Opinion Magazine
Number of visits: 10,221,458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોનમ વાંગચુકથી કોને ચૂંક ઊપડે એમ છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2026

રવીન્દ્ર પારેખ

લદાખના મેગ્સેસે એવોર્ડ વિજેતા, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને ટેકનોક્રેટ સોનમ વાંગચુક વીસેક દિવસથી ભૂખ હડતાળ પર છે. દિલ્હીના જંતરમંતર પર કોક્રોચ જનતા પાર્ટી, શિક્ષણ સંદર્ભે મહિનાએકથી વિરોધ પ્રદર્શન કરી રહી છે ને તેમના સમર્થનમાં વાંગચુક પણ આમરણ ઉપવાસ પર ઊતર્યા છે. તેમાં નીટ સહિતની ઘણી પરીક્ષાઓનાં પેપરો ફૂટ્યાં, પણ તે રોકવાના પ્રયત્નો સરકાર દ્વારા ન થયા, એટલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત કોક્રોચ પાર્ટીએ અને વાંગચુકે કરી છે. કાઁગ્રેસના ને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતે છેલ્લા દાયકામાં 152 જેટલાં પેપર લીક થયાં છે, પણ જવાબદારોને કોઈ સજા થઈ નથી. આની અસર કેન્દ્ર સરકારને થઈ હોય એવું પણ દેખાતું નથી … વાંગચુકના આટલા દિવસનાં અનશન છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી એ દુ:ખદ છે.

વાંગચુક તો દિલ્હીનાં જંતરમંતર પર ભૂખ હડતાલ પર અડગ હતા, પણ પોલીસે સારવાર માટે તેમને પરાણે હોસ્પિટલે ખસેડ્યા છે, એટલે હવે ૨૦મીએ સંસદ સુધી કૂચ કરવાનો કાર્યક્રમ કેટલો સફળ થાય છે, તે જોવાનું રહે. જો કે, ભા.જ.પે. વાંગચુકને હોસ્પિટલે ખસેડવાનું પગલું યોગ્ય ગણાવ્યું છે. કદાચને વાંગચુક સંસદ કૂચમાં હાજર ન રહે તો તેમની પત્ની ગીતાંજલિએ કૂચની આગેવાની લેવાનું જાહેર કર્યું છે. કોક્રોચ જનતા પાર્ટીના સરકાર સામેનાં વિરોધને અને સંસદ માર્ચને ટેકો હોવાનું ખુદ વાંગચુક કહી ચૂક્યા છે.

વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ ત્યારે તેમની પત્નીએ સ્પષ્ટ કર્યું કે મારી મંજૂરી વગર એમને કંઇ આપશો નહીં. એટલું થયું છે કે ઉપવાસ આંદોલનનો પોલીસે ફિયાસ્કો કરી દીધો છે. બને કે આખો હેતુ જ માર્યો જાય અને કેન્દ્ર સરકારને ફાવતું આવી જાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત મોળી પડી જાય ને સંસદ માર્ચને પોલીસ ધરપકડો કરીને નિરર્થક ઠેરવે એમ બને. તે એટલે પણ કે આ લખાય છે ત્યાં સુધીમાં સંસદ માર્ચની પરમિશન કોક્રોચ પાર્ટીએ લીધી નથી.

સોનમ વાંગચુક

સોનમ વાંગચુકના આ ઉપવાસની એકંદરે વ્યાપક અસરો ન થઈ, પણ તેમને પરાણે હોસ્પિટલ ધકેલવામાં તો આખો દેશ છંછેડાઈ ઊઠ્યો છે. એની સમાંતરે આ આંદોલન તોડવા અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું છે. વાંગચુકનો વિરોધ કરનારો વર્ગ પણ સક્રિય હતો ને તેણે ઉપવાસ દરમિયાન ચીકનસૂપ પીધો હોવાનો કે સી.સી.ટી.વી. ખસેડીને પોતે ખાય છે જેવી વાતો ફેલાવીને વાંગચુકનાં આંદોલનનું જોર નરમ પાડવાની કોશિશ કરી છે. બાકી, હતું તે ફિલ્મ અભિનેતા આમીરખાને પૂરું કર્યું. તેણે ‘થ્રી ઇડિયટસ’ વાંગચુક દ્વારા પ્રેરિત હતી, એ વાતનો છેદ ઉડાવતા કહ્યું કે પોતે એ ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી વાંગચુકને ઓળખતો ન હતો, તે તો ઠીક, પણ દિગ્દર્શક રાજકુમાર હિરાણી પણ વાંગચુકને જાણતા ન હતા. જો કે, આમિરનો દાવો બહુ ટક્યો નહીં, આમિરના જ અગાઉના મેસેજ પરથી તેના ચાહકોએ શોધી કાઢ્યું કે આમીર અને રાજકુમાર હિરાણી વાંગચુકને ઓળખે છે. આમીરે વાંગચુકના ઉપવાસ સંદર્ભે ચિંતા પણ વ્યક્ત કરી છે.

માની લઈએ કે વાંગચુક સામે હજાર વાંધા હોય ને તે સાચા પણ હોય, તો ય એ સાચું નથી કે પેપરો લીક થયા છે? નીટની એક્ઝામનું પેપર લીક થયું અને ફરી પરીક્ષાના ડરમાં 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એ ખરું છે કે કેમ? એ સંદર્ભે જંતરમંતર તરફથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંગાય ને તેને માટે સંસદ માર્ચ 20મી જુલાઈએ નીકળે એ ખોટું છે? જો કે મંત્રીઓ આજકાલ રાજીનામું આપવાના મૂડમાં હોતા નથી, એટલે શિક્ષણ મંત્રી પણ રાજીનામું ન આપે તો આઘાત ન લાગે. વાંગચુક સામે વાંધા હોય તો પણ તે શિક્ષણ સુધારવા મથે છે ને એ ન કરવા જેવું કામ છે? ખાસ તો આખા દેશના શિક્ષણની પથારી ફરી ગઈ હોય ત્યારે?

વાંગચુકના ઉપવાસની અસર આમ પણ એટલે ઓછી રહી કે તે અન્ના હજારે જેવી વ્યાપક લડત ન હતી. અન્ના હજારેમાં બધાંને સ્પર્શતો મોંઘવારીનો મુદ્દો હતો, એટલે હજારેનું આંદોલન વધુ વ્યાપક રહ્યું, જ્યારે વાંગચુકનો મુદ્દો માત્ર શિક્ષણને સ્પર્શતો હતો, એટલે પણ તે મોંઘવારી જેવો બધાંને સ્પર્શતો મુદ્દો ન બન્યો. એ કારણે પણ વાંગચુકનું ઉપવાસ આંદોલન ધારી અસર ઉપજાવી ના શક્યું. તેનો અર્થ એવો નથી કે કોક્રોચ જનતા પાર્ટી અને વાંગચુકનો શિક્ષણ સુધારણા માટેનો પ્રયત્ન કાઢી નાખવા જેવો છે.

વાંગચુકની ભૂખ હડતાલ પર ખુદ અન્ના હજારેની પ્રતિક્રિયા આવી છે. વાંગચુક હાલ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યાં પણ તેમના ઉપવાસ તો ચાલુ જ છે. હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે વાંગચુક ને તાત્કાલિક મેડિકલ હેલ્પની જરૂર છે. એવે વખતે અન્નાએ હાકલ કરી છે કે સરકારે વાર્તાલાપ શરૂ કરવો જોઈએ. સરકારે વાંગચુક સંદર્ભે કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર પરિણામની રાહ ન જોવી જોઈએ. આંદોલનકારીઓ સાથે સત્તાવાર સ્તરે વાતચીત કરવામાં સરકારને કોઈ નુકસાન નથી. લોકશાહીમાં જનતાના મુદ્દાઓ સાંભળવા એ શાસકોની પ્રાથમિક ફરજ છે અને સરકારે આ ગંભીર વિષયો પર તુરંત ટેબલટોક શરૂ કરવી જોઈએ- અન્ના હજારેની આ પ્રતિક્રિયાએ વાંગચુકનાં આંદોલનને એક ઔર વળ ચડાવ્યો છે. જો કે, આંદોલન સમેટાઈ ગયું છે, એવું નથી. ખાસ કરીને આજની કોક્રોચ પાર્ટીની સંસદ કૂચનું શું થાય છે તે પછી જ ખબર પડે કે આંદોલન સફળ રહ્યું કે નિષ્ફળ?

એટલું સમજાય છે કે સોનમ વાંગચુકનાં આંદોલનની હવા કાઢી નાખવાનું પોલીસે કર્યું છે. પોલીસનું કહેવું છે કે તેણે વાંગચુકની સારવાર કરાવવાના ને અન્ય જોખમોથી બચાવવાના હાઈ કોર્ટના આદેશનું પાલન જ કર્યું છે.  ઉપવાસ આંદોલનનો એક હેતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનો હતો, એમાં પોલીસની દખલથી સફળતા મળવાની તકો ઘટી ગઈ છે. એટલું  તો લાગે છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું પડે તો એ ચમત્કાર જ હશે. જો કે, ઉપવાસ અંદોલન અટક્યું નથી. વાંગચુકને પોલીસ લઇ ગઈ કે તરત કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વાંગચુક ઉપવાસમાં એકલા નથી. તેમની સાથે 21 જણાએ અનિશ્ચિત ભૂખ હડતાલને ચાલુ રાખી છે. વાંગચુક પૂરેપૂરી સભાન અવસ્થામાં છે ને શરીરને 20 ટકા નુકસાન થયું હોવા છતાં આજની સંસદ કૂચ અંગે નિવેદન પણ આપ્યું છે. તેમણે ફરી જંતરમંતર જવું છે ને પોતાની લડત ચાલુ રાખવી છે. સરકારનાં ઉત્તરદાયિત્વ વિષે વાન્ગ્ચુકને શંકા નથી. ઉત્તરદાયિત્વને મુદ્દે જ ભૂતકાળમાં એક વાર કેન્દ્ર સરકાર અને દિલ્હી તથા રાજસ્થાન સરકારનું પતન થયેલું, જ્યારે આજે તો ખાલી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનું છે, તો એટલું ય ન થાય?

59 વર્ષની ઉંમરે પણ સોનમ વાંગચુક ઉત્તરદાયિત્વ નિભાવી જાણે છે, તેના મૂળમાં તેમના પિતા સોનમ વાન્ગ્યાલ છે. સોનમ વાંગચુકે ભૂખ હડતાલ કરી ને હવે દેશનું ધ્યાન ગયું, એવી જ રીતે 4 દાયકા પહેલાં વાનગ્યાલે અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જા માટે આંદોલન છેડ્યું હતું. વાન્ગ્યાલ રાજકીય નેતા જ નહોતા, પણ 23 વર્ષની સૌથી નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સાહસિક વિજેતા પણ હતા. તે પછી તેઓ જમ્મુ-કાશ્મીરની વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મંત્રી પણ બન્યા. 1980ના દાયકામાં વાન્ગ્યાલે લદાખને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અપાવવા મોટું આંદોલન છેડ્યું હતું. 1984માં વાન્ગ્યાલ  ભૂખ હડતાલ પર ઊતર્યા ત્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લેહની મુલાકાત લીધી હતી અને તેમને સમર્થનની ખાતરી આપી, ત્યારે વાન્ગ્યાલે ઉપવાસ છોડ્યા હતા. વાન્ગ્યાલને મળવા ઇન્દિરા ગાંધી જઈ શકતાં હોય, તો સોનમ વાંગચુક માટે એવું સૌજન્ય કોઈ મંત્રી દાખવે જ નહીં એ દુ:ખદ છે.

તો, આ વાત છે.

સોનમ વાન્ગ્ચુક નામના પર્યાવરણવિદ શિક્ષણના સુધાર માટે અનશન પર ઊતરીને જિંદગી દાવ પર લગાવે, એમાં તેમની પોતાની પ્રાપ્તિ શું છે? ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તો વાંગચુકને શું મળવાનું છે? નીટને નિમિત્તે 20 આત્મહત્યાઓ થઈ ને એ આખી ઘટના બાજુ પરથી પસાર થઇ જાય ને કોઈનું રૂંવાડું પણ ન ફરકે, ત્યારે કોક્રોચ જનતા પાર્ટી ને સોનમ વાંગચુક સંસદ માર્ચ કરે તેમાં ખોટું શું છે? ખરેખર તો રાજીનામું મંગાય તે પહેલાં નૈતિકતાને ધોરણે સામેથી રાજીનામું અપાય તે અપેક્ષિત છે. એવું ન થાય તો રાજીનામું માંગવામાં શું ખોટું થાય છે તે સમજાતું નથી. મંત્રીઓ ધીટ હોય છે, પણ ધર્મેન્દ્ર પ્રધાન જેવા પણ હોય છે, એ આઘાતજનક આશ્ચર્ય છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જુલાઈ 2026

Loading

આધુનિકતાની વ્યાખ્યા શી?

આશા બૂચ|Opinion - Opinion|20 July 2026

થોડા દિવસ પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વિભાગીય નિવૃત્ત ડાયરેક્ટર આર. ગુરુમૂર્થીનો 5/7/2026ના દિને પ્રકાશિત થયેલો ઉપરોક્ત શીર્ષક હેઠળ લખેલો લેખ વાંચવામાં આવ્યો. તેનું ભાષાંતર અહીં પ્રસ્તુત.

− આશા બૂચ

આર. ગુરુમૂર્થી

આધુનિકતાનું માપ આપણે કેટલાં મકાનોનું બાંધકામ કરીએ છીએ તેમાં નથી. આપણે શું બનીએ છીએ એ આધુનિકતાની પારાશીશી છે. આજકાલ દરેક દેશ આધુનિક થવાની હોડથી ગ્રસિત છે.

આપણે વિકાસને દેશની કુલ સરેરાશ આવકથી માપીએ છીએ, કેટલાં એરપોર્ટ બાંધ્યાં, કેટલી બુલેટ ટ્રેન ધરાવીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો વપરાશ છે, તમામ આર્થિક વ્યવહાર ડિજિટલ ચુકવણીથી થાય છે કે નહીં અને કેટલા કાચનાં ગગનચુંબી બહુમાળી મકાનો છે તેના પરથી તોળીએ છીએ.

ઇતિહાસ આપણી સમક્ષ ઘણા મુશ્કેલ સવાલો ધરે છે.

સવાલ : કોઈ સમાજ માત્ર નવીન કે આધુનિક સાધનો વસાવવાથી જ આધુનિક બની જાય છે?

ઉત્તર : આધુનિકતા એ કોઈ એન્જિનિયરીંગ કુશળતાથી મેળવેલી સિદ્ધિ નથી. એ નૈતિક ઉપલબ્ધિ છે.

અર્વાચીનતા ક્ષિતિજ રેખા બદલે છે, આધુનિકતા માનસિક ખ્યાલો બદલે છે.

આ બંને ઘટનાઓ સાથે સાથે ચાલે છે, પણ તે એક સમાન નથી. કોઈ દેશ દુનિયામાં ઉત્તમોત્તમ એરપોર્ટ બાંધી શકે, અને છતાં લાંચ-રૂશ્વત સહી લે એવું બને. કોઈ મુલક સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકી શકે, પણ તેના નાગરિકો હરોળ કૂદીને આગળ નીકળી જવાની મનોવૃત્તિ ધરાવતા હોય. ઘણા લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને સ્વીકારે પણ પોતાની ભૂલોનો અસ્વીકાર કરે. ઘણા દેશોમાં ટેક્નોલોજી વિસ્મયકારક ઝડપથી આગળ વધતી જોવા મળે છે, જ્યારે ત્યાંના નાગરિકોનું વર્તન મધ્યકાલીન યુગ જેવું હોય છે.

ખરી આધુનિકતા કેવી હોય છે તેની યાદ આપણને જાપાન આપે છે. મુલાકાતીઓ શિંકાનસેન (જાપાનની અતિ ઝડપી ટ્રેન સર્વિસ) જોઈને મંત્ર મુગ્ધ થતા હોય છે, પરંતુ વધુ આશ્ચર્ય પમાડે એવી હકીકત તો આવી સિદ્ધિ મેળવી શકાય તેવી તેમની સંસ્કૃતિમાં છે. સમયપાલનનો આદર કરવામાં આવે છે, તેથી તમામ ટ્રેન સમયસર જાય-આવે. કોઈનું ખોવાઈ ગયેલું પાકીટ પરત કરવામાં આવે છે કેમ કે પ્રામાણિકતા એ સહજ ગુણ ગણાય છે. ઉત્પાદક કંપની ખામી વાળી વસ્તુ બજારમાંથી હટાવી લે છે કેમ કે નફા કરતાં નીતિમત્તાનું મહત્ત્વ વધારે છે. જાહેર સ્થળો અત્યંત ચોખ્ખાં રહે છે કેમ કે નાગરિકો એમ નથી માનતા કે પોતે ગંદકી કરે તે બીજા સાફ કરે.

ટેકનોલોજીની આયાત કરી શકાય; ચારિત્ર્યની નહીં.

સ્કેન્ડિનેવિયન દેશો બીજો પાઠ ભણાવે છે. એ  દેશોની સમૃદ્ધિ હોદ્દેદારોના વિશેષાધિકારોના અભાવ સાથે તાલ મિલાવે છે. સરકારી મંત્રીઓ જાહેર વાહનોમાં મુસાફરી કરે, કામનાં સ્થળે સાઇકલ ચલાવીને જાય અને એવી સાદગીથી રહે છે કે ઘણા વિકસતા દેશોને તેનો અચંબો થાય. આત્મવિશ્વાસને દેખાવ કરવાની જરૂર નથી પડતી હોતી. સરકારી નોકરી સેવા કરવાની તક માનવામાં આવે છે, નહીં કે દરજ્જા અને માન મરતબો મેળવવાનું સાધન.

સાચો આધુનિક માનવી કે દેશ પોતાની આધુનિકતાની જાહેરખબર ન કરે.

એવા લોકોની સિદ્ધિ એમાં છે, જે અર્થશાસ્ત્રીઓ ભાગ્યે જ માપતા હોય છે. તે છે ‘વિશ્વાસ’. નાગરિકો સંસ્થા કે સંગઠન પર વિશ્વાસ મૂકે છે કેમ કે એ સંસ્થાઓ એવું વર્તન કરે છે, જે વિશ્વાસને પાત્ર ઠરે છે. લેવડ-દેવડ સસ્તું બને છે, વહીવટ સરળ બને છે અને સમૃદ્ધિ વધુ ટકાઉ બને છે કારણ કે પ્રામાણિકતાથી તમામ વહીવટ થતો હોવાને કારણે અંતહીન જમાદારીની જરૂર નથી રહેતી.

આધુનિકતાનું એક બીજું પણ લક્ષણ છે જેના પર ઘણું ઓછું ધ્યાન ખેંચાય છે. તે છે, સીમા રેખાની આદરપૂર્વક જાળવણી. આધુનિક સમાજ સમજે છે કે પોતાની સ્વતંત્રતા અન્યને માટે ઉપાધિ ઊભી કરવાનો પરવાનો નથી. મારે ઘેર પ્રસંગ ઉજવવાની સ્વતંત્રતા મારા પાડોશીની ઊંઘ હરામ કરી દેનારી ન બની શકે. મારી અઢળક ધન સંપત્તિ કોઈ જાહેર સ્થળ અંગત મિલકત હોય એ રીતે તેના પર કબજો જમાવવાનો અધિકાર મને નથી આપી શકતી. મારી સફળતા મારી તાકાતનું અતિશય ઘોંઘાટ કરીને, પ્રદૂષણ વધે તેવા જશમ મનાવીને, ધાકધમકીથી અન્ય પાસે કામ કરાવીને કે આડંબરનું પ્રદર્શન કરીને ઉત્સવ મનાવવાની  પરવાનગી નથી આપતી. કાનને બહેરા કરી મુકતા લાઉડ સ્પીકર હોય, બેપરવાઈભર્યું ડ્રાઇવિંગ હોય, ફૂટપાથની જગ્યા પચાવી પાડવાની વાત હોય, રસ્તા પર કચરો ફેંકવાની ટેવ હોય કે પોતાના ઘરના બેઠક રૂમનું જ વિસ્તૃત રૂપ હોય એ રીતે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાની આદત હોય; એ તમામ બીજાની અંગત જગ્યાને અવગણતા વર્તન મૂળથી જ અન-આધુનિક ગણાવા જોઈએ.

જ્યાં સ્વયં શિસ્ત શરૂ થાય ત્યાં સભ્યતાનાં શ્રીગણેશ થાય.

તત્ત્વચિંતક દ્વારા દર્શાવાયેલા વિરોધાભાસ સરળ છે. સમાજ જેમ જેમ પૂર્ણ વિકસિત થતો જાય તેમ તેમ તેના વર્તનને નિયમમાં રાખવા માટે ઓછામાં ઓછા કાયદાની જરૂર રહેતી હોય છે. લોકો સદ્દવર્તન કરે છે કેમ કે તેઓને સમજાય છે કે સ્વતંત્રતા ત્યારે જ બચવા પામે છે જ્યારે જવાબદારીના ભાન સાથે તેને મૃદુ બનાવવામાં આવે છે. અધિકારો ત્યારે જ ફૂલેફાલે છે જ્યારે તેમાં ફરજનો સાથ ભળે છે.

આ જ કારણસર સૌથી વધુ પ્રબળ સમાજ બળજબરી કે જુલમ અને સંપત્તિના દેખાડા પર ઓછો આધાર રાખે છે અને સાંસ્કૃતિક ધરોહર પર વધુ મદાર રાખે છે.

અપૂર્ણ કે અપરિપક્વ સમાજમાં સત્તાની હાજરીમાં જ શિસ્તનું અસ્તિત્વ ટકે છે. પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે છે. પોતાના ઘર કે ઓફિસ પર પોલીસનો છાપો પડવાની શક્યતા હોય તો જ આવક વેરો ભરવો અનિવાર્ય ગણાય છે. દરેક નિષ્ફ્ળતા માટે ઉત્તરદાયિત્વ સ્વીકારવાને બદલે બહાના રજૂ કરવામાં આવે છે.

સાચો આધુનિક આદમી કઈંક જુદા પ્રકારની સમજણ ધરાવે છે. ભૂલનો સ્વીકાર કરવો એ નિર્બળતાની નિશાની નથી. અન્ય વ્યક્તિની અંગત જગ્યાનો આદર કરવામાં કોઈ ઉદારતા નથી સમાયેલી હોતી. જ્યારે કોઈની દૃષ્ટિ તમારા પર ન હોય ત્યારે સમાનતા જાળવી રાખવી એ અપવાદ ન ગણવો જોઈએ. સુસંસ્કૃત આચરણનાં આ ન્યૂનતમ ધોરણો છે.

ઇતિહાસ આપણને આ હકીકત સૌમ્યતાથી યાદ અપાવે છે. નવજાગૃતિએ માનવીને જીવન જીવવાનું કારણ આપ્યું. ઔદ્યોગિક ક્રાંતિએ આપણે મશીનો આપ્યાં. ડિજિટલ ક્રાંતિએ તેને યાંત્રિક ગણતરી કરવાના નિયમો આપ્યા. અને છતાં તેમાંની એક પણ ક્રાંતિએ માનવીમાં શાણપણ આવશે તેની કોઈ ખાતરી ન આપી. વીસમી સદીએ આપણને બતાવી આપ્યું કે જે સમાજ અસાધારણ વૈજ્ઞાનિક સિદ્ધિઓ મેળવવાની શક્તિ ધરાવે છે એ જ સમાજ અસાધારણ નૈતિક અધઃપતનમાં સરી પાડવાની શક્યતા પણ ધરાવતો હોય છે.

ચારિત્ર્ય બળ વિનાની પ્રગતિ એ માત્ર કાર્યક્ષમતાનું પ્રદર્શન બની રહે છે.

આથી જ આધુનિકતા ગગનચુંબી ઇમારતોમાં, વીજ મથકોમાં કે ચલણી નાણાં વિનાના અર્થતંત્રમાં નથી જોવા મળતી. એ શાંત સ્થળોમાં જોવા મળે છે – એવા નાગરિકોમાં, જે ખોવાયેલ પાકીટ પાછું આપે છે, એવા ઓફિસરમાં, જે બહાનું બતાવવાને બદલે માફી માંગે છે, એવા મંત્રીમાં, જે બીજા નાગરિકોની સાથે લાઈનમાં ઊભા રહે છે, એવા ડ્રાઇવરમાં, જે બીજાં વાહનો ન હોવા છતાં લાલ બત્તી થતાં ઊભો રહે છે અને એવા પાડોશીઓમાં, જે પોતાની સ્વતંત્રતા જેટલી જ બીજાની શાંતિને પણ એટલી જ મહત્ત્વની ગણે છે.

બહુમાળી ભવનો કદાચ આર્થિક આબાદીની ઘોષણા કરી શકે.

માત્ર પ્રજાજનોનું આચરણ જ સભ્યતા દર્શાવી શકે છે.

અને સભ્યતા – સંસ્કૃતિ જ માનવ સમાજની આધુનિકતાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ તરીકે જળવાઈ રહી છે.

e.mail : 71abuch@gmail.com

Loading

આપણી શિક્ષણવ્યવસ્થાનો સારઃ ગોટાળા, વિરોધ, અનિશ્ચિત ભાવિ અને યથાવત્ મંત્રી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 July 2026

આપણી શિક્ષણવ્યવસ્થાની હાલત કર્તા વિનાના વાક્ય જેવી થઈ ગઈ છે. જે મુદ્દા સાથે સોનમ વાંગચુકને સીધો સંબંધ નથી એ માટે તેઓ ઉપવાસ પર છે, પરંતુ જે શિક્ષણ પ્રધાને જવાબદારી સ્વીકારવી જોઈએ એ મૌન છે.

ચિરંતના ભટ્ટ

15મી મે સુધી બધું ઠેકાણે હતું. એ દિવસે ભારતના મુખ્ય ન્યાયાધીશે પોતાની અદાલતમાં એક કેસની સુનાવણી દરમિયાન ભાષાની મર્યાદા ઓળંગી અને દેશના કેટલાક બેરોજગાર યુવાનોને ‘કોકરોચ’ અને ‘પરોપજીવી’ ગણાવ્યા. ચોવીસ કલાક પછી બૉસ્ટનમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી, અભિજીત દીપકે આ શબ્દને પકડી લીધો અને તેની સામે દલીલો કરવાને બદલે તેને આમંત્રણ ગણ્યું. અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના બે કરોડથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા હતા અને તેનું સૂત્ર જ એક આકરો કટાક્ષ હતો, જે હતુંઃ આળસુ અને બેરોજગારોનો અવાજ.

આ સમગ્ર ઘટનાને કાબૂ બહાર નીકળી ગયેલા એક મીમ તરીકે નકારી કાઢવી સહેલી છે. પરંતુ હકીકત તેનાથી લગભગ વિપરીત છેઃ આ એક એવી ધારદાર મજાક હતી, જેનો વાસ્તવિકતા સાથે સામનો થયા પછી પણ તેનો પ્રભાવ જળવાઈ રહ્યો. કારણ કે એ વ્યંગની નીચે એક નક્કર આઘાત છુપાયેલો હતો. ભારતમાં કોને મેડિકલનો અભ્યાસ કરવાની તક મળશે એ નક્કી કરતી NEET-UG 2026 પરીક્ષાની વિશ્વસનીયતા ત્રણ વર્ષમાં બીજી વખત જોખમાઈ હતી. છતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના હોદ્દા પર યથાવત્ રહ્યા.

ઘટનાને વધુ નજીકથી જોઇએ તો હાસ્યાસ્પદ હદે નક્ક્રર દેખાય છે. 3 મેની પરીક્ષા પછી રાજસ્થાનના સીકરમાં એક કેમિસ્ટ્રી શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નપત્ર ઉકેલવાનું શરૂ કર્યું. ત્યારે તેમને જાણવા મળ્યું કે ફરતા થયેલા આશરે 4,100 ‘સંભવિત પ્રશ્નો’ના સંગ્રહમાંથી 120થી 140 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે લગભગ શબ્દશઃ મળતા આવતા હતા.

આશરે 22.7 લાખ ઉમેદવારોએ આપેલી આ પરીક્ષા નવ દિવસ પછી રદ્દ કરવામાં આવી. CBIની તપાસમાં પેપર લીકની કેટલીક કડીઓ છેવટે લાતુરના એક કોચિંગ સેન્ટરના માલિક સુધી પહોંચી. આરોપ છે કે તેણે કેમિસ્ટ્રીનો વિભાગ મેળવવા માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેના ફોનમાંથી મળી આવેલા મેટાડેટા પરથી કથિત રીતે જાણવા મળ્યું કે લીક થયેલા પ્રશ્નોના ફોટોગ્રાફ્સ પરીક્ષા થઈ તેના દસ દિવસ પહેલાં લેવાયા હતા.

હાલ 13 લોકો ન્યાયિક કસ્ટડીમાં છે. 21 જૂને અસાધારણ સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે દેશભરમાં ફરી પરીક્ષા લેવામાં આવી. એ પેપરના ફોટોગ્રાફ કોણે પાડ્યા, એ કોણે ખરીદ્યું અને કોણે વેંચ્યું એ CBI કદાચ શોધી કાઢશે. પરંતુ, એક રાજકીય પ્રશ્નનો જવાબ CBI નહીં આપી શકેઃ એક જ રાષ્ટ્રીય પરીક્ષા એકથી વધુ વખત નિષ્ફળ જાય પછી શિક્ષણ મંત્રાલય સંભાળતા મંત્રી એ નિષ્ફળતાની જવાબદારી ક્યારે સ્વીકારશે?

ભારતનું આ પહેલું NEET કૌભાંડ નહોતું. 2024ની પરીક્ષામાં પણ પેપરની ચોરી, સંગઠિત ‘સૉલ્વર’ નેટવર્ક અને પરિણામોમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. 2026માં ફરી થયેલું આ છીંડું પણ એ જ મંત્રીના કાર્યકાળમાં પડ્યું, મોદી સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે આ ગોટાળો થયો.

2014થી અત્યાર સુધીમાં ભારતે ચાર શિક્ષણ પ્રધાન જોયા છે: સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ અને ધર્મેન્દ્ર પ્રધાન. દરેકને વારસામાં લગભગ સરખી સમસ્યાઓ મળી હતીઃ અપૂરતું જાહેર રોકાણ, નીતિઓનો અસમાન અમલ, સંઘર્ષ કરતી યુનિવર્સિટીઓ અને સંગઠિત છેતરપિંડી સામે સતત વધુ અસુરક્ષિત બનતી પરીક્ષા-વ્યવસ્થા. નામ બદલાતાં રહ્યાં, પરંતુ નિષ્ફળતાઓ ટકી રહી. પ્રધાનની વિશેષતા માત્ર એટલી છે કે તેઓ આ હોદ્દા પર એટલો લાંબો સમય રહ્યા કે એક જ રાષ્ટ્રીય પરીક્ષાની વિશ્વસનીયતા તેમના કાર્યકાળમાં બે વખત જોખમાઈ.

ફોજદારી તપાસ અને રાજકીય જવાબદારી વચ્ચે તફાવત છે. તપાસ પૂછે છે કે ગુનો કોણે કર્યો. રાજકીય જવાબદારી પૂછે છે કે એ ગુનો થતો અટકાવવાની જવાબદારી કોની હતી.

ભારતે NEET કૌભાંડનો જવાબ ધરપકડો, તપાસો, પુનઃપરીક્ષા અને સુરક્ષાના વિસ્તૃત નવા નિયમોથી આપ્યો છે. છતાં આમાંથી એકેય પગલું એ પ્રશ્નનો જવાબ આપતું નથી કે જે મંત્રીની દેખરેખ હેઠળ વ્યવસ્થા વારંવાર નિષ્ફળ ગઈ, એ જ મંત્રીએ એની દેખરેખ રાખવાનું ચાલુ શા માટે રાખવું જોઈએ? તપાસ નીચે તરફ આગળ વધે છે; કોચિંગ સેન્ટરના માલિકો, દલાલો અને અધિકારીઓ તરફ, પરંતુ જવાબદારી ક્યારે ય સત્તાના ઉપરના સ્તર સુધી પહોંચતી નથી.

રાજકીય સમીક્ષક અને વિચારક પ્રતાપ ભાનુ મહેતાએ તાજેતરમાં પરીક્ષાને લગતા અન્ય એક કૌભાંડ વિશે લખતાં એ ટેવ તરફ આંગળી ચીંધી હતી, જે પોતાની નિષ્ફળતાઓનું વર્ણન કરવા માટે સત્તા દ્વારા વપરાતી ભાષામાં ધીમે-ધીમે પ્રવેશી ગઈ છે. પેપર લીક થાય છે, પરિણામોમાં ગોટાળો થાય છે, પરીક્ષાઓ રદ્દ થાય છે અને વ્યવસ્થા સાથે ચેડાં થાય છે અને આ બધું હંમેશાં એવી રીતે કહેવાય છે, જેમાંથી કર્તા ચૂપચાપ ગાયબ થઈ ગયો હોય છે. તેમનું કહેવું સાફ અને આકરું છેઃ વ્યાકરણના કર્તા વિના લોકશાહી સંભવ નથી.

ચાર મંત્રી અને બાર વર્ષથી સતત ચાલી રહેલી આ નિષ્ફળતા પછી ભારતનું શિક્ષણતંત્ર પાઠ્યપુસ્તકમાં મુકવા જેવું દૃષ્ટાંત બની ગયું છે. એક જ મંત્રી હેઠળ NEETની પરીક્ષાઓની વિશ્વસનીયતા બે વખત જોખમાઈ છે. ધરપકડો થઈ, તપાસો હાથ ધરાઈ અને વધુ કડક પ્રક્રિયાઓનાં વચન અપાયાં; પરંતુ ન તો કોઈએ રાજીનામું આપ્યું કે ન તો વ્યવસ્થાએ જે થવા દીધું એની રાજકીય જવાબદારી સ્વીકારતું એક સાદું વાક્ય ઉચ્ચારાયું.

નાણાકીય સ્થિતિમાં પણ ખાસ કશો ફેરફાર થયો નથી. આર્થિક સર્વેક્ષણ 2025–26 મુજબ, શિક્ષણ (જેમાં રમતગમત, કલા અને સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે) પર કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સંયુક્ત ખર્ચ 2019–20માં GDPના 2.9 ટકા હતો, જે 2025–26ના બજેટના અંદાજ મુજબ ઘટીને 2.7 ટકા થયો છે; 2021–22થી આ આંકડો લગભગ 2.7 ટકાની આસપાસ જ રહ્યો છે. જુદી-જુદી સત્તાવાર ગણતરીઓ થોડા અલગ આંકડા આપે છે, પરંતુ એમાંથી એકેય આંકડો ભારતને લાંબા સમયથી અપાયેલા GDPના 6 ટકા ખર્ચના વાયદાની નજીક પહોંચાડતો નથી.

6 ટકાના આ લક્ષ્યાંકની ભલામણ સૌથી પહેલાં કોઠારી કમિશને 1964માં કરી હતી. 2020માં ભારતની પોતાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પણ એનું પુનરાવર્તન કર્યું. જે આંકડા સુધી પહોંચવાનો એક પછી એક સરકારોએ ભાગ્યે જ કોઈ ઇરાદો દેખાડ્યો હોય, એ જ આંકડો વારંવાર દોહરાવતા રહેવા માટે 62 વર્ષ બહુ લાંબો સમય ન કહેવાય?

વચન અને ખર્ચ વચ્ચે, તપાસ અને જવાબદારી વચ્ચે રહેલી આ ખાઈમાં સોનમ વાંગચુકે પગ મૂક્યો છે. એટલે કે ઉપવાસ આદર્યા છે.

અભિજીત દીપકે

અભિજીત દીપકેના આંદોલનની મુખ્ય માગણી છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને તેની સાથે સમર્થન દર્શાવવા માટે વાંગચુકે 28 જૂને જંતરમંતર ખાતે અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા. જુલાઈના મધ્ય સુધીમાં તેમનું વજન કથિત રીતે નવ કિલોથી વધુ ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તેમની કથળતી તબિયત અંગે ચેતવણી આપી, જ્યારે દિલ્હી હાઈ કોર્ટે સત્તાવાળાઓને તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા અને તબીબી રીતે જરૂરી બને તો હસ્તક્ષેપ કરવાનો નિર્દેશ આપ્યો. વિપક્ષના નેતાઓએ તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી. પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં પણ સરકાર તરફથી આ માગણી વિશે ચર્ચા કરવાની તૈયારી દર્શાવતો કોઈ જાહેર સંકેત મળ્યો નથી.

આ સંઘર્ષમાં વાંગચુક પોતાની સાથે શું લઈને આવે છે અને શું નથી લાવતા એ વિશે પ્રામાણિક રહેવું જરૂરી છે. એક વર્ષથી પણ ઓછા સમય પહેલાં લદ્દાખમાં તેમના નેતૃત્વ હેઠળ થયેલા અન્ય એક ઉપવાસનો અંત સાવ જુદા સંજોગોમાં આવ્યો હતો. રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગણી સાથે શરૂ થયેલા વિરોધ-પ્રદર્શન આગચંપી અને પોલીસ સાથેની અથડામણ સુધી પહોંચી ગયા હતા. પોલીસ ફાયરિંગમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંગચુક પર ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા અશાંતિમાં ફાળો આપવાનો આરોપ મૂક્યો હતો. વાંગચુકે હિંસા ભડકાવ્યાનો ઇનકાર કર્યો હતો અને પોતે શાંતિ જાળવવાની અપીલ કરી હોવાનું કહ્યું હતું.

આ ઇતિહાસ આપણને કોઈ પણ ઉપવાસીને સવાલોથી પર રહેલા નિષ્કલંક સંતમાં ફેરવી નાખતાં રોકે છે. કોઈ વ્યક્તિ મંત્રી પાસેથી જવાબદારીની માગણી કરે છે એટલા માત્રથી લેહની પહેલેથી તંગ પરિસ્થિતિમાં તેની ભાષાએ કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં એવા સવાલોમાંથી તેને મુક્તિ મળી જતી નથી, ભલે તે સરકારના આરોપને નકારતા હોય.

પરંતુ વાંગચુકના ભૂતકાળ વિશે સવાલ ઉઠાવવો અને એ ભૂતકાળને આગળ ધરીને NEETના મૂળ પ્રશ્નને કોરાણે મૂકી દેવો, એ બે જુદી બાબતો છે. બીજા પ્રકારની દલીલ માટે એક શબ્દ છેઃ ‘વ્હોટઅબાઉટરી’. વાંગચુકે લદ્દાખમાં શું કહ્યું હતું એ તપાસવું જરૂરી છે, પરંતુ એના આધારે NEETનું પેપર લીક થયું કે નહીં, લાખો વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા કેમ આપવી પડી અને શિક્ષણ પ્રધાનની રાજકીય જવાબદારી બને છે કે નહીં, એ સવાલો અપ્રસ્તુત થઈ જતા નથી. એમ કરવું એટલે દુઃખે પેટ અને કૂટે માથું જેવો ઘાટ કરવો.

હકીકત એ પણ છે કે વાંગચુક અત્યારે જે માગણી માટે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે એની સાથે તેમનો કોઈ સીધો વ્યક્તિગત સંબંધ નથી. છતાં એ માગણીની પ્રાસંગિકતા ટકી રહે છે, કારણ કે એની પાછળ રહેલાં તથ્યો લેહ-લદ્દાખના બનાવોમાં વાંગચુકની ભૂમિકા શું હતી એના પર આધાર રાખતાં નથી. એ તથ્યો સીકરના કેમિસ્ટ્રી શિક્ષકની ગણતરી, એક ફોનમાંથી મળેલા મેટાડેટા, કોચિંગ સેન્ટર સુધી પહોંચતી નાણાંની કડી અને વર્ષોથી લગભગ સ્થિર રહેલો આંકડો દર્શાવતા આર્થિક સર્વેક્ષણના કોષ્ટક પર આધારિત છે.

બાય ધી વેઃ 

ભારત શિક્ષણ પર કેટલો ખર્ચ કરે છે અને એણે કેટલા ખર્ચનું વચન આપ્યું છે, એ બે આંકડા વચ્ચેના અંતરમાં ક્યાંક એ 22.7 લાખ વિદ્યાર્થીઓ બેઠા છે, જેમણે એવી પરીક્ષા આપી જેના પ્રશ્નો તેમણે પેપર ખોલ્યું એ પહેલાં જ કથિત રીતે વેચાઈ ચૂક્યા હતા.

દલાલોની ધરપકડ થઈ શકે છે. કોચિંગ સેન્ટરો પર દરોડા પડી શકે છે. અધિકારીઓની બદલી થઈ શકે છે. વધુ ચુસ્ત સુરક્ષા વચ્ચે ફરી પરીક્ષા લઈ શકાય છે.

પરંતુ મંત્રી યથાવત્ રહે છે. અને વાક્ય હંમેશની જેમ કર્તા વિનાનું રહી જાય છેઃ પેપર લીક થયું, પરીક્ષા રદ્દ થઈ, મામલાની તપાસ થઈ. બધું કર્મણિ પ્રયોગમાં –  જાણે આમાંથી કશું કોઈએ કર્યું જ ન હોય અને એટલે કોઈ ચોક્કસ વ્યક્તિએ માફી માગવાની પણ જરૂર ન હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2026

Loading

...102030...47484950...607080...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved