જંતરમંતર પર ભૂખ હડતાલ પર ઊતરેલાં સહુમાં વિદ્યાર્થી-આગેવાન નેહા બોરાની પરિસ્થિતિ સહુથી ચિંતાજનક છે. વીસ દિવસથી માત્ર પાણી પર જીવી રહેલાં ઉત્તરાખંડની નેહા બોરા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિની ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટસ અસોસિએશનની પ્રમુખ છે. તેની સાથે તેના સંગઠનના, ઉત્તર પ્રદેશના આમીન અને પંજાબના મનીષ પણ પહેલેથી જ ઉપવાસ પર છે. તેઓ અનુક્રમે અલ્લાહબાદ અને પંજાબ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહ્યા છે.
વાલીઓ–ટેકેદારોના દુઆ–સલામ મેળવતી, આડી પડીને ધીમા અવાજે માધ્યમો સાથે વાત કરતી, અશક્તિને કારણે સાથીઓના ટેકે ચાલતી, ચહેરા પર નબળાઈ કે હતાશાની જગ્યાએ, અવામપરસ્તીના આંતરિક આતશથી પ્રકાશતી નેહાના સંખ્યાબંધ વિડીયોઝ મળે છે. જો કે આંદોલનકારીઓની તબિયત જોવા આવેલાં દિલ્હીના ડૉ. તિલોપાએ નેહાની તબિયતને ‘મોસ્ટ ક્રિટિકલ’ ગણાવી. મુંબઈના ડૉ.અંજલિ શર્માને ટાંકતા પત્રકાર ઝીશાન અખ્તર લખે છે : डॉ. अंजलिने कहा – नेहा के साथ कुछ भी हो सकता है. कोमा में जा सकती हैं या जान जा सकती है. एक लड़की के तौर पर नेहा के लिए भूखे रहना ज्यादा चुनौतीपूर्ण साबित हो सकता है. नतीजे भविष्य के लिए बेहद खतरनाक साबित हो सकता हैं.
નેહાએ એક વીડિયોમાં જણાવ્યું કે ભૂખ-હડતાલિયાં તમામ બાવીસ યુવા માત્ર બે-બે કલાકે મીઠાનું પાણી પીને જીવી રહ્યાં છે. ગરમી છે, ઉકળાટ છે, ડિહાઈડ્રેશન થાય છે. વરસાદમાં મંડપના ખૂણા પરના લોકો એમનાં કરતાં વધુ ભીંજાયા. ઉનો કે ચેસ રમાય છે. બોરડમ છે, કેમ કે ખાવાનું નથી એટલે શક્તિ નથી એટલે કશી પ્રવૃત્તિ નથી. ‘भूख बहुत मुश्किल चीज होती है’
‘अगर जिंदा रहे तो ’ એમ કહીને, નેહા હડતાલ પૂરી થાય પછી ખાવાની વસ્તુઓની યાદી બનાવે છે, કેમ કે ‘ખાને કી મેમરી સસ્ટેન કર રહી હૈ’. એને રસદાર સફરજન યાદ આવે છે, તેમનામાંથી એકને કેરી તો બીજાને લસ્સી. અભ્યાસ માટે બાર વર્ષથી ઘરથી બહાર રહેતી નેહાએ તેની ભૂખ-હડતાળ અંગે ઘરે જણાવ્યું નથી, ફોન પર મમ્મી અને ભાઈ સાથે રોજ વાત થાય છે, જો કે હવે ખબર પડી ગઈ હશે એમ તે માને છે. જો કે ‘मम्मी को पता चल जाती हैं चीजे’. નેહાનો સંશોધનનો વિષય થિએટર ઍન્ડ પર્ફોર્મન્સ સ્ટડીઝ’ છે.

‘ધ વાયર’ પોર્ટલના રોહિત કુમાર સાથે વાત કરતાં નેહાએ કહ્યું : ‘સરકાર જે કેટલાંક પ્રશ્નો અંગે વિચાર કરે છે તેમાં શિક્ષણ અને આ દેશના યુવાવર્ગના ભવિષ્યનો સમાવેશ નથી. અમે અહીં સરકારના અંતરાત્માને – જો તેને અંતરાત્મા હોય તો – ડંખવા ભૂખ્યાં નથી રહ્યાં, અમે એવા લોકોના માંહ્યલાને ઢંઢોળવા બેઠાં છીએ કે જેમને સરકારે એવી કંઈક તાલીમ આપી છે તે લોકો દરેક વ્યક્તિને પોતાના જેવાં જ સુખદુ:ખ અનુભવતાં માનવીઓ તરીકે જોવાને બદલે જાતિ, ધર્મ અને જેન્ડરથી જુએ છે. એવા લોકોને તેમના દેશવાસીઓની સાથે ઊભા રહેવાની હિમ્મત મળે તે માટે અમે અહીં આવ્યાં છીએ.’ તેણે ધ્યાન દોર્યું કે ‘દરરોજ અહીં ચાલીસ–પચાસ લોકો અમને મળીને માફી માંગે છે.તેઓ કહે છે કે અમે ભારતીય જનતા પક્ષને મત આપ્યાં એટલે તમારે ભૂખ–હડતાળ પર ઊતરવું પડ્યું છે. આપઘાત કરનારા એક વિદ્યાર્થીના પિતાએ મને કહ્યું કે ભા.જ.પ. તેમના છોકરાને ખાઈ ગયો ત્યાં સુધી તેઓ પક્ષને ટેકો આપતા રહ્યા.’ રોહિત કુમાર લખે છે કે નેહાની હિમ્મત અને સાફ સમજ જોતાં સમજાય છે કે મોદી સરકારે જે.એન.યુ. જેવી યુનિવર્સિટીઓને નબળી પાડવા અને એકંદરે અનુદાનિત જાહેર શિક્ષણને કોરાણે મૂકવા માટે આટલી બધી મહેનત કરી છે.
એક વીડિયોમાં નેહાએ કહ્યું કે સંગઠન ધર્મેન્દ્ર પ્રધાન 2021માં શિક્ષણ મંત્રી બન્યા ત્યારથી તેમનું સંગઠન પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓને પગલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગતું રહ્યું છે. એ કહે છે : ‘સરકાર ચુનેં, સરકાર યા તો અપને ભ્રષ્ટ ઇનકૅપેબલ મંત્રી કો ચુને યા તો દેશ કે આમ આવામ કી જિંદગી કો ચુને. સરકાર જો ફૈસલા કરેગી ઉસે હિસ્ટોરિકલી જજ કિયા જાયેગા. અપને એક ભ્રષ્ટ ઔર ઇનકૅપેબલ મંત્રી કો બચાને કે લિએ, અપની ગૈરલોકતાંત્રિક સમજદારી કો ડિફેન્ડ કરને કે લિએ યહાં પે બૈઠે અગર વો યહાં પે બૈઠે બાઈસ લોગોં કી જાને લે સકતી હૈ તો વહ ઉસકે લિએ એક કૉમેન્ટ હૈ. યહ સ્ટુડન્ટ્સ કી લડાઈ હૈ, વો અપની લડાઈ લડેંગે, જહાં તક ચલેગી વહાં તક લડેંગે. યા તો ઍમ્બુલન્સ યહાં સે ઉઠાકર લે જાયેગી યા ધર્મેન્દ્ર પ્રધાન ઉઠેંગે અપની કુર્સી સે.’
‘વેબદુનિયા’ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ સામાન્ય પરિવારની નેહાએ સમાજશાસ્ત્રની પદવીઓ દિલ્હી અને આંબેડકર યુનિવર્સિટીમાંથી મેળવી છે. સંખ્યાબંધ વીડીઓઝમાં તે વર્ણવ્યવસ્થા, શિક્ષણના ખાનગીકરણ, મૉબ લિન્ચિન્ગ, બિલ્કિસ બાનુ કેસ, ગાઝાની દુર્દશા જેવા વિષયો પર પ્રખર ભાષણ આપે છે. તેના તાજેતરના બે તેજાબી વીડિયોઝમાં તે ઉત્તર પ્રદેશમાં પેપરલિકના બનાવો અને સી.બી.એસ.સી.ની પરીક્ષામાં મૂલ્યાંકનમાં ગડબડ તેમ જ તે મુદ્દે અવાજ ઊઠાવનાર બારમા ધોરણના વેદાન્ગ તેમ જ બીજા વિદ્યાર્થીઓ પર દેશદ્રોહી અને પાકિસ્તાની કહીને થયેલા કીચડઊછાળ પર છે.
ઝીશાન લખે છે : नेहा 19 दिन से पानी पीकर जिंदा हैं. या कहें मौत की ओर कदम बढ़ा रही हैं.
नेहा फिर भी डटी हैं. नेहा को आखिर क्या पड़ी थी, जे.एन.यू. जैसी जगह से पीएच.डी. पूरी होती तो देश दुनिया में कहीं भी बढ़िया नौकरी पा लेतीं …. लेकिन नेहा ने भूखे रहना चुना. किसके लिए? देश के लिए भविष्य की खातिर… छात्रों और उनकी शिक्षा की खातिर…जवाबदेही तय करने की खातिर… कुछ बदले न बदले… जिंदा होने का सबूत देने की खातिर.नेहा के लिए दुआ करें.
નેહાના સાથીઓ આમીન અને મનીષને પણ બોલી-ચાલી ન શકે એટલી અશક્તિ આવી છે. ત્રણેયનું વજન દસેક કિલો ઊતરી ગયું છે. તેમના શરીરમાં ketosis નામની ખૂબ જોખમકારક સ્થિતિ ઊભી થઈ છે, એમ ડૉ. તિલોપા જણાવે છે.
બંને યુવાનો વતી જામિયા મિલિયા યુનિવર્સિટીનો સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી અને તેમનો સંગઠનનો સાથી વાત કરે છે. તે કહે છે કે ભારતની ઉત્તમ સંસ્થાઓના આ તેજસ્વી સંશોધકો અહીં છે. આમીન અર્બન સ્ટ્ડીઝમાં અને મનીષ રાજ્યશાસ્ત્રમાં સંશોધન કરી રહ્યા છે.
એક વીડિયોમાં મનીષ વિરોધ સ્થળે પાણી, ટૉઈલેટ, પ્રવેશ વગેરેમાં સરકારની આડોડાઈની વાત કરે છે. તે પહેલાં તે કહે છે : ‘या तो ईसतिफा लेके जायेगे या अॅम्ब्युलेन्स में जायेगे’
આમીન કહે છે : ‘હમેં લગતા હૈ કી હમારે દેશ કો હમારી કોઈ વૅલ્યુ નહીં હૈ, યહાં જી કે ક્યા કરે હમ યે સોચકર આયે થે.’
ભૂખ-હડતાળ પર ઊતરેલા યુવાઓના પરિવારોની સ્થિતિ ખૂબ અઘરી બને છે. સૈયદ જણાવે છે કે આમીનની બહેન જંતર મંતર પર જ રોકાઈ છે, અને તેનાં માતાપિતા દરરોજ આવે છે. મનીષના પરિવારજનો પણ આવતાં રહે છે. નેહાના પરિવાર માટે મુસાફરી કરીને આવવું મુશ્કેલ છે.
આ ત્રણના સંગાથમાં, લખનૌ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહેલાં મનીષનાં પત્ની સીમા છે જે સવારે દસ વાગ્યે આવીને મોડી સાંજે પરત જાય છે. તે ઉપવાસ પર નથી પણ વોલંટિયર તરીકે સેવા આપે છે. તે કહે છે કે ખાવાના શોખીન મનીષે વીસ દિવસથી કંઈ જ ખાધું નથી ! મનીષ સાથે ઘરેથી ફોન વાત કરતાં મા અને દાદી રડી પડે છે, પિતા તેને માત્ર તબિયત સાચવવાનું કહે છે.
વધુ ને વધુ નાગરિકો લાંબા-ટૂંકા ઉપવાસ કરીને ટેકો આપે છે. ત્રણ કે તેથી વધુ વિરોધ ભૂખ્યાં રહેનારાં યુવાઓનાં હાથથી લખેલાં નામોની યાદીનું પોસ્ટર વિરોધ-સ્થળે જોવા મળે છે. ઘણાં 16 જુલાઈની એક દિવસની સામુહિક હડતાળમાં જોડાયાં હતાં. કેટલાંક ટેકેદારો તેમના ઘરે ભૂખ-હડતાલ રાખીને તેના વીડિયોઝ મૂકે છે.
ગુજરાતના ત્રણ યુવાનો અને એક યુવતી પણ કેટલાક દિવસ માટે ભૂખ-હડતાલ પર હતાં. નોકરિયાત યુવતી કપાતા પગારે રજા લઈને આવ્યાં હતાં. તેઓની વાતમાં મુદ્દા હતા – વાંગચૂકની મહાનતા, દેશની કથળેલી સ્થિતિ, શિક્ષણની દુર્દશા અને ગુજરાતના લોકોનો જાહેર જીવનથી અલગાવ. બી.બી.સી. ગુજરાતીના આર્જવ પારેખે આ ચારેય વીરલાઓનો બનાવેલા વીડિયોની લિન્ક : https://www.facebook.com/reel/1061293709897691
ગાઝિયાબાદની ખાનગી શાળાનાં શિક્ષિકા શીતલ તેમની નોકરીમાંથી રાજીનામું આપીને વિરોધમાં જોડાયાં છે. તેમણે વાંગચૂક સાથે જ ઉપવાસ શરૂ કર્યાં, પણ પંદરમા દિવસે તેમની તબિયત લથડી, ઊલટીઓ શરૂ થઈ અને બ્લડ પ્રેશર ખૂબ નીચે જતું રહ્યું.
ટૂંકી મુદ્દતની ભૂખ-હડતાળ કરનારાંમાંથી કેટલાંક છે : સર્વોચ્ચ અદાલતના વકીલ સૌરભ યાદવ, મુઝફ્ફરનગરના ખેડૂત અમીત કુમાર નીતી, દિલ્હીના પુસ્તક-વિક્રેતા રાજ કુમાર વર્મા, આઈ.ટી. પ્રોફેશનલ યશ મિશ્રા, પ્રવાસી ફારુખ ખાન અને અન્ય.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા અમીત કુમારને તેમના દીકરાએ આંદોલનનું મહત્ત્વ સમજાવીને જંતર મંતર પર મોકલ્યા. તેઓ કહે છે : ‘આ લડાઈ માત્ર અત્યારના વિદ્યાર્થીઓ માટે નથી, એ આવતી પેઢીઓ માટે અને દેશના ભવિષ્ય માટે છે.
જાણીતા અંગ્રેજી કવિ વિલિયમ વડ્ર્ઝવર્થ જુલાઈ 1789ની ફ્રેન્ચ ક્રાન્તિ વખતે ફ્રાન્સમાં હતા. સ્વાતંત્ર્ય-સમાનતા-બંધુતાના જુવાળથી ભાવવિભોર થયેલાં અઢાર વર્ષના ‘ક્રાન્તિમુગ્ધ’ કવિએ લખ્યું :
Bliss was it in that dawn to be alive,
But to be young was very heaven!
[માનવ સંસ્કૃતિની] એ પ્રભાતમાં જીવવું તો ધન્ય છે, પણ તેમાં ય યુવાન હોવું તો સ્વર્ગસમું છે.
દિલ્હીના જંતરમંતરના યૌવનધન્ય માહોલ વિશે ઈન્ટરનેટ પર જોતાં-વાંચતાં વડ્ર્ઝવર્થની પંક્તિઓ અચૂક યાદ આવે છે. આ મહોલની કેટલીક શાબ્દિક ઝલક માટે વધુ આવતી કાલ સોમવારે.
કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
19 જુલાઈ 2016
(1,300 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

