Opinion Magazine
Number of visits: 10080393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોફિયા મુસ્તફા [1922 – 2005]

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|11 March 2026

સોફિયા મુસ્તફા

આ બધું આ રીતે શરૂ થયું, એમ કહેવાય. એક સવારે હું કાર્યપ્રવૃત્ત હતી. મારા પતિને સારુ, સ્ટેનોગ્રાફર તરીકે, કેટલાક કાગળો ટાઈપ કરતી હતી. અરુશા ‘ટાનુ’[TANU – Tanganyika African National Union]ના એક આગેવાન રોબર્ટ ફિલિપ ખબરઅંતર પૂછવા આવ્યા. અરુશા ટાઉન કાઉન્સિલમાં એમની જોડે એક વરસ સેવાઓ આપેલી, તે સાંભરતું હતું. કોઈક કામસર તે મારા પતિ અબ્દુલ્લાને મળવા ઘેર આવેલા. કામ આટોપાયા બાદ વળતા તે ગપસપ માટે ઘડીબેઘડી હું હતી ત્યાં આવ્યા. ‘ગામમાં શું વાવડ છે ?’ એવું હું પૂછી પડી, તેમ મને સાંભરે છે.

‘ઓહ ! સાધારણ. આગામી ચૂંટણીઓ બાબત આવેશભર્યું વાતાવરણ ખડું થાય છે. પોતપોતાના ઉમેદવારી પત્રકો મેળવી સજ્જ થતા લોકો ચોતરફ જોવા મળે છે.’ 

‘ખરેખર ? અત્યારથી ?’

‘હા, ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 08 જુલાઈ છે.’

‘ઘણા લોકો ઉમેદવારી કરી રહેલા છે, રોબર્ટ ?’

‘થોડા ઘણા, મિસિસ મુસ્તફા.’

‘એમ. આ ઉમેદવારો કોણ કોણ છે ?’

‘ઓહ, યુરોપિયન સમાજ માટે તેમ જ આફ્રિકન સમાજ માટે બહુ જ નહીંવત. કદાચ દરેક જૂથ સારુ બે’ક ઉમેદવારો. પરંતુ એશિયાઈ સમાજ માટે ઘણા ઉમેદવારો છે, તેમ સાંભળવા મળે છે.’

અમે બન્ને હસી પડ્યા. અને પછી મેં આમ કહેલું યાદ આવે છે : ‘એશિયાઈઓ માટે આ લાક્ષણિક છે. કોણ કોણ છે તેની ખબર છે કે ?’ 

‘આશરે છએક નામો હોવા જોઈએ, એમ મને લાગે છે.’ અને પછી તેણે એ નામો રજૂ કર્યા.

‘વારુ, અને આ બધું જોતાં કોને મત આપવો, તેનો નિર્ણય કરવાનું અઘરું થવાનું.’

‘તમે કેમ ઊભાં રહેતાં નથી ?’

‘અને પછી મારી જાતને જ મત આપવાનું હું રાખું, એમ?’

અને પછી અમે બન્ને ખડખડાટ હસી પડ્યાં. અને ત્યારે જ અબ્દુલ્લા પોતાની રૂમમાંથી બહાર આવ્યા. ‘તમે કોની મજાક કરતાં હતાં?’ તેમ એ પૂછી પડ્યા.

‘લેજકો [Legco − Legislative Council] માટે મિસિસ મુસ્તફાએ ઉમેદવારી કરવી જોઈએ, તેમ હું સૂચવતો હતો.’

અબ્દુલ્લા હસી પડ્યા, ‘ ભગવાન લેજકોને અને ટૅન્ગાનિકાને આમાંથી બચાવે !’

‘કેટલા મતદારોની નોંધણી થઈ છે ?’ એમણે પૂછ્યું.

‘આશરે 5,300 જેવાક.’

‘આટલા જ ? યુરોપિયન કેટલા ? અને એશિયાઈઓ કેટલા ?’ આશ્ચર્ય વચ્ચે અબ્દુલ્લાએ વળતા પૂછ્યું.

‘મને લાગે છે કે આશરે 490 યુરોપિયનોના અને 1,500 એશિયાઈઓના.’

 ‘એશિયાઈઓના મત, અલબત્ત, આમ વહેંચાઈ જવાના. તમારી બહુમતી હોવાને કારણે તમે આ પ્રકારની મતદાન પદ્ધતિમાં કોઈ પણ યુરોપિયન અને એશિયાઈને ચૂંટી શકવાના. તમે એક હો અને ‘ટાનુ’નું વજન પડતું હોય તો આ શક્ય થઈ શકે. પણ છેવટે મારે તો મારી બોબડી બંધ રાખવી જરૂરી છે.’ અબ્દુલ્લા હસતા હસતા કહેતા હતા.

‘તમે સાચા છો, મિસ્ટર મુસ્તફા.’ રોબર્ટે ટાપસી પૂરી. અને પછી એ સમજાવતા રહ્યા કે તમામ પાંચ પ્રાંતીક વિસ્તારોમાં ‘ટાનુ’ આફ્રિકી ઉમેદવાર ઊભા રાખવાની જ છે. બંધારણમાં નક્કી કરાયું છે તે મુજબ, વળી, યુરોપિયન અને એશિયાઈ ઉમેદવારોની પસંદગી કરીને ‘ટાનુ’ ટેકો પણ આપશે. ‘ટાનુ’ની કાર્યવાહક સમિતિ યુરોપિયન ઉમેદવારોની પસંદગી કરીને મહોર મારશે. જ્યારે ‘એશિયન ઍસોસિયેશન’ જોડે સમજૂતી થયા મુજબ એકબીજાના ઉમેદવારોને ટેકો આપવાનું ‘ટાનુ’એ સ્વીકારેલું છે. અલબત્ત, ‘યુનાઇટેડ ટૅન્ગાનિકા પાર્ટી’ના ઉમેદવારોનો વિરોધ કરશે.

‘આ પ્રાન્તમાં ‘ટાનુ’ના કેટલા સભ્યો હશે ?’ અબ્દુલ્લાએ પડપૂછ કરી.

‘આશરે હજારેક, પરંતુ અમારે ઘણાં ટેકેદારો અને સહાનુભૂતિદર્શકો છે, તેઓ અમારે માટે મતદાન કરશે.’

‘એમ કે ?’ અબ્દુલ્લા બોલ્યા.

•••

થોડા દિવસો બાદ, ફરી રોબર્ટ ઓફિસ પર આવ્યા. અને આ ફેરે તો સીધા મને મળવા જ આવ્યા.

‘મિસિસ મુસ્તફા, તમે શું કહેશો તેની મને ખબર નથી; છતાં, હું તો કહીશ : તમારે કંઈક પગલું ભરવું રહ્યું.’

‘હા, રોબર્ટ, શું કામ છે ? તમારે સારુ હું કંઈ કરી શકું કે ?’

‘હા. ચૂંટણીઓ અંગેની આપણી વાતચીત તમને યાદ જ હશે. હું ગંભીરપણે તમને ઊભા રહેવાનું સૂચવીશ.’

‘ઓહ, ના ના. ખરેખર તમે ગંભીર છો ?’

‘હા. હું ખરેખર છું જ.’

‘એ કેમ બને ? બાપ રે બાપ ! એ વિશે મને કંઈ જ ગતાગમ નથી.’

‘મને ખાતરી છે કે તમે સરસ રીતે ગોઠવાઈ જ જશો. તમે ટાઉન કાઉન્સિલમાં તો હતાં જ. તો પછી લેજકોમાં કેમ નહીં ?’

‘ના’, મેં કહ્યું. ‘લેજિસ્લેચર કાઉન્સિલની સાચી જોડણી પણ હું કરી શકું તેની મને કોઈ ખાતરી નથી. તમે મારા ટાંટિયા તો ખેંચતા નથી ને ?’

‘ના. હું તેમ કરતો જ નથી. હું ગંભીર છું.’

અને હવે હું અચંબામાં પડી. મેં મારું કામ બાજુ પર હડસેલી દીધું. અને મસ્તીમજાકના તોરમાં બેસી પડી. રોબર્ટ પોતાના સૂચન અંગે ગંભીર છે તેની ખાતરી કરવા મેં ફરીવાર પૂછી જોયું.

‘હા, હું, અલબત્ત, ગંભીર છું. તમે સારું કામ આપી શકશો તેની મને ખાતરી છે. અને બીજી બાજુ, અમારો કોયડો ય ઉકેલાયો જાણવો.’

‘રોબર્ટ, તમે મારા માટે આટલો આગ્રહ કેમ રાખો છો ? બીજા જે અનેક ઊભા છે તેમાંથી કોઈને આગળ કરી શકાય.’

‘ના. ગઈ વેળા વાત કરી હતી તે મુજબ, અમારા લોકો વચ્ચે એશિયાઈ ઉમેદવાર અંગેના આ મુદ્દે મતમતાંતર ઊભા થયા છે. અને પક્ષમાં ફાટ પડે તે અમારે નથી જોઈતું.’

અમે થોડોક વખત વાતચીત કરી. અને એમના સૂચન બાબત ગંભીરપણે નિર્ણય કરવાનું કહી રોબર્ટે પણ પછી રજા લીધી.

એના ગયા પછી હું કામમાં ફેર જોતરાઈ. પણ કામમાં મન ચોંટતું જ નહોતું. રોબર્ટે કરેલી વાત અને તેમનું સૂચન મારા પર સવાર થઈને બેઠાં હતાં. …

(‘The Tanganyika Way’ના આરંભનાં પાનાંઓમાંથી આ વિગતમાહિતી સાદર લીધી છે; અને મૂળ અંગ્રેજીના આ ભાવાનુવાદની જવાબદારી મારી છે. – વિ.ક.)

•••

અને, આમ, સોફિયા મુસ્તફાએ, સ્વતંત્ર રીતે વિચારીને લેજકો માટે ઉમેદવારી પત્રક ભરવાનો મનસૂબો કર્યો. નોર્ધન પ્રોવિન્સના એશિયાઈ ઉમેદવાર તરીકે ટૅન્ગાનિકા આફ્રિકન નેશનલ યુનિયને, તેમની ઉમેદવારીને મંજૂર કરી અને પોતાના ટેકાવાળા ત્રણ ઉમેદવારમાંના એક તરીકે બહાલી આપી. આફ્રિકી ઉમેદવારી સોલોમન ઈલ્યૂફો હતા અને યુરોપિયન ઉમેદવાર ડેરેક બ્રાયસન હતા. સોફિયાબહેન ગૃહિણી, સોલોમોન ઈલ્યૂફો શિક્ષક અને ડેરેક બ્રાયસન ખેડૂત. સપ્ટેમ્બર 1958ના રોજ પહેલી ચૂંટણી થઈ અને તેમાં આ ત્રણેય ઉમદેવાર વિજેતા થયાં. સોફિયા મુસ્તફાને કુલ 2,248 મત મળ્યા. જ્યારે અન્ય એશિયાઈ ઉમેદવારોને મળેલા મતની વિગતો આમ છે : હસ્સનઅલી કાસમ વિરાણી (864); મોહમદઅલી શરીફ (672); નરસિંહદાસ મથુરાદાસ મહેતા (660) તેમ જ ધરમપાલ બેહાલ (169).

•••

1958-9 Tanganyika Legislative Council.  There were 10 constituencies. Voters voted for an African, Asian and European candidate in each constituency.  

Front row from right : Shyam Thanki (Southern – Asian – Lindi), Rashid Kawawa (Dar es Salaam – African), Julius Nyerere (Eastern Province – African), Derek Bryceson (Northern – European), Mrs Sofia Mustafa (Northern – Asian – Arusha) wife of Judge Abdulla Mustafa, Lawi Sijaona (Southern Province – African), Lady Chesham (Southern Highlands – European – Iringa) (the only American born MP), George Kahama (West Lake – African), Amir Jamal (Eastern – Asian), John Mwakangale (Southern Highlands)  – African) 

Second Row from right: Abdalla Fundikira (Western Province -African), Unknown, Arjan Singh Bajaj (Southern Highlands – Asian -Iringa), Dr. Leader Stirling, Unknown, C K Patel (South-East Lake – Asian – Mwanza Cotton King), Mahmoud Nasser Rattansey (Western Province-Asian) He later ambassador to Belgium, Paul Bomani (South-East Lake – African), Alnoor Kassum (Central – Asian), Unknown. 

Last row from right: Unknown, Unknown, Barbro Johansson (West Lake, European), Unknown, Solomon Eliufoo (Northern-African), Unknown, Unknown, Unknown Fourth row: Unknown – Not identified: Mwalimu Kihere (Central Province, African), Horace Wellesley Hannah, Central Province, European), Kantilal Jhaveri (Dar es Salaam, Asian), D. F. Heath (Dar es Salaam, European), Graham Thomas Lewis (Eastern Province, European), J. S. Mann (South-East Lake, European), John Keto (Tanga, African), Krishna Beldev (Tanga, Asian), Roderick Donaldson (Tanga, European), N. K. Laxman (West Lake, Asian), John Harvey Baker (Western Province, European), Bertha Akim Kingori (Nominated),  Elifuraha Ndesamburo Urio Marealle  (Nominated)

(Courtesy : “Africana Orientalia” 24 January 2026)

•••

આપણા આ સોફિયા મુસ્તફાએ, પાયાગત, ત્રણ ચોપડીઓનું સર્જન કરેલું છે. આઝાદી સમયના કંઈ કેટલા પ્રસંગો થયા હોય, તે વેળા લેજકોનાં માનદ્દ સભાસદને નાતે, નજીકથી આ ઘટનાઓ જોઈ હોય, અનુભવી હોય તેનું વૃતાન્ત એમણે ‘ધ ટૅન્ગાનિકા વે’માં વિગતે સમજદારીપૂર્વક અને ઝીણવટથી આપ્યું છે. આ વૃતાન્ત 1961ના અરસામાં પ્રગટ થાય છે. અને પછી એમણે બે નવલકથાઓનું સર્જન કર્યું છે. ‘ઈન ધ શેડો ઓવ્ કિરિન્યાગા’ 2002માં પ્રગટ થઈ, જ્યારે ‘બ્રોકન રીડ્સ’ પ્રગટ થઈ એમના અવસાન પછી સન 2005માં. આ ત્રણેય પુસ્તકોની આછી પાતળી વિગતો કંઈક આવી છે :  

‘The Tanganyika Way’  [ટૅન્ગાનિકાને મારગે] : બ્રિટન પાસેથી સ્વતંત્ર બન્યાના સમયગાળા દરમિયાન, સન 1958-1961 વેળા, રાજકીય ઘટનાઓ વિશેની ટિપ્પણીઓ – વિગતો અહીં સમાવી લેવાઈ છે. સોફિયા મુસ્તફા એ ઘટનાઓમાં પૂરેવચ્ચ સામેલ રહ્યાં હોઈ, રાજકીય ઘટનાપરંપરા અંગે પોતાની નિજી ટીકાટિપ્પણઓ ય અહીં જોવા વાંચવા મળે છે. એમણે મોટા પ્રમાણમાં આંતરરાષ્ટૃીય અને રાષ્ટૃીય બાબતોને અહીં સાંકળી છે. ઓછેવત્તે અંશે પોતે જ્યાંત્યાં સંકળાયાં હોય તે બાબતની આછીપાતળી વિગતો અહીં છે. વીસમી સદીના મધ્યે આફ્રિકામાં સંસ્થાનોને આઝાદી અપાયાના આપણે સાક્ષી છીએ. આવી ઐતિહાસિક ઘડીએ સોફિયા મુસ્તફાની રાજકીય કારકિર્દીની પૂર્વભૂમિકા જેમ વાંચવાસમજવા મળે છે તેમ ટૅન્ઝાનિયાના ઘડતરમાં આગેવાનોની પહેલી પેઢીએ જે ઘસારો વેઠ્યો અને જે ભોગ આપ્યો તેની ય દાસ્તાઁ અહીં મળે છે. અલબત્ત, એમાં જુલિયસ ન્યરેરે સરીખા આફ્રિકા ખંડના એક શ્રેષ્ઠ તેમ જ લાડીલા નેતાની વાત કેન્દ્રગામી વણી લેવાઈ છે.

સોફિયા મુસ્તફાની વાત સાથે, એમના જીવન સંગાથે ટૅન્ગાનિકાના આરંભના વરસોની વાત, ગૂંચવાયેલા ડાયસ્પોરાની ઝાંખી તેમ જ સંસ્થાનો અંગે પાછોતરા અનુભવોની વાત એક નારીવાદી આગેવાનની કલમે જાણવી રસપ્રદ બને છે.       

ઈન ધ શેડો ઓવ્‌ કિરિન્યાગા’ [કિરિન્યાગા પર્વતમાળાની છાયામાં] : મુસોલિનીની ઈટાલિયન સેના સામે પ્રતિકાર કરવાને સારુ ઇથિયોપિયાની (એબીસિનિયા) સેનાને સહાયક રહેતા તબીબી જૂથમાં સામેલ થયેલા એશિયાઈ દાક્તર મુસ્સાવીર જોડે ટૂંકમાં સગાઈથી જોડાતી તેર વર્ષની શહેરા મહત્ત્વાકાંક્ષી અને તેજસ્વી છે. બન્નેને આમ તો પસંદગી કરવાની તક મળતી નહોતી. પરંતુ બન્ને જ્યારે મળ્યાં ત્યારે એમની આતુરતા ઓગળી ગઈ અને બન્ને જાણે કે એક બીજાના પ્રેમમાં હોય તેમ લાગતું હતું. બન્નેની સગાઈ જાહેર થઈ અને પછી મુસ્સાવીર ઇથિયોપિયાની સરહદે જવા નીકળી ગયા. અને પછી આ દંપતીને અઘટિત બીનાનો સામનો કરવાનો થાય છે. વસાહતવાદમાં લપેટાયેલા કેન્યાના શરૂઆતના એ દિવસોનું, ખાસ કરીને એશિયન મુસ્લિમ પરિવાર અંગેનું સરસ મજાનું આલેખન અહીં વાંચવા પામીએ છીએ. આ યુવાન ભલી ભોળી શહેરાનું તીવ્ર જીવન કળી ન શકાય તેવી ઘટનાઓમાં અટવાતું રહે છે અને મોટેરાંઓની ચિંતાઓ અને લક્ષ્મણ રેખાઓ દોરતી પરંપરાઓમાં અટવાતું રહે છે તેની મજેદાર વાતો અહીં આલેખાઈ છે. 

‘બ્રોકન રીડ’ [અવિશ્વાસુ જણ] સોફિયા મુસ્તફાની બીજી નવલકથા છે. હિંદના ભાગલાને કારણે શરણાર્થી બનેલાં લેખિકાએ સન 1947 વેળા આ નવલકથા લખવાનો આરંભ કરેલો. પૂર્વ આફ્રિકાના વસવાટના સમયમાં એ લખાતી રહી, અને છેવટે દાયકાઓ બાદ અને વરસો કેડે, કેનેડામાં નિવૃત્ત જીવન ગાળતાં ગાળતાં એમણે એ પૂરી કરી. હિંદ, કેનિયા, ટૅન્ગાનિકા અને કેનેડા માંહેના એમના વિવિધ અનુભવોને ય લેખિકાએ અહીં આમેજ કર્યાં છે. 

ફોઝિયા મુસ્તફાની નોંધ અનુસાર, સોફિયા મુસ્તફાએ ત્રીજી નવલકથા પણ લખી રાખેલી : ‘અમન્ગ કઝીન્સ ઍન્ડ બ્રધર્સ’. આ અપ્રકાશિત સર્જન ક્યારેક પ્રકાશિત થાય તેવો આશાવાદ ફોઝિયા જતાવતાં હતાં.

•••

વારુ, અરુશા મારું જન્મ સ્થળ, વતન. એથી આ દિવસોની કેટલીક ગતિવિધિની સમજ, જાણકારી પણ. આશરે પાંચેક વરસ ભારતમાં ભણતર માટે વસવાટ કરીને સન 1957થી 1962 વચ્ચે પરત અરુશા હતો. યુવાવસ્થાને કારણે જાહેર જીવનની ય સમજદારી હતી. ટૅન્ગાનિકાને આઝાદી મળવાના બૂંગિયા ફૂંકાતા હતા. પૂર્વ આફ્રિકાના વિવિધ દેશોના વડા આગેવાનોની આવનજાવન અરુશામાં રહેતી. ‘ટાનુ’ની ઓફિસ સામેના પટ પર તે વેળા મેદની જામતી. હું ય ક્યારેક તે મેદનીમાં સામેલ થવા જઈ ચડતો. અરુશાના ‘ગામ્ભુ’ વિસ્તારમાં સરકારી દફતરો, હૉસ્પિટલ, પોસ્ટ ઓફિસ, બેન્ક, ઉપરાંત સમાજના ઉચ્ચ વર્ગના તવંગર લોકો માટે આવાસો. આથી સોફિયાબહેનને ક્યારેક ‘ગામ્ભુ’માં જોયાં હોય તેમ સાંભરે છે. 1958ની સાર્વત્રિક ચૂંટણી વેળા એમની સભાઓમાં ય ગયો હોય તે પણ યાદ આવે.

અબ્દુલ્લા અને સોફિયા મુસ્તફા દંપતીને વિધવિધ અભ્યાસના દાયરામાં તપાસવા સમ છે. નવા નક્કોર આઝાદ થયેલા મુલકમાં બન્નેની હાજરી અને કામગીરી સમૂળી તપાસવા જેવી બની છે. અને તેમ કરતાં કરતાં ડાયસ્પોરાની ય ભેગાભેગી મોજણી કરી શકાશે. અબ્દુલ્લા મુસ્તફાની વાત કરીએ તો 1916ના અરસામાં તેમનો જન્મ હોંગ કોંગમાં થયેલો. તેમના માતા ચીની મુસ્લિમ અને પિતા મૂળ જમ્મુના હિન્દવી જમાતી. પિતા સંનદી સેવાને નામ એ દિવસોમાં હોંગ કોંગ નિવાસી હતા. અબ્દુલ્લાએ માધ્યમિક શિક્ષણ હોંગ કોંગમાં લીધું અને પછી લાહોરની પ્રખ્યાત ગવર્નમેન્ટ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો ન કર્યો અને લીલા ચરિયાણની શોધમાં તેમ જ ચોતરફ ફેલાયેલા બ્રિટિશ રાજના માળખાનો લાભ લેવા તેમણે પૂર્વ આફ્રિકાની વાટ પકડી. 1938માં એ નૈરોબીના વસવાટી બને છે. વળી, સાથે સાથે, ઇંગ્લેન્ડની ‘લિકન્સ ઈન’માંથી વકીલાતની સનદ મેળવવાની તનતોડ મહેનત કરી અને વકીલ પદ પણ પામ્યા. ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઑવ્‌ અપીલમાં સાતેક વરસની સેવા આપી, અરુશા અને દારેસલ્લામમાં પણ ન્યાય ખાતામાં ઉચ્ચ પદના અધિકારી રહ્યા. 73 વરસની પાકટ વયે ટૅન્ઝાનિયા કોર્ટ ઑવ્‌ અપીલમાંથી નિવૃત્ત થયા. 

આ દંપતીની બીજી દીકરી ફોઝિયા મુસ્તફાએ ‘ધ ટાંગાનિકા વે’ની બીજી આવૃત્તિ માટે ‘રિ-ઈસ્યૂઇંગ ‘ધ ટૅન્ગાનિકા વે : 1961 – 2009’ નામે પ્રાસ્તવિક આપ્યું છે. તેમાંની વિગત માહિતી મુજબ, અબ્દુલ્લા મુસ્તફાની વયને કારણે તબિયત કાટામાં રહેતી નહોતી, અને તેથી દંપતીએ મોટી દીકરી રેહાનાના પરિવાર જોડે વસવાટ કરવા, 1989 દરમિયાન, કેનેડા સ્થળાંતર કર્યું હતું. કેનેડામાં દંપતી સાસકાટૂન હતાં અને ત્યાંથી કાલગેરી અને છેવટે બ્રેમ્પટન હતાં. ત્યાં જ 2003માં 87 વર્ષની વયે અબ્દુલ્લાનો દેહ પડ્યો.

નૈરોબીથી હિંદ રજા માણવા ગયેલા એક કુશળ કારીગર તરીકે હિંદથી પૂર્વ આફ્રિકા વ્યવસાય અર્થે ગયેલા ‘બટ’ [Butt] પરિવારમાં સોફિયાબહેનનો જન્મ હિન્દના ગુરુદાસપુરમાં સન 1922માં, થયો હતો. અને તેમનો ઉછેર કેનિયાના પાટનગર નૈરોબીમાં થયો હતો. સોફિયા બહેને શિક્ષક બનવાના વિચારે અધિકૃત તાલીમ લીધેલી. દરમિયાન એમણે અરુશા નિવાસી અબ્દુલ્લા મુસ્તફા જોડે ઘરસંસાર માંડ્યો. અબ્દુલ્લા ‘લિકન્સ ઈન’માંથી વકીલાતનું ભણ્યા હતા. એ ગઈ સદીનો ચોથો દાયકો હતો. સોફિયાબહેન શ્વસૂર પક્ષને જોવા મળવા લગ્ન પછી તરત હિંદનો પ્રવાસ ખેડે છે. પણ બીજા વિશ્વયુદ્ધના એ દિવસો હોઈ, તે ત્યાં જ અટવાયાં અને ભારત – પાકિસ્તાનના બટવારામાં અને ભાગલામાં ય સંડોવાઈ ને રહ્યાં. અને તે ઘટનાને અને તેના અનુભવોને ગરથે બાંધી રાખી, 2005માં આપણને ‘બ્રોકન રીડ્સ’ નામે સરસ મજાની નવલકથા દ્વારા ટિપ્પણવાળી વિગતો આપે છે.   

લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અરુશા જિલ્લાના, એક સાંસદ તરીકે ચૂંટાયાં બાદ, 1963 સુધી  ટૅન્ઝાનિયાની સંસદના સભ્ય તરીકે પણ ચૂંટાતાં રહ્યાં. 1964 વેળા એમને સાંસદ તરીકે સરકારે ફેર નિયુક્ત કર્યાં, પરંતુ, 1965માં અબ્દુલ્લા મુસ્તફાની ન્યાયાધીશ તરીકે નિમણૂક થતા, સોફિયા મુસ્તફા સાંસદ પદેથી તેમ જ રાજકારણથી ય નિવૃત્ત થયેલાં. નાનીમોટી માંદગીને કારણે 1989માં અબ્દુલ્લા મુસ્તફા સંતાનો સાથે રહેવા કેનેડાના ઓન્ટારિયો પ્રાન્તના બ્રેમ્પટન [Brampton] નગરમાં સ્થાયી થાય છે. અને એ વસવાટ વેળા 2005ની 1લી સપ્ટેમ્બરે સોફિયા મુસ્તફાનું કેનેડામાં અવસાન થયું. 

આ આરંભના સમયગાળાથી બહુ જ ટૂંકા ગાળામાં ટૅન્ગાનિકા જોડે ઝાન્ઝીબાર સામેલ થતાં મુલક ટૅન્ઝાનિયા તરીકે ઓળખાતો થયો. અને સમાન્તરે દેશની નીતિરીતિ ય બદલાતી ચાલી. આ નવા માળખામાં જૂના જોગીઓને ગોઠવાવું સહેલું ય નહોતું. એની અસર પણ વેઠવાની બનતી ચાલી. આ આખું ચિત્ર સામે રાખીને કોઈ પણ અભ્યાસુને રસ પડે તેવી આ સામગ્રી સામે આવી. વળી, સોફિયા મુસ્તફા ઉપરાંત સર જયંતીલાલ કે. ચાંદેકૃત ‘ઍ નાઇટ ઈન આફ્રિકા’, કાન્તિલાલ ઝવેરી કૃત ‘મારચિંગ વીથ ન્યરેરે’, અલ – નૂર કાસૂમ કૃત ‘ઍન ઇન્ટરનેશનાલિસ્ટ ટૉન્ઝાનિયન’ તેમ જ ઊર્મિલા ઝવેરી કૃત ‘ડેન્સીંગ વીથ ડેસ્ટિની’ને પણ રસિક અભ્યાસુઓએ વાંચનમાં, વિશ્લેષણમાં સામેલ કરવાં જોઈએ. આ યાદી સાથે ઈસા શિવજીને, રૂથ ઈ. મીનાને અને તેમનાં લખાણોને ય સામેલ કરવા રહ્યાં. રાજકારણ, સમાજકારણ, અર્થકારણને તેમ જ સાહિત્ય સર્જન જેવા અનેક મુદ્દે આ અભ્યાસ આપણને નવી દિશા આપી શકે તેમ છે.          

હેરૉ, 11 માર્ચ 2026
E.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 March 2026

શું લિંકનનો અશ્વેત મુક્તિનો સંગ્રામ અને આંબેડકરનો દલિતોદ્ધારનો સંકલ્પ એક જ સંવેદનાની બે કડીઓ છે?

એક તો ટ્રમ્પાઈટિસ, ને એમાં ઉમેરાયો મુવો એસ્પ્ટિનાઈટિસ – બેઉના દોર ને શોર વચાળે ફેબ્રુઆરીનો બ્લેક ઇતિહાસ માસ, એની કકળતી આંતરડીનો ઝીણો અવાજ બચાડો ક્યાં ય દબાઈ ગયો … અને હવે હિંદ આંગણે ને બીજે એપ્રિલનો દલિત ઇતિહાસ માસ દસ્તક દઈ રહ્યો છે. શી ખબર, એની ઝીણીતીણી ચીસ ને ટીસ કશેક પણ પાધરી પહોંચશે કે કેમ.

પ્રકાશ ન. શાહ

બ્લેક હિસ્ટ્રી મન્થ એ અમેરિકી-કેનેડા આદિની એક ધીંગી પરંપરા છે, જેને હમણાં જ એક સૈકો પૂરો થયો. ફેબ્રુઆરી 1809માં લિંકનનો જન્મ અને ફેબ્રુઆરી 1818માં ફ્રેડરિક ડગ્લાસનો. આ ડગ્લાસ બાળપણમાં દક્ષિણ અમેરિકા રાજ્યમાં ધરાર ગુલામીમાં ઉછરેલ જણ, ભોગજોગે એ ગુલામીનું પાંજરું તોડી ખુલ્લાણમાં આવ્યો ને દક્ષિણ પેઠે ગુલામીમાં નહીં રાચતા ઉત્તર અમેરિકામાં કોળ્યો. સમતાલક્ષી વક્તા તરીકે એણે હાંસલ કરેલી મહારત હેરત અંગે જ હતી – ને ન્યૂયોર્કની ગોરી વસ્તી, ઓય મા, એક ગુલામની આ સિદ્ધિ, એમ એના પર ફિદા ફિદા હતી. 

લિંકન-ડગ્લાસની સ્મૃતિ સાંકળીને 1926થી હર ફેબ્રુઆરીમાં બ્લેક હિસ્ટ્રી મન્થ મનાવવાનો અને એ મિશે આફ્રિકન-અમેરિકન અધિકારોની સભાનતા કેળવવાનો ને એકંદર સમાજમાં સમસંવેદન જગાવવાનો ચાલ શરૂ થયો.

લિંકનથી ઓબામા વાયા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એમ જાડી રૂપરેખા આપણે જાણીએ છીએ, પણ આફ્રિકી-અમેરિકી તબકો વ્યાપક સમાજમાં પૂરા કદનો સમાસ પામે એ માટે સહૃદયતાની કેળવણીની કેવીક કુમક કથિત રાજકીય ફિરકાઓની બહારથી મળી રહી છે, એનો અંદાજે અહેસાસ છે આપણને? છેક 1852માં હેરિયર બીચર સ્ટોની કલમે ‘અંકલ ટોમ્સ કેબિન’ અવતરી અને એણે ગોરા અમેરિકી ચિત્તને સંવેદનાએ ઝંઝેડી નાખ્યું. અમેરિકી સિવિલ વૉરમાં લિંકનની સિદ્ધિ (અને દુર્નિવાર શહાદત) ફલવતી બને એની ભોંય ટોમકાકાની કહાણીએ કેળવી હતી.

પણ કમબખ્ત રેસિસ્ટ હેંગઓવર, એ તો ઊતરતાં દાયકાઓ શું સૈકો આખો કે એથીયે વધુ વખત લે. આ લખું છું ત્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’નો ખાસો એક સૈકો ને લટકામાં લગભગ દસકો થયે જ્હોન હાવર્ડ ગ્રિફિનની કલમે આલેખાયેલ ‘બ્લેક લાઈક મી’ (‘મો સમ શ્યામ’) ધારાપ્રવાહ વાંચ્યાનું સાંભરે છે. મેં, જેને રિપોર્ટર્સ જર્નલ કહી શકાય તેવી આ હપ્તાવાર દાસ્તાં ત્યારે એક આનાના અંગ્રેજી દૈનિક ‘ફ્રી પ્રેસ જર્નલ’ની રવિવારી ‘ભારત જ્યોતિ’માં વાંચેલી. ગોરા ગ્રિફિન મશાયને શું સૂઝ્યું કે એમણે કેમિકલ સહાયથી ચહેરો કાળો કીધો અને દક્ષિણનાં રાજ્યોમાં જ્યાં હજુ અલાયદા વાડાની રેસિસ્ટ રસમ જડબેસલાક જેવી હતી ત્યાં કાળી વસ્તી વચાળે રહીને તેમ ત્યાંના ગોરાઓ વચ્ચે કાળા હોવું તે શું એનો જે જાતઅનુભવ લીધો એની આ દાસ્તાં છે. 

પહેલાં તો, એ કહે છે, મારી સામે તકાતી ગોરી નજરનોંધણીથી હું પ્રીછતો થયો કે ‘હેઈટ સ્ટેર’ (ઘૃણા ને તિરસ્કારે રવરવતી નજરનો ધણી) શું છે. એક વિલક્ષણ જો કે દર્દનાક જોક પણ ક્યાંક નોંધી’તી ગ્રિફિને- મેં જ્યાં પ્રવેશ હોય એવા કેથલિક ચર્ચ વિશે પૃચ્છા કરી તો કાળી વસ્તીમાંથી સાંભળવા મળ્યું કે ભલા ભાઈ, પહેલાં તો તને ધોરણસરની યુરિનલની સોઈ મળે એને સારુ પ્રાર્થના કરી શકે તોયે ઘણું!

ગ્રિફિને બસમાં એક ગોરા બાનુ વાસ્તે જગ્યા ખાલી કરવાનો વિવેક કર્યો તો એક પા સાથી આફ્રિકી-અમેરિકી ઉતારુઓની ખફગી આવી પડી ને બીજી પા પેલાં બાનુ બીજા ગોરાઓને કહેતાં સંભળાયાં કે મુઆ કાળાયે કેવા દોઢડાહ્યા થાય છે.

‘બ્લેક લાઈક મી’ની આ તો એક ઉપલક ઝલક માંડ છે. પાંચ-છ વરસ પર ફ્લોઈડની ઘટના બની અને બ્લેક લાઈફ મેટર્સ એ ઝુંબેશ શરૂ થઈ ત્યારે આ જ શીર્ષ પંક્તિ લઈ લખાયેલી ગવાયેલી એક રચના મિકી ગાયટનના કંઠે ખાસી ઊંચકાઈ હતી : If you think we live in the land of the free / you should try to be black like me. (તમને જો એમ લાગતું હોય કે તમે ખરેખર આઝાદ માણસો માટેના મુલકમાં રહો છો તો જરા મારી પેઠે કાળા બનવાની કોશિશ કરો, અને -)

આપણે ત્યાં અને દેશ બહાર પણ દલિત સંઘર્ષ અને આત્મસ્થાપન સારુ પ્રતિમાપુરુષ રૂપે ઉભરેલ આંબેડકરના જન્મ માસ એપ્રિલને દલિત ઇતિહાસ માસ તરીકે ઊજવવાની કોશિશ હમણે હમણે નજર સામે આવે છે : આ જ એપ્રિલમી 11મી ફુલે જયંતી છે જેમ 14મી તે આંબેડકર જયંતી છે. પ્રજાસત્તાક બંધારણનો પ્રકલ્પ ને સંકલ્પ પાર પાડવામાં અગ્રભૂમિકા સારુ આંબેડકરનું સુપ્રતિષ્ઠ હોવું, દલિતનું દલિત હોવું ને સૌ સવર્ણ પેઠે નાગરિકમાં સ્થપાવું, એ કોયડો ઉકેલવામાં ઉપયોગી થઈ પડે એવો ઇતિહાસનુસખો છે. ગાંધીએ આંબેડકરનું નામ કેમ સૂચવ્યું હશે એનો તરત જડતો જવાબ કદાચ એ હોઈ શકે કે જોડાનો પહેરણહાર સ્તો જાણે છે કે એ ક્યાં ડંખે છે. લોકશાહીની વ્યાખ્યાની રીતે આ પ્રયોગ સોજ્જો છે. પણ ચંદુ મહેરિયાએ એક સ્મૃતિ નિબંધમાં ઉપસ્થિત કરેલો તીવ્ર મુદ્દો સાંભરે છે – જોડો છે જ ક્યાં કે ડંખે. દેશજનતાએ સ્વરાજને નાતે કેટલું મોટું અંતર કાપવાનું છે એનું આ યક્ષદૃષ્ટાંત છે.

બને કે દલિત ઇતિહાસ માસ વિશે એપ્રિલમાં વધુ લખવાનુંયે થાય, હમણાં તો આવાં ઉજવણાં બેઉ છેડાની કામગીરી બજાવે છે જેમ આરતી જેની ઊતરે છે અને જે ઉતારે છે, તે બેઉને આલોકિત કરે છે તેમ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  11 માર્ચ 2026

Loading

પ્રતિબંધિત જગત

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 March 2026

રવીન્દ્ર પારેખ

શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી હોય કે સરકારી, બિન શૈક્ષણિક ઈરાદાઓ માટે ખપમાં લેવાતી થઈ ગઈ છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો માટેના અખાડાની જેવી છે. આ અખાડાઓ કોલેજો, યુનિવર્સિટીઓ સુધી વિસ્તર્યા છે. કોણ જાણે કેમ પણ શૈક્ષણિક સંસ્થાઓએ સ્વમાન ગુમાવી દીધું હોય, તેમ ખુશામતખોરોથી ભર્યું પડ્યું છે. રાજકીય નેતાઓની, મંત્રીઓની કદમબોશી એ જ જીવન છે, એવું લગભગ બધા જ અધિકારીઓ, શિક્ષણશાસ્ત્રીઓએ સ્વીકારી લીધું છે ને ‘સાહેબો’ને રાજી કરીને રાજી રહેવાનું પટાવાળાથી માંડીને પ્રોફેસરો સુધીના સમજી ગયા છે. યુનિવર્સિટી સુધી રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક શિક્ષણ પહોંચ્યું છે ને તેનો સીધો ઈરાદો રાજકારણીઓને પ્રસન્ન રાખવાનો જ છે. સરકારો બદલાવા માટે હોય છે, પણ કેટલીક સરકારો અનંતકાળ સુધી ચાલવાની હોય તેમ સત્તાના કેફમાં બધું કબજે કરવામાં માને છે, પણ સમય તો સમયનું કામ કરે જ છે ને ઘણી વખત તો તે એટલી  ક્રૂરતાથી કરે છે કે બચાવની કોઈ જ તક નથી રહેતી.

કેટલીક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં જુદા જુદા પ્રવેશ નિમિત્તે વિધાયકો, સાંસદો કે મંત્રીઓ રાજકીય પ્રચાર કે ધાર્મિક કાર્યક્રમો માટે દાખલ પડી જતાં હોય છે. સ્કૂલો ખાનગી હોય કે સરકારી, એમાં બહુ ફરક પડતો નથી. આવી વાત દક્ષિણનાં રાજ્યોનાં ધ્યાન પર વહેલી આવે છે. તમિલનાડુ સરકારે ખાનગી સ્કૂલોનાં કેમ્પસમાં રાજકીય તેમ જ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારનું માનવું છે કે શૈક્ષણિક કેમ્પસમાં બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. કેમ્પસ શિક્ષણ માટે જ સુરક્ષિત હોવું જોઈએ. શિક્ષણ વિભાગે 2 માર્ચે સરકારી આદેશ બહાર પાડ્યો, જેમાં તમિલનાડુએ પ્રાઇવેટ સ્કૂલ (રેગ્યુલેશન) નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનો હેતુ સંસાધનોનો ઉપયોગ શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે ના થાય તે સુનિશ્ચિત કરવાનો છે. એ હિસાબે સ્કૂલ સિવાયની કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સ્કૂલની કોઈ પણ જગ્યાનો ઉપયોગ રાજકીય કે ધાર્મિક કે ચોક્કસ વિચારધારાના પ્રચાર માટે નહીં કરી શકે. આ પ્રતિબંધ સ્કૂલ સમય પછી, શનિ-રવિ, જાહેર રજા કે વેકેશનમાં પણ લાગુ રહેશે. એનું આશ્ચર્ય જ છે કે આ પ્રતિબંધ બીજા કોઈએ નહીં, પણ સરકારે-તમિલનાડુ સરકારે મૂક્યો છે.

પ્રતિબંધ દરેક વખતે સારી બાબત નથી, પણ ક્યારેક તે અનિવાર્ય બને છે. કર્ણાટક ભારતનું પહેલું એવું રાજ્ય છે, જે 16 વર્ષથી નીચેની ઉમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ 17મું બજેટ રજૂ કરતી વખતે 16 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર કાબૂ કરવાની જાહેરાત કરી હતી. એ સાચું છે કે 16થી નીચેની વયનાં બાળકોને મોબાઈલનો અમર્યાદ ઉપયોગ કરતાં રોકવા અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના ઈલાજ તરીકે આ પ્રતિબંધ લાગુ કરવા તરફ કર્ણાટક સરકાર જઈ રહી છે. આવું એટલે જરૂરી છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાની વધી રહેલી લતને કારણે બાળકોનાં સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય, શીખવાની ક્ષમતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પર અસર પડી છે. સરકારનું માનવું છે કે બાળકો નાની ઉંમરથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. એકસપર્ટસનું માનવું છે કે ખૂબ જ વધારે સ્ક્રિન ટાઈમનો ઉપયોગ બાળકોની ધ્યાન આપવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. સોશિયલ મીડિયાથી ડિજિટલ એડિકશનનું જોખમ વધે છે અને ઓનલાઈન કન્ટેન્ટથી માનસિક અને ભાવનાત્મક અસર થઈ શકે છે ને તે સાથે જ સાઈબર બુલીંગ અને ઓનલાઈન ફ્રોડની શક્યતાઓ વધે છે. સિદ્ધારમૈયાએ યુનિવર્સિટીના કુલપતિ સંમેલનમાં આ અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી.

એ જ રીતે શુક્રવારે એન.ડી.એ.ની આંધ્ર સરકારે 13 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પર, સોશિયલ મીડિયા સંદર્ભે પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. એટલે કે એક જ દિવસે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્વા બે રાજ્યો – આંધ્ર અને કર્ણાટક – આગળ આવ્યાં છે. ઉંમરમાં ફરક રાખ્યો છે. આંધ્રમાં 13 વર્ષે જ્યારે કાઁગ્રેસની કર્ણાટકી સરકારે 16 વર્ષે, બાળકો પર, સોશિયલ મીડિયા પર, પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. આંધ્રના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ 13ની ઉંમર 16 સુધી લઇ જવાની વાત પણ કરી છે. નાયડુએ તો ત્યાં સુધી કહ્યું છે કે 90 દિવસની અંદર જ 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તેની અમે ખાતરી કરીશું. બંને રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે ટૂંક સમયમાં જ નવા નિયમો લાગુ કરી દેવાશે.

કર્ણાટકે તો બાળકો માટે ટેકનોલોજી શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી છે. રાજ્યમાં AI બેઝ્ડ લર્નિંગ સિસ્ટમ હેઠળ ધોરણ 8થી ધોરણ 12 સુધીનાં બાળકોને આવરી લેવામાં આવશે. કર્ણાટક સરકારે એવી સિસ્ટમ વિકસાવી છે, જે અંતર્ગત 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપી શકાશે. એક તરફ 1૩ અને 16થી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પર, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાય છે અને બીજી તરફ 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજી શિક્ષણ આપવાની વાત પણ કર્ણાટક સરકાર કરી રહી છે, આ વિચિત્ર નથી લાગતું?

એ ખરું કે બેન્ગલુરુના રહેવાસી મનોહર એન. એચે પ્રતિબંધને મામલે એવું કહ્યું છે કે તે સારી વાત છે, પણ તેનો અમલ કરવાનું મુશ્કેલ થશે. તો, મધરહૂડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. સરિતા નાગરાજે રાજ્યની પ્રતિબંધ મૂકવાની વાતને બિરદાવી છે. આનાથી બાળકોની, કિશોરોની આરોગ્ય વિષયક હતાશા, ચિંતા, ઊંઘ જેવી સમસ્યાઓ હળવી થશે. આ પ્રતિબંધથી બાળકોની એકાગ્રતા અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો થવાની વાત પણ છે. આવું ભારતમાં જ છે, એવું નથી. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાનાં ક્મ્યુનિકેશન અને ડિજિટલ અફેર્સ મંત્રાલયે જાહેર કર્યું છે કે 16 વર્ષથી નીચેનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. U-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક સહિતનાં પ્લેટફોર્મ્સને નોટિસ બજાવાઈ છે. ઇન્ડોનેશિયા સરકારે નવો નિયમ બનાવી લીધો છે ને તે 28 માર્ચથી અમલમાં આવે એવી ધારણા છે. દરેક સોશિયલ મીડિયાને તાકીદ કરાઈ છે કે 28 માર્ચ પહેલાં 16 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિનાં એકાઉન્ટ્સ બંધ કરે. આમ પણ બાળકો પર સાઈબર  બુલીંગ, પોર્નોગ્રાફી, ઓનલાઈન છેતરપિંડીનું જોખમ છે જ, એ જોતાં આ પ્રતિબંધ અનિવાર્ય ગણાય.

એક વાત બહુ સ્પષ્ટ છે કે બાળકો અને તેના વાલીઓનો સ્ક્રિન ટાઈમ વધતો જ આવે છે. કેટલાંક ઘરોમાં સોશિયલ મીડિયામાં બાળક તો ઠીક, માબાપ પણ મોબાઈલમાં એવાં વ્યસ્ત હોય છે કે દુનિયા જોડે વાત કરવામાં ઘરની વ્યક્તિઓ વચ્ચે જ કંઇ કોમ્યુનિકેટ નથી થતું. મોબાઈલે દુનિયા ઘરમાં લાવી મૂકી છે, પણ ઘર, બહાર રહી ગયું છે. આ વધતા સ્ક્રિન ટાઈમે બાળકો પર એવી પકડ જમાવી છે કે પ્રતિબંધ એ જ એકમાત્ર ઉપાય બચતો હતો. આંધ્ર અને કર્ણાટકે તો પ્રતિબંધ મૂક્યો, પણ અન્ય રાજ્યો શાંત છે, તો એમ માનવાનું છે કે તે રાજ્યોમાં કોઈ જોખમ નથી? જોખમ છે, પણ રાજ્યો તેને નજર અંદાજ કરતાં હોય એમ બને. ક્યાં તો આ બધું કોઠે પડી ગયું છે અથવા તો તેમને, તેમનાં બાળકોની ચિંતા નથી. કમ સે કમ અન્ય રાજ્યોની દેખાદેખી પણ 16 વર્ષથી ઓછી વયનાં સંતાનો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું કરે.

 કર્ણાટકમાં પ્રતિબંધ મુકાયો છે તો આવું પણ સામે આવે છે – બેન્ગ્લુરુની વિશ્વશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને આઈ.આઈ.ટી.ની તર્જ પર ડેવેલપ કરવા 500 કરોડનું ફંડ જાહેર થયું છે. એમાં પહેલે વર્ષે જ 100 કરોડ ફાળવી દેવાશે. પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટે બે હજાર ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પણ કર્ણાટકના મુખ્ય મંત્રીએ જાહેરાત કરી છે. એક તરફ 16થી નીચેનાં બાળકો પર  સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત છે, તો બીજી તરફ આઈ.આઈ.ટી. ડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવવાની વાત છે. આ બંને એકબીજાના પૂરક નથી જણાતાં. આંધ્રના મુખ્ય મંત્રીએ પ્રતિબંધ માટે 13 વર્ષ કે 16 વર્ષની મર્યાદા રાખવી એ માટે ઘણી મથામણ પછી 13 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે ને આ પ્રતિબંધ 90 દિવસમાં લાગુ કરવાનું ઠરાવ્યું છે. જો કે, વયમર્યાદા 16 વર્ષ કરવાનું પણ વિચારાઈ રહ્યું છે.

હવે પ્રતિબંધિત જગતમાં જીવવાનું છે, પણ સાચું તો એ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે 16થી નીચેના પર આખા દેશમાં પ્રતિબંધ મુકાવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 માર્ચ 2026

Loading

...102030...88899091...100110120...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved