Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 April 2026

પરિવર્તન સંસારનો નિયમ છે, અને આપણો દેશ પણ સમય સાથે બદલાઈ રહ્યો છે, આ પરિવર્તન સારું કે ખરાબ એ વખત આવ્યે ખબર પડશે, પણ એક સમયે આપણા દેશનો જે પરમાણુ સિદ્ધાંત એટલે કે ન્યુક્લિયર ડૉક્ટરીન ઘડાયો હતો તે વર્તમાન સંજોગોમાં બંધબેસે તેવો નથી રહ્યો.

ચિરંતના ભટ્ટ

1998માં જ્યારે ભારતે પોતાને પરમાણુ શસ્ત્ર સજ્જ દેશ જાહેર કર્યો, ત્યારે ‘મિનિમમ ક્રેડિબલ ડિટરન્સ’ (ન્યૂનતમ વિશ્વસનીય નિવારણ) એક તર્કબદ્ધ વિચાર હતો. ત્યારે ચીન પાસે અંદાજે 300થી ઓછા પરમાણુ વૉરહેડ્સ હતા. તેનું નૌકાદળ માત્ર દરિયાકાંઠા સુધી સીમિત હતું. હિંદ મહાસાગરમાં ચીનની હાજરી ક્યારેક જ જોવા મળતી. ભારતને ત્યારે સમાનતાની જરૂર નહોતી, માત્ર ટકી રહેવાની ક્ષમતાની જરૂર હતી. એટલે કે આપણને એટલી તાકાત જોઈતી હતી કે જો કોઈ પહેલો હુમલો કરે, તો ભારત વળતો એવો પ્રહાર કરી શકે જે દુશ્મનને અસ્વીકાર્ય હોય, તેને ગોઠે નહીં.

એક સમય સુધી આ તર્ક, આ વ્યૂહરચના કામે લાગી પણ હવે એ સંપૂર્ણપણે કામ નથી કરી રહી. આજે ચીન પાસે અંદાજે 500 પરમાણુ વૉરહેડ્સ હોવાનું મનાય છે અને 2035 સુધીમાં આ આંકડો 1,000ને પાર કરી જવાની શક્યતા છે. ચીનનું દરિયાઈ સંરક્ષણ હવે પ્રાયોગિક ધોરણે નથી, તે સક્રિય અને સાબદું છે; તેની સબમરીનમાંથી છોડાતી બેલેસ્ટિક મિસાઈલો ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનનું ગ્વાદર, શ્રીલંકાનું હંબનટોટા અને જિબૂતીમાં લશ્કરી મથક; આ બધું જ ચીનના નૌકાદળના પદચિહ્નો છે. હિંદ મહાસાગરમાં ચીની જહાજો હવે ભાગ્યે નજરે ચઢતા અપવાદ નહીં, પણ નિયમિત હાજરી બની ગયા છે.

આવામાં આપણો ન્યુક્લિયર ડૉક્ટરીન જૂના સમયની ભાષા બોલે છે. ટૂંકમાં ડ્રાઈવરલેસ કારના જમાનામાં ગાડું બરાબર સાધન હતું એવી વાત કરીએ તો તેનો કંઇ અર્થ ન સરે. આ તફાત હવે વૈચારિક નથી રહ્યો, ભૌતિક બની ચૂક્યો છે. 

ભારતનું સૌથી મજબૂત સંરક્ષણ દરિયાના પેટાળમાં છે. ‘અરિહંત’ ક્લાસની સબમરીન એવી રીતે બનાવવામાં આવી છે કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ વળતો પ્રહાર (Second Strike) કરવાની ગેરંટી આપે. આ એ વીમો છે જે ભારત પરના કોઈપણ પહેલા હુમલાને અતાર્કિક બનાવી દે છે. પરંતુ આ ગેરંટી એક એવી વસ્તુ પર ટકેલી છે જેના વિશે જાહેરમાં ભાગ્યે જ ચર્ચા થાય છે અને તે છે ઈંધણ.

આ સબમરીન ચલાવવા માટે જરૂરી ‘એનરિચ્ડ યુરેનિયમ’ (સંવર્ધિત યુરેનિયમ) દેશના પોતાના તંત્રમાંથી આવતું હોય છે, જે આપણે ત્યાં હજી સુધી એ સ્તરે વિકસ્યું નથી કે જે આપણા સંરક્ષણ સિદ્ધાંતને ટેકો આપી શકે. ભારતની અત્યારની ક્ષમતા સતત સબમરીન તૈનાતી માટે જરૂરી ઈંધણના માત્ર એક તસુ ભાર હિસ્સા સમાન છે. અરિહંત પ્રોગ્રામ સાવચેતીપૂર્વક અને શાંતિથી આગળ વધ્યો છે એ સાચું, પણ ઈંધણના સ્રોતને મામલે ગોકળગાયથી ધીમી ગતિએ કામ આગળ વધ્યું છે. 

યુરેનિયમ સંવર્ધનની આખી ચર્ચા ખરેખર આ ખાઈ ભરવા વિશે છે. તે માત્ર ઉર્જા કે વિજ્ઞાનનો વિષય નથી. તે સિદ્ધાંતના વચન અને વાસ્તવિક સપ્લાય વચ્ચેના અંતરનો વિષય છે. આને ‘વ્યૂહાત્મક સંયમ’ ન કહેવાય, આ તો ‘એકઠો થયેલો વિલંબ’ છે, અને અમુક તબક્કે, આવો વિલંબ વ્યૂહાત્મક જોખમ બની જાય છે. 

યુરેનિયમ સંવર્ધન માટેના નાગરિક કારણો પણ ઠોસ છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને તેના માટે દર વર્ષે અંદાજે 200 અબજ ડોલર ખર્ચે છે. દાયકાઓ જૂની નીતિઓ છતાં ભારતના કુલ વીજ ઉત્પાદનમાં પરમાણુ ઊર્જાનો હિસ્સો માત્ર 3 ટકા છે. ભારત પાસે દુનિયાનો સૌથી મોટો થોરિયમ ભંડાર છે (3 લાખ ટનથી વધુ), પરંતુ તે વ્યાપારી રીતે નિષ્ક્રિય છે કારણ કે ‘બ્રીડર રિએક્ટર’ ટેક્નૉલૉજીને સક્રિય કરવા માટે જે સંવર્ધન માળખું જોઈએ, તે આપણે મોટા પાયે ક્યારે ય ઊભું જ કર્યું નથી.

ભારતે આ માર્ગના એવા તત્ત્વો વિકસાવ્યા છે જે જાપાન અને જર્મની જેવા વિકસિત દેશોને પણ પરવડ્યા નહોતા. આ એક મોટી સિદ્ધિ છે. ટેકનોલૉજીનો અવરોધ મોટો છે, પણ અશક્ય નથી. પરંતુ આનું વિસ્તરણ (scaling) કરવું એ પાયાના સ્તરે એક અલગ જ પડકાર છે. નિયંત્રિત વાતાવરણમાંથી રાષ્ટ્રીય માળખાગત સુવિધાઓ સુધી પહોંચવામાં દાયકાઓ લાગશે. મોટાભાગના અંદાજો સૂચવે છે કે અનુકૂળ પરિસ્થિતિઓમાં, 2040 સુધીમાં ભારતના કુલ વીજ પુરવઠામાં પરમાણુ ઉર્જાનો હિસ્સો લગભગ દસ ટકા સુધી પહોંચી શકે છે. તે પરિવર્તન માટે સતત મૂડી, નિયમનકારી સાતત્ય અને અનેક રાજકીય ચક્રો સુધી શિસ્તબદ્ધ અમલીકરણની જરૂર છે — જેમાંથી એક પણ ભારતની સૌથી વિશ્વસનીય સંસ્થાકીય લાક્ષણિકતાઓ નથી.

અહીં બે દલીલો ભેગી થાય છે. ‘ફ્યુઅલ સાયકલ ઑટોનોમી’ સાંભળવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી જેવું લાગે છે પણ તેનો સીધો સંબંધ વીજળી અને ઊર્જા સુરક્ષા સાથે છે. આ બાબત સરકારને તક આપે છે કે તે આ પ્રક્રિયાને માત્ર અવરોધ દૂર કરવાના પ્રયત્ન તરીકે નહીં પણ આત્મનિર્ભર ભારતના મિશન તરીકે રજૂ કરે. વાસ્તવમાં જે ક્ષમતા આપણને ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનાવે છે તે ક્ષમતા આપણા દરિયાઈ સંરક્ષણની ખોટ પણ પૂરે છે. આમ આ રોકાણ એક છે પણ પરિણામો બેવડાં છે. સ્થાનિક સ્તરે પહેલા પાસા પર ભાર મૂકાશે જ્યારે વૈશ્વિક વ્યૂહાત્મક જગત તેની સંરક્ષણ શક્તિને પારખશે. જો કે, ક્ષમતા હોવી અને તેને વાસ્તવિકતામાં બદલવી એ બંને અલગ બાબતો છે. ભારત પાસે સામર્થ્ય તો છે જ, હવે જરૂર છે માત્ર મક્કમ અમલીકરણની.

મુત્સદ્દીગીરી એટલે કે ડિપ્લોમસીના મામલે આ જટિલ પાસું છે. ભારત પાસે અખતરા કે ભૂલ કરવાનો અવકાશ નહીંવત્ છે. વૈશ્વિક પરમાણુ વ્યવસ્થામાં ભારતનું સ્થાન અનોખું છે. ભારતે NPT (પરમાણુ અપ્રસાર સંધિ) પર સહી નથી કરી, છતાં 2008માં તેને NSG તરફથી જે છૂટછાટ મળી તેના કારણે તે પરમાણુ વેપાર કરી શકે છે આ વિશેષ છૂટ એક ચોક્કસ ધારણા  પર આધારિત હતી: કે ભારત એક જવાબદાર રાષ્ટ્ર છે,  જે કાયદાકીય બંધન વગર પણ સંયમ જાળવી શકે છે. આ સમજૂતી ભારતની શાખ (reputation) પર ટકેલી હતી, પણ તે દેખાય છે તેના કરતાં વધુ નાજુક બાબત છે.

જો આપણે યુરેનિયમ એનરિચમેન્ટની ક્ષમતા વધારીશું, તો વોશિંગ્ટન, બેઇજિંગ અને વિયેના તરત જ તેની નોંધ લેશે. આનાથી અમેરિકા ફરી મૂંઝવણમાં મુકાઈ જશે. એક તરફ, તેની ‘ઇન્ડો-પેસિફિક’ રણનીતિ માટે અમેરિકાને ભારતની જરૂર છે. પણ બીજી તરફ, જો દક્ષિણ એશિયામાં આ ક્ષમતા વધે તો અન્ય દેશોને પણ આવું કરવાની છૂટ મળી જશે. આમાં નવા સમીકરણ ગોઠવાશે. પાકિસ્તાન સાથેના સંતુલન અને અમેરિકી સંસદની કડક તપાસ અંગે એવા સવાલો ઊભા થશે, જેની જાહેરમાં ચર્ચા કરવાનું અમેરિકાનો કોઈપણ સત્તાધારી પક્ષ નહીં ઇચ્છે. બહારથી તો અમેરિકા ભારતને ટેકો આપશે, પરંતુ અંદરખાને ટેકનોલોજીની મંજૂરી કે ઇંધણના કરારોમાં એવી મુશ્કેલીઓ ઊભી થશે જે કદાચ સીધી દેખાશે નહીં, પણ તેની અસર ચોક્કસ અનુભવાશે.

પણ આનો અર્થ એમ નથી કે ભારતે પીછેહઠ કરવી જોઈએ, આ તો 2008 જેવી ગંભીરતા સાથે પૂર્વતૈયારી કરવાનો સંકેત છે. આપણે જાહેરાતો કરીને પછી પ્રયોગો નહીં નક્કર રાજદ્વારી પાયા નાખવા પડશે. અહીં પાકિસ્તાનનું મહત્ત્વ ઓછું છે. ઈસ્લામાબાદની ન્યુક્લિયર નીતિ મુશ્કેલી છે ખરી પણ તે એક જૂદો પ્રશ્ન છે. આ મુદ્દાને ભારતની યુરેનિયમ સંવર્ધન ક્ષમતા સાથે કોઈ લેવાદેવા જ નથી. પાકિસ્તાન સાથેના આપણા સંબંધોમાં પહેલેથી જ એક પ્રકારની કાયમી અસ્થિરતા છે. મૂળે તો સંવર્ધનનો આ પ્રશ્ન ચીન સાથે જોડાયેલો છે. ચીન અને પાકિસ્તાન સાથેની આપણી સમસ્યાઓ સરખી નથી.

આપણે ન્યુક્લિયર રણનીતિની જાહેરાતો પ્રેસ કોન્ફરન્સમાં નથી જણાવવાના. આ ફેરફાર રોકાણની રીતો અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ધીરે ધીરે દેખાશે. ઉપર ઉપરથી તે ઊર્જા માટે લાગશે, પણ અંદરખાને તે આપણી સંરક્ષણ શક્તિને વધુ મજબૂત બનાવનારી બાબતો હશે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોમાં ભારત હંમેશાં ધીમી ગતિએ જ આગળ વધે છે, અને તે સમજદારીભર્યું પણ છે. આનાથી દુ:શ્મન દેશો સીધા ઉશ્કેરાતા નથી, આપણી યોજનાઓ ગુપ્ત રહે છે અને મુત્સદ્દીગીરી માટે પૂરતો સમય મળે છે.

પણ આ ધીમી ગતિ ત્યારે જ કામની છે જો આપણે સાચી દિશામાં જઈ રહ્યા હોઈએ. અને દિશા ત્યારે જ સાચી ગણાશે, જો આપણી રણનીતિ આજના સમયના જોખમોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી હોય. ભારતની પરમાણુ રણનીતિ (minimum credible deterrence) એક એવા સમય માટે બની હતી જ્યારે ચીન અને હિંદ મહાસાગરની સ્થિતિ સાવ અલગ હતી. આજે સંજોગો બદલાઈ ગયા છે, પણ આપણી રણનીતિ હજુ જૂની છે. આ અંતર જેટલું લાંબું ખેંચાશે, એટલું જ એવું લાગશે કે આપણે સંયમ નથી જાળવી રહ્યા, પણ જૂની વાતોના મોહમાં ફસાઈને સાચી વ્યૂહરચના બનાવવાનું ભૂલી ગયા છીએ.

બાય ધી વે : 

ભારત પાસે દુનિયામાં સૌથી વધુ થોરિયમ છે અને તેને વાપરવાની ટેક્નોલોજી પણ છે, જે વિકસિત દેશો પાસે પણ નથી. છતાં આપણી કુલ વીજળીમાં પરમાણુ ઉર્જાનો હિસ્સો માત્ર 3 ટકા જ છે. આનો અર્થ એ છે કે આપણી પાસે આવડત તો છે, પણ તેનો ઉપયોગ કરવાનો મક્કમ નિર્ણય હજી લેવાયો નથી. ઘણીવાર અડચણ ટેક્નોલૉજીની નહીં, પણ ઇચ્છાશક્તિની હોય છે. જે સંરક્ષણ શક્તિ સામેવાળાને ડરાવી ન શકે, તે સાચી શક્તિ નથી; એ માત્ર એક દેખાડો છે. આપણે યાદ રાખવું પડશે, જ્યારે સાચો દુ:શ્મન સામે હોય ત્યારે માત્ર દેખાવો કામ નથી આવતો, મજબૂત રણનીતિ જ કામ આવે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઍપ્રિલ 2026

Loading

વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટૃમ્પ

રમેશ ઓઝા|Opinion - Opinion|12 April 2026

રમેશ ઓઝા

ઈરાન સામેના યુદ્ધમાં વિજય કોનો થયો? ૧૯૭૧માં બંગલાદેશ યુદ્ધ વખતે તમે પાકિસ્તાનના લશ્કરની જે શરણાગતી જોઈ હતી અને ભારતના લશ્કરે પૂર્વ પાકિસ્તાનની જમીનનો કબજો લીધો હતો એ પ્રકારના વિજયનો યુગ સમાપ્ત થઈ ગયો. આજકાલ યુદ્ધ દૂરથી એરસ્ટ્રાઈક અને મિઝાઈલ્સ દ્વારા લડવામાં આવે છે, જમીન પર લશ્કર ઉતરતું નથી, આમનોસામનો થતો નથી એટલે વિજયનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે પરાજિત એને કહેવાય જે યુદ્ધવિરામની માગણી કરે અને વિજેતા એને કહેવાય જેની શરતે યુદ્ધવિરામ થાય. 

ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની સભ્યતાનો કાયમ માટે નાશ કરવાના હતા એના એક કલાક પહેલાં તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી. શું કહ્યું તેમણે? “અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થાય એ માટે પાકિસ્તાનના વડા પ્રધાને અને લશ્કરી વડાએ મધ્યસ્થી કરીને એક પ્રસ્તાવ આપ્યો છે. યુદ્ધવિરામ માટેનો ૧૦ મુદ્દાનો એક પ્રસ્તાવ ઈરાન તરફથી આવ્યો છે અને અમેરિકાને એમ લાગે છે કે એ વાતચીત માટે ઉપયોગી નીવડી શકે એમ છે. (a workable basis on which to negotiate)” તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફનો અને લશ્કરી વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો આભાર માન્યો હતો. અહીં યાદ અપાવી દઉં કે આ પહેલાં ૨૪મી માર્ચે અમેરિકાએ સ્વયંઘોષિત વિજેતા તરીકે ૧૫ મુદ્દાનો શાંતિપ્રસ્તાવ ઈરાન સમક્ષ રાખ્યો હતો જેને ઈરાને ફગાવી દીધો હતો અને સામે પાંચ મુદ્દાની શરત રજૂ કરી હતી.

શું હતું અમેરિકાના ૧૫ મુદ્દાના પ્રસ્તાવમાં અને શું છે ઈરાનના ૧૦ મુદ્દાના પ્રસ્તાવમાં? અમેરિકાએ શરતો રાખી હતી કે ઈરાન હોર્મુઝની ખાડી ખોલી નાખે. ઈરાન અણુકાર્યક્રમ સંકેલી લે. ઈરાન લેખિત બાંયધરી આપે કે એ ક્યારે ય અણુકાર્યક્રમ હાથ નહીં ધરે. અત્યાર સુધીમાં ઈરાને એનરીચ્ડ કરેલું ૪૫૦ કિલોગ્રામ યુરેનિયમ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીને આપી દે. ઈરાન અખાતી દેશોમાંનું તેનું પ્રોક્સી નેટવર્ક સમાપ્ત કરે. ઈરાન બેલીસ્ટીક મિઝાઈલ્સની રેંજની ક્ષમતા ઘટાડી નાખે એટલું જ નહીં તેની સંખ્યા પણ ઘટાડે. ઈરાનની તરફેણમાં એટલું કહેવામાં આવ્યું હતું કે અમેરિકા દરેક પ્રકારના સીધા અને આડકતરા પ્રતિબંધો ઉઠાવી લેશે અને ઈરાનને બેઠું કરવામાં મદદ કરશે. આ મુખ્ય શરતો હતી અને તેમાં કેટલીક પેટા શરતો હતી. 

માત્ર એક કલાકની અવધિમાં ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને સામે પોતાનો પ્રસ્તાવ રાખ્યો જેમાં માગણી કરવામાં આવી હતી કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્વરૂપની બાંયધરી આપે કે તે હવે પછી ક્યારે ય ઈરાન પર હુમલો નહીં કરે. અણુકાર્યક્રમ હાથ ધરવાના ઈરાનના અધિકારને માન્ય રાખે, હોર્મુઝની ખાડી પરના ઈરાનના અધિકારને માન્ય રાખવામાં આવે. અમેરિકા ઈરાનને યુદ્ધમાં થયેલા ખર્ચાની ભરપાઈ કરે. યાદ રહે, જેને ચપટી વગાડતા મસળી નાખવાનું હતું એ ઈરાનનો યુદ્ધનો ૨૫મો દિવસ હતો અને આવી શરતો હતી.

અને પછી એક પછી એક દિવસ વિતતા ગયા અને અમેરિકાની અકળામણ વધવા માંડી. તેને બહાર નીકળવું હતું અને કોઈ રસ્તો જડતો નહોતો. અમેરિકા જે ઈરાની નેતાનો વાતચીત કરવા સંપર્ક કરે તેને ઇઝરાયેલ મારી નાખે કે જેથી વાતચીત આગળ ન વધે. જે દોસ્ત ખાતર સળગતું લાકડું હાથમાં લઈ લીધું એ હવે લાકડું છોડવા દેતો નહોતો. ન બોલી શકાય કે ન સહન કરી શકાય એવી સ્થિતિ થઈ ગઈ. દુનિયામાં આબરૂના ધજાગરા થઈ ગયા અને ઘરઆંગણે વિરોધ વધવા માંડ્યો. છેલ્લે તો ટ્રમ્પની લોકપ્રિયતામાં માઈનસ ૧૭નો ઘટાડો થઈ ગયો અને તેમને ઈમ્પીચ કરીને હટાવવાની વાતો થવા લાગી. છેલ્લા પંદર દિવસ ટ્રમ્પના સનેપાતના દિવસો હતા. શું બોલે છે તેનું તેમને જ ભાન નહોતું. આ બાજુ ઈરાન મચક નહોતું આપતું. ચારથી પાંચ અમેરિકન વિમાનો તોડી નાખ્યાં, બે એફ-૩૫ વિમાનો (જેને અમેરિકા-ઇઝરાયેલના પ્રશસ્તિકારોએ હાથ પણ ન લગાડી શકાય એવાં અજેય ગણાવ્યાં હતાં) ને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યાં. ૧૫ જેટલા અમેરિકનોનાં મોત થયાં, સેંકડોની સંખ્યામાં અમેરિકનો ઘાયલ થયા અને અખાતી દેશોમાંના અમેરિકાનાં લશ્કરી મથકોનો ખાત્મો બોલાવી દીધો. તેનાં અત્યાધુનિક રેડારને તોડી નાખવામાં આવ્યું. યુદ્ધનાં બીજા દસ દિવસ વીતી ગયા, પણ ઈરાન મચક આપતું નહોતું. ઓછામાં પૂરું ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરીને જાગતિક આર્થિક સંકટ પેદા કર્યું. અમેરિકાએ રહીસહી સહાનુભૂતિ પણ ગુમાવી દીધી. વિશ્વભરમાં એક જ સવાલ પૂછાતો હતો કે ઇઝરાયેલના યુદ્ધમાં અમેરિકાએ વચ્ચે કુદવાની શું જરૂર હતી? ઉર્જાનું સંકટ અમેરિકાએ પેદા કર્યું છે. ટ્રમ્પને હવે એ પણ સમજાઈ ગયું કે ઈરાનની પાછળ રશિયા અને ચીન છે અને અમેરિકા વર્ચસ ગુમાવે અને જગત બહુધ્રુવીય બને એ માટે તેઓ યુદ્ધનો અવસર તરીકે ઉપયોગ કરે છે.

ટ્રમ્પબાબાને અક્ક્લ આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પગ ફાચરમાં ફસાઈ ગયો હતો અને નહોતું ઈરાન પગ બહાર કાઢવા દેતું કે નહોતું ઇઝરાયેલ બહાર કાઢવા દેતું. તેમણે પાકિસ્તાનને મધ્યસ્થી કરવા કહ્યું, પણ ઈરાને પોતાની વાત પકડી રાખી કે જો ઈરાનની શરતો માન્ય હોય તો જ તે વાતચીતના ટેબલ પર બેસશે, અમેરિકાની શરતે નહીં. ૩૮ દિવસ વીતી ગયા. ટ્રમ્પે ઈરાનને ડરાવવા માટે પોતાના સૈનિકો અખાતી દેશોમાં ઉતાર્યા અને ઈરાનમાં જમીની લડાઈ કરવાની ધમકી આપી. ઈરાને તેનું પણ સ્વાગત કર્યું. ઈરાને કહ્યું; “જીવતા સૈનિકોને મોકલો અને શબ પાછા લઈ જાઓ.” અમેરિકા તેના ઇતિહાસમાં બહુ ભયંકર રીતે એકલું પડી ગયું. ઇઝરાયેલ માટેની અમેરિકનોની જાણીતી હમદર્દી પણ લુપ્ત થઈ ગઈ. એક સર્વે મુજબ ૬૮ ટકા અમેરિકનો એમ કહે છે કે ઇઝરાયેલ દાદાગીરી કરી રહ્યું છે અને તેને પાઠ ભણાવવાની જરૂર છે. અમેરિકાએ હવે ઇઝરાયેલનો હાથ છોડી દેવો જોઈએ. 

હવે? ટ્રમ્પ બાબા પાસે બે જ વિકલ્પ હતા. કાં તો ઈરાનની શરતે યુદ્ધવિરામ કરે અથવા અણુ હુમલો કરીને ઈરાનને ખતમ કરી નાખે. પહેલા વિકલ્પમાં નાક કપાતું હતું અને બીજો વિકલ્પ જોખમી હતો. જોખમી એટલે દરેક રીતે જોખમી. ડોનાલ્ડ ટ્રમ્પ માનવસભ્યતાના ઇતિહાસમાં અવ્વલ દરજ્જાના વિકૃત અને પાગલ તરીકે કાયમ માટે સ્થાન પામે. રાક્ષસ તરીકે ઓળખાય. પ્રમુખપદ ગુમાવે, નિર્દોષ માનવોનો સંહાર કરવાના ગુના માટે કદાચ સજા થાય. અમેરિકા પ્રતિષ્ઠા ગુમાવે. આમ તો આ ઈરાનને ઝૂકાવવાનો છેલ્લો પ્રયાસ હતો, ધમકી હતી, પણ ડોનાલ્ડ ટ્રમ્પની અંદર રહેલ નીચતા અને અભિમાન જોતા એક ભય પણ હતો. ગાંડો અને વિકૃત માણસ છે, શું ખબર સાહસ કરી પણ બેસે! 

આખું જગત અધ્ધરજીવે હતું. ઇઝરાયેલી મીડિયાએ કાઉન્ટ ડાઉન મીટર શરૂ કરી દીધું હતું અને એની વચ્ચે ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી. તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરતા શું કહ્યું એ તો તમે વાંચી ગયા છો. “યુદ્ધવિરામ માટેનો ૧૦ મુદ્દાનો એક પ્રસ્તાવ ઈરાન તરફથી આવ્યો છે અને અમેરિકાને એમ લાગે છે કે એ વાતચીત માટે ઉપયોગી નીવડી શકે એમ છે.” પાકિસ્તાને પણ ઈરાનના દસ મુદ્દાનો હવાલો આપીને યુદ્ધવિરામની જાહેરાત કરી અને ઈરાને પણ કહ્યું કે અમારા પ્રસ્તાવ પર વાતચીત કરવા અમેરિકા તૈયાર હોય તો અમે પંદર દિવસ યુદ્ધવિરામ કરવા તૈયાર છીએ. જગતના અનેક દેશોએ પાકિસ્તાનના નેતાઓની મુત્સદીગીરીનાં વખાણ કર્યાં છે અને આભાર માન્યો છે. 

શું છે એ દસ મુદ્દા? એ જ, જે ઈરાન પહેલીથી જ કહેતું આવ્યું છે. ઈરાનના અણુ કાર્યક્રમ હાથ ધરવાના અધિકારને માન્ય રાખવામાં આવે. ઈરાન અને તેના સાથી દેશો (તેમાં લેબેનોનનો ખાસ નામ લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે) પર ક્યારે ય હુમલા કરવામાં નહીં આવે અને તેની જાગતિક બાંયધરી આપવામાં આવે. હોર્મુઝની ખાડી પરના ઈરાનના અધિકારને માન્ય રાખવામાં આવે. બધા જ પ્રકારના સીધા અને આડકતરા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે. યુનોમાં અને ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીમાં ઈરાનના અણુ કાર્યક્રમને લગતા અને તેને કારણે પ્રતિબંધોને લગતા જેટલા ઠરાવ છે એ બધા પાછા લેવામાં આવે. ઈરાનની જપ્ત કરવામાં આવેલી સંપત્તિને ઈરાનને પાછી સોંપવામાં આવે. પશ્ચિમ એશિયામાંની અમેરિકાની લશ્કરી હાજરીનો અંત આવે અર્થાત્ અખાતી દેશોમાંથી અમેરિકનાં લશ્કરી મથકો સંકેલી લેવામાં આવે. જે સમજુતી થાય તે બન્ને પક્ષો માટે બંધનકર્તા બને એ માટે યુનોની સલામતી સમિતિમાં તે અર્થનો ઠરાવ પસાર કરવામાં આવે. ઈરાને યુદ્ધખર્ચો માગ્યો હોવાનું પણ કહેવાય છે, પણ એ વિષે મીડિયા રીપોર્ટમાં વિરોધાભાસ છે. 

ગમે તેમ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે “It is workable.”  

તો પછી કોણ જીત્યું? અમેરિકા કે ઈરાન? હજુ એક વાત તમે નોંધી? યુદ્ધ મૂળમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે હતું અને અમેરિકા તો વચ્ચે કુદી પડ્યું, પણ જે વાટાઘાટો થવાની છે તેમાં ઇઝરાયેલ પક્ષકાર જ નથી. એ વાત જૂદી છે કે ઇઝરાયેલને પક્ષકાર બનવું પણ નથી. ઇઝરાયેલ બને ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવા માગે છે કે જેથી ઈરાન નબળું પડે અને ઇઝરાયેલને વિસ્તરવાનો મોકો મળે. ઇસ્લામાબાદમાની વાતચીતને તોડી પાડવા માટે ઇઝરાયેલ દરેક પ્રકારની કોશિશ કરી રહ્યું છે. ગુરુવારનો લેબેનોન પરનો હુમલો આ જ ઉદ્દેશથી કરવામાં આવ્યો છે. કદાચ તેને તેમાં સફળતા મળે પણ. જેના વિષે કોઈ કશું જ ખાતરીપૂર્વક ભાખી ન શકે એવો ટ્રમ્પ છે અને ઇઝરાયેલ પાસે ટ્રમ્પને લગતી એપ્સ્ટીન ફાઈલો છે. જરાક રાહત મળી નહીં કે ટ્રમ્પે સૂર બદલ્યો નહીં. સૂર બદલવાનું એક કારણ તો એ છે કે જગતભરમાં અમેરિકાની ઠેકડી ઊડી રહી છે, એટલે વળી પાછું ભાંગી નાખું કાપી નાખુંની વાત ટ્રમ્પ કરવા લાગ્યા છે. ટૂંકમાં વાટાઘાટ સફળ થશે કે કેમ એ વિષે શંકા છે. ઇઝરાયેલ અમેરિકાને કેટલું નચાવી શકે છે એના પર બધો આધાર છે. નઠારાની ભાઈબંધીનું આ પરિણામ છે.

દરમ્યાન આ યુદ્ધે આટલી વાત સ્પષ્ટ કરી દીધી છે :

૧. ઈરાન અને ઈરાની પ્રજા બહાદૂર છે. આવી બહાદૂરી આજ સુધી ક્યાં ય જોવા મળી નથી.

૨. અમેરિકાનાં વળતાં પાણી છે. સૂર્ય ધાર્યા કરતાં વધુ ઝડપે પશ્ચિમ તરફ ઢળી રહ્યો છે. 

૩. ઇઝરાયેલે જગતમાં પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે એમ હવે ઈઝરાયેલી પ્રજાને લાગવા માંડ્યું છે. યહૂદીઓના માદરે વતનનો પ્રોજેક્ટ નેતાન્યાહૂની આક્રમકતાને કારણે નિષ્ફળ નીવડ્યો છે. 

૪. અમેરિકાને જે અનુભવ થયો એ પછી અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનાં સંબંધો પર પણ તેની અસર થવાની છે. યુરોપના દેશોમાં તો ઇઝરાયેલની ટીકા થઈ જ રહી છે. 

૫. પશ્ચિમ એશિયામાં નવાં રાજકીય સમીકરણો રચાશે. 

૬. જાગતિક રાજકારણમાં પાકિસ્તાનને નવી પ્રતિષ્ઠા મળી છે. આ એ દેશ છે જે હજુ ગઈ કાલ સુધી ત્રાસવાદને પોષણ આપનાર બેજવાબદાર દેશ તરીકે ઓળખાતો હતો. 

૭. ચીનનો સૂર્ય મધ્યાહ્નને લગભગ પહોંચી ગયો છે.      

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઍપ્રિલ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—336

દીપક મહેતા|Opinion - Opinion|11 April 2026

ખુદામાં યકીન રાખનારા ‘મોમીન’ અઢારમી સદીમાં ગુજરાતથી આવ્યા મુંબઈ

ગઈ કાલનો દિવસ, ૧૦મી એપ્રિલનો દિવસ, મુંબઈમાં વસતી એક જમાત માટે ખાસ દિવસ હતો. કઈ જમાત માટે? અને માત્ર મુંબઈમાં જ શા માટે? આખી દુનિયામાં જ્યાં જ્યાં આ જમાતના લોકો વસે છે ત્યાં બધે જ તેમણે ખુશાલીપૂર્વક ગઈ કાલનો દિવસ ઉજવ્યો. માથું ખંજવાળવાનું રહેવા દો. ગઈ કાલનો દિવસ હતો ‘વિશ્વ મેમણ દિવસ’. આપણા દેશ ઉપરાંત પાકિસ્તાન, યુ.એસ.એ., જાપાન, અને તુર્કસ્તાનમાં તેમની સારી એવી વસતી. ત્યાં બધે તેમણે આ દિવસ ઉજવ્યો. અસલ વતની હતા સિંધ અને કચ્છના, અને ધર્મે હતા હિંદુ. જાતે લોહાણા. 

સંવત ૧૪૭૮ અથવા હિજરી સન ૮૨૪માં હિન્દુ લોહાણા જાતિનાં સાતસો કુટુંબોએ દીને-ઈસ્લામ કબૂલ કર્યો. આ પરિવારોની કુલ સંખ્યા ૬,૧૭૮ બયાન કરવામાં આવે છે. લોહાણાની મુખ્ય વસતી નિરૂણ કોટ (આજનું હૈદરાબાદ, સિંધ) હેબલ, સમા અને લાખાગઢમાં હતી. આ પ્રદેશ લોહાણા દેશ તરીકે ઓળખાતો હતો. સન ૧૪૨૨માં ઈસ્લામના પ્રચારાર્થે અબુ ઝકરિયા યાહિયા યુસુફુદ્દીન બગદાદથી સિંધ આવ્યા. દસ વર્ષના પ્રયત્નો પછી આ સાતસો લોહાણા પરિવારો મુસ્લિમ બન્યા અને એમને ‘મોમીન’ નામ આપવામાં આવ્યું ‘મોમીન’ એટલે ખુદામાં યકીન રાખનારા. વખત જતાં ‘મોમીન’નું બન્યું મેમણ. 

આ પછીનો મોમીન ઇતિહાસ સંઘર્ષ અને ખાનાબદોશીનો છે. સૈયદ યુસુફુદ્દીનની સલાહથી આ સાતસો પરિવાર થટ્ટા પાસેના વટિયા પ્રદેશમાં ચાલ્યા ગયા. થોડાં વર્ષો ત્યાં રહ્યા પછી જીવન મુશ્કેલ થતું ગયું અને છસો કબીલા કાઠિયાવાડના હાલાર તરફ સ્થળાંતર કરી ગયા. જે વખત જતાં હાલારી કે હાલાઈ મેમણ તરીકે ઓળખાયા. સો વરસ પછી બાકીના સો કબીલા કચ્છના ભૂજમાં હિજરત કરી ગયા, જે કચ્છી મેમણ તરીકે ઓળખાયા. કેટલાક કચ્છી મેમણ ઓખા બેટમાં ચાલ્યા ગયા જે આજે ઓખાઈ મેમણ કહેવાય છે. જે મેમણ ખેડૂતો દક્ષિણ સિંધમાં જ રહ્યા એ સિંધી મેમણ તરીકે ઓળખાય છે.

૧૯મી સદીમાં મુંબઈનાં મેમણ પુરુષો અને સ્ત્રીઓ 

મેમણ કબીલાઓ કચ્છ, કાઠિયાવાડ અને સિંધથી ૧૮મી અને ૧૯મી સદીમાં મુંબઈ આવીને વસ્યા. એકંદરે વેપારી કોમ. પણ પૈસા કમાઈ જાણે તેમ સખાવતમાં વાપરી પણ જાણે. મિનારા મસ્જિદ અને ઝકરિયા મસ્જિદ આ જમાતે બંધાવેલી. સાબુ સીદિક એન્જિનિયરિંગ કોલેજ પણ તેમણે શરૂ કરેલી. નૂર હોસ્પિટલ અને અસલ હાજી સાબુ સીદિક મુસાફરખાના આ જમાતની સખાવતને આભારી. બાવીસ માળનું હજ હાઉસ બાંધવામાં પણ આ જમાતનો ઘણો મોટો ફાળો. મેમણવાડા મસ્જિદ એ આ કોમનું એક મહત્ત્વનું ઠેકાણું. કારણ ત્યાં માત્ર નમાઝ પઢવામાં નથી આવતી, જમાતને લગતી બહસ પણ થાય, અને ફેંસલા પણ લેવાય. 

સુએઝની કેનાલ શરૂ થયા પછી હિન્દુસ્તાનનો ગ્રેટ બ્રિટન સાથેનો અને યરપના બીજા દેશો સાથેનો વેપાર ઘણી ઝડપથી વધવા લાગ્યો. મુંબઈ આવીને વસેલા મેમણોએ આ તક ઝડપી લીધી અને જુદા જુદા દેશો સાથેના આયાત-નિકાસના વેપારમાં નામ કાઢ્યું. એક જમાનામાં બંદર નજીક આવેલા વિસ્તારમાં તેમની ઝાઝી વસતી. એટલે એ વિસ્તાર ઓળખાયો ‘મેમણવાડા’ તરીકે. શરૂઆતમાં કાપડ, અનાજ, અને હાર્ડવેરના વેપારમાં જાતમહેનતથી પોતાનું સ્થાન જમાવ્યું. દરવેશ, આગબોટવાલા, અલ્લાના જેવી અટકો અપનાવી. 

મેમણ સમાજની એક ખાસિયત: નીચે દુકાન, ઉપર ઘર  

અગાઉના વખતમાં હિંદુઓમાં જેમ ‘પંચાયત’નું જોર, એમ મેમણ સમુદાયમાં ‘જમાત’નું જોર. પોતાના જાત ભાઈઓ માટે એ રહેણાકનાં મકાન બાંધે અને પરંપરાગત રીતે જમાતની મંજૂરી વગર કોઈ નિકાહ થઈ ન શકે. સમાજની બહાર શાદી ભાગ્યે જ થાય. તો વેપારમાં વિશ્વાસ અને શાખ એ તેમની મોટી મૂડી. મોટા ભાગના વેપારી વ્યવહારો લેખિત કરાર વગર ચાલતા. એક વાર આપેલો બોલ ‘ફોક’ ન કરાય એવી માન્યતા. છતાં ક્યારેક મતભેદ થાય, ઝગડો પણ થાય તો અદાલતનાં બારણાં નહિ ખખડાવવાનાં. તેનો ઉકેલ ‘જમાત’ આપે, અને તે બંને પક્ષ માથે ચડાવે. આને કારણે મેમણ વેપારીઓની એક આગવી ઓળખ ઊભી થઈ. મેમણ વેપારીનો બોલ હોય પછી ચિંતા કરવાનું કોઈ કારણ નહિ, એમ એ સમાજના જ નહિ, મુંબઈના બધા વેપારીઓ માને.

૧૯મી સદીનું ભીંડી બજાર 

 આ જમાતના લોકોની વધારે વસતી જોવા મળે ડોંગરી, ભીંડી બજાર, મહંમદ અલી રોડ, અને નળ બજાર જેવા વિસ્તારોમાં. આ વિસ્તારોમાં રહેતા મેમણોની એક ખાસિયત: તેમનાં ઘરો એવાં, કે ભોંયતળિયે દુકાન, અને ઉપર રહેણાક. તેના બે ફાયદા: એક, રોજનો વાહનવ્યવહારનો ખર્ચ અને સમય બચે. અને વેપારની પ્રવૃત્તિ પર માલિકની સતત નજર રહે, ઘરમાં બેસીને પણ. કચ્છથી આવીને મુંબઈમાં વસેલા મેમણ ઘરમાં અને અરસપારસના વ્યવહારમાં કચ્છી બોલે. જ્યારે કાઠિયાવાડથી આવેલા ગુજરાતીની પોતીકી બોલી બોલે.

મેમણ મનોવૃત્તિ વિશે એક રમૂજ ચાલે છે. કયામતને દિવસે ખુદાના દરબારમાં હિસાબ થયો. મેમણનાં પાપ-પુણ્યનો પણ હિસાબ થયો. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં જ રહ્યાં! ખુદાતાલા વિચારમાં પડી ગયા. મેમણને સવાલ કર્યો : ‘હવે તને ક્યાં મોકલું – જન્નતમાં કે જહન્નમમાં?’

મેમણે તરત હાજરજવાબી વાપરી: ‘જેડા બો પઈસે જો ફાયદો હોય. ઉડા મોકલ!’ (જ્યાં બે પૈસાનો ફાયદો થતો હોય ત્યાં જ મોકલો ને!) જહન્નમ હોય કે જન્નત હોય કે જહાન હોય, મેમણ ફાયદો નાકથી સૂંઘી લે છે! પૂરી પૃથ્વી પર એ ફેલાયો છે. પૈસા કમાયો છે, ઉડાવ્યા છે, સખાવતોનો દરિયો વહાવ્યો છે, ‘બો પઈસે જો ફાયદો’ એને માટે ડાબા હાથનો ખેલ છે. 

પહેલાંના જમાનામાં મેમણોમાં એક કહેવત પ્રચલિત હતી: ‘જિજો પળે સે જિજો ખરે!’ મતલબ કે જે વધારે ભણે છે એ વધારે ખુવાર થાય છે! પણ પછી બદલાતા સમય સાથે આ માન્યતા બદલાઈ અને મેમણ યુવાનોએ શિક્ષણનું મહત્ત્વ સમજીને શિક્ષણ હાસિલ કર્યું. દેશમાં, અને દેશની બહાર, જુદી જુદી જગ્યાએ ફેલાઈને વેપાર ઉપરાંત બીજાં ક્ષેત્રોમાં પણ નામના મેળવી.

પણ એક મેમણ એવો છે જેને આજ સુધી ગુજરાત ભૂલ્યું નથી. તેની સાથે સંકળાયેલી એક ગોઝારી ઘટના વિષે લોકગીત જોડાયાં છે, નવલકથા લખાઈ છે, નાટક અને ફિલ્મ બન્યાં છે. આ મેમણ તે હાજી કાસમ. હા, જી. ‘હાજી કાસમ તારી વીજળી રે, મધ દરિયે વેરણ થઈ’ વાળી વીજળી નામની આગબોટનો એ માલિક. એમનુ આખું નામ હતું હાજી કાસમ યુસુફ આગબોટવાલા! જન્મ સૌરાષ્ટ્રના કુતિયાણામાં. કહે છે કે એક જમાનામાં એમની પાસે ૯૯ વહાણો હતાં. વરાળથી ચાલનારી બોટ આવી ત્યારે એમનાં વહાણો લગભગ આખા પશ્ચિમ કિનારા પર ફરતાં. માણસ દાનવીર અને સખાવતી એવો કે દંતકથામાં નામ રહે! પણ એમના જીવનમાં એક ઘટના બની ગઈ. એમની એક બોટ ‘વીજળી’ કરાંચીથી મુંબઈ જવાની હતી. એ એની પહેલી સફર હતી. મધદરિયે એકાએક ‘વીજળી’ આગબોટ ડૂબી ગઈ, સાથે પરણવા આવતી જાનોએ પણ જળસમાધિ લીધી! પૂરા કાઠિયાવાડમાં હાહાકાર મચી ગયો અને પેલું  લોકગીત બહુ મશહૂર બની ગયું : ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ…!’

આ ‘વીજળી’ તો લોકોએ પાડેલું હુલામણું નામ. કારણ આ જહાજમાં પહેલી વાર વીજળીના દીવા મૂકવામાં આવ્યા હતા. તેનું ખરું સત્તાવાર નામ ‘વૈતરણા.’ મુંબઈ નજીકની નદી પરથી આ નામ પાડેલું. સ્કોટલેન્ડની ગ્રેન્જમાઉથ ડોકયાર્ડ કંપનીમાં બંધાએલી તે પહેલી સ્ટીમર. એને બાંધતાં ત્રણ વરસ લાગેલાં. ૧૮૮૫માં તેને તરતી મૂકવામાં આવી. ત્રણ માળવાળી આ સ્ટિમરમાં ૨૫ કેબીન. સ્ટિમરનું વજન ૨૯૨ ટન. લંબાઈ ૧૭૦.૧ ફૂટ, વધુમાં વધુ પહોળાઈ ૨૬.૫ ફૂટ, અને ઊંડાઈ ૯.૯ ફૂટ. આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપના રસ્તે તેને કરાચી લાવવામાં આવી. તે વખતના કચ્છના દેશી રાજ્ય માંડવી અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલસામાનની ખેડ માટે તેને ખરીદવામાં આવી હતી. માંડવીથી મુંબઈ સુધીનું અંતર કાપતાં તેને ત્રીસ કલાક લાગતા, અને ડેક પરની મુસાફરી માટેનું ભાડું હતું આઠ રૂપિયા! 

મેમણ હાજી કાસમની વીજળી  

  એ વખતે દેશના પશ્ચિમ કાંઠાની મુસાફરી ખેડતાં ઘણાંખરાં જહાજ ચોમાસા દરમ્યાન સફર ખેડતાં નહિ. એટલે દરિયાઈ તોફાન ઝીલી શકે એટલાં એ મજબૂત રહેતાં નહિ. ૧૮૮૮ના નવેમ્બરની આઠમી તારીખે આ વૈતરણા ઉર્ફે વીજળી માંડવીથી મુંબઈ જવા નીકળી. તે વખતે તેમાં ૫૨૦ પેસેન્જર. દ્વારકાથી બીજા વધુ પેસેન્જર ચડ્યા. હવે કુલ આંકડો થયો ૭૦૩. રસ્તામાં હવામાન બગડતું ગયું એટલે પોરબંદર રોકાવાને બદલે વીજળી સીધી મુંબઈ જવા નીકળી. છેલ્લે માંગરોળ નજીકના દરિયામાં દેખાયેલી. માધવપુર (ઘેડ) પહોંચતાં ભયંકર વાવાઝોડામાં સપડાઈને ૭૦૩ મુસાફરો અને ૪૩ ખલાસીઓને લઈને દરિયામાં ડૂબી. મુસાફરોમાં ૧૩ જાન હતી. એ વખતે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાતી, અને માત્ર મુંબઈમાં જ લેવાતી. એટલે એ પરીક્ષા આપવા માટે ઘણા વિદ્યાર્થીઓ પણ આ વીજળીમાં મુસાફરી કરી રહ્યા હતા.

વીજળીની દુર્ઘટના પછી જામનગરના કવિ દુર્લભરાય શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામનો કાવ્ય સંગ્રહ પ્રગટ કરેલો. એ જ નામનો બીજો કાવ્ય સંગ્રહ ભીખારામ સવજી જોશીએ પણ પ્રગટ કરેલો. ઝવેરચંદ મેઘાણીએ ‘રઢિયાળી રાત’ના એક ભાગમાં ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઇ’ લોકગીતનો સમાવેશ કરેલો. આપણી ભાષાના અગ્રણી સર્જક ગુણવંતરાય આચાર્યની આ જ ઘટના પર આધારિત નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ ૧૯૫૪માં પ્રગટ થયેલી. 

પચરંગી વસતીથી ઊભરાતા મુંબઈ શહેરના રંગમંચ પર મેમણો એકંદરે ‘લાઈમ લાઈટ’માં ભલે દેખાતા ન હોય, તો ય તેમનો પ્રભાવ ઉવેખવા જેવો તો નથી જ. વેપાર, પરોપકાર અને વિશ્વાસ—આ ત્રણ સ્તંભો પર ઊભેલો મેમણ સમાજ આજે પણ મુંબઈની ઓળખનો એક અગત્યનો ભાગ બની રહ્યો છે.

હવે આવતે શનિવારે? મુંબઈની આવી જ બીજી એક જમાત વિષે વાત.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 11 એપ્રિલ 2026

Loading

...102030...71727374...8090100...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved