Opinion Magazine
Number of visits: 10,221,523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાઓને પ્રજનન સંબંધી નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 July 2026

ચંદુ મહેરિયા

પિતૃસત્તાક સમાજમાં મહિલાને માણસ નહીં વસ્તુ માનવામાં આવે છે. પુરુષો માટે મહિલાઓ જાણે કે છોકરાં જણવાનું મશીન છે. ભારતમાં વસ્તી નિયંત્રણનો બોજ પણ મહિલાઓના માથે થોપી દેવામાં આવ્યો છે. સરકારો પણ પરિવાર નિયોજનના લક્ષ્યાંકો પૂરા કરવાની જવાબદારી મહિલાઓના માથે ઢોળે છે. અસલામત અને ખતરનાક પરિસ્થિતિઓમાં મહિલાઓના શરીરને વસ્તી નિયંત્રણના સાધન તરીકે ઉપયોગ કરીને તેમના પર પરિવાર નિયોજનની સર્જરી કરવામાં આવે છે. ભારતના બંધારણે તો શું સ્ત્રી કે શું પુરુષ સૌને સમાન લેખ્યા છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. સ્ત્રીઓની આ હાલતમાં બંધારણીય જોગવાઈઓ અને તેને વશવર્તી અદાલતોના ચુકાદા તેમની સમાનતાનું સમર્થન કરે છે ત્યારે આશ્વસ્ત થવાય છે. સંવિધાન અને કોર્ટો સ્ત્રીઓની પ્રજનન સ્વાયત્તતા સ્થાપિત કરે છે. મહિલાઓને તેમનાં શરીર અને પ્રજનન સંબંધી નિર્ણય, સ્વતંત્રપણે તેમ જ કોઈની ય દખલ વિના લેવાનો પૂર્ણ અધિકાર છે. બંધારણના આર્ટિકલ ૨૧થી આ અધિકાર સંરક્ષિત છે. 

કર્ણાટક હાઈકોર્ટે એક દુર્લભ કેસમાં મહિલાના સર્વોત્તમ હિતમાં ચુકાદો આપી ફરી એક વાર ન્યાયની આશા જગવી છે. સંપૂર્ણ પરાવલંબી ૨૩ વર્ષીય એક યુવતી ગંભીર માનસિક અને વિકાસાત્મક અક્ષમતાઓ ધરાવે છે. તેમની વય તો ૨૩ની છે પરંતુ બુદ્ધિ અને શરીરની વય માંડ પાંચ વરસની છે. ૭૫ ટકા કાયમી વિકલાંગતા ધરાવે છે. ૧૩ વરસથી ખેંચ અને વાઈની દવા પર નભે છે. સેરેબ્રલ પાલ્સીપીડિત યુવતી ઉમરના પ્રમાણમાં શરીર અને બૌદ્ધિક ક્ષમતાએ અવિકસિત છે. દર મહિને તેને માસિક તો આવે છે. પણ તેની સ્વચ્છતાની તેને કોઈ સમજ નથી. તેને કારણે તેના શરીરમાં ચેપ લાગે છે અને આરોગ્ય વિષયક ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. તેનાં માતા-પિતા અને વાલી તેની સંભાળ તો બહુ રાખે છે, પરંતુ કેટલીક બાબતો સંભાળવી તેમના માટે પણ બહુ મુશ્કેલ છે. 

શારીરિક-માનસિક રીતે અવિકસિત અને અક્ષમ આ યુવતીના ગર્ભાશયને જો સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવે તો, તેને માસિકને કારણે દર મહિને જન્મતી પીડા અને આરોગ્યની સંભાળમાંથી છૂટકારો આપી શકાય. આ માટે તેમણે અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. વ્યક્તિ સ્વયં તેના આરોગ્ય સંબંધી નિર્ણય લેવા સક્ષમ ન હોય ત્યારે માતા, પિતા, વાલી અને તબીબો કોર્ટ સમક્ષ અરજ કરે છે. આવા અક્ષમ વ્યક્તિના સંરક્ષકની ભૂમિકા રાજ્ય અને અદાલતોની છે. તબીબી વિજ્ઞાનનો નિયમ તો દર્દીને સર્જરીના હેતુ, લાભાલાભ અને જોખમ સમજાવી તેની લેખિત સંમતિ મેળવવાનો છે. પરંતુ દર્દી ખુદ આ માટે અક્ષમ હોય તો તે કામ તેના વાલી-વારસોએ કરવું પડે છે. માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવામાં આવે છે, એટલે પણ કડક કાયદાકીય જોગવાઈઓ કરવી પડી છે. RAIGHT OF PERSONS WITH DISABILITIES ACT, 2016ની એક કલમમાં વિકલાંગ વ્યક્તિની સહમતિ વિના તેની પ્રજનન ક્ષમતાને કાયમી અસર કરે તેવી સારવાર કે સર્જરી તેની સહમતી વિના ન કરવાની જોગવાઈ છે. 

બંધારણીય જોગવાઈઓ, કાયદાની કલમો અને વકીલોની દલીલો પરથી હાઈકોર્ટે ટોટલ એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી(પેટ ચીરીને ગર્ભાશય કાઢવાની શસ્ત્રક્રિયા)ની મંજૂરી આપી છે. અદાલતે આ માટે બહુ વિષયક નિષ્ણાતોના મેડિકલ બોર્ડની રચના કરી તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલાના સર્વોત્તમ હિત, લાંબાગાળાના કલ્યાણના રક્ષણ, સલામતી, તેના આરોગ્ય અને ગરિમા માટે આવશ્યક હોઈ આ અનુમતી આપી છે. આ ચુકાદો માત્ર એક વ્યક્તિના હિતનો નથી તે દૂરગામી અસરો પણ જન્માવશે. 

સામાન્ય રીતે માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય નાબૂદીના નહીં પણ તે યૌન હિંસાનો ભોગ બની ગર્ભવતી બની હોય તો ગર્ભપાતના ન્યાયિક વિવાદના કેસો અદાલતો સમક્ષ વધુ આવે છે. ૨૦૨૪માં ગુજરાતની વડી અદાલતે માત્ર ૧૫ વરસની માનસિક વિકલાંગતાગ્રસ્ત આદિવાસી છોકરીને ૨૮ સપ્તાહના ગર્ભપાતની અસાધારણ સંજોગોમાં મંજૂરી આપી હતી. ૨૦૦૯ના સુચિતા શ્રીવાસ્તવ વિરુદ્ધ ચંદીગઢ પ્રશાસનના કેસમાં નજીવી માનસિક વિકલાંગ બળાત્કારપીડિતાએ ગર્ભમાં રહેલા બાળકને રાખવાની પસંદગી કરતાં સર્વોચ્ચ અદાલતે તેની પસંદગી માન્ય રાખી હતી. ૨૦૨૦માં ઓડિસા હાઈકોર્ટે તબીબી જોખમના અહેવાલના આધારે બળાત્કારપીડિતાને ૨૪ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપી નહોતી. પરંતુ તેની દેખભાળ અને વળતર સુનિશ્ચિત કર્યા હતા. આ ચુકાદાઓ મહિલાઓને શરીર સંબંધી નિર્ણય લેવામાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપે છે.

ઘણીવાર સમાજના આર્થિક સામાજિક નબળા વર્ગની મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવાના બનાવો બને છે. મહારાષ્ટ્રમાં માસિક અને અન્ય તકલીફોને કારણે મહિલાઓને શેરડી કામદાર તરીકે કામે રાખતા નહોતા, તેથી આશરે ૧૩,૦૦૦ મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં માસિક સંબંધી શારીરિક તકલીફોના ઈલાજ મટે ગયેલી આદિવાસી મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. તેનું કારણ તેઓ મજૂરીમાંથી હવે રજા ન લે તે હતું. મહિલાઓની પરિવાર નિયોજન શસ્ત્રક્રિયામાં પણ તેમની સાથે બળજબરી થાય છે કે અસલામત વાતાવરણમાં સર્જરી થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મહિલાને તેના અધિકારો માટે ખબર હોતી નથી અને સરકારી તંત્ર તેમના પર બળજબરીથી નિર્ણયો થોપે છે અને નસબંદીના લક્ષ્યાંકો ઊંચા દર્શાવે છે.

મધ્ય પ્રદેશમાં બે વરસ પહેલાં પરણેલું એક શ્રીમંત દંપતી કોઈ મુદ્દે વિવાદ થતા છૂટું પડ્યું. એકલી રહેતી પત્નીના ગર્ભમાં બાળક હતું.પરંતુ તે ૧૩ મહિનાના ગર્ભનો નિકાલ કરવા માંગતી હતી. પતિ તે માટે સંમત નહોતો. આ બાબતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગર્ભ રાખવા ના રાખવાની સંપૂર્ણ ઇચ્છા મહિલાની છે અને તેમાં પતિની દખલ પણ સ્વીકાર્ય નથી તેમ કઃઈ ગર્ભપાતની મંજૂરી આપી હતી. કલકત્તા હાઈકોર્ટે ૪૯ વરસના પત્ની અને ૫૭ વરસના પતિને આઈ.વી.એફ.થી બાળક મેળવવાની  મંજૂરી આપી હતી. પતિ-પત્નીની વધુ ઉંમર અને પતિની ઉંમર તો આઈ.વી.એફ.થી બાળક મેળવવાની મહત્તમ ઉમર ૫૫ વરસને વટાવી ગયાની દલીલ કરીને હોસ્પિટલે તેની સારવારનો નન્નો ભણ્યો હતો. પરંતુ વડી અદાલતે મહિલા ગર્ભ ધારણ કરવા શારીરિક રીતે સક્ષમ હોઈ તેને પ્રજનનના અધિકારથી વંચિત રાખી શકાય નહીં તેમ જણાવી મંજૂરી આપી હતી. 

બંધારણીય જોગવાઈઓ અને અદાલતોના ઉદાર તથા પ્રગતિશીલ વલણને જરૂર આવકારીએ, વખાણીએ. પરંતુ સમાજનું વલણ તો રૂઢિચૂસ્ત જ છે. માતૃત્વ, પ્રજનન, ગર્ભપાત અને સ્ત્રીના શરીર સંબંધી નિર્ણયોનો અધિકાર કાં તો ઘરના વડીલો કે પતિને જ હોય તેમ સમાજ વર્તે છે. બહુ થોડા લોકો પોતાના અધિકારો માટે અદાલતો પાસે જઈ શકે છે. એટલે પ્રગતિશીલ કાયદાકીય જોગવાઈઓ સાથે સમાજનું પિતૃસત્તાક માનસ બદલાય તો જ મહિલાઓને તેમના ઉચિત હક મળી શકે. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

અમદાવાદમાં પણ ચાલ્યો જંતરમંતરનો જાદુ : સરસ વ્યૂહરચના સાથે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 July 2026

અમદાવાદની એમ.જે. લાઈબ્રેરીની બહારના ધમધમતા રસ્તા પર આજે સાંજે યુવક-યુવતીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પોલીસે 150 જેટલાં દેખાવકારોની અટકાયતો કરી. તેમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત આધેડ વયનાં થોડાંક સ્ત્રી-પુરુષ નાગરિકો પણ હતાં.

યુવાનોએ કરેલી વ્યૂહરચના ગજબની હતી. વિરોધ સ્થળે જુદી જુદી બાજુથી યુવાઓની ટુકડીઓ ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’, ‘મોદી તેરી તાનાશાહી, નહીં ચલેગી નહી ચલેગી’,’ સરકાર હમસે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ’, ‘ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તિફા દો, ઇસ્તિફા દો’ જેવા નારા સાથે આવતા હતા. પોલીસ વી.એસ. હૉસ્પિટલ બાજુથી આવતા એક જૂથને ડિટેઈન કરતી હોય, ત્યાં બી.એમ. ઇન્સ્ટિટ્યૂટના નવા સંકુલની ફૂટપાથ પરથી બીજી ટુકડી આવે. વળી થોડી વારે એમ.જે.ની સામેના ફૂટપાથ પરથી ટુકડી આવે, ક્યાંક એમ.જે. ગલીને સમાંતરે આવેલી ગલીમાંથી આવે. સમૂહ ક્યારે ય એક જગ્યાએ એકઠો ન થતો હતો, કે ન પોલીસ એને થવા દેતી હતી. સમગ્ર વિરોધ-પ્રદર્શન આ રીતે પ્રવાહી હતું. કૉસ્મોપૉલિટન યુવાઓની હાજરી ધ્યાનપાત્ર હતી, દલિત અને મુસ્લિમ સમૂહો હતા. યુવાઓને ટેકો આપવા માટે થોડાંક વડીલ કર્મશીલ ભાઈ-બહેનો હતાં. 

પુષ્કળ પોલીસ અને તેના વાહનો તો હતાં જ, પણ આઈ.જી. કક્ષાના એક આધિકારી પણ મોટા ભાગનો સમય હાજર હતા. એ હકીકત દેખાવોની તાકાત બતાવે છે. વાદળઘેરી ઉકળાટભરી સમી સાંજે પીક અવર્સના આ વિરોધ પ્રદર્શનને કારણે અમદાવાદની, ગુજરાતની છબિ ઉજળી થઈ.

આ વિરોધ-પ્રદર્શનની અન્ય બે નોંધપાત્ર બાબતો પણ હતી. એક તો એ કે દેખીતી રીતે કોઈ પણ સંગઠનનાં નેજા વિના, વરિષ્ટ આગેવાનોની દોરવણી વિના આ દેખાવો થયા. તેના પોસ્ટરમાં પણ આયોજક તરીકે કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ ન હતું. બીજી વાત, અમદાવાદમાં નાગરિકતા બિલ સામે થયેલાં વિરોધ પછી સાત-આઠ વર્ષે પછી આટલી મોટી સંખ્યામાં વિરોધકો ધરાવતું વિરોધ-પ્રદર્શન થયું. 

પોલીસ રાબેતા મુજબ ટુકડીના દેખાવકારોને જોરજબરદસ્તી અટકાયતમાં લઈને નાનાં-મોટાં વાહનોમાં બેસાડતી હતી. પણ તે તે છૂટાછવાયાં ફરતાં એક, બે કે ત્રણને સુધ્ધા લઈ જતી હતી. પોલીસ કોઈ પોસ્ટર અને તેને બતાવનારને ટકવા દેતી ન હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા લઈને ફરતા બે યુવકોને પણ પોલીસે અટકાયતમાં લીધા. એક વખત હદ થઈ. એક યુવક અને યુવતીએ થેલીમાંથી હજુ તો પોસ્ટર પૂરું બહાર કાઢ્યું ન હતું, ત્યાં પોલીસવાળા તેમને ખેંચીને એમ.જે. લાઈબ્રેરીના ફૂટપાથ પરથી થઈને સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લઈ ગયાં. 

સવારે લૉ ગાર્ડન અને પરિમલ ગાર્ડન પાસે નાના સમૂહોએ કરેલા દેખાવોમાં પણ પોલીસે તરત જ ધરપકડ કરી હતી : https://theprint.in/india/protests-in-various-cities-of-gujarat-to-support-cjp-march-and-wangchuk-150-detained-in-ahmedabad/2991634/ સારંગપુરમાં ડૉ. આંબેડકરના પૂતળા પાસે છ દલિત સંગઠનોએ કરેલાં દેખાવોમાં પણ પોલીસે અટકાયત કરી તેના વીડિયો જોવા મળ્યાં: https://www.youtube.com/shorts/6-RZ51csvA4 આ લખનાર અને તેના એક સાથી અધ્યાપક સાથે એક વાગ્યાના સુમારે ત્યાં પહોંચ્યા ત્યારે માત્ર પોલીસની ગાડીઓ હતી. 

જાહેરજીવનના આવા વિરોધ પ્રસંગે હાજર રહેવામાં લોકશાહી દેશના નાગરિક તરીકેનો અહમ્‌ થોડોક સંતોષાય છે, અને ઝાઝો ઘવાય છે. લોકશાહીમાં થઈ રહેલાં પારોઠના પગલાંના દરેક વર્ષની સાથે ઘા વધુ તીવ્ર બને છે. નાગરિક તરીકે આપણે એકઠા પણ ન થઈ શકીએ, નારા પણ ન બોલાવી શકીએ, કોઈ પણ પ્રકારનો વિરોધ દબાવી દેવામાં આવે તે ખૂબ કઠતું હોય છે. જે યુવતીને તેનું પોસ્ટર કાઢવા પણ ન દીધું, તે યુવતી વીફરેલી વાઘણ જેવી આક્રમક થઈ ગઈ. તે ખૂબ ક્રોધ અને આક્રોશથી કહેતી હતી : Why can’t we do this ? This is our right…’  એવી રીતે વીફરવાનું મન સહુને થાય. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી દેવેન્દ્ર પ્રધાનના રાજીનામા અને દેશની અત્યંત કથળેલી શિક્ષણ વ્યવસ્થા માટે શાસકોના વિરોધ સાથેના ઉપરોક્ત દેખાવો બિલકુલ નવલોહિયાં યુવતીઓ અને યુવકોએ અમદાવાદના નિસબત ધરાવતા સહુ નાગરિકોને ગૌરવ થાય તે રીતે પાર પાડ્યાં. તે સહુને સલામ. ઇન્કલાબ ઝિંદાબાદ !

‌—————————————————————-
ફોટોગ્રાફ સૌજન્ય : એક મિત્ર / કોલાજ સૌજન્ય : સંજના
20 જુલાઈ 2026
e.mail : sanjaysbhave@yahoo.com

https://www.theguardian.com/world/gallery/2026/jul/20/india-cockroach-party-supporters-march-on-parliament-new-delhi

Loading

ભૂખ્યા યૌવનનો વિચારાગ્નિ જાગશે : જંતરમંતર પર યુવાનોની ભૂખ હડતાલ 

સંકલન : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 July 2026

નેહા બોરા

જંતરમંતર પર ભૂખ હડતાલ પર ઊતરેલાં સહુમાં વિદ્યાર્થી-આગેવાન નેહા બોરાની પરિસ્થિતિ સહુથી ચિંતાજનક છે. વીસ દિવસથી માત્ર પાણી પર જીવી રહેલાં ઉત્તરાખંડની નેહા બોરા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિની ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટસ અસોસિએશનની પ્રમુખ છે. તેની સાથે તેના સંગઠનના, ઉત્તર પ્રદેશના આમીન અને પંજાબના મનીષ પણ પહેલેથી જ ઉપવાસ પર છે. તેઓ અનુક્રમે અલ્લાહબાદ અને પંજાબ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહ્યા છે. 

વાલીઓ–ટેકેદારોના દુઆ–સલામ મેળવતી, આડી પડીને ધીમા અવાજે માધ્યમો સાથે વાત કરતી, અશક્તિને કારણે સાથીઓના ટેકે ચાલતી, ચહેરા પર નબળાઈ કે હતાશાની જગ્યાએ, અવામપરસ્તીના આંતરિક આતશથી પ્રકાશતી નેહાના સંખ્યાબંધ વિડીયોઝ મળે છે. જો કે આંદોલનકારીઓની તબિયત જોવા આવેલાં દિલ્હીના ડૉ. તિલોપાએ નેહાની તબિયતને ‘મોસ્ટ ક્રિટિકલ’ ગણાવી. મુંબઈના ડૉ.અંજલિ શર્માને ટાંકતા પત્રકાર ઝીશાન અખ્તર લખે છે :  डॉ. अंजलिने कहा – नेहा के साथ कुछ भी हो सकता है. कोमा में जा सकती हैं या जान जा सकती है. एक लड़की के तौर पर नेहा के लिए भूखे रहना ज्यादा चुनौतीपूर्ण साबित हो सकता है. नतीजे भविष्य के लिए बेहद खतरनाक साबित हो सकता हैं.

નેહાએ એક વીડિયોમાં જણાવ્યું કે ભૂખ-હડતાલિયાં તમામ બાવીસ યુવા માત્ર બે-બે કલાકે મીઠાનું પાણી પીને જીવી રહ્યાં છે. ગરમી છે, ઉકળાટ છે, ડિહાઈડ્રેશન થાય છે. વરસાદમાં મંડપના ખૂણા પરના લોકો એમનાં કરતાં વધુ ભીંજાયા. ઉનો કે ચેસ રમાય છે. બોરડમ છે, કેમ કે ખાવાનું નથી એટલે શક્તિ નથી એટલે કશી પ્રવૃત્તિ નથી. ‘भूख बहुत मुश्किल चीज होती है’ 

 ‘अगर जिंदा रहे तो ’ એમ કહીને, નેહા હડતાલ પૂરી થાય પછી ખાવાની વસ્તુઓની યાદી બનાવે છે, કેમ કે ‘ખાને કી મેમરી સસ્ટેન કર રહી હૈ’. એને રસદાર સફરજન યાદ આવે છે, તેમનામાંથી એકને કેરી તો બીજાને લસ્સી. અભ્યાસ માટે બાર વર્ષથી ઘરથી બહાર રહેતી નેહાએ તેની ભૂખ-હડતાળ અંગે ઘરે જણાવ્યું નથી, ફોન પર મમ્મી અને ભાઈ સાથે રોજ વાત થાય છે, જો કે હવે ખબર પડી ગઈ હશે એમ તે માને છે. જો કે ‘मम्मी को पता चल जाती  हैं चीजे’. નેહાનો સંશોધનનો વિષય થિએટર ઍન્ડ પર્ફોર્મન્સ સ્ટડીઝ’ છે.

‘ધ વાયર’ પોર્ટલના રોહિત કુમાર સાથે વાત કરતાં નેહાએ કહ્યું : ‘સરકાર જે કેટલાંક પ્રશ્નો અંગે વિચાર કરે છે તેમાં શિક્ષણ અને આ દેશના યુવાવર્ગના ભવિષ્યનો સમાવેશ નથી. અમે અહીં સરકારના અંતરાત્માને – જો તેને અંતરાત્મા હોય તો – ડંખવા ભૂખ્યાં નથી રહ્યાં, અમે એવા લોકોના માંહ્યલાને ઢંઢોળવા બેઠાં છીએ કે જેમને સરકારે એવી કંઈક તાલીમ આપી છે તે લોકો દરેક વ્યક્તિને પોતાના જેવાં જ સુખદુ:ખ અનુભવતાં માનવીઓ તરીકે જોવાને બદલે જાતિ, ધર્મ અને જેન્ડરથી જુએ છે. એવા લોકોને તેમના દેશવાસીઓની સાથે ઊભા રહેવાની હિમ્મત મળે તે માટે અમે અહીં આવ્યાં છીએ.’ તેણે ધ્યાન દોર્યું કે ‘દરરોજ અહીં ચાલીસ–પચાસ લોકો અમને મળીને માફી માંગે છે.તેઓ કહે છે કે અમે ભારતીય જનતા પક્ષને મત આપ્યાં એટલે તમારે ભૂખ–હડતાળ પર ઊતરવું પડ્યું છે. આપઘાત કરનારા એક વિદ્યાર્થીના પિતાએ મને કહ્યું કે ભા.જ.પ. તેમના છોકરાને ખાઈ ગયો ત્યાં સુધી તેઓ પક્ષને ટેકો આપતા રહ્યા.’ રોહિત કુમાર લખે છે કે નેહાની હિમ્મત અને સાફ સમજ જોતાં સમજાય છે કે મોદી સરકારે જે.એન.યુ. જેવી યુનિવર્સિટીઓને નબળી પાડવા અને એકંદરે અનુદાનિત જાહેર શિક્ષણને કોરાણે મૂકવા માટે આટલી બધી મહેનત કરી છે. 

એક વીડિયોમાં નેહાએ કહ્યું કે સંગઠન ધર્મેન્દ્ર પ્રધાન 2021માં શિક્ષણ મંત્રી બન્યા ત્યારથી તેમનું સંગઠન પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓને પગલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગતું રહ્યું છે. એ કહે છે : ‘સરકાર ચુનેં, સરકાર યા તો અપને ભ્રષ્ટ ઇનકૅપેબલ મંત્રી કો ચુને યા તો દેશ કે આમ આવામ કી જિંદગી કો ચુને. સરકાર જો ફૈસલા કરેગી ઉસે હિસ્ટોરિકલી જજ કિયા જાયેગા. અપને એક ભ્રષ્ટ ઔર ઇનકૅપેબલ મંત્રી કો બચાને કે લિએ, અપની ગૈરલોકતાંત્રિક સમજદારી  કો  ડિફેન્ડ કરને કે લિએ યહાં પે બૈઠે અગર વો યહાં પે બૈઠે બાઈસ લોગોં કી જાને લે સકતી હૈ તો વહ ઉસકે લિએ એક કૉમેન્ટ હૈ. યહ સ્ટુડન્ટ્સ કી લડાઈ હૈ, વો અપની લડાઈ લડેંગે, જહાં તક ચલેગી વહાં તક લડેંગે. યા તો ઍમ્બુલન્સ યહાં સે ઉઠાકર લે જાયેગી યા ધર્મેન્દ્ર પ્રધાન ઉઠેંગે અપની કુર્સી સે.’ 

‘વેબદુનિયા’ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ સામાન્ય પરિવારની નેહાએ સમાજશાસ્ત્રની પદવીઓ દિલ્હી અને આંબેડકર યુનિવર્સિટીમાંથી મેળવી છે. સંખ્યાબંધ વીડીઓઝમાં તે વર્ણવ્યવસ્થા, શિક્ષણના ખાનગીકરણ, મૉબ લિન્ચિન્ગ, બિલ્કિસ બાનુ કેસ, ગાઝાની દુર્દશા જેવા વિષયો પર પ્રખર ભાષણ આપે છે. તેના તાજેતરના બે તેજાબી વીડિયોઝમાં તે ઉત્તર પ્રદેશમાં પેપરલિકના બનાવો અને સી.બી.એસ.સી.ની પરીક્ષામાં મૂલ્યાંકનમાં ગડબડ તેમ જ  તે મુદ્દે અવાજ ઊઠાવનાર બારમા ધોરણના વેદાન્ગ તેમ જ બીજા વિદ્યાર્થીઓ પર દેશદ્રોહી અને પાકિસ્તાની કહીને થયેલા કીચડઊછાળ પર છે. 

ઝીશાન લખે છે : नेहा 19 दिन से पानी पीकर जिंदा हैं. या कहें मौत की ओर कदम बढ़ा रही हैं.
नेहा फिर भी डटी हैं. नेहा को आखिर क्या पड़ी थी, जे.एन.यू. जैसी जगह से पीएच.डी. पूरी होती तो देश दुनिया में कहीं भी बढ़िया नौकरी पा लेतीं …. लेकिन नेहा ने भूखे रहना चुना. किसके लिए? देश के लिए भविष्य की खातिर… छात्रों और उनकी शिक्षा की खातिर…जवाबदेही तय करने की खातिर… कुछ बदले न बदले… जिंदा होने का सबूत देने की खातिर.नेहा के लिए दुआ करें.

નેહાના સાથીઓ આમીન અને મનીષને પણ બોલી-ચાલી ન શકે એટલી અશક્તિ આવી છે. ત્રણેયનું વજન દસેક કિલો ઊતરી ગયું છે. તેમના શરીરમાં ketosis નામની ખૂબ જોખમકારક સ્થિતિ ઊભી થઈ છે, એમ ડૉ. તિલોપા જણાવે છે.

બંને યુવાનો વતી જામિયા મિલિયા યુનિવર્સિટીનો સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી અને તેમનો સંગઠનનો સાથી વાત કરે છે. તે કહે છે કે ભારતની ઉત્તમ સંસ્થાઓના આ તેજસ્વી સંશોધકો અહીં છે. આમીન અર્બન સ્ટ્ડીઝમાં અને મનીષ રાજ્યશાસ્ત્રમાં સંશોધન કરી રહ્યા છે. 

એક વીડિયોમાં મનીષ વિરોધ સ્થળે પાણી, ટૉઈલેટ, પ્રવેશ વગેરેમાં સરકારની આડોડાઈની વાત કરે છે. તે પહેલાં તે કહે છે : ‘या तो ईसतिफा लेके जायेगे या अॅम्ब्युलेन्स में जायेगे’  

આમીન કહે છે : ‘હમેં લગતા હૈ કી હમારે દેશ કો હમારી કોઈ વૅલ્યુ નહીં હૈ, યહાં જી કે ક્યા કરે હમ યે સોચકર આયે થે.’

ભૂખ-હડતાળ પર ઊતરેલા યુવાઓના પરિવારોની સ્થિતિ ખૂબ અઘરી બને છે. સૈયદ જણાવે છે કે આમીનની બહેન જંતર મંતર પર જ રોકાઈ છે, અને તેનાં માતાપિતા દરરોજ આવે છે. મનીષના પરિવારજનો પણ આવતાં રહે છે. નેહાના પરિવાર માટે મુસાફરી કરીને આવવું મુશ્કેલ છે. 

આ ત્રણના સંગાથમાં, લખનૌ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહેલાં મનીષનાં પત્ની સીમા છે જે સવારે દસ વાગ્યે આવીને મોડી સાંજે પરત જાય છે. તે ઉપવાસ પર નથી પણ વોલંટિયર તરીકે સેવા આપે છે. તે કહે છે કે ખાવાના શોખીન મનીષે વીસ દિવસથી કંઈ જ ખાધું નથી ! મનીષ સાથે ઘરેથી ફોન વાત કરતાં મા અને દાદી રડી પડે છે, પિતા તેને માત્ર તબિયત સાચવવાનું કહે છે.

વધુ ને વધુ નાગરિકો લાંબા-ટૂંકા ઉપવાસ કરીને ટેકો આપે છે. ત્રણ કે તેથી વધુ વિરોધ ભૂખ્યાં રહેનારાં યુવાઓનાં હાથથી લખેલાં નામોની યાદીનું પોસ્ટર વિરોધ-સ્થળે જોવા મળે છે. ઘણાં 16 જુલાઈની એક દિવસની સામુહિક હડતાળમાં જોડાયાં હતાં. કેટલાંક ટેકેદારો તેમના ઘરે ભૂખ-હડતાલ રાખીને તેના વીડિયોઝ મૂકે છે. 

ગુજરાતના ત્રણ યુવાનો અને એક યુવતી પણ કેટલાક દિવસ માટે ભૂખ-હડતાલ પર હતાં. નોકરિયાત યુવતી કપાતા પગારે રજા લઈને આવ્યાં હતાં. તેઓની વાતમાં મુદ્દા હતા –  વાંગચૂકની મહાનતા, દેશની કથળેલી સ્થિતિ, શિક્ષણની દુર્દશા અને ગુજરાતના લોકોનો જાહેર જીવનથી અલગાવ. બી.બી.સી. ગુજરાતીના આર્જવ પારેખે આ ચારેય વીરલાઓનો બનાવેલા વીડિયોની લિન્ક : https://www.facebook.com/reel/1061293709897691 

ગાઝિયાબાદની ખાનગી શાળાનાં શિક્ષિકા શીતલ તેમની નોકરીમાંથી રાજીનામું આપીને વિરોધમાં જોડાયાં છે. તેમણે વાંગચૂક સાથે જ ઉપવાસ શરૂ કર્યાં, પણ પંદરમા દિવસે તેમની તબિયત લથડી, ઊલટીઓ શરૂ થઈ અને બ્લડ પ્રેશર ખૂબ નીચે જતું રહ્યું. 

ટૂંકી મુદ્દતની ભૂખ-હડતાળ કરનારાંમાંથી કેટલાંક છે : સર્વોચ્ચ અદાલતના વકીલ સૌરભ યાદવ, મુઝફ્ફરનગરના ખેડૂત અમીત કુમાર નીતી, દિલ્હીના પુસ્તક-વિક્રેતા રાજ કુમાર વર્મા, આઈ.ટી. પ્રોફેશનલ યશ મિશ્રા, પ્રવાસી ફારુખ ખાન અને અન્ય. 

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા અમીત કુમારને તેમના દીકરાએ આંદોલનનું મહત્ત્વ સમજાવીને જંતર મંતર પર મોકલ્યા. તેઓ કહે છે : ‘આ લડાઈ માત્ર અત્યારના વિદ્યાર્થીઓ માટે નથી, એ આવતી પેઢીઓ માટે અને દેશના ભવિષ્ય માટે છે. 

જાણીતા અંગ્રેજી કવિ વિલિયમ વડ્ર્ઝવર્થ જુલાઈ 1789ની ફ્રેન્ચ ક્રાન્તિ વખતે ફ્રાન્સમાં હતા. સ્વાતંત્ર્ય-સમાનતા-બંધુતાના જુવાળથી ભાવવિભોર થયેલાં અઢાર વર્ષના ‘ક્રાન્તિમુગ્ધ’  કવિએ લખ્યું :

Bliss was it in that dawn to be alive,

But to be young was very heaven!

[માનવ સંસ્કૃતિની] એ પ્રભાતમાં જીવવું તો ધન્ય છે, પણ તેમાં ય યુવાન હોવું તો સ્વર્ગસમું છે. 

દિલ્હીના જંતરમંતરના યૌવનધન્ય માહોલ વિશે ઈન્ટરનેટ પર જોતાં-વાંચતાં વડ્ર્ઝવર્થની પંક્તિઓ અચૂક યાદ આવે છે. આ મહોલની કેટલીક શાબ્દિક ઝલક માટે વધુ આવતી કાલ સોમવારે. 

કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
19 જુલાઈ 2016 
(1,300 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...46474849...607080...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved