આ થંભી ગયેલો નિર્જન સમય
જેમાં પક્ષીઓ અને ચકલા સુધ્ધાં ચૂપ છે,
જેમાં રોજીંદા અવાજ નહીં, માત્ર પડઘા છે,
જેમાં પ્રાર્થના, પોકાર અને વિલાપ બધું મૌનમાં ગરકાવ છે,
જેમાં સાથ-સથવારો ક્યાંક ધરબાયેલો છે,
જેમાં દરેક બાબત પર મૌન પ્રસરી ગયેલું છે સમયની માફક,
આવા સમયને આપણે કઈ રીતે લખી શકીશું?
ખબર નથી આ આપણો સમય છે
આપણે બીજા સમયમાં બળજબરીપૂર્વક અહીં આવી ગયા છીએ
એટલો સપાટ છે આ સમય
જેમાં કોઈ કરચલી, પડ કે તિરાડ દેખાતાં નથી
અને એનાથી નાસવાની કોઈ પગદંડી સુધ્ધાં સૂઝતી નથી.
આપણે આપણા સમયને નહીં લખી શકીએ.
આ સમય ધીરો ચાલી રહ્યો છે
લાગે છે કે બધી ઘડિયાળોએ વિલંબિત થવાનું નક્કી કરી લીધું છે;
કમોસમી હવા ઠંડી છે;
આમ વસંત છે અને ફૂલો મબલક ખિલેલાં છે
જાણે આપણાં ખરાબ સમય પર હસી રહ્યાં હોય
અને ખિસકોલીઓ ઝડપથી દોડીને મશ્કરી કરતી
થાંભલાઓ પર ચઢી રહી છે;
અચાનક કબૂતર જાણે ઓછા માલમ થાય છે
દહાડિયા મજૂરોની માફક પોતાના ઘર-ગામ પરત ફરવાની
દુ:ખદ યાત્રા પર જાણે નીકળી પડ્યા હોય:
આપણને એટલો દિલાસો ચોક્કસ છે કે
આપણે સમયમાં ભલે ના હોઈએ,
આપણા ઘરમાં છીએ.
કચરાના રહી ગયેલા ભાગની માફક
આશા કોઈક ખૂણામાં દબાયેલી પડી છે
જેને આજે નહીં તો કાલે સાવરણીથી વાળીને
ફેંકી દેવામાં આવશે.
આપણે આપણો સમય લખી શકીશું નહીં.
e.mail : rupaleeburke@yahoo.co.in