એક સાધુ, એક મહેલ પાસે જઈ પૂછે છે, ‘આ ધર્મશાળામાં એક રાત માટે ઓરડો મળશે?’ ચોકીદાર ખિજાયો, ‘રાજાના મહેલને ધર્મશાળા કહેતાં શરમાતો નથી?’ સાધુ બોલ્યો, ‘ભાઈ, થોડા દાયકા પહેલા અહીં કોઈક રહેતું હતું. થોડાં વરસ પહેલા બીજું કોઈ રહેતું હતું. આજે વળી કોઈ બીજું જ રહે છે. રહેનારા બદલાયા કરતા હોય એવી જગ્યાને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?’ મનગમતું ઘર બનાવવાની લ્હાયમાં પહેલા માણસ જીવવાનું ભૂલી જાય છે અને પછી જેને કાયમી સરનામું માન્યું હોય તે જગ્યાને ધર્મશાળાની જેમ ખાલી કરી જાય છે.
આપણાં અર્થશાસ્ત્રી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન્ મુત્સદી અને બુદ્ધિમાન જ નહીં, સંવેદનશીલ અને સર્જનાત્મક પણ છે. તેમના એક સુંદર લેખનો અંશ અહીં મૂકવાનું મન થાય છે. તેઓ લખે છે, તિરુચિરપલ્લીના અમારા સંયુક્ત પરિવારમાં 5 વર્ષથી 95 વર્ષની ઉંમરના 14 સભ્યો હતા. ત્રણ પેઢી સાથે રહેતી અને જે હતું તે વહેંચીને આનંદ કરતી.
આજે વડવાઓનું એ ઘર ખાલી છે. મારી માએ જતનપૂર્વક ઉછેરેલો બગીચો ખેદાનમેદાન છે. જાંબુ, સરગવો, લીમડો અને પીપળો લીલીછમ સુંદરતા ગુમાવી બેઠાં છે. તાજગીભર્યા રંગોથી ઓપતાં સુગંધી ફૂલો ખીલતાં નથી. કૂદાકૂદ કરતી ખિસકોલીઓ દેખાતી નથી. મારી માના હાથમાંથી દાણા ચણવા આવતું મોર-કુટુંબ ગાયબ છે. બુલબુલ, ચકલી, કોયલ ક્યાંક ચાલ્યાં ગયાં છે. મહિનામાં એકાદ વાર આવીને ધમાલ કરતું વાંદરાનું ટોળું પણ હવે આવતું નથી.
એક વાર લોકો ચાલ્યા જાય, પછી ઘર મકાન બની જાય છે.
વર્ષો સુધી હું એને વેચવાનું વિચારી શકતી નહોતી. હવે ત્યાં જવાની હિંમત કરી શકતી નથી. એમાં રહેનારા ચૌદમાંથી દસને સમયે છીનવી લીધા છે. પડોશીઓમાંના મોટાં ભાગનાની પણ આ જ સ્થિતિ છે. એક વારનાં જીવંત, ધબકતાં ઘર હવે સૂમસામ મકાન બની ગયાં છે. બાળકો મોટાં થઈ ઘર છોડી ગયાં છે, માતાપિતા હયાત નથી કે પછી ઘરની જેમ ખખડધજ થઈ ગયાં છે. સુકાતાં ઝાડની ડાળીઓ પર કાગડા બોલ્યા કરે છે.
જે ઘર બનાવવામાં આપણે જિંદગી ખર્ચી નાખીએ છીએ, મોટેભાગે એની આપણાં સંતાનોને જરૂર હોતી નથી. ઘણીવાર તો એ ઝઘડાનું કારણ બને છે.
માણસનો આ કેવો સ્વભાવ છે – લીઝ પર અનિશ્ચિત સમય માટે મળેલી અને કોઈ કોર્ટમાં કશી અપીલ ન થઈ શકે એવી જિંદગીને એક કાયમી સરનામે વસાવી દેવાનો આ કેવો મોહ છે! વર્ષો સુધી ઘસાતા રહીને આપણે ઘર બાંધીએ છીએ જે અંતે વેચાઈ જાય છે, લડાઈનું કારણ બને છે કે પછી ઉપેક્ષિત થઈ ખંડેરની જેમ ઊભાં રહી જાય છે.
જ્યારે કોઈ ફોર્મમાં કાયમી સરનામું લખવાનું આવે, મને હસવું આવે છે.
એક ઝેન વાર્તા છે – એક સાધુ, એક મહેલ પાસે જઈ ચોકીદારને પૂછે છે, ‘આ ધર્મશાળામાં એક રાત રહેવા માગું છું. ઓરડો મળશે?’ ચોકીદાર ખિજાયો, ‘રાજાના મહેલને ધર્મશાળા કહેતાં શરમાતો નથી?’ સાધુ બોલ્યો, ‘ભાઈ, હું થોડાં દાયકા પહેલા આવ્યો ત્યારે અહીં બીજું કોઈ રહેતું હતું. થોડાં વરસ પહેલા આવ્યો ત્યારે એના બદલે બીજું કોઈ રહેતું હતું. આજે એ બેમાંથી કોઈ અહીં નથી અને કોઈ બીજું જ રહે છે. રહેનારા બદલાયા કરતા હોય એવી જગ્યાને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?’ મનગમતું ઘર બનાવવાની લ્હાયમાં પહેલા માણસ જીવવાનું ભૂલી જાય છે અને પછી જેને કાયમી સરનામું માન્યું હોય તે જગ્યાને ધર્મશાળાની જેમ ખાલી કરી જાય છે.
માણસની મૂર્ખતાઓ ખરેખર કોઈ અંત નથી …
લેખ વાંચતાં અને આ લખતાં અનેક મોટાં જાજરમાન ઘર આંખ સામે આવે છે. એક વાર એ વિસ્તારની શાન ગણાતાં એ ઘરો આજે ખાલી, સારસંભાળ વિનાનાં, જૂનાં, ઝાંખાં, એકલાં અને નવાં બાંધકામો વચ્ચે નડતાં હોય એવાં ઊભાં છે.
માનવસ્વભાવની વાત થાય ત્યારે વર્જિનિયા વુલ્ફની નવલકથા ‘ટુ ધ લાઈટહાઉસ’ યાદ આવ્યા વિના ન રહે. યોગાનુયોગ એ છે કે એમાં પણ એક જર્જરિત થતા જતા સમરહાઉસની વાત છે. બીજો યોગાનુયોગ એ છે કે આ નવલકથા 1927ની પાંચમી મેએ પ્રગટ થઈ હતી. એ વાતને આજે 97 વર્ષ થયાં, લગભગ એક સદી જેટલો સમય. પણ શૈલી, વિષયવસ્તુ અને ટેકનિકની રીતે આજે પણ એ આધુનિક લાગે એવી છે.
એક સુંદર સમર-હાઉસમાં એક અંગ્રેજ કુટુંબ અને કેટલાક મિત્રો ઉનાળો ગાળવા આવ્યા છે. રામસે કુટુંબની મુખ્ય સ્ત્રી રોઝમેરી હેરિસ સુંદર, ઉદાર, પ્રેમાળ અને શિસ્તબદ્ધ છે. પતિ માઇકલ ગૉગને સંતાનો પર ધ્યાન આપવાની ટેવ નથી એટલે રોઝમેરી પોતાનાં આઠ બાળકોને ખૂબ સમય આપે છે, અને સાથે પતિ, મિત્રો અને એનું ચિત્ર બનાવતી એક ઊગતી ચિત્રકાર આ સૌને સાચવે છે. એનો પતિ ઉદ્ધત, ક્રોધી, અધીરો અને સ્વકેન્દ્રી છે. એ બુદ્ધિમાન છે, ફિલોસોફર છે, પણ એને ધારી સફળતા ન મળે ત્યારે એનો દોષ પત્ની-સંતાનો પર ઢોળે છે. આ વખતે છ વર્ષનો દીકરો જેમ્સ એની કડવાશનો શિકાર બન્યો છે. જેમ્સને બોટમાં બેસીને દૂર દેખાતું લાઈટહાઉસ-દીવાદાંડી જોવા જવું છે. વેકેશનની બીજી અનેક આનંદદાયક પ્રવૃત્તિઓ ચાલ્યાં કરે છે, પણ એ ધરાર બહાના કાઢી કાઢીને તેને લાઈટહાઉસ જોવા નથી જ લઈ જતો.
કુટુંબનાં મોટાં સંતાનો આ એકના એક સમર-હાઉસથી કંટાળ્યા છે અને બીજે ક્યાંક વેકેશન ગાળવા મળે એવાં સ્વપ્ન જુએ છે જ્યારે નાનાં સંતાનો, ખાસ કરીને જેમ્સ અને એનાથી એક વર્ષ મોટી કેમિલા પિતાને ધિક્કારવા લાગ્યાં છે. એ ઉનાળાનો અંત આવે ત્યાં સુધીમાં પરિવારના સભ્યો વચ્ચેના સ્નેહનો પણ જાણે અંત નજીક દેખાવા લાગ્યો છે.
થોડાં જ વખતમાં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. રોઝમેરી અને બે સંતાનો એક પછી એક મૃત્યુ પામે છે. સમરહાઉસમાં વેકેશન ગાળવા જવાતું નથી. આમ જ દસ વર્ષ પસાર થઈ જાય છે. સોળ વર્ષના જેમ્સ અને સત્તર વર્ષની કેમિલાને લઈ પિતા ફરી એ જ સમરહાઉસમાં જાય છે, જે હવે જૂનું થઈ ગયું છે. આ વખતે તે સામેથી, થોડા અપરાધભાવ સાથે લાઇટ હાઉસની ટ્રીપ ગોઠવે છે. સંતાનો પિતાની આ લાગણીને અને એના જટિલ વ્યક્તિત્વને સમજ્યાં છે. ભૂતકાળની કડવાશ દેખાતા સ્નેહના પ્રકાશ સાથે નવલકથા પૂરી થાય છે. આ બાજુ ચિત્રકાર યુવતી રોઝમેરીનું ચિત્ર અંતે પૂરું કર્યું છે. બ્રશ નીચે મૂકતાં એ કહે છે, ‘આઈ હેવ હેડ માય વિઝન.’
આ નવલકથામાં વર્જિનિયા વુલ્ફ(1882-1941)ના જીવનનું સારું એવું પ્રતિબિંબ છે. વર્જિનિયા તેની મા જુલિયા સ્ટીવન્સથી ખૂબ પ્રભાવિત હતી. પિતાને ડિપ્રેશન હતું. વર્જિનિયા 13 વર્ષની હતી ને જુલિયા મૃત્યું પામી એ દિવસ પણ 5 મે હતો. તેમનું કુટુંબ પણ એક સમરહાઉસમાં વેકેશન ગાળવા જતું. વર્જિનિયાનું પ્રસિદ્ધ ‘અ રૂમ્સ ઑફ વન્સ ઑન’ અને ‘વિમેન એન્ડ ફિક્શન’ આ નવલકથા પછી બે વર્ષે બનેલી ઘટનાઓ.
બીજા વિશ્વયુદ્ધ વખતે વર્જિનિયા હતાશામાં સરી ગઈ હતી. સતત મૃત્યુ વિષે વિચાર્યા કરતી. 1941ના માર્ચ મહિનામાં 59 વર્ષની વર્જિનિયાએ ઓવરકોટના ખિસ્સામાં મોટા પથ્થરો ભરીને નદીમાં ડૂબકી મારી દીધી. શબ મળતાં વીસ દિવસ થયા. મરતાં પહેલા તેણે પતિ પરના પત્રમાં લખ્યું હતું, ‘હું માનસિક સંતુલન ખોઈ બેસવાની તૈયારીમાં છું. મને અવાજો સંભળાય છે. એકાગ્ર થઈ શકાતું નથી. તેં મને ઘણું સુખ આપ્યું છે, પણ હવે હું નહીં બચું.’ એક વાર તેણે લખેલું, ‘ઈશ્વર નથી. આશા રાખી શકાય, દોષ ઢોળી શકાય એવું કોઈ નથી. સારું-ખરાબ જે થાય છે તેની જવાબદારી મારી જ છે.’ ‘ટુ ધ લાઈટહાઉસ’ પરથી એક ટી.વી. ફિલ્મ બની હતી. આત્મહત્યાને ‘ગ્લોરિફાઈ’ કરવા માટે એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો.
ઘણું જુદું હોવા છતાં એક સદીના અંતરે પૃથ્વીના જુદા જુદા ગોળાર્ધો પર વસેલી એક ભારતીય રાજકારણી અને એક વિદેશી લેખિકાના સંવેદનો – અને આપણા અનુભવજગત વચ્ચે પણ – કેવું અજબ, અવ્યક્ત સામ્ય છે!!
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 મે 2024