Opinion Magazine
Number of visits: 10080367
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિત્રકાર દાદીમા

સુરેશ જાની|Opinion - Opinion|23 February 2026

અન્ના મેરી રોબર્ટસન મોઝેઝ

૧૯૩૮ના માર્ચ મહિનાની બપોર થવા આવી હતી. ન્યુયોર્ક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ આલ્બનીથી ત્રીસેક માઈલ ઉત્તરમાં આવેલ હૂસિક ફોલ્સ નામના ગામડા પાસેથી લુઈ કેલ્ડર પસાર થઈ રહ્યો હતો. તેના પેટમાં બિલાડાં બોલતાં હતાં. તેણે એક નાનકડા, ગામડિયા સ્ટોર પાસે, થોડીક પેટપૂજા કરવા ગાડી થોભાવી. તેની પેટપૂજા તો પતી ગઈ; પણ સાથે અમેરિકાના ચિત્રકળાના ઇતિહાસમાં એક મહાન શોધ પણ તેણે કરી નાંખી!

તેણે એ ચિત્રકાર દાદીમાનાં દસ ચિત્રો – એક એક ડોલરના ભાવે વેચાવા માટે સ્ટોરની દીવાલ પર ટિંગાયેલાં જોયાં. કેલ્ડર આમ તો એક ઈજનેર હતો; પણ કલાકારીની ચીજવસ્તુઓ એકઠી કરવાનો શોખ પણ એને હતો. આ ચિત્રો એને અદ્દભુત લાગ્યાં. એ દોરનાર બાઈને મળવા તે આતુર બની ગયો. સરનામું પૂછીને એ તો એન્ના મેરી મોઝિસના ઘેર પહોંચી ગયો. પણ ૭૮ વર્ષનાં એ માજી ક્યાંક ગયેલાં હતાં; એમ એમના દીકરાની વહુએ જણાવ્યું. કેલ્ડર તો એ નાનકડા ગામની એકમાત્ર વીશીમાં રોકાઈ પડ્યો; અને બીજા દિવસની સવારે માજીને મળીને જ જંપ્યો. સાથે બીજાં વીસ ચિત્રો પણ એણે ખરીદી લીધાં.

અને એક સપ્પરમા દિવસે અમેરિકાની એક મહાન ચિત્રકાર હસ્તીની જાણ આખા જગતને થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ!

*********************

કોણ હતી આ મહાન ચિત્રકાર? કેમ અત્યાર સુધી એને કોઇ ઓળખતું નહોતું? શું હીરાને એનો સાચો ઝવેરી ના મળે તો એણે પોતાની ચમક ખોઇ નાંખવી?

ચાલો, એક નજર કરીએ આ ચિત્રકાળ બાળાના ઉછેર અને જીવનસંઘર્ષ પર.

*********************

૧૮૬૦ના સપ્ટેમ્બરની ૭મી તારીખે એક ખેડૂતના ઘેર જન્મેલ એ દીકરી. મૂળ આઈરીશ કૂળની વંશજ. અને એક વડવા તરફથી નેટિવ અમેરિકન લોહી પણ એની નસોમાં વહેતું હતું. એની મા માર્ગારેટ અને બાપ રસેલ રોબર્ટસનનાં દસ બાળકોમાં એન્ના ત્રીજા નમ્બરે હતી. વસાહતી અમેરિકન ખેડૂતના ઘરમાં નાનાં મોટાં બધાં કામ કરવા એ છ વર્ષની ઉંમરથી જ પલોટાયેલી હતી. સાથે સાથે કાગળના ટુકડા અને સીવણ કામમાંથી વધેલાં ચીંથરાંમાંથી એ ઢીંગલીઓ પણ બનાવતી અને ઘેર જ બનાવેલા દ્રાક્ષ અને બ્લેક બેરીના રસથી એમને રંગતી. કદીક રસેલ ખેતીની ફસલ વેચીને પાછો આવે ત્યારે; બાળકો માટે ન્યુઝ પ્રિન્ટ માટે નકામા કાગળોનો થોકડો મફતમાં લઈ આવતો. બધાં બાળકો એ કરકસરથી વાપરતાં અને નાના નાના ટુકડાઓની બન્ને બાજુ, સહેજ પણ જગ્યા બાકી ન રહે તેમ, પેન્સિલ અને ચાક વડે ચિત્રો દોરતાં. ૮૦ વર્ષની ઉંમર પછી દેશ પરદેશમાં વિખ્યાત બનનાર ચિત્રકાર દાદીમાની આ બુનિયાદી તાલીમ હતી!

એન્ના બાર વર્ષની થઈ; ત્યારે કુટુમ્બ પરનું ભારણ ઓછું કરવા નજીકના એક ગામમાં ઘરકામમાં મદદ કરવા કામે લાગી. થોમસ વ્હાઈટ સાઈડ નામના ખેડૂતની પત્ની અપંગ હતી; અને તેમને આવી મદદની જરૂર હતી. એમની પાસે ઠીક ઠીક મત્તા પણ હતી; અને બન્ને જણ બહુ માયાળુ સ્વભાવનાં હતાં. એની માલિક બાઈએ ઘણું બધું ઘરકામ, ચિત્રકામ અને સીવણકામ એન્નાને શીખવ્યું. એન્નાનાં ચિત્રો એમના જિલ્લાના મેળામાં દર વર્ષે પ્રદર્શન માટે પણ મુકાતાં. એન્નાની કળાની આ શાળા હતી!

એન્નાએ પાંચ વર્ષ વ્હાઈટ સાઈડ કુટુંબ સાથે ગાળ્યા; અને બન્નેનાં મરણ બાદ બીજાં દસ વરસ આવી જ છુટી છવાઈ નોકરીઓ કરી. પણ એ પહેલા પાંચ વર્ષમાં ભેગો કરેલો ઘરકામનો અનુભવ એને આખી જિંદગી કામ લાગ્યો. સ્વાદિષ્ટ રસોઈ બનાવવી, સરસ મજાનું સીલાઈકામ કરવું, ફળોના રસ અને મુરબ્બા બનાવવા, આંગળાં કરડી ખાઈ જાય એવાં કૂકી બનાવવા એ બધાં કામોમાં એ પાવરધી બની ગઈ હતી. પણ વ્હાઈટ સાઈડના ઘરમાં સરસ ચિત્રો સાથેની એની પ્રીત કાયમ માટે એના અંતરમાં વણાઈ ગઈ.

અને છેવટે ૧૮૮૬ની સાલમાં આમ જ કામ કરતાં એને એના મનનો મિત પણ મળી ગયો. ૧૮૮૭ના નવેમ્બર મહિનામાં થોમસ મોઝિસ સાથે, એના ગામ હૂસિક ફોલ્સમાં તેનાં લગ્ન થયાં.

લગ્ન પછી તરત મોઝિસ દંપતી દક્ષિણના રાજ્યઓમાં નસીબ અપનાવવા ઉપડી ગયું. એમનો વિચાર તો જ્યોર્જિયા કે એવા કોઈ રાજ્યમાં જવાનો હતો; પણ એક રાત વર્જિનિયાના સ્ટોન્ટન ખાતે રોકાયાં ત્યારે તેમને શનન્ડો ખીણનો એ પ્રદેશ ગમી ગયો. સો એકરનું એક ખેતર પણ એમને ઢોર, ઢાંખર અને રહેવાના મકાન સાથે ભાડે મળી ગયું. જીવનના આ નવા તબક્કામાં બન્ને જણ અથાક મજૂરી કરવામાં લાગી ગયાં. થોડાક સમય પછી થોમસની બહેન મેટ્ટી અને બનેવી પણ એમની સાથે આવી લાગ્યાં.

એન્નાને ખેડૂતો સાથે ઘરકામ કરવાની તાલીમ હવે બરાબર કામે લાગી. એણે બનાવેલું શુદ્ધ માખણ બહુ વેચાવા લાગ્યું. ચારે જણની મહેનતથી એમની સમૃદ્ધિ વધવા લાગી. ૧૮૯૬માં તો થોમસે પોતાની માલિકીનું, વીસ એકરનું ખેતર પણ ખરીદી લીધું. એન્નાએ પોટેટો ચીપ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો. પણ વતનની યાદ થોમસને બહુ સતાવ્યા કરતી. ૧૯૦૫ની સાલમાં એમણે વતન પાછા ફરવાનું નક્કી કર્યું; અને સારા ભાવે એ ખેતર વેચી, એન્નાના વતન હૂસિક ફોલ્સની નજીક ન્યુયોર્ક પાસે ઈગલ બ્રીજ ગામમાં એક ખેતર ખરીદી ત્યાં વસવાટ શરૂ કર્યો.

આ આખાયે સમય દરમિયાન એમને સંતાનો થવા લાગ્યા, ઉછરવા લાગ્યા અને પોતપોતાના વિકાસ માટે દૂર પણ જવા લાગ્યા. ૧૮૯૧માં એમની પહેલી દીકરી ઓના જન્મી અને ત્યાર બાદ એન્નાને બીજાં નવ  બાળકોને જન્મ આપ્યો. પણ એમાંથી પાંચ જ જીવતાં રહ્યાં.

આ બધી સાંસારિક જફાની સાથે સાથે એન્ના સમય ફાજલ કાઢીને પણ એની મનગમતી ચિત્રકામ અને ભરત ગુંથણની પ્રવૃત્તિ તો કરી જ લેતી! પણ એ બધું કેવળ પોતાના આનંદ માટે જ. સ્થાનિક મેળાઓમાં એ પોતાની બનાવટો – મુરબ્બા, જેલી વિ.ની સાથે ભરત ગુંથણના નમૂના પણ વેચવા મૂકતી; પણ ગામડાં ગામમાં એ કોણ ખરીદે કે એમને કોઈ ઈનામ મળે?!

છોકરાંવને ભણાવવા ગણાવવા અને પરણાવવાની જવાબદારીઓ અદા કરતાં કરતાં, ૫૮ વર્ષની ઉમ્મરે એન્નાને એના ઘરને વોલ પેપરથી સજાવવાનું મન થયું. કામ પતતાં, રસોડાની એક દીવાલ બાકી રહી ગઈ. નવો વોલ પેપર લાવવાને બદલે એક જાડો મોટો કાગળ તેણે લાકડાના બોર્ડની એ દીવાલ પર ચીપકાવી દીધો; અને તેની ઉપર ઘર રંગવાના રંગોથી એને ચિત્રકામ કરી દીધું. એન્નાની ત્યાર સુધીની જિંદગીનું આ મોટામાં મોટું ચિત્ર હતું! બે બાજુએ બે ઝાડ અને ઘાસની વચ્ચે તળાવ વાળું એ ચિત્ર આજે પણ મોઝિસ દાદીમાના ચિત્રસંગ્રહમાં સંઘરાયેલું છે.

હવે તો ઘરનું અને ખેતરનું કામ એમનો દીકરો કરતો હતો. પણ એન્ના થોડીક જ નવરી બેસે એવો જીવ હતી? રસોડામાં અવનવી વાનગીઓ બનાવવી, ને ભરત ગુંથણ કામ કર્યે રાખવું – એમાંથી એ નવરી જ ન પડતી. ૧૯૨૭ની સાલમાં થોમસે આખરી વિદાય લીધી; અને એન્નાના જીવનમાં નિરાશા છવાઈ ગઈ. એની ઉમ્મર હવે ૬૬ વર્ષની થઈ હતી. એને સંધિવા(Arthritis)ની તકલીફ પણ શરૂ થઈ હતી. ભરત ગુંથણની સોયો પરોવતાં એની આંગળીઓ દુખવા લાગતી. એના એક સંબંધીએ એન્નાને એ છોડી ચિત્રો દોરવાનું શરૂ કરવા કહ્યું; અને ડોશીમા તો મચી પડ્યાં! એનો ચિત્રકામનો જૂનો શોખ સજીવન થયો. ખેતરના કામમાં ઉપણી માટે વપરાતા જાડા કાપડમાંથી એ કેન્વાસ બનાવતી અને જૂની ફ્રેમો ગુજરીમાંથી ખરીદી લાવી; સુતારીકામનાં સાધનોથી એમને રિપેર કરી ચિત્રો એ જાતે જ મઢતી! એનું કામ કરવાનું ટેબલ પણ તેણે જાતે  સજાવ્યું હતું!

અલબત્ત એનાં એણે આખી જિંદગી જ્યાં ગુજારી હતી તે ખેતરો, ગામડાં અને અતિશય રળિયામણી શનન્ડો ખીણમાથી એને પોતાનાં ચિત્રોના વિષયો મળી જતા. એનાં મોટા ભાગના ચિત્રોમાં અમેરિકાના ગામડાંઓની ધરતીનો એ ધબકાર ગુંજતો રહે છે. અન્નાએ બનાવેલાં એ બધાં ચિત્રોમાં કોઈ વ્યાપારી વૃત્તિ ન હતી. ખાલી પોતાને અને મિત્રો / સગાં સંબંધીઓને ખુશ કરવા તે ચિત્રો દોર્યે રાખતી.

૧૯૩૯માં હૂસિક ફોલના સ્ટોર વાળી બાઈ કેરોલિન થોમસે એના સ્ટોરની શોભા વધારવા થોડાંક ચિત્રો માંગી લીધાં, અને એક ડોલરના ભાવે વેચવા પણ રાખ્યાં.

જો કેરોલિનને આ વિચાર ન સૂઝ્યો હોત તો, લૂઈ કેલ્ડરને આ ચિત્રો જોવા મળ્યાં ન હોત; અને આ ચિત્રકાર દાદીમા અમેરિકાને અને જગતને અંધારામાં રાખીને જ પોઢી ગયાં હોત!

,,,,,,,,

લુઇ કેલ્ડરે એન્નાની પ્રતિભા પારખી; એ એક વાત હતી; પણ એને અમેરિકાના કલાક્ષેત્રના રસિયા અને માંધાતાઓ પાસે કબુલાવવી એ બીજી. એક વર્ષ સુધી તેણે અનેક આર્ટ ગેલરીઓને આ ચિત્રો પ્રદર્શિત કરવા વ્યર્થ ફાંફાં માર્યા. છેક એક વર્ષ પછી- ૧૯૩૯ના ઓક્ટોબર મહિનામાં ન્યુયોર્કના મેનહટનમાં આવેલ મોડર્ન આર્ટની એક આર્ટ ગેલરીએ એન્નાનાં ત્રણ ચિત્રો પ્રદર્શિત કર્યા. એક મહિના પછી; એ પ્રદર્શન બંધ થતાં એ ચિત્રો, વેચાયા વિના પરત પણ આવી ગયાં. છતાં હિમ્મત હાર્યા વિના લુઈએ ચિત્રો બીજી આર્ટ ગેલરીઓને મોકલવાનું ચાલુ રાખ્યું.

અને છેવટે ઓસ્ટ્રિયાથી હિજરત કરીને આવેલ ઓટો કેલિર નામના કળાકારીની ચીજોના વેપારીને ‘મેપલ સ્યુગર લાવતાં (Bringing in Maple sugar) ચિત્ર બહુ જ ગમી ગયું. આ ચિત્રે એન્નાને માટે પ્રસિદ્ધિનું બારણું ફટ્ટાક દઈને ખોલી દીધું. એણે માત્ર એન્નાનાં જ ચિત્રોનો ‘વન મેન શો’ રાખવાનું નક્કી કર્યું.

Bringing in the Maple Sugar by Grandma Moses (1939)

અને બીજા એક વર્ષ પછી ૧૯૪૦ના ઓક્ટોબર મહિનામાં એની આર્ટ ગેલરીમાં એન્નાનો શો યોજાયો. આમ તો માત્ર ત્રણ ચિત્રો જ વેચાયાં હતાં; પણ ૮૦ વર્ષની આ ડોસીમાનાં ચિત્રોએ સારો એવો રસ કલારસિકોમાં પેદા કર્યો. આ જ સમય દરમિયાન મેનહટનમાં ગિમબ્લ બ્રધર્સ નામના પ્રસિદ્ધ વિક્રેતાઓ પોતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવાના હતા. એમને આ ડોસીમાના રંગબેરંગી ચિત્રો સારી શોભા ઊભી કરશે; એમ લાગતાં એમણે એ સ્ટોરના ઉદ્દઘાટન વખતે આ ચિત્રો પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું ; અને એન્નાને પોતાના ખર્ચે ન્યુયોર્ક પધારવા આમંત્રણ આપ્યું. ‘ધોળા વાળ વાળી છોકરીનાં ચિત્રો’ની સારી એવી જાહેરાત પણ તેમણે કરી!

અને એ શોમાં એન્ના એની ગામઠી નિખાલસતાથી દર્શકોની માનીતી બની ગઈ. તેને ન્યુયોર્ક રાજ્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. આ તેનો સૌથી પહેલો એવોર્ડ હતો. અને ત્યાર પછી એન્નાની પ્રસિદ્ધિ વધતી જ ચાલી.

Credit LineCollection of the Fenimore Art Museum. Gift of Mrs Stephen C. Clark

Image Copyright Holders: Grandma Moses Properties, Co. & Galerie St. Etien Photograph by Richard Walker.

એન્નાને ઢગલાબંધ પત્રો મળવા લાગ્યા, અને એના ગામમાં એની મુલાકાત લેવા પત્રકારો અને કલારસિકો ઉમટવા લાગ્યા. એનાં બહુ પ્રસિદ્ધિ પામેલાં ચિત્રોની નકલોના ઓર્ડર પણ આવવા માંડ્યા. ત્રણ ચાર વર્ષ આમ નીકળી ગયાં. એ ગાળા દરમિયાન વિશ્વના તખ્તા પર હાહાકાર જન્માવેલ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. ત્રાસ અને વેદનામાંથી હાશકારો કરેલા લોકોને એન્નાના ચિત્રોમાંની ગામઠી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી રાહત આપતી લાગવા માંડી. હવે તો આખા અમેરિકામાં એન્નાનાં ચિત્રોની માંગ થવા લાગી. લોકોને એન્નાના જીવન વિશે જાણવાનો પણ રસ જાગવા લાગ્યો. એની જીવન કથાનું પહેલું પુસ્તક ૧૯૪૬માં બહાર પડ્યું; અને અમેરિકા અને યુરોપમાં એ બહુ જ વખણાયું. તરત જ એની બીજી આવૃત્તિ બહાર પાડવી પડી. રેડિયો ઉપર પણ એન્નાનો ઈન્ટરવ્યુ લેવાયો અને આખા અમેરિકા અને યુરોપમાં લોકોએ તે રસથી સાંભળ્યો.

જ્યારે એના વેચાતાં ચિત્રોની મોટી કિમ્મત આવવા લાગી; ત્યારે રોયલ્ટીની મોટી રકમનો ચેક ઓટો કેલિરે એન્નાને મોકલ્યો. અને એ ભલી બાઈએ એ ચેક પાછો વાળ્યો કે, એ ચિત્રો તો તેણે લુઈ કેલ્ડરની વેચી જ દીધેલાં હતાં; અને ફરીથી એની કિમ્મત તે શી રીતે લઈ શકે? ઓટોએ એને એ ચેક લેવા બહુ સમજાવવી પડી!

જો કે, ત્યાર બાદ એન્નાને કળાના બજારનું ભાન થયું. તેણે વકીલ અને નાણાંકીય સલાહકાર રાખ્યા; અને એની આવક ધુમ ધડાકા સાથે વધવા લાગી.

૧૯૪૯માં એન્નાની સાથે રહેતા હગનું અવસાન થયું. એનો શોક એન્નાએ માંડ જીરવ્યો; ત્યાં ત્રણ મહિના પછી; ૧૯૪૮ના વર્ષની છ ખ્યાતનામ સ્ત્રીઓને એવોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો; અને મહાન માનવતાવાદી અને સદ્દગત અમેરિકી પ્રમુખની પત્ની એલિનોર રૂઝવેલ્ટના હસ્તે એન્નાને આ એવોર્ડ આપવામાં આવ્યો. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલ એ સમારંભ બાદ તે વખતના અમેરિકી પ્રમુખે એન્નાને વ્હાઈટ હાઉસમાં બોલાવી એનું સન્માન કર્યું. પણ એન્ના જેનું નામ; એ તો સહેજ પણ ગલવાયા વિના; એમની સાથે પણ એવી વાતોએ વળગી; કે પ્રમુખ આ ગામઠી બાઈના મિલનસાર સ્વભાવના આશક બની ગયા!

૧૯૫૦માં એન્નાનાં ચિત્રોનો શો યુરોપનાં છ શહેરોમાં યોજાયો અને એન્નાની પ્રસિદ્ધિ એટલાન્ટિક મહાસાગરને પણ આંબી ગઈ. ૧૯૫૨માં એન્નાએ લખેલી પોતાની આત્મકથા પ્રસિદ્ધ થઈ; અને એની સાદી સીધી અને હૈયાં સોંસરવી ઉતરી જાય એવી જીવનકથનીથી લોકો એની ઉપર ઓવારી જ ગયા. એ ચોપડીની અનેક આવૃત્તિઓ થઈ ચુકી છે; અને અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે. ૧૯૫૨માં એ આત્મકથાના આધાર પર એક ટી.વી.  નાટક પણ બન્યું અને બહુ વખણાયું હતું.

આટલી બધી પ્રસિદ્ધિ છતાં ૯૦ વર્ષની ઉમ્મરે એન્નાએ ચીનાઈ માટીનાં વાસણો પર ચિત્રકામ કરવાનો નવો શોખ શરૂ કર્યો!

૧૯૫૫માં અમેરિકનોની બહુ માનીતી બની ગયેલી આ ડોસીમા શી રીતે જીવે છે; અને એ કેવી રીતે કામ કરે છે; એ જણાવવા એના ઘરમાં જ એનો ઈન્ટરવ્યુ લેતો ટી.વી. શો યોજાયો.

૧૯૬૦માં આ ડોસીમાની ૧૦૦મી જયંતી આખા અમેરિકાએ ઉજવી અને તે વખતના અમેરિકી પ્રમુખ આઈઝનહોવરે પણ એમને ખાસ મુબારકબાદી આપી. એન્નાના ગામમાં તો એ મોટો ઉત્સવ બની રહ્યો.

૧૯૬૧ના જૂનમાં એન્નાએ એનું છેલ્લું ચિત્ર પૂરું કર્યું’ પણ તેની તબિયત કથળતી જતી હતી. એક વાર તે પડી ગઈ; પણ ઊભી ન થઈ શકી. છેવટે ૧૩મી ડિસેમ્બરે તેણે આખરી શ્વાસ લીધા; અને તેના વ્હાલા પતિ થોમસની કબરની બાજુમાં તેને દફનાવવામાં આવી; ત્યારે અમેરિકા અને યુરોપમાં તેના અસંખ્ય ચાહકોએ આંસું સાર્યાં હતાં.

સાવ સામાન્ય ખેડૂતના ઘેર જન્મેલી અને શરૂઆતની જિંદગીમાં ખેડૂતોના ઘેર નોકરડી તરીકે કામ કરતી આ ગામઠી સ્ત્રી એના અવસાન વખતે લાખો લોકોને રડાવી ગઈ. એનાં ચિત્રોમાં પ્રગટ થતી ખુશાલી, સુંદરતા અને તાજગી હજુ પણ લોકોના મનમાં આનંદની લહેરીઓ ફેલાવી દે છે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Grandma_Moses

https://nmwa.org/art/artists/grandma-moses-anna-mary-robertson-moses/

e.mail : surpad2017@gmail.com

Loading

પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

નટવર ગાંધી / બકુલા ઘાસવાલા|Poetry|22 February 2026

(વસંતતિલકા)

આજે પથારીવશ તું પડી, ક્ષીણ કાય,
ભાંગી પડી તનથી, ત્રસ્ત હતાશ હૈયે,
ઉલ્લાસહીન, દુ:ખિની, ગણતી, વિચારે:
“રે કેટલા દિવસ માસ ને વર્ષ મારે
બાકી રહ્યા કઠણ છે હજી જીવવાના?
મેં પાપ તો જરૂર કૈંક કર્યા હશેને,
જેની સજા કપરી આજ હું ભોગવું છું.
હે નાથ, માફ કર તું બસ લે ઉપાડી.”

“આજે ભલે વિવશ તું, સખી, યાદ કિન્તુ
છે ને તને? દિવસ, માસ, અનેક વર્ષો–
દામ્પત્ય રમ્ય ઉજવ્યું ઉરને ઉછાળે!
ઉલ્લાસથી, પ્રણયથી, વળી ઉજવીશું
જે બાકી છે જીવન તે હજી ધન્ય ઝાઝું,
આ પ્રેમને દિવસ ના સખી ભૂલતી તે.”

                                            –  નટવર ગાંધી

આસ્વાદઃ

બકુલા ઘાસવાલા

પન્નાને દરેક જન્મદિને અને વેલેન્ટાઈન ડે પર જીવનસાથી નટવર ગાંધી તરફથી એક સોનેટ અને ગુલાબગુચ્છની સદાબહાર કાવ્યકૃતિ ભેટ મળે છે. આ ઘટના નેબર્સ એન્વી ઓનર્સ પ્રાઈડ જેવી છે. આ વખતનું સોનેટ પન્નાબહેનની ત્રસ્ત, માનસિક અને શારીરિક રીતે ગ્રસ્ત, નિરાશાજનક અને હતાશાની લાગણીઓમાંથી એમને મુક્ત કરવામાં સફળ થાય એવી રચના દ્વારા નટવરભાઈએ સપ્રેમ ભેટ આપ્યું છે.

પન્નાબહેન અને નટવરભાઈ ભારત આવેલાં ત્યારે પન્નાબહેન પડી ગયેલાં અને એમને વ્હીલચેરને વ્હાલી કરવી પડી. આવું પરાવલંબી જીવન પન્નાબહેન માટે અસહ્ય બની રહ્યું અને એમનો બળાપો Self guilt સુધી પહોંચ્યો, એમને લાગ્યું કે મેં શું પાપ કર્યા હશે કે આ સજા? એક વાત કહું? આ ઉપરવાળાને આપણે પરમપિતા-માતા કહીએ છીએ તે શું સજા કરવા જ બેઠાં છે? નટવરભાઈ કહે છે કે ભલે આજે તું વિવશ છે પરંતુ ઉરને ઉછાળે સદાબહાર જિંદગી આપણે જીવ્યાં છીએ. હજી જીવીશું પ્રેમ અને ઉમંગથી બાકીની જિંદગી. આ મિજાજ નટવરભાઈનો છે જેમની પ્રેમભરી માવજત.

એમની સખીને ઉત્સાહિત કરશે જ. પ્રેમાળ વ્યક્તિનો નાનકડો વહાલભર્યો સ્પર્શ પણ ચેતનવંત રહેવા માટે ખૂબ ઉપયોગી છે. જિંદગીને માણવાની તક ન ચૂકવી એ નટવરભાઈનો તકિયાકલામ છે અને એમનું આવું વલણ જ પન્નાને પ્રસન્નતાની લહેરે ઝુલાવશે. પન્નાબહેન, તમે તો અમારાં જેવાં કેટલાં ય મિત્રો અને સખીઓનાં આદર્શ છો. પ્રેમની સાચી વિભાવના તમારી પાસે જડી છે ત્યારે તમારી હતાશા ન પરવડે. પ્રેમ હોવો અને પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ મારે માટે તો ખૂબ જ અનોખી બાબત છે.

તમે વહેલાં સારાં થઈ જાઓ એવી આશા સહ પન્નાને સોનેટ દ્વારા જીવવાની જડીબુટ્ટીની ભેટ આપનાર આ જીવનસાથી અને કવિને દિલથી  સલામ.

*******

Loading

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિનાની મહત્ત્વાકાંક્ષાઃ ‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોપ્ટિંગમાં કાચા છીએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 February 2026

AI ટૂલનું સબસ્ક્રિપ્શન હોવું અને સાચા પ્રોમ્પ્ટ આપીને તેનો ઉપયોગ કરતા આવડવું એમાં આસમાન જમીનનો ફેર છે, આ સાદા વાક્યમાં આપણી સમિટનું સત્ય છુપાયેલું છે. 

ચિરંતના ભટ્ટ

જે સવારે ભારતે આખી દુનિયાને પોતાનું નેતૃત્વ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, તે જ સવારે પ્રવેશદ્વાર પરના ‘QR સ્કેનર્સ’ ન ચાલ્યા, દશેરાને દિવસે ઘોડું દોડવાની વાત તો દૂર પણ તબેલાનું તાળું જ ન ખુલ્યું.

ભારતની રાજધાનીના ભવ્ય ‘ભારત મંડપમ’ની બહાર એ દૃશ્ય આંખને કઠે એવું હતું. દેશભરમાંથી જે યુવા સંશોધકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ટેકનોલૉજીસ્ટ્સ પોતાની આંખોમાં નવા ભારતની મોટી આશાઓ સજાવીને આવ્યા હતા, તેમણે દિલ્હીની ગરમીમાં ત્રણ-ત્રણ કલાક સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું. અંદર ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ પૂર જોશમાં શરૂ થઈ ચૂકી હતી: સો જેટલા દેશોનું પ્રતિનિધિત્વ હતું, સેમ ઓલ્ટમેન જેવા વૈશ્વિક ટૅક લેજન્ડ્ઝ સ્ટેજ પર હતા, સુંદર પિચાઈ હાજર હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને ‘ગ્લોબલ સાઉથ’ની AI રાજધાની બનાવવાના વિઝન પર ગર્વ લઈ રહ્યા હતા. પરંતુ બીજી તરફ, વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. ગેટ પર ઊભેલા અનેક વિદેશી પ્રતિનિધિઓ પાસે લોકલ સિમ કાર્ડ નહોતા અને તેઓ કોઈનો સંપર્ક કરી શકતા નહોતા, કારણ કે વડા પ્રધાનની સુરક્ષા માટે મુકાયેલા ‘જામર્સ’ને કારણે આખા વિસ્તારનું વાઈ-ફાઈ નેટવર્ક કાપી નાખવામાં આવ્યું હતું. સૌથી મોટી વિડંબના તો એ હતી કે, ભારતની ડિજિટલ ક્રાંતિના શિરમોર સમી UPI સિસ્ટમ, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સ્પોમાં જ ઠપ થઈ ગઈ હતી. જે પરિસરમાં દુનિયાના ભવિષ્યની વાતો થતી હતી, ત્યાં ગ્રાહકોએ પીવાના પાણીની બોટલ માટે પણ ખિસ્સામાંથી રોકડા પૈસા કાઢવા પડ્યા હતા.

આ માત્ર એક આયોજનની નિષ્ફળતા કે નાની વિરોધાભાસી ઘટના નથી; આ તો ભારતની મહત્ત્વાકાંક્ષા અને તેને અમલમાં મૂકવાની ક્ષમતા વચ્ચેના અંતરની આખી વાત છે.

સમિટના દિવસો દરમિયાન ઘણાં ગલગોટા, એટલે કે ગોટાળા થયા. ‘નિયો સેપિયન’ નામના સ્ટાર્ટઅપના સ્થાપક ધનંજય યાદવ જ્યારે સુરક્ષાના કારણોસર ખાલી કરાવવામાં આવેલા પ્રદર્શન હોલમાંથી પરત ફર્યા, ત્યારે તેમના બૂથ પરથી લાખોના ખર્ચે તૈયાર કરાયેલા ‘AI વેરેબલ્સ'(પહેરી શકાય તેવા ઉપકરણો)ની ચોરી થઈ ગઈ હતી. તે આ ઉપકરણો દુનિયાને બતાવવા અને રોકાણકારોને આકર્ષવા લઇને આવ્યા, પણ ચોરી પછી ખાલીખમ બૂથે તેમને આંખે અંધારા લાવી દીધા. ‘બોલના AI’ ના મૈત્રેય વાઘ અને ‘રિસ્કિલ લાઈફલોન્ગ’ના પુનીત જૈન જેવા અનેક ઉદ્યોગસાહસિકોએ આખી સમિટ દરમિયાન નેટવર્કિંગ કે વ્યાપારી ચર્ચાઓ કરવાને બદલે માત્ર લાઈનોમાં ઊભા રહેવામાં અને લૉકડાઉન જેવી સુરક્ષા વ્યવસ્થા સામે ઝઝૂમવામાં જ સમય વિતાવ્યો. બીજા દિવસે આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરમાં માફી માંગવી પડી અને પરિસ્થિત સુધારવા ‘વૉર-રૂમ’ બનાવવાનું વચન આપ્યું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. વિપક્ષોએ આ આખી ઈવેન્ટને માત્ર એક ‘PR એમ્બેરેસમેન્ટ’ (લોકસંપર્કની શરમજનક નિષ્ફળતા) ગણાવી. સૌથી વધુ ચર્ચા તો એ નકલી ‘રૉબો-ડોગ’ની થઈ, જે એક યુનિવર્સિટીએ સ્વદેશી મેકિંગ હોવાના દાવા સાથે રજૂ કર્યો હતો, પણ તે ચીની બનાવટનો હોવાનું સાબિત થયું અને ગલગોટિયા યુનિવર્સિટી ગલા ઘોંટિયાને નામે ટ્રેન્ડ થઈ ગઈ, એ આખા ખેલના બધા ઑપરેટરોને હાંકી કાઢવામાં આવ્યા.

આ સમિટમાં બિલ ગેટ્સની હાજરીની પણ મોટી અપેક્ષા હતી, પરંતુ ‘એપ્સટીન ફાઈલ્સ’ને પગલે થયેલા નવા ખુલાસાઓને અને જાત-ભાતની વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે તેઓ ગેરહાજર રહ્યા. આ પણ યાદ રાખવા જેવું છે કે વૈશ્વિક મંચ પર મોટા આયોજનો થાય ત્યારે ગમે તેટલો દેકારો કરીએ પણ વાસ્તવિક સંજોગો અને નૈતિક પડકારોને પગલે અણધાર્યા અવરોધો ખડા થઈ જ શકે છે.

સરકારી અધિકારીઓએ આ ઈવેન્ટની સફળતા દર્શાવવા માટે આંકડાઓનો સહારો લીધો : ૨.૫ લાખ રજીસ્ટ્રેશન અને ૭૦,૦૦૦ હાજર રહેલા લોકો! આપણે ત્યાં આ એક લોચો છે, આપણે કોઈ પણ કાર્યક્રમની ગંભીરતા કે સફળતા તેમાં હાજર રહેલા લોકોની સંખ્યા(Headcount)થી માપીએ છે. આપણા માટે જાહેરાતો એ જ ખરું કામ છે અને કરારો (MoUs) પર સહી થઈ એટલે જાણે લક્ષ્ય હાંસલ થઈ ગયું. આ સમિટ આ જ માનસિકતાનો એક ખૂંચે એવો દાખલો હતો, જ્યાં એક ટેકનિકલ કોન્ફરન્સને બદલે રાજકીય રેલી જેવો માહોલ ઊભો કરાયો. સ્કેલ કે કદ હોય એ સારી જ વાત છે પણ એ સ્કેલ તમારી રણનીતિ ન હોઈ શકે કારણ કે એવું થાય ત્યારે કામગારી ગૌણ બની જાય અને પછી ગોટાળા થાય અને નીચાજોણું પણ થાય.

જો આપણે આ ઈવેન્ટના સ્ટેજક્રાફ્ટને બાજુ પર મૂકીએ, તો કેટલીક પાયાની માળખાકીય ખામીઓ (Structural Deficits) નજર આવે છે જે કોઈ પણ ભાષણથી સુધરી શકે તેમ નથી. ભારત આજે વિશ્વનો અંદાજે પાંચમો ભાગ (20%) ડેટા પેદા કરે છે, પરંતુ આ ડેટાને સાચવવા કે પ્રોસેસ કરવા માટે જરૂરી ‘ડેટા સેન્ટર્સ’માં આપણો હિસ્સો વિશ્વના માત્ર 3 % જેટલો જ છે. ‘ઇન્ડિયા AI મિશન’ હેઠળ ફાળવવામાં આવેલું 10,000 કરોડનું ભંડોળ કાગળ પર તો મજબૂત લાગે છે, પણ તેનો જમીની સ્તર પર અમલ અત્યંત ધીમો છે. આપણા વીજળીના માળખા (Power Grids) આજે પણ જરા સરખો લોડ વધે એમાં ખોરવાઈ જાય છે, જ્યારે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેનાથી અનેકગણી વીજળીની જરૂર પડે છે. 

સૌથી મોટો પડકાર તો માનવ સંસાધન(Talent)નો છે. 2027 સુધીમાં ભારતમાં AI ક્ષેત્રે અંદાજે 10 લાખ નિષ્ણાતોની અછત સર્જાય તેવી શક્યતા છે. સ્થિતિ એવી છે કે ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવા વૈશ્વિક દિગ્ગજો ભારતના શ્રેષ્ઠ એન્જિનિયરોને જંગી પગારે લઈ જાય છે, જ્યારે આપણી આઈ.આઈ.ટી. (IITs) વર્ષે માંડ 10,000 જેટલા ગ્રેજ્યુએટ્સ તૈયાર કરી શકે છે. માર્કેટમાં એક્સપર્ટ્સની જરૂર બહુ જંગી છે. વળી, આ ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો માત્ર 14% છે, જે દર્શાવે છે કે આપણે અડધી વસ્તીની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. અધૂરામાં પૂરું ‘ગ્રામીણ ટેલેન્ટ’ની વાતો થાય છે પણ ભાષણોમાં બોલાયેલા શબ્દોને આપણે વાસ્તવિકતા નથી બનાવી શક્યા.

આ સાથે ભૌગોલિક-રાજકીય (Geopolitical) પાસાઓ પણ ગંભીર છે. વિશ્વના AI ચિપ માર્કેટ પર આજે ‘Nvidia’નું 90% થી વધુ વર્ચસ્વ છે. અમેરિકાના એક્સપોર્ટ કંટ્રોલ નિયમો, વોશિંગ્ટનના મૂડ મુજબ બદલાતા રહે છે, તે ભારતની AI પહોંચને ગમે ત્યારે રોકી શકે છે. ભારત જે ‘સોવરિન AI'(સાર્વભૌમ AI)ની વાતો કરે છે, તે અત્યારે તો માત્ર એક આશાસ્પદ કલ્પના જ છે. સરકારના કડક નિયમો, જેમ કે 3 કલાકમાં ડીપફેક કન્ટેન્ટ હટાવવાની જોગવાઈ, સાંભળવામાં નિર્ણાયક લાગે છે, પણ તે નવા સંશોધકો માટે એવા અવરોધો ઊભા કરે છે જે ભારતની પોતાની સર્જનાત્મક ક્ષમતાને દબાવી શકે છે.

માત્ર ટીકા કરવાની છે એમ પણ નથી કારણ કે ભારતે પોતાની આવડતથી પહેલાં ય વિશ્વને ચોંકાવ્યું છે. ‘આધાર’ કાર્ડ કોઈ મોટા સ્ટેજ પ્રોગ્રામ વગર ધીમે ધીમે એક અબજ લોકો સુધી પહોંચ્યું. UPI એ આખા દેશની નાણાકીય લેવડદેવડની રીત બદલી નાખી. CoWIN પોર્ટલ દ્વારા કરોડો લોકોને વેક્સિન અપાઈ. આ બધી સફળતાઓ કોઈ ‘દેખાડા’ કે ‘spectacle’ના પરિણામ નહોતા. તે આકરી મહેનત, પરીક્ષણ અને જવાબદારી નક્કી કરવાની ‘બોરિંગ’ પણ મજબૂત વ્યવસ્થાનું પરિણામ હતા.

આજે AI ક્ષેત્રે પણ ભારત પાસેથી આવી જ ગંભીરતાની અપેક્ષા છે, જેનો આ સમિટમાં અભાવ જોવા મળ્યો. ‘ગ્લોબલ સાઉથ’ એટલે કે વિકાસશીલ દેશો ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. તેમને અમેરિકાના વેન્ચર કેપિટલના વર્ચસ્વ કે ચીનના સરકારી નિયંત્રણો વચ્ચે એક મજબૂત અને લોકશાહી વિકલ્પ જોઈએ છે. ભારતનું ‘પબ્લિક-પ્રાઈવેટ’ મોડલ, આપણી વિવિધ ભાષાઓ માટેના AI મોડલ્સ અને ભેદભાવ રહિત ગવર્નન્સ ખરેખર વિશ્વ માટે આકર્ષક છે. ભારત આમાં નેતૃત્વ કરી શકે છે, તેમાં કોઈ શંકા નથી.

બાય ધી વેઃ 

અંતે તો સવાલ એ છે કે આપણા વિઝનના અમલીકરણ માટે આપણે સજ્જ છીએ?  દુનિયાભરમાં જેની ચર્ચા હોય એવા કાર્યક્રમનું આયોજન સિસ્ટમો ઠપ થયા વિના ન થઈ શકે?  આપણા મંત્રી અશ્વિની વૈષ્ણવના ‘વૉર-રૂમે’ સમિટના બાકીના દિવસો સાચવ્યા પણ પ્રતિષ્ઠા વૉર-રૂમથી નથી બનતી. ખરી પ્રતિષ્ઠા વ્યવસ્થાશક્તિમાં હોય છે જે દબાણ હેઠળ ભાંગી ન પડે, એવા વચનોમાં હોય છે જેને વાસ્તવિકતા સાથે મેળ હોય. આપણે કહીએ કંઇ અને કરીએ કંઇ તો એમાં તો આપણી જ છાપ ખરાબ પડે. ઇરાદો ખરાબ નહોતો પણ વધુ પડતો આત્મવિશ્વાસ આપણને નડી ગયો એમ કહી શકાય. આ સમિટમા જે થયું એ ભૂલો નથી, એક અરીસો છે જે આપણી સજ્જતા સામે સવાલ કરે છે. આપણી ‘AI મોમેન્ટ’ સાચી છે, પણ આ ક્ષણને ઝડપીને સડસડાટ આગળ વધવા આપણે તૈયાર છીએ?  સમિટને પગલે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો છે, તે જ આપણી ખરી કસોટી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ફેબ્રુઆરી 2026

Loading

...102030...99100101102...110120130...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved