાસ કરવી અનિવાર્ય છે. તેમ નહીં થાય તો શિક્ષકોએ રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જો કે, નોકરીના પાંચ જ વર્ષ બાકી છે, તેમને આ પરીક્ષામાંથી મુક્ત રખાયા છે તે સારું કર્યું છે.

આ આદેશ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એ પણ છે કે સુપ્રીમે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. અપવાદો થયા જ છે તો ટેટ પાસ કરવાનાં ધોરણમાં થોડી છૂટછાટ હોવી જોઈએ. જેમ કે, ટેટ પાસ કરવાનું એવા શિક્ષકો માટે જ ફરજિયાત હોવું જોઈએ, જેમને બઢતી જોઈએ છે. માત્ર નોકરીનો અનુભવ જ લેવો છે, તેમને ટેટના આદેશમાંથી મુક્તિ આપવી જોઈએ, તેને બદલે તેવા શિક્ષકોને રાજીનામું આપવાનું કહેવું કે ફરજિયાત નિવૃત્તિનું દબાણ કરવું વધારે પડતું છે. કમ સે કમ સરકારે હસ્તક્ષેપ કરીને ફરજિયાત નોકરી છોડાવવાની બાબતે દખલ દેવી જ જોઈએ. પરીક્ષા ન આપનારને કાઢી મૂકવાની વાત કોઈ રીતે યોગ્ય નથી. 20-25 વર્ષની નોકરી થઈ હોય ને માત્ર પરીક્ષા ન આપવાને લીધે કાઢી મુકાય એ જોહુકમી સિવાય બીજું કંઇ નથી.

રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા ૨૩ ઓગસ્ટ, 2010ને રોજ ટેટ ફરજિયાત જાહેર કરવામાં આવી ને તેને આધારે શિક્ષકની ભરતી કરવામાં આવી. એ અગાઉના શિક્ષકો માટે પ્રાથમિક શિક્ષકની પાત્રતા નક્કી હતી. તે વખતે જે નિયમો હતા તેને આધારે તેમની ભરતી કરવામાં આવી હતી. એ ભરતી નિયમો વગર થઈ ન હતી. એ વખતે ટેટ ફરજિયાત હોત તો શિક્ષકોએ એ પરીક્ષા પણ આપી જ હોત, પણ એવું ન હતું ને હવે 16 વર્ષે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવે તે બરાબર નથી. 75,00૦ શિક્ષકો પર અત્યારના નિયમો લાગુ કરીને દબાણ ઊભું કરવામાં ન્યાય નથી.

સુપ્રીમનો ચુકાદો હોય તો તેની ઉપરવટ ના જવાય. એવે વખતે સરકારને જ હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરવામાં આવે તો શિક્ષકનાં હિતો પરનું જોખમ ટાળી શકાય. એ સારું છે કે શિક્ષણ, પરીક્ષણનાં કડક ધોરણો જળવાય તે અનિવાર્ય છે, પણ એનો કોઈ અર્થ છે ખરો? નીટની પરીક્ષા રદ્દ કરવી પડે કે તે ફરી લેવા ફરી લોખંડી બંદોબસ્ત ગોઠવવો પડે, તો ટેટમાં એવું કશું ન જ થાય એની કશી ખાતરી છે? આખું પરીક્ષા તંત્ર જ ફૂટી જતું હોય, ત્યાં પરીક્ષા કૂટ્યા કરવાનો કોઈ મતલબ છે?

ખાસ વાત તો એ કે શિક્ષકને વસ્તી ગણતરી કરતા આવડે છે? તો, પણ તે કરે જ છે. તેની પાસે SIRની લાયકાત છે ? તો પણ તે પાર પાડે જ છે. ચૂંટણી રાજકારણીઓ લડે પણ તેનું મથક સાચવવાનું શિક્ષકે ! એ પણ આવડત છે એટલે કરે છે? તીડ ઉડાડવાની પરીક્ષામાં તે પાસ થયો છે? તો પણ તેણે તીડ ઉડાડ્યાં જ ને ! તો એક ટેટ નહીં આપે તો શું ખાટુંમોળું થઈ જવાનું છે? આ દેશમાં શિક્ષણ ઓછું ને પરીક્ષાઓ જ વધારે છે ને તે પરીક્ષા માટે થાય છે એથી વધુ તો ‘અર્થ’ વિકાસ માટે થાય છે. વળી આટલી મહેનતે ટેટની પરીક્ષા પાસ કર્યા પછી શિક્ષકે વર્ગખંડમાં જવાનું ન હોય ને ઓફિસમાં બેસીને ડેટાબેટા જ કરવાનું હોય કે સરકારની વસ્તી ગણતરી, ચૂંટણી, SIRમાં જ રચ્યાપચ્યા રહેવાનું હોય તો ટેટ ફરજિયાત કરવાનો કોઈ અર્થ ખરો?

સુપ્રીમના આદેશનું પાલન કરવા શિક્ષણ વિભાગે પણ કમર કસી છે ને 2010 પહેલાંના શિક્ષકોને ટેટ ફરજિયાત કરવાનું અને 31 ઓગસ્ટ, 2028 પહેલાં પાસ કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. એ સારી વાત છે કે આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થઈ રહ્યું છે. કમ સે કમ ગુજરાત સરકારે ગુણવત્તાની વાત ન કરવી જોઈએ – શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી ટેટની જ પરીક્ષાઓનાં ઢંગધડા નથી. પરીક્ષાઓ મોડી લેવાય છે. પ્રશ્નપત્રો અઘરા હોય છે. કેટલાક પ્રશ્નો તો કક્ષા બહારના પુછાય છે. એક બે માર્ક ઘટે તો કૃપાગુણ ને બદલે નાપાસ કરાય છે. આવી પરીક્ષા થોડાં વર્ષો પર ન હતી, એટલે નોકરી, ટકા અને ઈન્ટરવ્યૂને આધારે મળતી. 2010 પહેલાં જે પરીક્ષા હતી જ નહિ ને નોકરીને વર્ષો થયાં હોય, તો તેમને એવી પરીક્ષા માથે મારવી, જેના ઠેકાણાં નથી તે બરાબર નથી.

આ બધું ગુણવત્તા સુધારવા થાય છે? જે શિક્ષક પોતે પરીક્ષા લેવાની યોગ્યતા ધરાવતો હોય, તેની પરીક્ષા થાય ને તે નાપાસ પણ થાય તો તે ડિપ્રેશનનો શિકાર બને છે. હજારો કાયમી શિક્ષકોની ભરતી નથી થતી તે શિક્ષણની ગુણવત્તા સુધારવા? સૌથી વધુ બજેટ શિક્ષણમાં ફાળવાતું હોવા છતાં કેટલીક સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે તે શિક્ષણની ગુણવત્તા સુધારવા? એક પણ વિદ્યાર્થી નથી એવી સ્કૂલમાં શિક્ષકો પગાર ખાય છે, તે કોની મહેરબાનીથી? કેટલી ય સ્કૂલો બિસ્માર હાલતમાં ચાલે છે. આ જોખમ શિક્ષણની ગુણવત્તા સુધારવા લેવાય છે?

– કમ સે કમ ગુજરાત સરકારે ગુજરાતની ભોળી પ્રજાની ક્રૂર મજાક કરવાથી દૂર રહેવું જોઈએ …..

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 જૂન 2026

Loading

‘Homes Without Windows’ : કર્મશીલ-લેખકના આત્મકથાનકમાં દૃશ્યમાન થતું ગુજરાતનું સમાજજીવન … 

કિરણ કાપુરે|Opinion - Opinion|15 June 2026

હાલમાં અંગ્રેજી ભાષામાં ‘Homes Without Windows’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક અનુવાદિત છે અને તે ગુજરાતી ભાષાના અગ્રંથસ્થ આત્મકથાનક નિબંધોમાંથી અનુવાદિત થયું છે. લેખક જાણીતા કર્મશીલ અને જાહેર જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા ચંદુ મહેરિયા છે. પુસ્તકનો અનુવાદ પ્રતિભાવાન હેમાંગ અશ્વિનકુમાર દ્વારા થયો છે. હાલમાં ચંદુ મહેરિયાને વાંચવાનું ઠેકાણું ‘સંદેશ’ અખબારમાં અર્ધસાપ્તાહિક પૂર્તિમાં આવતી ‘ચોતરફ’ કોલમ છે. આ ઉપરાંત તેમના લેખો નિયમિત રીતે ‘ઓપિનિયન’ નામના પોર્ટલ પર પણ મુકાય છે. ચંદુભાઈની ઓળખ માત્ર લેખક તરીકેની નથી; તેઓને આપણી આસપાસના સમાજજીવનને સૂક્ષ્મ રીતે જોનારા નિરીક્ષક પણ કહી શકાય. 

ચંદુભાઈનાં લખાણ અને તેમના જીવનના અનુભવ વિશે પુસ્તકમાં જાણીતા લેખક-કર્મશીલ-સંશોધકોની નોંધો છે અને તે નોંધોથી પુસ્તકના વિષયવસ્તુનો આછો પરિચય પણ મળે. પરંતુ તેમનો ખરો પરિચય તો ચંદુભાઈના પોતાના લેખો જ છે. આ લેખો હાલમાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ નથી એટલે તે વાંચવા હોય તો જ્યાં તે પ્રથમ વાર પ્રકાશિત થયા હતા તે સાર્થક પ્રકાશનના ‘સાર્થક જલસો’ના અંકો જ મેળવવા પડે. ‘Homes Without Windows’માં કુલ અગિયાર પ્રકરણ સમાવિષ્ટ છે અને તેનું પ્રથમ પ્રકરણ ‘મેયર્સ બંગલો’ છે. આ લેખ હજુ પણ ‘દલિત અધિકાર’ સામયિકમાં ઑનલાઇન પી.ડી.એફ.માં વાંચવા મળે છે. ચંદુભાઈએ તેમાં પોતાના જીવનના જ્યાં શરૂઆતનાં વર્ષો વિતાવ્યાં તે અમદાવાદ પૂર્વના રાજપુર વિસ્તારમાં આવેલા ઘરના અનુભવો આલેખ્યા છે. સામાન્ય રીતે પોતાની આવી સ્થિતિને વર્ણવવાનું ટાળે તે ચંદુભાઈએ શબ્દબદ્ધ કર્યું છે. અને તે વિશે જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારી લખે છે તેમ ‘તેમનું લેખન વીંધી નાખનારું છતાં કડવાશ વિનાનું’ છે. ‘મેયર્સ બંગલો’માં તેઓ લખે છે : ‘જ્યારથી ગાંધીનગરમાં રહેવા આવ્યો છું ત્યારથી બે જ બાબતોનાં સ્વપ્ન આવે છે : કાં પોલીસનાં કાં જાજરૂનાં. શ્રમજીવીઓની સદા વિસ્તરતી વસાહતો સમી અમદાવાદની પૂર્વપટ્ટીનો રાજપુર વિસ્તાર એ મારું ઘર-ગામ કે વતન. બાપા કહેતા મજૂરી ન મળી એટલે તો ગામ છોડવું પડ્યું. પછી જ્યાં રહીએ ત્યાં ગામ. બાપા રખિયાલની ગંજીફરાક મિલમાં મજૂરી કરે. પૂર્વ અમદાવાદમાં મિલ-કારખાનાના એક એક ભૂંગળાના છાંયે એક-એક ચાલી. આવી જ એક ચાલી તે રાજપુર-ગોમતીપુરની અબુ કસાઈની ચાલી. ત્યાં મારું ઘર.’ આ લખાણમાં તાદૃશ્ય ચિત્ર ખડું થાય છે અને તે ચિત્ર ચંદુભાઈની કલમ શબ્દેશબ્દે આલેખી શકે છે. અહીંયાં રહેતા અને કૉલેજમાં ભણતાં યુવાન-યુવતીઓની સ્થિતિ વિશે ચંદુભાઈ આગળ લખે છે : ‘અમારા આ જાજરૂ પાસે હીરાલાલની ચાલીનું બસસ્ટોપ. એ.એમ.ટી.એસ.ની બસ જાજરૂ પાસે જ ઊભી રહે. આસપાસની ચાલીના કૉલેજ જતાં છોકરાં-છોકરીઓ જાજરૂની લાઇનમાં ઊભા હોય કે હાથમાં ચંબુ પકડીને જતાં-આવતાં હોય ત્યારે બસમાં બેઠેલા પોતાના સવર્ણ સહાધ્યાયીઓથી કેવા લપાતા-છુપાતા તે નજરે જોયું છે. રખિયાલ-ગોમતીપુર ગામનાં સવર્ણ છોકરા-છોકરીઓ અમારા જાજરૂવાળા બસ સ્ટૉપને ‘હોલિવુડ’ કહેતાં. કૉલેજમાં જતાં છોકરા-છોકરીઓને આ બસ સ્ટોપ પર ઊતરતાં ભારે શરમ લાગે એટલે કાં તો કામદાર મેદાન ઊતરે કે પછી ગોમતીપુર, ને ત્યાંથી ચાલતા-ચાલતા ઘરે આવે.’

ચંદુભાઈના જીવનના દરેક તબક્કાને જોઈએ તો તેમાં સંઘર્ષ સર્વત્ર દેખા દે છે. પરંતુ તેમણે સંઘર્ષ પ્રત્યેનું જે વલણ રાખ્યું છે તેનાથી જ આ સાહિત્ય રચાયું છે. તેમની કિશોરવયમાં તેઓ કેવી રીતે કેળવાયા તેનો ઉલ્લેખ ‘સભાપર્વ : રાજપુરથી રાજસભા સુધી’ નામના પ્રકરણમાં મળે છે. અહીંયાં તેમણે જે રીતે પોતાના ઘરની આસપાસના માહોલનો ઉલ્લેખ કર્યો છે તેમાં ક્યાંક તેટલા પૂરતો આપણને ઈર્ષ્યાભાવેય આવી જાય. તેઓ લખે છે : ‘આઝાદી પછીના ત્રણ-સાડા ત્રણ દાયકા રાજપુરમાં ગાંધીવાદી-આંબેડકરવાદી-સામ્યવાદી ચળવળોથી ભર્યા ભર્યા હતા. રાજપુરની હીરાલાલની ચાલીના નવરાત્રિ મહોત્સવમાં દર વરસે કોઈ વિશિષ્ટ મહાનુભાવ અને તે પણ બિનદલિત અવશ્ય આવતા. અહીં જ રાજ્યપાલ શ્રીમન્નારાયણ અને કે. કે.વિશ્વનાથન, અમદાવાદના ગાંધીવાદી મેયર કૃષ્ણવદન જોશી અને બેસ્ટ પાર્લમેન્ટરિયન [ઉત્તમ સાંસદ] પુરુષોત્તમ માવળંકરને સાંભળવાના થયા. વસંતલાલ ચૌહાણ અને આનંદ પરમાર ઉત્થાન સંસ્થાના ઉપક્રમે અનેક વક્તાઓને રાજપુરમાં વક્તવ્યો માટે બોલાવતા. એસ.આર. ભટ્ટ અને ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર અને દિનકર મહેતા – આ બધાને રાજપુરની સડકસભામાં જ સાંભળીને મોટો થયો છું. મજૂર મહાજન સંઘ, જ્યોતિસંઘ અને બીજી ગાંધીવાદી સંસ્થાઓ-વ્યક્તિઓનો રાજપુરમાં આવરોજાવરો રહેતો. મજૂરમહાજનના નેતાઓ અરવિંદ બુચ, મનહર શુક્લ, શાંતિલાલ શાહ, નવીનચંદ્ર બારોટ તો અમારા માટે મિલના માસ્તર-મેમ્બર-મુકાદમ જેટલા પરિચિત. ચારુમતિ યોદ્ધા જેવાં મહિલા આગેવાનને પણ અહીં સાંભળ્યાં છે. આજે કલ્પના પણ ન આવે કે આ જ રાજપુરમાં શંકરાચાર્ય પણ આવેલા.’ ચંદુભાઈ લખે છે તેમ કલ્પના ન આવે તેવું ઘણું તેમના વિસ્તારમાં બન્યું હતું. 

ચંદુ મહેરિયા

ચંદુભાઈએ પોતાના વિસ્તારમાં રહેવાનો આનંદ પૂરતો લીધો છે અને તેના અનેક ઘટનાક્રમ તેમણે ટાંક્યા છે. ચંદુભાઈનાં લખાણમાં ઘટનાઓનો દોર જરાસરખો થંભતો દેખાતો નથી. તેમની બીમારી અંગે પણ તેઓ એટલા તટસ્થભાવે વાત મૂકે છે કે જાણે તેઓ બીમારીના બિછાને પણ પીડા કરતાં તેમનામાં રહેલો સર્જક વધુ પ્રબળ રહ્યો હશે. ‘રુગ્ણાલય : શૈશવથી જીવનસંધ્યા લગી’ નામના પ્રકરણમાં તેઓ એક ઠેકાણે લખે છે : ‘આરોગ્યમંદિરો તરીકે બિરદાવતાં દવાખાનાં મને કાયમ રુગ્ણાલયો જ લાગ્યાં છે. સામાન્ય દર્દી તરીકે, દર્દીના સ્વજન તરીકે અંદરના દર્દી તરીકે જ્યારે જ્યારે દવાખાને ગયો છું, તે વેળાનો અનુભવ પીડા અને દુઃખથી ભરેલો રહ્યો છે. સર્જરી માટે જતાં ઍનેસ્થેશિયા અપાયા પૂર્વેની અને તેની અસરમાંથી મુક્ત થયા બાદની મનોદશા ભારે પીડાની રહી છે. મૃત્યુ કરતાં બીમારીનો ડર હંમેશાં વધુ રહ્યો છે. હૉસ્પિટલમાં દાખલ થયો છું ત્યારે ત્યારે સમય થંભી ગયાનો અને જીવન સમાપ્ત થઈ ગયાનો સતત અહેસાસ થતો રહ્યો છે. જ્વેલર્સની દુકાનો ભોંયતળિયે હોય અને લિફ્ટ વિનાની હૉસ્પિટલના ત્રીજા-ચોથા માળે સર્જરી કરાવીને ઘરે લઈ જવાતા દર્દીની હાલત જોઈને આપણા અર્બન પ્લાનિંગ પર સવાલો થયા છે. દેવદૂત ડૉક્ટરો કેવા લૂંટારા બની જાય છે તેનો પણ જાતઅનુભવ છે. મોટા ભાઈએ અને એક નજીકના મિત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે કડેધડે એવી આ વ્યક્તિઓને જે શારીરિક પીડામાંથી પસાર થતાં જોઈ છે તે હચમચાવી નાખનારી હતી.’ 

ચંદુભાઈના લેખનમાં અનેક સંદર્ભો ગૂંથાતા દેખાય છે. તેમનું લેખન ક્યાં ય શુષ્ક નથી પડતું અને તેની સાથે આપણી આસપાસની દુનિયામાં જે જોવાનું આપણે ચૂકી જઈએ છીએ તે તાદૃશ્ય થતું દેખાય છે. ચંદુભાઈના અગિયાર પ્રકરણો છે તેનાં ગુજરાતી મથાળાં ય અહીં જોઈ લેવાં જોઈએ, જેથી તેમણે જે વિશે લખ્યું છે તેનો એક અંદાજ મળી રહે. ગુજરાતી વાચકો અર્થે અહીં મૂળ ગુજરાતી મથાળાં ટાંક્યાં છે. પ્રથમ પ્રકરણ ‘મેયર્સ બંગલો’, પછીના પ્રકરણોમાં ‘રોટલાની મંડઈ મોંકાણ’, ‘મારો ‘ગાંધીડો’’, ‘ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ’, ‘મને ભીંજવે તું’, ‘મારી દિવાળી’, ‘તમારું ખાહડું અને અમારું માથું’, મારા ‘બા’ : સંપૂર્ણ નાસ્તિક ‘રામા ભગત’ ‘મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં’, ‘ધોરાજીમાં બે વર્ષ’ અને ‘રુગ્લાલય : શૈશવથી જીવનસંધ્યા લગી’ પુસ્તકમાં સમાવિષ્ટ છે. 

અઢીસો પાનાંનું આ પુસ્તક પાકા પૂંઠાનું છે અને તેના કવરપેજ પર ચંદુભાઈ અને તેમના નાના ભાઈની તસવીર છે. મૂળે આ તસવીર ‘સાર્થક જલસો’માં પૂરા પરિવાર સાથેની છે, પરંતુ તેમાંથી બંને ભાઈઓની છબિ અહીં લેવામાં આવી છે. પુસ્તકના પ્રકાશક જગરનૉટ [Juggernaut] છે અને તેની કિંમત 699 રૂપિયા છે. પ્રસ્તાવનામાં અનુવાદક હેમાંગ અશ્વિનકુમારે ચંદુ મહેરિયાના જીવનકાર્ય વિશે પંદર પાનાંમાં વિગતે લખ્યું છે. પુસ્તક વિશે જેઓની નોંધ મળી છે તે શરૂઆતમાં મૂકવામાં આવી છે. તેમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા છે, કર્મશીલ-લેખક ગણેશ દેવી, ‘કાસ્ટ : અ ગ્લોબલ સ્ટોરી’ પુસ્તકના લેખક સુરજ યેન્ગડે, લેખક-સંશોધક વી. ગીથા અને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી છે. આ નોંધોનો ગુજરાતી અનુવાદ સંજય સ્વાતિ ભાવે દ્વારા ‘ભૂમિપુત્ર’[1 જૂન, 2026]માં થયો છે. અને આ જ લેખમાં સંજયભાઈએ ચંદુભાઈના લેખનસફરની વિગત આપી છે તે ટાંકવા જેવી છે. તેઓ લખે છે : ‘ગુજરાતી દલિત સાહિત્યની એક આરંભિક અહાલેક સમા ચંદુભાઈએ સંખ્યાબંધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે, તેમ જ છાપાં-સામયિકોમાં સેંકડો વૈચારિક લેખો લખ્યા છે. ચાહીને વંચાતાં તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘સાંબરડાથી સ્વમાનનગર’ (ગુજરાતમાં દલિતોએ જોરજુલમ હેઠળ કરેલી હિજરતનો ઇતિહાસ અને તેની સમીક્ષા), ‘ડૉ. આંબેડકર’(બાબાસાહેબનો ટૂંકો સર્વાંગી પરિચય), ‘પ્રાણપ્રશ્ન પાણીનો’ (જળસંકટ અને જળસંરક્ષણના પ્રયોગો), ‘ચોતરફ’ (અગત્યના સામાજિક પ્રશ્નોનો પરિચય અને તેમની સમીક્ષા), ‘અસ્મિતા અને વિસ્ફોટ’ (દલિત કાવ્યસંચયો) અને ‘માડી મને સાંભરે રે’ (દલિત લેખકોએ ‘મા’ વિશે લખેલા લેખો). 

ચંદુ મહેરિયાનું લખાણ બહોળું છે અને તેમાંથી તેમનું આત્મકથાનક જ ‘Homes Without Windows’માં વાંચવા મળે છે. બસ, અફસોસ એટલો જ કે હજુ આ ગુજરાતી પુસ્તક પ્રકાશિત નથી થયું. તે વહેલાસર પ્રકાશિત થાય તો ગુજરાતી વાચક પણ ચંદુભાઈના અનુભવને પોતાની ભાષામાં વાંચી શકે. 

e.mail : kirankapure@gmail.com 
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2026

Loading

...6789...203040...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved