Opinion Magazine
Number of visits: 9842403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 November 2025

રવીન્દ્ર પારેખ

10 નવેમ્બર, 2025ની ઠંડી સાંજે 6.52 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનનાં ગેટ નંબર 1 નજીક ચાલતી કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને આજુબાજુનાં વાહનોનો કૂચો વળી ગયો તો, તેર લોકોનાં ચીંથરાં ઊડી ગયાં. વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયાં ને તેઓ અત્યારે સારવાર હેઠળ છે. ભૂતાન પ્રવાસેથી આવીને વડા પ્રધાને ઘાયલોનાં ખબરઅંતર પૂછ્યાં, તો કેન્દ્રીય ગૃહ મંત્રી મીટિંગ પર મીટિંગ કરીને આ બ્લાસ્ટ આતંકી કાવતરું છે કે નહીં એની તપાસમાં લાગેલા છે. ગઈ કાલના સમાચારમાં વડા પ્રધાને એ સ્પષ્ટ કર્યું છે કે આ આતંકી હુમલો છે અને જવાબદાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે, એવી રાબેતા મુજબની જાહેરાત પણ તેમણે કરી છે.

પહેલગામમાં જાતિ પૂછીને આતંકીઓએ થોડા હિંદુ પુરુષોને મોતને ઘાટ ઉતાર્યા ને એનો બદલો લેવા ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવાયો, તો આતંકીઓએ દિલ્હીના લાલ કિલ્લા નજીક બોમ્બ બ્લાસ્ટ કરી તેર નિર્દોષ લોકોના જીવ લીધા. હવે ભારત આતંકીઓને સબક શીખવવા કંઇ કરશે તો આતંકીઓ વળી ક્યાંક બ્લાસ્ટ કરશે અને એમ ચાલ્યા કરશે. દિલ્હી હુમલાની સમાંતરે 6 લિટર રાઈઝિન નામનું કાતિલ ઝેર પાઈને હજારોની કતલ કરવાનો પર્દાફાશ થયો છે એ પરથી લાગે છે કે આ દેશમાં આતંકીઓ ઝેરની જેમ ફેલાયેલા છે ને એને આ દેશના ગદ્દારોનો સાથ છે, એટલે આતંકીઓને ફાવતું આવ્યું છે. આ વખતના આતંકી હુમલામાં આઘાતજનક વાત એ છે કે આમાં ડોકટરો આતંકવાદી તરીકે પ્રગટ થયા છે. જો કે, ડોક્ટર હોય કે અભણ, આતંકીઓ સરખી જ ઉગ્રતા ને આક્રમકતા ધરાવતા હોય છે.

આખો ઘટના ક્રમ જોવા જેવો છે. રવિવારે ગુજરાતમાંથી ત્રણ આતંકીઓ પકડાય છે. સોમવારે સવારે હરિયાણાના ફરીદાબાદમાંથી 2,900 કિલો વિસ્ફોટકો મળે છે ને એ જ સાંજે દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટ થાય છે. એમ લાગે છે કે ગુજરાત, હરિયાણા અને દિલ્હી આતંકવાદીઓનાં નિશાના પર છે. આ તો જાહેર થયું છે એટલે, બાકી, ખબર ન પડે એવી કેટલી જગ્યાઓ પર આતંકીઓ હુમલા માટે સજ્જ હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. દુનિયા જાણે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાન અને તેના પાળેલા આતંકીઓનો હાથ છે. હવે તો કોઈ પણ બ્લાસ્ટમાં પાકિસ્તાન સંડોવાયું હશે એવું આંખ મીંચીને કહી શકાય એમ છે. વિશ્વ આખામાં આતંકી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે. આટલા હુમલાઓ પછી પણ ભારત સર્જિક્લ સ્ટ્રાઈક કે ઓપરેશન સિંદૂરથી સંતોષ માને તે અપૂરતું છે. ખરેખર તો ઓપરેશન સિંદૂર વખતે જ આ પાર કે તે પાર કરવાની જરૂર હતી, તેને બદલે યુદ્ધવિરામ કરી લીધો તે ઠીક ન થયું. યુદ્ધ જ ન હતું, તો યુદ્ધવિરામ કેવો? એમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ભાવ ખાવાનું થયું કે યુદ્ધવિરામ તેમણે કરાવ્યો ને એ પાછું અનેક વખત અનેક ઠેકાણે તેમણે ગાયું પણ ખરું. મોડું કે વહેલું, પાકિસ્તાન નકશા પરથી નહીં ભૂંસાય, તો તે થોડે થોડે વખતે સરહદ પર કે શહેરોમાં આતંકી ઉત્પાત કર્યા વગર રહેવાનું નથી ને આટલો વખત આતંકી હુમલાઓ દ્વારા યુદ્ધ માટે ઉશ્કેરતું હોવા છતાં, ભારત લડી લેવા તૈયાર જ ન થાય તે બરાબર નથી.

આતંકી હુમલાઓ દ્વારા છાશવારે પાકિસ્તાન ભારતીય સૈનિકોને અને નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારે છે, તો ભારત પણ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને કે ઓપરેશન સિંદૂર દ્વારા કાળો કેર વર્તાવે છે. એમાં પાકિસ્તાનને તો જાનમાલની જે હાનિ થતી હશે તે હશે, પણ એમાં આપણા સૈનિકો અને નાગરિકો કારણ વગર મરે છે તે ભૂલવા જેવું નથી. વગર યુદ્ધે, યુદ્ધ જેટલો સંહાર થતો હોય તો યુદ્ધથી દૂર રહીને નિર્દોષોનાં લોહી ક્યાં સુધી વહાવીશું તે વિચારવા જેવું છે.

ઓપરેશન સિંદૂર હાથ ધરાયેલું ત્યારે એવા દાવાઓ કરાયેલા કે હવે પછી પાકિસ્તાન આતંકી હુમલાઓ કરતા પહેલાં હજાર વાર વિચાર કરશે ને ગમ્મત જુઓ કે બીજો આતંકી હુમલો કરવામાં પાકિસ્તાને 6 મહિના પણ રાહ જોઈ નથી. ભારતના બધા દાવાઓને લેખામાં લીધા વિના પાકિસ્તાને સામે પડકાર ફેંક્યો છે કે અમારે હજાર વાર વિચારવાનું જ નથી, અમે તો દિલ્હી જેવો હુમલો કરતા આવ્યા છીએ ને કરતા રહીશું, તમે હજાર વાર વિચારો કે અમને કેવી રીતે પહોંચી વળશો? એ ભારતે નક્કી કરવાનું છે કે તેણે ઓપરેશન સિંદૂરથી અટકી જવું છે કે પાકિસ્તાનને જમીનદોસ્ત કરવું છે? એ ખરું કે આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતે વિચારવાનું રહે, પણ ટ્રમ્પ જેવા તળિયા વગરનાં લોટા આમથી તેમ લોટતા રહેતા હોય, ઘડીમાં ભારતને વખાણતા હોય, તો ઘડીમાં પાકિસ્તાનને ખોળે લીધું હોય તેમ તેની આરતી ઉતારતા હોય, ત્યારે તેમનું માનવા કરતાં સ્વતંત્ર નિર્ણય લઈ પાકિસ્તાનનો ઘડો લાડવો કરી નાખવો જોઈએ, એવું નહીં? પાકિસ્તાને દિલ્હીમાં બ્લાસ્ટ કર્યો ત્યારે અમેરિકા કે ચીનને પૂછ્યું નથી, તો ભારતે શું કામ કોઈની પણ શરમે જાતે વેઠતાં રહેવું જોઈએ?

ભારતને પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશનો પડોશ આજ સુધી ફળ્યો નથી. બાકી, હતું તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન નજીક આવી રહ્યાં છે. તે ય ઓછું હોય તેમ 11 નવેમ્બરે ઈસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આત્મઘાતી હુમલામાં બારેક લોકોનાં મોત થાય છે અને પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ દોષનો ટોપલો ભારતને માથે નાખે છે ને દિલ્હી બોમ્બ બ્લાસ્ટને રહસ્યમય હુમલો ગણાવી હાથ ઊંચા કરી દે છે. પાકિસ્તાન એટલું જૂઠું રાષ્ટ્ર છે કે પોતાના દેશમાં જ આતંકી હુમલો કરાવીને ભારતને જવાબદાર ઠેરવતાં તે સહેજે શરમાય એમ નથી.

અધૂરામાં પૂરું પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકીઓ બાબરીનો બદલો લેવા માંગતાં હતા ને દેશભરમાં 32 કારોથી વિસ્ફોટ કરવાનું તેમનું કાવતરું હતું. દિલ્હીનો બ્લાસ્ટ એ કાવતરાનો જ એક ભાગ હતો. ટૂંકમાં, પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ ઉપદ્રવો કરીને ભારતની ઊંઘ હરામ કરવાનો જ હેતુ ધરાવે છે, તો, જેનો સફાયો કરી શકાય એમ છે, તે પાકિસ્તાનની શરમ ભારતે શું કામ રાખવી જોઈએ? ભારતે હુમલો કરવા દરેક વખતે પાકિસ્તાન હુમલો કરે એની રાહ જોવાનું કોઈ કારણ છે?

એ સાથે જ ભારતમાં જ ભારતના ગદ્દારો આતંકી હુમલાની તકો ઊભી કરી આપે છે, તે પણ ધ્યાને લેવાની જરૂર છે. દિલ્હી બ્લાસ્ટમાં કાશ્મીરના ડોક્ટરની ભૂમિકા કેન્દ્રમાં રહી છે. એ સાથે જ આતંકી ડોકટરોનાં નામ પહેલી વાર સામે આવ્યાં છે. આતંકીઓને અહીંનો સાથ ન હોય તો 2,900 કિલો વિસ્ફોટકો ફરીદાબાદ સુધી પહોંચે કઈ રીતે? કમનસીબી એ છે કે આતંકી ડોકટરોમાંની એક ડો. શાહીન શાહિદ લખનૌની છે ને મહિલા જમાત-ઉલ મોમિનીનની હેડ છે. આવા તો કેટલા ય ભારતમાં રહીને ભારતની ઘોર ખોદતાં હશે. બહારના આતંકીઓને તો મારી પણ ભગાવીએ, આ તો ઘરનાં દીવા આગ લગાડે છે, તે કેમ હોલવવી એ પ્રશ્ન છે.

આમ તો સરકારે દિલ્હી બ્લાસ્ટ આતંકવાદી કૃત્ય છે, એવું પ્રમાણિત કરી દીધું છે, પણ આ હુમલો કયાં આતંકી સંગઠને કરાવ્યો છે તે બહાર આવ્યું નથી. આ અગાઉ આતંકી હુમલો થતો, તો કોઈને કોઈ આતંકી સંગઠન હુમલો તેણે કરાવ્યો છે, એવો લહાવો લેતું હતું, પણ આ વખતે કોઈ સંગઠને જવાબદારી લીધાનું બહાર આવ્યું નથી. એમાં કોઈ શક નથી કે એ પાકિસ્તાનનાં પાળેલ સંગઠનનું જ કામ છે, એટલે ફોડ પડે કે ન પડે, ભારતે પ્રતિકાર કરવા તત્પર રહેવું જ જોઈએ. ભારતની એ કરુણતા છે કે કોઈ એજન્સી, હુમલાના પાંચ દિવસ થવા આવ્યા પછી પણ તેનાં મૂળ સુધી નથી પહોંચી. ભારતીય એજન્સીઓ એટલું જ શોધી શકી છે કે બ્લાસ્ટ થયેલ કાર જમ્મુ કાશ્મીરનો ડો. ઉંમર ચલાવતો હતો. 2,900 કિલો વિસ્ફોટકો સાથે સંકળાયેલા આતંકી ડોકટરો સાથેનું ડો. ઉંમરનું કનેક્શન પણ એજન્સીઓ કબૂલે છે, પણ આ ડોકટરોનો હેન્ડલર કોણ છે, એની કોઈ માહિતી બહાર આવી નથી.

એ પણ છે કે 2,900 કિલો વિસ્ફોટકો રોકવામાં આપણું તંત્ર સરિયામ નિષ્ફળ ગયું છે. વિસ્ફોટકો એક સાથે ભારતમાં ઘૂસ્યા નથી. તે અમુક અંતરે પ્રવેશ્યા છે ને છતાં, પોલીસ તે પકડવામાં સફળ થઈ નથી. ભારતને લડવાનું બહાનું ન મળે એટલે પણ આતંકી સંગઠનો મગનું નામ મરી ન પાડતાં હોય એમ બને. મીડિયામાં અનેક વાતો વહેતી થઈ છે, પણ હકીકતે તો દિલ્હી બ્લાસ્ટમાં તેર લોકોનો ભોગ લેવાયો છે. જે પાંચ ડોકટરો ઝડપાયા છે, એમની મદદથી આતંકનું આખું નેટ વર્ક હાથે લાગી શકે, પણ આજ સુધી આપણે કોઈ આતંકી નેટવર્કનો ભુક્કો બોલાવીને તેને ખતમ કરી શક્યાં નથી. એ જ કારણ છે કે ત્રણેક દાયકાથી આપણે આતંકી હુમલાનો ભોગ બનતા આવ્યા છીએ. સવાલોનો સવાલ એ છે કે કોઈ પણ કારણ વિના ભારતે આતંકી હુમલાઓનો ભોગ શું કામ બનવું જોઈએ? આપણે ગમે એટલી ઉદારતાથી જોઈએ તો પણ એ સમજી લેવાની જરૂર છે કે આ જાત સમજાવટથી માને એમ જ નથી. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે – એ અમથું નથી કહેવાયું …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 નવેમ્બર 2025

Loading

દિલ્હીની આતંકી ઘટનાનો માયનો : લડત બેલાશક લાંબી હોવાની છે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 November 2025

આતંકવાદ –

કોમી ધ્રુવીકરણની વરવી રાજનીતિ

સુરક્ષા તંત્ર સાવધ, સતર્ક, સક્રિય હોય એ તો જરૂરી છે જ; પણ વિચારધારાંધ  આતંકવાદને કોમી વિભાજનના માહોલમાં જેર કરવાનું આકરું છે એનો આપણને અહેસાસ હોય એ ય એટલું  જ અનિવાર્ય છે.

પ્રકાશ ન. શાહ

લાલ કિલ્લા સમીપની આતંકી ઘટના, જ્યાં સુધી પાટનગરીનો સવાલ છે, સપ્ટેમ્બર 2011 બાદની એટલે કે ઠીક ઠીક અંતરાલ બાદની ઘટના છે. સુરક્ષા પ્રશ્નને વાજબી અગ્રતાક્રમના સઘળા પ્રયાસો પછી અને છતાં, 370મી કલમની નાબૂદી સાથે કાશ્મીર સંદર્ભે અંદરબહારના આતંકસ્રોત દબાવી શકાશે એવા ખયાલ છતાં, આ દોરનું શરૂ થવું ચોક્કસ જ વિકસિત ભારતના લક્ષ્ય સામે મહદ્ પડકાર રૂપ છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને જે ત્વરાથી આ ઘટનાની ટીકા કરવાનું સૂઝ્યું, એની સામે પાકિસ્તાનનું વલણ બેલાશક ટીકાપાત્ર છે. પાકિસ્તાન પોતે પણ પીડિત હોઇ શકે છે, પણ પોતે પ્રેરે નહીં ત્યારે પણ નોન-સ્ટેટ એક્ટર્સને પનાહની એની રાજનીતિ ઉપખંડ માટે – બલકે ખુદના અસ્તિત્વની રીતે પણ ઘોર આત્મઘાતકી છે. 

એમોનિયમ નાઇટ્રેટનો જે જથ્થો જેકે પોલીસે ફરીદાબાદથી હસ્તગત કર્યો અને આખી એક ડૉક્ટરી સાંકળનો પર્દાફાશ કર્યો એ આતંકી સંકલનાના ભયાવહ સ્વરૂપને આપણી સામે આણે છે. એટલું જ નહીં પણ ઊંચું ભણતર પોતે કરીને વિચારધારાંધ અફીણનો ઉગાર નથી, એ મુદ્દો પણ એથી સ્ફૂટ થાય છે. પહેલગામના જખમ હજુ સાત મહિને ય રુઝાયા નથી એ સાચું, પણ ત્યારે કદાચ નહીં પકડાયેલું વાનું ફરીદાબાદની એમોનિયમ નાઇટ્રેટ જપતી સાથે જે આંતરરાજ્ય બલકે આંતર-રાષ્ટ્ર સાંકળના સગડ મળ્યા છે, એની સાથે સ્પષ્ટપણે સામે આવે છે જોવાનું છે કે મુજાહિદીન ઉછાળા સમયે ઇજનેરો સંકળાયેલા હતા. અને આ વખતે દાક્તરો સંકળાયેલા છે. ફરી કહું કે દુનિયાદારી નજરે ભણતરની જે દોમદોમ પાયરી લેખાય છે તેના પર વિચારધારાનું અફીણ ને આથો હાવી હોઈ શકે છે. 

હમણાં મુખપોથીમાં એક મિત્રે સંભારી આપ્યું તેમ પત્રકાર હૈદર નકવીએ બહુ જ સટીક એવી તત્ક્ષણ ટિપ્પણીમાં કહ્યું છે કે, આપણે વિચારવું રહે છે કે આપણાં ઘરોમાં, આપણી મસજિદોમાં ને આપણા વર્ગખંડોમાં ભણતર ને સંસ્કારને નામે શું ચાલી રહ્યું છે. ફૂટતાં કૈશોર્યને અને ખીલતી જુવાનીને આપણે કટ્ટરતાના પાઠ ભણાવીએ છીએ કે યુવાન હૈયાંને ન્યાયી નવી દુનિયાનાં સપનાં જોતાં કરીએ છીએ. 

વસ્તુતઃ આ એક વિશ્વચિત્ર છે. ક્યારેક યહૂદીહન્તા હિટલરનો જેઓ મહિમા કરતા હશે તે આજે ગાઝા પટ્ટીના આરબહન્તા યહૂદીઓનો મહિમા કરે છે. ધરમમજહબની તેમ કોમી ધ્રુવીકરણની રાજનીતિ કંઈ હદે વરવી પરિસ્થિતિ સરજી શકે છે, એની સમજ ને સુધબુધ રહે તે આવે પ્રસંગે તીવ્રપણે સમજાઈ રહે છે. ખલિલ જિબ્રાને નાગરિક સહજીવનની રીતે જે એક પાયાનું વિધાન કાવ્યમય બાનીમાં કર્યું છે તે અહીં કાળજે ધરવા જોગ છે. જિબ્રાને કહ્યું છે કે કોઈ પણ સાંકળ, છેવટે તો, એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે. 

હમણાં આરંભે જ સંભાર્યું કે સપ્ટેમ્બર 2011 પછી ખાસાં 14 વરસનાં અંતરે દિલ્હીએ આતંકી ઘટના જોઈ છે. આ વિધાન નિઃશંક સાચું ને ઇતિહાસપુષ્ટ છે. પણ જિબ્રાનની કસોટીને જોઈએ તો થોડાં વરસ પર નવી દિલ્હીમાં જે હિંસાદોર ચાલ્યો હતો અને કેન્દ્ર સરકાર હસ્તકની પોલીસે જે એકતરફી કોમી રવૈયે કામ લીધું હતું તે દેખીતું લાલકિલ્લાની ઘટના જેવું આતંકિત ન પણ કરે, પણ એ આપણા નાગરિક જીવનને કોમી ઊધઈથી પ્રત્યક્ષ જણાય કે ન જણાય (ખરું જોતાં, પ્રત્યક્ષ સમજાય કે ન સમજાય) બેહદ ખોખલું કરનારું હતું અને છે. 

મનમોહનસિંહને આવે પ્રસંગે વિપક્ષ તરફથી જે બધું સંભળાવવામાં આવતું હતું એને બદલે સરવાળે ત્યારના વિપક્ષે એટલે કે હાલના સત્તાપક્ષે તેમજ કૉંગ્રેસ વગેરે વિપક્ષે ઠીક સંયમ જાળવી સાથે રહેવાની ભાવના શરૂઆતના કલાકોમાં પ્રગટ કરી તે અવશ્ય સ્વાગતાર્હ છે. આતંકી ઘટનાઓના દોર સામે જેમ સુરક્ષાતંત્રની કામગીરીનો મહિમા છે તેમ નાગરિક જીવન કોમી ધોરણે ધ્રુવીકૃત ન થાય તે પણ અનિવાર્ય છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2025

Loading

રાષ્ટ્રકવિ દિનકરના લોકદેવ નહેરુ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 November 2025

રામધાર સિંહ ‘દિનકર’

રામધારી સિંહ દિનકર (૧૯૦૮-૧૯૭૪) ન માત્ર જનકવિ કે રાષ્ટ્રકવિ હતા, મહાદેવી વર્માએ તો તેમને વિશ્વકવિ ગણાવ્યા છે. જનસામર્થ્યને ઉજાગર કરતી તેમની ઘણી રચનાઓના કેન્દ્રમાં જનતા છે. દેશના પહેલા પ્રજાસત્તાક પર્વે લખાયેલી તેમની એક કવિતાની પંક્તિ, “સમય કે રથ કા ઘર્ઘર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ” ત્યારે અને આજે પણ લોક આંદોલનનો નારો છે. યુવા વયથી આઝાદી આંદોલનમાં સક્રિય કવિ દિનકરના દેશના પહેલા પ્રધાન મંત્રી પંડિત નહેરુ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. જવાહરલાલ નહેરુ જ તેમને રાજનીતિમાં લઈ આવ્યા હતા. ૧૯૫૨થી ૧૯૬૪ સુધી તેઓ રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત સભ્ય હતા. પરંતુ સરકાર કે સત્તાની નજીક રહેનારા આ કવિએ સત્તાવિરોધી કવિતા લખવાનું છોડ્યું નહોતું. ‘જો તટસ્થ હૈ સમય લિખેગા ઉનકે ભી અપરાધ’ના કવિ દિનકરે “લોકદેવ નહેરુ” પુસ્તકમાં નહેરુનાં સંભારણાં આલેખ્યાં છે.

આઝાદી આંદોલનની સ્વરાજ ત્રિપુટી ગાંધી-નહેરુ-સરદારમાં નહેરુની લોકપ્રિયતા એ હદની કે તે યુવા હ્રદય સમ્રાટ અને જન હ્રદય સમ્રાટ તરીકે ઓળખાતા હતા. નહેરુના અવસાન વખતે અંજલિ આપતાં વિનોબા ભાવેએ તેમને ‘લોકદેવ’ કહ્યા હતા. લોકદેવ નહેરુ લોકોની વચ્ચે કેવા હતા તે દિનકરે સગી આંખે જોઈને વર્ણવ્યું છે.

જવાહરલાલ નેહરુ

નહેરુને નજીકથી જોવાનો, તેમની સાથે મંચ પર બેસવાનો મોકો દિનકરજીને વતન રાજ્ય બિહારના મુજફ્ફરપુરની સભામાં ૧૯૪૮માં મળ્યો હતો. આ સભામાં કવિ દિનકરે કવિતાનો પાઠ કર્યો હતો. નહેરુની સભાઓ જ્યાં થતી ત્યાં તે મેળાનું રૂપ લેતી હતી. લાખોની જનમેદની ઉમટતી, તેમના આગમન સાથે લોકો આંદોલિત થઈ ઉઠતા. તેમનો જયજયકાર કરતી ભીડ ઘણી વાર બેકાબૂ પણ થઈ જતી હતી. આવી વિશ્રુંખલ ભીડને પંડિતજી લોકોની વચ્ચે કૂદી પડીને શાંત કરતા. ક્યારેક તે માટે હાથ જોડતા તો ક્યારેક હાથથી લોકોને મારતા. 

૧૯૪૮ની મુજ્ફ્ફરપુરની સભામાં લોકો બેકાબૂ થતાં નહેરુએ બળપ્રયોગ કરીને લોકોને શાંત કરેલા. આ સભામાં હાજર એક વ્યક્તિએ કવિ દિનકરને કહ્યું હતું, “સારુ થયું કે પંડિતજીએ મને ધોલ મારી. હવે મારાં દુ:ખદારિદ્ર દૂર થઈ જશે.” એક સભામાં તો ભીડને ચીરતી એક મહિલા છેક પંડિતજી પાસે આવી ગઈ. તેણે પાલવ નીચે ઢાંકીને રાખેલો દૂધનો ગ્લાસ સામે ધર્યો અને વડા પ્રધાન નહેરુને કહ્યું ખાસ તમારા માટે જ લાવી છું. પંડિતજીએ પણ અંગરક્ષકોના પહેરાની અને આરોગ્યની પરવા કર્યા વિના, મહિલાના હાથમાંથી દૂધનો ગ્લાસ લઈ લીધો અને ગટગટાવી ગયા. તો આવી હતી નહેરુની લોકપ્રિયતા!

નહેરુ સંસદ અને બંધારણીય સંસ્થાઓનું પૂરતું માન જાળવતા. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે તેમાં પોતાની પૂર્ણ સમયની સક્રિય ઉપસ્થિતિ હોય તેનો ખ્યાલ રાખતા. રાજેન્દ્ર પ્રસાદ દેશના રાષ્ટ્રપતિ બન્યા એ જ દિવસે નહેરુના અભિનંદન ગ્રંથનું લોકાર્પણ થવાનુ હતું. આ કામ રાષ્ટ્રપતિના હસ્તે થાય તેવી સંપાદકોની ઇચ્છા જાણી વડા પ્રધાન નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને મળીને આદેશાત્મક ભાષામાં અરજ કરી : “હું નથી ચાહતો કે અભિનંદન ગ્રંથના વિમોચન જેવા ફાલતુ કામ માટે દેશના રાષ્ટ્રપતિ દિલ્હીની ઈમ્પીરિયલ હોટલમાં જાય કે આવો સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં પણ યોજાય”.

સવારના છ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી, તે સતત કાર્યરત રહેતા વડા પ્રધાન હતા. તેમની કર્મઠતાનાં મૂળમાં તેમનું સારું સ્વાસ્થ્ય પણ હતું. દિનકરજી લખે છે કે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ કરતાં પણ ભારતના વડા પ્રધાનનું કામ મુશ્કેલ છે એટલે પથારીમાંથી ઊઠીને જેને તૈયાર થવામાં સમય લાગે તેણે ભારતના વડા પ્રધાનની ગાદી સંભાળવાની ઇચ્છા જ ન રાખવી જોઈએ. 

જો કે ચીનના ભારત પરના આક્રમણ પછી તેમના આરોગ્ય પર પણ અસર થઈ હતી. ૧૯૫૪ની નહેરુની ચીન મુલાકાતનું સાંભરણ દિનકરે બ્રિટિશ પાર્લામેન્ટના લેબર સભ્ય ડેસમંડ ડોનેલીના હવાલેથી લખ્યું છે. પંડિતજી ચીનમાં હતા ત્યારે જ ડોનેલી પણ હતા. માઓ સાથેની તમારી મુલાકાત કેવી રહીના જવાબમાં નહેરુ કહે છે, માઓએ મને વારંવાર એ પ્રકારે બોલાવવાની કોશિશ કરી કે જાણે હું તેમનો મંત્રી હોઉં. એટલે પછી મેં પણ તેમનો એ ભ્રમ તોડ્યો અને સુણાવી દીધું. 

નહેરુ વિશેનું દિનકરનું એક નિરીક્ષણ લાજવાબ છે. તેમણે લખ્યું છે : અત્યંત સજ્જન અને શિષ્ટ હોવા છતાં પંડિતજી વિનમ્ર નહોતા. પોતાની સીમાઓનું જ્ઞાન પણ મનુષ્યને થોડા વિનમ્ર બનાવે છે. બસ આટલી જ વિનમ્રતા નહેરુમાં હતી. મહાત્મા ગાંધીને બાદ કરતાં તેમણે પોતાના કરતાં કોઈને શ્રેષ્ઠ નથી સમજ્યા. તેઓ એક માત્ર ગાંધીજીના વિચારો સામે જ નતમસ્તક હતા. 

ભારતના મનને આધુનિક બનાવવા પંડિત નહેરુએ અણથક પ્રયાસો કર્યા છે. એકાકી અને નિસંગ નહેરુ, દિનકરના મતે, ભારતના ઇતિહાસમાં એવા પહેલા વ્યક્તિ છે જેમને લોકોનો પ્રેમ ધર્મના લીધે નહીં, પણ ધર્મનિરપેક્ષ કે સેક્યુલર ગુણોના કારણે પ્રાપ્ત થયો છે. કોઈ ધાર્મિક નેતાની જયંતી મનાવવી ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની નીતિથી વિરુદ્ધનું છે, તેવી નહેરુ સરકારની નીતિ હતી. એટલે વડા પ્રધાનના હોદ્દે રહેલા નહેરુ ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું સભાનપણે ટાળતા હતા. દિલ્હીમાં યોજાનારા જૈન સંમેલનના ઉદ્દઘાટનનું નિમંત્રણ ફગાવતા તેમણે કહેલું, “મૈં રાજનીતિજ્ઞ હું. ધર્મ કો મૈં તભી પાસ આને દૂંગા, જબ વહ રાજનીતિ કી પોશાક મેં હો.”

રાષ્ટ્રકવિ દિનકર પોતાને નહેરુ ભક્ત માનતા હતા, પરંતુ ખુશામતખોર નહીં. જો કે આ બાબતે દિનકર કરતાં નહેરુ વધુ સભાન હતા. એક કવિસંમેલનમાં પંડિતજીની ઉપસ્થિતિમાં દિનકરે “જનતા અને જવાહર”  કવિતા વાંચી જેમાં તેમણે નહેરુને “જનતા કે જ્યોતિર્નયન” ગણાવ્યા હતા, તે સાંભળીને પંડિતજીની કોઈ જ દાદ કવિને મળી નહોતી. પરંતુ એક અન્ય સમારંભમાં દિનકરની રાજર્ષિ-અભિનંદન કવિતાની અંતિમ પંક્તિઓ,

‘એક હાથ મેં કમલ  

એક મેં ધર્મદીપ્ત વિજ્ઞાન

લેકર ઉઠનેવાલા હૈ

ધરતી પર હિંદુસ્તાન’  

સાંભળીને પંડિતજી વાહવાહ પોકારી ઉઠ્યા હતા. 

બસ, હવે આડા ચોવીસ જ કલાક છે, જવાહરલાલ નહેરુની વધુ એક જયંતીને. છેલ્લા દોઢેક દાયકાથી દેશમાં જમણેરી બળોના ઉભાર પછી વોટ્સઅપ યુનિવર્સિટીમાં ચીતરાતા નહેરુ કરતાં, નહેરુ કેટલા જુદા હતા, એનો થોડો પણ મહિમા થતો રહે તેવી આશા – અપેક્ષા સાથે નહેરુ અને તેમના સ્વપ્નના ભારતને મુબારકબાદી.

(તા.૧૨.૧૧.૨૦૨૫) 
e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...129130131132...140150160...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved