Opinion Magazine
Number of visits:
10183530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?

કિરણ કાપુરે|Opinion - Opinion|25 May 2026

નરસિમ્હા રાવ વડા પ્રધાન બન્યાના બે અઠવાડિયા બાદ જ દક્ષિણ મુંબઈના ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’ની તિજોરીમાંથી બંધ ગાડીઓમાં એક કાફલો રવાનો થયો. તેની ચારે બાજુ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત હતા. જાણે કોઈ સર્વોચ્ચ પદાધિકારીની સુરક્ષા હોય એ રીતે. લેખક વિનય સીતાપતીએ નરસિમ્હા રાવનું જીવનચરિત્ર ‘હાફ લાયન : હાઉ નરસિમ્હા રાવ ટ્રાન્સફર્ડ ઇન્ડિયા’માં લખ્યું છે કે, ‘આ ગાડીઓમાં 21 ટન સોનું મૂકવામાં આવ્યું હતું. આ કાફલો 35 કિલોમીટરના અંતરે સહારા એરપોર્ટ પર જઈને થોંભ્યો. જ્યાંથી તેને લઈ જવા માટે હેવી લિફ્ટ કારગો એયરલાઇન્સ વિમાન ઊભું હતું. આ સોનાને લંડન પહોંચાડીને ‘બેંક ઑફ ઇંગ્લેન્ડ’ના તિજોરીમાં મૂકવામાં આવ્યું. તેના બદલામાં નરસિમ્હા રાવની તત્કાલિન સરકારને જે ડૉલર મળ્યા તેના કારણે ભારતે લીધેલી લોનની ચૂકવણી માટે થોડો વધુ સમય મળી ગયો.’

સરકારને જ્યારે એમ લાગી રહ્યું હતું કે આ મિશન સિક્રેટ રીતે પૂર્ણ થયું. પરંતુ 8 જુલાઈ 1991ના રોજ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર શંકર અય્યરની એક રિપોર્ટ પ્રથમ પાનાં પર મુખ્ય હેડલાઇન તરીકે પ્રકાશિત થાય છે. તેનું હેડિંગ છે : ‘સિક્રેટ સેલ ઑફ ગોલ્ડ બાય આર.બી.આઈ. અગેઇન’. આ ખબરથી પૂરા દેશમાં ખળભળાટ મચે છે. મતલબ કે ગુપ્ત રીતે દેશની સર્વોચ્ચ બેન્ક ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’ ફરી સોનું ગીરવે મૂક્યું. આ ઘટના બની તે વખતે વડા પ્રધાન નરસિમ્હારાવ હતા અને તે વખતે દેશનું રિઝર્વ ગોલ્ડને બે વિદેશી બેન્કોમાં ગીરવે મૂકવામાં આવ્યું હતું. સોનાના ટ્રાન્સફરની વાત ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર શંકર અય્યર આ બાતમી અખબાર સુધી લઈ આવ્યા અને દેશનું આર્થિક સંકટ કેટલું ગંભીર છે તે તેમણે સામાન્ય જન સુધી પહોંચાડ્યું. શંકર અય્યર તે પછી ‘બી.બી.સી.’ને એક ઇન્ટર્વ્યૂમાં પોતાના રિપોર્ટ વિશે એમ કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ એક પરિવાર પર મોટું આર્થિક સંકટ આવે છે ત્યારે અંતિમ પગલાં તરીકે પરિવાર પોતાનાં પરિવારની મહિલાઓનું સોનું ગિરવે મૂકે છે. મારા રિપોર્ટની અસર એવી થઈ કે પહેલીવાર લોકોને અંદાજ આવ્યો કે દેશનું આર્થિક સંકટ કેટલું ગંભીર છે’ હવે એવું નથી કે આ આર્થિક સંકટ એકદમ આવી ગયું હતું. પત્રકાર શંકર અય્યર મુજબ 1988માં જ ‘ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ’ દ્વારા તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીને કહેવામાં આવ્યું હતું કે ભારત દેશ આર્થિક સંકટ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેનાથી બચવા માટે તમે લોન લઈ લો. રાજીવ ગાંધી પણ આ વાતથી સંમત્તિ ધરાવતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી સાવ નજીક હતી. તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું. ઉપરાંત તેમના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ તેમ કરવા તૈયાર નહોતા. 

હવે આ બધું જ બન્યું તેમાં તત્કાલિન રાજકીય અસ્થિરતા જવાબદાર હતી અને આખરે એ સ્થિતિ આવીને ઊભી રહી કે દેશ આર્થિક રીતે સાવ કંગાલ થવાની અણીએ આવીને ઊભો રહ્યો. આવું કેમ થયું? તેની શરૂઆતની વાત કરીએ તો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ આપણે આર્થિક પડકારનો સામનો કરવાનો આવ્યો. દેશમાં ઉદ્યોગો નહોતા, રોજગારી નહોતી અને કોઈ માળખાકીય સુવિધા પણ નહોતી. આર્થિક સુધારની અનેક વાર જાહેરાત થઈ હતી, તેમ છતાં દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી રહી નહોતી. સૌથી પહેલાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તે માટે પાયાનું કામ કર્યું. તે પછી 1966 ઇંદિરા ગાંધીએ પણ આર્થિક સુધાર માટે પ્રયાસ આદર્યા. જો કે સ્થિતિ ન સુધરી. 1984માં દેશને સૌથી યુવાન વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધી મળ્યા. રાજીવ ગાંધીએ કેટલાંક નિર્ણયો લીધા. જેમ કે તેઓ કમ્પ્યૂટર અને કોમ્યુનિકેશન ક્રાંતિ લાવ્યા, પણ આર્થિક બાબતે તેમને પણ કોઈ ઠોસ સફળતા ન મળી. 1980ના અરસામાં આ પડકાર વધુ ઘેરા બન્યા. રાજીવ ગાંધીની હત્યા પછી દેશમાં રાજકીય સ્થિતિ અસ્થિર થવા માંડી હતી. દેશમાં બે વર્ષમાં બે વડા પ્રધાન આવ્યા. 343 દિવસ માટે વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા અને તે પછી 223 દિવસ માટે ચંદ્રશેખર. આ રીતે રાજકીય રીતે દેશનું વાતાવરણ ડહોળવા લાગ્યું હતું અને તેની અસર અર્થતંત્ર પર પડી હતી. તે વખતે દેશ ‘લાયસન્સ રાજ’થી ચાલતો હતો – મતલબ કે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય કે વેપાર કરવો હોય તો તેના પર સરકારના કડક અંકુશ હતા, જેથી દેશમાં કોઈ પણ વિદેશી કંપનીઓનું રોકાણ જલદીથી આવતું નહીં. આ કારણે વિદેશમાં અનેક ચીજવસ્તુઓ આયાત કરવી પડતી હતી, અને પરિણામે આપણું નાણું વિદેશમાં જતું હતું. માળખાકીય સુવિધા અર્થે તત્કાલિન સરકારોએ મસમોટી લોન લીધી હતી. આમ દરેક સ્તરે દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો હતો. દેશનું વિદેશી ભંડોળ માત્ર 3 અરબ ડૉલર બચ્યું હતું. આ કેટલું ઓછું કહેવાય તેનો અંદાજો લગાવવો હોય તો હાલના વિદેશી ભંડોળના રકમ જોઈ લેવી જોઈએ, જે અંદાજે 690 અરબ ડૉલરની આસપાસ છે. 

આર્થિક મુદ્દે ભારતની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી હતી કે ‘એન.આર.આઈ.’ પોતાનું રોકાણ દેશમાંથી પાછું લેવા માંડ્યા હતા. ભારતમાં નિકાસ કરનારને લાગતું હતું કે આપણે તેમનું ઉધાર ચૂકવી નહીં શકીએ. મોંઘવારીએ માજા મૂકી હતી. ઓઇલના ભાવ આસમાને પહોંચી ચૂક્યા હતા. તે વખતે સરકારે કેટલીક આયાત અટકાવવાની જાહેરાત કરી હતી. સરકારી ખર્ચ પણ કાપ મૂકાયો હતો. બેંકના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. આખરે 1991માં તો તત્કાલિન વડા પ્રધાન ચંદ્રશેખરે 20 ટન સોનું ગીરવે મૂક્યું પડ્યું હતું. ચંદ્રશેખરની સરકારમાં નાણાં મંત્રી રહેનારા યશવંત સિન્હાનું કહેવું હતું કે, ‘જ્યારે તેઓ ડિસેમ્બર 1990માં નાણાં મંત્રી બન્યા તો તે સમયે દેશનું વિદેશી ભંડોળ ઘટીને માત્ર બે અરબ ડૉલર રહી ગયું હતું. તેનો અર્થ એવો થયો કે દેશ પાસે એટલું જ વિદેશી ભંડોળ બચ્યું હતું જેનાથી બે અઠવાડિયાનું આયાતનું બિલ આપણે ભરી શકીએ.’

આર્થિક રીતે જ્યારે દેશ ખાડે જઈ રહ્યો હતો ત્યારે બે વધુ ધક્કા દેશના અર્થતંત્રને લાગ્યા. પહેલું તો ખાડી દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું. ઇરાન-ઇરાક વચ્ચેના યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવ એટલા વધ્યા કે તે મેળવવા માટે આપણે ટૂંકાગાળામાં જ બમણાં નાણાં ચૂકવવાના થવા લાગ્યા. તેથી આપણું આર્થિક ગણિત બગડી ગયું. ઉપરાંત આ જ ગાળામાં આપણો સૌથી મજબૂત મિત્ર દેશ રશિયાના ભાગલા પડી ગયા. આ તમામ સંકટ વચ્ચે વડા પ્રધાન નરસિમ્હા રાવ અને નાણા મંત્રી મનમોહનસિંહ ઉપરાંત તેમની ટીમે જે રીતે કામ કર્યું, તેથી દેશની આર્થિક પરિસ્થિતિ સુધરી અને આર્થિક સંકટ કાયમ માટે દૂર થયું. તે વખતે જે પગલાં લીધા તે કયા હતા? તો એવું કહેવાય છે કે તેની શરૂઆત 24 જુલાઈ 1991ના રોજ થઈ હતી. તે દિવસ ભારતના આર્થિક આઝાદીનો દિવસ હતો. આ દિવસે દેશની તત્કાલિન નાણા મંત્રી મનમોહન સિંહ બજેટ રજૂ કરીને સૌને ચોંકાવી દીધા. ભારતની અર્થવ્યવસ્થામાં આ દિવસ અગાઉ બધું જ સરકાર નિર્ધારીત કરતી હતી. કેટલું ઉત્પાદન થશે, ઉત્પાદન કરવામાં કેટલા લોકો કામ કરશે અને ઉત્પાદન થનારી ચીજવસ્તુની કિંમત શું હશે. આ લાઇસન્સ પરમિટ રાજનો તે દિવસે અંત આવી ગયો. કંપનીઓને અનેક પ્રતિબંધોથી મુક્ત કરી દેવામાં આવી. સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મક વાતાવરણ બને તે માટે જાહેરાત કરવામાં આવી. બજેટમાં વિદેશી રોકાણકારો માટેના દરવાજા ખોલી દેવામાં આવ્યા, સોફ્ટવેર નિકાસ માટે કરમાં રાહત આપવામાં આવી. 1991ના અગાઉ કોઈ પણ વડા પ્રધાન કે નાણાં મંત્રી આ નિર્ણય લઈ શક્યા નહોતા. તે નિર્ણય વડા પ્રધાન નરસિમ્હા રાવ અને નાણાં મંત્રી મનમોહનસિંહ હતા તે સમયે લેવાયો. બજેટમાં રજૂ કરતી વેળાએ મનમોહનસિંહે ફ્રાન્સના ચિંતક વિક્ટર હ્યૂગોના શબ્દો ટાંકતા સંસદમાં કહ્યું હતું કે, ‘પૃથ્વી પર કોઈ પણ શક્તિ તે વિચારને નથી રોકી શકતી, જેનો સમય આવી ચૂક્યો હોય.’ અને એવું નથી કે તે મુશ્કેલીના સમયમાં આ બધું કરવું સરળ હતું. ઉદારીકરણના પગલાં લેવા માટે તે વખતે અનેક વાર મનમોહનસિંહની ટીકા થઈ. ડાબેરી નેતાઓ અવારનવાર મનમોહનસિંહની ટીકા કરતા, પણ તે સમયે પણ વડા પ્રધાન નરસિમ્હારાવ તેમની પડખે રહ્યા. તે વિશે ખુદ નરસિમ્હારાવ અનેક વર્ષો પછી એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘ડૉક્ટર મનમોહનસિંહે આર્થિક સુધારને આગળ વધારવા અથાક પ્રયાસ કર્યા, તેમની પડખે હું કાયમ ઉભો રહ્યો.’ 

હાલમાં દેશની આર્થિક સ્થિતિ 1991ના આવેલા સંકટ કરતાં ઘણી સારી છે. પરંતુ હવે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવા કરતાં સીધુ જ પ્રજાને સલાહ-સૂચન આપવાનો દોર વધ્યો છે. ખરેખર તો નીતિ એ રીતે ઘડાવી જોઈએ જેથી પૂરી વ્યવસ્થા જડબેસલાક થાય. આવું થાય તે માટે ફરી નરસિમ્હારાવ-મનમોહનસિંહ જેવા આર્થિક દિર્ઘદૃષ્ટાની રાહ જોવી રહી. 

e.mail: kirankapure@gmail.com

Loading

અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 May 2026

રવીન્દ્ર પારેખ

અનામતમાં મત ન હોત તો તે આજ સુધી ટકી ન હોત. અનામત ટકવામાં રાજકારણ મુખ્ય છે. આમ તો તે 1902થી અમલમાં છે. કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજે રાજ્યની નોકરીમાં બ્રાહ્મણો ઉપરાંત પછાત જાતિઓ માટે 50 ટકા અનામત રાખવાની જાહેરાત કરેલી. 1908માં બ્રિટિશ સરકારે પછાત જાતિઓ માટે સરકારી નોકરીઓમાં અમુક ટકા અનામત રાખવાની પહેલ કરેલી. અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરો – નીતિ અનુસાર અનામતનો સ્પષ્ટ હેતુ હિંદુ સમાજમાં ફાટફૂટ પડાવવાનો હતો. ગાંધીજી આ તકરાર પામી ગયેલા. તેમણે દલિતો માટે અનામત મતદાર ક્ષેત્રો સામે ઉપવાસ કર્યા હતા. આખરે ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે પુના કરાર થયેલા, જેમાં દલિતોને હિંદુ મતદાર સંઘોમાં અલગ કોટા ફાળવાયેલા. ભારત સ્વતંત્ર થયું તેના વરસેક પહેલાં જ નવું બંધારણ ઘડવાનું શરૂ થઇ ચૂકેલું ને પાછળથી કાયદા મંત્રી ડો. આંબેડકરે જ બંધારણ રચનાનો દોર સંભાળ્યો હતો. તેમણે બ્રિટિશરોએ દાખલ કરેલી અનામત પ્રથા કાયમ કરવાનું નક્કી કરી રાખેલું, પણ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અનામતની વિરુદ્ધ હતા. 1950માં નવું બંધારણ અમલમાં આવ્યું ને જાતિ આધારિત અનામત સામે કેસ કરવામાં આવ્યો. એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામતની વિરુદ્ધ આવ્યો, છતાં, બંધારણમાં 15(4) કલમ ઉમેરવામાં આવી ને આરક્ષણને રક્ષણ આપવામાં આવ્યું. ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ 22 ટકા અનામતની જોગવાઈ હતી. 1979માં મંડલ કમિશનની રચના થતાં 105 અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત હેઠળ આવરી લેવામાં આવી. 1985માં મંડલ કમિશને પોતાનો અહેવાલ સુપરત કર્યો, ત્યારે કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર હતી ને તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ તે અહેવાલ અભરાઈ પર ચડાવી દીધો. 1989માં વી.પી. સિંહની સરકાર આવી ત્યારે મંડલ કમિશનના અહેવાલનો અમલ કરવામાં આવ્યો. તેને પરિણામે દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં ને એમાં વી.પી. સિંહની સરકારે જવું પડ્યું.

ડો. આંબેડકરે અનામત દાખલ કરી ત્યારે તેનો અમલ 10 વર્ષ માટે જ કરવાની જોગવાઈ બંધારણમાં હતી, પણ પછી અનામતને મુદ્દે નવી સરકાર બનવાના સંજોગો ઊભા થયા અને તેમાં ૩૩ ટકા મહિલા અનામતનો પણ અમલ થયો. જેટલી સરકારો આવી તે કોઈકને કોઈક રીતે અનામતનો લાભ લેવાનું ચૂકી નહીં. આજે તો 50 ટકાથી વધે નહીં એ રીતે અનામત લાગુ છે ને મતનો વધારે લાભ થતો હશે, તો 50 ટકાની લક્ષ્મણરેખા પણ ઓળંગાઈ જાય તો આશ્ચર્ય થાય એમ નથી. અનામતમાં મત પડેલા છે, એટલે સરકાર કોઈ પણ હોય, અનામતની ટકાવારી વધશે, પણ ઘટશે નહીં. અનામત એવું હથિયાર છે જે રાજકીય પક્ષોને જીત માટે દ્વાર ખોલી આપે છે ને ચૂંટણી છે, ત્યાં સુધી એ શસ્ત્ર વપરાતું રહેવાનું છે એ નક્કી છે.

અનામત હવે નાબૂદ થાય એમ જ નથી ત્યારે તે વાત સ્વીકારી લેવાની રહે, પણ સવાલ એ છે કે એથી અનામત જેમને માટે છે, એમને ખરેખર કોઈ લાભ થાય છે કે સંબંધિત જાતિઓ મત મેળવી આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બનવું તો એવું જોઈતું હતું કે સરકારોએ પછાત જાતિઓને શક્ય તેટલી તમામ મદદ ભણતર, ઉછેર અને સગવડો સાચવવા કરવાની હતી ને પ્રવેશ, પરીક્ષા, નોકરી વગેરે માટે તમામને મેરિટસને આધારે પસંદ કરવાના હતા. તો, સ્વમાન ખોઈને લાભ મેળવવામાંથી અનામત આધારિત જાતિઓ બચી ગઈ હોત.

એક વાર એ પણ માની લઈએ કે અનામતની જે સ્થિતિ અત્યારે છે તે ચાલુ રહે છે, તો સવાલ એ છે કે આ અનામત કોને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ? અનામતનો લાભ કેટલી પેઢી સુધી આપવો જોઈએ? કે એની કોઈ સમય મર્યાદા હોવી જ ના જોઈએ? આમ તો અનામત ભારતીય પ્રજાને કોઠે પડી ગઈ હતી, પણ બીજા કોઈને નહીં, પણ સુપ્રીમ કોર્ટને સવાલો થયા છે, એટલે અનામત વિષે ફરી વિચારવાનું થયું છે. કોઈ પણ મદદ કોઈને ઉપર ઊઠવા પૂરતી થાય તે સમજી શકાય, પણ મદદ કરવામાં મદદ કરનારે મદદ માંગવાનો વારો આવે એવી મદદ તો ના થાય ને? અનામતને મામલે એવું તો નથી ચાલતું ને તેનો વિચાર કરવાની જરૂર છે. મદદ કરનાર ભિખારી ન થઈ જાય એવું તો મદદ લેનાર પણ ના ઇચ્છે. કોઈક તો મર્યાદા હોવી ઘટે ને !

કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સામેની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલાંક તારણો આપ્યાં તે ધ્યાનાર્હ છે. અરજદારો વતી શશાંક રત્નુએ કહ્યું હતું કે લોકોને તેમના પગાર અને આવકને કારણે નહીં, પણ તેમના સામાજિક દરજ્જાને કારણે અનામત માટે પાત્ર ગણવામાં આવ્યા છે. ગ્રૂપ એ-ના કર્મચારીઓને બહાર કરવામાં આવ્યા છે ને ગ્રૂપ બી-ના કર્મચારીઓને બહાર કરવામાં આવી રહ્યા છે. એની સામે સુપ્રીમનાં જસ્ટિસ નાગરત્નાએ મહત્ત્વની ટિપ્પણી કરી છે કે જો માતા-પિતા બંને IAS કે ઉચ્ચ અધિકારી હોય તો તેમના સંતાનોને અનામતનો લાભ શું કામ મળવો જોઈએ? અરજદારનું માનવું છે કે આર્થિક સધ્ધરતા અનામતના હકને અવગણી શકે નહીં. સામાજિક દરજ્જાને લીધે, અવમાનનાને લીધે અનામત અનિવાર્ય છે. એની સામે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિચારવા જેવી છે.

સામાજિક અવમાનના થવાનું મુખ્ય કારણ હતું આર્થિક પછાતપણું. કોઈ પછાત જાતિના સભ્યો આર્થિક રીતે સદ્ધર હોત તો, તેની સામાજિક અવમાનના થઇ હોત? એ પણ છે કે સામાજિક અવમાનનાને કારણે જ આર્થિક સ્થિતિ પણ નબળી રહી, પણ એક જ કુટુંબમાં માબાપ IAS કેડર સુધી પહોંચ્યા હોય, તેમની આર્થિક સ્થિતિ પણ વધારે સુધરી હોય, તો તેમના સંતાનોને અનામતનો લાભ શું કામ મળવો જોઈએ, એ પ્રશ્ન તો રહે જ છે. રહી સામાજિક દરજ્જાની વાત, તો સવાલ એ પણ થાય કે IAS માબાપનો સામાજિક દરજ્જો સુધર્યો જ નથી એમ કહી શકાશે? જે સામાજિક દરજ્જો પહેલાં હતો એ જ IAS બન્યાં પછી પણ રહ્યો હોય એવું ખરું? એ સંદર્ભે સુપ્રીમના જજ નાગરત્નાની ટિપ્પણી વિચારવા તો પ્રેરે જ છે. એક પેઢીને અનામતનો લાભ મળ્યો હોય ને સામાજિક તથા આર્થિક સ્થિતિ પણ સુધરી હોય ને એમના સંતાનોને એ સામાજિક-આર્થિક અવમાનનાનો ભોગ બનવાનું આવ્યું જ નથી, તેમને અનામતનો લાભ શેને માટે મળવો જોઈએ એ પ્રશ્ન તો છે જ ! જે લોકો અનામતનો લાભ લઈને ચોક્કસ સ્થાન પર પહોંચ્યા હોય અને એમાં માતાપિતા બંને IAS કે અન્ય ઉચ્ચ હોદ્દા પર હોય ને એવા સ્થાન પર હોય, જ્યાં ઘણાં સવર્ણો કદી પહોંચવાના ન હોય, ત્યારે અનામતનો લાભ લેનારને વારંવાર તેનો લાભ આપવાને બદલે સરકારે તેમને અનામતથી દૂર રાખવા જોઈએ એવું સુપ્રીમનું તારણ કોઈ રીતે વાંધાજનક નથી. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ભૂઈયાની બેંચ દ્વારા અનામતને મુદ્દે ચાલતી સુનાવણીમાં સરકારને અનામતનો લાભ લઈ ચૂકેલા લોકોને અનામતના દાયરામાંથી બહાર રાખવાની ટકોર કરાઈ છે, કારણ છેવટે નિર્ણય સરકારે લેવાનો છે ને સરકાર અનામતીઓને નારાજ કરવા કેટલી તત્પર છે, તે તો આવનારો સમય જ કહેશે. અનામતનો લાભ જેને આપવા જેવો જ હોય તેને ભલે અપાય, પણ જે આર્થિક તેમ જ સામાજિક રીતે સફળ છે તેમને અને તેમનાં સંતાનોને અનામતના દાયરાથી બહાર રાખવા જોઈએ. આમ પણ અનામતનો લાભ બધી પછાત જાતિઓને મળતો નથી, એમને લાભ મળે, એટલે પણ જે સક્ષમ છે એમને અનામતથી દૂર રાખવા જોઈએ, જેથી એમના જ જાતિ બંધુઓને તેનો લાભ મળી રહે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે માબાપને અનામતને લીધે સામાજિક અને આર્થિક સ્થિતિ ઘણી સુધરી હોય તો તેમની પછીની પેઢીને તેનો લાભ ન મળવો જોઈએ. સમાજ એમાંથી બહાર આવે એટલે પણ તે જરૂરી છે. ઉપરના કિસ્સામાં કર્ણાટક હાઈકોર્ટનો અનામતમાંથી બાકાત રાખવાનો નિર્ણય સુપ્રીમે માન્ય રાખ્યો છે તે પણ સૂચક છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 મે 2026

Loading

પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 May 2026

પરફોર્મેટિવ પૉલિટિક્સ એક મજાનો શબ્દ છે. ઑપ્ટિક્સ હવે શાસનનો પૂરક ભાગ નથી, એ નેતાઓ માટે શાસનની મુખ્ય ક્રિયા બની ગઈ છે. આધુનિક  રાજકારણ હવે મનોરંજન સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને તે મનોરંજનનાં સાધનોનો ઉપયોગ કરીને જ આ ખેલ ખેલે છે. 

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે મૅલૉડી ચૉકલેટ ચર્ચાઈ ગઈ, લોકોને બાળપણ યાદ આવ્યું તો ખોટી પારલે કંપનીના શૅરના ભાવ વધી ગયા. કારણ એટલું જ કે વડા પ્રધાન મોદીએ ઇટાલીના વડાંને મૅલૉડી ચૉકલેટ ભેટ આપી અને રીલ બનાવી. વાયરલ થતાં રાજકારણીઓ નવી પેઢીમાં હોટ ફેવરીટ છે. સારું કે ખોટું એ તો અત્યારે કહેવા કરતાં યાદ કરીએ એ સમય જ્યારે રાજકારણીઓનું ફોકસ એક સારું ભાષણ અને નક્કર ડીલ્સ કે વાટા-ઘાટોની વાત કરવા પર રહેતું. હવે રાજકારણીઓની આસપાસ સીન ગોઠવી આપતા ડિરેક્ટર્સ અને સોશ્યલ મીડિયા એક્સપર્ટ્સ છે. ભાષણનો હેતુ લોકો સુધી વાત પહોંચાડવાનો હતો અને સીન ગોઠવનારા રાજકારણીઓનો હેતુ વાયરલ થવાનો, ક્લિપ શૅર કેટલી વાર થઈ, સાત સેકન્ડના લૂપમાં લોકોએ તેમને કેટલા યાદ રાખ્યા એ બની ગયો છે. આ બે બાબતો વચ્ચેનો ભેદ સત્તાના દેખાડાના રાજકારણને સમજવા માટે પૂરતો છે. 

વાત માત્ર રાજકારણની સ્ટાઇલ બદલાઈ તેની નથી, રાજકારણનું બંધારણ પણ મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. પરિવર્તન એ નથી કે નેતાઓ નાટકીય બન્યા છે, બદલાવ એ છે કે નાટક જ રાજકારણ બની ગયું છે. પરફોર્મેટિવ પૉલિટિક્સ એક મજાનો શબ્દ છે. ઑપ્ટિક્સ હવે શાસનનો પૂરક ભાગ નથી, એ નેતાઓ માટે શાસનની મુખ્ય ક્રિયા બની ગઈ છે. આધુનિક રાજકારણ મનોરંજન સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને તે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરીને જ આ ખેલ ખેલે છે. 

સત્તાની જૂની વ્યવસ્થા અખબારો, રાજકીય પક્ષો, સંસ્થાઓ અને સંપાદકીય ફિલ્ટરોમાંથી પસાર થતી હતી. નેતાને વિચારધારાની સ્પષ્ટતા, બ્યુરોક્રેટિક મશીનરી અને સિસ્ટમ સાથે કામ કરવાની ધીરજ જરૂરી હતી. રાજકારણ જનતા સુધી મધ્યસ્થીઓ દ્વારા નિસ્યંદિત, સંદર્ભિત અને થોડું મોડું પહોંચતું.

આ સીનમાં એક તબક્કે અલ્ગોરિધમની એન્ટ્રી થઈ. તેની સાથે સાવ જુદા જ પ્રકારની ટકાવારી પણ સીનમાં આવી. ડિજિટલ ઇકોસિસ્ટમ રાજકીય ક્ષમતાને સરપાવ નથી આપતી. ડિજિટલ ઇકોસિસ્ટમ ભાવનાઓને, લાગણીઓના ઉછાળને સરપાવ આપે છે. મૅલૉડી ચૉકલેટ આપણી લાગણી હતી. એક પેઢી માટે એ નોસ્ટાલ્જિયા હતો તો નવી પેઢી માટે એ હેશટેગ મૅલૉડીના ટ્રેન્ડનું એક્સાઇટમેન્ટ હતું. આ બધું બારીકીઓને એમ્પ્લીફાય નથી કરતું પણ નિશ્ચિતતાને એમ્પ્લિફાય કરે છે. ઇટલી અને ભારત વચ્ચેના વાટાઘાટો જિઓપૉલિટિક્સમાં રસ લેનારાઓને યાદ હશે પણ બાકીનાઓને યાદ રહ્યા હાવભાવ, એક ઉપનામ, એક તસવીર વગેરે; આ બધું એવો ખેલ છે જે સમજ પહેલાં તમારા ફોન્સ થકી તમારા સુધી પહોંચી જાય અને સંદર્ભ ખોવાઈ જાય પછી પણ ટકી રહે. 

આ પરિસ્થિતિમાં શાંત અને કાર્યક્ષમ ટેક્નોક્રેટ, ભલે તે કેટલા પણ સક્ષમ હોય, પાછળ પડી જાય છે. જરૂરી નથી કે તેમની વિચારધારા ખોટી હોય, પરંતુ તેમની હાજરી ‘વૉલ્ટેજ’ પેદા કરતી નથી. જે નેતાઓએ આ બાબત સૌથી ઝડપથી સમજી લીધી છે, તેઓ પરંપરાગત રાજકીય સ્પેક્ટ્રમના એક જ છેડે નથી. તેમને જોડવામાં વિચારધારાનો નહીં પણ પરંતુ ઇન્સ્ટિંક્ટનો ખેલ રમાય છે. કેમેરાને શું જોઈએ છે તેની લગભગ કોઈ પ્રાણી જેવી ચોક્કસ અને સાહજિક સમજ.

ડૉનાલ્ડ ટ્રમ્પને લીધે રાજકારણમાં રેસલિંગ શરૂ થયું એમ કહી શકાય. પહેલેથી નક્કી કરેલો ગુસ્સો, અભ્યાસપૂર્વક કરાયેલો આક્રોશ અને એવા વિરોધીઓ જેમનાં ઉપનામ વ્યક્તિ કરતાં વધારે જાણીતા બની જાય. ટ્રમ્પની રેલીઓ ભાષણો નહોતી પણ લાઈવ ટેલિવિઝન હતી. ઘણીવાર નીતિઓ કોરાણે મૂકાતી અને પ્રદર્શન કેન્દ્ર સ્થાને લાગતું. આ નવી રાજનીતિનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ હતું : પરિચિત, ગર્જે એવું અને એવું જેને અવગણવું અશક્ય બની જાય.

વોલોડીમિર ઝેલેન્સ્કીએ એ જ તર્કનો ઉપયોગ સાવ જૂદા હેતુ માટે કર્યો. એ તો પાછા સ્ટેન્ડ અપ કૉમેડિયન પણ હતા એટલે એમને માટે થિએટ્રિક્સ બહુ અઘરા નથી. ઑલિવ ગ્રીન ટી-શર્ટ પહેરીને કીવમાં બનાવેલા ઓછા પ્રકાશ વાળા સેલ્ફી વીડિયોઝ, દેશ છોડવાનો ઇન્કાર આ બધું કંઇ અચાનક નહોતું થયું. આ યુદ્ધ દરમિયાનના મેસેજિંગની વિચારપૂર્વક બનાવાયેલી વ્યૂહરચનાઓ હતી. ઝેલેન્સ્કીએ સમયસર સમજી લીધું કે ઑપ્ટિક્સ પણ સૈન્ય રણનીતિ બની શકે. દેશ ન છોડનાર રાષ્ટ્રપતિની છબી જ હથિયાર બની ગઈ. ધારણા જ મોરચો સંભાળી રહી હતી. કદાચ આધુનિક ઇતિહાસમાં પહેલીવાર કોઈ નેતાનું વિઝ્યુઅલ ગ્રામર એક સૈન્ય જેવું કામ કરી રહ્યું હતું.

ઇલોન મસ્કની વાત પણ કરવી પડે. એ ક્યારે ય કોઈ ચૂંટાયેલ પદ પર હતા નહીં, સત્તાવાર રીતે કોઈ દેશ ચલાવતા નથી પણ તો ય ચૂંટણીની આખી પ્રક્રિયા પર તેનો પ્રભાવ રહ્યો. તે આખી મીડિયા ઇકોસિસ્ટમ જ ફરી ઘડી નાખે અને અડધી રાતે કરેલી પોસ્ટ્સથી જાહેર નીતિના ડાયલૉગ્ઝ પર તે પોતાની અસર છોડે છે. ઇલોન મસ્ક કંઇક નવી જ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે. સેલિબ્રિટી, મૂડી અને રાજકીય સત્તા વચ્ચેની ભેદરેખા આમાં ભુંસાઈ ગઈ. તે રાજકીય સિસ્ટમમાં પ્રદર્શન નથી કરતા પણ તે પોતે જ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા જેના માધ્યમથી બીજાઓએ પ્રદર્શન કરવું પડે. 

સ્ટેજ સાચવવામાં આખી ઇમારત ગાયબ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને ઇમેન્યુઅલ મેક્રોન, દરેકે પોતાના આગવા અંદાજમાં આ મંચના નાટ્યને સંપૂર્ણ બનાવ્યું છે. અહીં અવાજ છે પણ તેમાં કંઈ નક્કર વાત નથી, આ એક યોજનાબદ્ધ સિનેમેટિક મૌન છે. કોઈ રેલીમાં એક ચેન સૉ હલાવાય અને તે નીતિનું સાધન નથી બનતી પણ મીમ બનીને વાયરલ થઇ જાય છે. એક ફિલોસોફર પ્રેસિડન્ટની તસવીર જેમાં બાંયો ચડાવેલી હોય, બુદ્ધિજીવી પ્રતીકો અને કોરિયોગ્રાફ કરાયેલી સત્તાનો ઉપયોગ થાય તો એ બધું કંઈ અચાનક, સંજોગોવશાત નથી થયું. આ બધું એવી રીતે ખડું કરાયું છે જે બે સેકન્ડમાં અસર કરે અને અલ્ગોરિધમના અટેન્શન સ્પૅનમાં જીવતું રહે. 

આ પ્રક્રિયાને કારણે એવો મતદાર વર્ગ ખડો થાય જે શાસનને વિઝ્યુઅલ ગ્રામરથી માપે છે. નેતા ખરેખર નેતા જેવો લાગે છે, એવો છે કે નહીં એ નહીં, પણ એની ક્લિપ કેટલી ચાલી ગઈ, એના હાવભાવ કેવા હતા એ જ આ નવા મતદાર વર્ગ માટે અગત્યનું બની જાય છે. 

નીતિ નક્કી થાય, લાગુ થાય અને તેના પરિણામ આવે એમાં વર્ષો લાગે અને તેનું મૂલ્યાંકન કરવા ધીરજ જોઈએ. ગણતરીના સેકન્ડ્ઝમાં લોકો સુધી પહોંચતા અને જેમાં કોઈ વિચારશીલતાની જરૂર નથી એવા મીમ અને વાયરલ કોન્ટેન્ટ સામે એ ધીરજ સ્પર્ધા નથી કરી શકતી, હારી જાય છે. 

હવે મૂળ મુદ્દા પર આવીએ, ઘણીવાર નાર્સિસિઝમ કહીને નકારી દેવાય છે પણ આધુનિક નેતાઓનાં મૂલ્યોમાં દમ નથી એટલે એ લોકો આવું પ્રદર્શન કરે છે તેમ નથી. ઘણા નેતાઓને આવા ખેલ કરવા પડે છે કારણ કે ધ્યાન ખેંચવાનું આખું તંત્ર જે ડિજિટાઈઝેશનને કારણે બદલાઈ ગયું છે તેની જ આ માંગ છે. એવા નેતા જે આવા સીન ખડા કરવાની ના પાડે, આખા વાક્યોમાં બોલે, અનિશ્ચિતતા સ્વીકારે, શાંતિથી શાસન કરે અને હેશટૅગ્ઝમાં નહીં મીમમાં વાત કરે એ વાયરલ થવામાં નિષ્ફળ થાય છે કે નહીં એ પછીની વાત છે પણ તે લોકોની ટૂંકી યાદશક્તિમાંથી જ અદૃશ્ય થઇ જવાના જોખમમાં મુકાય છે. 

વળી અટેન્શન ઇકોનોમીમાં અદૃશ્ય થઇ જવું એ રાજકીય મોતનું એક સ્વરૂપ છે. જોખમ એ નથી કે નેતાઓ વાયરલ થવાના વાદે ચઢીને આવા દેખાડા કરે છે કારણ કે આવા ખેલ તો ઇતિહાસના દરેક નેતાઓએ કર્યા છે. જો નરેન્દ્ર મોદીને માર્કેટિંગના માસ્ટર કહેવા હો તો તમારે એ યાદ રાખવું જોઈએ કે દાંડી કૂચ થઈ ત્યારે ગાંધીજીએ અમેરિકન પત્રકારોને બોલાવ્યા હતા. કૂચની જે તસવીરો આપણે જોઇએ છીએ તેમાંની કેટલા આગલા દિવસના રિહર્સલની તસવીરો છે. વિન્સ્ટન્ટ ચર્ચિલની વિ સાઈન હોય કે જ્હોન એફ કેનેડીનું ટેલિવિઝન પર સરળતાથી આવવું હોય – આ બધું જ અસર માટે કરાયું હતું. રાજકારણમાં પ્રદર્શન નવી બાબત નથી. 

તો પછી વાંધો શું છે? સ્પીડ, ગતિ અને સીધી પહોંચને કારણે મધ્યસ્થી સંસ્થાઓ બાયપાસ થઇ જાય છે. આ જ ખાટલે મોટી ખોડ છે. નવી પેઢી માહિતી અને સમાચારો સોશ્યલ મીડિયામાંથી મેળવે છે અને એટલે જ રાજકીય બાબતોમાં રહેલું ગાંભીર્ય ક્યારેક ગોટે ચઢી જાય છે. એક વખત હતો જ્યારે નેતાઓ અખબારના તંત્રીઓ મારફત લોકો સુધી પહોંચતા, તંત્રી ચાર સવાલ કરીને, બાબત સમજીને નક્કી કરતાં કે અગત્યનું શું છે. આજે નેતાઓ સીધાં જ લોકોની ભાવનાત્મક નવર્સ સિસ્ટમમાં પ્રવેશી જાય છે. રાત્રે પલંગમાં પડ્યાં પડ્યાં મતદારો અલ્ગોરિધમે ગોઠવેલા ફીડને સ્ક્રોલ કરતા હોય છે ત્યારે નેતાઓએ શું કર્યું તે તેમને જોવા મળે છે. માહિતીને મામલે હવે કોઈ વિલંબ નથી થતો, કોઈ સંદર્ભોની ચર્ચા નથી થતી, કોઈ કૂલિંગ ઑફ પીરિયડ નથી હોતો. ઇમેજિઝ, વીડિયોઝ અને પ્રતિક્રિયા – બધું એક સાથે લોકો સુધી પહોંચી જાય છે. 

અહીં સવાલ એ છે કે આ એક સમસ્યા છે કે માત્ર બદલાયેલા સમય અને ટૅક્નોલૉજી સાથેનું અનુકૂલન છે? દરેક દાયકા કે યુગને તે સમયની ટૅક્નોલૉજીથી જન્મનેલું રાજકીય એસ્થેટિક્સ મળ્યું છે. પ્રિન્ટિંગ પ્રેસે પમ્ફ્લેટ અને પ્રચાર આપ્યો, ટેલિવિઝને કાયમી કેમ્પેઇન સર્જ્યું અને સોશ્યલ મીડિયાએ કાયમી પરફોર્મન્સ ખડું કર્યું. આ બધામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય એ લટકામાં. 

ભવિષ્યમાં ઇતિહાસકારો આ સમયને લોકશાહીનું પતન નહીં ગણે, તેને એક વિકાસ તરીકે જોશે. એક નવું રાજકારણ જે નવા મીડિયાના માહોલમાં સ્વાભાવિક રીતે જન્મ્યું, પોતાની અલગ તર્ક વ્યવસ્થા, પ્રોત્સાહનો અને વિચિત્ર કહી શકાય તેવી સુસંગતતા સાથે. કદાય એમને ભાગે એવો ઇતિહાસ લખવાનું પણ આવે કે વિશ્વના સૌથી કુશળ રાજકીય પરફોર્મ્સ આપનારા આ દાયકાઓમાં સૌથી મોટી શાસકીય નિષ્ફળતાઓ પણ સાંપડી, કદાચ કોઈ એમ પણ પૂછે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ હતો ખરો?  આખરે એક હકીકત એ પણ છે કે કેમેરાને જોઈતો મસાલો આપવો અને વાસ્તવિક્તામાં શું કરવું તેની ખબર હોવી એ બન્ને એક બાબત નથી. 

બાય ધી વેઃ 

21મી સદીનો સૌથી જોખમી રાજકીય ચહેરો કોન્ફીડન્સથી ખોટું બોલનારો નહીં હોય પણ એ હશે જેને સમજાયું હશે કે સત્ય જ માળખાકીય રીતે નબળું પડ્યું છે. સત્ય ધીમું છે, જૂઠાણાંની અથવા તો ઉપરછલ્લી બાબતોની ઝડપ બહુ વધારે હોય છે. બોગસ વાતો જલ્દી વાયરલ થાય છે, એ રીતે તે ડિઝાઇન પણ કરી શકાય છે. સત્યને ચકાસણી, સંદર્ભ, નિષ્ણાતનો અભિપ્રાય અને સમય જોઈએ. આ બધું થાય ત્યા સુધીમાં દેખાડાયેલી ચીજો બહુ આગળ સુધી વિસ્તરી ગઇ હોય છે. ભાવનાત્મક નિષ્કર્ષ લોકોના મનમાં ગંઠાઇ ચૂક્યો હોય છે. અલ્ગોરિધમિક મીડિયાના સમયમાં ગતિ માત્ર ટૅક્નિકલ ફાયદો નથી પણ રાજકીય સત્તા છે. આ કારણે જ કદાચ આધુનિક રાજકીય મેસેજિંગ હવે ઇન્ફ્લુએન્સર કલ્ચર જેવું લાગે છે. નેતાઓ પાસેથી માત્ર શાસન કરવાની અપેક્ષા નથી પણ તે સતત દેખાતા રહે, નવી પેઢીને ગમે એ રીતે તેમની સાથે જોડાતા રહે તેવી પણ અપેક્ષા છે. મૌનને નબળાઈ માનવામાં આવે છે, વિચારશીલ ગાંભીર્ય લોકોને અનિશ્ચિતતાની લાગણી આપે છે, કંઇપણ સહેજ જટિલ હોય તો તેનું પરફોર્મન્સ બરાબર નથી હોતું. જે નક્કર, ઠોસ, નિશ્ચિત લાગે, તે ખોટું હોય તો રાજકીય સ્તરે તે અફલાતૂન પરફોર્મ કરે છે. સરકારો હવે નેરેટિવ મેનેજમેન્ટ પર સારી એવી શક્તિ વાપરે છે. કેમેરા એંગલ્સ, પ્રતીકાત્મક હાવભાવ, હેશટૅગ્ઝ, વિઝ્યુઅલ ઓળખાણ, ઇમોશનલ ટાઇમિંગ આ બધું રાજકીય ઇકોસિસ્ટમનો ભાગ છે ને તે સંસ્થાકીય ક્ષમતાથી વધુ ઝડપી છે. નાટકીયતા રાજકારણનો હિસ્સો હંમેશાંથી રહી છે પણ હવે અમુક કિસ્સાઓમાં તે રાજકારણનો વિકલ્પ બની રહી છે. આનો અર્થ એમ પણ નથી કે વિઝ્યુઅલી સ્કિલ્ડ હોય તેવા અને પરફોર્મેટિવ પૉલિટિક્સ કરતા નેતા અયોગ્ય છે કે દરેક શાંત નેતા બુદ્ધિશાળી જ છે. એટલું ચોક્કસ છે કે શાસનના વાસ્તવિક પરિણામો દેખાય તે પહેલાં જાહેરમાં એક ધારણા ઘડી દેવાય છે. ચોકસાઈથી તૈયાર કરેલા પૉલિસી પેપર કરતાં કેમેરા સામે જે થયું હોય તે ચર્ચા પર કબ્જો જમાવી લે છે. આપણા સમયની સૌથી મોટી ચિંતા પણ એ જ છે, લોકશાહી માહિતગાર નાગિરકો માટે હતી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ લાગણીઓમાં વહી એક્સાઇટ થતા યુઝર્સ માટે બન્યાં છે. આ બંને વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર આજે આધુનિક રાજકારણનું સાચું સરનામું છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 મે 2026

Loading

...102030...69707172...8090100...

Search by

Opinion

  • જુલમી સંગ આંખ લડી …
  • પુસ્તક અમારા માટે સામાજિક પરિવર્તનનું સાધન છે’ — મહેન્દ્ર મેઘાણી 
  • સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં ટિકિટ રાખવાનું ઠીક નથી …
  • વિચરતા અને વિમુક્ત સમુદાયો હજુ ય બરાબરીના હકની પ્રતીક્ષામાં છે 
  • રાહુલ-જેન ઝી  વિ . ન.મો. પરિબળ : ઓસરતી કથા, ઊભરતું કથાનક 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved