Opinion Magazine
Number of visits:
10190683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર

માનસી જયસ્વાલ|Opinion - Literature|1 July 2026

કાવ્યસંગ્રહનું મુખપૃષ્ઠ ચિત્ર ગુલામમોહમ્મદ શેખ

‘સાચી કવિતા એ મૌનની ધાર પર શબ્દની અવતારણા છે …’૧ એમ કહીને જર્મન ફિલોસોફર માર્ટિન હાઇડેગરે કવિતાના અસ્તિત્વને વ્યાખ્યાયિત કર્યું હતું. આ વિચારને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં જીવંત કરતો એક યુવા અવાજ એટલે બ્રિજેશ પંચાલ, જે ‘મધુર’ અને ‘મધુરલલિત’ જેવા ઉપનામે સાહિત્ય સર્જન કરે છે. યુગ કવિ ઉમાશંકર જોશી કવિતાને જીવનની ઊંડાણભરી સમજણ આપતું સર્જનાત્મક માધ્યમ માનતા હતા.૨ આ વિચાર ઊંડાણથી સમજવા યુવા કવિ, નાટ્યકાર, ફિલ્મ લેખક અને અનુવાદક બ્રિજેશ પંચાલનો ૨૦૨૫માં પ્રકાશિત થયેલ કાવ્યસંગ્રહ “મૌનથી શબ્દમાં કાણું પડશે”૩ તપાસીએ. આ કાવ્યસંગ્રહમાં કવિએ આશરે ૩૨ ગીત, ૨૪ ગઝલ અને ૪૬ અછાંદસ જેવા કવિતા પ્રકારને રજૂ કર્યા છે. આ કાવ્યસંગ્રહમાં યુવા સર્જક જીવનને માત્ર વર્ણવતા નથી, પરંતુ તેને અનુભૂતિના સ્તરે ફરીથી ગાઢ બનાવે છે. મૌન અને શબ્દ વચ્ચેનો તણાવ, જે સામાન્ય રીતે અભિવ્યક્તિના વિરોધી ધ્રુવો તરીકે જોવામાં આવે છે, એ અહીં સર્જનાત્મક સહઅસ્તિત્વમાં રૂપાંતરિત થાય છે. કવિ મૌનને ગૂંગળામણ નહીં, પરંતુ સંભાવનાનો ગર્ભ માને છે, જેથી શબ્દ જન્મે છે. બ્રિજેશ પંચાલનું આ સર્જન માત્ર કવિતાઓનો સમૂહ નથી, પરંતુ માનવ જીવનના મૌન, સંવાદ, સંઘર્ષ અને સંવેદનાના જટિલ પરિમાણોને સ્પર્શતો એક ગહન સાહિત્યિક પ્રયોગ છે. 

પહેલા વાત કરીએ આ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠની. જે જાણીતા ચિત્રકાર અને કવિ-લેખક ગુલામમોહમ્મદ શેખ સાહેબ દ્વારા રચાયેલ છે. અહીં કાવ્યસંગ્રહમાં કવિએ પોતે હાથે ઘૂંટીને “મૌનથી શબ્દમાં કાણું પડશે” (પૃ. ૧૫) મૂક્યું છે. જે એક રીતે ચિત્રમાં શબ્દપ્રયોગ છે. 

‘કવિતા, તને લખ્યાનો મને રંજ છે!’ જેવી કવિતા લખીને સાહિત્ય સર્જન માટે પોતાનો અનોખો સૂર પૂરાવનાર યુવા સર્જક વિશે ઑનલાઈન ‘રેખ્તા ગુજરાતી’૪ જણાવે છે કે બ્રિજેશ પંચાલનો જન્મ ૨ મે, ૧૯૯૫ના રોજ પિતા યોગેશભાઈ અને માતા ગીતાબહેનના ત્યાં વડોદરામાં થયો. તેમણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી સાથે ગુજરાતી ભાષા અને ગાંધીાઅન ફિલસૂફીમાં પણ અભ્યાસ કર્યો છે. તેઓ સાહિત્ય (ગદ્ય-પદ્ય), નાટક અને ફિલ્મ માટે લેખન કરે છે તથા તેમના એકાધિક પુસ્તકો પ્રકાશિત થયાં છે. હાલમાં તેઓ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના અધ્યાપન સાથે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ક્ષેત્રે, ખાસ કરીને ભારતીય ભાષાઓ માટે સંશોધન કરી રહ્યા છે. તેમણે પીએચ.ડી. સંશોધનમાં ગુજરાતી ભાષાનું ડીપ લર્નિંગ આધારિત સ્પેલ ચેકર વિકસાવ્યું છે. કવિસંમેલન, સાહિત્ય, ફિલ્મ અને નાટ્યક્ષેત્રે તેમની સક્રિય હાજરી રહી છે. જે માટે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, જેમાં મુખત્વે નેશનલ બુક ટ્રસ્ટ, મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન, ભારત સરકાર તરફથી મળેલ PM Yuva 2.0 ફેલોશિપનો સમાવેશ થાય છે.

કવિએ કાવ્યસંગ્રહના શીર્ષકમાં પ્રયોજેલ “કાણું” શબ્દ અત્યંત મહત્ત્વનો છે. સામાન્ય રીતે કાણું એટલે ખામી, પરંતુ અહીં તે જ સર્જનનો પ્રારંભબિંદુ છે. જેમ રશિયન વિવેચક રોમન જેકોબ્સન કહે છે કે “Poetry Is Organized Violence Committed on Ordinary Speech … (કવિતા સામાન્ય વાણી પર કરવામાં આવતી સંગઠિત હિંસા છે …)”૫  તે જ રીતે આ કવિ  સામાન્ય ભાષામાં ‘કાણું’ પાડી તેને કાવ્યમાં ફેરવે છે. કવિ પોતાના નિવેદનમાં “સાહિત્ય સર્જન એક રીતે પોતાની પાસે રહેલ શબ્દમાં પોતાની તાકાત મુજબ કાણું પાડવાની ઘટના છે”૩ કહીને આ વિચારને સ્પષ્ટપણે સાકાર કરે છે.

આ કાવ્યસંગ્રહની સૌથી મોટી વિશેષતા તેની વિષયવૈવિધ્યતા અને પ્રયોગશીલતા છે. રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે ‘બ્રિજેશનું સર્જન વિચાર પ્રયોજનની દૃષ્ટિએ નોખું છે.’૩ યજ્ઞેશ દવે પણ આ બાબતને સ્પષ્ટ કરે છે કે ‘અહીં યુવાનનો ઉદ્વેગ, અજંપો અને વિદ્રોહ છે તો હતાશા, દૈહિક કામના અને સામાજિક પ્રતિબદ્ધતા પણ છે’૩. જ્યારે કવિ હિતેન આનંદપરા લખે છે ‘બ્રિજેશ પંચાલ અને નાટ્યલેખક બ્રિજેશ પંચાલને અલગ પાડવા દુષ્કર છે. કવિ બારીક સંવેદનોને નિરૂપવાનો પ્રયત્ન કરે છે.’૩ આ કાવ્યસંગ્રહમાં જીવનના વિવિધ રંગો પ્રેમ, પીડા, વિમર્શ, વિદ્રોહ અને આધ્યાત્મિકતા એકસાથે જોવા મળે છે. અહીં ‘વર્જિનિટી’, ‘સ્ખલન’, ‘કિન્નરનું ગીત’, ‘નિરોધનું ગીત’, ‘લી… મોના લિસા’, ‘સોક્રેટિસ માટે પ્રાયશ્ચિત ગીત’, ‘અલ્ઝાઇમર્સનું ગીત’ જેવા વિષયો માત્ર ચોંકાવવા માટે નથી, પરંતુ સમાજના ઉપેક્ષિત અને અવગણાયેલા સત્યને અવાજ આપવા માટે છે. આ દૃષ્ટિએ કવિનો અભિગમ પ્રગતિશીલ છે અને સત્વર  છે.

વિશ્વ સાહિત્યના વિવેચક મેથ્યુ આર્નોલ્ડે કવિતાને ‘Criticism of Life’૬ ગણાવી છે. આ કૃતિની કવિતાઓ આ વ્યાખ્યાને જીવંત કરે છે. ઉદાહરણ તરીકે ‘ગાંધીટોપી’ કવિતામાં કવિ જે રીતે મૂલ્યોના બજારીકરણ પર કટાક્ષ કરે છે, “જે વસ્તુ બજારમાં ન ચાલે, એને તમારા નામ સાથે જોડું છું. / જેમ કે …

ગાંધીની ટોપી!

ગાંધીનાં ચશ્માં!

ગાંધીની લાકડી!

ગાંધીનું ઘડિયાળ!

ગાંધીની ખાદી!

અને … ગાંધીનું સત્ય!” (પૃ. ૨૮)

આ માત્ર વ્યંગ્ય નથી, પરંતુ આધુનિક સમાજ પર કરાયેલું તીવ્ર વિવેચન છે. અહીં કવિતા એક નૈતિક દર્પણ બનીને ઊભી રહે છે. સમગ્ર કાવ્યસંગ્રહમાં કવિની કવિતામાં માનવીય સંવેદનાનો ઊંડો પ્રવાહ પણ સતત વહે છે. ‘પેટ નથી ભરાતું!’ જેવી કવિતા આપણને યાદ અપાવે છે કે જીવનમાં ભૌતિકતા પૂરતી નથી. 

“તમે પેટ ભરાઈ ગયું, કોને કહો છો?

ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને? કે પછી …

બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને

તમારા ગળેથી કોળિયો નીચે ન ઊતરે –  એને?” (પૃ. ૨૯)  

આ વિચારને ગુજરાતી સાહિત્યના મહાન કવિ ઝવેરચંદ મેઘાણીના માનવતાવાદી દૃષ્ટિકોણ સાથે જોડીને જોઈ શકાય. કવિ અહીં સૂચવે છે કે સાચી ભૂખ શરીરની નહીં, પરંતુ સંવેદનાની છે. અહી કવિતામાં નાટ્યાત્મકતા એક વિશેષ તત્ત્વ તરીકે જોવા મળે છે, જે કદાચ તેમના નાટ્યલેખનના અનુભવનું પરિણામ છે. ‘નાટકનું એક પાત્ર’ જેવી કવિતામાં મૃત્યુને પાત્ર તરીકે રજૂ કરવું, એ માત્ર કલ્પનાનો ખેલ નથી, પરંતુ અસ્તિત્વવાદી પ્રશ્નોને સ્પર્શવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિએ તેમની કવિતા સાહિત્ય અને રંગમંચ વચ્ચેનો સેતુ બની જાય છે.

આ કાવ્યસંગ્રહમાં ગહનતા અને વિવેચન સાથે હળવી, રમૂજી અને વિટસભર કવિતાઓ પણ વિશેષ આકર્ષણ ઊભું કરે છે. આ કવિતાઓ માત્ર હાસ્ય માટે નથી, પરંતુ તે હાસ્યના આવરણમાં જીવનના સત્યને સરળ રીતે રજૂ કરે છે. ગુજરાતી સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે કહે છે કે ‘હાસ્ય એ વિચારને સહેલાઈથી પહોંચાડવાનું સૌથી અસરકારક સાધન છે.’ આ દૃષ્ટિએ જોવામાં આવે તો બ્રિજેશ પંચાલની હળવી કવિતાઓ વાચકને હસાવતાં-હસાવતાં વિચારવા પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે ‘છેલ્લો પિરિયડ…’ કવિતા અત્યંત રસપ્રદ અને પ્રતીકાત્મક છે. અહીં કવિ શાળાના હાજરી પત્રક દ્વારા માનવીય ભાવનાઓને જીવંત બનાવે છે :

“આ રોલ નંબર દસ – “જિંદગી”

કેમ આજે ય નથી આવી?

કોઈને ખબર છે?

“જિંદગી કેમ રહે છે ગેરહાજર ઘણા દિવસથી?”

તો એકદમ રોલ નંબર અગિયાર … “અનુભવ” ઊભો થઈને બોલ્યો :

“સર, જિંદગી જ્યારથી એની દોસ્ત હકીકતને મળી છે,  ત્યારથી એ બીમાર પડી છે!

છતાં એણે મને ખાતરી આપી છે કે –

એ મારી મદદ લઈને, જલદી સાજી થઈને,

આપના સુખના દરેક પિરિયડ રેગ્યુલર ભરશે!” (પૃ. ૨0)

આ પંક્તિઓમાં રહેલું હળવું હાસ્ય વાચકને તરત જ આકર્ષે છે, પરંતુ અંતે “જિંદગી”ની ગેરહાજરી એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હાસ્ય અહીં માત્ર મનોરંજન નથી, પરંતુ જીવનની અસંગતતાનું પ્રતિબિંબ છે. કવિની “અણુબૉમ્બ અને કવિતા” તેની સર્જનપ્રક્રિયાનો તત્ત્વ જ્ઞાન રજૂ કરે છે :

“સાચી કવિતા લખવી

અણુબૉમ્બ બનાવવા જેવી જ

 એક ઘટના છે.”         (પૃ. ૨૧)

આ પંક્તિઓમાં કવિ કવિતાની શક્તિને વ્યાખ્યાયિત કરે છે. જ્યાં અણુબૉમ્બ વિનાશ કરે છે, ત્યાં કવિતા માણસને “બનાવે” છે. આ વિરુદ્ધતા કવિતાની સકારાત્મક શક્તિને ઉજાગર કરે છે. અહીં કવિની દૃષ્ટિ સ્પષ્ટપણે માનવતાવાદી છે.

ટી.એસ. એલિયટનો એક મહત્ત્વનો વિચાર છે કે “Genuine Poetry Can Communicate before It Is Understood. (સાચી કવિતા સમજાય તે પહેલાં જ વાતચીત કરી શકે છે.)”૭ અહીં ઘણી કવિતાઓ આ વાતને સાબિત કરે છે. “ઍનેસ્થેસિયા” (પૃ. ૧૮) અથવા “મારી ભીતર…” (પૃ. ૧૯)જેવી કવિતાઓમાં ભાષા કરતાં અનુભવ વધુ પ્રબળ બને છે. વાચક પહેલા તેને અનુભવે છે અને પછી સમજવાનો પ્રયત્ન કરશે. આ સંગ્રહમાં આશા અને સકારાત્મકતા પણ એક મહત્વપૂર્ણ ધારા તરીકે વહે છે. “પ્રકાશ” કવિતામાં કવિ લખે છે, ‘અમે પ્રકાશ માટે લડીશું’ (પૃ. ૨૨) જે માત્ર કાવ્યપંક્તિ નથી, પરંતુ એક માનસિક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અંધકાર વચ્ચે પ્રકાશની શોધ, આજના સમયમાં અત્યંત પ્રાસંગિક છે. આ સંદર્ભમાં ટીએસ એલિયટનું બીજું એક પ્રખ્યાત નિવેદન યાદ આવે છે: “Poetry is not a turning loose of emotion, but an escape from emotion. (કવિતા એટલે લાગણીઓથી મુક્ત થવાનું નથી, પણ લાગણીઓથી છટકી જવાનું છે.)”૮ કવિ બ્રિજેશ પંચાલની કવિતામાં ભાવનાઓનો વિસ્ફોટ છે, પરંતુ તે અનિયંત્રિત નથી; તે એક ચેતનાત્મક રચનાત્મક પ્રક્રિયાનો ભાગ છે. તેથી તેમની કવિતા વ્યક્તિગત અનુભવોમાંથી ઉપજી હોવા છતાં સામૂહિક અનુભૂતિમાં રૂપાંતરિત થાય છે. “કવિતા એટલે …” કવિતામાં કવિ કવિતાની વ્યાખ્યા આપતા કહે છે : 

“કવિતા એટલે … તું

કવિતા એટલે … હું

 ના … ના … આપણે બંને એટલે કવિતા” (પૃ. ૨૫)

આ પંક્તિઓમાં કવિતાને એક સંબંધ તરીકે રજૂ કરવામાં આવી છે. અહીં કવિતા કોઈ એકલદોકલ સર્જન નથી, પરંતુ સંવાદનું માધ્યમ છે. આ વિચાર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય દૃષ્ટિકોણ સાથે ગુંજાયમાન થાય છે, જ્યાં કવિતા માનવ અને વિશ્વ વચ્ચેના સંબંધનું માધ્યમ બને છે. આ કાવ્યસંગ્રહની એક વિશેષતા એ પણ છે કે તેમાં આધુનિક જીવનના વિવિધ પરિમાણો ટેકનોલોજી, શહેરજીવન, અને માનસિક સંઘર્ષને પણ સ્થાન મળ્યું છે. “??? – ઇમોજીસ” (પૃ. ૯૭) દ્વારા લખાયેલી કવિતા કવિની નવીનતાને દર્શાવે છે. આ પ્રયોગ બતાવે છે કે કવિ પરંપરા અને આધુનિકતાના સંગમ પર ઊભો છે.

આ સંગ્રહમાં ગીત અને ગઝલનો વારસો પણ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ચાલો માણીએ થોડી પંક્તિઓ, 

હું તો રટ્યા કરીશ ખાલી તારું નામ,

કાનજી ભૂલીને સઘળું સંસારનું કામ.

ભક્તિ અઢળક, એનો ક્યા અંત રે …” (પૃ. ૧૧૨)

અહીં કાનની અંધતાની વ્યથા અને ભક્તિની ગહનતા લોકગીતની છટામાં વણાઈ ગઈ છે. ‘ગોપીઓની ઇચ્છા’ ગીતમાં કવિ ગોપીઓની મનોદશાને આધુનિક સંવેદનાથી નિરૂપે છે : 

“મારી અંદર ઊગેલી એક તાજી ગોપીને તમે સમજો, જો શ્યામ,

તો સમજાશે, ગોપીઓની ઇચ્છા છે,

રાધાની જેમ તારી આગળ જોડાય, એનુંયે નામ!” (પૃ. ૧૧૫)

આ પંક્તિઓ પ્રેમમાં સમાનતાની ઇચ્છાને નવી ઊંચાઈ આપે છે. ‘આપણે બે ને છત્રી એક’ એક લોકભોગ્ય ગીત છે. આ ગીત પ્રેમની નાજુકતા, નિકટતા અને અનકહ્યા સંવાદનો મોહક આલેખ છે. ‘રંગ અડશે અંગને’ ગીત હોળીના રંગ અને પ્રેમના ઉત્સાહને સમાન કરે છે: s

“રંગ અડશે અંગને તારા ગોરી, દલડું થાશે, મારું ત્યારે ચોરી.

ખોઈને બેઠો ધબકારા મારા, જઈને બેઠા જે દિલમાં તારા.

સંગે બાંધી લે, જીવનની ડોરી.” (પૃ. ૧૨૬)

આ ગીતમાં ધબકારા ખોઈને પ્રિયતમાના દિલમાં બેસી જવાની કલ્પના રોમેન્ટિક કાવ્યશાસ્ત્રને નવી જમીન આપે છે. ‘તને નીંદર આવે તો’ હાલરડાના પરંપરાગત સ્વરમાં નવી કોમળતા ઉમેરે છે :

“તને નીંદર આવે તો એક સપનું હું આપું તને ભેટમાં …

આંખની અટારીઓને ધીરે ધીરે બસ વાસવાની હોય,

ભેટમાં જાતે જ્યારે સપનાની વહેંચણી કરવાની હોય.” (પૃ. ૧૧૫)

ગઝલની વાત કરીએ તો ‘સિતારો કીધો’ એક ઉત્તમ ગઝલ છે જ્યાં દરેક શેરમાં એક અલગ વિષયને બાંધવાની કૌવત બતાવવામાં આવી છે : ‘તપાવ્યો છે મને’ ગઝલમાં કવિએ પોતાના જીવનના અનુભવોને કેન્દ્રમાં રાખ્યા છે : 

“જિંદગીભર કેમ આ રીતે વખાણ્યો છે મને,

 તેં કદી સારો કદી નરસો ગણાવ્યો છે મને.” (પૃ. ૧૦૯)

‘છૂટી ગયો છું હું’ ગઝલમાં કવિ પોતાની આત્મસંલગ્નતાની વાત કરે છે : 

“એટલું બોલીને બસ છૂટી ગયો છું હું, 

 વાપરો ના બહુ મને, ખૂટી ગયો છું હું. (પૃ. ૮૫) 

‘ચચરતું કશું બોલી’ ગઝલમાં વિદ્રોહનો સૂર છે : 

પાડનારા ઘણા મુજને રસ્તે મળ્યા હતા પણ,

એમની યોજના પાડી નાખી, ઊભો થયો છું.” (પૃ. ૯૩)

‘દોસ્ત’ ગઝલ મિત્રતાની ગહનતાને અભિવ્યક્ત કરે છે: 

“હું તને ‘ને તું મને સમજી શકે છે, દોસ્ત!

એની આ દુનિયાને ચિંતા બહુ રહે છે, દોસ્ત!” (પૃ. ૮૬)

આમ આ સંગ્રહમાં સમાવિષ્ટ ગીતો લોકભોગ્યતા, ભક્તિ, રોમાન્સ અને હાલરડાના સ્વરે વાચકને ઝૂમવા મજબૂર કરે છે, જ્યારે ગઝલો વ્યક્તિગત અનુભવો, સામાજિક વિસંગતિઓ, વિદ્રોહ અને પ્રેમની ગૂંચોને કલાત્મક મક્તા અને મત્લા સાથે રજૂ કરે છે. આ સંગ્રહનું અછાંદસ કાવ્યત્વ ગદ્યની સરળતા અને પદ્યની ગાઢ સંવેદનાનો અદ્દભુત સમન્વય સાધે છે અને ઘણા બિંબવિધાન અછાંદસની અપાર શક્યતાઓને ઉજાગર કરે છે. આ સંગ્રહના અછાંદસ સાબિત કરે છે કે મુક્ત ગદ્ય પણ ઊંડી અસર કરી શકે છે.

કવિતાની ભાષા સરળ હોવા છતાં અર્થઘટન સભર છે. તે જટિલ વિચારને સરળ શબ્દોમાં રજૂ કરે છે, જે વાચકને સહજ રીતે સ્પર્શે છે. આ એક એવો કાવ્યસંગ્રહ છે, જે વાચકને માત્ર વાંચવા માટે નહીં, પરંતુ અનુભવવા અને વિચારવા માટે આમંત્રિત કરે છે. આ કાવ્યસંગ્રહ સાબિત કરે છે કે કવિતા આજે પણ માનવ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. જેમ કવિ પોતે કહે છે ‘કવિતા માણસને બનાવે છે.’૩ એ જ આ કાવ્યસંગ્રહનો મૂળ સંદેશ છે. અંતમાં આ કાવ્યસંગ્રહને એક જ શબ્દમાં વ્યાખ્યાયિત કરવો હોય તો તે “સંવાદ” છે, મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો, મનુષ્ય અને સમાજ વચ્ચેનો તથા સૌથી મહત્ત્વનો, મનુષ્ય અને પોતાનાં અંતરાત્મા વચ્ચેનો. આ કવિની કવિતાઓ આ સંવાદને જીવંત બનાવે છે. તેથી, “મૌનથી શબ્દમાં કાણું પડશે” આ કાવ્યસંગ્રહ આધુનિક ગુજરાતી કવિતામાં એક નોંધપાત્ર ઉમેરો કહી શકાય. જેનો પુરાવો આપે છે, -કવિની આ કાવ્યપંક્તિ – “કવિતા એટલે … કવિએ વિનમ્રતાથી બતાવેલી પોતાની તાકાત.”

સંદર્ભઃ 

૧. હાઇડેગર, એમ. (૧૯૭૧). પોએટ્રી, લેંગ્વિજ, થોટ (એ. હોફસ્ટેડટર, ટ્રાન્સ.). હાર્પર એન્ડ રો.

૨. જોશી, ઉમાશંકર. (૧૯૮૧). કવિતા શું છે? અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

૩. પંચાલ, બ્રિજેશ. “મૌનથી શબ્દમાં કાણું પડશે” (૨૦૨૫), ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ  

૪. https://rekhtagujarati.org/poets/brijesh-panchal/profile 

૫. જેકોબસન, આર. (૧૯૬૦). ક્લોઝિંગ સ્ટેટમેન્ટ: લિંગ્વિસ્ટિક્સ એન્ડ પોએટિક્સ. ઇન ટી. એ. સેબેઓક (એડ.), સ્ટાઇલ ઇન લેંગ્વિજ (પૃ. ૩૫૦–૩૭૭). કેમ્બ્રિજ, એમએ: એમઆઇટી પ્રેસ.

૬. આર્નોલ્ડ, એમ. (૨૦૦૬). ધ સ્ટડી ઓફ પોએટ્રી. ઇન એસેઝ ઇન ક્રિટિસિઝમ. (મૂળ કૃતિ ૧૮૮૦માં પ્રકાશિત).

૭. એલિયટ, ટી. એસ. (૧૯૬૪). ધ યુઝ ઓફ પોએટ્રી એન્ડ ધ યુઝ ઓફ ક્રિટિસિઝમ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ. (મૂળ વ્યાખ્યાનો ૧૯૩૩માં આપવામાં આવ્યા હતા).

૮. એલિયટ, ટી. એસ. (૧૯૭૫). ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલન્ટ. ઇન સિલેક્ટેડ પ્રોઝ ઓફ ટી. એસ. એલિયટ. હાર્કોર્ટ બ્રેસ. (મૂળ નિબંધ ૧૯૧૯માં પ્રકાશિત.)

* 

(પ્રગટ : “શબ્દસૃષ્ટિ” – મે 2026 અંક: 5, સળંગ અંક: 510. પૃષ્ઠ: 92-97)                                                              
e-mail : mansijayswal27@gmail.com

Loading

ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 June 2026

ચંદુ મહેરિયા

દૂધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે. આપણા રોજિંદા આહારમાં દૂધનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાંથી પ્રોટીન, મિનરલ્સ અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો મળે છે. પરંતુ આપણે અવારનવાર દૂધમાં ભેળસેળ થતી હોવાનું અને નકલી દૂધ વેચાતું હોવાનું વાંચીએ-સાંભળીએ છીએ. મિલાવટી મિલ્ક સંપૂર્ણ આહાર મટી આરોગ્યને નુકસાન કરે છે. આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના પાંચેક ગામોના ૧૬ લોકોના મોત ભેળસેળયુક્ત દૂધ પીવાથી થયા હોવાની ઘટના હજી થોડા મહિના પહેલાંની જ છે. દૂધમાં ભેળવેલા ઝેરી તત્ત્વની અસર આ લોકોની કિડની પર થઈ અને મોત પણ થયા. 

ઉજળા દૂધનો કાળો કારોબાર માંડી બેઠેલા લોકો દૂધમાં પાણી મેળવે તે તો હવે સાવ સામાન્ય બાબત છે. પરંતુ દૂધમાં યુરિયા, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, ડિટર્જન્ટ, બ્લીચ, સફેદ રંગ, રિફાઈન્ડ તેલ, ફોર્મેલિન અને બીજાં રસાયણો ભેળવવામાં આવે છે. નેશનલ સર્વે ઓફ મિલ્ક અડલ્ટ્રેશનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. મિલાવટ કરનારા પાણી ભેળવીને દૂધનું પ્રમાણ વધારે છે. તેનાથી દૂધ પાતળું થઈ જાય તો ડિટર્જન્ટ ભેળવીને દૂધને જાડું કરે છે અને ફીણ વળે છે. યુરિયા દૂધમાં મિક્સ કરીને પ્રોટીનયુક્ત દૂધ હોવાનું પુરવાર કરવામાં આવે છે. આ અને આવી ભેળસેળ માનવ શરીર માટે ઘાતક બને છે. તેથી દૂધ સંપૂર્ણ ખોરાક મટીને ઝેર બની જાય છે. 

સંસદના અંદાજપત્ર સત્રમાં રાજ્યસભામાં ઝીરો અવર્સમાં તે વખતના આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ દૂધમાં ભેળસેળનો મૂદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે દૂધના ૭૧ ટકા નમૂનામાં યુરિયા અને ૬૪ ટકામાં ન્યૂટ્રલાઈઝર જોવા મળ્યું છે. તેમણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા( FSSAI)ના મિલ્ક સર્વેલાન્સ રિપોર્ટનો હવાલો આપ્યો હતો. આ અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં જે ૭૯૮ દૂધના નમૂનાની તપાસ થઈ હતી તેમાંથી અડધામાં મિલાવટ જોવા મળી હતી. દર ત્રણમાંથી એક નમૂનો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હતો. ૨૦૧૫ કરતાં ૨૦૧૮માં દૂધમાં ભેળસેળ ૧૬.૪ ટકા વધી હતી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ‘ટ્રસ્ટિફાઈડ’ના રિપોર્ટમાં દેશના પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેજ્ડ દૂધમાં કોલિફોર્મ નામના હાનિકારક બેકટેરિયા નિર્ધારિત મર્યાદા કરતાં ૯૮ ગણા વધુ જણાયા હતા. ઉત્તર ભારતમાં કાચા દૂધના ૪૭ ટકા, પશ્ચિમ ભારતના ૨૩ ટકા, દક્ષિણ ભારતના ૧૮ ટકા અને પૂર્વના ૧૩ ટકા નમૂના અપ્રમાણિત હતા. આ હકીકતો દૂધમાં ભેળસેળનું પ્રમાણ કેટલું હાનિકારક અને વધારે પ્રમાણમાં છે તે દર્શાવે છે. 

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના  ધારાસભ્ય હેમંત આહીરના એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દૂધના નમૂનાઓના પરીક્ષણમાં તે નિયત ધોરણ મુજબનું કે હલકી ગુણવતાનું હોવાનું માલુમ પડેલ છે. પરંતુ કેમિકલયુક્ત જણાયું નથી. ૧૧,૬૪૮ નમૂનાઓના પરીક્ષણમાંથી ૮૬૮ નમૂના નિયત ધારાધોરણ કરતાં સબસ્ટાન્ડર્સ જણાયા હતા, જે કુલ નમૂનાના ૭.૪૫ ટકા છે. 

આંધ્ર પ્રદેશમાં મિલાવટી દૂધના કારણે ૧૬ લોકોના મોતનો હાહાકાર મચ્યો હતો ત્યારે વિધાનસભા ગૃહમાં મુખ્ય મંત્રી ચન્દ્રબાબુ નાયડુ તિરુમાલા મંદિરમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગથી લાડુ બન્યા હોવાનું જણાવી રહ્યા હતા. પૂર્વ સરકારના ૨૦૧૯ થી ૨૪ના સમયગાળા દરમિયાન ૫૯.૭૧ લાખ લીટર મિલાવટી ઘી થી ૨૦ કરોડ લાડુ બનાવવામાં આવ્ય હતા અને મોટાપાયે ખાયકી થઈ હતી. તેના ઉકેલ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે ૪૦ લોકોની ટીમ સાથેની એક લેબોરેટરી બનાવી છે..જે લાડુના સ્વાદ અને સુગંધની તપાસ કરશે. ઈ ટંગ અને ઈ નોઝ બંને સેન્સર અને કમ્યુટર્સ સિસ્ટમ આધારિત છે. જે  ઈલેકટ્રોનિક જીભ અને નાકથી ભેળસેળનું પરીક્ષણ કરશે. 

જો કે વેંકેટેશ્વર મંદિર જેવી મોંઘી નહીં તો સસ્તી અને સરળ પદ્ધતિથી ભેળસેળ પકડવા માટે ઉત્તર પ્રદેશના  મુઝફ્ફરનગરના ૨૬ વર્ષીય ધ્રુવ તોમરે દૂધની શુદ્ધતાના પરીક્ષણ માટે પેપર પ્રો તૈયાર કર્યું છે. ૪૦ રૂ.ની કિમતનું અને ખિસ્સામાં રાખી શકાય તેવા આ કાર્ડ પર દૂધના થોડાં ટીંપા નાંખીને દૂધની મિલાવટ પકડી શકાય છે. ગ્રાહકો અને નાના દુકાનદારો માટે તે ઉપયોગી બની શકે તેમ છે. 

પ્રતિદિન ૩ કરોડ લીટર દૂધનું વેચાણ કરતી ભારતની સૌથી મોટી અમૂલ ડેરીના દૂધની ગુણવતા સામે સવાલ ઉઠાવતો આશરે ૩૦ મિનિટનો એક વીડિયો ગયા વરસે રાજકોટના નિવૃત્ત હોમિયોપેથિક તબીબે બનાવ્યો હતો. તેમણે અમૂલ દૂધ પેકીંગ પછી સાત દિવસે ગ્રાહકો સુધી પહોંચતું હોવાનો અને દૂધમાં ડી.ડી.ટી. નામક જંતુનાશક સહિત અન્ય ૨૨ કેમિકલ ભેળવાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અમૂલ સાથે ગુજરાતના ૧૮,૬૦૦ ગામના ૩૬ લાખથી વધુ કિસાનો અને પશુપાલકો જોડાયેલા છે. તેના દૂધ અને દૂધની અન્ય બનાવટો ભારતભરમાં અને વિદેશોમાં પણ જાણીતી છે એટલે તેના દૂધની ગુણવત્તા સામે સવાલો ઉઠાવનાર સામે અમૂલે પોલીસ ફરિયાદ કરી હતી, તેણે આરોપોને નિરાધાર, ભ્રામક અને જુઠ્ઠા ગણાવ્યા હતા. 

દૂધના ઉત્પાદન અને વપરાશમાં સમગ્ર દુનિયામાં ભારત અવ્વલ છે. હાલ ભારતમાં ૨૩૯.૩૦ મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે. વિશ્વના કુલ દૂધના ઉત્પાદનમાં ભારતનું યોગદાન ચોથા ભાગનું કે ૨૫ થી ૩૨ ટકા આસપાસનું છે. ૧૯૫૧માં ભારતમાં ૧૭ મિલિયન ટન દૂધનું ઉત્પાદનં થતું હતું. આજે ૨૪૦ મિલિયન ટન ઉત્પાદન થાય છે. દેશના જી.ડી.પી.માં તેનો ફાળો ૫ ટકા છે. દેશમાં દૂધાળા પશુઓ ૧૧૨ મિલિયન છે. આ બધા કારણોથી ૨૦૨૬માં દેશ ૨૪૨ મિલિયન ટન દૂધના ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. જો કે દૂધમાં થતી ભેળસેળ માટે દૂધના ઉત્પાદન કરતાં તેનો વપરાશ વધુ હોવાથી તેનો લાભ લઈને ભેળસેળ થતી હોવાની આશંકા રહે છે. દૂધન ઉત્પાદનના ચોક્કસ આંકડા મળે છે પરંતુ ઉપયોગના મળતા નથી તેથી આ આરોપ પુરવાર કરી શકાતો નથી. 

દૂધના વપરાશકર્તા અને ગ્રાહકોએ પણ દૂધમાં થતી મિલાવટથી બચવા સાવધ રહેવાની જરૂર છે. ગ્રાહકોએ દેશની પ્રતિષ્ઠિત કંપનીનું જ દૂધ ખરીદવું જોઈએ. દૂધના વપરાશની એકસપાયરી ડેટ સાથે તેના પેકેજિંગની ડેટ પણ ખાતરી કરીને ખરીદવું જોઈએ. દૂધને ચોખ્ખાં વાસણમાં સારી રીતે ઉકાળીને ઢાંકીને રાખવાની કાળજી લેવી જોઈ. દૂધને ઉકાળીને રાખવાથી બેકટેરિયા નાશ પામે છે. સરકારી તંત્ર ભેળસેળ અટકાવવામાં નાકામ હોય ત્યારે ગ્રાહકોએ જ જાગ્રત થવું રહ્યું. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

લૂંટ શકે તો લૂંટ

ચિરાગ ત્રિવેદી|Poetry|29 June 2026

રામની માટી, રામ ઉગાડે, રામ જ ખેતી, રામ જ ધાન,
રામ-પશુઓ ખાવે ચડ્યાં, રામ-ભોજના ખાન-પાન,
રામ ઓડકાર, રામ આફરો, રામે ખાધાં અન્નકૂટ,
રામનામકી લૂંટ લગી હૈ, લૂંટ શકે તો લૂંટ.

રામનામને પૂંછડી બાંધી, સળગાવી અયોધ્યા આખી,
રામ ખમીસના રામ-રાજમાં રામ રમાડે ચડ્ડી ખાખી,
રામનું માથું, રામની ટોપી, રામ જ લાઠી, રામ જ બૂટ,
રામનામકી લૂંટ લગી હૈ, લૂંટ શકે તો લૂંટ.

ભીષણ ધમકી, ભાષણ વચ્ચે વિભીષણ ભાષે ભષ્ ભષ્ ભષ્,
રામ જ કહેતાં, રામ જ સુણતાં, રામ-આનન દશ, રામ વિવશ.
રામ ચકડોળ, રામ ઘુમાવે, રામ રૂઢ, રામ આરૂઢ,
રામનામકી લૂંટ લગી હૈ, લૂંટ શકે તો લૂંટ.

e.mail :chirag.trivedi@ahduni.edu.in

Loading

...102030...49505152...607080...

Search by

Opinion

  • સ્લમમાં સફર
  • એક અકેલા ઇસ શહર મેં 
  • હૈયું પરબીડિયું
  • દિલ્હીમાં પી.જી. બેસી ગયું, પેરિસમાં BAPS ઊભું થયું, વડોદરામાં રૅમ્પ વૉક થયું  
  • દરેક દેશે પોતાની થોડી થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved