Opinion Magazine
Number of visits: 10,221,302
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્કૂલમાં ન ભણાવે તે શિક્ષક છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 September 2026

રવીન્દ્ર પારેખ

છેલ્લાં થોડાં વર્ષોમાં શિક્ષકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. પહેલાં શિક્ષકનું એક જ કામ હતું, ભણાવવાનું. ભણાવે તે શિક્ષક. હવે ન ભણાવે તે શિક્ષક એવી નવી વ્યાખ્યા થઈ છે. એમાં શિક્ષકો ભણાવવા ઉત્સુક નથી એવું નથી. તેઓ તો સ્કૂલે ભણાવવા જ જાય છે, પણ ડેટા એન્ટ્રી અને શિક્ષણેતર એટલી કામગીરી માથે મરાય છે કે શિક્ષક બાપડો વર્ગમાં જઈને ભણાવી જ નથી શકતો. બીજું, સરકાર અને તેની સમિતિઓ આયોજન જ એવું કરે છે કે શિક્ષક ભણાવી જ ન શકે. વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતીનાં ઠેકાણાં નથી ને સરકાર કામચલાઉ શિક્ષકોથી આંગળાં ચાટીને પેટ ભરી રહી છે. વળી એવું પણ નથી કે સરકારને બજેટ ખૂટે છે ને તે શિક્ષકો ન રાખવા લાચાર છે ! એટલી લાચારી કદી હતી નહીં. ખરેખર તો તે પ્રવાસી શિક્ષકો કે વિદ્યા સહાયકોથી કામ કાઢે છે. એ પછી પણ ભણાવવાનું તો ગૌણ જ છે. મોટે ભાગે તો શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જ શિક્ષક રોકાયેલો રહે તેવી વ્યવસ્થા છે. આવી 93 જેટલી પ્રવૃત્તિઓમાં શિક્ષકો જોતરાયેલા છે.

આશ્ચર્ય એ વાતનું છે કે આ બધાનો વિરોધ કરતું સબળ આંદોલન છેડાતું નથી. નાના મોટા વિરોધ થાય છે, પણ સરકાર સુધી પહોંચતો પ્રચંડ અવાજ ઊભો થઈ શકતો નથી. 2017થી શિક્ષકોની ઘટ ચાલી આવે છે, પણ અત્યાર સુધીમાં એવો વિરોધ થયો નથી કે સરકારને પોતાની નીતિરીતિ માટે ફેરવિચારણા કરવાની ફરજ પડે. સરકારને શિક્ષકો પાસેથી કામ લેવાનો સંકોચ નથી, તેણે શિક્ષણનું કામ તો ઓનપેપર જ બતાવવું છે ને સ્કૂલો શિક્ષકો વગર ચલાવવી છે. શિક્ષક વગર પણ શિક્ષણ ચાલુ રહી શકે એવી નવી શોધ સરકારે કરી છે.

એક તરફ રાજ્યની સરકારી સ્કૂલોમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી થતી નથી, એટલે ચિત્ર વિષય ભણાવનાર શિક્ષકો જ નથી ને એવું જ અન્ય વિષયો સંદભે પણ છે. એવું નથી કે જે તે વિષયના શિક્ષકો મળતા નથી. ગધેડે ગવાય છે, પણ સરકાની જ દાનત નથી કે જે તે વિષયના શિક્ષકો રાખે. ગમ્મત જુઓ કે ચિત્ર શિક્ષક નથી ને ચિત્ર સ્પર્ધા તો યોજાય જ છે, એટલું જ નહીં, ચિત્ર સ્પર્ધામાં 100 ટકા બાળકોને જોડવા શિક્ષણ વિભાગ દ્વારા પ્રયત્નો પણ શરૂ થયા છે. ધારો કે 100 ટકા બાળકો સ્પર્ધા માટે તૈયાર થાય, તો તેમને ન્યાય થાય એવા ને એટલા ચિત્ર શિક્ષકો શિક્ષણ વિભાગ પાસે છે ખરા? વિદ્યાર્થીઓ તૈયાર હોય ને શિક્ષકો હોય જ નહીં તો શું કરવાનું? શિક્ષણ વિભાગ ફતવા તો બહાર પાડી દે છે ને ચિત્ર સ્પર્ધા ઠોકી પાડે છે. આમ પણ  પૂરતી વ્યવસ્થા વગર યોજના કે સ્પર્ધા શિક્ષણ વિભાગ ઠોકી જ બેસાડે છે, પછી એ કેવી રીતે થશે એ સરકારની ચિંતાનો વિષય નથી, તે ચિંતા આચાર્ય કે વધ્યા ઘટ્યા શિક્ષકોએ કરવાની છે. સરકાર તો કહી દે કે ચિત્ર સ્પર્ધામાં 100 ટકા બાળકો જોડાય, પણ તે કેવી રીતે શક્ય બનશે, તે અંગેની વિભાગ દ્વારા કોઈ વિચારણા થતી હોય એવું લાગતું નથી. શિક્ષણની જવાબદારી ઉપાડવા વિભાગ તૈયાર જ નથી. શિક્ષણ વિભાગનું એક જ કામ છે ને તે પરિપત્રો બહાર પાડીને આચાર્યો, શિક્ષકોને એટલાં કામમાં રાખવા કે તેઓ બીજું ત્રીજું વિચારી જ ના શકે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને ફરજિયાત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દબાણ પણ કરવામાં આવે છે. આટલું દબાણ હોય તો આચાર્ય, શિક્ષકોનું ટેન્શન વધે જ. એમાં કામ થાય તો અભિનંદનના બે શબ્દો પણ કોઈ કહે નહીં, પણ કામ ના થયું તો જવાબો માંગી માંગીને શિક્ષક-આચાર્યને એવું ટેન્શન ઊભું કરાય કે એકાદ વખત તો મરવાનો વિચાર આવે જ.

આચાર્યો, શિક્ષકો ને વિદ્યાર્થીઓ સરકારી સભામાં શોભાના ગાંઠિયાં તરીકે જ સરકારને કામના છે, બાકી એ શિક્ષણ માટે છે એવું તો શિક્ષણ વિભાગ પણ માનતો નથી. શિક્ષકો સરકારના શિક્ષણ સિવાયના હેતુઓ માટે જ ઉપયોગી છે. સરકારમાં જે હોય તેમને શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓને એડી નીચે રાખવામાં મજા પડતી હોય છે.

ગઈ કાલે 17 સપ્ટેમ્બર હતી. એ દિવસે તમામ શાળાઓના શિક્ષકોને દીપોત્સવ કાર્યક્રમમાં જોડાવાની સૂચના આપવામાં આવી અને તેનો અમલ થાય તેની તાકીદ પણ કરવામાં આવી. તાકીદ એ રીતની કે શિક્ષકો કાર્યક્રમમાં જોડાયા જ હતા તે મતલબના પુરાવા પણ રજૂ કરવા.

રાજ્યના છેવાડાના એક જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ અંગે મેસેજ મોક્લ્યા છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે 17 સપ્ટેમ્બરનાં રોજ દીપોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે. એ કાર્યક્રમ અંતર્ગત, ગામના કોઈ મંદિરે સામૂહિક આરતી ઉતારવાનો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો છે તો તમામ શાળાના સ્ટાફે હાજર રહેવું. એ ઉપરાંત બીજો આદેશ પણ હતો કે જે ગામમાં તલાટી ન હોય ત્યાં શાળાના મુખ્ય શિક્ષકે દીપોત્સવ કાર્યક્રમને પાર પાડવો.

એ અત્યંત શરમજનક છે કે શિક્ષક કાર્યક્રમમાં હાજર હતો એનો પુરાવો માંગવામાં આવે છે. ખરેખર તો શિક્ષકની ફરજ જ નથી એવાં કામ માટે ઉપસ્થિત રહેવાની ફરજ પાડવી ને ઉપરથી એ ફરજ બજાવી છે કે નહીં તેનો પુરાવો માંગવો એ કોઈ પણ રીતે સરકારને પક્ષે શોભાસ્પદ નથી. સત્તરમીનો શિક્ષણેતર કાર્યક્રમ પાર પડે તે સાથે 19 સપ્ટેમ્બરની આગોતરી વરદી પણ સરકારે નોંધાવી દીધી છે. 19 સપ્ટેમ્બરે બાલસભાનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. આ ફતવાની ભાષા વિનંતીની લાગે, પણ હકીકતે તો તે હુકમની ભાષા છે, સરમુખત્યારની ભાષા છે. દીપોત્સવના કાર્યક્રમમાં સ્ટાફે હાજર રહેવું કે ન રહેવું, એ સ્ટાફની મુન્સફી પર છોડવું જોઈએ. એને બદલે શિક્ષકોને ગુલામ ગણીને તેમને હાજર રહેવાના આદેશો આપવા એ લોકશાહીની નીતિરીતિને જરા પણ અનુરૂપ નથી.

સરકારી બીજી નોકરીઓમાં આવી જોહુકમી ચાલતી નથી, તો શિક્ષકો પર જ કેમ ? એમાં એક કાયક્રમ પતે ત્યાં બીજી ધમકી ઊભી જ હોય છે. આવાં તમામ આયોજનોમાં ભૂલમાં પણ બાળકોને ભણાવવા અંગેની કોઈ તાકીદ ક્યારે ય કરવામાં આવતી નથી. બાળ પ્રવૃત્તિઓનો તોટો નથી, પણ તકલીફ શિક્ષકો પાસેથી બાળ શિક્ષણ લઈ લેવાયું એની છે. ભણાવવા સિવાયના તમામ કાર્યક્રમોમાં શિક્ષકોને સતત જોતરવામાં આવતા હોવાથી જુદી જ હવા બંધાયેલી છે. એ પણ છે કે શિક્ષકો પણ ભણાવવાના આગ્રહી નથી. શિક્ષકો ચરી ખાય છે એવી માન્યતાનો ભોગ શિક્ષકો જ બન્યા છે, એટલે કામ લેવા સરકારે શિક્ષકોને ઈતર પ્રવૃત્તિઓનું કામ સોંપ્યું. એ વખતે એવી સમજ પણ કામ કરી ગઈ કે ખરેખર જ શિક્ષકો ચરી ખાતા હશે. કદાચ એથી જ શિક્ષકોનો વિરોધ ધાર્યું પરિણામ આપતો નથી.

એ નથી સમજાતું કે આટલી પ્રવૃત્તિઓની તાકીદ પર તાકીદ કરવા છતાં શિક્ષકો મજૂરી કૂટી ખાય છે. શિક્ષકોની નરમાઈનો લાભ સરકાર દ્વારા બરાબર ઉઠાવાઈ રહ્યો છે. આનો વિરોધ કરવામાં શિક્ષકો બહુ પાંગળા પુરવાર થયા છે. છાપાંઓ વધારે ઉદારતાથી શિક્ષકોમાં આ મામલે ‘રોષ ફેલાઈ રહ્યો’ હોવાનો પ્રચાર શિષ્ટ રીતે કરતા હોય છે, પણ હકીકતે શિક્ષકોમાં રોષ ફેલાતો જ નથી. રોષ ફેલાતો હોય તો 93 જેટલી પ્રવૃત્તિઓમાં ફેર પડે ને ! આટલાં વખતથી શિક્ષકો પાસેથી ઈતર કામ લેવાય છે, એનો વિરોધ સાચે જ હોય તો એકાદ પણ ઈતર પ્રવૃત્તિ ઓછી થવી જોઈએ ને ! તેને બદલે એક પણ ઓછી થઈ નથી, બલકે, પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર વધતી આવે છે. એવું ન હોય તો 1થી 93 પ્રવૃત્તિ સુધી વાત આવે કઈ રીતે?

સાદી વાત એટલી છે કે ૩ લાખ જેટલા શિક્ષકો પર બિન જરૂરી કામગીરીનો બોજ વધ્યો છે. આ અસહ્ય ભારને કારણે કેટલાક શિક્ષકોએ આપઘાત કર્યો છે, તો કેટલાકે પરિસ્થિતિ વિષે વિચાર કર્યો, પણ વાત એથી આગળ વધી નહીં. આપણે ત્યાં વાતથી વાત આગળ જતી જ નથી એટલે ચોક્કસ પરિણામ સુધી પહોંચતી પણ નથી. આવા વિરોધ વાંઝિયા છે. તેમાં જીવ નથી. એ જીવ શિક્ષકોને લીધે નથી. શિક્ષકોની તકરાર હોય તો તેનો વાંધો શિક્ષકોને પડવો જોઈએ, પણ તેવું થતું નથી. શિક્ષકો વતી કોઈ બીજું લડે તો જ ફેર પડે એવું શિક્ષકો માનતા લાગે છે, બાકી, શિક્ષકોથી તેમની સમસ્યાઓ ઉકલે એ વાતમાં માલ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 સપ્ટેમ્બર 2026

Loading

શિશુવિહાર. ભાવનગર…સંસ્થા અને સહચાર. 

સરયૂ પરીખ|Opinion - Opinion|17 September 2026

 ૫૭ વર્ષથી અસંખ્ય જીવનને માર્ગદર્શન આપતી સંસ્થા.

 ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા એક સામાજિક અને માનવસેવા સંસ્થા છે. આ સંસ્થા બાળકલ્યાણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને નિઃશુલ્ક નેત્રયજ્ઞ (આંખની સારવાર) જેવાં લોકઉપયોગી કાર્યો માટે લોકપ્રિય છે. 

સંસ્થાના સ્થાપક (૧૯૩૯) : કર્મયોગી માનભાઈ ભટ્ટ. ચક્ષુદાન, સાહિત્ય અને સાંસ્કૃતિક તેમ જ અનેક સેવા અને સમાજ સુધારક પ્રવૃત્તિઓના પ્રણેતા. 1908-2002.

Shishuvihar in Krishna Nagar, Bhavnagar, is broadly recognized and highly rated as a prominent social, educational institution/NGO rather than just a standalone conventional school. 

શિશુવિહાર સંસ્થામાં થઈ રહેલી પ્રવૃત્તિઓઃ
શિક્ષણઃ Educatuion: 38,328+
સાહિત્યિકઃ Literature activities: 6992+
વડીલ વર્ગઃ Gerontology.  6,693+
કામધંધાને લગતું: Vocational and life skills: 9,41,213+
આરોગ્યઃ Health: 8,90,240 +

માનભાઈ ભટ્ટ

માનભાઈ અને ડો.અધ્વર્યુના પ્રયાસથી ૧૯૬૮થી, પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 20,000થી વધુ મફત શસ્ત્રક્રિયા ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ ‘દર્દી દેવો ભવઃ’-ના પવિત્ર સૂત્ર સાથે છેલ્લાં અગણિત વર્ષોથી નેત્રયજ્ઞ દ્વારા માનવસેવાની અનોખી પરંપરા જાળવી રાખી છે. સેવા યજ્ઞ માત્ર આંખની શસ્ત્રક્રિયાઓ પૂરતો નથી, પણ જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર, ચશ્માં, ગરમ કપડાં અને ભોજનની સહાય પૂરી પાડે છે.

ડૉ. નાનકભાઈ માનશંકર ભટ્ટની કુશળ વ્યવસ્થા, સ્વયંસેવકો અને બહેન ઈંદાબહેનની જીવન સમર્પિત  કાર્યદક્ષતાથી શિશુવિહાર સંસ્થા અનેકને માટે સહાયરૂપ બની રહી છે.

ભાવનગરમાં નૃત્ય-સંગીત, નાટક અથવા તો કોઈ પણ ઉત્સવ શિશુવિહારના મંચ પર જ હોય. અમે સૌ દરેક કાર્યક્રમમાં ઉત્સાહથી જતાં. એ જમાનામાં માનભાઈએ એક કવિ સંમેલનમાં કવિઓનું હારતોરા સાથે સન્માન કર્યું હતું જેમાં મારાં કવયિત્રી મા પણ હતાં. આ રીતનું કવિઓનુ સન્માન અદ્વિતીય હતું. વર્ષોથી બુધસભા અને સાહિત્યકારોને સન્માન આપતા પ્રેરણાત્મક કાર્યક્રમો થયાં છે.

અન્ય પ્રવૃત્તિઓની ઝાંખી…

કુદરત સાથેનો સંવાદ: વિદ્યાર્થીઓના નાના હાથે મોટો બદલાવ!!

લેખક :  ડો.નાનક ભટ્ટ, સુરેશ ભટ્ટ.

માટીનો સ્પર્શ, પાણીની તાજગી અને પાંદડાંની હરિયાળી સાથે બાળકોને ફરી પ્રકૃતિની ગોદમાં લઈ જતી શિશુવિહાર સંસ્થાની અનોખી પહેલ માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ નથી, પરંતુ જીવનમૂલ્યોના સંવર્ધનનું સશક્ત અભિયાન છે. રોજિંદા જીવન સાથે સંકળાયેલી ત્રીસ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના, સામાજિક જવાબદારી, પ્રયોગાત્મકતા અને જીવનકૌશલ્યોનું સંવર્ધન કરવાનો પ્રયાસ જીવન શિક્ષણની દિશામાં એક અર્થપૂર્ણ પગલું બને છે. 

પર્યાવરણ સંરક્ષણનો વિષય આજે માત્ર વૈજ્ઞાનિકોની ચર્ચાનો નહીં, પણ દરેક ઘરના રસોડા, અને વર્ગખંડનો વિષય બની ગયો છે. રોજ બ રોજની ટેવોને જ તપાસી, પર્યાવરણને મિત્ર બનાવતી ૩૦ સરળ પ્રવૃત્તિઓની એક યાદી બનાવી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ ૬,૦૦૦ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે. સારી ટેવો બાળકોને મોબાઇલ અને ઈન્ટરનેટના વિશ્વમાંથી બહાર કાઢીને પ્રાકૃતિક સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રતિ દોરી જશે. 

શિશુવિહાર સંસ્થા સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના વિકાસ માટે વર્ષ દરમ્યાન ૪૦૦થી વધુ ઉપક્રમો અને સામાજિક જાગૃતિ અભિયાનો, થકી પ્રતિવર્ષ ૩,૫૦,૦૦૦ નાગરિકોને શિક્ષણ સાથે જોડે છે.  

પર્યાવરણ જાગૃતિ માટે ૩૦ પારિવારિક પ્રવૃત્તિઓની વિગતો અત્યંત વિચારપૂર્વક ગોઠવવામાં આવી છે. શિશુવિહારથી પાણી અને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. પ્લાસ્ટિકનો બોજો ઘટાડે તેવી જીવનની રોજ બ રોજની પ્રવૃત્તિઓમાં સભાન ફેરફારોની જરૂર છે. જાગૃતિ અભિયાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જયદેવ દીપકભાઈ ઉનડકટનો પણ સહયોગ મેળવ્યો છે, જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. પર્યાવરણની સમસ્યા કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારની એકલી જવાબદારી નથી, પરંતુ તે સામૂહિક પ્રયાસ છે. સૌ પોતાના સ્તરે જળ-જમીનની જાળવણી કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિકનો ત્યાગ અને વૃક્ષારોપણ જેવી ટેવો અપનાવીશું, તો સાંકળ પ્રત્યેક ઘર, શાળા અને શહેરને જોડતી જશે.  આવનારી પેઢી માટે એક ટકાઉ, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પૃથ્વીનું સ્વપ્ન સાકાર થઈ શકશે. — વર્તમાન શિશુવિહાર સંચાલક, ડૉ. નાનક મા. ભટ્ટના લેખને અહીં સંક્ષિપ્તમાં મુક્યો છે. ઘણાં સન્માનોથી નવાજીત નાનકભાઈના વિવિધ વિષયના વિચારશીલ લેખો પ્રસંશનીય છે.

વાર્ષિક કાર્યક્રમ … 

જાહ્નવી સ્મૃતિ, માતૃભાષા સંવર્ધન, કિસ્મત કુરેશી. બુધસભા કવયિત્રી અને કવિ સન્માન સંમારંભ નવેમ્બર ૨૧ના રોજ યોજાશે.

સરનામું : Shishuvihar, plot# 507 N. Krishna Nagar, Bhavnagar, Gujarat  364001.
phone# +91 70433 32100
e.mail : shishuviharbhavnagar@gmail.com 
જરૂર મુલાકત લેશો…  https://www.shishuvihar.in/

Loading

જીવન તરીકે અપાયેલું જે કાંઈ હતું તેનો સર્વનાશ મનુષ્યોએ કરી નાખ્યો છે : ૮૭ વર્ષ પૂર્વે પર્યાવરણ માટે ટાગોરનો વિલાપ*

રૂપાલી બર્ક|Opinion - Opinion|17 September 2026

— I — 

રૂપાલી બર્ક

પહાડો ધસી રહ્યા છે, જંગલો સળગી રહ્યા છે, નદીઓ સુકાઈ રહી છે. હમણાં સમગ્ર વિશ્વમાં કુદરતી આપદાઓ વધી ગઈ છે. પશ્ચિમના દેશોમાં એક તરફ, ન જોયો હોય એટલો મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ, અસહ્ય હીટ વૅવનો અનુભવ થઈ રહ્યો છે. અત્યાર સુધી ‘ગ્લોબલ વોર્મિંગ’ કહેવાતું હતું એ હવે ‘ગ્લોબલ બોઈલિંગ’ કહેવાવવા લાગ્યું છે. પૃથ્વીનું સતત વધતું તાપમાન આ પ્રક્રિયાના નામકરણમાં કરાયેલા ફેરફારમાં પ્રતિબિંબિત થાય છે. આત્યંતિક અને ઝડપી જળ-વાયુ પરિવર્તનને વ્યાખ્યાયિત કરતાં ૨૭ જુલાઈ, ૨૦૨૩માં સંયુક્ત રાષ્ટ્રના વડા આન્તોન્યો ગટૅરસે આ કઠોર શબ્દોનો ઉપયોગ કરતા કહેલું, “જળ-વાયુ પરિવર્તનનું આગમન થઈ ચુક્યું છે અને તે ભયાનક છે. વળી, આ તો હજુ શરૂઆત છે …બાળકો ચોમાસાના વરસાદમાં તણાઈ જાય છે, જ્વાળાઓથી પરિવારોને નાસવું પડી રહ્યું છે, કામદારો અસહ્ય ગરમીથી મૂર્છા પામી રહ્યાં છે. હવે ખચકાટ કે બહાના ચાલશે નહીં. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ દરિયાની વધતી સપાટી અંગે ચેતવણી ઉચ્ચારી છે કે ભારતના મુંબઈ, કોલકાતા સહિત વિશ્વભરમાં લાખો લોકોના માથા પર વિસ્થાપનનું જોખમ તોળાઈ રહ્યું છે. 

૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગણિતવીદ્દ અને શિક્ષક, લેખક-અનુવાદક ઉત્પલ ચટોપાધ્યાયના પ્રસિદ્ધ થયેલા લેખમાં (scroll.in) એમણે રબીન્દ્રનાથ ટાગોરે ૮૭ વર્ષ પૂર્વે, ૨ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ શ્રીનિકેતનમાં વૃક્ષારોપણ સમારોહની શરૂઆત કરેલી એ પ્રસંગે એમણે આપેલું અગમચેતીરૂપ વક્તવ્ય ઉત્પલ ચટોપાધ્યાયએ પ્રથમ વખત બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી આપ્યો છે જેનો પ્રથમ ગુજરાતી અનુવાદ કરી આપ સમક્ષ લેખના ઉતરાર્ધમાં સહર્ષ રજૂ કરું છું. ઉત્પલ લખે છે :

‘લગભગ એક સદી પૂર્વે જ્યારે પર્યાવરણીય અધ:પતનથી સાંપ્રત સમયમાં કટોકટી સર્જાઈ છે એવી પરિસ્થિતિ નહોતી, ત્યારે ટાગોરે જંગલના વિનાશ અંગે સમય પહેલા ચેતવણી ઉચ્ચારી હતી. કોલકાતા શહેરમાં જન્મ્યા હોવા છતાં ટાગોરને બાળપણથી જ પ્રકૃતિ સાથે ગાઢ સંપર્ક હતો. કિશારાવસ્થામાં પિતા દેબેન્દ્રનાથ સાથે હિમાલયની તળેટીના પ્રવાસનો અનુભવ એમણે આત્મકથાનક નોંધોમાં આવરી લીધો છે. બાદમાં, હાલ બાંગલાદેશમાં એવા શિલાઈદાહામાં એક જમીનદારી મિલ્કતની અવારનવાર મુલાકાત દરમ્યાન મહા નદી પદમા પર હોડીમાં સવારી દરમ્યાન એમને ઘણી ટૂંકી વાર્તાઓ અને ગીતો લખ્યાં. પ્રકૃતિના અફાટ વ્યાપનો, આકાશનો, પર્વતોનો, નદીઓનો અને બંગાળના ડેલ્ટા પ્રદેશની સપાટ, લીલીછમ ભૂમિનો અનુભવ એમણે કર્યો હતો. સમાંતરે એમણે કોલકાતા અને કોલકાતાની આસપાસના ઊંઘરેટા ગામોનું શહેરીકરણ જોયું અને કોંક્રિટના દમનકારી વ્યાપનો તથા મનુષ્યો અને પ્રકૃતિ વચ્ચે ઘટતા સંપર્કનો વિલાપ કર્યો. જ્યારે એમણે એમની શાળા સ્થાપી, હાલ શાંતિનિકેતન, વિશ્વભારતી, કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય — યુનૅસ્કો વર્લ્ડ હૅરિટૅજ સાઈટનો હિસ્સો છે, એમણે તકેદારી રાખી કે ચાર દીવાલનાં બંધિયાર વાતાવરણને બદલે વૃક્ષોની છાયામાં વર્ગો લેવામાં આવે.

… સતત શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફ ધસતા વિશ્વની માગ અને પ્રકૃતિ સાથે આપણા સંબંધોને જાળવવાની આવશ્યક્તા વચ્ચેનો સંઘર્ષ એમની કૃતિઓનો આવર્તક વિષય છે જેને સૌથી પ્રબળતાથી એમણે ‘રોક્તોકોરોબી’માં આલેખ્યો છે. ખનનના એક ભૂગર્ભ રાજ્યના અમાનવીકરણ કરતા યંત્રો સામે નંદીનીનું પાત્ર બંડ પોકારે છે. 

…આવી નિસ્બતથી ટાગોરે ‘હલકર્ષણા’, ખેતર ખેડવાના ઉત્સવ સાથે વૃક્ષારોપણ ઉત્સવ શ્રીનિકેતનમાં આદર્યો હતો.’

— II —          

‘જંગલના સ્વામી’

સૃષ્ટિના પ્રથમ તબક્કામાં પૃથ્વી પથરાળ અને ઉજ્જડ હતી. એની આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે કોઈ પણ પ્રકારે એની અનુકંપાના ચિહ્ન દેખાતા નહોતા. ચારેય દિશાઓમાં જ્વાળામુખીઓ ફાટવાથી જમીન અશાંત બની ગઈ હતી. આ બધું થઈ રહ્યું હતું તેવામાં એક અણધારી શુભ ઘડીએ જંગલની દેવીએ પૃથ્વીના રંચમંચ પર પોતાના સંદેશાવાહકોને મોકલ્યા. જે કાંઈ નગ્ન હતું એ લીલા ઘાસથી ઢંકાવા લાગ્યું, છોડ અને વૃક્ષ જીવનના અગ્રદૂત બની પ્રગટ્યા. પશુઓ હજુ અવતર્યા ન હતા. પ્રારંભિક અને મૂલ્યવાન જીવનને આવકારવા અને એનું જતન કરવા વૃક્ષો પોતાનો ખોરાક બનાવવા લાગ્યાં અને જમીન પર છાંયડો પાથરવા લાગ્યાં. સૂર્યના ધગધગતા કિરણોને સમેટી અને ભાવિ ઉપભોગ માટે સંગ્રહિત કરી એમણે મનુષ્યોને, જે ઘણાં સમય બાદ અસ્તિત્ત્વમાં આવવાના હતા, શ્રેષ્ઠ ભેટ આપી. આજે પણ મનુષ્યો જીવન અને ઊર્જાના એ જ સ્રોતમાંથી પુષ્ટ થઈને આગળ વધી રહ્યો છે. 

મનુષ્યો ટેવવશ બગાડ કરે છે. જ્યાં સુધી જંગલોમાં વિહરતા હતા એ પ્રકૃતિ સાથે સમૃદ્ધિ, અર્થપૂર્ણ અને સંતુલિત આદાનપ્રદાન જાળવતા હતા પરંતુ જ્યારથી વસાહતો રચવા લાગ્યા, ત્યારથી જંગલો સાથેનું જોડાણ ખોવા લાગ્યા. પૃથ્વી પર જીવનની અસલી અને દિવ્ય ભેટ લાવનાર સૌપ્રથમ મિત્રોને મનુષ્યો ભૂલી ગયા. એટલું જ નહીં, સૌથી ક્રૂર અને અવિચારી ઢબે જંગલો પર આક્રમણ કરવા લાગ્યા જેથી લાકડા, ઈંટ અને ચૂનાના કોલથી પોતાના ઘર બાંધી શકે. આદિકાળનાં લીલાં વૃક્ષોના આશીર્વાદને નજરઅંદાજ કરી મનુષ્યોએ પોતાની ઉપર વિસ્તરતો જતો શાપ નોતર્યો.

આજે ઉત્તર ભારતના હિસ્સા ઉજ્જડ બની રહ્યાં છે અને ઉનાળાના મહિનાઓમાં આત્યંતિક ગરમીથી બેહાલ થાય છે. પરંતુ પ્રાચીન પાઠથી પરિચિત વ્યક્તિને ખ્યાલ હોય જ કે આ વિસ્તારો એક વખતે જંગલોથી આચ્છાદિત હતા જ્યાં સન્યાસીઓ ઊંચાં વૃક્ષોની શીતળ છાયામાં સાદા પરંતુ સુંદર આવાસમાં રહેતા હતા. મનુષ્યોએ પ્રકૃતિની ભેટ સાથે ગીધ જેવો વ્યવહાર કર્યો, એમના પ્રત્યે દાખવેલા ઔદાર્યથી નાખુશ થઈને એમણે જરા સરખી પરવાહ કર્યા વિના જંગલોનો વિનાશ કર્યો. વનનાબૂદીને લીધે ક્રમશ: રણનું વિસ્તરણ થઈ રહ્યું છે. જો આપણે પોતાનો વિનાશક અંત ટાળવો હશે તો આપણને જંગલોનું વરદાન આપનારા દિવ્યાત્માનું સ્મરણ કરી પ્રાર્થના કરવી પડશે કે જે ચેતનાએ આપણને ટકાવી રાખેલા તે જ ચેતના આપણી ભૂમિનું રક્ષણ કરે, આરામ માટે છાંયડો અને પોષણ માટે ફળ પૂરાં પાડે. 

આ સમસ્યા ખાસ આપણા માટે કે માત્ર આજ પૂરતી જ નથી ઊભી થઈ. મનુષ્યના અમાપ લોભથી જંગલની સંપત્તિને બચાવવાનો મોટો પડકાર સર્વત્ર છે. યુનાઈટૅડ સ્ટેટ્સમાં પણ ઈમારતી લાકડાના ઉદ્યોગે જંગલોને નષ્ટ કર્યા છે જેના પરિણામે વાવાઝોડા ફળદ્રૂપ ખેતરોનો નાશ કરી રેતથી ઢાંકી દે છે. બ્રહ્માંડના સર્જકે જીવનના સંદેશાવાહકને મોકલીને એના પોષણ માટેની વ્યવસ્થા ગોઠવી હતી જેમાં મનુષ્ય જાતે લોભમાંથી જન્મેલા મૃત્યુનું ઘટક ઉમેર્યું.

જીવનને પોષવાના દિવ્ય હેતુનું અધિક્રમણ કરવાના પરિણામરૂપે મનુષ્યો પર આટલા બધા શાપ ઉતરી આવ્યા છે. નિર્દય અસંયમ અને જંગલોનો અનુવર્તી વિનાશ ઊંડા, સ્વયં-લાદિત ઘામાં પરિણમ્યા છે. જે વૃક્ષો પાંદડાનું છત્ર પૂરું પાડીને હવાને સ્વચ્છ બનાવતાં હતાં, જેના સૂકા પાન ધરતીને ઉપજાઉ બનાવતાં હતાં, એ વૃક્ષોને ઉખાડી નાખવામાં આવ્યાં છે. ભલી ધરતીને જે કાંઈ જીવનરૂપે અર્પણ કરવામાં આવેલું એને મનુષ્યોએ પોતાનું જ હિત વિસરી જઈને એ બધી ચીજોનો નાશ વાળી દીધો છે. 

હવે પસ્તાવાનો સમય છે. આપણાં સંસાધનો સિમિત હોવા છતાં એમનો ઉપયોગ કરીને આપણે એક વેદીનું નિર્માણ કરી અને જીવનના દિવ્ય વનાત્માને ફરી પાછા આપણી મધ્યે આવકારીએ. આજની આપણી અલ્પ શરૂઆતના બે હિસ્સા છે. પ્રથમ, ખેતર ખેડવા, અનાજની આપણી જરૂરિયાત પૂરી કરવા ખેતરોને ખેડવા એ પોતાના પ્રત્યે આપણી અનિવાર્ય ફરજ છે. પરંતુ બદલામાં આપણે કશુંક પરત આપવું પડશે જેથી ધરતીને પહોંચાડેલા નુકશાનને ભરપાઈ કરી શકીએ, એના ઘાનું વળતર ચુકવી શકીએ. આ હેતુથી આપણે આ વૃક્ષારોપણનો ઉત્સવ યોજ્યો છે. આપણે હૃદયથી આશા કરીએ છીએ કે જે બીજ અને રોપા આપણે આજે વાવીએ છે તે લીલાછમ ખેતરો અને સુંદર ઘટાદાર વૃક્ષો બનશે, જે વિશ્વના આપણા આ નાનકડા ખૂણાને ફળથી લદાયેલાં જંગલ અને લીલોતરીભર્યા ખેતરથી શાંત અને સોહામણો બનાવશે.

સંદર્ભો: 

https://scroll.in/article/1095382/mankind-destroyed-whatever-was-gifted-as-life-tagore’s-lament-for-the-environment-87years-ago

news.un.org

india.un.org

* લેખનું શિર્ષક ઉત્પલ ચટોપાધ્યાયના લેખનું જ રાખેલું છે.

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...5678...203040...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved