Opinion Magazine
Number of visits: 9842141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

નેહા શાહ|Opinion - Opinion|19 December 2025

નેહા શાહ

નામ માં શું રાખ્યું છે? રોમિયો – જુલિયટ લખતા શેક્સપિયર આ સારી સલાહ આપી ગયો હતો. “નામ વ્યક્તિના સાચા પાત્રની ઓળખ નથી આપતું, એ તો માત્ર મથાળા છે.” એટલે કે ગુલાબનું નામ ગમે તે રાખો એની સુગંધમાં કોઈ ફરક નથી પડવાનો. વર્તમાન સરકાર યોજનાઓનાં નામ બદલાવાનો શોખ છે – નાના-મોટા ફેરફાર સાથે સ્વાવલંબન યોજના અટલ પેન્શન યોજના બની ગઈ, ઇન્દિરા આવાસ યોજનાનું નામ પ્રધાન મંત્રી આવાસ યોજના થયું, નિર્મલ ભારત યોજના હવે સ્વચ્છ ભારત યોજના છે. છેલ્લો ઉમેરો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના (મનરેગા) હવે બદલાઈ ને ‘વિકસિત ભારત ગ્રામીણ વિસ્તાર રોજગાર અને આજીવિકાની ખાતરી માટે મિશન (Viksit Bharat Guarantee for Rozgar and Ajeevika Mission Gramin — VB-G RAM G Bill) યોજના બનાવવાનો ખરડો સંસદમાં રજૂ થઇ ચુક્યો છે.

સરકારના પ્રવક્તા કહે છે કે યોજનાના નામ સાથે આત્મા બદલવા ની વાત છે – આ જરા સાવધ કરનારી વાત છે. કારણ કે, છેડછાડ તો આત્મા સાથે જ છે! મનરેગા યોજના નથી, પણ કાયદો છે જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સરકાર ૧૦૦ દિવસના રોજગારની માત્ર ખાતરી નહિ, અધિકાર આપે છે. ૨૦૦૫માં શરૂ થયેલી આ યોજનાનો આત્મા એટલે,

૧. ગરિમા પૂર્ણ રોજગાર ને મૂળભૂત અધિકાર ગણવાની સ્વીકૃતિ.

૨. રોજગારના અભાવમાં ગ્રામીણ વિસ્તારમાં સરકાર પાસે રોજગાર માંગવાનો અધિકાર.

૩. સમગ્ર દેશમાં એકસરખો અધિકાર

૪. વર્ષના ૧૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન સાથે રોજગાર પૂરો પાડવાનું સરકારનું દાયિત્વ.

યોજનાનો આત્મા દિવસની મર્યાદામાં નથી – આત્મા છે સાર્વત્રિક રીતે ગરિમાપૂર્ણ રોજગારને અધિકાર ગણવાની સ્વીકૃતિમાં. વળતરમાં માત્ર લઘુતમ મળે પણ, ભૂખ મારાથી બચવા માટે આનાથી વધુ ગરિમાપૂર્ણ વિકલ્પ શું હોઈ શકે? કોવીડ સમયે આપણે જોયું કે કરોડો લોકો અધિકારને કારણે ટકી ગયા.

આ કેન્દ્રીય યોજનાનો અમલ સમગ્ર દેશમાં એક સમાન રીતે થતો હતો અને કેવા પ્રકારનાં કામ લોકો પાસે કરાવી શકાય એ નિર્ણય રાજ્ય સરકાર લેતી રહી છે. નવા ખરડા કેટલીક જોગવાઈ રોજગારની બાંહેધરીની વિભાવના પર અસર કરે છે જે ચિંતાજનક છે. – એક, નવા ખરડામાં કેન્દ્ર સરકારના હાથમાં નિર્ણય લેવાની ઘણી સત્તા અપાઈ છે, જ્યારે આર્થિક ભારણ ઓછું કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં અને કયા વિસ્તારમાં આ યોજના લાગુ કરવી એનો નિર્ણય કેન્દ્ર સરકાર નક્કી કરશે. ક્યાં અને ક્યારે આ યોજના લાગુ પડશે એ અંગેનું જાહેરનામું સરકાર અવારનવાર બહાર પાડતી રહેશે. એટલે કે રોજગારની બાહેંધરી અધિકાર સમગ્ર ગ્રામીણ ભારતમાં સાર્વત્રિક રીતે લાગુ નહિ પડે! આ બાંહેધરી મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી.!!!

બે, મનરેગા પાછળ થતાં ખર્ચમાં વળતરની ચુકવણીનો ૧૦૦ ટકા અને સામગ્રી પાછળ ૭૫ ટકા ખર્ચ કેન્દ્ર સરકારની જવાબદારી હતી. એટલે લગભગ ૯૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર કરતી હતી. નવી યોજનામાં આ ગુણોત્તર ૬૦:૪૦નો રખાયો છે. આ મુદ્દો જરા પેચીદો છે, કારણ કે, ગરીબ પ્રદેશોની સરકાર પાસે આવક પણ ઓછી હોવાની, એમાં એમણે જો ૪૦ ટકા જેટલો ખર્ચ ભોગવવાનો આવે તો અમલમાં ધાંધિયા થવાની શક્યતા ખરી. જી.એસ.ટી. પછીના સમયમાં રાજ્ય સરકાર પાસે જ્યારે આવકના મર્યાદિત સાધનો બચ્યા છે તેવા સંજોગોમાં રોજગારના દિવસો વધારી એનું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર પર વધે તો યોજનાનો અમલ કેટલો અસરકારક રીતે થશે એ સવાલ તો થાય. વળી, જ્યાં વિરોધ પક્ષની સરકાર છે એવા રાજ્યો પ્રત્યે કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન છૂપું નથી. પશ્ચિમ બંગાળમાં લગભગ ત્રણ વર્ષથી મનરેગાનું ફંડિંગ બંધ હતું, જે નાણાં છૂટા કરવાનો આદેશ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કેન્દ્ર-સરકારની મડાગાંઠમાં રોજગાર માંગનાર વ્યક્તિ જ અટવાઈ જાય.

ત્રણ, નવા ખરડામાં ૧૨૫ દિવસની ખાતરી અપાઈ છે જે વાવણી-લણણીની ઋતુના બે મહિના દરમ્યાન લાગુ નહિ થાય.

ચાર, કેવા પ્રકારનું રોજગાર આ યોજના થકી આપી શકાય એ માટે ચાર શ્રેણી વ્યાખ્યાયિત કરવામાં આવી છે – જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આજીવિકાનું માળખું અને આપત્તિ નિવારણ અને આબોહવાની સ્થિતિસ્થાપકતા. આ સિવાયની શ્રેણીમાં કામ ઊભું કરવાની લવચીકતા રાજ્ય સરકાર પાસે રહેશે કે નહીં, એ અંગે સ્પષ્ટતા નથી.

સરકારે રોજગારના દિવસો વધારવાની વાત તો કરી, પણ પાછલાં પાંચ વર્ષમાં કાયદાનો ટેકો હોવા છતાં સરેરાશ માત્ર પંચાવન દિવસ જ કામ અપાયું છે. જો કોઈ સુધારાની જરૂર હતી તો એવું માળખું ઊભું કરવાની કે જેથી લોકોને ૧૦૦ કે હવે ૧૨૫ દિવસનાં રોજગારની બાહેંધરીની બાહેંધરી આપવાની. વેતનના દર બજારના ભાવ પ્રમાણે સુધારવાની અને લોકોને સમયસર વેતન મળી રહે એ જોવાની.

મધ્યમ વર્ગના નાગરિકને મનરેગા જેવા કાયદામાં થયેલા ફેરફારથી ફરક ના પડે. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે દેશના સાડા છ કરોડ કરતાં પણ વધુ લોકો આ યોજના પર આધાર રાખે છે. ગુલાબને કોઈ અન્ય નામ આપો તો ફર્ક નથી પડતો પણ ગુલાબમાંથી એની સુગંધ જ કાઢી નાખીએ તો? મનરેગા સાથે એવું જ કાંઇક થવા જઈ રહ્યું છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|19 December 2025

હેમંતકુમાર શાહ

ભા.જ.પ.ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનો દેશદ્રોહનો કેસ ગુજરાતની ભા.જ.પ.ની સરકારે પાછો ખેંચ્યો તેને સુરતની જિલ્લા અને સેશન્સ અદાલતે તા.૧૮-૧૨-૨૦૨૫ના રોજ મંજૂરી આપી દીધી હોવાના સમાચાર છે. ગયા માર્ચ મહિનામાં અમદાવાદની સેશન્સ અદાલત દ્વારા પણ આ જ રીતે હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માટેના ભા.જ.પી. સરકારના નિર્ણયને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ બંને કેસમાં હાર્દિક પટેલની સાથે સાથે તેમના ચારેક સાથીઓને પણ રાહત મળી. 

૨૦૧૫માં હાર્દિક પટેલે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નેતા કે કાર્યકર તરીકે નહીં પણ ભારતના એક નાગરિક તરીકે ગરીબ સવર્ણ લોકોને અનામત મળે તે માટે જે આંદોલન કરેલું તે સબબ આ કેસ તેમની સામે કરવામાં આવેલા. સુરતમાં હાર્દિક પટેલે પટેલ યુવાનોને આત્મહત્યા કરવાને બદલે પોલિસને જ મારવા માટે હાકલ કરેલી તે બદલ આ કેસ કરવામાં આવેલો. આ કેસમાં ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. પણ હવે કેસ રહ્યો જ નહીં.

શા માટે હાર્દિક પટેલ સામેના કેસ ગુજરાતની ભા.જ.પ. સરકારે પાછા ખેંચ્યા? અહીં ગુજરાતની ભા.જ.પ. સરકાર એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમજવું, કારણ કે એ બેને પૂછ્યા વિના ગુજરાત સરકારમાં પાંદડું પણ હાલતું નથી એમ લોકવાયકા છે. 

કેસ પાછા ખેંચાયા તેનું કારણ એ છે કે હાર્દિક પટેલ ભા.જ.પ.માં છે. તેઓ ૨૦૧૯માં કાઁગ્રેસમાં જોડાયેલા અને ૨૦૨૦માં તેમની કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ જેવા બહુ ઊંચા પક્ષીય હોદ્દા પર નિમણૂક થયેલી. પણ તેઓ કેમ પછી એ ભા.જ.પ.માં જોડાઈ ગયેલા કે જે ભા.જ.પ.ના અમિત શાહને તેમણે “જનરલ ડાયર” કહેલા? 

હાર્દિક પટેલને ચોક્કસ એવી બીક લાગી હશે કે તેમની સામેના કેસમાં તેમને સજા થશે અને તો જેલમાં જવું પડશે. એટલે રાજકીય સોદાબાજીના ભાગરૂપે જ એવી ગોઠવણ થઈ હશે કે “આવો ભા.જ.પ.માં, તો બધા કેસ પાછા ખેંચાઈ જશે.”

સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ તો કાયદા અને શાસનની વ્યવસ્થાનો તેમ જ ન્યાય પ્રણાલીનો છે. શું હાર્દિક પટેલે દેશદ્રોહ કર્યો જ નહોતો? તો પછી તેમની સામે કેસ થયો કેમ? અને જો તેમણે દેશદ્રોહી વર્તન કર્યું હતું તો તે અદાલતમાં સાચું કે ખોટું પુરવાર થાય તે પહેલાં સરકારે કેમ કેસ પાછો ખેંચ્યો? એનું કારણ તો એ જ કે તેઓ અત્યારે ભા.જ.પ.માં છે. ૨૦૧૫થી ૨૦૨૨ સુધી તો તેમની સામેનો કેસ ભા.જ.પી. સરકારે પાછો ખેંચ્યો નહોતો કારણ કે તેઓ ત્યારે ભા.જ.પ.માં નહોતા. 

હવે ગુજરાતની ભા.જ.પ. સરકારનું વર્તન જુઓ. તે નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે. જે મામકા: છે તે દોષિત હોઈ જ ન શકે એમ સરકાર સમજે અને એ રીતે વર્તે તો એ સ્પષ્ટપણે લોકશાહીના કાયદાના શાસનના સિદ્ધાંતનો અને ભારતના બંધારણની કલમ-૧૪ અને કલમ-૧૫માં લખવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ છે. પણ આવા બધા સિદ્ધાંતો જાય તેલ પીવા. આ તો “જનરલ ડાયર”નું શાસન છે, એની મરજી, એણે જ નક્કી કરવાનું છે કે કોના પર દયાનો વરસાદ વરસાવવો અને કોના પર નહીં. આજના ભા.જ.પી. શાસનમાં દયાની ભીખ કેવી રીતે મંગાય છે અને અપાય છે એનો ખ્યાલ આમાંથી આવે છે. 

હવે આની સામે જિગ્નેશ મેવાણીનો કેસ જુઓ.

જિગ્નેશ મેવાણીની સામે આસામમાં કોકરાઝારમાં એક ભા.જ.પી. કાર્યકરે ૨૦૨૨માં કેસ કરી નાખ્યો અને આસામની ભા.જ.પ. સરકારની પોલિસ તાબડતોબ પાલનપુર આવીને રાતોરાત જિગ્નેશને ઉઠાવી ગઈ. જિગ્નેશને આસામના ધક્કા ખાતો કરી નાખ્યો! આવો કેસ જિગ્નેશ પર કરવાનો વિચાર આસામના એ ભા.જ.પી. કાર્યકરને આવ્યો હશે કે “જનરલ ડાયર”ને? જરા, કલ્પના કરી જોજો. પણ એ કેસમાંથી બચવા માટે તેણે ભા.જ.પ.માં જોડાવાનું નક્કી કર્યું નહીં, જે થવું હોય તે થાય! જિગ્નેશ માટે વ્યક્તિની આઝાદી મહત્ત્વની છે, હાર્દિક પટેલ માટે “જનરલ ડાયર”ની દયા! 

મનુષ્યની મૂળભૂત ચાર વૃત્તિઓમાંની એક છે ભય. દુનિયાભરમાં સત્તામાં બેઠેલાઓ હંમેશાં ભયનો ઉપયોગ સત્તા કાયમ કરવા માટે કરે છે. જેઓ ભય પામતા નથી તેઓ ભોગવે છે, આ રાજકારણનો નિયમ છે. પણ યાદ રાખો, ભય પામનારા કરતાં ભય આપનારા વધારે ક્રૂર, નિર્દય, નરાધમ અને નાલાયક હોય છે. એવું બધું થાય તો એ તાનાશાહી અને રાજાશાહી કહેવાય, લોકશાહી નહીં.  

હા, હાર્દિક પટેલ મારો દોસ્ત છે અને જિગ્નેશ મેવાણી મારો વિદ્યાર્થી. બંને ધારાસભ્યો છે. એક ભા.જ.પ.માંથી અને એક કાઁગ્રેસમાંથી. બોલો, કોની પર મારે ગર્વ કરવાનો? 

અરે, ગર્વની વાત પણ બાજુ પર મૂકો, આ રીતે લોકશાહીનું જે ધનોતપનોત છડેચોક નીકળી રહ્યું છે એની ચિંતા કરવાની કે નહીં?

તા.૧૯-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

રમેશ સવાણી|Opinion - Opinion|19 December 2025

બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પટણામાં નિમણૂંક પત્ર આપવાના કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ દૂર કરી તેને નિમણૂંક પત્ર આપતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર 15 ડિસેમ્બર 2025ના રોજ વાયરલ થયો હતો. 

કેટલાંક કહે છે કે ‘આમાં મુખ્ય મંત્રીનો ભાવ પિતા તરીકેનો હતો … વળી હિજાબ જેવી ગંદી પ્રથાનો વિરોધ કરી નીતીશ કુમારે ક્રાંતિકારી પગલું ભર્યું !’

મુસ્લિમ સમુદાયે મુખ્ય મંત્રીની આ હરકતનો જબરજસ્ત વિરોધ કર્યો છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ‘નીતીશ કુમાર પાસે આવી અપેક્ષા ન હતી. તેમની માનસિક સ્થિતિ પહેલા જેવી નથી રહી. જો પ્રમાણપત્ર માટે મહિલાનો ચહેરો જોવો જરૂરી હતો તો તેમણે મહિલાને નમ્રતાપૂર્વક કહેવું જોઈએ, તેનો હાથ પકડીને હિજાબ ઉતારવો કેટલી હદ સુધી યોગ્ય છે? આ અયોગ્ય અને અસંવેદનશીલ વર્તન છે.’

કેટલાંક ગોડસેવાદીઓને હિજાબથી વાંધો છે, પરંતુ તેઓ ઘૂંઘટ પ્રથા ભૂલી જાય છે !

હિન્દુ મહિલાઓ લાજ કાઢે છે. શું એ લાજ-ઘૂંઘટ કોઈ દૂર કરી શકે? મુખ્ય મંત્રી હિજાબ દૂર કરવાનું મુસ્લિમ મહિલાને કહી શક્યા હોત, અન્ય મહિલાને સૂચના આપી શક્યા હોત. જાતે હિજાબ દૂર કરવાની હરકત ઉચિત કહી શકાય નહીં. મુખ્ય મંત્રી તરીકે જો આવું વર્તન થાય તો સમાજમાં શું સંદેશો જાય? 

નુસરત બિહાર છોડીને ચાલી ગઈ છે. તેણે કહ્યું છે : “હું હવે નોકરીમાં જોડાઈશ નહીં. મુખ્ય મંત્રીનો ઇરાદો ગમે તે હોય, મને દુઃખ થયું છે.”

આ મુદ્દો ધર્મનો નથી; સન્માન, વિવેક અને માણસાઈનો છે ! 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
18 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...89909192...100110120...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved