
ચંદુ મહેરિયા
જાપાનીઝ શબ્દ હારાકિરી(આત્મહત્યા)થી તો આપણે સુપરિચિત છીએ, પણ ‘કારોશી’ આપણા ભાવજગત અને વિચારજગતમાં શાયદ નવો શબ્દ છે. અત્યાધિક કાર્યબોજ તળે કામ દરમિયાન કે કામના કારણે થતું મોત એટલે કારોશી. જાપાનમાં વરસે દહાડે પચાસેક લોકોના મોત આ કારણે થાય છે. ભારતમાં જ્ઞાતિ કે આર્થિક વ્યવસ્થાના લીધે ગટર કામ, સફાઈ કામ અને હાથથી થતી મળ સફાઈનાં કામમાં જોતરાયેલા કામદારોના, કામના જોખમ અને સલામતીનાં સાધનોના અભાવે, દર વરસે હજારેક મોત થતાં હશે, પણ તેની ખાસ કોઈ નોંધ લેવાતી નથી કે તેમનાં કામને ટોક્સિક વર્ક અને તે કાર્યસંસ્કૃતિને વિષાક્ત કહેવામાં આવતી નથી. આપણે આ પ્રકારના કામો અને કાર્યબોજ અંગે એટલે પણ વિચારતા નથી કે કામ કરનારા બધા સમાજના કથિત નીચલા તબકાના અને નિર્ધન લોકો હોય છે. જો કે ભારે કામગરા જાપાનીઓ કારોશી મોતથી ચિંતિત છે અને તેમણે તેનો ઉકેલ પણ શોધ્યો છે. જાપાનની અનેક કંપનીઓએ વીકલી વર્કિંગ ડે ઘટાડીને ચાર કર્યા છે.
ઈન્ટનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર ભારતમાં અડધાથી વધુ કર્મચારી અઠવાડિયે ૪૯ કલાકથી વધુ અને દૈનિક ૧૦ કલાક કામ કરે છે. દક્ષિણ એશિયાના દેશોમાં કામના અધિક કલાકોમાં ભારતનું સ્થાન ભૂતાન પછીના બીજા ક્રમે છે. આ સ્થિતિ હોવા છતાં અહીં કામના કલાકો વધારવાની ચર્ચા છે ત્યારે દુનિયાના બહુ બધા દેશોમાં સાપ્તાહિક કાર્ય દિવસો ઘટાડવાનો વાયરો વહી રહ્યો છે. ૨૦૨૪ના વરસથી સિંગાપોરમાં ફોર ડે વર્કિગ વીક અમલી બન્યુ છે. સિંગાપોર આ બાબતમાં એશિયાનો પ્રથમ દેશ છે.
જાપાન સરકારના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશની ૮૫ ટકા કંપનીઓ અઠવાડિયે બે રજા અને આઠ ટકા કંપનીઓ અઠવાડિયામાં ત્રણ રજા આપે છે. ૨૦૨૧માં ફોર ડે વીક-નો વિચાર પહેલીવાર રજૂ થયો હતો અને હવે તો તેને સરકારનું પણ સમર્થન છે. સરકારના વર્ક સ્ટાઈલ રિફોર્મ અભિયાનમાં કામના કલાકો ઘટાડવા, સૌને અનુકૂળ આવે તેવો કાર્યસમય, મર્યાદિત ઓવરટાઈમ અને વાર્ષિક રજાઓમાં વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આરંભના નબળા પ્રતિસાદ પછી હવે આ પગલું લોકપ્રિય થઈ રહ્યું છે. વર્ક લાઈફ બેલેન્સમાં વધારા માટે સાપ્તાહિક કાર્ય દિવસો ચાર કરવાનું પગલું મોટું પરિવર્તન આણનારું બની શકે છે.
જાપાન ઉપરાંત જર્મની, અમેરિકા, યુ.કે, સિંગાપોર, ચીન, સ્પેન, પોર્ટુગાલ, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં પણ ચાર દિવસીય કાર્ય સપ્તાહ અંશત: અમલી બની રહ્યું છે. સાપ્તાહિક કામના દિવસોમાં ઘટાડો થવાના અનેક સારા પરિણામો જોવા મળી રહ્યા છે. કર્મચારીઓમાં જે કામનો થાક અને તાણ જોવા મળતા હતા તે ઘટ્યાં છે. વધુ આરામ અને ઊંઘ લઈ શકે છે. નવા અઠવાડિયે ઉત્સાહિત જણાય છે. વૃદ્ધ વસ્તીમાં વધારો અને ક્રિયાશીલ વસ્તીમાં ઘટાડાનો ઉકેલ મળી શક્યો છે. કર્મચારીના શારીરિક-માનસિક આરોગ્યમાં સુધારો જણાયો છે. બળતણની બચત થાય છે. પરિવારને વધુ સમય આપી શકે છે. ત્રણ રજાઓમાં ફેમિલી ટુર કે લાંબા સમયથી પડતર પારિવારિક કામો આટોપી શકાય છે. કાર્ય દિવસોમાં ઘટાડાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. વળી આ પગલું ફુગાવો અને વેતન માટે સુરક્ષારૂપ બની શકે છે. નિયમિત કામદારો માટે તે બહેતર જીવન સંતુલન સાધી શકે છે તો અંશકાલીન કામદારોને વધુ કલાક રોજી આપી શકે છે. સાપ્તાહિક કાર્ય દિવસોમાં ઘટાડાને વિશ્વવ્યાપી બનાવવા માટે ‘ફોર ડે વીક ગ્લોબલ’ સંસ્થાની રચના પણ થઈ છે.
કામકાજી અઠવાડિયાના દિવસો ઘટવાથી ખરાખોટા કારણોસર બીમારીની રજાઓ લેતા કર્મચારીઓની સંખ્યામાં ૬૫ ટકા ઘટાડો થયો છે. પરંતુ હજુ ય કશું ખૂટતું હોય તેમ ચીનની એક કંપની, જો કર્મચારીનું કામ પર જવાનું મન નથી, દિલ ઉદાસ છે, તણાવ મહેસૂસ થાય છે તો ભલે કામ પર ના આવો તે તમને અનહેપ્પી લીવ આપશે. વાર્ષિક ૧૦ વધારાની અનહેપ્પી લીવ આપતી આ કંપની આ રજાનો મેનેજમેન્ટ ઈન્કાર નહીં કરે તેવો પણ નિયમ ઘડે છે! જાપાનની આઈ.ટી. કંપનીએ ચાલુ નોકરીએ દારુ પીવાની છૂટ આપી છે અને જો દારુ ચડી જાય તો હેંગઓવર લીવની ઓફર કરી છે! ભારતમાં અસમની રાજ્ય સરકારે તેના સરકારી કર્મચારીઓને માતા-પિતા કે વિકલ્પે સાસુ-સસરા સાથે સમય વિતાવવા દર વરસે બે રજા આપવાનો નિર્ણય કર્યો છે. તેલંગણા અને આંધ્ર સરકારે તેના મુસ્લિમ કર્મચારીઓને રમજાનના મહિનામાં રોજ એક કલાક વહેલા કામ છોડવાની મંજૂરી આપી છે.
કામદારો- કર્મચારીઓ પર સરકારો કે કંપનીઓ ઓવારી જાય છે કે તેમને અછોવાના કરે છે તેમ લાગે પણ તેનું કારણ તેમનો સ્વાર્થ છે અને આવાં પગલાં પાછળ તાજેતરની મહારાષ્ટ્ર્ની બે ઘટનાઓ જવાબદાર લાગે છે. બર્ન આઉટ કે થાકનો સામનો વિશ્વભરના કામદારો-કર્મચારીઓ કરી રહ્યા છે. છવ્વીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કામના અત્યાધિક બોજથી તંગ આવીને જીવનનો અંત આણ્યો હતો. પુણેની એક કંપનીના સેલ્સ એસોસિયેટે ટોક્સિક કહેતાં વિષાક્ત વર્ક પ્લેસ અને એથી પણ વધુ ઝેરીલા બોસથી તંગ આવીને નોકરી છોડી હતી. પરંતુ તેમની રાજીનામાની ઘટના એટલે પણ છાપરે કે છાપે ચડી હતી કે આ મહાશયે બોસની ઉપસ્થિતિમાં ઢોલ નગારાં સાથે વાજતેગાજતે કામને અલવિદા કરી હતી. કાશ! આવું આ દેશના બહુમતી અસંગઠિત ક્ષેત્રના કામદારો કરી શકે!
ફોર ડે વર્કિગ વીક, વર્ક સ્ટાઈલ રિફોર્મ, ટોક્સિક વર્ક કલ્ચર, ટોક્સિક વર્ક, ટોક્સિક વર્ક પ્લેસ, બર્ન આઉટ, સર્વિસ ઓવર ટાઈમ, વર્કલોડ, વર્કફોર્સ, વર્ક લાઈફ બેલેન્સ, ઈમોશનલ સેલેરી ટ્રેન્ડ આ અને આવા બીજા માત્ર અંગ્રેજી ભાષાના નહીં નવા જમાનાના શબ્દો છે અને તે પ્રત્યેકની પાછળ આહ, આંસુ અને શોષણ સામેના સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ છે. હરિકથા અનંતાની જેમ આ કામપુરાણ પણ અનંત છે. પરંતુ અંતે એક વધુ નવી વાત. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અમેરિકી કોમેડિયન ટ્રેવર નોઆનાના કાર્યક્રમ ‘વ્હોટ નાઉ?’માં ગંભીરતાથી કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામની આરામદાયક અને સંતુલિત સ્થિતિ ઊભી કરશે. તે લોકોની નોકરીઓ છીનવી લેશે નહીં. ભવિષ્યમાં કામના દિવસો ઘટીને ત્રણ જ રહેશે તેમ પણ ગેટસે કહ્યું હતું. તેમનું માનવું હતું કે માનવશ્રમ ઓછો થશે અને યંત્રો કામ કરશે. એ.આઈ. માનવી માટે ખાવાનું ય તૈયાર કરશે અને ઓફિસ કામ પણ કરશે. લાગે છે સ્વર્ગ ઢુકડું છે નહીં?
e.mail : maheriyachandu@gmail.com